Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં સોનીની દુકાનમાં બાકોરૂ પાડી સોના ચાંદીના રૂ।.૧૭.૫૮ લાખના દાગીનાની ચોરી

પોલીસ સાથે તપાસમાં જોડાઈ એફએસએલ તથા ડોગ સ્કવોડ ટીમઃ બે શખ્સની હિલચાલ નોંધાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ધ્રોલ શહેરમાં નગરપાલિકા કચેરી સામે આવેલી સોનીની એક દુકાનમાં મંગળવારની રાત્રે ચોરી થઈ છે. દુકાનની પાછળની દીવાલમાં બાકોરૂ પાડી અંદર ઘૂસેલા બે તસ્કરે શો-કેસમાંથી ત્રણ કિલો વજનના ચાંદીના દાગીના તથા તિજોરીમાંથી ૧પ તોલાના સોનાના દાગીના મળી કુલ રૂ।.૧૭૫૮૦૦૦ના દાગીનાની ઉઠાંતરી કરી છે. ધ્રોલ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં એલસીબી, એસઓજી, એફએસએલ તેમજ ડોગ સ્કવોડની ટીમ પણ જોડાઈ છે. પોલીસે સીસીટીવી કેમેરામાં બે શખ્સની શંકાસ્પદ હિલચાલની નોંધ કરી તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં રહેતા અને ધ્રોલમાં નગરપાલિકા કચેરી સામે સોની કામની દુકાન ચલાવતા પ્રકાશભાઈ હેમતલાલ ભીંડી નામના આસામી મંગળવારે રાત્રે પોતાની દુકાન વધાવીને હડિયાણા ગયા પછી ગઈકાલે સવારે સાડા છએક વાગ્યે તેઓને જાણ થઈ હતી કે, તેમની દુકાનમાં ચોરી થઈ છે.

તેની જાણ થતાં જ ઉંચા શ્વાસે આ વેપારી ધ્રોલ દોડી આવ્યા હતા. જેમાં તેઓએ જોતા દુકાનમાં પાછળના ભાગમાં બાકોરૂ જોવા મળ્યું હતું તે બાકોરામાંથી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ દુકાનમાં રાખવામાં આવેલા શો-કેસ તથા તિજોરી ફંફોળ્યાનું જણાઈ આવ્યું હતું.

આ બે સ્થળેથી તસ્કરોએ ચાંદીના ત્રણ કિલો વજનના દાગીના તથા તિજોરીમાંથી ૧પ તોલા વજનના સોનાના દાગીના ઉઠાવી લઈ કુલ રૂ।.૧૭ લાખ પ૮ હજારના દાગીનાની ઉઠાંતરી કરી હતી. બનાવની પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો કાફલો ધસી ગયો હતો.

ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવતા બે શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે ચઢી છે. આ તસ્કરોએ ઉપરોક્ત ચોરી કર્યાની પ્રકાશભાઈ ભીંડીએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૫૪, ૩૦૫ (એ), ૩૩૧ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. પોલીસની સાથે તપાસમાં એલસીબી, એસઓજી, એફએસએલ તથા ડોગ સ્કવોડને જોડવામાં આવી છે. ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh