Advertisement
Author: નોબત સમાચાર

મશીન અને માણસ એક--બીજાને ગોટે ચડાવી દેશે

                                                                                                                                                                                                      

આવી ગયું છે ધમાકેદાર મશીન. જે તમારા પગ દુખતા હશે, હાથ દુખતા હશે, કે  માથું દુખતું હશે દબાવી આપશે.

''બોલો બહેન, આ ભાવમાં ફરી નહીં મળે. મોબાઈલના ચાર્જરથી ચાર્જ પણ થઈ  જાય. જરાય વધારે ઇલેક્ટ્રિસિટી ન બાળે. બે વર્ષની વોરંટી, વર્ષમાં બે સર્વિસ ફ્રી,  આવી શોધ વર્ષોમાં એકાદ વાર થાય રોજ ઘણાં મશીન વહેંચાય છે આપી દઉં?''

''ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે. તમારા ભાઈ ૨૪ કલાક આ સેવા પૂરી પાડે છે.  બે ટાઈમ જમવાનું આપીએ એટલે વગર ઇલેક્ટ્રિસિટી એ ચાર્જ થઈ જાય છે. લાઈફ  ટાઈમ ગેરંટી, જો મશીન કામ ના કરે તો હું વર્ષમાં ગમે તેટલી વાર ફ્રી 'સર્વિસ'  કરી નાખું. ઘણીવાર તો ખાધા પીધા વગર લો બેટરીમાં પણ સારૃં કામ આપે છે.

બહુ હોંશભેર આ સંશોધન થયું અને પહેલા જ ઘરાકમાં કસ્ટમર ફીડબેક એવું  આવ્યું કે ભાઈએ બધા મશીન ભંગારમાં આપી દીધા.

મેડિકલ સાયન્સમાં પણ હવે રોબોટિક સર્જરી થાય છે. સર્જન ભૂલથી બીજું કંઈ  કામ કરવા જાય કે તરત જ રોબોટ બોલે કે ''મોબાઇલ માંથી માથું ઊંચું કરો,  સર્જરીમાં ધ્યાન રાખો, બીજે ડાફોળિયાં મારવા રહેવા દેજો ખોટી કાપા કુપી ન  કરશો.''

પરંતુ તેમાં પણ એવું મશીન શોધવાની જરૂર છે કે જેવો દર્દીને ભાવતાલમાં સમજાવી  અને સુવડાવી દો અને રોબોટ ચાલુ કરો એટલે રોબોટ બોલે કે ''આ દર્દીના તમે  જરૂરત કરતા વધારે પૈસા લીધા છે.'' અથવા તો એમ કહે કે ''આને ઓપરેશનની  જરૂર જ નથી ખોટા ગાળિયા કરોમાં. તુમારી પરજા નબળી હોગી ઔર તુમ કો  હોંહરવા નિકલેગા'' દર્દીને બેભાન કરતા પહેલા જો રોબોટ ચાલુ કરી દીધો તો  દર્દીના કાનમાં પણ બોલે કે ''કાળા બજારમાં બે નંબરના પૈસા કમાણો એમાં તું  અહીં હલવાણો''

૨૦૨૫ નું વર્ષ પૂરૃં થશે અને ૨૬ ચાલુ થશે ૩૧ તારીખે રાત્રે ૮ વાગ્યા પછી અંગ્રેજી  ભાષામાં સંકલ્પ લેવાનું ચાલુ થશે. ફ્રોમ ટુમોરો આઈ વિલ ગો ફોર ધ વોક બ્રો...  આમાં કોઈ ગ્રામર જોવાની જરૂર નથી ભાવનાઓ કો સમજો. સો ટકા સંકલ્પમાંથી  ૯૯.૯૯ ટકા સંકલ્પો પહેલા અઠવાડિયામાં ભ્રષ્ટાચારી નેતા અને ભ્રષ્ટાચારી  કોન્ટ્રાક્ટરો દ્વારા નવનિર્મિત પુલની જેમ કડડભૂશ થઈ જાય છે.

સો કિલો આસપાસના દાગીના બિચારા ચાલવા તો માગતા હોય છે પરંતુ પોતાનું  વજન પોતે ઉપાડી શકતા નથી. એટલે વાહનમાં જઈ વોકિંગ ટ્રેકની સામે પડેલ  બાંકડા ઉપર બેસી વોકિંગ કરતા કે જોગીંગ કરતા લોકોને જોઈ જીવ બાળતા હોય  છે.

હવે તો જો કે તેમના માટે પણ મશીન આવી ગયા છે મશીન ઉપર સૂઈ જાવ એટલે  આપોઆપ હાથ પગ હલાવી તમને ઘરવાળા ઘધલાવીને પરાણે કસરત કરાવતા  હોય તેના કરતાં સરસ રીતે પોપલાવીને કસરત કરાવે.

મશીન વઢે પણ નહીં. મશીનનું મેન્ટેનન્સ સાવ ઓછું. બગડે તો બીજું લઈ શકાય. આજુબાજુવાળાનું પણ માગી શકાય. ભંગારમાં પણ દઈ શકાય.

પહેલાના જમાનામાં ચટણી બનાવવા માટે ખરલ અને દસ્તો આવતા. ધીમે ધીમે તેમાં અપગ્રેડેશન આવ્યું અને અત્યારે મિક્સર ગ્રાઈન્ડરમાં ચટણી થઈ  જાય.

હવે તો એ છૈ ને એટલું કહેવાનું કે એવું મશીન શોધો કે આપણા શરીર ઉપર ફીટ  કરી દઈએ એટલે ચાલતા ચાલતા નીકળો કે વાહન પર નીકળો તમને ઉઘરાણી  વાળાથી એલર્ટ કરે. ગાડી લઈને જાતા હો તો તરત જ મશીન બોલે ''કોડા, જમણી  બાજુવાળી લે આગળ ચાર ચોક ઉપર તારો લેણીયાત ઊભો છે. ગાડી પાછી વાળી  લે. જમણી બાજુ વાળીશ તો તરત જ ટ્રાફિક પોલીસ દંડ કરશે તારી પાસે લાયસન્સ  નથી.''

અમૂક આળસુ તો એવા હોય છે કે ''ખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે'  આટલી જ દિનચર્યા હોય. આપણે એમ કહીએ કે તમારે જલસા છે બેઠા બેઠા  ખાવાનું આવી જાય છે. કોઈ મહેનત નહીં. તો તરત જ ગુસ્સે થઈ અને કહે ચાવે  છે કોણ તારો બાપ? એટલે એવું મશીન બનાવો કે ચાવીને આપો તો સીધેસીધું ગળે  ઉતારવા તૈયાર હોય.

લોકો શરીર ઉતારવા માટે સાયકલ લઈ અને નીકળતા હોય પરંતુ હવે તેમાં પણ બેટરી ફીટ કરાવવા લાગ્યા છે. ખાલી ઉપર બેસી રહેવાનું બેટરીથી વ્હીલ ફરે.

રસોઈ કરવા માટે પહેલા ચૂલો સળગાવવાથી માંડી ચૂલો ઠારવા સુધી બહેનો જ  મહેનત કરતા. ધીમે ધીમે જમાના પ્રમાણે સુધારો આવતો ગયો અને અત્યારે રોટલી  વણવાના મશીન, પૂરી તળવાના મશીન, દાળ શાક ભાત બધું જ ઓટોમેટીક થઈ  જાય તેવા મશીન બજારમાં ઉપલબ્ધ છે. કચરો પોતુ કરવા માટે પણ રોબોટ આવી  ગયા. જોકે બહેનો કાયમ કહે છે કે રોબોટ પતિની તોલે ના આવી શકે. તેના જેવી  સફાઈ નથી થતી.

એક દિવસ માણસ આ મશીનથી એટલો કંટાળો છે કે પડ્યા પડ્યા છે ને પ્રાર્થના  કરશે કે સુખી થવાનું મશીન શોધો.

વિચારવાયુઃ- છે ગમે તેટલું આગળ વધે. પરંતુ પ્રેમ, લાગણી, વાત્સલ્ય, મમતા..  નો અહેસાસ ન કરાવી શકે. માનવતા ના પાઠ ન શીખવી શકે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh