Advertisement
Author: નોબત સમાચાર

માતૃભાષાની સમજ કાંઈક ઓર છે... માનો યા ના માનો

આંતરરાષ્ટ્રીય સંપર્કોની ભાષા અંગ્રેજી જરૂરી છે, પણ

                                                                                                                                                                                                      

આ યુગમાં કોઈનો ભરોસો કરવા જેવો નથી અને માલ-મિલકત-સંપત્તિ, જર-જમીન અને ધંધા-વ્યવસાય માટે ઘણાં લોકો છેતરપિંડી, દગાબાજી અને વિશ્વાસઘાત કરતા અચકાતા હોતા નથી, તેથી આ યુગમાં કોનો ભરોસો કરવો અને કોનો વિશ્વાસ ન કરવો, કોણ આપણું અને કોણ પરાયું, કોણ દોસ્ત અને કોણ દુશ્મન તેનું ચિંતન કરવું પડે તેમ છે. ઘણી બધી બાબતે ચિંતન કરવું પડે તેમ છે, અને કદાચ તેના માટે કદાચ આખી દુનિયામાં દર વર્ષે એક દિવસ એવો રખાયો છે, જેમાં લોકો 'ચિંતન' કરી શકે, અને તેને વિશ્વચિંતન દિવસ ચિંતન દિવસ અથવા વર્લ્ડ થિન્કીંગ ડે તરીકે ઓળખવામાં આવે છે.

વિશ્વ ચિંતન દિવસ

દર વર્ષે રર મી ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ થિન્કીંગ ડે મનાવાય છે, જેને વિશ્વ ચિંતન દિવસ કહેવાય છે. આ દિવસે ભાઈચારો, મહિલા સશક્તિકરણ અને અન્ય વૈશ્વિક મુદ્દાઓના સંદર્ભે વૈશ્વિક જાગૃતિ વધારવાના પ્રયાસો થાય છે, ખાસ કરીને કન્યાઓને સશક્ત બનાવવા અને ભાઈચારાને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ગર્લ ગાઈડ્ઝ અને ગર્લ સ્કાઉટ્સ વચ્ચે એક્તા વધારવા તથા સામાજિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

સ્કાઉન્ટીંગના સ્થાપક લોર્ડ બેડેન પોવેલ અને લેડી ઓલેવ બેડેન પોવેલના જન્મદિને આ દિવસ મનાવાય છે. આ દિવસે ૧પ૦ થી વધુ દેશોમાં વૈશ્વિક મુદ્દાઓ પર ચિંતન થાય છે, જેમાં ખાસ કરીને ગર્લ્સ સ્કાઉટ્સ અને કન્યાઓની સંસ્થાઓ દ્વારા પોતાની ક્ષમતા પર વિશેષરૂપે ચિંતન થાય છે, અને વિચારોની આપ-લે થાય છે.

વિશ્વ ચિંતન દિવસનો ઈતિહાસ તથા સંદર્ભો ગર્લ્સ સ્ટ્રેન્ધન (કન્યાઓના સશક્તિકરણ) ને કેન્દ્રમાં રાખીને વર્ણવાયો છે, પરંતુ હકીકતે આ વિષય જ ઘણો જ વિશાળ છે, અને કન્યા સશક્તિકરણ, નારીશક્તિકરણને સાંકળીને જ વ્યાપકપણે સાંપ્રત સમયના ઘણાં બધા મુદ્દાઓને તેમાં આવરી શકાય તેમ છે, કારણ કે આ તમામ મુદ્દાઓ હકીકતે 'અવર સ્ટોરીઝ' એટલે કે 'આપણી કહાનીઓ' જ છે, અને જો વ્યાપક સ્વરૂપમાં વિશ્વ ચિંતન દિવસની ઉજવણી કરવામાં આવે, તો તેમાંથી સાંપ્રત સમયની વૈશ્વિક સમસ્યાનો સમાધાનકારી અને સર્વસ્વીકૃત ઉપાય પણ મળી શકે તેમ છે.

આ દિવસે ખાસ કરીને દીકરીઓને નેતૃત્વ અને સશક્તિકરણ માટે જાગૃત કરવાના કાર્યક્રમો યોજાય છે. જુથચર્ચાઓ, સેમિનારો, ફંડરાઈઝીંગ, સામુદાયિક સેવાઓ વિગેરે પ્રવૃત્તિઓ થાય છે. વર્ષ ર૦ર૬ નું વિશ્વ ચિંતન દિવસ અથવા વર્લ્ડ થિન્કીંગ-ડે ની થીમ 'અવર સ્ટોરી' અથવા 'આપણી સ્ટોરી' રાખવામાં આવ્યું છે.

આ દિવસનો પૂર્વ ઈતિહાસ જાણવા માટે ઊંડુ ઉતરવું પડે, પરંતુ ટૂંકમાં વર્ણવીએ તો વર્ષ ૧૯ર૬માં સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા (યુએસએ) ના એડિથ મેંસીમાં ગર્લ સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સનું ચોથું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેને વર્ષ ૧૯૯૯ માં આયર્લેન્ડમાં આયોજીત૩૦ મા વિશ્વ સંમેલન દરમિયાન 'થિન્કીંગ ડે'નું નામ અપાયું. આ દિવસે વિશ્વના વિવિધ મુદ્દે ચિંતન જરૂર થાય છે, પરંતુ તેમાં કેન્દ્રસ્થાને નારી સશક્તિકરણ અને ગર્લ્સ મુવમેન્ટ હોય છે.

જો કે, અત્યારે વિશ્વભરમાં અશાંતિ, યુદ્ધ અને અનિશ્ચિતતાઓનો માહોલ છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ રહ્યું નથી, તો બીજી તરફ અમેરિકા-ઈરાન વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ હોય તેમ જણાય છે. ટ્રમ્પે ટ્રેડવોર શરૂ કર્યું છે અને તેની આડમાં તેઓ અન્ય દેશોમાં હસ્તક્ષેપ કરીને અશાંતિ સર્જાય તેવા છમકલાંઓ કરી રહ્યા છે, ત્યારે વિશ્વશાંતિ અને સમજદારી દિવસનો વ્યાપ વધારીને ગર્લ્સ સ્ક્રાઉટ્સ અને નારીશક્તિના મુદ્દાઓ ઉપરાંત વૈશ્વિક સાંપ્રત પ્રવાહોના સ્થાયી શાંતિ કેવી રીતે સ્થાપી શકાય, તેની પણ ચર્ચા થવી જોઈએ, અને આ મુદ્દાઓ 'અવર સ્ટોરીઝ' સાથે પણ સુસંગત થઈ શકે તેમ છે, ખરૃં કે નહીં?... અને આ ચર્ચાઓ પણ પોતપોતાની માતૃભાષામાં જ થાય, તો વધુ ફળદાયી નિવડશે એ નક્કી છે.

વિશ્વ શાંતિ દિવસની ચર્ચાઓ જો પોતપોતાની માતૃભષામાં જ કરવાની હોય તો આપણે પણ વિશ્વ માતૃભાષા દિવસની ચર્ચા પણ આપણી માતૃભાષામાં ગુજરાતીમાં જ કરીએ...

વિશ્વ માતૃભાષા દિવસ

ગુજરાતમાં કહેવત છે કે, બાર ગાઉએ બોલી બદલાય, એટલે કે થોડા કિલોમીટર દૂર જતા જ બોલી એટલે કે વાતચીતની ભાષા બદલાઈ જતી હોય છે. સામાન્ય રીતે 'માતૃભાષાની વ્યાપક્તા માતા-પિતાની ભાષા અથવા પોતે જ્યાં જન્મ્યા હોય કે ઉછર્યા હોય, ત્યાંની ભાષા' એવી કરવામાં આવે છે, પરંતુ જુદી જુદી ભાષાઓમાં માતૃભાષાની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરવામાં આવે છે અને તેના સંદર્ભો પણ અલગ અલગ હોય છે, પરંતુ સામાન્ય અર્થ એવો થાય કે માતૃભૂમિમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા...

દર વર્ષે ર૧ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધતામાં એક્તા, સાંસ્કૃતિક વૈવિધ્ય, બહુભાષાવાદને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં કોઈ સંકુચિતતા કે વાડાબંધીને સ્થાન હોઈ જ શકે નહીં.

યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૯ માં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણીની ઘોષણા થયા પછી વર્ષ ર૦૦૦ થી દર વર્ષે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી દુનિયાભરમાં શરૂ થઈ હતી, અને આ દિવસ માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધનની સાથે સાથે માતૃભૂમિ પ્રત્યેની ભાવના, સંવેદના અને આદરની સરવાણી પણ વહાવે છે. આ ઉજવણી માતૃભાષાના ભોગે અન્ય ભાષાઓમાં મહારત હાંસલ કરવાની ઘેલછાને પણ પડકારે છે.

ઘણાં લોકોને ખબર નહીં હોય કે, માતૃભાષા દિવસના કોન્સેપ્ટના મૂળ ભારત આઝાદ થયા પછી છૂટા થયેલા અખંડ પાકિસ્તાનના પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગલાદેશ) માં પડેલા છે. વર્ષ ૧૯પર માં ર૧ મી ફેબ્રુઆરીથી પોતાની માતૃભાષાના અસ્તિત્વ માટે લડત આપીને શહીદ થનાર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તેમાંથી માતૃભાષાનો કોન્સેપ્ટ જન્મ્યો હતો, અને દાયકાઓ પછી યુનેસ્કો દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી આ ઉમદા કોન્સેપ્ટને અનુરૂપ જ શરૂ થઈ હોય, તેવું લાગ્યું હતું.

આ ઉજવણીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં પોતપોતાની માતૃભાષાના જતન, ગૌરવ અને સંવર્ધન થાય, તેવો રખાયો છે. સાથે સાથે વિશ્વની તમામ ભાષાઓનું સન્માન તથા વિવિધતાની સ્વીકૃતિનો આદર્શ પણ પણ સ્વીકારાયો છે, જો કે ભારતમાં તે પછી થયેલા ભાષા વિવાદો પછી ભાષાના આધારે રાજ્યોની રચના થઈ હતી. આજે પણ કમનસીબે કેટલાક પ્રદેશોમાં ભાષાકીય વિવિધતાને લઈને મતમતાંરો પ્રવર્તે છે અને વિવાદો ઊભા કરવાના પણ પ્રયાસો થાય છે, જો કે દેશની સામાન્ય જનતામાં પરસ્પર ભાષાઓની આદરપૂર્વક સ્વીકૃતિ જોવા મળતી હોવાથી રાજકીય કે કોઈ અન્ય કારણોસર આ પ્રકારની તંગદિલી ઊભી કરવા માગતા પરિબળો બહુ સફળ થતા હોતા નથી.

આ ઉજવણીમાં માતૃભૂમિ અને માતૃભાષા વચ્ચેના અતૂટ સંબંધોને મજબૂત કરે છે, અને ગૌરવ પણ વધારે છે. શાળા-મહાશાળાઓ, કોલેજો, યુવા અને સાંસ્કૃતિ સંસ્થાઓ તથા સરકારી સંબંધિત વિભાગો દ્વારા આ ઉજવણી દરમિયાન વિવિધાસભર કાર્યક્રમો યોજાય છે, અને માઁ, માતૃભૂમિ અને માતૃભાષાનો મહિમા અને મહત્ત્વ નવી પેઢીને સમજાવાય છે.

આપણી ગરવી ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે. બાર ગાઉએ બોલી બદલાય છે, પરંતુ ગુજરાતી ભાષા એ જ રહે છે, અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ઈતિહાસ તથા ગુજરાતી પરંપરાઓની એક અલગ જ આભા છે અને તેની ગરિમા પણ કાંઈક ઓર જ છે...

આજે આંતરરાષ્ટ્રીય સંપર્કની ભાષા તરીકે અંગ્રેજી ભાષાના મહત્ત્વને નકારી શકાય તેમ નથી, અને તેને ધ્યાને લઈને અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવા, કે પછી ગુજરાતી માધ્યમમાં ભણાવીને તેનું અંગ્રેજી પણ સચોટ હોય, તેવી રીતે શિક્ષણ અપાય તો કાંઈ ખોટું નથી, અને બન્ને વિકલ્પો આજે અપનાવાઈ રહ્યા છે, પરંતુ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવા જતા માતૃભાષા જ આપણાં બાળકને તદ્ન આવડે નહીં અથવા આપણી માતૃભાષાથી જ બાળક અત્યારથી જ અજ્ઞાત રહે કે પછી બન્ને ભાષા બગડે, તેવી સ્થિતિ તો ઊભી થવી જ ન જોઈએ. માતૃભાષાના ભોગે અંગ્રેજીમાં બાળકને માહીર બનાવ્યા પછી તે બાળક મોટું થયા પછી પોતાની જ માતૃભાષા નહીં આવડતી હોવાથી તેને ઘણી મુશ્કેલી પડતી હોય કે પછી શરમજનક સ્થિતિમાં મૂકાવું પડતું હોય, તેવા ઘણાં દૃષ્ટાંતો આપણી વચ્ચે જ હોય છે, તેથી જ્યારે બાળક નાનકડું હોય ત્યારે તેને પહેલેથી જ જીવનની રોજીંદી પ્રક્રિયાઓ અથવા ચીજવસ્તુઓને (ગુજરાતી ભાષામાં સમજાવ્યા વગર જ ડાયરેક્ટ) અંગ્રેજીમાં ઓળખાવનારા માતા-પિતાના બાળકો મોટા થઈને માતૃભાષા જ આવડતી નહીં હોવાથી સંકોચ પણ અનુભવતા હોય છે. તેથી માતૃભાષાને બુનિયાદ બનાવીને તેને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં માહિર બનાવવા વધુ હિતાવહ છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh