Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી-૨૦ મેચમાં ત્રીજો મુકાબલો જીતીને શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે પાંચ મેચોની શ્રેણીમાં ૩-૦થી લીડ મેળવી, અને બીજા અર્થમાં આ શ્રેણી જીતી લીધી. શ્રીલંકાની ટીમે આપેલો ૧૧૩ રનનો લક્ષ્યાંક ભારતીય મહિલા ટીમે ૧૩.૨ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્માએ ૪૨ બોલમાં અણનમ ૭૯ રન બનાવ્યા, તો ભારતીય ફાસ્ટ બોલર રેણુકાસિંહ ઠાકુરે શ્રીલંકાની ચાર વિકેટ અને સ્પિનર દિપ્તી શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી.
સામાન્ય રીતે જયારે ભારતીય ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચો પુરૂષ ખેલાડીઓની ટીમો જીતે, ત્યારે તેની વ્યાપક ચર્ચાઓ થતી જ હોય છે, અને પ્રેસ-મીડિયામાં ગ્રીમ હરોળમાં તેના સમાચારોને સ્થાન મળતું હોય છે તથા ક્રિકેટ રસીયાઓમાં તેની ચર્ચાઓ પણ વધુ થતી હોય છે, પરંતુ મહિલા ટીમો આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરે કે શ્રેણી જીતે ત્યારે તેની યોગ્ય નોંધ લેવાતી નહોતી, પરંતુ હવે તેવું નથી, હવે તો નારી શક્તિની સિદ્ધિઓને પણ સન્માન અપાઈ રહ્યું છે અને ખેલકૂદ ક્ષેત્રે પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, અને તે સારા સંકેતો છે.
દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાલક્ષી ઘણી યોજનાઓ ચાલી રહી છે. દૃષ્ટાંત તરીકે બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર અને ઉધમ યોજના, ગુજરાતની મહિલા અને બાલવિકાસ તથા કલ્યાણ યોજનાઓ, કન્યા છાત્રાલયો, કન્યા સુમંગલા યોજના, સાતફેરા સમૂહલગ્ન યોજના, કેન્દ્રની નમોશ્રી યોજના, મહિલા સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાયની યોજના, શિક્ષણ પ્રોત્સાહક યોજનાઓ, સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટેની યોજનાઓ, મહિલા સ્વાવલંબી યોજનાઓ, પ્રધાનમંત્રી મહિલા વંદના યોજના, સખી યોજના, સખીમંડળો, ન્યુ સ્વર્ણીમ યોજના, ગુજરાત નમોશ્રી યોજના, પી.એમ., મહિલા શક્તિ યોજના વગેરે સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે, અને ઘણી યોજનાઓ મહિલાઓ માટે ફળદાયી પણ બની રહી છે.
જો કે, અન્ય સરકારી યોજનાઓની જેમ જ મહિલાલક્ષી યોજનાઓમાં પણ ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ઘણી ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે, જેમાં ઘણી વખત તટસ્થ તપાસ કરીને દોષિતોને દંડવામાં આવે છે, તો ઘણી વખત આ પ્રકારના કૌભાંડોને છાવરવામાં પણ આવતા હોય છે. તાજેતરમાં ઘણી સરકારી યોજનાઓમાં ગરબડ-ગોટાળા અને કરોડોના કૌભાંડો બહાર આવ્યા પછી મહિલાલક્ષી યોજનાઓમાં પણ છુપા વ્યાપક કૌભાંડો તો થતા નહીં હોય ને ? તેવી આશંકાઓ જાગે, તે સ્વાભાવિક છે અને હવે તે દિશામાં જાગૃત નાગરિકો અને પ્રેસ મીડિયાનું સંશોધન વધુ ઘેરૃં બનશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
મહિલાઓને જનપ્રતિનિધિત્વમાં અનામત મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ અને કાયદા પણ ઘડાયા, પરંતુ મહિલા અનામતની બેઠકો પર પંચાયતો, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી તમામ મહિલાઓ, મહિલા ધારાસભ્ય કે સંસદસભ્યોની જેમ સ્વતંત્ર રીતે કામ કરી શકતી હોતી નથી અને તેણીની સત્તાઓનો ઉપયોગ તેના પતિ, પિતા, ભાઈ કે અન્ય પુરૂષ પરિવારજન કરતા હોય છે, તે ઓપન સિક્રેટ છે, અને તેથી જ આ રીતે પરોક્ષ રીતે પોતાની ચૂંટાયેલી પત્નીની સરપંચની સત્તા ભોગવતા પતિઓને કટાક્ષમાં એસ.પી. (સરપંચ પતિ) કહેવામાં આવે છે... કમભાગ્યે હજુ પણ સમાજમાં એવો વર્ગ મોજુદ છે, જે મહિલાઓને જાહેરજીવન, ખેલકૂદ, કે બિઝનેસમાં સિદ્ધિઓ મળે, તેને સાખી શકતો નથી !
એવા અહેવાલો પણ આવ્યા છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એક મહત્ત્વકાંક્ષી યોજના ઘડી રહ્યું છે, અને આ સુચિત યોજના હેઠળ દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સરકારી ગર્લ્સ હોસ્ટેલ ખોલવામાં આવશે. આ યોજના માટે કેન્દ્ર સરકાર આજે અને આવતીકાલે રાજ્ય સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને રાજયોની સંમતિ તથા જરૂરી જમીન તથા ફંડની ફાળવણી અંગે પણ વાતચિત થશે. માત્ર વિદ્યાર્થીઓ (કન્યાઓ) માટે દેશભરમાં ૭૦૦થી વધુ હોસ્ટેલો ખોલવાનો પ્લાન છે અને આગામી કેન્દ્રીય બજેટમાં તેની ઘોષણા થાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.
નવી શિક્ષણ નીતિ હેઠળ આ પ્રકારની વ્યવસ્થાઓ થાય, તે આવકારદાયક છે, પરંતુ આ પ્રકારના પ્રસ્તાવો સામેના પડકારો પણ ઓછા નથી, સૌથી વધુ પડકારરૂપ વુમન હોસ્ટેલ્સની સુરક્ષા તથા વિદ્યાર્થીની બહેનોની સલામતિની ચાકચોબંધ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો છે અને બીજો પડકાર આ માટે ફંડીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચરની નાણાકીય જોગવાઈ પછી પણ તેના કાયમી વ્યવસ્થાપન અને નિભાવ-રખરખાવનો છે. માત્ર સંકુલો ઊભા કરી દેવાથી કે સ્ટાફની થોડી-ઘણી નિમણૂકો કરી દેવાથી આ પ્રકારની હોસ્ટેલો ચલાવી નહીં શકાય, પરંતુ તેમાં સંવેદનશીલ અને જવાબદાર સંચાલનની પણ જરૂર પડવાની છે, કારણ કે, ગર્લ્સ હોસ્ટેલો કે વિમેન હોસ્ટેલોમાં રહેતી અને ભણતી વિદ્યાર્થિનીઓ કે નોકરીયાત બહેનો તદૃન નિર્ભય અને સુરક્ષિત રહીને અભ્યાસ અને નોકરી કરી શકે, તેવું વાતાવરણ ઊભુ કરવાની જવાબદારી પણ સરકાર અને તાબાના સરકારી તંત્રોની જ રહેવાની છે. આ પડકાર ઉપાડી લઈને જો વિદ્યાર્થિનીઓ તથા નોકરિયાત સીંગલ બહેનો માટે હોસ્ટેલ્સની વ્યાપક અને સુરક્ષિત વ્યવસ્થાઓ સફળતાપૂર્વક ઊભી કરાશે, તો તે નારીશક્તિ માટે પ્રેરણાદાયી અને દેશ માટે એક ક્રાંતિકારી કદમ હશે પણ.....?
મહિલાઓ પર થતા અત્યાચારો, દૂષ્કર્મો અને નાની નાની બાળકીઓ સાથે થતા વિકૃત અત્યાચારોનું દૂષ્કર્મોની માનસિકતા પણ ઝડપથી પનપી રહી છે અને ભણેલા-ગણેલા અને સીઈઓ કે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ જેવા યુવાનો દ્વારા છાકટા થઈને ગેંગરેપ કે દૂષ્કર્મો કરવાની ઘટનાઓ પણ વધી રહી છે, તેથી એવુ કહી શકાય કે આપણે પ્રચારલક્ષી નહીં, વાસ્તવલક્ષી બનવાની વધુ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial