Advertisement
Author: નોબત સમાચાર

કોણ કોનાથી ડરે છે ? તરંગી તુક્કાબાજી અને તિક્કડમ્...! કેવો મળશે જનાદેશ ? વૈશ્વિક પ્રવાહોના રાષ્ટ્રીય પ્રત્યાઘાતો...

                                                                                                                                                                                                      

માવઠાના માર થી જેવી રીતે ઘણાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને ખેતીપાકને નુકસાન થયું, અને ખેડૂતોએ સરકાર તરફ મીટ માંડી, તેવી જ રીતે ટ્રમ્પના ટેરિફનો માર ભારત સહિત દુનિયાના ઘણાં દેશો સહન કરી રહ્યા છે, ત્યારે ધૂની-તરંગી અને અવિશ્વસનિય બની ગયેલા ટ્રમ્પની તિક્કડમબાજી પણ સતત ચાલી રહી છે. ટ્રમ્પે ચીન તરફ નરમ વલણ દેખાડયા પછી હવે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે, અને તેના કરતાંયે વધુ મહત્ત્વનું એ છે કે ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાના સંકેતો પણ આપ્યા છે. તેમણે કહ્યું છે કે "મોદી હેન્ડસમ અને જબરદસ્ત ઈન્સાન છે." તેઓ ઘણાં જ ટફ છે. અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. તેમણે એમ પણ કહ્યું કે, "ભારત અને પાકિસ્તાનની વાત કરવા માંગતા હોવ તો હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યો છું. !"

એવા અહેવાલો પણ છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ ન કરે પણ ઘટાડો કરવા સંમત થાય તો અમેરિકા ટેરિફ ૧૬ ટકા કરવા તૈયાર છે.

આ અહેવાલો પછી ભારતના વ્યાપાર ઉદ્યોગ અને આર્થિક ક્ષેત્રે ભલે પોઝિટીવ પ્રત્યાઘાતો પડયા હોય કે પછી મીડિયામાં પી.એમ.મોદીની પ્રશંસા થતી રહે, પરંતુ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધીનું મંતવ્ય કાંઈક અલગ જ છે અને મીડિયા અહેવાલો મુજબ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી અમેરિકા (ટ્રમ્પ)થી ડરે છે.

રાહુલ ગાંધીની સોશ્યલ મીડિયાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશ-વિદેશમાં સતત અપમાન કરી રહ્યા છે, જેનું તાજું દૃષ્ટાંત દક્ષિણ કોરિયાનું છે. ટ્રમ્પે ફરીથી કહ્યું છે કે, તેમણે ટ્રેડનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે સાત વિમાનો તોડી પડાયા હતા.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા હોય તેમ લખ્યું કે તેઓ (મોદી) ડરે નહીં, અને ટ્રમ્પને જવાબ આપવાની હિંમત બતાવે.

એક ચૂંટણી પ્રચારમાં પણ રાહુલ ગાંધીએ પડકાર ફેંકયો કે બિહારની ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી કહી બતાવે કે "ટ્રમ્પ જુઠ્ઠું બોલી રહ્યા છે".

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે આવી હિંમત મોદી દાખવી શકે તેમ જ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિએ વારંવાર કહ્યું કે તેમણે ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂર અટકાવ્યું, પરંતુ નરેન્દ્ર મોદી તે અંગે કાંઈ પણ કહેતા નથી. મોદીજીએ એક વખત પણ એવું નથી કહ્યું કે ટ્રમ્પ આડી-અવળી (ખોટી) વાતો કરી રહ્યા છે.

બીજી તરફ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને ટ્રેડ ડીલ અંગેના સંકેતો આપ્યા, તથા ટેરિફમાં ઘટાડો થશે, તેવી આશા જાગી છે, તેના અહેવાલો ખૂબજ ઝડપથી અને વ્યાપક રીતે પ્રચલિત અને પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ એ જ સમયે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન અને તેના સેનાધ્યક્ષ મુનિરના પણ વખાણ કર્યા હતા., તેની ચર્ચા ઓછી થઈ રહી છે, કારણ કે હવે ટ્રમ્પની "ડબલ ઢોલકી" ને તથા ટ્રમ્પ ટેરિફ વોર તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના પડઘા બિહારના ચૂંટણી પ્રચારમાં પડવા લાગ્યા હોવાથી આ મુદ્દો અત્યારે તો પૂર્ણપણે રાજકીય જ બની ગયો છે, અને કોણ સાચુ અને કોણ જુઠ્ઠું એ પણ જનતા જાણે જ છે ને ?

જો કે, મત માટે નાચવાના કટાક્ષનો મદ્દો એટલો બધો ગરમાયો છે કે લાલઘૂમ થયેલા ભાજપના નેતાઓ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કરી રહ્યા છે.  અમિત શાહે તો ત્યાં સુધી કહી દીધું કે સોનીયા ગાંધી રાહુલને વડાપ્રધાન બનાવવા માંગે છે, અને લાલુ યાદવ તેના દીકરા (તેજસ્વી)ને બિહારના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. પરંતુ દિલ્હીમાં નરેન્દ્ર મોદી છે અને બિહારમાં નિતીશકુમાર છે, તેથી હાલમાં કોઈ જગ્યા ખાલી નથી !

ચૂંટણીના પ્રચાર દરમ્યાન ઘણાં જુઠ્ઠાણા ચાલતા હોય છે, જ્યારે ઘણાં કડવા સત્યો પણ બહાર આવી જતા હોય છે. આ તરફ વર્ષ ૨૦૨૬ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે આ વખતે યુરોપિયન કમિશનના પ્રમુખ યુર્સલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયા કોસ્ટાને ભારત સરકારે આમંત્રિત કર્યા હોવાના અહેવાલો જોતા, તેને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક સંબંધો વધતા ટ્રમ્પના ટેરિફ એટેકનો સામનો કરવા તરફનું વ્યૂહાત્મક કદમ ગણાવાઈ રહ્યું છે. આ માટે નક્કી કરાયેલા એજન્ડામાં મૂક્ત વ્યાપાર (એફ.ટી.એ.) ઉપરાંત રક્ષાક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ ડીલની સંભાવના જણાવાઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી સભાઓમાં રાહુલ ગાંધી જે સટાસટી બોલાવી રહ્યા છે, તેના કેન્દ્રસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હોય છે... જોઈએ, બિહારની જનતાનો જનાદેશ શું આવે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh