Advertisement
Author: નોબત સમાચાર

દેશના હૃદયસમી રાજધાની દિલ્હીમાં પ્રચંડ વિસ્ફોટ... આખા દેશમાં હાઈએલર્ટ, આતંકી ષડયંત્રની આશંકા, સુરક્ષાવ્યવસ્થા બોદી ?

                                                                                                                                                                                                      

આજે આખો દેશ હાઈ એલર્ટ પર છે અને દિલ્હીમાં થયેલા ઘાતક જીવલેણ કાર વિસ્ફોટ પછી દેશના હૃદયસમી રાજધાનીમાં બોદી સુરક્ષા વ્યવસ્થાઓ તથા ગુપ્તચર સંસ્થાઓની નાકામિયાબીની ચર્ચા પણ થવા લાગી છે, એટલું જ નહીં, ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત પ્રારંભમાં ત્રણ શખ્સોને હથિયારો-વિસ્ફોટકો સાથે દબોચી લીધા પછી જમ્મુ-કાશમીર પોલીસે હરિયાણા પોલીસની મદદથી વિસ્ફોટકના જંગી જથ્થા તથા હથિયારો વગેરે સાથે ત્રણેક તબીબો સહિત કેટલાક લોકોને દબોચી લીધા હોવા છતાં આ પ્રચંડ ધડાકો દેશની રાજધાનીમાં થયો હોય, તો કેન્દ્રની એજન્સી, દિલ્હી પોલીસ અને ગૃહમંત્રાલયથી અંતગત કાર્યરત સુરક્ષા એજન્સીઓની કચાશ, ઢીલાશ કે ઓવર-કોન્ફીડેન્સ અથવા લાપરવાહી પણ દર્શાવે છે. આ તમામ ઘટનાક્રમોને પુલવામા હૂમલા અને તે પછીના ઘટનાક્રમો સાથે જોડીને કડીઓ મેળવવામાં આવી રહી છે, તેવું જાહેર કરાયું છે. ખેર, જે હોય તે ખરૃં, પરંતુ નાપાક પડોશી દેશ પાકિસ્તાને આઈએસએસ સહિતની આતંકી સંસ્થાઓ સાથે મળીને જો ભારતને નિશાન બનાવ્યું હોય, અને સરહદ પારથી આતંકીઓ ઘૂસાડવાના બદલે ભારતમાં જ કટ્ટરવાદી બ્રેઈનવોશ કરીને સ્થાનિક આતંકવાદીઓ ઊભા કરવાની રણનીતિ અપનાવી હોય, તો તે વધુ ખતરનાક અને ચિંતાજનક બની શકે છે. અહેવાલો મુજબ જૈસ-એ-મહોમ્મદનું જ આ ષડયંત્ર હોવાની પૂરેપૂરી શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ષડયંત્રો સામે જે ઝુંબેશ ચાલી રહી હતી અને ગુજરાત એ.ટી.એસ. પછી જમ્મુ-કાશમીર પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા કેટલાક શખ્સોને જંગી વિસ્ફોટકો, હથિયારો સાથે ઝડપીને આતંકીઓની મેલી મુરાદ નિષ્ફળ બનાવ્યા પછી અંતે ડો. ઉંમર નામના શખ્સે આ સુસાઈડ એટેક કર્યો હોઈ શકે છે, અથવા તે વિસ્ફોટકની હેરાફેરી કરી રહ્યો હોય, તેવા તર્કો અને આશંકાઓ સાથે ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલી તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ જોડાઈ ગઈ છે અને જુદા જુદા એંગલોથી ચાલી રહેલી તપાસ પછી આજે બપોરે સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જે કાંઈ જાહેર થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ લખાય છે ત્યાં સુધીમાં શંકાસ્પદ ડો. ઉંમરના પરિવારજનોની પુછપરછ થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.

આ વિસ્ફોટ લાલ કિલ્લા નજીક અને દિલ્હી હાઈકોર્ટ સમા ચાંદનીચોકના માર્ગે કરવા પાછળ પણ સમજી-વિચારીને ઘડાયેલું ષડયંત્ર હોઈ શકે છે. આ ઘટનાના હૃદયદ્રાવક દૃષ્યો ઘટનાની તીવ્રતા અને કરૂણતા તો દર્શાવતા જ હતા, સાથે સાથે આ પ્રકારના કાવતરાં રચનારાઓની ઘાતકી અને કટ્ટર મનોવૃત્તિ પ્રત્યે ફિટકાર વરસાવનારી પણ હતી.

આ વિસ્ફોટ પાછળ જૈશ-એ-મહોમ્મદનો હાથ હોય અને ફરિદાબાદ જેવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હોય, તેવા પ્રથમ દૃષ્ટિએ નીકળેલા તારણો પછી સતત વિવિધ એંગલથી તપાસ સાથે ઠેર-ઠેર દરોડા પડી રહ્યા છે. આ આતંકી હૂમલા જેવી મોડસ ઓપરેન્ડી આધુનિક ટેકનોલોજી અને હાઈટેક નવતર પદ્ધતિથી એજ્યુકેટેડ આતંકીઓની તૈયાર થયેલી એક આંતરરાષ્ટ્રીય સાંકળ (નેટવર્ક) તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. એટલું જ નહીં, બિહારની વિધાનસભા માટે બીજા તબક્કાના મતદાનના આગલા દિવસે જ થયેલા દિલ્હીનો ધમાકો ટાઈમીંગ અને પોલિટિકલ દૃષ્ટિએ પણ ચર્ચાસ્પદ બન્યો છે, આ એંગલથી પણ એજન્સીઓ તપાસ કરશે, પરંતુ મેડિકલ લાઈનમાં ઉચ્ચ અભ્યાસ કરેલા આતંકીઓનું જુદા જુદા રાજ્યોમાં એક નવું જ નેટવર્ક ઊભું થયું હોય, તો તે વધુ ભયાવહ અને ખતરનાક બની શકે છે.

દિલ્હીની આ ઘટના પછી યુ.એ.પી.એ. અંતર્ગત કેસ દાખલ કરાયો હોય અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે સવારે લીધેલી ઉચ્ચસ્તરીય બેઠક પછી દેશવ્યાપી હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે કાંઈક નવાજૂનીના સંકેતો મળી રહ્યા હોય ત્યારે એ પણ નોંધનીય છે કે આતંકવાદીઓએ હવે જે નવી પદ્ધતિઓ અપનાવી છે તેની સામે લડવા કેન્દ્રીય એજન્સીઓએ વધુ સતર્ક અને સંકલિત થવું પડશે. ફરિદાબાદ મોડ્યુલની પણ પહેલેથી જ ચર્ચા થઈ રહી હતી. પુલવામાના રહીશ અને ડોક્ટર ઉંમર ગની ઘણાં સમયથી ફરાર હતો અને તેમણે આ વિસ્ફોટ કર્યો હોવાની સંભાવના પર આજે સવારથી જ તપાસ કેન્દ્રીત થઈ હતી અને આઠથી અગિયારના મૃત્યુ તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સાથે દેશભરમાં સતર્કતા અને દિલ્હીમાં ભયનો માહોલ ફેલાયો હતો, તે પછી સત્તાવાર રીતે જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તે આપણી સામે જ છે.

આ લખાય છે ત્યારે કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહની મિટિંગ ચાલી રહી છે અને તે પછી જ સત્તાવાર રીતે સરકાર વિગતવાર જાણકારી દેશના લોકો સમક્ષ મુકશે, તેમ જણાય છે.

દિલ્હીમાં વિસ્ફોટ પછી યાત્રાધામ દ્વારકા એન અંબાજી, સોમનાથ સહિત ગુજરાતના યાત્રાધામોમાં પણ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ સઘન બનાવી દેવામાં આવી રહી છે. એન કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો ત્વરીત કદમ ઉઠાવીને તેનું રિપોર્ટીંગ ઉચ્ચકક્ષાએ કરવાની સૂચનાઓ જો રાષ્ટ્રીયકક્ષાએથી અપાઈ રહી હોય, તો તે હૂમલાની ગંભીરતા દર્શાવે છે.

આપણે ત્યાં આતંકવાદી ઘટનાઓ ભલે ભૂતકાળની સરખામણીમાં ઓછી-વત્તી થઈ હોય કે બંધ થઈ હોય અથવા સીમિત થઈ ગઈ હોય, તો પણ તેનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ સાવધાનીપૂર્વક થવો જરૂરી છે, અને દેશમાં સંપૂર્ણપણે આ પ્રકારની ઘટનાઓ અટકી જ ગઈ છે કે બંધ થઈ ગઈ છે, તેવો દાવો કરવામાં આવે કે પછી આતંકી ઘટનાઓ ફરી શરૂ થઈ ગઈ છે કે વધી ગઈ છે, તે પ્રકારના નિવેદનો ચૂંટણી ટાણે થાય, તે પણ તેને સાંકળીને આતંકવાદીઓ "ચેલેન્જ" ઊભી કરવા કે લોકતાંત્રિક પ્રક્રિયા પર અસર પાડવા પ્રેરાતા હોય છે તેથી આ સંવેદનશીલ મુદ્દે રાજનેતાઓએ પણ "સંવેદનશીલ" રહીને સાવધાનીપૂર્વક નિવેદનબાજી કરવી જોઈએ, તેવા તટસ્થ પ્રતિભાવો પણ અવગણવા જેવા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh