Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાના હિલ કન્ટ્રી વિસ્તારમાં અનરાધાર ૧૦ ઈંચ વરસાદે મચાવી તબાહીઃ ૨૦ બાળકી તણાઈ

મહાસત્તા અને ટ્રમ્પ પણ કુદરત પાસે લાચારઃ ૨૪ના મૃત્યુ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૫ઃ મહાસત્તા અમેરિકાના ટેકસાસના હિલ કન્ટ્રી વિસ્તારમાં થોડા કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતા ૨૪નાં મોત થયા છે. ૨૦ થી વધુ બાળકીઓ તણાઈ ગઈ છે. જેની શોધખોળ થઈ રહી છે. કુદરતે સુપરપાવરની હવા કાઢી નાખી છે. ર કલાકમાં નદીમાં ૨૨ ફૂટ પાણી આવ્યું છે. હેલિકોપ્ટર અને બોટ દ્વારા જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવાનો ભારે પ્રયાસ થઈ રહ્યો છે.

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત ભારે વરસાદે તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, માત્ર થોડા કલાકોમાં જ એટલો વરસાદ પડ્યો જેટલો સામાન્ય રીતે મહિનાઓમાં પડતો નથી, જેના કારણે ગુઆડાલુપ નદીમાં પૂર આવ્યું.

નદીમાં પૂરને કારણે ઓછામાં ઓછા ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા અને ગર્લ્સ સમર કેમ્પમાં આવેલી ૨૦ થી વધુ છોકરીઓ ગુમ થઈ ગઈ છે.

બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કેરવિલે કાઉન્ટીમાં રાત્રે ૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું. રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હન્ટ નજીક ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર માત્ર ૨ કલાકમાં ૨૨ ફૂટ સુધી વધી ગયું. હવામાન શાસ્ત્રી બોબ ફોગાર્ટીએ કહૃાું, પાણી એટલું ઝડપથી વધ્યું કે લોકોને સમજવાની તક જ મળી નહીં.

કાઉન્ટી જજ રોબ કેલીએ કહૃાું કે ઘણા લોકોના મૃતદેહ મળી ગયા છે, પરંતુ તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.

તેમણે કહૃાું, અમારા પ્રયાસો ચાલુ છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હંટમાં સ્થિત કેમ્પ મિસ્ટિક નામનો એક ખાનગી સ્કૂલની ખ્રિસ્તી છોકરીઓનો સમર કેમ્પ આ પૂરની ઝપેટમાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે કેમ્પની ૨૨ છોકરીઓ હજુ પણ ગુમ છે. તેમણે ટેક્સાસના લોકોને છોકરીઓની સલામતી માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.

કેમ્પ મિસ્ટિકે માતાપિતાને એક ઇમેઇલ મોકલીને જણાવ્યું હતું કે જે બાળકો મળી આવ્યા છે તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે. જો કે, કેમ્પમાં વીજળી, વાઇ-ફાઇ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે, અને ત્યાં જતો રસ્તો પણ ધોવાઈ ગયો છે. અન્ય બે કેમ્પ, કેમ્પ વાલ્ડેમાર અને કેમ્પ લા જુન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તેમના બધા બાળકો અને સ્ટાફ સુરક્ષિત છે. જો કે, મહાસત્તા અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ કુદરતના કહેર સામે લાચાર જણાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh