Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા, રશિયા, ઈઝરાયેલ અને ચીનને માથાભારે આત્મનિર્ભર દેશો કહી શકાય!
ભારત ઉપર જ્યારે જ્યારે વૈશ્વિક સંકટ આવે ત્યારે દેશ ભક્તિનો જુવાળ ફાટી નીકળે છે. આ ચોમાસામાં ઉડતા પાંખવાળા જીવડા કે નીંદામણ જેવું છે. ચોમાસું જતું રહે એટલે જીવાતો જતી રહે. આપણી માનસિકતા પણ આબેહૂબ આવી જ તકલાદી અને ક્ષણજીવી છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ થાય એટલે આઝાદીના ગીતો ગુંજવા લાગે. રાજકારણીઓ પણ જાણે લસલસતો લાડુ મળ્યો હોય તેમ સંઘર્ષની ગાથાઓ મમળાવવા લાગે. ડોનાલ્ડ ટ્રમ્પએ દંડો પછાડ્યો એટલે ફરી આપણે સ્વદેશી શોધવા માટે નીકળી પડ્યા. આત્મનિર્ભરના નારાઓ ગુંજવા લાગ્યા! ગુજરાત સરકારે પણ એક હજાર સ્વદેશી મેળાઓની જાહેરાત કરી દીધી છે. દુકાનો ઉપર સ્વદેશીના સ્ટીકરો ચોંટાડવા માટે ભાજપના કાર્યકરો કામે લાગી ગયા છે. અચાનક ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્નવને જોહો કોર્પોરેશન નામની ટેકનોલોજી કંપની દેખાણી. મારા સહિત લાખો ભારતીઓ તેને ફંફોસવા લાગ્યા, તેના ઉપર એકાઉન્ટ પણ બનાવી નાખ્યા. હવે, ભૂતકાળ યાદ કરીએ.. ટ્વિટરને ટક્કર આપવા માટે આપણી પાસે 'કૂ' હતું, બંધ થઈ ગયું. વોટ્સએપ ના ઑપ્શનમાં 'હાઇ' હતું, તે પણ ખોવાઈ ગયું. મુકેશ અંબાણીનું 'જીઓ ચેટ' પણ અદૃશ્ય થઈ ગયું. અમેરિકાનું વોટ્સએપ હજુ ધમધમે છે!
મોટો સવાલ એ છે કે, શું આવી રીતે આત્મનિર્ભર કે સ્વદેશી બની શકાશે?
સોચ બદલો
અમેરિકા સાથેની અંટસ બાદ આપણે જગ્યા. ટ્રમ્પ દાદા આડા અવળા ફટકા મારવા લાગ્યા અને આપણને સોળ ઉઠી આવ્યા. માર ખાધા વગર છૂટકો પણ નથી. કારણ કે સોટી તેના હાથમાં છે. આવે સમયે વારંવાર આફતમાં અવસર શોધતા લોકો ફરી ગેલમાં આવી ગયા. ગુજરાત સરકારે આત્મનિર્ભર અને સ્વદેશીના વિષય ઉપર અમદાવાદમાં પત્રકાર પરિષદ પણ કરી નાખી. આવા સંવેદનશીલ મુદ્દાની પત્રકાર પરિષદમાં તીખા સવાલ પૂછવાને બદલે 'મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે?' તેવો વાહિયાત પ્રશ્ન પણ પૂછી નખાયો. આયોજકો એ પણ ગંભીરતા દાખવ્યા વગર ચાલતી પકડી. આ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું કે ગુજરાતમાં ૯૦ દિવસમાં સ્વદેશી મેળા યોજાશે. મારો અનુભવ છે કે આવા સ્વદેશી મેળાઓમાં મોટાભાગે, પાપડ, અથાણાં, હસ્તકલની ચીજો, સૌંદર્ય પ્રસાધનો, માટીના દિવડા, અગરબત્તી, મીણબત્તીઓ, વિવિધ પ્રકારના સરબત, ગૃહ શણગાર માટેની ચીજો જ હોય છે. તમામ હસ્તકળા આધારિત હોય છે.
આત્મનિર્ભર સ્વદેશી બનવું
હશે તે આવા મેળા નહીં ચાલે
અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલોર તેવા મોટા શહેરોમાં ટેકનોલોજી આધારિત પ્રદર્શન પ્રવૃત્તિઓ થાય છે તેમાં ૯૯ ટકા વિદેશી સંશોધનો રજૂ કરવામાં આવે છે. મોબાઇલના પ્રદર્શનમાં મોબાઈલ હેન્ડસેટ ચીન, અમેરિકા કે કોરિયન જ હોય છે. મોબાઈલ કવર સ્વદેશી હોવાનું જણાય છે. આપણે આપણી સોચ, વિચાર બદલવા પડશે. મોબાઈલ હેન્ડસેટ આપણા હોય અને કવર વિદેશી હોવા જોઈએ!
અંગ્રેજોએ આપણને દબાવીને પછાત રાખ્યા હતા તેમ વર્તમાન સમયમાં પણ વિદેશી આખલાઓ આપણી કંપનીઓને પગની એડી હેઠળ દબાવીને રાખે છે. જરાક પણ ઊંચા થઈએ તો કચડી નાખે છે. આપણે હવે પાપડ-અથાણાની માનસિકતામાંથી બહાર આવવું પડશે. ગુજરાત સરકારે એક હજાર મેળા કરવાની જરૂર નથી, હાથીના પગ જેવાડો એક જ સ્વદેશી ટેકનોલોજી મેળો કરવો જોઈએ!
સ્ટાર્ટ અપ
નરેન્દ્ર મોદી સરકારે ખૂબ સરસ નવી સ્ટાર્ટ અપ પોલિસીનો અમલ કર્યો છે. જેમાં નવા નવા યુવાનો પોતાના નવા વિચારો અને શોધ લઈને આગળ આવે.
ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ૫,૯૦,૦૦૦ થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ, ૧૨૫ યુનિકોર્ન (એક બિલિયન ડોલરથી વધુ મૂલ્યના સ્ટાર્ટઅપ્સ) માં ૬૦૦ બિલિયનથી વધુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે, સ્ટાર્ટઅપ્સે ૧૫૩૦ ઇક્વિટી ફંડિંગ રાઉન્ડ દ્વારા ૧૩ બિલિયન મેળવ્યા છે, જોકે વૈશ્વિક આર્થિક સાવચેતીને કારણે આ ગત વર્ષ કરતા ૨૮% ઘટાડો દર્શાવે છે. ઇકોસિસ્ટમ ફિનટેક, ઇ-કોમર્સ, એડટેક, હેલ્થટેક, એસએએએસ, લોજિસ્ટિક્સ અને એઆઈ જેવા ક્ષેત્રોને આવરી લે છે, જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલ દ્વારા મજબૂત સરકારી સમર્થન છે, આ પ્લેટફોર્મ ઉદ્યોગસાહસિકોને રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ અને ભંડોળ સાથે જોડે છે, જેમાં વૈકલ્પિક રોકાણ ભંડોળ (એઆઈએફએસ) માટે ભંડોળનો સમાવેશ થાય છે. સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓમાં ભંડોળ, નવીનતા, ઇવેન્ટ્સ, આઈપીઓ, એક્વિઝિશન અને સપોર્ટ પ્રોગ્રામનો સમાવેશ થાય છે.
માનસિકતા
ભારતની માનસિકતા મોટા ભાગે વિદેશ પ્રેમીની રહી છે. વિદ્યાર્થીકાળથી વિદેશ ભણવા જવાના સપના જોવે છે. નોકરી વિદેશમાં કરવી છે. ધનાઢ્ય લોકો તો હવે લગભગ વિદેશી જ થઈ ગયા છે. વિડીયો કોન્ફરન્સથી ધંધા ચલાવે છે. નોકરને ખબર પણ નથી હોતી કે શેઠ કયા દેશમાં બેઠા બેઠા સૂચનાઓ આપે છે. નાના અને મધ્યમ લોકો વારંવાર પૂછે છે કે, શું અમારે જ સ્વદેશી બનવાનું? ધનિકોને પણ દેશપ્રેમ તરફ આકર્ષવા જોઈએ. ધનિકોએ પણ માત્ર મહિન્દ્રા અને ટાટાની ગાડીઓ જ વાપરવી જોઈએ.
આપણી માનસિકતા હવે બદલવાની જરૂર છે. સ્વદેશી જ ઉદ્ધાર છે. ખાખરા, પાપડની માનસિકતા પછાત રાખવા માટે કારણભૂત બની શકે છે. મેક ડોનાલ્ડના પિઝા આખી દુનિયામાં મળે તે આપણા ફાફડા, જલેબી, લાડુ, ખાંડવી, થેપલા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કે નથી બનતાં? આપણા જેન ઝી પિઝા બર્ગર, હોટડોગ ખાય તો વિદેશી યુવાનો લાડુ, ખાંડવી, ગાંઠિયા કેમ નથી ખાતા? આપણે કોક અને પેપ્સી ગટગટાવી જઈએ છીએ તો ધોળિયા લોકો છાસ કેમ પીતા નથી? વિદેશીઓ પોતાનું છોડવા માંગતા નથી તો આપણે કેમ વિદેશી ખોરાક ઉપર તૂટી પડીએ છીએ?
સોચ બદલો.. દુનિયા બદલો! આપણે પણ કટ્ટર સ્વદેશી થવું પડશે. ચીન વોટ્સએપ નથી વાપરતું, તે પોતાનું ચાઇનીઝ 'વી ચેટ' જ વાપરે છે. ચીનના અતિ લોકપ્રિય સોશિયલ મીડિયા એપ 'ટીકટોક' અમેરિકાને પણ હંફાવે છે. અમેરિકાના ટેક જાયન્ટ ટેસ્લાને ચીનની કંપની બી.વાય.ડી. ટક્કર આપે છે.
ભારતે પણ હવે માથાભારે સ્વનિર્ભર થવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ટાંગ અડાડી શક્યા, ઇઝરાઈલ-હમાસ યુદ્ધમાં તેનું કોઈ સાંભળતું નથી. ઇઝરાઈલ માથાભારે આત્મનિર્ભર છે.
સ્વદેશી
મહાત્મા ગાંધીના સમયથી સ્વદેશીનો ખ્યાલ ભારતના લોકોને આપવામાં આવ્યો છે. સ્વદેશી ચળવળ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો પાયાનો પથ્થર હતો, જેમાં આત્મનિર્ભરતા, સ્વદેશી ઉત્પાદન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે આર્થિક પ્રતિકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે વિવિધ ઐતિહાસિક સંદર્ભોમાં અનેક તબક્કાઓમાંથી પસાર થયો, દરેક તબક્કામાં અલગ અલગ વ્યૂહરચનાઓ, નેતાઓ અને રાષ્ટ્રીય ધ્યેયો હતા. દરેક તબક્કા પ્રતિબિંબિત કરે છે કે સ્વદેશીનો વિચાર કેવી રીતે બહિષ્કાર ચળવળમાંથી રાષ્ટ્રીય સ્વ-નિર્ભરતા અને આર્થિક સાર્વભૌમત્વના વ્યાપક દૃષ્ટિકોણમાં પરિવર્તિત થયો છે.
અમેરિકા, ચીન રશિયામાં કોઈ નેતાએ આવો ખ્યાલ કે વિચાર આપ્યો નથી, તો પણ તે લોકો સ્વદેશી બની ગયા. મૂળમાં આપણને સંશોધનોની માનસિકતા નથી. તૈયાર ભાણે જ જમતા રહીશું તો રાંધણ કલા શિખશું ક્યારે? આત્મનિર્ભર બનવા માટે સૌથી પહેલા વિચારોથી આત્મનિર્ભર બનવું પડશે.
રામદેવજી મહારાજ એફ.એમ.સી.જી. સેક્ટરમાં વિદેશી કંપનીઓને ટક્કર આપી રહૃાા છે. બીજી તરફ તેને ઉતારી પાડવા માટે પણ મોટી લોબી કામ કરે છે.
સ્વદેશી ચળવળ વર્તમાન સમયમાં ભારતમાં ''આત્મનિર્ભર ભારત'' અને મેક ઇન ઇન્ડિયા પહેલ દ્વારા ચાલુ છે, જે સ્થાનિક ઉત્પાદન અને આર્થિક સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. અમેરિકા સાથે ટેરિફ સંઘર્ષ અને સપ્લાય ચેઇન અનિશ્ચિતતાઓ જેવા ભૂ-રાજકીય દબાણોનો જવાબ આપતા, સરકાર ઐતિહાસિક ચળવળની ભાવનાને પુનજીર્વિત કરી રહી છે, નાગરિકોને ભારતીય માલ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને ભારતમાંથી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે બજાર તરીકે સ્થળાંતરને પ્રોત્સાહન આપી રહી છે.
દેશપ્રેમ
ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટે કાયમી દેશપ્રેમ બહુ જરૂરી છે. રાજકીય ઈચ્છાશકતી પ્રબળ હોવી જોઈએ. સુઝુકીના નવા બેટરી પ્લાન્ટમાં ઊભીને સ્વદેશી ઉપર ભાષણ આપવાથી બાજી બગડે છે. રેલવે એન્જિનોને સ્વદેશીની ટેગ લગાવવામાં આવે છે પરંતુ તેમાં મોટા ભાગના પાર્ટસ વિદેશી હોય છે. વિદેશી સિમેન્સ કંપનીનો તેના નિર્માણમાં મોટો ફાળો રહૃાો છે. સંપૂર્ણ ભારત નિર્મિત ટેકનોલોજી પ્રત્યે આપણે હવે પ્રેમ કેળવવો પડશે. વેજ અને નોનવેજ ખાદ્ય ચીજો ઉપર લાલ-લીલા માર્ક હોય છે તેમ સ્વદેશી અને વિદેશીની ઓળખ પણ સ્પષ્ટ કરવી પડશે. તૈયાર ભાણે જમવાથી ઉત્તમ રસોઈયા બની શકાતું નથી. ઘર બહારની રસોઈ કાયમ પચતી નથી. અપના હાથ જગન્નાથ જ કરવું પડશે. આત્મનિર્ભર બનવા માટે આપણે ચીન પાસે ટ્યુશન રાખવું જોઈએ. વિદેશી ટેકનોલોજી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. મસ્કની ટેસ્લા ચીનમાં બહુ મોટા પાયે બને છે, પરંતુ તેને ચીનની બી.વાય.ડી. આખી દુનિયામાં ટક્કર આપી રહી છે. ટેસ્લા ભારતમાં હજુ ૮-૧૦ ઇલેક્ટ્રિક કાર વેંચી શકી છે ત્યારે બી.વાય.ડી. લાખોની સંખ્યા વટાવી ચૂકી છે. મોદી સરકારે આ બન્ને વિદેશી કારને પ્રવેશ આપવાની જરૂર નહોતી. આ બન્નેથી ટાટા અને મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કારને મોટો ફટકો પડશે.
સુઝુકી, હોન્ડા, એલ.જી., એપલ, વિવો, ઓપ્પો, સેમસંગ, સોની જેવી વિદેશી કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરે એટલે તેને સ્વદેશી ગણી ગૌરવ ગાન કરવું ન જોઈએ.
ટૂંકમાં ભારત સરકારે કટ્ટર સ્વદેશી બનવું પડશે!
'નોબત'ના વાચકો અને ચાહકો જાગૃત દેશભક્ત બને અને વિદેશી મોહ છોડે તેવી હાર્દિક અપીલ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial