Advertisement
Author: નોબત સમાચાર

મણિપુરમાં વડાપ્રધાનના હસ્તે ૮૫૦૦ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

ભડકે બળતું હતું ત્યારે નહીં, બે વર્ષ પછી હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતનો ટાઈમ મળ્યોઃ વિપક્ષના પ્રહારઃ મિઝોરમમાં કુતુબમિનાર કરતાં યે ઊંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન

                                                                                                                                                                                                      

ઈમ્ફાલ તા. ૧૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મણિપુરમાં આજે કુલ રૂ. ૮પ૦૦ કરોડના વિકાસ કામોના શિલાન્યાસ અને લોકાર્પણો થયા છે, જ્યારે મિઝોરમમાં કુતુબમિનાર કરતાં યે ઊંચા રેલવે બ્રિજને ખૂલ્લો મૂકવામાં આવ્યો છે. બીજી તરફ મણિપુરમાં વ્યાપક હિંસા થઈ તે પછી બે વર્ષે વડાપ્રધાનને મણિપુર યાદ આવ્યું હોવાના કટાક્ષ સાથે વિપક્ષ વડાપ્રધાન પર તડાપીટ બોલાવી  રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. તેઓએ આજે સવારે મિઝોરમના આઈઝોલમાં ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. તેમાં મુખ્ય છે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ અને મિઝોરમમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે રૂ. ૮,૦૭૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો બૈરાબી-સૈરાંગ રેલ લાઈન પ્રોજેક્ટ, જે મિઝોરમની રાજધાનીને પ્રથમ વખત ભારતીય રેલ નેટવર્ક સાથે જોડશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શુક્રવારે મિઝોરમ પહોંચ્યા હતા અને આ નવા રેલવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ પછી અશ્વિની વૈષ્ણવે કહૃાું હતું કે, 'મિઝોરમને જોડવાનો પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ હતો. જેવી રીતે કાશ્મીરમાં ચિનાબ બ્રિજ એફિલ ટાવરથી ઊંચો છે, તેવી જ રીતે મિઝોરમમાં કુતુબ મિનારથી ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે.'

એક પડકારજનક પહાડી વિસ્તારમાં બનેલા આ રેલવે લાઈન પ્રોજેક્ટમાં જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ૪૫ ટનલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમાં ૫૫ મોટા બ્રિજ અને ૮૮ નાના બ્રિજ પણ સામેલ છે.

રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મિઝોરમ અને દેશના બાકીના ભાગો વચ્ચે સીધો રેલ સંપર્ક પ્રદેશના લોકોને સુરક્ષિત, કાર્યક્ષમ અને સસ્તું મુસાફરી વિકલ્પો પ્રદાન કરશે. તે અનાજ, ખાતરો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમયસર અને વિશ્વસનીય પુરવઠો પણ સુનિશ્ચિત કરશે, જેનાથી સમગ્ર લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને ક્ષેત્રીય પહોંચ વધશે.

વડાપ્રધાન મોદીએ આ અવસર પર ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનો, સૈરાંગ (આઈઝોલ)-દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ) રાજધાની એક્સપ્રેસ, સૈરાંગ-ગુવાહાટી એક્સપ્રેસ અને સૈરાંગ-કોલકાતા એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપી છે. આઈઝોલ હવે એક રાજધાની એક્સપ્રેસ દ્વારા સીધા દિલ્હી સાથે જોડાશે. સૈરાંગ-ગુવાહાટી એક્સપ્રેસ મિઝોરમ અને આસામ વચ્ચે અવરજવરને સરળ બનાવશે. સૈરાંગ-કોલકાતા એક્સપ્રેસ મિઝોરમને સીધું કોલકાતા સાથે જોડશે.'

તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરસતા વરસાદ વચ્ચે મણિપુર પહોંચ્યા છે. તેઓએ ઈમ્ફાલ અને ચુરાચંદપુરમાં બે અલગ-અલગ રેલીઓને સંબોધન સાથે અહીં અનેક પ્રોજેકટ્સનો શિલાન્યાસ કર્યો છે. મે ૨૦૨૩થી મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસા પછી મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત છે.

જો કે, પીએમ બન્યા પછી આ તેમની ૮મી મુલાકાત છે. આ પહેલા તેઓ ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન ૭ વખત મણિપુરની મુલાકાત લઈ ચૂકયા છે. મણિપુર હિંસા પછી, વિપક્ષ સતત પીએમ મોદીને મણિપુરની મુલાકાત લેવાની માગ કરી રહ્યો હતો, હવે પીએમની આ મુલાકાત પર, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, મણિપુરની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે, તે સારૂ છે કે તેઓ હવે ત્યાં જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ ગઈકાલે જણાવ્યું હતું કે, પીએમ શનિવારે બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે ચુરાચંદપુરની મુલાકાત લેશે. ત્યાં તેઓ ચુરાચંદપુર શહેરના મુખ્ય મેદાન પરથી ૭,૩૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેકટ્સનો શિલાન્યાસ કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી, તેઓ ૧,૨૦૦ કરોડ રૂપિયાથી વધુનાં વિકાસ પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન કરશે અને બપોરે ૨.૩૦ વાગ્યે ઈમ્ફાલના ઐતિહાસિક કાંગલા કિલ્લા પરથી જાહેર સભાને સંબોધિત કરશે.

મણિપુરમાં હિંસા શરૂ થયા પછી વિપક્ષી પાર્ટીઓ વારંવાર પીએમ મોદીને મણિપુરની મુલાકાત લેવાની માંગ કરી રહી છે. કોંગ્રેસે વડાપ્રધાન પર મણિપુરની સમસ્યાઓને અવગણવાનો અને ભાજપ શાસન હોવા છતાં ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ૪ એપ્રિલ, ૨૦૨૫ના રાજ્યસભામાં મણિપુરની પરિસ્થિતિ પર વડાપ્રધાન પાસેથી જવાબદારીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને મણિપુર જવું જોઈએ અને ત્યાં કાયદો અને વ્યવસ્થા સુધારવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે, મણિપુરની હિંસા દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુરની ૩ વાર મુલાકાત લીધી હતી. વર્ષ-૨૦૨૩ના જુન મહિનાના અંતે જયારે રાહુલ હિંસાનો ભોગ બનેલા લોકોને મળવા માટે રોડ માર્ગે ચુરાચંદપુર જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે સુરક્ષા કારણોસર ઈમ્ફાલથી લગભગ ૨૦ કિમી દૂર બિષ્ણુપુરમાં તેમના કાફલાને અટકાવ્યો હતો. ભીડને વિખેરવા માટે ચીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. રાહુલ ઈમ્ફાલ પાછા ફર્યા અને હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર ગયા હતા. તે પછી ૧૪ જાન્યુઆરી ૨૦૨૪માં ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરી ત્યારે રાહુલે મણિપુરના થોઉબલથી મુંબઈ સુધી ૬,૭૦૦ કિમીથી વધુની મુસાફરી કરી હતી. તેનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રાખવામાં આવ્યું. રાહુલે કહ્યું હતું કે- મણિપુર જે પીડામાંથી પસાર થયું છે તે અમે સમજીએ છીએ. અમે શાંતિ, પ્રેમ, એકતા પાછી લાવવાનું વચન આપીએ છીએ જેના માટે મણિપુર જાણીતું છે.

તા. ૮ જુલાઈ-૨૦૨૪માં રાહુલે મણિપુરની ત્રીજી મુલાકાતમાં જીરીબામ અને ચુરાચંદપુર જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી અને હિંસાગ્રસ્ત લોકોને મળ્યા. જીરીબામની મુલાકાતના થોડા કલાકો પહેલા, શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષા દળોના સશસ્ત્ર વાહન પર ગોળીબાર કર્યો હતો.

બીજી તરફ મણિપુરના એકમાત્ર રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ વડાપ્રધાનની મુલાકાતને રાજ્ય માટે એક મહાન સૌભાગ્ય ગણાવ્યંુ. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું એ ખૂબ જ ભાગ્યની વાત છે કે મોદી લોકોની મુશ્કેલીઓ સાંભળશે.

મણિપુરમાં ભૂતકાળમાં હિંસક અથડામણોનો ઈતિહાસ રહ્યો છે. જો કે, આવા સમયમાં કોઈપણ વડાપ્રધાને રાજ્યની મુલાકાત લીધી નથી અને લોકોની વાત સાંભળી નથી. મોદી આવા મુશ્કેલ સમયમાં અહીં આવનારા પહેલા વડાપ્રધાન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh