Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની મજા ટેનામેન્ટ વાળા, લોરાઇઝ ફ્લેટવાળા, ખુલ્લા મેદાન વાળા લઈ શકે. બહુમાળી ફ્લેટ વાળા માટે આ પર્વ નથી.
સીધું કહી શકાય કે બહુ ઊંચે પહોંચી ગયા પછી ક્યારેક ગમતી મજાઓ છોડવી પડે છે.
ઉત્તરાયણ એટલે એવો દિવસ કે જેમાં માણસ સવારથી સાંજ સુધી આકાશ તરફ જ જુએ. ક્યારેક પતંગ માટે, ક્યારેક પડોશી માટે, અને ક્યારેક એ જોવા માટે કે સામેવાળો પોતાના પતંગ કરતાં પોતે વધારે ઊંચે ઉડી રહૃાો છે કે કેમ! આ દિવસે લોકોનો આત્મવિશ્વાસ એટલો વધી જાય છે કે જે આખું વર્ષ ભાઈ, મને નોકરી અપાવી દેજે કહેતો હતો, એ પણ આજે કહે છે, હું તો બાળપણથી જ લીડર છું.
પતંગ ઉડાડવાની મજા આવે તેનાથી વધારે કાપવાની મજા આવે અને તેથી પણ વધારે લૂંટવાની મજા આવે. હવે આ લોકોની પ્રકૃતિ બની ગઈ છે. રાજકારણમાં જે સરસ રીતે પ્રેઝન્ટેશન કરી શકે કામ કરી શકે તેના કરતાં વધારે કોઈની લીટી નાની કરી શકે, પોતાનો કક્કો સાચો છે તે સાબિત કરી શકે અને તેના માટે કાપા કાપી કરી શકે તે યોગ્ય નેતા અને સૌથી સફળ નેતા એટલે પતંગ લૂંટી શકે અને પોતાના ધાબા પર વટ્ટ પાડી શકે. મારા વાચકો થોડામાં ઘણું સમજી શકે છે.
જે ઉત્તરાયણમાં ઉડાડવામાં કાપવામાં કે લૂંટવામાં ભાગ નથી લઈ શકતા તે માત્ર જુએ છે અને મજા માણે છે એટલે કે તેને આપણે પ્રજા કહીએ છીએ.
આ વર્ષે ઉત્તરાયણમાં એક ખાસ વાત જોવા મળી, પતંગ સાથે રાજકારણ પણ ઉડતું હતું. કોઈ કહે, આ મારો પતંગ, તો સામે વાળો કહે, ના, આ તો અમારી પાર્ટીનો! પતંગ ઉડાડતા ઉડાડતા લોકો એવા ચર્ચા કરે જાણે વિધાનસભામાં બેઠા હોય.
એ પતંગ બહુ ઊંચો ગયો છે, એની દોરી ભલે સબળી હોય પણ હવે એને નીચે લાવવાનો સમય આવ્યો.
પતંગ ઉડાડનારને લાગે છે કે એ દુનિયાનો સૌથી મોટો સ્ટ્રેટેજિસ્ટ છે. રાજકારણમાં પણ એવું જ છે. અહીં નેતાઓ માને છે કે તેઓ દેશ ચલાવે છે, પરંતુ પતંગ જેવી જ હાલતદોરી કોઈ બીજાના હાથમાં!
ઉત્તરાયણમાં બે પ્રકારના લોકો હોય છેએક જે પતંગ કાપે અને બીજા જે પતંગ લૂંટે. કાપનારા બહુ ગર્વીલા હોય છે. એ કહે, અમે સીધા કાપીએ, લૂંટવાની જરૃર નથી. આવા લોકો રાજકારણમાં પણ હોય છે. એ સીધા સ્ટેજ પર ચઢે, માઈક પકડે અને બોલે, આ વિસ્તાર તો આપણો જ છે. લૂંટનારા થોડા શાંત હોય છે. એ કંઈ ન બોલે, ફક્ત જોયા કરે. અને જયારે કોઈ બીજાનો પતંગ પડી જાય, ત્યારે અચાનક સ્પીડ એવી આવે કે ઓલિમ્પિકમાં દોડે તો મેડલ લઈ આવે.
આ લૂંટનારા રાજકારણમાં બહુ કામના છે. એ લોકો પોતે કશું બનાવતા નથી, પણ જે બને છે એમાં પોતાનો હિસ્સો શોધી લે છે.
એમ પતંગમાં પણ ગોથાળીઓ, એટલે કે હવા માં ગોથા મારતો હોય તેમ રાજકારણમાં પણ આવા ગોથાળીયા હોય છે.આજે એક પાર્ટીમાં, કાલે બીજીમાં. એમને પૂછો, તમે ક્યાંના? તો જવાબ આપે, હું તો જીતનારો છું. એમના માટે વિચારધારા પતંગ જેવીહવા બદલાય એટલે દિશા બદલાય.
અગાસી હવે માત્ર મકાનનો ભાગ નથી રહી. એ હવે પોલિટિકલ સ્ટેજ છે. એક ખૂણે ચિક્કી, એક ખૂણે ઉંધીયુ અને વચ્ચે રાજકીય વિશ્લેષણ. લોકો કહે છે, આ વર્ષે પતંગ તો અમે લઈ જઈશું, અને અંદરથી અર્થ એવો કે આ વખતે સીટ અમારી. ચા પીતા પીતા લોકો એવા અંદાજ લગાવે છે જાણે ઇલેક્શન કમિશન એમના ઘરમાં જ બેઠું હોય.
પતંગ ઉડાડતાં માણસ પોતાને સુપરમેન સમજે છે. એને લાગે છે કે આખું આકાશ એની મુઠ્ઠીમાં છે. રાજકારણમાં પણ એવું જ છે. નેતાઓ માને છે કે લોકો એમની પાછળ છે, પણ હકીકતમાં તો લોકો પાછળથી સેલ્ફી લઈ રહૃાા હોય છે. પતંગ ઊંચે જાય, તો બધા કહે, વાહ! પણ પડી જાય, તો બધા પહેલા વિડિયો બનાવે.
ઉત્તરાયણમાં ચીકી કે ઉંધીયું વહેંચાય છે, રાજકારણમાં વચનો વહેંચાય છે. પતંગ પણ કપાય અને વચન પણ.
છેલ્લે, ઉત્તરાયણ આપણને એક સત્ય શીખવે છે. અહીં કોઈ કાયમી ઊંચે નથી. પતંગ આજે ઊંચે, કાલે જમીન પર.
નેતા આજે માઈક પર, કાલે મીમમાં.
આકાશમાં પતંગ ઉડે છે, જમીન પર નેતાઓ, અને વચ્ચે આપણે બધા હસતા, ચીસો પાડતા અને આશા રાખતા કે તહેવાર સરસ ઉજવાશે બધું આપણને ગમતું થશે.
વિચારવાયુઃ વર્ષોથી એક જ કલરમાં રહેલા આકાશને અને પરિણીત પુરૃષને કલરફુલ થવાનો એક દિવસીય મોકો એટલે પતંગ ઉત્સવ ઉત્તરાયણ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial