Advertisement
Author: નોબત સમાચાર

ટેરિફના મુદ્દે ટ્રમ્પ ઘરઆંગણે જ ઘેરાયાઃ ત્યાંની સુપ્રિમ કોર્ટ પર સૌની નજર

યુક્રેન યુદ્ધ અટકાવવા ભારત પર વધુ ટેરિકની ટ્રમ્પની ચિમકી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. પઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના 'ઈગો' (ઘમંડ) ના કારણે જ વિશ્વના ઘણાં દેશો સાથે સંબંધો બગાડ્યા છે, અને ટ્રમ્પને અર્થનીતિ કે અર્થતંત્ર અંગે કાંઈ જ ગતાગમ નથી, તેવો અભિપ્રાય હવે અમેરિકાના જ દિગ્ગજો વ્યક્ત કરવા લાગતા ટેરિફના મુદ્દે ટ્રમ્પ ઘરઆંગણે જ ઘેરાયા છે. બીજી તરફ અમેરિકામાંથી ભારતને પરોક્ષ રીતે સમર્થન મળવા લાગતા ટ્રમ્પની ઈમેજ અને કાર્યકુશળતા અંગે પણ વ્યંગાત્મક કોમેન્ટો થઈ રહી છે.

અમેરિકાના ભારત સાથેના સંબંધો વણસતા અમેરિકાને થનારા નુક્સાન અંગે ઘરઆંગણે તીખા-તમતમતા પ્રહારો થતા ટ્રમ્પ પ્રશાસનમાં પણ અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે.

રો-ખન્નાના તમતમતા પ્રહારો

અમેરિકા-ભારત કોકસના કો-ચેરમેન રો-ખન્નાનો અભિપ્રાય ગઈકાલથી ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે, અમેરિકા-ભારત વચ્ચેની વર્ષો જુની પાર્ટનરશીપ અને પીપલ-ટુ-પીપલ સંબંધો નષ્ટ કરવા ટ્રમ્પ જે પ્રયાસો કરી રહ્યા છે, તે અમેરિકા માટે જોખમનું એલાર્મ છે. તેમણે ભારત-અમેરિકા વચ્ચે તબક્કાવાર ત્રણ દાયકાથી મહામહેનતે ઘનિષ્ઠ બનેલા સંબંધોને ટ્રમ્પે કમજોર કરી દીધા છે. ટ્રમ્પની નીતિઓ ભારતને ચીન તથા રશિયા તરફ ધકેલી રહી છે. આ ખતરનાક ટ્રેન્ડ અમેરિકા માટે અત્યંત જોખમી છે. ભારત પર લદાયેલો ટેરિફ બ્રાઝીલના અપવાદ સિવાય અન્ય કોઈપણ દેશની સરખામણીમાં ઘણો વધુ છે. ચીન ભારત કરતા વધુ ક્રૂડ રશિયા પાસેથી ખરીદતું હોવા છતાં તેના પર ટ્રમ્પે ઓછો ટેરિફ રાખ્યો છે, જે ટ્રમ્પનો ઘમંડ અને અક્ષમ્ય જીદ દર્શાવે છે.

રો-ખન્નાએ તો એવી વાત પણ કરી દીધી, જેથી ટ્રમ્પને હકીકતે ક્યાં પેટમાં દુઃખે છે, તેની પોલ ખુલી ગઈ છે. તેમણ ઘટસ્ફોટ કર્યો છે કે, આખા વિશ્વનું મૂળ કારણ ટ્રમ્પની નોબેલ પારિતોષિક મેળવવાની ઘેલછા છે. તેને શાંતિનું નોબેલ પારિતોષિક મળે, તેવી ભલામણ (પ્રપોઝલ) ભારત જેવો દુનિયાની મોટી લોકશાહી ધરાવતો દેશ કરે તો નોબેલ પારિતોષિકનો નિર્ણય લેતી કમિટી પર પ્રભાવ પડે તેમ હોવાથી તેઓ (ટ્રમ્પ) એવું ઈચ્છતા હતાં કે પાકિસ્તાનની જેમ ભારત પણ આવી પ્રપોઝલ કરે, પરંતુ ભારતના (મોદીએ) તેવું કરવાની ચોખ્ખી ના પાડી દેતા ગિન્નાયેલા ટ્રમ્પ હવે જે મનઘડંત ફેંસલા લઈ રહ્યા છે તે અમેરિકાની જ ઘોર ખોદશે.

પાકિસ્તાન આતંકવાદી પ્રેરક દેશ હોવા છતાં વૈશ્વિક હિતો તથા માપદંડોને કોરે મૂકીને ટ્રમ્પે પાકિસ્તાનનું ખુલ્લુ સમર્થન કર્યું, તેની પાછળ પણ નોબેલની ઘેલછા જ છે. પાકિસ્તાને ટ્રમ્પને શાંતિનું નોબેલ પારિતોષિક આપવાની પ્રપોઝલ કરી હોવાથી ટ્રમ્પ આતંકવાદીઓ પોષતા પાકિસ્તાનની ગોદમાં બેઠા છે, પરંતુ અમેરિકા માટે આ વલણ પગ પર કૂહાડો મારવા જેવું પૂરવાર થવાનું છે.

રો-ખન્નાએ કહ્યું કે, અમેરિકાના હિતેચ્છુ સાંસદો (અમે) ટ્રમ્પને ભારત માટે સંબંધો નષ્ટ કરવાની પરવનગી આપી શકીએ તેમ નથી. અમારે (અમેરિકાએ) અને નક્કી કરવાનું છે કે, વિશ્વનું નેતૃત્વ ચીન નહીં, પણ અમેરિકા કરે. રો-ખન્નાએ તો અમેરિકાના ટ્રમ્પને મતો આપનાર મતદારોને પણ સવાલ કર્યો છે કે, ટ્રમ્પ ભારત સાથે સંબંધો બગાડી રહ્યા હતાં, છતાં તમે ક્યાં હતાં? અમેરિકા તો ચૂપ રહી શકે નહીં.

જેક સુલવાનના ગંભીર આક્ષેપો

 અમેરિકાના પૂર્વ નેશનલ ડિફેન્ટી એડવાઈઝર જેક સુલિવાને પણ ટ્રમ્પ પર પ્રહારો કરીને ટ્રમ્પ પોતાના પરિવાર માટે પાકિસ્તાનમાં બિઝનેસ ડીલના લાભાર્થે ભારત સાથેના અમેરિકાના સંબંધોની બલી ચઢાવીને દેશદ્રોહ કરી રહ્યા છે અને અમેરિકાનું આ કદમ અમેરિકા માટે આત્મઘાતી પૂરવાર થવાનું છે, તેવી ચેતવણી આપી છે.

જ્હોન બોલ્ટનની લાલબત્તી

અમેરિકાના એટર્ની જનરલ જ્હોન બોલ્ટને પણ ભારત સાથેની ટ્રમ્પની ટેરિફ નીતિની ટીકા કરતા કહ્યું કે, પશ્ચિમના દેશોએ મહામહેનતે દાયકાઓની મહેનત પછી ભારતને રશિયાથી થોડું દૂર કરીને અમેરિકા તરફ કર્યું હતું, અને ચીન સાથે ભારતના સંબંધો ઘનિષ્ઠ ન બને તેવી વ્યૂહાત્મક નીતિ અપનાવી હતી, જેના પર ટ્રમ્પની ટેરિફ નીતિઓ પાણી ફેરવી દીધું છે.

એડવર્ડ પ્રાઈસે ખોલી પોલ

સ્કૂલ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ સેન્ટર ફોર ગ્લોબલ અફેર્સ-ન્યૂયોર્કના એડવાઈઝર એડવર્ડ પ્રાઈસે તો ટ્રમ્પની પોલ જ ખોલી નાખી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પને અર્થતંત્ર વિષે કોઈ ગતાગમ જ પડતી નથી તે અર્થતંત્રના થોડાઘણાં જાણકાર હોવાની મારી ધારણા ખોટી પડી છે. ભારત પ્રત્યે જે ટ્રમ્પનો વહેવાર જોઈને મને મારી ભૂલ પણ સમજાઈ ગઈ છે. અમેરિકાએ ભારત વિરોધી ષડ્યંત્ર કરવું અને ભારત સાથે સંબંધો બગાડ્યા, તે જ ટ્રમ્પની બુદ્ધિમત્તા પ્રદર્શિત કરે છે. તેમણે કહ્યું કે, કાં તો ટ્રમ્પ અમેરિકાનું હિત ક્યાં છે, તે સમજી શકતા નથી, અથવા તો તેઓ સક્રિય રીતે સ્વહિતો માટે અમેરિકા વિરૂદ્ધ કામ કરી રહ્યા છે.

હવે સુપ્રિમ કોર્ટ પર નજર

નીચલી કોર્ટે ટ્રમ્પની ટેરિફ નીતિ ગેરકાયદે ગણાવ્યા પછી ત્યાંની સુપ્રિમ કોર્ટમાં ટ્રમ્પે અપીલ કરીને યુક્રેન યુદ્ધ અટકાવવા ભારત પર ટેરિફ વધાર્યો હોવાની દલીલ રજુ કરી છે, અને ટ્રમ્પના દબાણમાં સુપ્રિમ કોર્ટ આવશે કે નહીં તેના પર ટ્રમ્પની નજર મંડાયેલી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh