Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમને ખબર છે? આપના દેશમાં વિશ્વ સિંહ દિનની સાથે રાષ્ટ્રીય 'આળસ' દિવસ પણ ઉજવાય છે?
'નોબત'ના લોકપ્રિય 'સંગત' વિભાગમાં 'મન હોય તો માળવે જવાય'ની શ્રેણીમાં આપણે યુદ્ધોની વાતો કરી. આમ તો આપણાં દેશમાં મહાભારત-રામાયણકાળ અને પહેલાના કેટલાક યુદ્ધોની તવારીખ છે અને આપણાં દેશ પર શાસન કરી ગયેલા વિદેશીઓના સમયગાળામાં પણ ઘણાં મહાયુદ્ધો ખેલાયા છે, પરંતુ સૌથી વધુ ચર્ચા મહાભારતના યુદ્ધની થતી રહે છે. એવી જ રીતે વિશ્વમાં પણ ઘણાં યુદ્ધો ભૂતકાળમાં પણ થયા છે, અને અત્યારે પણ જાણે યુદ્ધોનો યુગ હોય તેમ એક સ્થળે યુદ્ધ વિરમે, તો બીજી જગ્યાએ યુદ્ધની નોબત વાગવા લાગે છે. અત્યારે પણ ઘણાં યુદ્ધો ચાલી રહ્યા છે, જેમાં બે દેશો વચ્ચેના પ્રત્યક્ષ યુદ્ધો, મહાસત્તાઓ વચ્ચેની કોલ્ડવોર, ટ્રમ્પફેઈમ ટેરિફ યુદ્ધ, કેટલાક દેશોમાં ચાલતા ગૃહયુદ્ધો, ઉપરાંત આપણા દેશમાં આતંકવાદ અને નક્સલવાદ સામે પણ એક પ્રકારે યુદ્ધ જ ચાલી રહ્યું છે. વિશ્વમાં ભૂતકાળમાં થયેલા મહાયુદ્ધોમાં સૌથી વધુ ચર્ચા વિશ્વયુદ્ધોની થાય છે, અને તે અંગે આપણે ચર્ચા પણ કરીશું, પરંતુ અત્યારે તહેવારોનો માહોલ છે અને ભક્તિ, મનોરંજન તથા પર્યટનના ત્રિવેણી સંગમ જેવા આ મસ્ત માહોલમાં આપણે પણ હાલતુરંત યુદ્ધોની શ્રેણીને વિરામ આપીએ અને પ્રવર્તમાન ઉમંગ, ઉત્સાહ સાથે ઉજવાઈ રહેલા ત્રિવેણી સંગમ તહેવારોને માણીએ.
રક્ષાબંધનનો સંદેશ
આજે એટલે કે નવમી ઓગસ્ટે રક્ષાબંધન છે. આ તહેવાર ભાઈ-બહેનના વિશુદ્ધ પ્રેમનું પ્રતીક છે અને બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખ-શાંતિ, સમુદ્ધિની કામના કરે છે અને ભાઈ બહેનની આજીવન રક્ષણ કરવાની નેમ વ્યક્ત કરે છે, તથા બહેનને ભેટ-સોગાદ આપે છે, તે સર્વવિદ્તિ છે, અને આ તહેવારની આ જ અગત્યતા છે, રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને રાખડી બાંધે છે, તેવી જ રીતે જ્યારે કોઈ પરિવારજન વિદેશ જતું હોય, યુદ્ધમાં જતું હોય કે જોખમી ફરજો બજાવવા જતું હોય ત્યારે પણ રક્ષાબંધનની પરંપરા ઘણાં સ્થળે છે. આ પરંપરાનું પ્રમાણ મહાભારતના યુદ્ધ સમયે મળે છે, જ્યારે કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. તેના પરથી રચાયેલી રાસ-ગરબા જેવી રચના 'કુંતાજી, બાંધે અભિમન્યુને રાખડી રે...' એ ઘણી જ પ્રચલિત છે, અને આજે પણ નવરાત્રિ દરમિયાન ગવાય છે. રક્ષાબંધન એટલે કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિની સુરક્ષા અને સલામતિની કામના કરીને હાથમાં કાંડે જે પવિત્ર દોરો બાંધે, અને પોતાના અંતરની ભાવના વ્યક્ત કરે, તેને કહી શકાય. રક્ષા બંધન મુખ્યત્વે ભાઈ-બહેનોનો તહેવાર છે, તેથી સરહદે તૈનાત જવાનોને દર વર્ષે નગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તથા અન્ય બહેનો રાખડી મોકલે છે, અને કચ્છ સહિતના સ્થળે બહેનો રૂબરૂ જઈને પણ રાખડી બાંધતી હોય છે.
બીજી તરફ ભૂદેવો પોતાના યજમાનોને રાખડી બાંધીને તેના પરિવારને આશીર્વાદ આપે છે, વેપારીઓ પોતાના વજનકાંટા (હવે ઈલેક્ટ્રોનિક કાંટા) ને રાખડી બાંધે છે. ખેડૂતો કૃષિ ઓજારને રાખડી બાંધે છે. સૈનિકો-ચોકીદારો પોતાના હથિયારોને રાખડી બાંધે છે. કેટલાક સ્થળે વહાણ, હોડી, વિમાન, કાર, ગાડું, ઘોડાગાડી, રિક્ષા, બાઈક, ટ્રેક્ટર, જેસીબી સહિતના વાહનોને લોકો રાખડી બાંધીને પૂજન પણ કરે છે. હવે તો ટાઈપરાઈટર ઉપરાંત કોમ્પ્યુટર કે લેપટોપના માઉસને પણ રાખડી બાંધવામાં આવે છે.
રાખડી બાધવાના તહેવાર રક્ષાબંધનનો સંદેશ સ્પષ્ટ છે, જેમાં રાખડી બાંધનાર તથા બંધાવનાર બન્નેની સુરક્ષા મજબૂત રહે અને તેને કોઈ હાનિન પહોંચાડી શકે તેવો પારંપારિક ભાવ રહેલો હોય છે. ટૂંકમાં રક્ષાબંધન એટલે સુરક્ષાનો સંદેશ...
વિશ્વ સિંહ દિવસની સાથે સાથે
તમને ખબર છે? આપણે ત્યાં 'આળસ દિવસ' પણ ઉજવાય છે!
આપણા દેશમાં દરરોજ કોઈને કોઈ ઉજવણી થતી હોય છે. ઘણાં દિવસો તો એવા હોય છે, જેમાં જાણે ઉજવણીઓનો વરસાદ વરસતો હોય તેવું લાગે. ઘણાં લોકોને ખબર નહીં હોય કે, આપણા દેશમાં રાષ્ટ્રીય આળસ દિવસ પણ ઉજવાય છે, અને યોગાનુયોગ એ જ દિવસે વિશ્વ સિંહ દિવસ પણ ઉજવાય છે. દર વર્ષે ૧૦ મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે, અને તે જ દિવસે રાષ્ટ્રીય આળસ દિવસ પણ મનાવાય છે!
નેશનલ લેઝી ડે
રાષ્ટ્રીય આળસ દિવસ અથવા નેશનલ લેઝી ડે ની ઉજવણીનો ઉદ્દેશ્ય પ્રવર્તમાન ધમાલભર્યા જીવનમાં વર્ષે એક દિવસ આનંદ-પ્રમોદ કરવાનો તથા તમામ જવાબદારીભર્યા કામોમાં 'આળસ' કરવાનો ગણાવાય છે. વર્ષે આ પ્રકારની એક બ્રેક લઈને કોઈ કામ નહીં કરવાની મજા માણવાનો દિવસ ઉજવવાનું ક્યારથી શરૂ થયું તેનો બહુ ઈતિહાસ મળતો નથી, પરંતુ તેના સંદર્ભે પણ એવું કહેવાય છે કે રાષ્ટ્રીય આળસ દિવસની હિસ્ટ્રી લખવાનું પણ કદાચ તે સમયે જ આળસ આવી ગયું હશે!
જો કે, એવું કહેવાય છે કે, પહેલેથી થતી આવેલી આ ઉજવણી વર્ષ-ર૦૦૦ થી યુવાવર્ગમાં વધુ પ્રચલિત બની અને માત્ર ૧૦ ઓગસ્ટ નહીં, પરંતુ કેટલાક સમૂહો પોતાની રીતે પણ વર્ષનો કોઈપણ એક દિવસ 'બેઝી ડે' અથવા આળસ દિવસ તરીકે મનાવવા લાગ્યા છે.
વર્લ્ડ લાયન ડે
ગીરના જંગલની ઘણી જ રોચક કહાનીઓ પ્રચલિત છે. સાસણમાં સિંહોનું સામ્રાજ્ય છે, અને તેમાં પણ 'જય વીરૂ'નો દબદબો હતો. તેની સામે અદેખા અન્ય લાયન કપલ્સે હુમલો કર્યો હોવાના અહેવાલો પણ હતાં. આ લડાઈમાં જય અને વીરૂ બન્નેના મૃત્યુ અંગે ખબર વહેતી થઈ ત્યારે ઘણાં સિંહપ્રેમીઓને આઘાત લાગ્યો હતો. ગયા માર્ચ મહિનામાં સાસણની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જયવીરૂની જોડીએ પ્રભાવિત કર્યા હતાં, જ્યારે આ જોડીની તસ્વીરો ખેંચનાર સિંહપ્રેમી સાંસદ પરિમલભાઈ નથવાણીએ તો વારાફરતી મૃત્યુ પામેલા જય અને વીરૂના મૃત્યુ બદલ આઘાત પ્રેસ-મીડિયાના માધ્યમથી પણ વ્યક્ત કર્યો હતો. શોલે ફિલ્મના બે અભિનેતાઓના ડાયલોગ્સથી પ્રચલિત થયેલા જય-વીરૂની જેમ જ સાસણના દિવંગત સિંહો જય અને વીરૂ પણ ઘણાં જ લોકપ્રિય બન્યા છે.
દસમી ઓગસ્ટે દર વર્ષે વિશ્વ લાયન ડે ઉજવાય છે, ત્યારે આ વર્ષે જય-વીરૂને વિશેષ રીતે યાદ કરાઈ રહ્યા છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી તથા રાષ્ટ્રીય આળસ દિવસની ઉજવણીમાં યોગાનુયોગ એક બાબત સમાન જણાય છે કે સિંહને સામાન્ય રીતે આળસુ પ્રાણી ગણવામાં આવે છે, જો કે રાષ્ટ્રીય આળસુ દિવસ વર્ષે એક દિવસ માટે મનાવાય છે, જ્યારે સિંહરાજા તો મારણ કર્યા પછી પેટ ભરાઈ જાય એટલે લાંબા સમય સુધી આળસમાં રહેતા હોય છે. આપણે સિંહને ભલે આળસુ ગણીએ, પરંતુ તેનું કદાવર તન, શૌર્ય, શક્તિ અને સાહસના કારણે જ તેને વનરાજા ગણવામાં આવતા હશે ને?
ક્યારે શરૂ થઈ ઉજવણી?
વિશ્વ સિંહ દિવસની ઉજવણી વિશ્વના સૌથી મોટા ગણાતા સિંહના અભ્યારણ્ય 'બીગ કેર રેસ્ક્યૂ' દ્વારા વર્ષ ર૦૧૩ થી શરૂ થઈ હતી. આ સંસ્થાની સ્થાપના ડેરેક અને બેવર્લી જોબર્ટે સંયુક્ત રીતે કરી હતી. આ બન્નેએ બીગ કેર રેસ્ક્યૂ સાથે નેશનલ જિયોગ્રાફિકને જોડીને જંગલી સિંહોની સુરક્ષા માટે પહેલ કરી હતી.
આ ઉજવણી દરમિયાન સિંહોના સંરક્ષણ માટે વૈશ્વિક સમર્થન વધારવા, ગેરકાયદે શિકારીઓથી સિંહોના જીવ બચાવવા, કૂવામાં પડીને સિંહોના થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા, ટ્રેન-અકસ્માતો તથા બીમારીઓથી સિંહોને સુરક્ષિત કરવા સહિતના ઉદ્દેશ્યોથી આ ઉજવણી થાય છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial