Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યાહ્ને સેન્સેકસ ૬૭૧ પોઈન્ટ અને નિફટી ૨૨૫ પોઈન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો હતોઃ ટ્રમ્પ - પુતિનના ફોનકોલની અસર
મુંબઈ/નવી દિલ્હી તા. ૧૦: ટ્રમ્પ-પુતિન વચ્ચે ફોન પર સંવાદ પછી સીઝફાયરની સંભાવના વધતા તથા ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં બંધ થશે, તેવા ટ્રમ્પના નિવેદન પછી ક્રુડ ઓઈલનો ભાવ ૯% ઘટીને બેરલ દીઠ ૮૮ ડોલરે પહોંચ્યો અને શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે સીઝફાયરની સંભાવના વધતા ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો ટળી જશે, તેમ જણાય છે
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે, એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ગઈકાલે એક કલાક સુધી ઈરાન અને યુક્રેન મુદ્દે ટેલિફોનિક વાતચીત થઈ છે.
રશિયાના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન ઈરાન યુદ્ધ રોકવાનો ખાસ પ્લાન શેર કર્યો હતો. રશિયાનો દાવો છે કે આ વાતચીતની પહેલ અમેરિકાએ કરી હતી. આ સાથે જ પુતિને યુક્રેન મામલે ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહેલી મધ્યસ્થીના પણ વખાણ કર્યા. તેમણે ઈરાન અને યુક્રેન ઉપરાંત, બંને નેતાઓએ વેનેઝુએલાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી.
ઈરાન રશિયાનું મિત્ર રાષ્ટ્ર રહૃાું છે, જ્યારે અમેરિકા ઈઝરાયલની પડખે છે. આ સંજોગોમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેનો આ સંવાદ સીઝફાયર તરફનો પ્રથમ મોટો સંકેત હોઈ શકે છે. આ વાતચિત તથા તે પછી ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં ખતમ થઈ જશે, તેવા મતલબના નિવેદનની સીધી અસર ક્રુડની માર્કેટ પર પડી હતી અને તે ૫છી શેર માર્કેટમાં પણ તેજી આવી હતી.
શેરબજારમાં આજે તા. ૧૦ માર્ચે મધ્યાહને ૧૧-૩૦ના સુમારે તેજી જોવા મળી રહી છે. સેન્સેકસ ૬૭૧ પોઈન્ટના ઉછાળા ટ્રેડ થઈ રહ્યો હતો. જયારે નિફટીમાં પણ લગભગ ૨૨૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજે બેન્કિંગ, ઓટો અને એફએમસીજી શેરોમાં વધુ તેજી જોવા મળી રહી છે. બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આજે એટલે કે મંગળવારે ૧૦ માર્ચે મોટો ઘટાડો જોવા મળ્યો છે. એશિયામાં શરૂઆતી કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ ૮.૫% ઘટીને ૯૨.૫૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા. આ પહેલા ગઈકાલે તે ૧૧૫ ડોલરની નજીક પહોંચી ગયું હતું.
જયારે અમેરિકી ક્રુડ ઓઈલ પણ લગભગ ૯% ઘટીને ૮૮ ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગયું છે. તેલની કિંમતોમાં આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન પછી આવ્યો છે, જેમાં તેમણે યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની વાત કહી હતી.
ગ્લોબલ શેર માર્કેટ પણ તેજીમાં છે. સાઉથ કોરિયોનો કોસ્પી ઈન્ડેકસ ૫.૧૦% વધીને ૫,૫૧૮ પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિકેઈ ૧,૬૭૦ અંક અથવા ૩.૨૦% વધીને ૫૪,૩૯૯ પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેકસ ૩૨૫ અંક અથવા ૧.૨૮% વધીને ૨૫,૭૩૧ પર કારોબાર કરી રહ્યો છે. ચીનનો શાંધાઈ કમ્પોઝિટ ઈન્ડેકસ ૧૩.૦૧ અંક અથવા ૦.૩૨% ઘટીને ૪,૧૦૯ પર કારોબાર કરી રહ્યો છે.
અમેરિકી બજારમાં ગઈકાલે ડાઉ જોન્સ ૨૩૯ પોઈન્ટ (૦.૫૦%) ઘટીને ૪૭,૭૪૦ ના સ્તરે બંધ થયો હતો. ટેક આધારિત ઈન્ડેકસ નાસ્ડેડ કમ્પોઝિટ ૧.૩૮% ઘટીને ૨૨,૬૯૫ પર બંધ થયો હતો. જયારે એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેકસ ૫૫ પોઈન્ટ (૦.૮૩%) ઘટીને ૬,૭૯૫ પર બંધ થયો.
ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલો આ ઘટાડો અને શેરબજારમાં તેજીનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્નું તાજેતરનું નિવેદન માનવામાં આવે છે. સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે, વર્તમાન યુદ્ધ ખુબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. તેમના આ નિવેદનથી ગ્લોબલ સપ્લાય ચેઈનને લઈને જે અનિશ્ચિતતા હતી, તેમાં ઘટાડો થયો છે અને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જો કે, વર્તમાન કિંમતો હજુ પણ યુદ્ધ શરૂ થતા પહેલાના સ્તરની સરખામણીમાં લગભગ ૩૦% વધુ છે.
એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ૮,૦૦૦ રૂપિયાનો જંગી વધારો થતા તે ર.૭પ લાખ રૂપિયા પર પહોંચી છે. એમસીએકસ ફયુચર્સ માર્કેટમાં ર૪ કેરેટ સોનાના ભાવમાં ૧,પ૦૦ રૂપિયાનો વધારો નોંધાયો છે, જેનાથી ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧.૬ર લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial