Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં નીતિશકુમાર સરકારના વળતા પાણી કે એનડીએની હવા ?... 'તેજસ્વી' સિતારાનો ઉદય કે ત્રિશંકુનો સંકેત ?... થોભો...સમજો...અને રાહ જૂઓ...

                                                                                                                                                                                                      

બિહારમાં વિધાનસભાની ચૂંટણીનું ગઈકાલે થયેલું બમ્પર મતદાન ૬૪ ટકાને ઓળંગી ગયું અને કેટલાક મતવિસ્તારમાં થયેલા બમ્પર મતદાને કેટલાક સંકેતો આપી દીધા છે. આચારસંહિતા હોવાથી અત્યારે એકઝીટ પોલ કે કોના તરફ હવા છે, તેની ચોક્કસ ડેટા કે અનુમાનો સાથેની ચર્ચા તો થઈ રહી નથી, પરંતુ ઉભય પક્ષે કરેલા ભવ્ય વિજયના દાવા છતાં જનતાને શું જનાદેશ આપ્યો છે, તેની ખબર તો બીજા તબક્કાના મતદાન પછી ૧૪મી નવેમ્બરે મત ગણતરી સમયે જ પડશે, પરંતુ રેકર્ડબ્રેક ઐતિહાસિક મતદાને ચર્ચા જરૂર જગાવી છે.

ઘણાં લોકો આ બમ્પર મતદાનને પરિવર્તનની હવા ગણાવી રહ્યા છે, તો ઘણાં લોકો આ મતદાનને પૂનરાવર્તનનો જનાદેશ ગણાવી રહ્યા છે. ઘણાં લોકો એવું માની રહ્યા છે કે બિહારમાં એન્ટી ઈન્કમ્બન્સીની હવા છે, તો ઘણાં વિવેચકો આ બમ્પર મતદાનને પ્રો-ઈન્કમ્બન્સી એટલે કે નીતિશકુમાર સરકારની લોકપ્રિયતા ગણાવી રહ્યા છે. આ વખતે વર્ષ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીથી ૧૦ ટકા જેટલું વધુ મતદાન થયું છે, તેનું વિશ્લેષણ થઈ રહ્યું છે. ઘણાં લોકો કહે છે કે "તેજસ્વી" સિતારાનો ઉદય થશે અને આગામી મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જ હશે, અને નીતિશકુમારના વળતા પાણી થશે. જ્યારે ઘણાં લોકો કહે છે કે એનડીએ ને જનાદેશ મળશે જેથી નીતિશકુમાર જ ફરીથી મુખ્યમંત્રી બનશે. આ બધા વિશ્લેષણો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકોમાં થયેલા બમ્પર મતદાનને એનડીએના વિજયનો સંકેત ગણાવ્યો છે, તો ઈન્ડિયા ગઠબંધને જણાવ્યું છે કે તેઓ તો બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં કાર્યકરો નિરાશ થઈ ન જાય, તે માટે જુસ્સો વધારી રહ્યા છે, બાકી આ વખતે એનડીએની હાર નક્કી છે. બીજી તરફ બિહારમાં આ વખતે પ્રો-ઈન્કમ્બન્સી એનડીએ તરફી હવા વહી રહી હોવાના જોરદાર દાવાઓ પણ થઈ રહ્યા છે. કેટલાક તટસ્થ વિશ્લેષકો અત્યારે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણાવીને બીજા તબક્કાના મતદાનની રાહ જોવાનું મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણાં એવા વિવેચકો પણ છે કે જેઓ ત્રિપાંખીયા જંગની હવા નીકળી ગઈ હોવા છતાં હંગ એસેમ્બલી એટલે કે ત્રિશંકૂ વિધાનસભાની સ્થિતિ ઊભી થશે, તેવા અનુમાનો કરી રહ્યા છે. ડેટાબેઈઝ મીડિયા વિશ્લેષણો દરમ્યાન જંગી મતદાન થયું હોય, ત્યાં ભાજપ અથવા એનડીએની સરકાર રચાઈ હોય અને કેટલાક રાજ્યોમાં તો સતત પૂનરાવર્તન થયું હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. બમ્પર મતદાન પછી ગુજરાત, રાજસ્થાન, બિહાર, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ભાજપ અથવા એનડીએને જનતાએ પુનઃ જનાદેશ આપ્યો હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. ઘણાં લોકો નીતિશ સરકારે મહિલાઓના ખાતામાં રૂ. દસ હજાર જમા કરાવાયા, તેને પણ સાંકળી રહ્યા છે. અને ચૂંટણી પહેલા છેલ્લી ઘડીએ આ પ્રકારની હરકતને આચારસંહિતાનો ભંગ ગણાવાઈ રહ્યો છે.

આ પ્રથમ તબક્કાના મતદાનમાં બંને મુખ્ય ગઠબંધનો તથા અન્ય પક્ષોના જે દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે, તેઓ હવે બીજા તબક્કા માટે છૂટથી પ્રચારમાં નીકળશે, જેથી બીજા તબક્કામાં કદાચ પ્રથમ તબક્કા કરતાં પણ વધુ મતદાન થશે, તેવી સંભાવનાઓ અંગે પણ ભિન્ન-ભિન્ન અનુમાનો થઈ રહ્યા છે.

ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ છે. આ પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવાઈ હતી. તેના આધારે  વર્ગીકરણ કરીને નક્કી કરાયેલા માપદંડો મુજબ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં નામ હશે તેવા મહત્તમ મતદારોને કાંઈ આધાર-પુરાવા નહીં આપવા પડે. પરંતુ વર્ગીકરણ મુજબ ક્યા-ક્યા મતદારોને ક્યા આધારો અથવા દસ્તાવેજો આપવા પડશે, તેની સમજ ઘેર-ઘેર ફરીને બી.એલ.ઓ.ની ફોજ આપી રહી છે. આ જ પ્રકારે બિહારમાં પણ એસ.આઈ.આર. થયું હતું અને તે પછી આ પ્રથમ ચૂંટણી છે, તેથી તેના અનુભવે ભવિષ્યમાં પ્રક્રિયાત્મક સુધારા-વધારા પણ થઈ શકે છે, ત્યારે પ્રથમ તબક્કાના મતદાન ટાણે જ થયેલા વોટ ચોરીના આક્ષેપો અને બ્રાઝીલીયન વોટરના પ્રકરણમાં સંબંધિત બ્રાઝીલીયન યુવતીએ આપેલું કથિત નિવેદન અથવા પ્રત્યાઘાતો આજે ટોક ઓફ ધ નેશન બન્યા છે, તો બીજી તરફ સામાન્ય રીતે જંગી મતદાન થાય ત્યારે લોકો પરિવર્તન ઈચ્છતા હોય છે, તેમ જણાવીને બિહારમાં નીતિશ સરકાર ભૂંડી રીતે હારશે અને ઈન્ડિયા ગઠબંધનનો જયજયકાર થશે, તેવો જોરદાર દાવો થઈ રહ્યો છે.

બીજી તરફ એનડીએ પણ બમ્પર વિજયનો દાવો કરી  રહ્યા છે, અને ઈન્ડિયા ગઠબંધનને પરાજયની ગંધ આવી ગઈ હોવાથી વોટ ચોરી, એસઆઈઆર અને બોગસ મતદાનની બહાનાબાજી થઈ રહી હોવાના પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે બિહારની જનતામાં મતદાન માટે જોવા મળતો જુસ્સો પણ ઘણો જ સૂચક છે.

પ્રિયંકા ગાંધી કહે છે કે જે લોકો પેપરલીક તો અટકાવી શકતા નથી અને સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી નથી, ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી લોકોને એરપોર્ટના સપના દેખાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ નીતિશકુમાર સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે દેશમાં હવે ટૂંક સમયમાં જયારે ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાવાની છે, ત્યારે નાલંદા જેવી વિશ્વકક્ષાની બહેતર (શ્રેષ્ઠ) યુનિવર્સિટી બિહારમાં ખોલવામાં આવશે. લાલુ યાદવે તવામાં રોટલી ફેરવતા રહેવી જોઈએ, તેવું જે નિવેદન કર્યું હતું, તેના જવાબમાં એવી ટિખળભરી ટકોર થઈ રહી છે કે વર્ષો સુધી જેલની રોટલીઓ તોડી (ફેરવી) હોય, તે વયોવૃદ્ધ નેતા આ પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ ઘાસ કોણ ખાઈ ગયું હતું, તેની વાત કરતા નથી. તો ઈન્ડિયા ગઠબંધનવાળા કહે છે કે એનડીએમાં પણ ક્યાં બધા દૂધે ધોયેલા છે? હવે બીજા તબક્કાના મતદાનનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh