Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ક્રિકેટ ફીવરનો અદ્ભુત નજારોઃ
જામનગર તા. ૯: ભારતીય જનતા પક્ષના તમામ સાંસદો દ્વારા યોજાઈ રહેલા ખેલ મહોત્સવ અંતર્ગત હાલારના સાંસદ પૂનમબેન માડમના સીધા માર્ગદર્શન હેઠળ તેમના દ્વારા ખેલ મહોત્સવનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત રમતોની સ્પર્ધાઓમાં અંદાજે ૩ લાખ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ખેલ મહોત્સવની સૌથી લાંબી સ્પર્ધા ટેનિસબોલ ક્રિકેટ સ્પર્ધા બની રહી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડમાં લાઈટીંગ, કોમેન્ટ્રી, થર્ડ એમ્પાયર ડીજે, ચારે તરફ પગથિયાવાળું સ્ટેડિયમ, પાર્કિંગ વિગેરેની તમામ સુવિધાઓ સાથે છેલ્લા ૪ર દિવસથી ડે-નાઈટ મેચો રમાયા હતાં.
આ ટુર્નામેન્ટના મેગા ફાઈનલ મેચ સાથે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન થયું હતું. આ મેગા ફાઈનલ મેચ તથા ભવ્ય સમાપન સમારોહ નિહાળવા અંદાજે ૮-૧૦ હજાર જેટલી જનમેદની ઉમટી પડી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડ ચિક્કાર ભરાઈ ગયું હતું, અને સાત રસ્તા માર્ગ ઉપર મેળા જેવો માહોલ સર્જાયો હતો.
મેગા ફાઈનલ મેચનો આરંભ સાંસદ પૂનમબેન માડમે ટોસ ઉછાળીને કરાવ્યો હતો. રામ ઈલેવન ગડુએ નિર્ધારિત ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૪ રનનો જુમલો નોંધાવ્યો હતો. જેના જવાબમાં કેસીસી ઈલેવનના ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૦ રન થતા રામ ઈલેવનની ટીમ ચેમ્પિન થઈ હતી. ફાઈનલ મેચના મેન ઓફ ધી મેચ તરીકે રામ ઈલેવનના હાજા ગઢવીને જાહેર કરાયા હતાં.
સાંસદ પૂનમબેન માડમ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આતશબાજી, ડીજે મ્યુઝિક અને ડાન્સ સાથે પ્રેક્ષકોની ચીચીયારીઓ વચ્ચે વિજેતાઓને ટ્રોફી અને ઈનામો આપવામાં આવ્યા હતાં.
આ સમાપન સમારોહમાં સુપ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારી તેમજ ગુજરાતી ફિલ્મજગતમાં ૧૦૦ કરોડથી વધુ ધંધો કરનાર લાલો ફિલ્મના કલાકારો રિવા રાચ્છ (જામનગર) અને કરણ જોષી ઉપસ્થિત રહ્યા હતાં. આ કલાકારોએ ગ્રાઉન્ડમાં સાંસદ સાથે ફરીને તમામ પ્રેક્ષકોનું અભિવાદન જીલ્યું હતું અને સમાપન સમારોહનું આકર્ષણ બની રહ્યા હતાં. આ ઉપરાંત મેચ દરમિયાન ચોગ્ગા-છગ્ગા કે વિકેટ પડવાના સમયે સીદી બાદશાહ ગ્રુપના ડાન્સે પણ જબરૂ આકર્ષણ જમાવ્યું હતું.
આ સમાપન સમારોહમાં પૂર્વ રાજ્ય મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, કોર્પોરેટરો, મહામંત્રીઓ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પ્રમુખો, સદસ્યો, અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જ્યારે ઉત્સાહભર્યા માહોલમાં સમગ્ર સમાપન સમારોહનું સંચાલન બિમલભાઈ ઓઝાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial