Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં ભરઉનાળે માવઠા સાથે તોફાની પવને સર્જી તારાજીઃ વીજપુરવઠો ખોરવાયો

આકાશી વીજળી ત્રાટકતા માલધારીનું મૃત્યુઃ ૬૬ કે.વી.નો થાંભલો ધરાશાયીઃ વૃક્ષો-વીજવાયરો તૂટ્યાઃ બેનર, બોર્ડ, હોર્ડિંગ્સ ઊડ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: સમગ્ર હાલાર પંથકમાં ગઈકાલે ઢળતી બપોરે એકાએક વાતાવરણ પલ્ટાયં હતું અને વાવાઝોડા માફક તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને છૂટોછવાયો વરસાદ પણ થયો હતો. થોડીવાર માટે ફૂંકાયેલા ભારે પવનના કારણે વ્યાપક નુક્સાન થયું હતું. અનેક વીજપોલ-વૃક્ષો ધરાશાયી થયા હતાં. પરિણામે કેટલાક માર્ગો બંધ થયા હતાં, તો વીજ પુરવઠો પણ કલાકો સુધી બંધ રહ્યો હતો. ર૦ થી ૩૦ મિનિટ સુધી ફૂંકાયેલા ભારે પવન સાથે હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, જોકે એ પછી સ્થિતિ સામાન્ય બની હતી, જ્યારે આકાશી વીજળી ત્રાટકતા એક માલધારીનું મૃત્યુ થયું હતું.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી મુજબ જ ગઈકાલે બપોરે વાવાઝોડા માફક તોફાની પવન ફૂંકાયો હતો. સાથે જ અમુક સ્થળે હળવો વરસાદ પણ થયોહતો.

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં અડધાથી પોણો ઈંચ (૧૬ મી.મી.) અને જામજોધપુર પંથકમાં ૬ મી.મી. વરસાદી ઝાપટું વરસ્યું હતું.

અડધો કેલાક જેટલા સમય માટે વાવાઝોડા માફક ફૂંકાયેલા તેજ પવનના કારણે વ્યાપક નુક્સાન થયું હતું. અનેક સ્થળોએ વીજપોલ, વૃક્ષો, સોલાર પેનલ, મંડપના સમિયાણા હોર્ડીંગ્સ વગેરે તૂટી પડ્યા હતાં. વીજવાયરો પણ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ વીજ કંપની દ્વારા તાબડતોબ મરામત કામગીરી કરતા મહત્તમ વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો, તો ફાયરબ્રિગેડ શાખાની ટૂકડી પણ તરત એક્શનમાં આવી હતી અને તૂટી પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી સત્વરે હાથ ધરી હતી.

રણજીતસાગર માર્ગમાં થયેલા કથાના ડોમનો સત્યાનાશ થઈ ગયો હતો.આવી જ સ્થિતિ હાલારના તમામ તાલુકામાં જોવા મળી હતી. આમ અડધો કલાક સુધી ફૂંકાયેલા પવન પછી બિહામણા દૃશ્યો સર્જાયા હતાં. જામનગર શહેરમાં અનેક સોસાયટી, રોડ-રસ્તા, શેરી-ગલીમાં એટલે કે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતાં. ક્યાંક વીજ વાયરો અને વીજ ટ્રાન્સફોરમર ઉપર પણ પડ્યા હતાં.

લાલપુર બાયપાસ માર્ગે હેવી વીજલાઈન તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના પંચેશ્વર ટાવર માર્ગે ઈન્દ્રપ્રસ્થ બહુમાળી ઈમારતમાં મોબાઈલ ટાવર તૂટી પડ્યો હતો.

દિગ્વિજય પ્લોટ શેરી નં. ૪ નજીકના આર.આર. મોલમાં કાચનું એલીવેશન તૂટી પડ્યું હતું. કનસુમરાના પાટિયા પાસે એક હોટલનો સામિયાણો તૂટીને બે કાર ઉપર પડ્યો હતો. રણજીતસાગર માર્ગે શિવધારા-૪ માં ૬૬ કેવીનો વીજ થાંભલો પણ ધરાશાયી થયો હતો જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો તૂટી પડ્યા હતાં. હોર્ડીંગ્સ અને સોલાર પ્લેટો પણ તૂટી હતી.

રણજીતસાગર માર્ગે કથા મંડપ પણ તૂટી પડ્યો હતો. હનુમાન ગેઈટ પોલીસ ચોકીના બોર્ડ પણ લટકી પડ્યા હતાં. પવનચક્કી માર્ગે વસંત વાટિકા પાસે અને નિલકમલ ચોકમાં મસમોટું ઝાડ તૂટી પડતા વાહનવ્યવહાર અવરોધાયો હત. તેવી જ રીતે લાલપુર બાયપાસ માર્ગે ઝાડ તૂટી પડ્યા, વાહનવ્યવહાર રોકાઈ જવા પામ્યો હતો. સત્યનારાયણ મંદિર રોડ પર ઝાડ તૂટી પડ્યું હતું. પેલેસ માર્ગે ઝાડ તૂટીને કાર ઉપર પડ્યું હતું. એકંદરે જામનગર શહેર-જિલ્લામાં ભારે નુક્સાન થયું હતું.

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પણ વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. પવન સાથે હળવો વરસાદ પણ થયો હતો. આથી ઝાડ તૂટી પડવાના અનેક બનાવો બન્યા હતાં તથા ઘઉં અને રાયડાના પાકને નુક્સાન થયું હતું.

ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ફૂંકાયેલા તેજ પવને ભારે વિનાશ વેર્યો હતો. ઊડતી ધૂળની ડમરીઓ અને સૂસવાટા મારતા પવન વચ્ચે વરસાદ પણ થયો હતો.

એકાદ કલાક સુધી મીની વાવાઝોડએ લોકોને ગભરાવી દીધા હતાં. ખંભાળિયા અને ભાણવડમાં માત્ર ઝાપટા વરસ્યા હતાં, જ્યારે કલ્યાણપુર પંથકમાં અડધો ઈંચ વરસાદ તો દ્વારકા પંથકમાં એક ઈંચ વરસાદ થયો હતો.

ખંભાળિયાના કેશોદ, વિંઝલપર, સલાયા, ભાડથર, ભાણ ખોખરી, માંઝા, કલ્યાણપુર તાલુકાના ભારવડિયા, રાવલ, ભાટિયા, કલ્યાણપુર, ભાણવડમાં નવાગામ, સઈ દેવળિયા, મોરઝર વિગેરે ગામોમાં પણ વરસાદના વાવડ છે, તો ક્યાંક બરફના કરા પણ પડ્યા હતાં.

ખંભાળિયા પંથકમાં અનેક સ્થળે વીજવાયરો તૂટી પડ્યા હતાં. આથી વીજ પુરવઠો ખોરવાયો હતો, સાથે વૃક્ષો પણ તૂટી પડવાના બનાવો બન્યા હતાં. ક્યાંક ગઈકાલે અને અમુક વિસ્તારમાં આજે વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. ખેતરોમાં પાકના ઢગલાને પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યા હતાં, પરંતુ પવનના કારણે આ પ્લાસ્ટિક ઊડી જતા પાકને નુક્સાન થયું હતું. મીઠાપુરમાં પણ ભારે પવન ફૂંકાતા વીજવાયરો અને વૃક્ષો તૂટી પડ્યા હતાં. યાત્રાધામ દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ થતા પાણી વહેતા થયા હતાં, અને દરિયામાં ઊંચા મોજા પણ ઉછળ્યા હતાં. વાડીનારમાં પણ વાવાઝોડા માફક પવન ફૂંકાયો હતો અને વીજપુરવઠો પણ ખોરવાયો હતો.

આમ સમગ્ર હાલાર પંથકમાં વાવાઝોડા જેવા પવનથી ભારે વિનાશ થયો હતો.

જામનગરમાં ગઈકાલે બપોરે આવેલ મીની વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી, જે પૈકી સત્યનારાયણ મંદિર રોડ પર આઝાદ બાગનું એક તોતીંગ વૃક્ષ વીજ સબ સ્ટેશન પર તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો,તેમજ અન્ય એક વીજ થાંભલો બેન્ડ વળી જતા તથા વાયરો તૂટી જતા મોટું નુક્સાન થયું હતું. વીજ સબ સ્ટેશન પરથી વૃક્ષના અવશેષો હટાવવા સહિતની કામગીરી માટે હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરવો પડ્યો હતો. તે દરમિયાન સત્યનારાયણ મંદિર રોડ પરનો વાહનવ્યવહાર બંધ કરાવાયો હતો. આખરે મધરાતે ૧ર કલાકે સમારકામ પૂર્ણ થતા વીજપુરવઠો પૂર્વવત થયો હતો.

ઉલ્લેખનિય છે કે, આઝાદ બાગમાં કમ્પાઉન્ડ વોલ પાસે અનેક જોખમી વૃક્ષો છે જે આસપાસના રહેણાંકો પર તૂટી શકે એમ છે. જેને પગલે સ્થાનિકો પર જોખમ ઝળુંબી રહ્યું છે. આ વૃક્ષોનું નિયંત્રિત છેદન કરવામાં આવે એ જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh