Advertisement
Author: નોબત સમાચાર

પાણી વાળવાના પ્રશ્ને બોલાચાલી પછી ભાણવડના સણખલામાં શ્રમિક મહિલાની પતિના હાથે થઈ હત્યા

પાવડો માથામાં ઝીંકી પતિએ ગળુ દાબી દેતા મહિલાનું તરફડીને મોતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ભાણવડના સણખલા ગામમાં આવેલા એક ખેતરમાં મજૂરીકામ માટે મધ્યપ્રદેશથી આવીને રહેતા એક આદિવાસી દંપતી વચ્ચે ગઈકાલે બપોરે ખેતરમાં ઉભા ઘઉંના પાકમાં પાણી વાળવાની બાબતે બોલાચાલી થયા પછી ગુસ્સે ભરાયેલા પતિએ નજીકમાં પડેલો પાવડો ઉપાડી પત્નીના માથામાં ઝીંકી મુક્કા વીંઝવા ઉપરાંત પત્નીનું ગળું દાબી દેતા તરફડીને આ મહિલાનંુ મૃત્યુ નિપજ્યું છે. હત્યાના આ બનાવથી તે પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે ખેતર માલિકની ફરિયાદ પરથી ગુન્હો નોંધી આરોપી પતિની અટકાયત કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં સોમવારે બપોરે બનેલા આ બનાવની વધુ વિગત મુજબ મૂળ પોરબંદરના અડવાણા ગામની ધ્રોકડ સીમમાં રહેતા અને ભાણવડના સોઢાણા ગામમાં ખેતર ધરાવતા પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતર નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કલમપાડા ગામના વતની નંદરામ સોમાભાઈ ગરવાલ (ઉ.વ.૩૨)ની સાથે મજૂરીકામ  માટે તેના પત્ની રેખાબેન નંદરામ (ઉ.વ.૩૦) પણ આવ્યા હતા.

આ દંપતી પ્રતાપભાઈના ખેતરમાં મજૂરીકામ કરતું હતું. તે દરમિયાન ખેતરમાં વાવેલા ઘઉંના પાકમાં પાણી વાળવા બાબતે ગઈકાલે સવારે નંદરામ તથા રેખાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી ઉશ્કેરાઈ ગયેલા નંદરામે બપોરના બેએક વાગ્યે નજીકમાં પડેલો લોખંડનો પાવડો ઉપાડી પત્ની રેખાબેનના માથામાં ઝીંકી દીધો હતો.

આટલેથી ન અટકેલા નંદરામે પોતાની પત્નીને મુક્કા મારી આંખ તથા છાતીમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેણીનું ગળુ દબાવી દીધુ હતું. આ વેળાએ થયેલી બૂમાબૂમથી ખેતરમાં હાજર અન્ય લોકો દોડી આવ્યા હતા. તે પહેલાં પતિની પાશવી હથેળીઓથી ગળાટૂંપો આવી જતાં રેખાબેનનું તરફડીને ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ દૃશ્ય નિહાળી અન્ય લોકો હતપ્રભ બની ગયા હતા.

બનાવની કોઈએ પોલીસને જાણ કરતા ભાણવડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે રેખાબેનના મૃતદેહને પી.એમ. માટે ખસેડી નંદરામ ગરવાલની અટકાયત કરી છે. આ બનાવ અંગે ખેતર માલિક પ્રતાપભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh