Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પ્રતિલિટર રૂ. ૮ થી ૧૦ નો તોળાતો વધારો

ટ્રમ્પના ટેરિફ હંટરના પાપે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૧: ટ્રમ્પને કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઈંધણના ભાવમાં લિટરે રૂ. ૮ થી ૧૦ નો વધારો થઈ શકે છે. રશિયા તરફથી ભારતને સસ્તુ ક્રૂડ મળે છે એ ટ્રમ્પને આંખમાં ખટકે છે, તેથી રૂસનું નાક દબાવવાનું શરૂ કર્યું છે. જેની વિપરીત અસર ભારતમાં ઈંધણના ભાવો પર પડી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી છે ત્યારથી તેઓ મનફાવે તેવું ટેરિફ હંટર ચલાવે છે. પોતાને દુનિયાના બોસ સમજતા ડોનાલ્ડ ટ્રમ્પ રાજનેતાથી વધુ તો બિઝનેસમેન બનેલા છે. જે ટેરિફનો ડંડો ઝીંકીને અન્ય દેશોને નમાવી અમેરિકાનો ખજાનો ભરવા માગે છે. ક્રેડિટ લૂંટવામાં ઉસ્તાદ એવા ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયામાં ચાલી રહેલા યુદ્ધોને ખતમ કરાવવાના દાવા પણ કરી ચૂક્યા છે. તેમણે રશિયાને યુક્રેન સાથે પ૦ દિવસની અંદર યુદ્ધનો અંત લાવવાની ધમકી પણ આપેલી છે. ટ્રમ્પે પોતાની ધમકીમાં સ્પષ્ટ કહ્યું છે કે, જો પ૦ દિવસની અંદર રશિયા યુદ્ધ ખતમ ન કરે તો તેણે ભારે ટેરિફનો સામનો કરવો પડશે. એમ પણ કહ્યું કે, રશિયા સાથે વેપાર કરનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાગશે.

સ્પષ્ટ છે કે ટ્રમ્પની આ ધમકી પરોક્ષ રીતે ભારત, બ્રાઝીલ, અને ચીન જેવા દેશો માટે છે જે રશિયા પાસેથી ભારે પ્રમાણમાં ઓઈલની ખરીદી કરે છે. પાવર ગેમમાં રશિયા નતમસ્તક થવા માટે તૈયાર નથી. જો યુદ્ધની સ્થિતિ રહી અને ટ્રમ્પે રશિયા પર સેકન્ડરી ટેરિફ ઝિંક્યો તો ઓઈલના ભાવોમાં ફરક પડી શકે છે. ભારત રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદે છે. પોતાની જરૂરિયાતના ૩પ-૪૦ ટકા ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદે છે. જો ટ્રમ્પની ધમકીથી રશિયા પાસેથી ઓઈલની આયાત અટકી જાય તો ભારતે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. રશિયા પાસેથી સસ્તા ઓઈલની આયાત રોકાય તો તેલ પુરવઠો ખોરવાઈ શકે છે. જો આપૂર્તિમાં વિઘ્ન પડે તો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધશે અને તેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડશે.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનું મંતવ્ય માનીએ તો રશિયા દુનિયાના કુલ વપરાશના ૧૦ ટકા ધરાવે છે. જો આ હિસ્સો બિલકુલ હટાવી દઈએ તો બાકીના ૯૦ ટકા પાસેથી જ દુનિયાએ ઓઈલની ખરીદી કરવી પડશે. સ્પષ્ટ છે કે તેનાથી ભાવ વધશે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૮ થી ૧૦ રૂપિયા પ્રતિલીટરનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે.ફ

ભારત અને ચીન રશિયા પાસેથી મોટા પાઠે ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત ઓઈલ માટે આયાત પર નિર્ભર છે. તે પોતાની જરૂરિયાતના લગભગ ૮૮ ટકા ઓઈલ આયાત કરે છે. સૌથી મોટી વાત એ છે કે રશિયાના કુલ ઓઈલ નિકાસના ૩૮ ટકા ઓઈલ ફક્ત ભારત આવે છે.

થિંક ટેંક ચેટમ હાઉસના રિપોર્ટ મુજબ યુક્રેન યુદ્ધ પહેલા વર્ષ ર૦રર માં ભારતની રશિયન ઓઈલની આયાત ર ટકાથી પણ ઓછી હતી. યુદ્ધ પછી રશિયા પર પ્રતિબંધો લાગ્યા અને ભારતે ફાયદો ઊઠાવ્યો તથા રશિયા પાસેથી ખૂબ સસ્તા ઓઈલની ખરીદી કરી.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, રશિયા ૯ મિલિયન બેરલ પ્રતિદિનથી વધુની સાથે સૌથ્ મોટો ક્રૂડ ઓઈલ ઉત્પાદકોમાંથી એક છે. રશિયાન તેલનું યોગદાન લગભગ ૯૭ મિલિયન બેરલના વૈશ્વિક ઓઈલ આપૂર્તિના લગભગ ૧૦ ટકા છે.

તેમણે કહ્યું કે, અમેરિકી પ્રતિબંધોના પગલે જો આ ઓઈલ બજારમાંથી ગાયબ થઈ જાય તો સ્પષ્ટ છે કે ઓઈલ આપૂર્તિમાં ભારે કમી આવશે. સપ્લાય ઓછો થવાથી ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ તેજી આવશે. ક્રૂડ ઓઈલના ભાવ ૧૩૦-૧૪૦ ડોલર પ્રતિબેરલથી પણ ઉપર જઈ શકે છે. રશિયાના ઓઈલ પર પ્રતિબંધ લાગે અને આ ઓઈલ બજારમાં ન મળે તો સ્પષ્ટ છે કે ભાવ વધશે. રશિયા અને અમેરિકાની લડાઈમાં ભારતે વચ્ચે આવવાથી બચવું પડશે. સસ્તા ઓઈલના ચક્કરમાં ભારત અમેરિકા સાથે પંગો લેવાની જગ્યાએ બીજા દેશોના વિકલ્પ શોધશે.

કેન્દ્રિય મંત્રીના જણાવ્યા મુજબ ભારતે આ માટે બેકઅપ પ્લાન તૈયાર રાખ્યો છે. તેમણે કહ્યું કે ભારત જ્યાં પહેલા ર૭ દેશો પાસેથી ઓઈલની ખરીદી કરતું હતું હવે તે ૪૦ દેશો પાસેથી ઓઈલની આયાત કરે છે, જો કે રશિયા આપણો સૌથી મોટો સપ્લાયર રહ્યો છે. પ્રતિબંધ વધતા આપૂર્તિમાં થોડું વિઘ્ન પડશે. એક બાજુ અમેરિકા જોડે ટ્રેડ ડીલ ફસાયેલી છે અને બીજી બાજુ ઓઈલ પર અમેરિકાએ નવો દાવ ખેલ્યો છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ભારતને જ્યાંથી પણ ઓછા ભાવે ઓઈલ મળશે તે ત્યાંથી જ ખરીદશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh