Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેખનું શીર્ષક વાચી અને તમને એમ થયું હશે કે હું જિંદગીથી કંટાળી અને કટાક્ષ કરૃં છું. પરંતુ ના હું જિંદગી ભરપુર માણું જ છું. છતાં મને અમુક સંજોગોમાં એવું લાગે છે કે જિંદગી કૂતરા જેવી હોવી જોઈએ પરંતુ *(ફૂદડી) તેમાં પણ ખરી, એટલે કે શરતો લાગુ. અમે સ્કૂલ સમયના મિત્રો દર ૬ મહિને ભેગા થઈ અને ભૂતકાળ વાગોળીએ અને દરેક મિત્ર પરિણીત હોય પુરૂષો પોતાનું દુઃખ ભુલવાનો પ્રયત્ન કરે અને પત્નીઓથી એ ચાર-પાંચ દિવસ આઝાદી મેળવે છે અને આનંદ કરે છે, જોકે આવું અમે પુરૂષો માનીએ છીએ હકીકતમાં તો સ્ત્રીઓ એટલે કે અમારી મિત્રોની એકલૌતી પત્નીઓ જે આનંદ કરતી હોય છે તે જોઈ અને એવું થાય કે ખરેખર અમે એમને ત્રાસ આપતા હશુ કે શું?
હવે મૂળ વાત પર આવું તો પહેલા એક જમાનો હતો જ્યારે કૂતરો ઘરની બહાર બંધાતો અને પરિવારના સભ્યો ઘરની અંદર રહેતા. અત્યારે પરિસ્થિતિ વિપરીત છે કૂતરા પણ એવા બાદશાહી થઈ ગયા છે કે પરિવારનો એક સભ્ય બહાર ખાટલો નાખીને સૂતો હોય ત્યારે કૂતરા અંદરના એસી રૂમમાં પલંગ પર આળોટતા હોય.
અમારા મિત્ર શૈલેષના ઘરે બે કૂતરા પાળ્યા છે અને શૈલેષનું કહેવું છે કે બંને અજાણ્યા માણસોને બહુ કરડે છે એટલે મહેમાનોની સંખ્યા બહુ ઓછી રહે છે. પરંતુ અમે સાથે ભણતા દરેક મિત્રો પરિવારના સભ્યો તરીકે જઈએ છીએ મહેમાનોમાં અમારી ગણતરી ન હોય અને કૂતરાઓ પણ આ વાત સારી રીતે જાણી ગયા છે એટલે શૈલેષને રાહત મળતી નથી.
લોનાવાલા જતાં જ રાત્રે બંગલામાં પહોંચ્યા કે તરત જ એક કૂતરાએ દરવાજા ઉપર જ અમારૃં સ્વાગત કર્યું આવો આવો ના અવાજો અંદરથી આવ્યા મેં બહારથી જ પૂછયું કે 'તમારૃં કૂતરૂ કરડતું નથી ને'? અંદરથી અવાજ આવ્યો કે ના અમારૃં કૂતરૂ કરડતુ નથી પરંતુ જેવો મારો દીકરાએ અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો કે તરત જ કૂતરાએ જીણકુ બટકું ભરી લીધું. મેં તરત કહૃાું કે 'આ તો કરડ્યું તો મને કહે એ ક્યાં અમારૃં છે'.
અંદર પ્રવેશતા પહેલા કૂતરાની બાદશાહી જોઈ કે લગભગ દસથી બાર એની જુદી જુદી જાતની વાનગીઓ બેઠો બેઠો તે આરોગતો હતો અને તેમાં તેને ડિસ્ટર્બન્સ ઊભું થતાં તેણે આ ચેતવણી આપી હતી. અમને પણ ખૂબ ભૂખ લાગી હતી એટલે તરત જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા મુંબઈના અમારા મિત્રોએ આગોતરૃં આયોજન કરેલું અને અમને પણ એમ થયું હતું કે જો કૂતરાને બાર જાતની વાનગીઓ હોય તો આપણે તો જલસા જ હશે.
અને ટેબલ ઉપર બેસતા જ શૈલેષ અને જયેશ બંને ભાઈઓએ કહૃાું કે તમે ટ્રેનમાં ખૂબ ખાધુ છે. એવા સમાચાર તમે લખ્યા હતા તો હવે એમ થયું કે તમારા પેટ ખૂબ ભરાયેલા હશે એટલે ખીચડી અને કઢી રાખેલ છે, મેં ખાલી એક નજર કૂતરા તરફ કરી. અહીં પહેલીવાર એમ થયું કે જિંદગી કૂતરા જેવી હોવી જોઈએ. જોકે બીજા દિવસથી સવારના નાસ્તાથી લઈને રાત્રિના જમવા સુધીમાં જલસો જ કર્યો છે તોય કૂતરા જેવો નહીં. અમે એક પલંગમાં ત્રણ જણા સુઈએ અને કૂતરૃં સાલું બિન્દાસ સોફા ઉપર એકલું પથરાયેલું હોય જીવ તો બળે જ ને, અને કૂતરૃં એકવાર સુતુ એટલે સુતુ, અમારે શું કામ પછી પણ માંડ ઉંઘ આવી હોય ત્યાં કોક આવીને ઓઢવાનું ખેંચી જાય માથા નીચેથી ઓશિકા તાણી જાય, સદ્ભાગ્યે અમે લોનાવાલા રિલેક્સ થવા જ ગયેલા એટલે એક બંગલામાં અમે પુરૂષ મિત્રો અને બીજા બંગલામાં બધાની પત્નીઓની વ્યવસ્થા કરેલી. સંપૂર્ણપણે સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા માણવા મળે તે માટે અમે આગોતરૃં આયોજન કરેલું અમને જે ફાયદો થવાનો હતો તેના કરતાં વધારે અમારી પત્નીઓને થયો. સવારના ચાથી માંડી અને લેઇટ નાઈટ નાસ્તા સુધી સળી ભાંગી અને બે કરવાની નહોતી એટલે તેઓ જે આનંદમાં હતા તે અવર્ણનીય છે. એક જ ગાડીમાં અમે પાંચ પાંચ છ જણા ભરાઈ અને જતા હતા આખા પ્રવાસ પછી ખબર પડી કે અમારી સાથે કૂતરૂ ફરતું જ હતું અને તેને માટે સ્પેશિઅલ એસી ગાડી આવતી હતી, હવે તો તમને વાંચવાવાળાને પણ એવું થયું ને કે આના કરતા તો કૂતરો થવું સારૃં.
ચુનિયાને ઘરે પણ એક સરસ મજાનું રૃંછડાવાળું ડોગી છે. ચુનીલાલને હું ચુનિયો કહી શકું છું પરંતુ ડોગીને મારે માનથી એટલે કે મોન્ટી કહીને બોલાવો પડે છે.
ચુનિયાનો છોકરો છેલ્લા પાંચ વર્ષથી પગની એડી ઘસી ઘસી અને રોવે છે કે મારા રૂમમાં હવે ગરમી ખૂબજ થાય છે એટલે એસી લગાવો પરંતુ એની એડી અડધો અડધો ઇંચ ઘસાઈ ગઈ છતાં વાંકા થઇ ગયેલા પાંખિયાવાળા પંખાથી ચલાવે છે. ત્યારે તેનો ડોગી આરામથી તેની નાનકડી રૂમમાં અડધા ટનના એસી સાથે જિંદગી માણે છે. જોકે એ વાત અલગ છે કે ચુનિયાનો છોકરો ઘણીવાર ડોગીના રૂમમાં જઈને સૂઈ આવે છે.
આતો હસવાની વાત છે બાકી ઈશ્વરે તમને જે મનુષ્ય જીવન આપ્યું છે તે અદ્ભુત છે. તમે તમારી આંગળીઓથી કોઈના આંસુ લુછી શકો છો, ડોગી માત્ર તમારૃં મોઢું ચાટી શકે આંસુઓ ના લૂછી શકે. જીવનના કપરા સમયે તો મિત્રો અને પરિવારજનો જ કામ આવે ડોગીની સારસંભાળ રખાય પરંતુ ત્રાજવાના બન્ને પલ્લા બેલેન્સ કરવા જરૂરી હોય છે.
વિચારવાયુઃ કૂતરાને કદાચ પરિવારનો સભ્ય ગણી શકાય પરંતુ પરિવારના સભ્યને કૂતરા તરીકે ના ગણાય.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial