Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુખ એટલે શું? આ સવાલ લગભગ દરેક વ્યક્તિને દરેક ઉંમરે થતો હોય છે. નાના બાળકો માટે સુખ એટલે ઢગલો રમકડા, યુવાન માટે સુખ એટલે સગવડો, કારકિર્દી, પ્રૌઢ માટે સુખ એટલે સારી પત્ની, સારા સંતાનો, વૃદ્ધાવસ્થામાં સુખ એટલે નિરોગી શરીર-શાંતિ, સ્ત્રી માટે સુખ એટલે સલામતી અને અઢળક સ્નેહ, દરેક ઉંમરે, દરેક સંજોગોમાં સુખની વ્યાખ્યા બદલાય છે. ભુખ્યા હોય તેને ભોજન એટલે સુખ... અને એ માણસ ભરપેટ જમી લે પછી આરામ એટલે સુખ.. સુખ કોઈ વ્યાખ્યામાં બંધાય એવું નથી. દરેક વ્યક્તિ સમય-સંજોગ, અનુકૂળતા મુજબ સુખી છે જ.. અને છતાંય મોટાભાગનાને લાગે છે કે પોતાના સુખમાં કંઈક ખૂટે છે. દરેકને બીજા લોકો વધારે સુખી છે એમ લાગે છે...
સુખ.. એક એવો શબ્દ.. જે દરેકના હોઠ પર છે. પણ દરેકના હૃદયમાં તેનો અર્થ જુદો છે. કોઈ પૂછે કે, 'તમે સુખી છો?' તો જવાબ સહેલો નથી. કારણ કે સુખ કોઈ એક સ્થિતિ નથી, કોઈ નિશ્ચિત સરનામું નથી, તે તો આપણા અંતરમાં ઉગતી સમય અને અનુભવ સુખને સીમિત અર્થમાં બાંધી દીધુ છે. સારા કપડાં, ઊંચી પોસ્ટ, મોટું ઘર. સમાજમાં નામ.. એટલે માણસ સુખી.. આવી સમજ દરેકના મનમાં ફેલાયેલી છે, પરંતુ સાચું તો એ છે કે ભૌતિક સુખમાં તરબતર માણસો પણ દુઃખી હોય છે. આટલું બધું હોવા છતાં અનેક ચહેરાઓ અંદરથી થાકેલા, ઉદાસ અને ખાલી હોય છે. પૈસા જીવનની જરૂરિયાત પૂરી કરે છે, પણ જીવનને અર્થ આપતા નથી. ભરેલા ખિસ્સે પણ હૃદય ખાલી હોય એ સ્થિતિ સૌથી વધુ દુખદ છે.
તો સુખ એટલે શું? સુખ એટલે અભાવની ગેરહાજરી? સાચું બોલવાની હિંમત? મનગમતું કરવાની છૂટ? કંઈક ગુમાવવાના ભય વગર જીવી લેવાની આઝાદી? જે નથી તેના અફસોસ વગર રહેવાની આવડત?..ના.. સુખ તદ્દન અંગત લાગણી છે. સુખનો સાચો આધાર છે સંતોષ... જ્યારે આપણે 'મારી પાસે જે છે એ પૂરતું છે' એવું માની લે ત્યારે જ સુખ તેના જીવનમાં પ્રવેશે છે. પરંતુ આપણે સત બીજાની જિંદગી સાથે જાતની તુલના કરીએ છીએ અને આ તુલના આપણા સુખને ખાઈ જાય છે. ખરેખર તો સામેની વ્યક્તિના સુખ સાથે આપણા સુખનો સંબંધ જ નથી, ક્યાંય પણ ઈર્ષ્યા ન હોય એ વાત સમજાય ત્યારે સુખ આપોઆપ મનમાં પ્રગટે છે.
કેટલીક વખત એવું પણ બને છે કે મનમાં સુખની વ્યાખ્યા નક્કી કરીને તે મેળવવા દોડતા રહીએ છીએ.. હાંફી જવાય ત્યાં સુધી દોડીએ છીએ, રસ્તામાં આવતા સંબંધો કે અન્ય સુખનો ત્યાગ કરીને પણ નક્કી કરેલા સુખને મેળવવા દોડતા રહીએ છીએ અને પછી એવું પણ બને કે જેના માટે દોડતા રહ્યા, જે સુખને દરેક પ્રાર્થનામાં માંગતા રહ્યા. તે સુખ નજરની સામે હોવા છતાં તેના તરફ જોવાની ઈચ્છા ન થાય, તે સુખ હાથ લંબાવીએ એટલું જ દૂર હોવા છતાં હાથ લંબાવવાની ઈચ્છા ન થાય અને ત્યારે સમજાય કે અત્યાર સુધી જે સ્થિતિ હતી તેમાં સુખ હતું જ... બસ નજરમાં ન આવ્યું.
સુખનો એક સૌથી મોટો સ્ત્રોત સંબંધો પણ છે. જીવનની સૌથી મોટી મિલકત સંબંધો છે, પણ આપણે તેની કિંમત સૌથી ઓછી ગણીએ છીએ. પરિવાર સાથે બેસીને બે મિનિટ વાત કરવાનો સમય નથી. મિત્રો સાથે ખૂલીને હસવાનો અવકાશ નથી અને પછી એક દિવસ ભીડમાં પણ એકલા હોવાની લાગણી સતાવે છે, આપણું દુઃખ કોઈ સાંભળે, આપણી સાથે વાત કરે, રોજબરોજની વાતો એકબીજાને કહે. આપણા મૌનને, ગુસ્સાને, હસીને, આંસુને કોઈ સમજે એવા માણસો આપણી મોંઘેરી મિલકત છે અને એ જ સુખ છે.
ક્યારેક સુખ બહુ નાની વાતોમાં છૂપાયેલું હોય છે. સવારે ગરમાગરમ ચા, શિયાળાની સવારે પંખીઓનો અવાજ સાંભળતા વોક, વરસાદમાં લોંગ ડ્રાઈવ, બાળકોના નિર્દોષ તોફાન કે પછી ઘણાં સમય પછી મળેલા કોઈ મિત્ર-સખી કે સ્નેહીજન... આ બધી ક્ષણોમાં સુખ અનુભવાય જ છે. પણ આપણે મોટા સુખની શોધમાં આ નાનકડા સુખને અવગણીએ છીએ. સ્ત્રીઓ માટે સુખનો અર્થ ઘણી વખત વધુ ઊંડો અને સંવેદનશીલ હોય છે. પોતાનું અસ્તિત્વ, પોતાની ઓળખ, પોતાની પસંદ આ બધુ સ્વીકારવામાં આવે ત્યારે સ્ત્રી સાચી રીતે સુખી થાય છે. ઘર સંભાળતી, સંબંધો જાળવતી, દરેકની અપેક્ષા પૂરી કરતી સ્ત્રી ઘણીવાર પોતાની જાત, પોતાના શોખ, પોતાના સપના, પોતાના ગમા-અણગમાને ભૂલી જાય છે. ઘણી વખત અઢળક સપના લઈને પિયરથી સાસરે આવી હોય અને જેનો હાથ પકડ્યો છે તે સાથ ન આપે ત્યારે તેને દુઃખ થાય છે, પણ જો તેને સાથ મળે, કદર મળે, સપના પૂરા કરવા અવકાશ મળે તે દિવસે તેના મનમાં સુખ જન્મે છે. સ્ત્રી માટે સુખ નાની નાની વાતોમાં છૂપાયેલુ છે. 'તુ કેમ છો? સાંજે શું લાઉ?, આજે રસોઈ સરસ બની છે, તું થાકી ગઈ હો તો આરામ કરી લે...' આવા નાના વાક્યો, હળવું આલિંગન પણ તેના માટે સુખ જ છે.
આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો સુખ બહાર નથી, આપણી અંદર જ છે. પરિસ્થિતિ બદલાતી રહે છે, લોકો બદલાય છે, સમય બદલાય છે, પણ જે સુખ આત્મામાં વસે છે, તે કોઈ છીનવી નથી શકતું સુખ એટલે દુઃખનું ન હોવું એવું નહી, સુખ એટલે દુઃખ સાથે જીવતા શીખવું, આંસુ, નિરાશા વચ્ચે પણ આશાનો દીવો પ્રગટાવી રાખવો એ જ સુખ...
અંતે એટલું કહીશ કે સુખ કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતું નથી, તે દરેકના જીવનનો અલગ અનુભવ છે, અલગ સફર છે. કોઈ માટે સુખ મૌનમાં છે, તો કોઈ માટે બોલવામાં, કોઈ માટે સુખ એકલા રડવામાં છે તો કોઈ માટે કોઈના ખભા પર આંસુ સારવામાં, કોઈ માટે સુખ સ્વીકારવામાં છે, તો કોઈ માટે છોડવામાં.. સુખ એટલે સંપૂર્ણ જીવન નહી પણ અધૂરા જીવનને પણ હૃદય પૂર્વક સ્વીકારીને જીવી લેવાની હિંમત છે.
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial