Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાંત્રિકવિધિના સ્થળે રાખવામાં આવેલી થેલીમાંથી ઉઠાંતરીઃ પોલીસે સગડ દબાવ્યાઃ
જામનગર તા. ૧૧: કાલાવડના મકાજી મેઘપર ગામમાં થોડા દિવસ પહેલાં એક પ્રૌઢાને મળી ગયેલા બે શખ્સે રામામંડળમાં આવવાનું આમંત્રણ આપી પોતે તાંત્રિક હોવાનું જણાવ્યા પછી કોઈ દુખ-દર્દ હોય તો દૂર કરી આપવાની વાત કરી હતી. આ શખ્સોની વાતોમાં આવી ગયેલા મહિલાને ઘરમાંથી નડતર દૂર કરી આપવાની આંબા આંબલી બતાવી આ શખ્સોએ ગઈકાલે તાંત્રિકવિધિ માટે ઘરે આવી ઘરમાં પડેલી રકમ વિધિના સ્થળે મૂકવાનું કહી ત્યાં રાખવામાં આવેલી થેલીમાંથી રૂા.૧ લાખ ઉઠાવી લીધા હતા અને પોબારા ભણ્યા હતા. આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિકવિધિના નામે છેતરપિંડી કરી ગયેલા બંને શખ્સના સગડ દબાવ્યા છે.
કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં આવેલી શિવનગર સોસાયટીમાં વસવાટ કરતા લીલીબેન ખોડાભાઈ પટેલ નામના પ્રૌઢાને થોડા દિવસ પહેલાં બે અજાણ્યા શખ્સ મળ્યા હતા. તેઓએ રણુજામાં યોજાયેલા રામામંડળના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપી તેઓને કોઈ દુખ-દર્દ હોય તો દૂર કરી આપવા વાત કરી હતી.
આ શખ્સોની વાતોમાં આવી ગયેલા લીલીબેને પોતાના પગમાં દુખાવો રહેતો હોવાનું કહેતા તેઓને આ શખ્સોએ તમારા ઘરમાં અમૂક નડતર છે તેને તંત્રવિદ્યાથી દૂર કરવી પડશે તેમ કહી તાંત્રિકવિધિ કરવાનું જણાવ્યું હતું અને ગઈકાલે લીલીબેનના ઘેર આવી તાંત્રિકવિધિ કરી આપવા જણાવ્યું હતું.
ગઈકાલે સવારે આ મહિલાના ઘેર આવેલા ઉપરોક્ત બંને અજાણ્યા શખ્સે મંત્રો બોલવાનું નાટક કરી આ મહિલાને વિશ્વાસમાં લીધા પછી પાણીનું આચમન લેવડાવ્યું હતું અને વાતો વાતોમાં ઘરમાં જે કોઈ રકમ પડી હોય તે લાવી આપવા કહ્યું હતું. લીલીબેને ઘરમાં પડેલા પૈસા બહાર કાઢી આ શખ્સો સામે મૂક્યા પછી તેઓનું ધ્યાન ચૂકાવી તેમાંથી રૂા.૧ લાખ ઉઠાવી લઈ થેલી પરત સોંપી દીધી હતી.
ઉપરોક્ત શખ્સોના ગયા પછી થોડીવારે લીલીબેને જે થેલીમાં પૈસા કાઢી આ શખ્સોની સામે મૂક્યા હતા તે રકમ ગણતા તેમાં રૂા.૧ લાખ ઓછા હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી આ શખ્સોની મકાજી મેઘપર ગામમાં શોધખોળ શરૂ કરાઈ હતી પરંતુ તેઓના સગડ મળ્યા ન હતા. તેથી છેતરાઈ ગયાની લાગણી અનુભવી લીલીબેને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં દોડી જઈ પીએસઆઈ સી.બી. રાંકજાને વાત કરતા લીલીબેનની ફરિયાદ પરથી પોલીસે બીએનએસની કલમ ૩૧૮ (૪), ૫૪ હેઠળ ગુન્હો નોંધી બંને શખ્સના સગડ દબાવવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial