Advertisement
Author: નોબત સમાચાર

જનતા જીતી, સરકાર ઝુકી, બચી ગઈ અરવલ્લીની હારમાળા, પિકચર તો અભી બાકી હૈ ?

                                                                                                                                                                                                      

છેલ્લા બે અઠવાડિયાથી દેશમાં અરવલ્લીની પહાડીઓના મુદ્દાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી અને સડકથી સુપ્રિમ સુધી અને દિલ્હીથી ગુજરાત સુધી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. રાજસ્થાનથી શરૂ થયેલું જન-આંદોલન દેશની રાજધાની સુધી પ્રસરી જાય, તેવા સંકેતો મળી રહ્યા હતા, અને આપણે ગઈકાલે આ મુદ્દે નોબતના છેલ્લા પાને વિશેષ અહેવાલમાં પણ જનતાની અવાજને વાચા આપીને આ મહત્ત્વપૂર્ણ વિષયનું હાર્દ સમજાવ્યુ હતું.

અરવલ્લીના આ મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સરકારના બચાવમાં ઉતરી આવ્યા હતા, અને સમગ્ર મુદ્દો જ બેબુનિયાદ હોવા તથા બિનજરૂરી રીતે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો હોવાના નિવેદનો પણ આવવા લાગ્યા હતા. આ મુદ્દો સુપ્રિમકોર્ટના એક કથિત ચૂકાદા પછી પ્રકાશમાં આવ્યો હતો, અને આ મુદ્દે વિવાદ વધ્યા પછી કોંગ્રેસે પણ આ વિવાદમાં કૂદાવ્યું હતું., અને મોદી સરકારને અણીયાળા સવાલો કર્યા હતા. કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવના ખુલાસાઓને જ ટાંકીને કોંગ્રેસે કહ્યું હતું કે સાચી હકીકત  અલગ જ છે, અને સરકાર કાંઈક અલગ જ વાત કરી રહી છે.

હકીકતે ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પહાડીઓને વર્ષ ૨૦૦૨થી જે વ્યાખ્યા હેઠળ સંરક્ષણ પ્રાપ્ત હતું, તે વ્યાખ્યા અંગે સુપ્રિમકોર્ટની સૂચનાથી રચાયેલી સમિતિના રિપોર્ટના આધારે રાજસ્થાનની જેમ અરવલ્લીની ૧૦૦ મીટરથી ઊંચી પહાડીઓને પહાડ ગણીને તેથી ઓછી ઊંચાઈની પાહડીઓના ખનનને છૂટ મળી શકે તેમ હતી. આ અંગે સુપ્રિમકોર્ટે ૨૦મી નવેમ્બર-૨૦૨૫ના આપેલા ચૂકાદા મુજબ નવી લીઝ પર હંગામી સ્ટે આવી ગયો હતો, અને તે પછી કાનૂની કાર્યવાહીની સાથે સાથે ન્યુઝ ચેનલો તથા અખબારોમાં આ મુદ્દો વધુને વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. આ વિવાદમાં ગુજરાતથી દિલ્હી સુધીના રાજ્યો, પર્યાવરણ પ્રેમીઓ, રાજયો અને કેન્દ્ર સરકારોના વન અને પર્યાવરણ વિભાગો તથા એનજીઓઝ સામેલ છે અને સડકથી સંસદ તથા સુપ્રિમકોર્ટ સુધી આ મુદ્દો પડઘાયા પછી હવે આ વિવાદનો સુખદ અંત આવી જશેે તેમ જણાય છે.

આ મુદ્દે જ્યારે વિવાદ ઘણો જ વકર્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સામે આવ્યા અને જણાવ્યું કે હકીકતે સુપ્રિમકોર્ટે ગ્રીન અરવલ્લી પ્રોજેકટને મંજુરી આપી છે, એન વૈજ્ઞાનિકોને અરવલ્લીનો સંપૂર્ણ નકશો એન સુરક્ષા પ્લાન તૈયાર કરવાની સૂચના આપી છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકોનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ખનન શરૂ થઈ શકે જ નહીં. તેમણે કહ્યું કે અરવલ્લીની પહાડીઓનો ૯૦ ટકા હિસ્સો તદૃન સુરક્ષીત છે, અને માત્ર ૦.૧૯ ટકા વિસ્તાર જ પ્રભાવિત થઈ શકે છે. તેની સામે કોંગ્રેસે કહ્યું હતું કે એ હિસ્સો પણ હજારો કિલોમીટરનો થશે. ખનનના કારણે પહાડો ગાયબ થતા રહેશે તથા પર્યાવરણનું નિકંદન નીકળતુ રહેશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ હતી, અને તે પછી રાજસ્થાનથી ઉઠેલો આંદોલનનો સૂર ગુજરાતથી દિલ્હી સુધી પડઘાયો હતો.

આ ચળવળ શરૂ થયા પછી ડબલ એન્જિનની સરકારો ભીંસમાં મુકાઈ ગઈ હતી, કારણ કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર છે, જ્યારે રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે, એટલું જ નહીં, અત્યારે તો હરિયાણા અને દિલ્હીમાં પણ ભાજપની જ સરકારો છે અને હવાઈ પ્રદુષણના કારણે રાજધાની દિલ્હીની ઘેરી બનેલી સમસ્યાના કારણે ત્યાંની સરકાર બેકફૂટ પર છે. કેન્દ્ર સરકાર અને દિલ્હીની રાજ્ય સરકાર તથા એમસીડીના સંકલિત ક્ષેત્રોમાં ફેલાયેલી પ્રદુષણની સમસ્યા વચ્ચે અરવલ્લીનો વિવાદ વકરીને જનાક્રોશમાં બદલવા લાગતા મોદી સરકાર પાસે પરોઠના પગલા ભરવા સિવાય કોઈ બીજો વિકલ્પ પણ રહ્યો નહોતો.

અંતે...કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સંપૂર્ણ અરવલ્લી પર્વતમાળાનું અવૈદ્ય ખનન અટકાવવા તથા તેના સંરક્ષણના નિર્દેશો આપવા પડ્યા છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે સંબંધિત તમામ રાજય સરકારો દ્વારા અરવલ્લીની પર્વતમાળાના વિસ્તારોમાં માઈનીંગ (ખનન) માટે લીઝ પર આપવા સામે પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી પર્વતમાળા માટે રહેશે, આ પ્રતિબંધનો ઉદૃેશ્ય ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળાની અખંડિતતા તથા પર્યાવરણનું રક્ષણ કરવાનો બતાવાયો છે. આ ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનને પણ અરવલ્લી પહાડીઓ સંબંધિત કેટલીક સંશોધનાત્મક તથા પ્રક્રિયાત્મક જવાબદારીઓ સોંપી છે. ખેર, દેર આયે દૂરસ્ત આયે...

જો કે, પહેલેથી અપાયેલી લીઝની મુદ્દત પૂરી થતા સુધી ખનન ચાલુ રહેશે, પરંતુ હવે લોલંલોલ નહીં ચાલે અને કડક નિયમોનું પાલન કરવું પડશે, તથા સુપ્રિમકોર્ટે ફરમાવેલા નિયમોનું પાલન કરવું પડશે, તેવું જાહેર થયું છે.

અરવલ્લી પર્વતમાળાના આ પ્રકરણ પછી આખા દેશનું ધ્યાન દેશભરમાં આવેલા નાના-મોટા પર્વતો-પહાડીઓમાં કે તેની આજુબાજુ ચાલતા ખનન તરફ ખેંચાયુ છે અને મોટા ભાગે ગેરકાયદે ધમધમતા ખનીજ-ખોદકામો સામે હવે જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપરાંત રાજકીય પક્ષો તથા તદ્વિષયક ક્ષેત્રિય એનજીઓઝ પણ અવાજ ઉઠાવશે, તેમ જણાય છે.સંકેતો એવા મળી રહ્યા છે કે દેશભરમાં ચોતરફ ચાલી રહેલા માઈનીંગ અને ખનીજોની હેરાફેરી પર હવે સૌ કોઈની બાજ નજર રહેવાની છે, અને લોકો પોતપોતાના વિસ્તારોમાં પહાડી ક્ષેત્રો કે વન વિસ્તારોમાં અવૈદ્ય ખનન થતું હશે, તો તેના વીડિયો-ફોટો ઉતારીને તંત્રોને રજૂઆતો કરશે અને આ પ્રકારના પૂરાવા સોશ્યલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વાયરલ થશે, ત્યારે "મિલીભગત"થી ચાલતા ગેરકાયદે ખનનનો પર્દાફાશ થશે. આવું થશે તો અરવલ્લી પહાડીઓના પ્રકરણના ટ્રેલર પછી આખા દેશમાં ધમધમતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓની સંપૂર્ણ ફિલ્મ બહાર આવશે. આ પર્દાફાશ થયા પછી તે પણ સડકોથી સંસદ અને સુપ્રિમ સુધી પડઘાઈ શકે છે. તેથી આ પ્રકારના ખનન જે ગેરકાયદે ચાલતા હોય, તો તેની સામે તંત્રોએ તથા નેતાઓએ પણ જાગૃત થઈ જવું પડે તેમ છે. આપણા હાલારમાં બરડો, કોયલો, ગોપ વગેરે ડુંગરો તથા નાની-મોટી પહાડીઓ પણ સુરક્ષિત રહે અને સંલગ્ન વનવિસ્તારોમાં ગેરકાનૂની ખનન કે વૃક્ષ છેદન ન થાય, તે માટે હવે સ્થાનિક તંત્રો અને નેતાગણ વિશેષ લક્ષ્ય આપશે, તેવી આશા રાખીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh