Advertisement
Author: નોબત સમાચાર

તૂટેલા-ફૂટેલા માર્ગોમાં મારેલા થીગડા પણ ઉખડી ગયા, હવે શું ? જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

શ્રાવણ મહિનો પુરો થયો અને શ્રાવણી અમાસના દિવસે પવિત્ર વૃક્ષોને પાણી રેડીને પિતૃઓનું સ્મરણ કરાયું. હવે ભાદરવા મહિનામાં ગણેશોત્સ્વ અને શ્રાદ્ધની સાથે ભાગવત કથાઓ સહિતના ધાર્મિક પ્રસંગોની ભક્તિગંગા વહેશે. બીજી તરફ દેશ-દુનિયામાં પણ બદલી રહેલા સમીકરણો તથા વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલો બદલાવ શતરંજની વ્યૂહાત્મક રમત જેવો બનવા લાગ્યો છે. ભારત, રશિયા અને ચીન તથા અમેરિકા, ઈઝરાયલ અને યુરોપના દેશોની જુગલબંધી દેશ અને દુનિયાની નવી દશા અને દિશા કંડારી રહ્યા હોય તેમ જણાય છે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી અત્યારે મુખ્ય રાજકીય પક્ષો ત્યાં જઈને ગરજી રહ્યા છે, અને વરસી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થતાં જ નદી-નાળા અને જળાશયો છલકાવા લાગ્યા છે અને અધૂરા જળાશયો પણ થોડા દિવસોમાં ભરાઈ જશે, તેમ જણાય છે.

જામનગરમાં તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા જ તાજેતરમાં જ તૂટેલા-ફૂટેલા માર્ગોના ખાડાઓમાં જેવા-તેવા મારેલા થીગડાં તો ઉખડી જ ગયા છે, પરંતુ મૂળ રસ્તાઓ પણ વધુ તૂટી ફૂટી જતા આ રજવાડીનગર ફરીથી ખાડાખાડીનગર બની ગયું હોય તેમ જણાય છે.

તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટમાં રાજયમાં ભંગાર રોડ-રસ્તા, નબળી માળખાકીય સુવિધાઓ અને માર્ગ-અકસ્માતોને લઈને સુઓમોટો સુનાવણી થઈ હતી. જેમાં અદાલતે રાજ્ય સરકારને આ સંદર્ભે અત્યાર સુધી કયા-કયા પગલા લેવાયા છે, તેનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાનું ફરમાન કર્યું હતું.

એ સુનાવણી દરમ્યાન અદાલતે કરેલી ટિપ્પણીઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ હતી. જનસ્વાસ્થ્ય અને લોકોના જીવન સાથે જોડાયેલા આ મુદ્દે તત્કાળ અને પ્રભાવી કામગીરી થવી જરૂરી છે, તેવું અદાલતે ભારપૂર્વક જણાવ્યુ હતું. અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે હવે ટ્રાફિક નિયમન, માર્ગ સલામતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રશ્નો માત્ર ટેકનિકલ કે વહીવટી પ્રક્રિયાની મર્યાદામાં નહીં રહે, પરંતુ નૈતિકતા અને કાનૂની ધોરણે જવાબદારીનો વિષય બની રહ્યા છે, જે તંત્રો અને સરકારને બંધનકર્તા રહેવાના છે.

રાજ્યના ગૃહવિભાગ હેઠળ કાર્યરત પોલીસદળની સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ૧૩૦૦થી વધુ નિયમિત ટ્રાફિકકર્મીઓની ભરતી કરવામાં આવશે, તેવી કેફિયત અદાલતમાં રજૂ કરી ત્યારે લોકોને ખબર પડી કે અત્યાર સુધી રાજ્યની ટ્રાફિક નિયમનની વ્યવસ્થાઓમાં કચાશના મૂળમાં ટ્રાફિકતંત્રમાં મોટી સંખ્યામાં ખાલી પડેલી ટ્રાફિકકર્મીઓની જગ્યાઓ છે.

જો કે, અદાલતે સણસણતો સવાલ કર્યો હતો કે વસ્તીના પ્રમાણમાં ટ્રાફિકકર્મીઓની સંખ્યાને અનુરૂપ તથા ભવિષ્યની જરૂરિયાતોને લઈને કોઈ અંદાજ કરાયો છે ખરો ? જેનો જવાબ કદાચ તંત્ર પાસે હતો જ નહીં.

મીડિયામાં થતી આ પ્રકારની ચર્ચા દરમ્યાન પબ્લિક તરફથી પણ કેટલાક સવાલો ઉઠાવાતા હોય છે અને સૂચનો પણ થતા હોય છે, પરંતુ તેની ક્યાંય નોંધ પણ લેવાતી હશે કે કેમ ? તેની કોઈને ખબર નથી.

રાજયની વડી અદાલતે આ મુદ્દે સખ્ત વલણ અપનાવ્યા પછી રાજ્ય સરકાર અને તેના તંત્રો પણ હરકતમાં આવ્યા હોય તેમ જણાય છે. રાજ્યકક્ષાની જિલ્લાના તંત્રો સુધી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણા, રોડ સેફટીની વ્યવસ્થાઓ તથા ગુણવત્તાની ગેરંટી સાથે માર્ગ-અકસ્માતો ઘટાડવાની દિશામાં તંત્રો દોડાદોડી કરી રહ્યા હોય, તો તે અદાલતની કડક સૂચનાઓને આભારી જ ગણાય, કારણ કે અત્યાર સુધી આ તમામ મુદ્ે નિંભર તંત્રો કોઈને ય ગાંઠતા નહોતા અને "હોતી હૈ, ચલતી હૈ" જેવી માનસિકતા જ પનપી રહી હતી.

અદાલતે સરકાર પાસે ભવિષ્યની જરૂરિયાતોને લક્ષ્માં લઈને રોડ સલામતિની દીર્ઘકાલિન યોજનાઓ અંગે પણ રિપોર્ટ માંગ્યો હોય તો તે ન્યાયતંત્રના લોકલક્ષી અભિગમની સાથે સાથે શાસકો અને તંત્રોની અત્યાર સુધીની નિંભર લાપરવાહી પણ ઉજાગર કરે છે.

રાજ્ય સરકાર આ મુદ્દે કોઈ પણ યોજના બનાવે કે પ્રવર્તમાન યોજનાઓમાં સુધારા-વધારા કરે, અને એનો અહેવાલ અદાલતમાં રજૂ કરે ત્યારે એવી જોગવાઈ કરવાનું ન ભૂલે કે ટેન્ડર્સ મંજુર કરાવીને જે સરકારી બાંધકામો કે માર્ગોનું નિર્માણ થાય, તેમાં નિયત સમયમર્યાદામાં નુકસાન થાય, તો તે માટે કોન્ટ્રાકટરોના ખર્ચે તેનું રીપેરીંગ કરવું જ પડે, પરંતુ જેટલું નુકસાન થયું હોય, તેટલી જ રકમનો દંડ થાય અને પબ્લિક સાથે છેતરપિંડી કરવા બદલ ફોજદારી રાહે કેસ નોંધાય અને ન્યાયિક પ્રક્રિયા પછી સજા થાય. આ ઉપરાંત આ પ્રકારના તકલાદી કામો જો એક જ વરસાદમાં ધોવાઈ જાય, તો તેની મંજુરી આપનાર-ચકાસણી કરનાર ચોક્કસ અધિકારીઓ સામે પણ ખાતાકીય ધોરણે શિક્ષાત્મક પગલા લેવાય, તેવી કડક જોગવાઈઓ થવી જોઈએ.

એવું નથી કે માત્ર જામનગરમાં જ થોડા મહિના પહેલા બનેલા માર્ગો કે રીપેરીંગ દરમ્યાન મારેલા થીગડા ધોવાઈ ગયા હોય, પરંતુ સમગ્ર હાલારમાં આવી જ દશા છે, નગરોના મુખ્ય માર્ગો પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા જે પ્રકારની અવદશા વાહનચાલકોની થાય છે, તેવી દશા તેના જવાબદારોની પણ થાય અને કડક પગલાં લેવાય, તેવી લોકોની અપેક્ષા છે, પરંતુ મિલીભગત, સાંઠગાંઠ અને ભ્રષ્ટાચારના પ્રભાવને કારણે આ પ્રકારની લોકોની અપેક્ષા સંતોષાય તેમ જણાતુ નથી.

હવે ચોમાસા પછી નગરો-ગામોના આંતરિક માર્ગો, જિલ્લા-રાજ્ય ધોરીમાર્ગો અને નેશનલ હાઈવેમાં નવેસરથી માર્ગોનું નિર્માણ થાય કે નવીનીકરણ થાય, ત્યારે તમામ જદાબદારો સામે અત્યંત કડક પગલા લેવાની જોગવાઈ કરવાનું ભુલાવું ન જોઈએ, ભલે તે માટે એક વધુ નવો કાયદો ઉતાવળે પસાર કરાવી દેવો પડે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh