Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વિજય'ના વિવિધ સ્વરૂપોઃ વિશેષ મહાત્માઓના દૃષ્ટાંતોઃ નવો વિચાર...
આ વર્ષે છેક નવરાત્રિ સુધી વરસાદ પડ્યો અને નદી, તળાવો, જળાશયો, કૂવા-ચેકડેમો ભરાઈ ગયા. કુદરતની કૃપા પણ વધુ પડતી થઈ જાય તો તે કહેર બની જાય છે, તેથી ઘણાં સ્થળે ભારે પૂર અને અતિવૃષ્ટિના કારણે તારાજી પણ સર્જાઈ હતી, તેથી જ કહેવાય છે કે, મનુષ્ય હોય કે પ્રકૃતિ હોય, કેટલીક મર્યાદા, અંકુશ અથવા સ્વયંશિષ્ત જરૂરી હોય છે. ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કરીને અસૂરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો મહિમા વધાર્યો હતો અને ગાંધીજીએ અસત્ય અને અન્યાય સામે સત્ય અને ન્યાયના વિજયનું દૃષ્ટાંત આપ્યું હતું. આ ત્રણેય પ્રકારના વિજયનો આ વર્ષે ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
ગાંધી જયંતી
દર વર્ષે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી ઉજવાય છે અને પોરબંદરના કીર્તિ મંદિર તથા અમદાવાદના સાબરમતી આશ્રમ સહિત કેટલાક સ્થળે પ્રાર્થનાસભાઓ યોજાય છે. ગાંધીજીની ભારતની સ્વતંત્ર્ય ચળવળમાં તો પરિણામલક્ષી ભૂમિકા હતી જ, પરંતુ સમાજ સુધારણા, સામાજિક સમાનતા, સ્વચ્છતા, અહિંસાનો સિદ્ધાંત તથા સંયમિત જીવનના આદર્શો તથા પ્રવૃત્તિઓની શરૂઆત તેમણે પોતે જ આત્મસાત કરીને સમગ્ર વિશ્વને તત્કાલિન આંતરરાષ્ટ્રીય પ્રવાહોની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રાહ ચિંધ્યો હતો તે સમયે ગાંધીજીના વિચારોનો દેશ-દુનિયામાં વ્યાપક પ્રચાર-પ્રસાર થયો, અને વિશ્વની મહાસભાઓ સહિતના કેટલાક રાષ્ટ્રોના તેઓ આદર્શ હતાં. દક્ષિણ આફ્રિકા અને અમેરિકા સહિતના દેશોના તત્કાલિન તથા તે પછીના કેટલાક ચળવળકારો તથા અન્યાય સામે ઝઝુમતા વ્યક્તિવિશેષોએ ગાંધીજીની અહિંસક ચળવળનો કોન્સેપ્ટ અપનાવીને શાંત, પરંતુ અસરકારક આંદોલન, અસહયોગ અને ભૂખ હડતાલ, શાંત સત્યાગ્રહો અને શાંતિપૂર્વકના વિરોધ-પ્રદર્શનો, ઘેરાવ તથા ધરણાં, આમરણાંત ઉપવાસ આંદોલનો વિગેરે દ્વારા તાનાશાહો, સલીનતા અને ક્રૂર-ઘમંડી શાસકોને પણ હંફાવ્યા અને ઝુકાવ્યા હતાં, તેના દૃષ્ટાંતો ઈતિહાસના પાને લખાયેલા જ છે ને?
ગાંધી જયંતીની વાત આવે ત્યારે તેનો પોરબંદરમાં બીજી ઓક્ટોબર-૧૮૬૯ ના દિવસે જન્મ થયો હતો, તેઓએ સ્વાતંત્ર્ય ચળવળ દ્વારા અંગ્રેજોને હંફાવ્યા હતાં અને દેશને આઝાદી આપી હતી, તેટલી બુનિયાદી જાણકારી તથા તેઓના બાળપણની માહિતી અપાય એટલી વિગતો પછીનું તેઓનું જીવન વર્ણવવું હોય તો ગ્રંથો પણ ઓછા પડે. કારણ કે ગાંધીવિચાર મુજબ સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક, પારિવારિક, શૈક્ષણિક અને રાજનૈતિક ક્ષેત્રે ઘણું બધુ લખાયું છે, વંચાયું છે, કેટલાક ગાંધીવાદીઓ દ્વારા તેનું અનુસરણ કરાયું છે, પરંતુ તેમ છતાં આપણે હજુ ગાંધીજી જેવું જીવન જીવીને સંપૂર્ણપણે તેઓને અનુસરી શકીએ તેમ નથી, તે પણ નક્કર હકીકત જ છે ને?
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જ્યારે ભારતીયો પ્રત્યે ભેદભાવ રાખવા સામે સંઘર્ષ કર્યો, ત્યારે કદાચ તેઓને પોતાને પણ સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેઓ ભવિષ્યમાં આખા ભારત દેશને આઝાદી અપાવવાનું નિમિત્ત બનશે, પરંતુ ગાંધી વિચારે બે સદીથી ચાલ્યા આવતા આઝાદીના આંદોલન પર પ્રભાવ પાડ્યો અને અંતે આઝાદી મળી ગઈ. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા સિવાય પણ ભેદભાવ, અસ્પૃશ્યતા, અસમાનતા, અન્યાય અને શોષણ સામે જે સંઘર્ષ કર્યો અને વિચારો તથા સિદ્ધાંતો આપ્યા, તેની ચર્ચા પણ ઓછી થાય છે અને ધીમે ધીમે ગાંધી જયંતીની ઉજવણી એક પ્રકારની પરંપરાગત ઔપચારિક્તા થઈ ગઈ છે, અને 'ગાંધીવિચારો' વિસરાઈ રહ્યા છે, તેવું નથી લાગતું?
મારા વ્યક્તિગત અનુભવો વર્ણવું તો રાવલથી પોરબંદર નજીક થતું હોવાથી અવારનવાર બાળપણથી જ પોરબંદર જવાનું થતું હતું. તે પછી તયાંની જિલ્લા માહિતી કચેરીના વડા (એડીઆઈ) તરીકે પણ પોરબંદરમાં ફરજો બજાવી તે દરમિયાન ફરજ ભાગરૂપે પણ કીર્તિમંદિર તથા ગાંધીજી અને કસ્તુરબાના જન્મસ્થળોની અવારનવાર મુલાકાત લેવા જવાું થતું હતું. આ સ્થળે દેશ-વિદેશથી ઘણાં પ્રવાસીઓ આવતા હોય છે, અને તેની મુલાકાતો કે સામાન્ય વાતચીત મારે જ્યારે જ્યારે થઈ, ત્યારે ત્યારે મેં અનુભવ્યું કે વિદેશથી આવતા મોટાભાગના પ્રવાસીઓ પણ ગાંધીજી વિષે ઘણું બધુ જાણવાનો પ્રયત્ન કરતા હતાં અને તદ્વિષયક પ્રશ્નો પણ પૂછતા હતાં અને ઘણાં પ્રભાવિત થતા જોવા મળતા હતાં. આજે ગાંધીવિચાર અને ગાંધીવાદીઓ ભલે ઘટી ગયા હોય, તેવું લાગે, પરંતુ 'ગાંધીવિચાર'ની વિશ્વવ્યાપી મોજુદગી કાયમ રહેવાની જ છે.
ગાંધીજીની પોઝિટિવિટી અને નેગેટિવિટીની ઘણી વખત ચર્ચા થતી હોય છે. ગાંધીજીના વિચારો સ્પષ્ટ હતાં. તેઓ અહિંસાની વાત કરતા અને અન્યાયનો પ્રતિકાર કરવાની વાત પણ કરતા હતાં. એવું પણ કહેવાય છે કે અન્યાય કરનાર કરતા પણ અન્યાય સહન કરનાર વધુ જવાબદાર ગણાય. ગાંધીજયંતીના દિવસે ગાંધીવિચારોની વાત જરૂર થાય, પરંતુ આજે ગાંધીજીએ સંપૂર્ણપણે અનુસરતા હોય તેવા લોકો અને સંગઠનો પણ હાંસિયામાં ધકેલાઈ રહ્યા હોય તેવું નથી લાગતું?
રાજકીય અને જાહેર જીવનના ક્ષેત્રે ગાંધીજીના આદર્શો અને વિચારો ભલે લુપ્ત થઈ રહેલા જણાતા હોય, પરંતુ ગાંધીજીનો રાજકીય રીતે પણ ઘણો જ ઉપયોગ થતો રહ્યો છે. ગાંધીજી પોતે તો રાજનીતિમાં હોવા છતાં સત્તાથી દૂર રહ્યા હતાં, પરંતુ સત્તા મેળવવા માટે ગાંધીજીના નામનો ઉપયોગ વધુ થતો રહ્યો છે, તે આપણા દેશની કમનસીબી ગણાય. એક તરફ દુનિયાના ઘણાં દેશોમાં ગાંધીજીને અનુસરીને કેટલાક વ્યક્તિવિશેષો બિનરાજકીય ઢબે ગાંધી વિચારોને જિવંત રાખી રહ્યા છે, તો બીજી તરફ ગાંધીજીના દેશમાં જ તેઓનો રાજનીતિમાં પ્રચારાત્મક ઉપયોગ થતો રહ્યો છે, તેવી છાપ ઉપસી રહી છે.
વિજ્યાદશમી
ગાંધી જયંતીની સાથે સાથે આપણે વિજ્યાદશમી પણ ઉજવી. વિજ્યાદશમી એવો તહેવાર છે, જેમાંથી એવો બોધપાઠ મળે છે કે, અસૂરોને તો હણવા જ પડે. રાવણ જેવા જ્ઞાની અને બળવાન શાસક જ્યારે અસૂરી મનોવૃત્તિ ધરાવતા હોય અને સીતાહરણ જેવા કૃત્યો થતા હોય ત્યારે તેની સામે તો યુદ્ધ જ કરવું પડે. ભગવાન શ્રીરામે પણ રાવણ પર સીધી ચડાઈ નહોતી કરી, પરંતુ અંગદને દૂત તરીકે મોકલીને સીતાજીને પરત કરી દઈને યુદ્ધ નિવારવાની પૂરેપૂરી તકો આપી હતી, પરંતુ રાવણે તેને ગણકારી જ નહીં. ઘમંડી અને તુંડમિજાજી શાસક ગમે તેટલો જ્ઞાની કે બળવાન હોય, તો પણ અંતે તો તેનો પરાજય જ થાય છે, તેવો સારાંશ રામ-રાવણ યુદ્ધ તથા રામાયણમાંથી નીકળે છે.
ભગવાન શ્રીરામ પણ આદર્શવાદી હતાં. મર્યાદાપુરૂષોત્તમ હતાં, પરંતુ જરૂર પડ્યે તેઓએ માત્ર રાવણ જ નહીં, તે સમયે ૧૪ વર્ષના વનવાસ દરમિયાન ઋષિમૂનિઓને રંજડતા ઘણાં અસૂરોનો સંહાર કર્યો હતો, તેથી એવું કહી શકાય કે અસૂરો જો શાનમાં સમજે નહીં, અને ઘમંડમાં જ મસ્ત રહે તો તેને હણવામાં કોઈ દોષ નથી. અહીં અત્યારની વાત થતી નથી, પરંતુ રાજાશાહીના જમાનાની વાત થાય છે. અસૂરોના સ્વરૂપ પણ અત્યારે બદલાયા છે. અત્યારે અસૂરો આતંકવાદી, નક્સલવાદી કે કટ્ટરવાદીના સ્વરૂપમાં નિર્દોષ લોકોનો સંહાર કરતા હોય, ત્યારે તેનો સંહાર જ કરવો પડે. આ પ્રકારની માનસિક્તા પર પણ પ્રહાર કરવો જરૂરી હોય છે, અને આતંકીઓને તૈયાર કરતા તેના આકાઓને જ ઝેર કરવા પડે, ખરૃં કે નહીં?
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial