Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારીને કરેલી હત્યાનો કિસ્સો સમાજ, સરકાર અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે, અને શાળા સંચાલકો અને સ્કૂલ એડમિનિસ્ટ્રીશનની લાપરવાહી ઉપરાંત આપણા રાજ્યની સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ સામે પણ સવાલો ઊભા કરે છે. આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી તથા કોંગ્રેસના પ્રવક્તાએ વ્યક્ત કરેલા પ્રતિભાવોનો સારાંશ પણ એવો નીકળે છે કે આ દુર્ભાગ્યપૂર્ણ અને ધ્રુજાવી દેનારી ઘટના પછી રાજ્યમાં શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ વધે, તથા શિક્ષકો-સંચાલકો જવાબદાર બને તે જરૂરી છે.
એવું કહેવાય છે કે તિક્ષણ હથિયારથી ઘાયલ થયેલા વિદ્યાર્થીને શિક્ષકો અને સિક્યુરિટી ગાર્ડ જોતા રહ્યા, પરંતુ હોસ્પિટલે લઈ જવા કે એમ્બ્યુલન્સ બોલાવવાની તસ્દી લીધી નહીં, પરંતુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના મિત્રો લોહીલુહાણ વિદ્યાર્થીને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા, અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થતા આ ઘટના હત્યામાં પરિણમી હતી. આ પ્રકારની હરકતને શાળાના શિક્ષકો, સુરક્ષાકર્મી અને સંચાલકોની માત્ર બેદરકારી નહીં, પરંતુ ગુન્હાહિત પ્રકારની સંવેદનહીનતા પણ ગણાય.. હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, અને આરોપી વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા હોવાનું કહેવાય છે, ત્યારે તપાસ પછી આ કેસમાં શાળાના જવાબદારોનેે પણ સહ-આરોપી બનાવાશે, તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.
જો કેન્દ્રીય કક્ષાની સ્કૂલોના સંચાલકો ગુજરાતના શિક્ષણ વિભાગના અંકુશમાં ન રહેતા હોય અને સ્થાનિક અધિકારીઓને ગાંઠતા ન હોય, તો પણ તે ડબલ-ત્રિપલ એન્જિનની સરકારોનો જ વાંક ગણાય, તેવા પ્રત્યાઘાતો સાથે આ કિસ્સાનો આક્રોશ હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને રાજ્યની અન્ય સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારે વિશેષ મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, તેવી માંગણી પણ ઉઠવા લાગી છે. આ ઘટના પછી અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળાઓ માટે શિસ્ત સમિતિની રચના સહિતની જે તાકીદની સૂચનાઓ આપી છે, તેનો અભ્યાસ કરીને આ પ્રકારની સૂચનાઓ જરૂરી સુધારા-વધારા સાથે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની તમામ સરકારી-ખાનગી શાળાઓ કોલેજોને અપાય અને યુનિવર્સિટીઓ તથા કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર દેશની સરકારી અને ખાનગી કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓને-ટ્રસ્ટોને પણ અપાય, તે અત્યંત જરૂરી છે.
આજે શાળા-કોલેજો-હોસ્ટેલોમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતિનો પ્રશ્ન મારામારી, હત્યા અને તકરારોથી આગળ વધીને જાતિય સતામણી અને દુષ્કર્મો સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં જ કોઈ મૌલાનાએ તેની પાસે અભ્યાસ કરતા બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાનો કિસ્સો પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે, આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં આ પહેલા પણ બની છે, અને વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાથે જાતિય સતામણી, દુષ્કર્મ કે અશ્લીલ હરકતો સાથીદાર કે સિનિયર વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસર, ટ્યુશન કલાસના સંચાલક કે સંચાલક મંડળના કોઈ સભ્યે કરી હોય, તેવા ગુન્હાઓ પણ ભૂતકાળમાં દેશમાં નોંધાયા છે. આ પ્રકારની માનસિકતા અને વિકૃતિ ધરાવતા લોકોની ઓળખ સવેળા થઈ જાય, અને કોઈપણ ધમકી કે પરિણામ બગાડવાની ચિમકી આપીને આ પ્રકારની હરકતો અંગે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ચૂપકીદી સેવવાના બદલે તત્કાળ ફરિયાદ કરી શકે, તેવું તટસ્થ અને સરળતાથી ઉપલબ્ધ થાય, તેવું સંવેદનશીલ તંત્ર અથવા મિકેનિઝમ ઊભું થાય, તો જ આ બધું અટકી શકે તેમ જણાય છે.
અત્યારે લગભગ તમામ વયજૂથમાં માનસિક અસમતુલન, વિકૃત માનસિકતા અને તરંગી અથવા ધૂની મનોસ્થિતિ ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે, અને આ પ્રકારના લોકોની સામાન્ય રીતે ઝડપી ઓળખ થઈ ન શકે, ત્યારે અમદાવાદ જેવી ઘટનાઓ સર્જાતી હોય છે. આવી જ માનસિકતા ધરાવતો રાજકોટનો પશુપ્રેમી કહેવાતા કોઈ યુવકે છેક દિલ્હીના મહિલા મુખ્યમંત્રી પર ત્યાં જઈ હૂમલો કરવા જેવી હરકત કરી હોવાનો કિસ્સો તાજો જ છે. આ પ્રકારની માનસિકતા કોઈ અદ્ધમ રોગચાળાની જેમ ફેલાઈ રહી હોય, ત્યારે માનસિક સારવાર, સમયોચિત કાઉન્સીલીંગ અને આ પ્રકારની છુપી બીમારીઓનો વ્યાપ વધતો અટકાવવાની દિશામાં મનોચિકિત્સાના ક્ષેત્રને સાંકળીને પણ કોઈ અદૃશ્ય મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, તે પ્રકારના અભિપ્રાયો પણ વિચારવા જેવા છે.
આજના ઈન્ટરનેટ યુગના પ્રભાવથી પણ કેટલીક આડ અસરો ઊભી થઈ રહી હોવાના અભિપ્રાયોમાં પણ તથ્ય જણાય છે. ગુગલ-યુ-ટયુબ પર ૩૪ બાળકોના માતા-પિતાએ કેસ કરતા ભારે દંડ ભર્યા પછી પણ ફરીથી અદાલતના દ્વાર ખખડાવ્યા છે, તે પ્રકારની જ જાગૃતિ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા સંતાનોના વાલીઓએ પણ રાખવી પડે.
બાળકોને રોજીંદી હૂંફ, હાવભાવનું નિરીક્ષણ, શાળાએ જતી-આવતી વખતે તેના રોજીંદા સ્વભાવમાં થતા ફેરફારો, હિચકિચાટ કે મુંઝવણ વિગેરેનું કાયમી ઓબ્ઝર્વેશન કરીને તેઓને જરૂર પડ્યે મિત્રભાવે અને હળવાશથી પુછપરછ કરતા રહીએ, તો ઘણી વખત તેઓને કોઈ દબાવતું હોય, શોષણ કરતું હોય કે જાતિય સતામણી થતી હોય, તો તેની સમયોચિત ખબર પડી જાય, અને મોટો ખતરો ટાળી શકાય. આમ, આ મુદ્દે સૌ કોઈએ જાગૃત થવું પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial