Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શુદ્ધ ભાવના માણસ પર દગા કપટનું આળ બીજી રીતે દૂર કરે અને જીવને શાંતિ આપે
આજે રવિવારે સવારે , ધનંજય શેઠની એક માત્ર દીકરી શ્વેતાએ સવારે મમ્મી પપ્પા સાથે ચ્હા નાસ્તો કરતા મહત્ત્વની વાત કરી. મમ્મીએ કહૃાું કે હવે શ્વેતા નું કંઈક ગોઠવો , એણે ભણી લીધું છે અને હવે તો તમારી કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ પણ કરવા લાગી છે.હવે એના માટે સારો છોકરો શોધવો પડશે. એટલે ધનંજય શેઠ બોલ્યા કે એ ચિંતા મને પણ છે જ. એ હવે પરણવા લાયક થઇ છે અને સારા પરિવારનો સારો છોકરો શોધવો પડશે. એટલે એમના ૫ત્ની એટલે કે શ્વેતાના મમ્મી પ્રીતિ બહેન બોલ્યા કે પરિવાર સારું હોવું જોઈએ. એ તમારી જેમ શ્રીમંત કે કોઈ કંપનીના માલિક ન હોવા જોઈએ. સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર પણ ચાલે. બસ શ્વેતા ને સાચવે. ધનંજય શેઠ કહે કે એક વાત સમજ , આપણે સંતાનમાં એક માત્ર દીકરી છે. આ આટલા મોટા ધંધા નું એકમાત્ર વારસદાર કોણ? તો આપણી દીકરી શ્વેતા. જમાઈ એવા જોઈએ કે દીકરી શ્વેતા સાથે મળીને આપણી આ કંપની ચલાવે. અલબત્ત કંપનીની માલિક/ચેરમેન /પ્રેસિડેન્ટ માત્ર શ્વેતા રહેશે. સત્તા પણ સંપૂર્ણ પણે શ્વેતાની જ રહેશે. જમાઈ એવો જોઈએ કે શ્વેતાને તો સાચવે જ , સાથે બધું જુવે. કોઈ કાવાદાવા કરીને બધું હડપવાનો પ્રયત્ન ન કરે. ચિંતા તો મને પણ એક બાપ તરીકે હોય જ પણ આ બધું જોવું પડે.
આ વાત ચાલતી હતી ત્યારે શ્વેતા બોલી કે તમે બન્ને આ ચર્ચા કરો અને એ પણ મારા લગ્ન માટે, મારા માટે જીવનસાથી શોધવા વિષે પણ મને તો પૂછો, મારી પણ પસંદગી હોય. એ સાંભળો તો તમારી પચ્ચાસ ટકા ચિંતા હળવી થઇ જશે. મમ્મી પપ્પા બંને એ એકબીજા સામે જોયું અને પછી કહૃાું કે બરાબર છે તું તારી ઇચ્છા મુકી શકે. પણ અમે પુરી તપાસ કર્યા વગર સ્વીકાર નહિ કરીએ. હા યોગ્ય લાગ્યું તો સહર્ષ સ્વીકારીશું અન્યથા તેના કારણો સહ સમજાવી વાતનો અસ્વીકાર કરીશું જેમાં તારી જીદ, ગુસ્સો નહીં ચાલે. બોલ તારી કોઈ પસંદ હોય કે તારે કોઈ સાથે સંબંધ હોય તો.
શ્વેતાએ કહૃાું કે મારે કોઈ સાથે પ્રેમ કે સંબંધ તો છે નહીં પણ પપ્પા તમારી ઓફિસમાં એક યુવક છે વિવેક નામ છે એનું. એ તમારા કોઈ કામ માટે આપણે ઘેર પણ આવે છે. એને મેં પહેલી વાર આપણે ઘેર આવ્યો હતો ત્યારે જોયેલો. નામ પ્રમાણે જ કેટલો વિવેકી છે.એકદમ નમ્ર અને ઓછામાં ઓછું બોલે છે અને દેખાવે પણ કેટલો સોહામણો છે.મને એ બહુ ગમે છે. પપ્પા એ ઝીણી આંખ કરી વિચાર્યું અને કહૃાું કે હા ,વિવેક એ મજાનો છોકરો છે પણ એના પરિવાર વિશે તપાસ કરવી પડે. કદાચ એના પિતા નથી. એની માં સરકારી નોકરી કરે છે. એ અરજી લઇ આવ્યો હતો અને કહેલું કે મને નોકરી જોઈએ છે. કોઈપણ ડિપાર્ટમેન્ટ અને કોઈપણ પોસ્ટ પર ચાલશે. મેં એને બે ત્રણ વખત ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો પછી રાખ્યો હતો. મેં એને પૂછ્યું હતું કે બીજે ક્યાંય પ્રયત્ન કરે છે? તો એણે કહેલું કે ના મારે માત્ર આ જ કંપનીમાં નોકરી કરવી છે. શું કામ આ જ કંપની એ મેં પૂછ્યું નહોતું પણ છોકરો સારો છે , ઓછામાં ઓછું બોલવાનું અને કામ બધું કરવાનું, એને કોઈ વાતની નાનપ નથી. અને ખોટું બોલતો નથી, ખોટું કરતો નથી અને ખોટું સહન નથી કરતો. એણે એક વાર મને ફરિયાદ કરી હતી કે કંપનીમાં દિનેશ સુનિલ પ્રકાશ અને બીજા મળીને આ ખોટા કામ કરે છે, એ તરફ ધ્યાન આપો મેં કહૃાું કે આ ન કરો તો એ મને મારવાની ધમકી છે. તમે તમારી રીતે તપાસ કરો મારું નામ ન આવે. મેં એક મહિનો તપાસ કરી અને રંગે હાથ એ લોકોને પકડ્યા અને છૂટા કર્યા. એ પછી મેં વિવેકને પ્રમોશન આપ્યું. હવે એ બધાનો બોસ છે. આ વાત મુદ્દાની છે. હું તપાસ કરીશ. એના પરિવાર બાબતે. ભલે આર્થિક બરોબરી ન હોય પણ વાણી , વિચાર, સંસ્કાર જાતિની બરોબરી તો જોઈએ ને?
ધનંજય શેઠે સોમવારે ઓફિસે પહોંચીને એમના આસિસ્ટન્ટ મિહિરને કહૃાું કે લંચ સમયે વિવેક ને બોલાવજો મારે કામ છે. વિવેકને સમાચાર પહોંચી ગયા.લંચ સમયને થોડી વાર હતી અને વિવેક આવ્યો શેઠની કેબીન પાસે. મિહિરે જોયું અને અંદર શેઠને ઇન્ટરકોમ પર કહૃાું પછી તરત વિવેકને ઇશારાથી અંદર જવા કહૃાું. વિવેકની એક રીત હતી એ શેઠ સામે જાય એટલે બે હાથ જોડી નમસ્તે કરી ઊભો રહે. શેઠે કહૃાું *આવ આવ વિવેક, બેસ.... શેઠ સામે કોઈ બેસે નહિ પણ શેઠે જોર કરી બેસાડ્યો. એમણે કહૃાું કે તમારો જમવાનો સમય થયો હશે ને? વિવેક કહે હા, પણ તમે કામ કહો એ કરીને પછી જમીશ. શેઠ કહે ના આજે આપણે સાથે જમીએ ,મારે તારી સાથે મહત્વની વાત કરવી છે. વિવેકને થયું કે મહત્વની વાત? પછી કહે કે હું મારા ટેબલ પરથી મારું ટિફિન લઈ આવું. શેઠ કહે ના ના એ રહેવા દે આજે પેન્ટ્રીમાંથી આપણા બેયની થાળી આવશે. વિવેક કહે માફ કરજો. મારી માં મારા માટે વહેલી ઉઠી રસોઈ બનાવે છે , એની મહેનત નું અપમાન થાય.માફ કરજો શેઠ પણ હું મારી માં ના હાથનું બનાવેલું જ ખાઈશ. એ ઝડપી લઇ આવ્યો. જમતા જમતા શેઠે કહૃાું કે તને જોઈને મને મારો મિત્ર યાદ આવે છે , એ આવો જ ખુદ્દાર હતો. વિવેક કહે કોલેજ સમયના મિત્ર હશે. શેઠ કહે હા શરૂઆત કોલેજથી પણ પછી નોકરી સાથે જ કરતા હતા. વિવેક કહે કે કઈ કંપનીમાં? શેઠ કહે આ જ કંપનીમાં. એ પછી કહે કે નવાઈ લાગીને? આ જ કંપનીમાં નોકરી કરતા હતા અને અત્યારે હું કંપની નો માલિક છું. તો એ ક્યાં છે? જમવાનું ચાલુ રહૃાું. આડીઅવળી વાતો કરતા જમવાનું પૂરું થયું. પેન્ટ્રી નો માણસ આવીને થાળી લઇ ગયો. શેઠે કહૃાું કે આ વિવેકનું ટિફિન પણ લઇ જા, સાફ કરી એના ટેબલ પર મૂકી દે. એ પછી કહૃાું કે હું અને મારો મિત્ર અહીં સાથે જ ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા અને બંને સિલેક્ટ થઇ ગયા. અમારો સિદ્ધાંત તારા જેવો જ હતો, ખોટું બોલવું નહિ, ખોટું કરવું નહીં, ખોટું કરનારનો સાથ આપવો નહિ, અને ખોટું સહન કરવું નહિ. જે કામ કરીએ એ પૂરી નિષ્ઠાથી કરીએ. અમારી દોસ્તી ખૂબ ગાઢ હતી અને ધીરે ધીરે અમે શેઠના પ્રિય બની ગયા. એ ટેક્નિકલી નિષ્ણાત હતો અને ગુણવત્તા સભર પ્રોડક્ટનો આગ્રહી હતો. એના કારણે જ પ્રોડક્ટ જામી ગઈ. હું બોલકા સ્વભાવને કારણે માર્કેટિંગમાં હતો. બધા સાથે હસતો રહુ અને ખબર અંતર પુછતો રહુ એટલે મને એમાં શેઠે રાખેલો હતો. હું સ્ટાફના સૌ સાથે પણ વધારે મોજમજા કરતો. કિશન ઓછું બોલે. હું સતત બોલું.
*શેઠને કોઈ સંતાન નહોતું. કિશન એના કામથી કામ રાખે અને હું દિવસમાં એક વાર શેઠ પાસે આવી બેસું. આમ કરતા કરતા શેઠની તબિયત એકવાર બગડી, હું અને કિશન ખડે પગે એની સેવામાં હતા. એ ઝડપથી સાજા થઇ ગયા. એ પછી શેઠને શું થયું કે એમણે મને ભાગીદાર તરીકે લીધો અને કહૃાું કે કાળ સવારે મને કંઈ થઇ જાય તો તું માલિક બની શકે. કિશનને એમ લાગ્યું કે મેં શેઠ ને ફોસલાવી લઇ લીધું. મેં શેઠને કહૃાું કે શેઠ મારી સાથે કિશનને સાથે લઇ લો ભાગીદારીમાં એટલે ભવિષ્યમાં અમે બે માલિક થઈ શકીયે. શેઠે કહૃાું એ બધું પછી અત્યારે આ બરાબર છે. કિશન ને બહુ આઘાત લાગ્યો . મારા મનમાં જરાય એવું નહોતું કે હું બધું હડપ કરી જાઉં . હું સતત વિચારતો કે શેઠ ને કંઈ થાય એ પહેલા હું કિશનને ભેળવી દઉં ,કારણ કે મારા માટે કિશન થી વિશેષ આ જગતમાં કંઈ નહોતું. એ સાવ શાંત અને અત્યંત લાગણીશીલ હતો, એ જે રીતે જિંદગી જીવ્યો છે એ રીતે કોઈ ન જીવી શકે. એમ કહેવાય કે એ લોકો માટે જ જીવ્યો છે. એ દરમિયાન અમર શેઠ ગુજરી ગયા. અને એ જે રીતે પેપર્સ કરીને ગયા હતા. એ રીતે હું કંપનીના માલિક બની ગયો. એ જ દિવસે કિશન રાજીનામું મુકી ચાલ્યો ગયો.મને ખબર જ ન પડે, અને ખબર પડી ત્યાં સુધીમાં તો એ આ શહેર છોડી ચાલ્યો ગયો, એ ક્યાં ગયો એ ખબર ન પડી. બહુ તપાસ કરી પણ પત્તો ન લાગ્યો. એ ઘટનાના વર્ષ પછી ખબર પડી કે તેનું અવસાન થયું છે. મને આઘાત એ લાગ્યો કે મારી ભાવના સારી હતી અને એ એવા ખ્યાલ સાથે ગયો કે મેં એની સાથે દગો કર્યો. * આટલું બોલતા એમની આંખમાં આંસુ આવી ગયા. વિવેક કહે કે એ રાજીનામું આપીને નગર જતા રહૃાા અને ત્યાં એમને આ તમારી ઘટનાના આઘાતને કારણે હ્ય્દયરોગનો હુમલો થયો , એ ઝઝૂમ્યા પણ એ આઘાતને ડોકટરો પણ ના મહાત આપી શક્યા અને એમણે દેહ ત્યાગ કરી દીધો.ધનંજય શેઠ ચમકી ગયા અને કહૃાું કે તને આ કેવી રીતે ખબર , તો વિવેક કહે કે *હું એમનો જ દીકરો.* શેઠ તો ઊભા થઇ ગયા. અને ટેબલ પર જ હાથ માથું ટેકવી માફી માગતા રોતરોતા બોલ્યા દીકરા તારા પિતા વતી તું મને માફ કરી દે. મારી એની સાથે દગો કરવાની કોઈ ભાવના નહોતી. મારી કેબિનમાં આ બીજી ખુરશી મેં એની યાદમાં રાખી છે. વિવેક કહે. માફ ઈશ્વર કરી દેશે તમને. તમે સાચા છો.
એ પછી તો સમજી શકાય ધનંજય શેઠે શું કર્યું હશે. ઈશ્વરે માફ કર્યા અને ધનંજય શેઠે દીકરી શ્વેતા અને જમાઈ વિવેકને બધું સોંપી શાંતિ સંતોષથી દેહ છોડ્યો. મિત્ર કિશનને માફી માગવા ગયા.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial