Advertisement
Author: નોબત સમાચાર

અંબર ચોકડી પરથી પસાર થતાં વાહનચાલકો માટે ખુશીની ખબરઃ રોડ ખોલી આપવાની તંત્ર દ્વારા કરાઈ કામગીરી

દોઢેક મહિનાથી જાહેરનામા વગર જ ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના હૃદયસમા અંબર ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજને જોડવાની કામગીરી કરવાની છે તેમ કહી અઢી મહિનાથી રોડ વચ્ચે પતરા મારી ટ્રાફિકને ડાયવર્ટ કરનાર તંત્રવાહકોને આખરે હવે બહુ થયું તેમ સમજાયું હોય તે રીતે ગઈકાલ રાતથી આ રોડ ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો છે. આ રોડ એકાદ મહિના માટે બંધ રાખવો પડશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી બાકીના દોઢેક મહિના સુધી આ રોડ ક્યારે શરૂ થશે તેની જાણ કરવાની પણ તંત્રએ તસ્દી નહોતી લીધી. જો કે, આ બાબત હવે ગૌણ છે.

જામનગરના સુભાષ બ્રિજથી માંડી સાત રસ્તા સર્કલ સુધી ઓવરબ્રિજની કામગીરી છેલ્લા સાડા ત્રણેક વર્ષથી ચાલી રહી છે. આ બ્રિજમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હોવા છતાં તેનું અગાઉનું બજેટ યથાવત રહ્યું છે અને તેમાં રૂ.ત્રીસેક કરોડ ઉમેરી પણ આપવામાં આવ્યા છે. તે કોની મહેરબાની છે? તે પ્રશ્ન અત્રે ગૌણ છે પરંતુ આ બ્રિજ બનાવવાના કામના કારણે રાહદારીઓ, વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત કોઈ રીતે આવતો નથી.

આવી પરિસ્થિતિમાં રાહતના એક સમાચાર આવ્યા છે. જેમાં અંબર ચોકડી નજીક અઢી મહિના પહેલાં બંધ કરવામાં આવેલો રોડ ગઈકાલ રાતની ખોલી નાખવામાં આવ્યો છે. જેથી લોકોને થોડા ઘણા અંશે રાહત મળવા પામી છે. જો કે, ગયા એપ્રિલ મહિનામાં એકાદ મહિના માટે આ રોડ બંધ રાખવો પડશે અને વાહનચાલકોને થોડી અગવડ પડશે તેમ જણાવી વાહન વ્યવહારને બંને સાઈડમાંથી ડાયવર્ટ કરી ઓવરબ્રિજને અંબર ચોકડી પાસે જોડવાનું કામ શરૂ કરાયું હતું.

તે માટે જાહેર કરાયેલા જાહેરનામાની મુદ્દત ૪૫ દિવસ પહેલાં પૂર્ણ થઈ ગયા પછી પણ આ રોડ શા માટે ફરીથી શરૂ કરવામાં નથી આવતો તેવો પ્રશ્ન કોઈ વ્યક્તિએ જવાબદાર તંત્રને પૂછ્યો ન હતો તેમ છતાં તંત્રને જાણે કે હવે આ રોડ શરૂ કરવો જોઈએ તેવી નૈતિક જવાબદારીનું કુદરતી રીતે ભાન થયું હોય તે રીતે ગઈકાલ રાતથી આ રોડને ફરીથી શરૂ કરવામાં આવ્યો છે અને વાહન વ્યવહારને રોકવા માટે જી.જી. હોસ્પિટલ તરફથી આવતા માર્ગ અને ત્રણબત્તી તરફથી જતા માર્ગ વચ્ચે લગાવવામાં આવેલા પતરાઓ કાઢી લેવામાં આવ્યા છે!

જો કે, એકાદ મહિનાના સમયગાળા માટે આ રોડ બંધ કરવામાં આવે છે તેવી તંત્ર દ્વારા જાહેરનામાના માધ્યમથી નાગરિકોને જાણ કરાયા પછી એપ્રિલ મહિનાથી ગઈકાલે તા.૧૭ જુલાઈ સુધી આ રોડ 'કામસર' બંધ રહ્યો તે અલગ મુદ્દો છે પરંતુ તેમાં ખાસ મુદ્દો એ છે કે, આટલા સમય સુધી આ રોડ બંધ રાખવામાં આવ્યો તેમ છતાં કોઈને રાહદારી વાહનચાલકોની મુશ્કેલી નજરે ન આવી કે તંત્રને પણ હવે થોડા જ દિવસોમાં રોડ શરૂ કરી દઈશું તેવી જાણ કરવાની તસ્દી લેવાનો સમય મળ્યો!

આ તો આપમેળે એટલે કે જેમ વરસાદ પોતાની જાતે વરસે છે તેમ તંત્રવાહકોને એમ લાગ્યું કે, ચાલો... ઘણું થયું, ઘણાં દિવસો થયા, કામ થઈ ગયું છે, હવે રોડ ખોલી નાખીએ... એટલે રોડ ખોલી નાખવામાં આવ્યો છે, બાકી ક્યાં કોઈ પૂછવાવાળું છે...?

બસ... આ જ રીતે હાલમાં જે પ્રમાણે સુભાષબ્રિજ પાસે, જ્યાં આ ઓવરબ્રિજ ઉતરે છે ત્યાં ભૂગર્ભ ગટર સહિતના કામ કરવાના છે તેમ જણાવી થોડા દિવસ માટે આ રોડ બંધ રાખવો પડશે તેવી જાણ કરી આ રોડને બંધ કરી દેનાર તંત્ર હવે કેટલા દિવસમાં આ કામ પૂર્ણ કરશે અને ઓવરબ્રિજનું કામ ભલે ચાલુ હોય, પણ બાજુમાંથી વાહન વ્યવહાર શરૂ કરાવે એટલી જ વાર છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh