Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે જ...
જામનગર તા. રઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા વેગવંતી બની છે.
જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટેની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ભાજપમાં દાવેદારોએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા છે. હાલ ભાજપના વર્ચસ્વને કારણે અને કેટલાક વોર્ડ ભાજપના ગઢ ગણાતા હોય, ભાજપમાંથી ટિકિટ મેળવવા પક્ષના કાર્યકરોમાં તિવ્ર ઈચ્છા હોય તે સ્વાભાવિક છે.
ભાજપના નાના-મોટા કાર્યક્રમો, મેળાવડાઓ, મિટિંગોમાં, મોટા નેતાઓની સભાઓમાં સમયસર ઉપસ્થિત રહી સતત કાર્યરત રહેનારા, અગાઉની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કાર્યમાં દિવસ-રાત મહેનત કરનારા સક્રિય કાર્યકરોએ 'આ વખતની ચૂંટણી'માં તો તેમની નિષ્ઠા, અને પક્ષને સમર્પિત કામોની કદર કરી ટિકિટ ફાળવવામાં આવશે તેવી લાગણી સાથે દાવેદારી તો નોંધાવી છે, પણ... આવા પક્ષને સમર્પિત અને તન-મન-ધનથી સતત કામ કરતા કાર્યકરો/દાવેદારોને ઝાટકો લાગે તેવા ખેલ થઈ રહ્યા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે.
પક્ષમાંથી ટિકિટ મળે તે માટેના ફોર્મ ઈસ્યુ કરવાના દિવસે અને સેન્સ પ્રક્રિયાની બરાબર આગલા દિવસે જ ભાજપના કટ્ટર પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષમાંથી આવેલાઓને ભાજપના નેતાઓએ લાલ જાજમ પાથરી, ફૂલહાર કરી સન્માનપૂર્વક આવકાર આપતા પક્ષના કાર્યકરો ભારે અચંબામાં પડી ગયા હતાં.
ભાજપના પ્રદેશ પ્રમુખે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પક્ષના કાર્યમાં પાથરણા પાથરનારા, પ્રચારમાં ખડેપગે 'કમળ'ને વિજેતા બનાવવા મહેનત કરનારાઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યારે ભાજપના ઉમેદવારોને અગાઉની ચૂંટણીમાં પરાજિત કરવામાં કોંગ્રેસમાંથી કોઈ કચાશ છોડી નહતી તેવી વ્યક્તિઓનો ભાજપમાં વાજતે-ગાજતે પ્રવેશ ટિકિટની ફાળવણીમાં સૂચક અને આશ્ચર્યજનક છે.
કેટલાક વગદાર જુથોની ચર્ચા મુજબ કોંગ્રેસમાંથી તાબડતોબ અને રાતોરાત આવેલાઓમાંથી ભાજપની ટિકિટ મળશે તે નક્કી છે, અને આ પ્રકારના કમીટમેન્ટ સાથે જ તેમની ભાજપમાં એન્ટ્રી થઈ છે.
જામનગર મહાનગરપાલિકાની ગત્ ચૂંટણીમાં પણ ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓની ચૂંટણીની સરખામણીમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો હતો, ત્યારે આ વખતની ચૂંટણીમાં અનામતના રોટેશનના કારણે, ભાજપના ૬૦ વર્ષના અને ત્રણ ચૂંટણીની મર્યાદાના કારણે પક્ષના મજબૂત દાવેદારોના પત્તા કપાઈ જવાની શક્યતા વચ્ચે પક્ષમાં નવા આગંતુકોને ટિકિટ આપવાની હીલચાલથી પક્ષમાં અત્યારથી જ ગણગણાટ શરૂ થઈ ગયો છે.
બે-ત્રણ વોર્ડમાં હાલના ભાજપના સક્રિય કોર્પોરેટરોએ તો ભાજપમાંથી ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય પણ અંદરખાને લઈ લીધો હોવાનું અને તે માટેની તૈયારી પણ કરી લીધી હોવાનું જાણવા મળે છે.
ભાજપની આટલી મજબૂત સ્થિતિ, ખૂબ જ વ્યવસ્થિત સંગઠનનું માળખું, પ્રચાર માટેની જડબેસલાક વ્યવસ્થા હોવા છતાં ભાજપ શા માટે પક્ષના વર્ષોથી કામ કરતા કાર્યકરો, વર્તમાન આગેવાનોની ઉપેક્ષા કરે છે તેવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે.
મનપાની ગત્ ટર્મ દરમિયાન પણ ભાજપે કોંગ્રેસના કોર્પોરેટરોને પક્ષમાં સમાવી મનપામાં સંખ્યાબળ વધારવાનો ખેલ કર્યો હતો. એકંદરે ભાજપ કોઈપણ ભોગે મનપામાં બહુમહિત પ્રાપ્ત કરવા કટ્ટર વિરોધી પક્ષ કોંગ્રેસમાંથી સબળ આગેવાનોને આવકારી રહ્યો છે, પરિણામે કોંગ્રેસ મુક્તના નારા વચ્ચે ખુદ ભાજપ કોંગ્રેસગ્રસ્ત (કોંગ્રેસ યુક્ત) થઈ રહ્યો છે.
અત્યારે જે રીતે ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટેની ગતિવિધિ ચાલી રહી છે તેમાં પક્ષના નેતાઓની ભલામણો, લોબીંગ વગેરે પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે તેમ જણાય છે, અને કદાચ એટલે જ જ્યારે ભાજપ દ્વારા દરેક વોર્ડની દરેક બેઠક માટે તેના ઉમેદવારના નામ જાહેર કરશે ત્યારે ચોક્કસપણે મોટાપાયે નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે... બાકી... આ તો ભાજપ છે, ભાઈ, કોઈની સાડીબાર રાખ્યા વગર ધાર્યું કરવામાં અને અણધાર્યા નિર્ણયો લેવામાં પરિણામની ચિંતા કરતો નથી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial