પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૮)

'મારું ગળું.., મારું ગળું ભીંસાય છે, મારો જીવ જા...!' અને  જિગર આગળ બોલી ન શકયો. તે બોબડો બની ગયો, એટલે દીપંકર સ્વામી જિગરને પગથી માથા સુધી જોતાં ચિંતાભેર બોલી ઊઠયા હતા : ''જિગર ! આ પંડિત ભવાનીશંકરનું જ કામ લાગે છે. તેં એની પાસેથી શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે એણે ગુસ્સામાં આવીને, તને મારી નાંખવા માટે મૂઠ મારી હોય એવું લાગે છે ! !'

અને આ સાંભળતાં જ જિગરની હાલત ઓર વધુ ખરાબ થઈ ગઈ. 'સ્વામીજી ! જલદી મને બચાવવા માટે કંઈક કરો,  નહિતર.., નહિતર મારો જીવ નીકળી જશે.' જિગરના મનમાં આ શબ્દો ગૂંજ્યા ને આ શબ્દો બોલવા માટે તેની જીભ પણ સળવળી, પણ તેના મોઢામાંથી અવાજ નીકળી શકયો નહિ.

'જિગર ! હિંમત રાખ. ભવાનીશંકરની મૂઠ પાછી વાળવા માટે હું કંઈક કરું છું.' કહેતાં દીપંકર સ્વામી મૂઠ પાછી વાળવા માટેનો મંત્ર પોતાના મગજના ખૂણાંમાંથી કાઢવા માટે મગજને જોર આપવા માંડયા.

જિગરથી હવે બેસાતું નહોતું. તે સોફા પર લેટી ગયો. થોડીક પળો પહેલાં તેને કંઈ જ નહોતું અને અત્યારે તેનું ગળું ભીંસાતું હતું. તેના એક પછી એક અંગમાં પીડા ઊપડતી જતી હતી. જાણે કોઈના હાથમાં તેના શરીરના અંગોની બધી  સ્વિચો હોય અને કોઈ એના અલગ-અલગ અંગોની સ્વિચો દબાવતું જતું હતું અને ફટ્ કરતો દુઃખાવો શરૂ થતો હતો.

જિગરે ઈશારાથી દીપંકર સ્વામીને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, તેના હાથ-પગનો દુઃખાવો હવે અસહ્ય થઈ પડયો છે.

દીપંકર સ્વામીએ 'તેઓ જિગરની વાત સમજી ચૂકયા છે' એ જણાવવા માટે ગરદન હલાવી, ત્યાં જ તેમના મગજમાં મૂઠને પાછી વાળવા માટેનો મંત્ર તાજો થઈ ગયો.

'ભવાની-શંકર જિગરના હૃદય પર વાર કરે એ પહેલાં જ મારે એની મૂઠ પાછી વાળવી પડશે.' વિચારતાં દીપંકર સ્વામીએ મૂઠ પાછી વાળવા માટેના મંત્રો ભણવા માંડયા.

તો અહીંથી થોડે દૂર આવેલા પોતાના ઘરમાં પંડિત ભવાનીશંકર બેઠો હતો. એના હાથમાં કાળા અડદના લોટથી બનેલું નાનકડું પૂતળું હતું. એ પૂતળાના હાથ-પગમાં અને ગળામાં મંત્રેલી સોઈઓ ખુંપાવેલી હતી.

'જિગર ! તું મારી પાસેથી શીનાને પાછી લેવા માંગે છે ને, પણ...,' જાણે ભવાનીશંકરના હાથમાં પૂતળું નહિ, પણ જિગર હોય એમ એ બબડયોઃ '...પણ હું તારી ઈચ્છા પૂરી નહિ થવા દઉં. હું તારો જીવ જ લઈ લઈશ. પણ એ પહેલાં હું તારા જીવ સાથે., તારા જીવન સાથે થોડુંક ખેલીશ!' અને ભવાનીશંકરે અડદના લોટના બનેલા પૂતળા તરફ પોતાનો હાથ આગળ વધાર્યો.

ત્યારે દીપંકર સ્વામીના ઘરમાં, સોફા પર જિગર પીડાથી તરફડી રહ્યો હતો. તેની સામે ઊભેલા દીપંકર સ્વામી ઝડપભેર મંત્રો ભણી રહ્યા હતા.

અચાનક જ જાણે કોઈએ પાછી સ્વિચ દબાવી હોય એમ જિગરના જમણા હાથનો દુઃખાવો ઓછો થયો. બીજી મિનિટે એના ડાબા હાથનો દુઃખાવો ઓછો થઈ ગયો અને ચોથી પળે એના બન્ને પગનો દુઃખાવો પણ એકદમથી જ ને બિલકુલ ગાયબ થઈ ગયો.

જિગર બેઠો થયો, ત્યાં જ તેેના ગળાની ભીંસ પણ ઓછી થઈ ગઈ. 'સ્વામીજી !' જિગર બોલ્યો. અને આ વખતે તેનો અવાજ નીકળ્યો, એટલે તેની આંખોમાં રાહત-ખુશી આવી ગઈ : 'હવે-હવે હું બોલી શકું છું. મારા હાથ-પગનો દુઃખાવો પણ બિલકુલ જ દૂર થઈ ગયો છે.'

દીપકંર સ્વામીએ મંત્રો ભણવાનું બંધ કર્યું, અને રાહતનો ઊંડો શ્વાસ લીધો. 'જિગર ! મારા મંત્રો કામ કરી ગયા અને તું બચી ગયો, નહિતર તું થોડાંક કલાકોમાં જ કે, થોડાંક દિવસોમાં જ પિડાઈ-રિબાઈને મોતના મોઢામાં ધકેલાઈ જાત. જોકે, તને મૂઠ મારનાર ભવાનીશંકર જો ધારે અને તારા હૃદય પર વાર કરે તો બીજી જ પળે તું મરણને શરણ થઈ જાય. પણ એણે એવું કર્યું નહિ એની જ મને નવાઈ લાગે છે.'

'સ્વામીજી!' જિગર બોલ્યોઃ 'રખેને ભવાનીશંકર ફરી મારી પર મૂઠ મારે તો ! ? એનાથી બચાવ માટે તમે કંઈ કરી ન શકો?!'

'એ માટે...' અને દીપંકર સ્વામી આગળ બોલવા ગયા, ત્યાં જ ફરી જિગરના જમણા હાથમાં અને પછી તુરત જ ડાબા હાથમાં અસહ્ય પીડા ઊપડી. 'સ્વામીજી!' તે બોલ્યો, ત્યાં જ પહેલાં તેના જમણા પગ અને પછી તેના ડાબા પગમાં પીડા ઊપડી : 'આ તો ફરી મારા હાથ-પગમાં દુઃખાવો ઉપડ....!' અને થોડીક પળો પહેલાંની જેમ જ જિગરનું ગળું ભીંસાયું ને પાછો અવાજ ચાલ્યો ગયો. એ ફરી બોબડો બની ગયો.

'ઓહ!' દીપંકર સ્વામી ચિંતાભેર બોલી ઊઠયાઃ 'મને એમ કે, મારા મંત્રો કામ કરી ગયા, પણ આ તો ભવાનીશંકર તારા જીવ સાથે રમી રહ્યો છે. તને પીડા આપીને મજા લઈ રહ્યો છે.' દીપંકર સ્વામીએ કહ્યું, એટલે ફરી જિગરે દીપંકર સ્વામીનો હાથ પકડી લીધો અને એમને પીડા અને લાચારીભરી નજરે જોવા લાગ્યો.

'જિગર! ભવાનીશંકર મારાથી વધુ શક્તિશાળી છે, હું એની મૂઠને પાછી વાળી શકું એવું લાગતું નથી.' દીપંકર સ્વામી ઉતાવળે બોલ્યાઃ 'અહીં સમય બગાડવાને બદલે હું તને તાંત્રિક બનારસીદાસ પાસે લઈ ચાલુ છું. એ કદાચ તને બચાવી શકે.' અને દીપંકર સ્વામીએ જિગરનો હાથ પકડીને ઊભો કર્યો. 'હવે પ્રાર્થના એ કર કે, આપણે બનારસીદાસના ઘરે પહોંચીએ એ પહેલાં ભવાનીશંકર તારા હૃદય પર વાર કરીને તારો જીવ ન લઈ લે.' જોકે, છેક હોઠ સુધી આવી ગયેલું આ છેલ્લું વાકય દીપંકર સ્વામીએ પાછું વાળી લીધું. એમની આ વાત સાંભળીને જિગરના છાતીના પાટિયાં જ બેસી જાય.

જિગર દીપંકર સ્વામીનો ટેકો લઈને, જેમ-તેમ કરીને સડક પર પહોંચ્યો. રાતના બાર વાગ્યાના આ સમયે ખાલી ટૅકસી આવી અને દીપંકર સ્વામીએ ટૅકસી રોકી, ત્યાં સુધીમાં તો જિગર અધમૂઓ થઈ ગયો હતો.

દીપંકર સ્વામીએ તેને ટૅકસીની પાછળની સીટ પર બેસાડયો અને જિગરની બાજુની સીટ પર બેસતાં, બનારસીદાસના ઘરનું સરનામું કહ્યું અને 'જલદી જવા દે, ભાઈ!' કહ્યું.

અને જિગર બીમાર છે, એ જોઈ-સમજી ગયેલા ટૅકસીવાળાએ એક આંચકા સાથે ટૅકસી દોડાવી મૂકી.

૦ ૦ ૦

દીપંકર સ્વામી જિગરને લઈને બનારસીદાસના ઘરના દરવાજે પહોંચ્યા અને એમણે ઉતાવળે દરવાજો ખટખટાવ્યો, ત્યારે જિગરની હાલત ખૂબ જ ખરાબ હતી. તેને લાગી રહ્યું હતું કે, 'બસ, હમણાં તેેનો જીવ ગયો, હમણાં ગયો...' અને તે લાચારીભરી નજરે દીપંકર સ્વામી તરફ જોઈ રહ્યો હતો.

બીજી જ મિનિટે દરવાજો ખુલ્યો અને સફેદ ઝભ્ભો-ધોતિયું પહેરેલા, ઊંચા-પાતળા બનારસીદાસ દેખાયા.

'બનારસીદાસ!' દીપંકર સ્વામીએ કહ્યું: 'આ યુવાનને પંડિત ભવાનીશંકરે મૂઠ મારી છે.'

'...અંદર લઈ લો!' બનારસીદાસે પ્રભાવશાળી અવાજમાં કહ્યું, એટલે દીપંકર સ્વામી જિગર સાથે અંદર દાખલ થયા. એમણે સોફા પર જિગરને લેટાવ્યો.

બનારસીદાસે પોતાની ઝીણી આંખોની તેજ નજર જિગરના માથાથી પગ સુધી ફેરવવા માંડી.

જિગરની આંખોમાંથી પીડાને કારણે આંસુ વહી રહ્યા હતા. તેના હાથમાં અસહ્ય પીડા થઈ રહી હતી, છતાં તેણે પરાણે બનારસીદાસ સામે પોતાના હાથ જોડયા.

'બેટા! તું ધીરજ ધર, હમણાં હું તને ઊભો કરું છું.' બનારસીદાસે કહ્યું અને એમણે ફરી જિગરના માથાથી પગથી સુધી એક નજર ફેરવી અને મંત્રો ભણવા માંડયા. મંત્રો ભણતાં-ભણતાં જ એમણે પોતાનો ચહેરો જિગરની વધુ નજીક લીધો.

જિગર આંસુભીની આંખે જોઈ રહ્યો. થોડીક પળોમાં જ તેને એવું લાગવા માંડયું કે, તેના ગળા પરની ભીંસ ઓછી થઈ રહી છે, તેના હાથ-પગની પીડા હળવી થઈ રહી છે અને થોડીક પળોમાં જ તેના હાથ-પગનો દુઃખાવો અને ગળા પરની ભીંસ બિલકુલ જ દૂર થઈ ગઈ.

બનારસીદાસે જિગરને પગથી માથા સુધી જોયો, તેની આંખોમાં ઝાંખ્યું અને પછી કહ્યું : 'બેટા ! હવે કેમ લાગે છે?!'

'...સારું લાગે છે!' જિગરના મનમાં આ જવાબ જાગ્યો, એ જવાબ તેેની જીભ પર આવ્યો અને જવાબ બોલવા માટે તેની જીભ સળવળી અને તેની નવાઈ વચ્ચે તેના મોઢામાંથી અવાજ પણ નીકળી પડયોઃ '...સારું લાગે છે!' અને તે પાછળ-પાછળ જ બોલી ઊઠયોઃ 'અરે! હું ફરી બોલતો થઈ ગયો!'

'ચાલ, હવે બેઠો થા!' બનારસીદાસ બોલ્યા, અને જિગર બેઠો થયો, તે એકદમ સહેલાઈથી બેઠો થઈ શકયો.

'...મેં મૂઠને પાછી વાળી દીધી,' બનારસીદાસે જિગરને કહીને બાજુમાં ઊભેલા દીપંકર સ્વામી સામે જોયું : 'જો તમે થોડાક મોડા પડયા હોત તો આનો ખેલ ખલાસ થઈ જાત. પણ..,' અને બનારસીદાસે પાછું જિગર સામે જોયું: '...તારે ભવાનીશંકર સાથે એવી તો શું દુશ્મની છે કે, એણે તને ખતમ કરી નાંખવા માટેની આવી ખતરનાક મૂઠ મારી.'

જિગરે જવાબ આપવાને બદલે દીપંકર સ્વામી સામે જોયું. 

દીપંકર સ્વામીએ બનારસીદાસને અદૃશ્ય શક્તિ શીના જિગરના માથા પર સવાર થઈ હતી, ત્યારથી લગાવીને પંડિત ભવાનીશંકર શીનાને વશમાં કરી ગયો અને પછી જિગર ભવાનીશંકર પાસેથી શીનાને પાછી મેળવવા માટે પ્લૅનશેટ્ની જાણકાર સલોમી પાસે ગયો અને ત્યાંથી પાછા ફરતાં જ જિગરની તબિયત બગડી અને તેઓ જિગરને અહીં લઈ આવ્યા, ત્યાર સુધીની વાત કરી સંભળાવી.

'હં...!' કહીને બનારસીદાસે જિગર સામે જોયું : 'જિગર! તારા સારા નસીબ કે, દીપંકર સ્વામી તને સમયસર મારી પાસે લઈ આવ્યા, નહિતર તારું મોત નકકી જ હતું. હવે શાંતિથી ને લાંબું જીવવું હોય તો હંમેશ માટે શીનાને મન-મગજમાંથી કાઢી નાંખ.'

'જી, મહારાજ!' જિગરે કહ્યું.

અને થોડીક વાર પછી તે દીપંકર સ્વામી સાથે ટૅકસીમાં દીપંકર સ્વામીના ઘરે પહોંચ્યો.

દીપંકર સ્વામી ટૅકસીમાંથી ઊતરી ગયા અને જિગરને વિદાય આપી. જિગર ટૅકસીમાં ઘર તરફ આગળ વધ્યો.

૦ ૦ ૦

જિગર ઘરે પહોંચ્યો, ત્યારે વહેલી સવારના ચાર વાગવા આવ્યા હતા. તેની નજર દરવાજા પર પડી અને તે ચોંકયો. દરવાજાનું તાળું ખુલ્લું હતું. 'તે અહીંથી નીકળ્યો, ત્યારે તો દરવાજે તાળું મારીને નીકળ્યો હતો, પછી તાળું કોણે ખોલ્યું હશે? શું અંદર ચોર દાખલ થયો હશે!' તે સાવચેત થયો. તેણે જરાય અવાજ ન થાય એવી રીતના દરવાજાને ધકકો માર્યો, અને અંદર નજર નાંખી. અંદરની લાઈટ ચાલુ હતી. અંદર કોઈ નહોતું.

તેનું આ મકાન એક રૂમ અને રસોડાનું હતું. આ પહેલો રૂમ જ તેનો ડ્રોઈંગરૂમ અને બેડરૂમ હતો. આ રૂમની સામેની દીવાલ પર રસોડાનો દરવાજો હતો. એ દરવાજો ખુલ્લો હતો અને અંદરની લાઈટ બંધ હતી. જ્યારે આ રૂમની જમણી બાજુની દીવાલ પર બાથરૂમ હતો. અને અત્યારે બાથરૂમનો દરવાજો બંધ હતો. 'નકકી એ બાથરૂમમાં જ કોઈક હતું!' જિગરે વિચાર્યું, ત્યાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને માહી દેખાઈ.

માહીને જોતાં જ જિગર ચોંકી ઊઠયો. 'અદૃશ્ય શક્તિ શીના તેની પાસેથી નીકળીને પંડિત ભવાનીશંકર પાસે ચાલી ગઈ એ પછી તેની પાસેની માલ-મિલકત સાફ થઈ ગઈ અને તે આ રૂમ-રસોડામાં રહેવા આવી ગયો, એટલે માહીના પિતા દેવરાજશેઠ માહીને પોતાના ઘરે લઈ ગયા એ પછી માહી સાથે તેની વાત થઈ નહોતી, ત્યાં અત્યારે માહી ઘરે આવી ગઈ હતી!'  

'તું આવી ગયો, જિગર!' માહીનો અવાજ કાને પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવતાં બોલ્યો : 'હા, પણ તું કયારે આવી?! અને પપ્પાજી....'

'હું રાતે અગિયાર વાગ્યે આવી.' માહી બોલીઃ 'તું બહાર ગયો હતો, પહેલાં તો હું તને મોબાઈલ કરવા જતી હતી પણ પછી મને થયું કે, હું તને સરપ્રાઈઝ આપું. એટલે તને મોબાઈલ કર્યા વિના જ હું પલંગ પર પડી રહી અને મારી આંખ લાગી ગઈ.' માહીએ જિગરની આંખોમાં પોતાની આંખો પરોવતાં કહ્યું: 'હમણાં આંખ ખૂલી ને મેં જોયું કે તું આવ્યો નહોતો. મેં વિચાર્યું કે, ફ્રેશ થઈને તને મોબાઈલ કરું, ત્યાં તું આવી ગયો.' અને માહીએ આંખો નચાવીઃ 'આટલી મોડી રાત સુધી કયાં ભમતો હતો, જિગર? કયાંક કોઈ બીજી છોકરી...'

'તું મને છોડીને ચાલી ગઈ, તો પછી હું શું કરું?' જિગર બોલ્યો.

'...એટલે...,' માહીની આંખોમાં ઇર્ષા આવી ગઈઃ '...શું તું ખરેખર જ કોઈ  બીજી છોકરી...'

'ના, માહી ! હું સપનામાંય તારા સિવાય બીજી કોઈ છોકરીને પ્રેમ કરવા વિશે વિચારી ન શકું.' જિગરે કહ્યું : 'હું તો અદૃશ્ય શક્તિ શીનાને પાછી મેળવવા ગયો હતો. શીના પાછી આવે અને હું માલદાર બનું તો હું તને પાછી મેળવી શકું ને!'

'.....તો શું શીના પાછી મળી?!'

'ના!' જિગર બોલ્યોઃ 'પણ અત્યારે હવે મને એની જરૂર પણ નથી. કારણ કે, તું અત્યારે એમને એમ જ મને પાછી મળી ગઈ છે, ને! પછી મારે શીના કે, પૈસાનું શું કામ છે!'

'હા, જિગર!' માહી બોલીઃ 'હું પણ તારા માટે જ પપ્પાનો બધો પૈસો ઠુકરાવીને તારી પાસે આવી ગઈ છું. મને તું જોઈએ, તારો પ્રેમ જોઈએ, પૈસો નહિ!' અને માહી જિગરને ભેટી.

જિગરે રાહત અનુભવી. 'આજે તેને શીના પાછી મળી નહોતી. તે ભવાનીશંકરે મારેલી મૂઠથી માંડ-માંડ જીવતો બચીને ઘરે આવ્યો હતો અને ઘરે તેને માહી મળી હતી! અત્યારે હવે તેણે શીના, માલ-મિલકત, આ-તે બધું ભૂલીને માહીના પ્રેમમાં ડૂબી જવું જોઈએ!' અને તે માહીના રેશમી વાળમાં હાથ ફેરવવા માંડયો. અત્યારે માહી તેને વળગેલી હતી ને માહીનો ચહેરો તેની પીઠ તરફ હતો, એટલે તેને માહીનો ચહેરો દેખાતો નહોતો.

માહીનો ચહેરો અત્યારે બદલાઈ રહ્યો હતો! હા, માહીનો ચહેરો આપમેળે બદલાઈ રહ્યો હતો!  માહીનો ખૂબસૂરત ચહેરો ભયાનક બની રહ્યો હતો!! તેના ચહેરાની ચામડી ઊતરડાઈ રહી હતી, તેની આંખોનો રંગ બદલાઈને લીલો થઈ રહ્યો હતો, તેના ઉપરના બે દાંત લાંબા થઈને બહાર નીકળી રહ્યા હતા!!!

અને આ ભયાનક હકીકતથી બેખબર જિગર બોલ્યોઃ '....આઈ લવ યુ, માહી !'

અને જવાબમાં માહીની ભયાનક બનેલી આંખોમાં ખૂની ભાવ આવ્યા. એણે લાંબા અને અણીદાર બનેલા પોતાના બે દાંત જિગરની ગરદન તરફ આગળ વધાર્યા..

...હા, જિગરની ગરદનમાંની ધોરી નસમાંથી જિગરનું લોહી પીવા માટે....................

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૭)

'સલોમીએ પ્લૅનશેટ્ની વિધિ મારફત વીરની માતાના આત્મા પાસેથી, 'એમની તિજોરીની ચાવી કયાં પડી છે ?' એ જાણીને વીરને કહ્યું, અને વીરે મોબાઈલ ફોન કરીને પોતાની પત્ની પાયલને  એ જગ્યા પર ચાવી શોધવાનું કહીને મોબાઈલ ચાલુ રાખ્યો, તો જિગર ''વીરની પત્ની પાયલને તિજોરીની ચાવી મળશે કે નહિ?'' એ સવાલ સાથે વીર સામે તાકી રહ્યો હતો.

તો વીરની સામે બેઠેલી સલોમી તેમજ એની આસપાસ બેઠેલા વીરના બન્ને દોસ્તો પણ વીરને એની પત્ની પાયલ પાસેથી શું જવાબ જાણવા મળે છે ? એની અધીરાઈ સાથે તાકી રહ્યા. આવી રીતે થોડીક મિનિટો વીતી એ પછી કાને મોબાઈલ ફોન ધરીને બેઠેલો વીર બોલ્યો : 'હા, બોલ, પાયલ !' અને પછી વીરે આગળ કહ્યું : 'એમ...! ! ખરેખર ? ! ઠીક છે, તું એને સાચવીને રાખ. અહીંથી નીકળીને હું સીધો ઘરે જ પહોંચું છું.' અને એણે મોબાઈલ ફોન કટ્ કરીને સામે બેઠેલી સલોમી તરફ જોયું.

'...ચાવી મળી ગઈ ને?!' સલોમીએ કહેતી હોય એવી રીતના પૂછયું.

'હા,' વીરે કહ્યું : 'ગજબ કહેવાય! બધંુ મારી સામે જ બધું બન્યું, છતાંય જાણે મને વિશ્વાસ નથી બેસતો. ખરેખર તમે કમાલ કરી બતાવી. તમે મારું ખૂબ જ મોટું ટેન્શન દૂર કરી નાખ્યું.'

સલોમી મલકીને ઊભી થઈ.

'તમારો આભાર માનું એટલો ઓછો છે.' કહેતાં વીર પણ ઊભો થયો, એટલે તેની આજુબાજુ બેઠેલા એના બન્ને દોસ્તો પણ ઊભા થયા. '....લો,' વીરે ખિસ્સામાંથી એક પરબીડિયું કાઢીને સલોમી સામે ધર્યું:  'આ ભેટ સ્વીકારો !'

 સલોમીએ પરબીડિયું લઈ લીધું.

સલોમી વીર તેમજ એના દોસ્તો સાથે વચ્ચેની દીવાલમાં આવેલી કાચની બારીની ડાબી બાજુ આવેલા દરવાજામાંથી આ રૂમમાં આવી, એટલે જિગર ઊભો થયો. તેની બાજુમાં બેઠેલી બાઈ તો એ પહેલાં જ ઊભી થઈ ચૂકી હતી.

સલોમીએ વીર અને એના દોસ્તોને વિદાય કર્યા, એટલે બાઈએ મેઈન દરવાજો બંધ કર્યો, ને રસોડા તરફ આગળ વધી ગઈ.

તો સલોમી જિગરની નજીક આવીને ઊભી રહી.

'મને દીપંકર સ્વામીએ મોકલ્યો છે.' સલોમી કંઈ કહે-પૂછે એ પહેલાં જ જિગરે કહ્યું.

'બેસો-બેસો !' સલોમી બોલી. જિગર બેઠો એટલે એ પણ ખુરશી પર બેઠી.

બાઈ 'ટ્રે'માં પાણીના ગ્લાસ લઈને આવી.

જિગરે પાણી પીધું. સલોમીએ પણ પાણી પીને ગ્લાસ પાછો મૂકયો, એટલે જિગરે કહ્યું : 'ખરેખર તમે કમાલ કરી. જે આસાનીથી તમે આત્માને બોલાવી અને...'

'આજે વીરના માતાજીનો આત્મા થોડીક વારમાં જ હાજર થઈ ગયો. નહિતર...' સલોમી બોલીઃ '...ઘણીવાર પાંચ-પાંચ સાત-સાત દિવસ સુધી આવા સેશન કરીએ તોય આત્મા હાજર થતો નથી. ખેર...' સલોમી બોલીઃ '...ફરમાવો, શું હતું?!'

જિગરે તેને એક અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર સવાર થઈ અને છેલ્લે પંડિત ભવાનીશંકર એકસો એક દિવસના મંત્રનો જાપ કરીને શીનાને વશમાં કરી ગયો ને એ પછી તે પાછો પૈસે-ટકે જેવો હતો એવો થઈ ગયો, એટલે તેની પત્ની માહીને એના પિતા દેવરાજશેઠ એમના ઘરે લઈ ગયા, ત્યાં સુધીની વાત કહી સંભળાવી.

'જિગર!' સલોમી બોલીઃ 'પ્લૅનશેટ્ની આ વિધિ મારફત હું એવું તો ન જ કરી શકું કે, શીના પંડિત ભવાનીશંકરના કાબૂમાંથી નીકળીને તારી પાસે પાછી આવી જાય. હું તો ફકત પ્લૅનશેેટ્ મારફત આત્માઓ સાથે વાત કરાવી શકું છું.'

'તો..,' જિગર બોલ્યોઃ '..તમે શીનાના આત્માને બોલાવીને મારી સાથે વાત કરાવી આપો. બદલામાં હું તમે કહેશો એ આપવા તૈયાર છું.'

'શીના પંડિત ભવાનીશંકરના વશમાં છે, એટલે હું પ્લૅનશેટ્ મારફત એને બોલાવવાનો પ્રયત્ન કરું અને એ ન પણ આવે.' સલોમી બોલી : 'પણ તેમ છતાં હું ટ્રાય કરી જોઉં છું. પણ...' સલોમીએ આગળ કહ્યું: '...એ માટે તારે શીનાના કોઈ સગાને બોલાવી લાવવો પડશે. શીનાના આત્માને બોલાવતી વખતે એનું કોઈ સગું હાજર હોય એ જરૂરી છે.'

'શીનાની એક દીકરી છે, આશ્કા!' જિગર બોલ્યો : 'હું એને બોલાવી લાવું તો ચાલશે?'

'...ચાલશે નહિ, પણ દોડશે !' સલોમીએ કહ્યું : 'તું એને લઈને કાલે રાતના પોણા દસ વાગ્યા સુધીમાં અહીં હાજર થઈ જજે.'

'ભલે ! તો હું કાલે આવું છું.'

'ઠીક છે.' સલોમીએ કહ્યું, એટલે જિગર બહાર નીકળ્યો. તે ઘરે પહોંચ્યો, પલંગ પર લેટયો ને ઊંઘમાં સર્યો, ત્યાં સુધી તેના મગજમાં પંડિત ભવાનીશંકરના વશમાં રહેલી શીના સલોમીના બોલાવવાથી આવશે કે કેમ?! એ વિશેના જ વિચારો સળવળતા હતા.

૦ ૦ ૦

જિગર સવારે સાડા સાત વાગ્યે જ આશ્કાને ત્યાં પહોંચી ગયો. આશ્કાએ તેને આવકાર્યો અને ચા-પાણી  પીવડાવ્યા એ પછી જિગર મુદ્દાની વાત પર આવ્યોઃ 'આશ્કા! તને મારી વાત પર વિશ્વાસ નહિ બેસે, પણ તારી મમ્મીનો આત્મા ફરી રહ્યો છે અને એ મારા માથા પર પણ સવાર થયો હતો.'

'હેં! શું વાત કરો છો?!' આશ્કાને નવાઈ લાગી.

'માનવામાં ન આવે છતાંય આ સાચી વાત છે.' અને જિગરે શીના વિશેની આખી વાત કરી.

'...પણ ગઈકાલે તો તમે કહેતા હતા કે, મારી મમ્મી તમારી મમ્મીની બેનપણી....'

'ગઈકાલે તને આ વાત કહેવાનું મને મુનાસિબ લાગ્યું નહોતું.' જિગરે કહ્યું: 'પણ સાંજે મારી મુલાકાત પ્લૅનશેટની જાણકાર યુવતી સલોમી સાથે થઈ. એે કમોતે મરેલી વ્યક્તિના આત્માને બોલાવીને એની સાથે વાત કરાવી આપે છે. હું રાતના તારી મમ્મીના આત્મા સાથે વાત કરવા જવાનો છું. તારે આવવું છે, મારી સાથે?'

'હા-હા!' આશ્કા બોલીઃ 'કેમ, નહિ?'

'તો તું નવ વાગ્યા સુધીમાં તૈયાર રહેજે. આપણે પોણા દસ વાગ્યે સલોમી પાસે પહોંચી જવાનું છે.'

'ઠીક છે!' આશ્કાએ કહ્યું.

થોડીક વાર પછી જિગર આશ્કાને ત્યાંથી નીકળ્યો, અને દીપંકર સ્વામીના ઘર તરફ આગળ વધ્યો. તેને થતું હતું કે, તેની અને આશ્કા સાથે સ્વામી પણ સલોમીને ત્યાં આવે તો સારું.

જિગરે દીપંકર સ્વામીના ઘરે પહોંચીને, દીપંકર સ્વામીને સલોમી સાથેની મુલાકાત વિશેની વાત કરી.

'હું પણ તારી સાથે આવીશ.' સ્વામીએ કહ્યું : 'તું આશ્કાને લઈને પછી મને પણ સાથે લેતો જજે.'

'ચોક્કસ!' જિગર બોલી ઊઠયો. દીપંકર સ્વામી સામેથી સલોમીને ત્યાં આવવા તૈયાર થયા હતા, એટલે જિગર ખુશ થઈ ઊઠયો.

૦ ૦ ૦

રાતના દસ વાગ્યા ને ઉપર પાંચ મિનિટ થઈ હતી.

જિગર સલોમીએ કહેલા સમયે આશ્કા અને દીપંકર સ્વામીને ત્યાં આવી પહોંચ્યો હતો. દીપંકર સ્વામીને આવેલા જોઈને સલોમી ગદ્ગદ્ થઈ ગઈ હતી.

થોડીક વાતચીત પછી દીપંકર સ્વામીના કહેવાથી સલોમીએ પ્લૅનશેટ્ની વિધિ શરૂ કરી હતી. ગઈકાલવાળા રૂમમાં જ બધાં ગોઠવાઈ ગયા હતા. રૂમની લાઈટો બંધ હતી અને રૂમમાં મોટી મીણબત્તીનું અજવાળું ફેલાયેલું હતું. અત્યારે સલોમીની સામે આશ્કા બેઠી હતી, જ્યારે આશ્કાની ડાબી બાજુ જિગર અને જમણી બાજુ દીપંકર સ્વામી બેઠા હતા. એમની વચમાં પડેલા મોટા સફેદ કાગળ પર ઘડિયાળના આંકડાની જેમ એ થી ઝેડ સુધીની અંગ્રેજી બારાખડી લખાયેલી હતી. વચમાં ઊંધી વાટકી પડી હતી અને સલોમીના કહેવાથી જિગર, આશ્કા અને દીપંકર સ્વામીએ પોતપોતાની ટચલી આંગળી, એક-બીજાની આંગળીને અડે એવી રીતે વાટકી પર મૂકી હતી.

'હવે..,' સલોમી બોલીઃ '...આત્માને બોલાવવાનું શરૂ થાય એ પછી કોઈએ વાટકી પરથી આંગળી ઉઠાવવાની નથી અને આંગળીથી વાટકી પર વધુ વજન આપવાનું નથી, નહિતર આત્મા ગુસ્સે થશે.'

જિગર અને આશ્કાએ ગરદન હલાવી.

'હવે બધાં એકાગ્ર મનથી પરમાત્માનું ધ્યાન કરો અને પ્રાર્થના કરો કે, એવી કૃપા થાય કે, આત્મા આ ચક્રમાં ઝડપથી આવી જાય અને આપણાં બધાં કામ સરળતાપૂર્વક પૂરા થાય.' સલોમીએ કહ્યું, એટલે જિગર, આશ્કા અને સ્વામી ત્રણેય જણાંએ પરમાત્માનું ધ્યાન કરવા માંડયું.

'હવે, આશ્કા! તું મનોમન તારી મમ્મી શીનાના આત્માનું આહ્વાન કર.' સલોમી બોલી અને એ પણ શીનાના આત્માને બોલાવવા લાગી.

થોડીક પળો થઈ. જિગરને થયું કે, ગઈકાલ વીર અને એના દોસ્તો સાથે બનેલું એમ હમણાં એમની આંગળીઓ કાંપવા લાગશે ને વાટકી અક્ષરોઓ તરફ ફરીને તેના અને આશ્કાના જવાબો આવવા માંડશે.

પણ એવું બન્યું નહિ. દસ મિનિટ વીતી છતાંય આવું કંઈ જ બન્યું નહિ.

'શીનાનો આત્મા આવતો નથી.' સલોમીએ બન્ને ખુલ્લી બારી બહાર નજર નાખીઃ 'વીજળી-વાદળાં ગરજતા નથી અને આંધી પણ ફૂંકાતી નથી. બહાર વાતાવરણ પણ સારું છે. આટલી વારમાં તો શીનાનો આત્મા હાજર થઈ જવો જોઈતો હતો. કદાચ એ પંડિત ભવાનીશંકરના વશમાં છે, એટલે...'

'...તું એકવાર ફરી ટ્રાય કરી જો ને...!' દીપંકર સ્વામીએ કહ્યું.

'જી, સ્વામીજી !' સલોમીએ કહ્યું અને એણે ફરી બધાંને પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું અને પછી આશ્કાને શીનાના આત્માનું આહ્વાન કરવાનું કહ્યું.

થોડીક વાર થઈ ત્યાં જ આશ્કા, જિગર અને દીપંકર સ્વામીની વાટકી પર મુકાયેલી આંગળીઓ કાંપવા લાગી અને એમની નજરો સ્થિર થઈ.

'જો યંત્રમાં કોઈના આત્માની શક્તિ આવી હોય તો મારી બાજુનો ભાગ અદ્ધર થાય.' સલોમી બોલી, અને  એ સાથે જ સલોમી તરફનો વાટકીનો ભાગ સહેજ અદ્ધર થયો. સલોમીની આંખોમાં ચમક આવી ગઈઃ 'આશ્કા, તું તારી માને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે.'

'મમ્મી!' આશ્કાએે ગળગળા અવાજે પૂછયું: 'તું જે હાલતમાં-જ્યાં છે ત્યાં ખુશ છે ને?!'

અને આ સાથે જ વાટકી કાગળ પર લખાયેલા અલગ-અલગ અક્ષર પર ફરવા માંડી. સલોમી એક કાગળ પર એ અક્ષરો લખવા માંડી. થોડીક પળો પછી એ વાટકી ફરતી બંધ થઈ.

સલોમીએ ઉતાવળા અવાજે કહ્યું: 'આશ્કા! શીના કહે છે કે, તારે જે કામ હોય એ જલદી બોલ. એ પંડિત ભવાનીશંકરના વશમાં છે. ભવાનીશંકરે એક કામ સોંપ્યું છે, એ કરવા માટે એ નીકળી છે, એમાં એ અહીં ખેંચાઈ આવી છે.'

'બસ, મારે કંઈ કામ નથી.' આશ્કાની આંખોમાં આંસુ આવી ગયાં.

'હવે મારે જે પૂછવું છે, એ પૂછી લઉં.' અને સલોમીનો જવાબ સાંભળવા રોકાયા વિના જિગરે ઉતાવળે પૂછયું: 'શીના, તારા વિના હું જીવી શકું એમ નથી. તું પાછી મારી પાસે આવી જા. તને પાછી લાવવા માટે હું શું કરું? એનો મને કોઈ રસ્તો બતાવ.'

જિગરે સવાલ પૂરો કર્યો, એ સાથે જ વાટકી કાગળ પર લખાયેલા અલગ-અલગ અક્ષરો પર ફરવા માંડી. સલોમીએ એ અક્ષરો કાગળ પર લખવા માંડયા.

વાટકી ફરતાં અટકી, એટલે સલોમીએ કહ્યું: 'જિગર, શીના કહે છે કે, તું એને પાછી પામવાની ઈચ્છા મન-મગજમાંથી કાઢી નાખ. અને હવે એ ઝડપથી જવા માંગે છે. જો પંડિત ભવાનીશંકરને આની ખબર પડી ગઈ, તો ભવાનીશંકર એના અને તમારા બન્નેના બાર વગાડી દેશે.'

'પણ, શીના!' જિગર આગળ બોલવા ગયો, ત્યાં જ સ્વામી બોલી ઊઠયાઃ 'સલોમી! શીનાને જવા દે.'

સલોમીએ શીનાના આત્માને વિદાય લેવાનું કહ્યું.

જિગરે નિશ્વાસ નાંખ્યો. 'શીના તેની પાસે પાછી ફરવાનો કોઈ રસ્તો બતાવી ગઈ હોત તો સારું થાત!' જિગરે વિચાર્યું, ત્યાં જ સલોમીનો અવાજ સંભળાયોઃ 'શીનાનો આત્મા ગયો.' અને સલોમી ઊભી થઈ. જિગર, દીપંકર સ્વામી અને આશ્કા પણ ઊભી થઈ. થોડીક પળો પછી સલોમીની વિદાય લઈને ત્રણે બહાર નીકળ્યા.

'સ્વામીજી!' આશ્કાએ દુઃખી અવાજે કહ્યું: 'મને એ વાતનો અફસોસ છે કે, મારી મમ્મીનો આત્મા આ રીતના ભટકી રહ્યો છે. શું એના આત્માને મોક્ષ મળે એવું કંઈ ન થઈ શકે?!'

'અત્યારે એ પંડિત ભવાનીશંકરના વશમાં છે.' દીપંકર સ્વામીએ કહ્યું : 'અને જ્યાં સુધી એ પંડિત ભવાનીશંકરના વશમાં છે, ત્યાં સુધી કંઈ ન થઈ શકે.'

સાંભળીને આશ્કાના મોઢેથી નિશ્વાસ નીકળી ગયો.

જિગરે ટૅકસી રોકી. ત્રણેય ટૅકસીમાં બેઠા.

જિગરે આશ્કાના ઘર પાસે ટૅકસી રોકાવી. આશ્કા ટૅકસીમાંથી ઊતરી એટલે 'આશ્કા! હું તને ફરી કયારેક મળવા આવીશ અને તારી મમ્મી જો મારી પાસે પાછી આવશે તો હું ચોક્કસ તને જાણ કરીશ.' આશ્કાને કહીને જિગરે દીપંકર સ્વામી સાથે ત્યાંથી વિદાય લીધી.

જિગર ટૅકસીમાં દીપંકર સ્વામીના ઘર પાસે પહોંચ્યો, ત્યારે રાતના પોણા બાર વાગવા આવ્યા હતા.

દીપંકર સ્વામી સાથે નિરાંતે બે વાત થઈ શકે એ માટે જિગરેે એ ટૅકસીવાળાને રવાના કરી દીધો અને સ્વામી સાથે એમના ઘરમાં દાખલ થયો. 'બસ! હું તમારી સાથે થોડીક વાત કરીને પછી નીકળું છું.' જિગરે કહ્યું.

'ના-ના! તું નિરાંતે બેસ. તારે અહીં ઊંઘી જવું હોય તો ઊંઘી પણ શકે છે.'

જિગર ગળગળો થઈ ગયો. 'સ્વામીજી, તમે...તમે મારા માટે કેટલું કરી રહ્યા છો?!'

દીપંકર સ્વામી હસ્યા : 'શી ખબર કેમ, પણ મારા મનમાં તારા માટેના પ્રેમ અને લાગણીનો દરિયો ફૂટે છે. અને એટલે જ તો પંડિત ભવાનીશંકર સામે એકવાર માત ખાધા પછી પણ હું એનો ડર રાખ્યા વિના, શીના ભવાનીશંકરના વશમાંથી નીકળીને ફરી તારી પાસે આવે એ માટે હું તારી સાથે સલોમી પાસે આવ્યો.'

'હા, પણ સલોમી પાસે તો આપણને શીના પાછી મળે એવો રસ્તો મળ્યો નહિ.' જિગરે કહ્યું : 'હવે આગળ હું શું...' અને જિગર આગળ બોલવા ગયો, ત્યાં જ અચાનક જિગરના હાથ-પગમાં અસહ્ય પીડા ઊપડી અને એનું ગળું ભીંસાતું હોય અને જીવ જતો હોય એવું લાગવા માંડયું. 'સ્વામીજી!' તે  પીડાભર્યા અવાજે બોલી  ઊઠયોઃ 'મારું ગળું..., મારું ગળું ભીંસાય છે. મારો જીવ જા...' અને આગળ પણ તેેનું મોઢું ખૂલ્યું અને હોઠ ફફડયા, પણ તેનો અવાજ ગળાની બહાર નીકળી શકયો નહિ. જાણે...જાણે તે બોબડો બની ગયો!

'ઓહ...!' દીપંકર સ્વામી જિગરને પગથી માથા સુધી જોતાં ચિંતાભેર બોલી ઊઠયાઃ 'જિગર! આ....આ પંડિત ભવાનીશંકરનું જ કામ લાગે છે. તેં એની પાસેથી શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે એણે ગુસ્સામાં આવીને, તને મારી નાંખવા માટે મૂઠ મારી હોય એવું લાગે છે!!!'

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૬)

અગાઉ જિગરના માથા પર સવાર થઈને તેને માલામાલ બનાવનાર અને પછી પંડિત ભવાનીશંકરના વશમાં ચાલી ગયેલી અદૃશ્ય શક્તિ શીના અત્યારે તેની સામે બસ સ્ટેન્ડ પર ઊભી હતી, એ વાતમાં જિગરના મનમાં બે મત નહોતા કે, જરાય શંકા નહોતી!

જિગર કેટલાંક મહિના સુધી શીનાને કલ્પનાની આંખે પોતાના માથા પર સવાર થયેલી જોતો રહ્યો હતો, એ જ શીના અત્યારે તેની સામે જીવતી-જાગતી ઊભી હતી એટલે જિગર આનંદમાં આવી ગયો. 'શું આનો મતલબ એ હતો કે, શીના પંડિત ભવાનીશંકરના વશમાંથી-ભવાનીશંકરની ચુંગાલમાંથી આઝાદ થઈ ચૂકી હતી?!' અને આ વિચાર સાથે જ જિગર શીના તરફ આગળ વધ્યો, ત્યાં જ બસ આવી. શીના બસમાં ચઢી એટલે જિગર એ તરફ દોડયો. બસ ચાલુ થઈ. તે દોડીને ચાલુ બસમાં ચઢી ગયો. તેણે જોયું તો શીના આગળની સીટ પર બેસી ગઈ.

જિગરને થયું, 'તે શીના પાસે પહોંચીને એની સાથે વાત કરે,' પણ પછી તેને થયું કે, 'તેણે પેસેન્જરો વચ્ચે વાત કરવાનું ટાળવું જોઈએ.' તે ત્યાં જ ઊભો રહ્યો.

શીનાને ટિકિટ આપીને બસ કન્ડકટર તેની નજીક આવ્યો, એટલે તેણે પણ શીનાએ જે બસ સ્ટોપની ટિકિટ માંગી હતી એ બસ સ્ટોપની ટિકિટ લીધી. બસ કન્ડકટર તેની પાસેથી આગળ વધી ગયો એટલે તેણે ફરી શીના તરફ જોયું.

શીના બારી બહાર જોતી બેઠી હતી.

જિગરે નક્કી કર્યું. 'હવે શીના એના સ્ટેન્ડ પર ઊતરે ત્યારે પણ એની સાથે વાત કરવી નથી. હવે હું જોઉં કે એ કયાં જાય છે અને શું કરે છે?!' અને જિગરે શીના તરફથી મોઢું ફેરવી લીધું. જોકે, તેણે આંખના ખૂણેથી તો શીનાને જોવાનું ચાલુ રાખ્યું.

ચોથા સ્ટોપ પર બસ ઊભી રહી ને શીના ઊતરી. જિગર પાછલા દરવાજેથી ઊતર્યો અને શીનાની નજર તેની પર પડે નહિ એ રીતેે ઊભો રહ્યો.

શીના બસ સ્ટેન્ડની ડાબી બાજુ આવેલી ગલી તરફ આગળ વધી અને એ ગલીમાં દાખલ થઈ ગઈ. એ પછી જિગર શીના પાછળ સરકયો. તેણે સલામત અંતર રાખીને શીનાનો પીછો ચાલુ રાખ્યો. શીના બે ગલી વટાવીને એક નાના કમ્પાઉન્ડવાળા રો-હાઉસનો ઝાંપો ખોલીને કમ્પાઉન્ડમાં દાખલ થઈ. એણે રો-હાઉસના દરવાજે લટકતું તાળું ખોલ્યું અને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ ગઈ ને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

જિગરે આસપાસ જોયું. અહીં લોકોની ખાસ અવર-જવર નહોતી. જેટલી અવર-જવર હતી, એમને જિગર તરફ કે, શીનાના ઘર તરફ જોવાની ફુરસદ નહોતી.

જિગર શીનાના ઘરના મેઈન દરવાજા પાસે પહોંચ્યો ને ડોરબેલ વગાડી. બીજી મિનિટે જ દરવાજો ખૂલ્યો અને શીના દેખાઈ. 'શીના! તું...' અને જિગર આગળ બોલવા ગયો, ત્યાં જ એ બોલી ઊઠીઃ 'શીના...?! ના, હું શીના નથી.'

'તું..., તું શીના નથી?!'

'હું શીનાની દીકરી આશ્કા છું. શીના મારી મમ્મી હતી.' આશ્કા બોલી, એટલે જિગરે આશ્ચર્ય અનુભવ્યું: 'તું...તું મારી સાથે મજાક તો કરતી નથી ને?!'

'આવી મજાક હું શા માટે કરું?!' આશ્કાની આંખોમાં ગમગીની આવી ગઈ. 'મારી જગ્યાએ કોઈ બીજું હોય તો એ પણ થાપ ખાઈ જાય.' જિગર બોલ્યોઃ 'તું તો અદ્દલો-અદ્દલ શીના જેવી જ લાગે છે. જરાયે ફરક નથી.'

'તમે મારી મમ્મીને જોઈ હતી?!' આશ્કાએ પૂછયું.

'હા, પણ એને જોયાને ઘણો વખત થયો. હું વિદેશમાં હતો.' અને જિગરે પૂછયું : 'અત્યારે શીના કયાં છે?'

'તમને ખબર નથી?!' આશ્કા એક નિશ્વાસ મૂકતાં બોલી : 'એ તો બાર વરસ પહેલાં મરણ પામી.'

'બાર વરસ પહેલાં...'

'હા.' આશ્કા મમ્મી શીનાની યાદથી ડુમાયેલા અવાજે બોલીઃ 'ત્યારે હું આઠ વરસની હતી. મારી મમ્મીને મારા પપ્પા સાથે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. મારા પપ્પા કોઈ કામધંધો કરતા નહોતા. મારી મમ્મી જ અહીં-તહીંના કામ કરીને ઘર ચલાવતી હતી. મેં મારી મમ્મીને ઘણીવાર મારા પપ્પાને કહેતાં સાંભળી હતી કે, ''હું મારી આશ્કા માટે જ જીવું છું, નહિતર હું કયારનીય ગળે ફાંસો ખાઈને મરી ગઈ હોત.' અને આટલું કહેતાં-કહેતાં તો આશ્કાની આંખે ઝળહળિયાં આવી ગયાં : 'અને એક દિવસ...' આશ્કાએ બળબળતો નિસાસો નાંખ્યોઃ '...અને એક દિવસ મમ્મીએ ગળે ફાંસો ખાઈ લીધો. મમ્મીની લાશ પંખા સાથે લટકતી મળી આવી. પહેલી નજરે આપઘાતના લાગતા આ કિસ્સાની પોલીસે તપાસ કરી તો એમાં એ પુરવાર થયું કે, મારા પપ્પા કોઈ બીજી યુવતીના પ્રેમમાં હતા. એમણે મારી મમ્મીનું ગળું ટૂંપીને એને મારી નાંખી હતી અને પછી મમ્મીએ આપઘાત કરી લીધો છે એ સાબિત કરવા માટે એને ફાંસીના માંચડે લટકાવી દીધી હતી.' આશ્કા સહેજ અટકીને આગળ બોલીઃ 'મારા પપ્પાને જનમટીપની સજા થઈ. મારા સગામાં મારા એક નાના જ હતા, એમણે મને મોટી કરી. આ મારા નાનાનું જ ઘર છે. એક વરસ પહેલાં જ મારા નાનાનું અવસાન થયું. હવે હું એકલી જ છું.' આશ્કાના ગાલે આંસુ આવી ગયાં, પણ એણે તુરત જ એ આંસુ લૂંછી નાખ્યા.

'તારા પપ્પા અત્યારે...'

'મને કંઈ જ ખબર નથી.' આશ્કા બોલીઃ 'પોલીસ મારા પપ્પાને પકડીને જેલમાં લઈ ગઈ એ પછી કયારેય મારા નાના મને મારા પપ્પાને મળવા માટે લઈ ગયા નહોતા.' આશ્કાએ કહીને પૂછયું : 'પણ તમે મારી મમ્મીને કેવી રીતના ઓળખો!'

'હું તારી મમ્મીની એક બેનપણીનો દીકરો છું. એ હિસાબે હું એને ઓળખું છું.' આશ્કાની મમ્મી શીના કોઈ અલા-બલા બની ગઈ છે અને અત્યારે એ પંડિત ભવાનીશંકરના વશમાં છે, એ વાત જિગરે છુપાવી.

'તમે મારી મમ્મીને ઓળખો છો એ જાણીને મને ખૂબ આનંદ થયો.' આશ્કા બોલી : 'મારી મમ્મી ખૂબ જ ભલી અને ભોળી હતી ને!'

'હા.' જિગરે કહ્યું.

'મારી મમ્મીને મર્યાને બાર વરસ થયા, પરંતુ આજે પણ મારી મમ્મી મારા સપનામાં આવતી રહે છે. એ મને મારા સપનામાં જ અણસાર આપીને મને માર્ગદર્શન આપતી રહે છે.' આશ્કા બોલીઃ 'કયારેક તો મને એવું લાગે છે કે, જાણે એ મારી આસપાસમાં જ હોય.'

'ભલા આત્માનું આવું જ હોય છે.' જિગરે કહ્યું: 'ચાલ, આશ્કા! હું નીકળું...,'

'અરે, હું વાતોમાં તમને અંદર બોલાવવાનુંય ભૂલી ગઈ.' આશ્કાએ કહ્યું : 'આવો ને, અંદર!'

'ના-ના! અત્યારે મને મોડું થાય છે. પછી કયારેક આવીશ.' અને જિગરે કહ્યું: 'મારો મોબાઈલ નંબર લખી રાખ. કંઈ કામ હોય તો મને યાદ કરજે.'

આશ્કાએ જિગરનો મોબાઈલ નંબર લીધો.

જિગરે આશ્કાનો પણ મોબાઈલ નંબર લીધો અને 'આવજે!' કહીને ત્યાંથી આગળ વધી ગયો.

'જે અદૃશ્ય શક્તિ શીનાએ તેને માલદાર બનાવ્યો હતો એની ઝેરોક્ષ કોપી જેવી જ દીકરી તેને જોવા મળી હતી એ કેવો જોગાનુજોગ હતો?!' આ વિશે વિચારતો જિગર બસ સ્ટેન્ડ પર પહોંચ્યો, ત્યાં જ તેને થયું કે, 'તેણે દીપંકર સ્વામી પાસે જઈને એમને શીનાની દીકરી આશ્કા વિશે વાત કરવી જોઈએ.'

અને તે બસમાં બેસીને દીપંકર સ્વામીના ઘરે પહોંચ્યો. દીપંકર સ્વામી ઘરે જ હતા.

'...તું વળી પાછો કેમ આવ્યો?!' દીપંકર સ્વામીએ તેને ગુસ્સાભેર પૂછયું.

'સ્વામીજી ! આજે અજબ વાત બની.' જિગર   બોલ્યો : 'મને શીનાની દીકરી મળી!'

'શું વાત કરે છે?!' દીપંકર સ્વામીને રસ જાગ્યોઃ 'બેસ, અને મને એ વિશે વાત કર.'

જિગર દીપંકર સ્વામીના સામેના સોફા પર બેઠો અને શીનાની દીકરી આશ્કા સાથે થયેલી મુલાકાત અને આશ્કા  સાથે શીનાની જિંદગી ને મોત વિશે થયેલી વાત કહી સંભળાવી.

'જિગર !' દીપંકર સ્વામીએ કહ્યું: 'તને શીનાની દીકરી જોવા મળી એ ખરેખર અજબ વાત કહેવાય.'

'હા, અને એટલે જ હું તમને એ કહેવા આવ્યો.' જિગરે કહીને પછી હળવેકથી પૂછયું: 'સ્વામીજી! શું શીના ફરી મારે માથે સવાર થાય એવો કોઈ રસ્તો...'

'ના, નથી!' દીપંકર સ્વામી બોલ્યાઃ 'હવે તું હંમેશ માટે શીનાને તારા મન-મગજમાંથી કાઢી મૂક.'

'એ શકય જ નથી.' જિગર બોલ્યોઃ 'હવે હું શીનાના સંગાથ વિના જીવી શકું એમ નથી. શીના ગઈ એ સાથે જ મારી બધી જ માલ-મિલકત ચાલી ગઈ અને એટલે માહીના પપ્પા દેવરાજશેઠ માહીને મારી પાસેથી પોતાના ઘરે લઈ ગયા.' જિગરની આંખોમાં ભિનાશ આવી, તેણે હાથ જોડયાઃ 'સ્વામીજી, પ્લીઝ! મને શીના પાછી મળે એ માટેનો કોઈક રસ્તો બતાવો.'

દીપંકર સ્વામી જિગરનેે જોઈ રહ્યા.

'પ્લીઝ, સ્વામીજી!'

'તું એક કામ કર.' દીપંકર સ્વામીએ કહ્યું: 'સલોમીને જઈને મળ!'

'આ સલોમી કોણ છે?' જિગરે પૂછયું.

'એ પ્લૅનશેટ્ની જાણકાર છે.'

'પ્લૅનશેટ્...?!' જિગરે પૂછયું: '..આ પ્લૅનશેટ્ તે વળી શું છે?!'

'આત્માઓ સાથે સંપર્ક કરવા માટેની એક વિધિ!' દીપંકર સ્વામીએ કહ્યું: 'તું સલોમીને જઈને મળી જો. કદાચ તારું કામ બની જાય.' અને દીપંકર સ્વામીએ જિગરને સલોમીનું સરનામું આપ્યું અને કહ્યું: 'એ રાતના જ વિધિ કરે છે, એટલે તું રાતના દસેક વાગ્યાની આસપાસ જ એને ત્યાં જજે.'

'જી, સ્વામીજી!' જિગરે કહ્યું અને એમનો આભાર માનીને બહાર નીકળ્યો. અને ત્યારે તેના મનમાં એ સવાલ સળવળતો હતો કે, શું આ સલોમી તેને ભવાનીશંકર પાસેથી શીના પાછી મેળવી આપશે ખરી!

૦ ૦ ૦

રાતના બરાબર દસ વાગ્યે જિગરે સલોમીના ઘરને દરવાજે પહોંચી ગયો. તેણે ડોરબેલ વગાડી. બીજી મિનિટે જ દરવાજો ખૂલ્યો અને એક મોટી ઉંમરની બાઈ દેખાઈ.

'મારું નામ જિગર છે. મને દીપંકર સ્વામીએ મોકલ્યો છે. મારે સલોમીજીને મળવું છે.'

'સલોમીબેન એક વિધિમાં છે.' બાઈ બોલીઃ 'તમારે થોડીક વાર બેસવું પડશે.'

'વાંધો નહિ!'

'આવો!' બાઈએ તેને આવકાર આપ્યો.

જિગર ઘરમાં દાખલ થયો, એટલે બાઈએ દરવાજો બંધ કર્યો. 'બેસો.' એ બાઈએ જિગરને કહ્યું અને સળંગ ગોઠવાયેલી ત્રણ ખુરશી તરફ ઈશારો કર્યો.

જિગરે ખુરશી પર બેસતાં સામે જોયું. સામે રૂમની દીવાલ હતી. એ દીવાલ પર આરપાર જોઈ શકાય એવા કાચની લાંબી બારી હતી. એ બારીમાંથી અંદરનો બીજો રૂમ દેખાતો હતો. એ રૂમમાં અત્યારે લાઈટ બંધ હતી અને મોટી મીણબત્તીનું અજવાળું ફેલાયેલું હતું. એ રૂમની દીવાલો પર દેવી-દેવતાઓના ફોટા લાગેલા હતા. આ ફોટાની આસપાસની બન્ને બારી ખુલ્લી હતી. એ રૂમમાં કોઈ ફર્નિચર નહોતું. રૂમ એકદમ સ્વચ્છ હતો. રૂમની બરાબર વચમાં જમીન પર અત્યારે એક યુવતી અને ત્રણ યુવાનો બેઠેલા દેખાતા હતા.

જિગર સમજી ગયો, ત્રણ યુવાનો સાથે બેઠેલી એ યુવતી જ સલોમી હતી. પાંત્રીસેક વરસની સલોમીએ સ્વચ્છ અને સુંદર કપડાં પહેર્યા હતા. સલોમીના ચહેરા પર તેજ વર્તાતું હતું.

સલોમીની સામે બેઠેલા લાંબા વાળ ધરાવતા યુવાને ઝભ્ભો ને ચુડીદાર પહેર્યું હતું. જ્યારે એની ડાબી અને જમણી બાજુ બેઠેલા યુવાનોએ શર્ટ-પેન્ટ પહેર્યા હતા.

'આ ઝભ્ભાવાળોે યુવાન રાજનગરના ધનવાનશેઠનો દીકરો વીર છે અને એની સાથે જે બે યુવાનો છે એ એના દોસ્તો છે.' જિગરની બાજુની ખુરશી પર બેસતાં બાઈ બોલીઃ 'વીરની માતાજીને થોડાંક દિવસ પહેલાં જ હાર્ટએટેક આવ્યો અને કોઈ કંઈ સમજે-કરે એ પહેલાં તો તેઓ મૃત્યુ પામ્યાં. વીર ટેન્શનમાં આવી ગયો. એની માતાજીની તિજોરીમાં અગત્યના દસ્તાવેજોની સાથે બીજી પણ ઘણી બધી કિંમતી વસ્તુઓ મુકાયેલી છે. માતાજીની તિજોરીની ચાવી વિશે ફકત માતાજીને જ ખબર હતી. માતાજીના મૃત્યુ પછી વીર ઘરનો ખૂણેખૂણો જોઈ વળ્યો, પણ એને તિજોરીની ચાવી મળતી નથી. દસ માણસોથી પણ ન ઊંચકાય એવી તિજોરી તૂટે એવી નથી. એટલે આખરે વીર સલોમીબેન પાસે એ તિજોરીની ચાવી કયાં છે? એ જાણવા આવ્યો છે. હવે જો-જો,' બાઈ ગર્વભેર બોલી : 'હમણાં સલોમીબેન કેવી રીતે વીરના માતાજીના આત્માને બોલાવીને એમની પાસેથી તિજોરીની ચાવી વિશે જાણી આપે છે.'

સાંભળીને જિગરને સામેના દૃશ્યમાં હવે ઓર વધુ રસ પડયો. તેણે સામેના રૂમમાં બેઠેલી સલોમી તેમજ એ ત્રણેય યુવાનોની વચમાં પડેલી વસ્તુઓ તરફ ધ્યાનથી જોયું. એમની વચમાં એક મોટો સફેદ કાગળ પડયો હતો. એ કાગળમાં-ઘડિયાળના આંકડા લખાયેલા હોય છે, એમ જ અંગ્રેજી બારાખડીના-એ, બી, સી થી ઝેડ સુધીના ર૬ અક્ષરો લખાયેલા હતા. આની વચમાં એક વાટકી ઊંધી મુકાયેલી હતી.

'ચાલો હવે હું કહું એમ કરતા જાવ.' સલોમીએ તેની સામે બેઠેલા વીર અને એના બન્ને દોસ્તોને કહ્યું : 'ટચલી આંગળીઓ એકબીજા સાથે ટચ થાય એવી રીતના વાટકી પર મૂકો.' કહેતાં સલોમીએ ટચલી આંગળી વાટકી પર મૂકી.  વીર અને એના બન્ને સાથીઓએ પોતપોતાની ટચલી આંગળી વાટકી પર મૂકી.

'આત્માને બોલાવવાનું શરૂ થાય એ પછી વાટકી પરથી આંગળી ઊઠાવવાની નથી અને આંગળીથી વાટકી પર વધુ વજન આપવાનું નથી, નહિતર આત્મા ગુસ્સે પણ થઈ શકે છે.' સલોમીએ કહ્યું, એટલે વીર તેમજ એના દોસ્તોએે પોતાની આંગળીઓ એ રીતે સેટ કરી.

'હવે બધાં એકાગ્ર મનથી પરમાત્માનું ધ્યાન કરો!' સલોમીએ કહ્યું, એટલે એ ત્રણેય જણાંએ પરમાત્માનું ધ્યાન કરવા માંડયું.

'હવે મનોમન તમારા માતાજીના આત્માનું આહવાન કરો.' સલોમી બોલી અને તે પણ વીરની માતાજીના આત્માને બોલાવવા માંડી.

થોડીક પળો થઈ ત્યાં જ સલોમી અને વીર તેમજ એના બન્ને દોસ્તોની વાટકી પર મુકાયેલી આંગળીઓ કાંપવા લાગી અને એમની નજરો સ્થિર થઈ ગઈ.

'જો યંત્રમાં કોઈના આત્માની શક્તિ આવી હોય તો મારી બાજુનો ભાગ અદ્ધર થાય.' સલોમી બોલી અને આ સાથે જ સલોમી તરફનો વાટકીનો ભાગ સહેજ અદ્ધર થયો.

'વીર!' સલોમીએ તેની સામે બેઠેલા વીરને કહ્યું : 'તમે માતાજીના આત્માને સવાલ કરી શકો છો!'

'મા ! તારી તિજોરીની ચાવી કયાં પડી છે?' અને વીરેે આ સવાલ પૂરો કર્યો, ત્યાં જ વાટકી કાગળ પર લખાયેલા અલગ-અલગ અક્ષર પર ફરવા માંડી.

સલોમી એ વાટકી જે અક્ષર તરફ ફરતી હતી, એ એક કાગળમાં લખતી જતી હતી.

થોડીક પળોમાં જ વાટકી ફરતી બંધ થઈ અને સલોમી બોલી ઊઠીઃ 'જવાબ મળી ગયો.' અને સલોમીએ માતાજીના આત્માને વિદાય લેવાની વિનંતી કરી. થોડીક પળો પછી સલોમીએ એક ઊંડો શ્વાસ લીધો. 'માતાજીનો આત્મા ગયો.'

'સલોમીબેન!' વીરે અધીરાઈથી પૂછયું : 'શું ખરેખર ચાવી કયાં પડી છે?! એનો જવાબ મળી ગયો?'

'હા.' સલોમીએ પોતે નોંધેલા અક્ષરો પર નજર ફેરવતાં કહ્યું: 'તમારી માતાજીની તિજોરીની ચાવી તમારી હવેલીના આગળના ભાગમાં, પૂર્વ દિશામાં આવેલા આંબાના ઝાડ નીચે દટાયેલી છે.'

'ખરેખર?!' વીર બોલી ઊઠયોઃ 'હું મારી પત્ની પાયલને કહું છું, એ જોઈ લેશે!' અને વીરે પાયલનો મોબાઈલ ફોન લગાવ્યો અને વાત કરીઃ 'પાયલ! હવેલીના આગળના ભાગમાં-પૂર્વમાં આવેલા આંબાના ઝાડ નીચે ખોદાવીને જો. ત્યાં તિજોરીની ચાવી પડી હશે!' આટલું કહીને વીરે કહ્યું: 'ના, પાયલ! તું મોબાઈલ ચાલુ જ રાખ અને મને જલદી જવાબ આપ.'

અને વીર મોબાઈલ ફોન કાને ધરેલો રાખીને બેસી રહ્યો. સલોમી અને વીરના દોસ્તો વીરને જોઈ રહ્યા.

તો જિગર પણ 'સલોમીએ કહેલી જગ્યા પરથી વીરની પત્ની પાયલને તિજોરીની ચાવી મળશે કે,    નહિ?!' એ સવાલ સાથે વીર સામે તાકી રહ્યો!

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૫)

જાણે કોઈ મોટી-શક્તિશાળી તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે માટીની હાંડી જિગર તરફ ધસી આવી અને જિગર કંઈ સમજે એ પહેલાં જ એ હાંડી જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી. અને એ સાથે જ અત્યારે જિગરની આંખો સામે કાળા-ધોળા ધબ્બાં દેખાયા. બીજી જ પળે એ ધબ્બાઓમાં ચીસો પાડતા ભયાનક ચહેરાં તરવરી ઊઠયાં. તેણે બન્ને હાથે પોતાનું માથું પકડી લીધું. તેના પગ વાંકા થયા અને તે ઘૂંટણિયે પડયો, ત્યાં જ તેને એવું લાગ્યું કે, તે કોઈ ઊંડી ખાઈમાં ગબડી રહ્યો છે..., ગબડી રહ્યો છે અને ત્રીજી  પળે તે એ ઊંડી ખાઈમાં આલોપ થઈ ગયો ! ! !

૦ ૦ ૦

જિગરની આંખો ખૂલી એ સાથે જ તેના માથા પર સણકો આવ્યો. તેણે માથું દબાવતાં જોયું તો કાળું આકાશ દેખાયુંું. તે કયાં હતો એનો તેને ખ્યાલ આવ્યો નહિ. તે  બેઠો થયો, ત્યાં જ તેની નજર, સામેના જૂના વડના ઝાડ નીચે, ગોળ સફેદ રેખા-મંડળ વચ્ચે મંત્રનો જાપ જપતા બેઠેલા પંડિત ભવાનીશંકર પર પડી.

અને આ સાથે જ જિગરને આખી વાત યાદ આવી ગઈ.

તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાને વશમાં કરવા માટે આ ભવાનીશંકર અહીં સ્મશાનમાં મંત્રનો જાપ જપવા બેઠો હતો. એના આ મંત્રનો જાપ તોડવા માટે તે દીપંકર સ્વામી પાસેથી એક માટીની હાંડી લઈને અહીં આવ્યો હતો. દીપંકર સ્વામીના કહેવા પ્રમાણે તેણે હાંડી ભવાનીશંકર તરફ ફેંકી હતી, પણ હાંડી ભવાનીશંકરના શરીરને વાગી નહોતી અને એના માથાની ઉપર હવામાં સ્થિર થઈ ગઈ હતી. ત્યાં જ દીપંકર સ્વામી આવી પહોંચ્યા હતા અને ભવાનીશંકરને કરગરતા, એની સામે પીડાથી આળોટવા લાગ્યા હતા.

ત્યાં જ ભવાનીશંકરના માથા પર સ્થિર રહેલી હાંડી તેમની તરફ આગળ વધી હતી. હાંડી પહેલાં જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામીની

ઉપર

હવામાં થોડીક પળો સ્થિર રહી અને પછી હાંડી તેની તરફ આવી હતી અને જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી હતી. એ સાથે જ તે કોઈ ઊંડી ખાઈમાં ગબડીને આલોપ થઈ ગયો હોય એવું તેને લાગ્યું હતું. એ પછી અત્યારે તેની આંખ ખુલી હતી.

અત્યારે સામે ભવાનીશંકર મંત્રનો જાપ જપતો બેઠો હતો, પણ દીપંકર સ્વામી દેખાતા નહોતા. જિગરે આસપાસમાં નજર ફેરવી ને એને ડાબી બાજુ, થોડાંક પગલાં દૂર જમીન પર દીપંકર સ્વામી લાશની જેમ પડેલા દેખાયા.

જિગરે દીપંકર સ્વામી પરથી નજર હટાવીને કલ્પનાની આંખે જોયું. તેના માથા પર શીના સવાર હતી. અત્યારે શીના હાડપિંજર જેવી લાગતી હતી. એ સાવ ઢીલી થઈને બેઠી હતી. એની નજર સામે મંત્રનો જાપ કરી રહેલા ભવાનીશંકર તરફ તકાયેલી હતી.

'શીના !' જિગરે ધીરેથી પૂછયું : 'શું થયું, શીના ?'

શીનાએ જિગરને કોઈ જવાબ આપ્યો નહિ અને જિગર સામે જોયું પણ નહિ.

જિગરે હવે શું કરવું?! એની સમજ પડી નહિ.

શીના હજુ પણ તેના માથા પર સવાર હતી. સામે પલાંઠી વાળીને ભવાનીશંકર શીનાને તેની પાસેથી આંચકીને પોતાના વશમાં કરવા માટેના મંત્રનો જાપ કરી રહ્યો હતો.

આ ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટે તેની મદદ કરનાર દીપંકર સ્વામી અત્યારે જમીન પર પડયા હતા. દીપંકર સ્વામીના કહેવા પ્રમાણે આજે વહેલી સવારના ચાર વાગ્યે ભવાનીશંકરના શીનાને વશમાં કરવાના મંત્રનો જાપ પૂરો થતો હતો.

જિગરે કાંડા ઘડીયાળમાં જોયું. ચાર વાગવામાં ફકત પાંચ મિનીટની વાર હતી.

જિગરે ફરી કલ્પનાની આંખે શીના તરફ જોયું. અત્યારે શીના તેની તરફ જ જોઈ રહી હતી. શીનાના ચહેરા પર એ પોતાની કોઈ પ્યારી વ્યકિત પાસેથી હંમેશ માટે વિદાય લઈ રહી હોય એવા દુઃખ અને ગમગીનીના ભાવ દેખાતા હતા.

'તો શું હવે તું ભવાનીશંકર પાસે ચાલી જઈશ?! શું તું મારી પાસે જ રોકાઈ રહે એવો કોઈ રસ્તો બાકી રહ્યો  નથી?!' જિગરના હોઠે આ શબ્દો આવ્યા, પણ તે બોલવા જાય એ પહેલાં શીનાને જાણે જોરદાર કરન્ટ લાગ્યો હોય એમ એ પગથી માથા સુધી ધ્રુજી. બીજી જ પળે શીના રોકેટની જેમ તેના માથા પરથી આકાશ તરફ ઊડી ગઈ ને દેખાતી બંધ થઈ ગઈ અને એ સાથે જ જિગરના માથા પરનો ભાર હળવો થઈ ગયો.

જિગરે સામે મંત્રનો જાપ કરી રહેલા ભવાનીશંકર સામે જોયું અને એ જ પળે ભવાનીશંકરે આંખો પરની પાંપણો ખોલી.

અત્યારે ભવાનીશંકરની આંખોમાં અનેરી ચમક આવી ગઈ હતી અને એણે મંત્રનો જાપ પણ રોકી દીધો હતો.

'આ ભવાનીશંકરે મંત્રનો જાપ રોકી લીધો હતો, એનો મતલબ શું એ હતો કે, 'શીના ભવાનીશંકરના વશમાં ચાલી ગઈ હતી?!' જિગરનામગજમાંથી વિચાર દોડી ગયો.

ભવાનીશંકર ઊભો થયો.

જિગર ફફડી ઉઠયો. તેણે ફરી ભાગી છુટવા માટે પગ ઊપાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતેય તેના પગ જમીન સાથે ચોંટી ગયા હોય એમ તે પગ ઊપાડી શકયો નહિ.

ભવાનીશંકર મંડળની બહાર નીકળ્યો અને જિગરની નજીક આવીને ઊભો રહ્યો.

જિગર ફફડતા જીવે ભવાનીશંકર સામે જોઈ રહ્યો.

'જિગર!' ભવાનીશંકર બોલ્યોઃ 'તેં શીનાને વશમાં કરવા માટેનો મારો જાપ તોડવા માટે જે કંઈ કર્યું, એનાથી મને તારી પર એટલો ગુસ્સો ચઢયો હતો કે મને થતું હતું કે, હું તને ભસ્મ કરી નાંખું. પણ મને તારી પત્નીની દયા આવી. હું તને ભસ્મ કરી નાંખું તો એ બીચારી વિધવા બની જાય અને એટલે મેં તને અત્યારે જીવતો જવા દીધો છે.' અને ભવાનીશંકરે જિગરના ખભે હાથ મુકયો. જિગરના શરીરમાંથી એક કંપારી પસાર થઈ ગઈ.

'શીના જેવી બલાને વશમાં કરવા માટે અમારા જેવા પંડિતોએ કંઈ કેટલાંય તંત્ર-મંત્ર કરવા પડે છે અને ત્યારે એ બલા વશમાં આવે છે. પણ શીના તારી પર મોહી પડી અને સામેથી તારી પાસે આવી ગઈ. શીના બલા જ એવી છે કે, એ માણસને રાતોરાત માલામાલ કરી દે અને એટલે તારા જેવા પૈસાના પૂજારીને કદિ એને છોડવાનું મન ન થાય.' ભવાનીશંકરના ચહેરા પર હવે જીતભર્યું હાસ્ય આવી ગયું : 'ગમે તેમ પણ હવે શીના તારી પાસેથી નીકળીને મારી પાસે આવી ચુકી છે. એ મારા વશમાં છે અને મારી દાસી બની ચુકી છે.'

જિગરે ભવાનીશંકરના માથા તરફ જોયું.

ભવાનીશંકર હસી પડયો : 'હવે એ તને નહિ દેખાય, જિગર !'

જિગરના ચહેરા પર નિરાશા આવી ગઈ.

'તેં શીનાથી ફાયદો મેળવ્યો છે, એટલે તું એને ભુલી નહિ શકે. જોકે, તારી ભલાઈ એમાં જ છે કે, તું એને ભુલી જાય.' અને ભવાનીશંકર તેનો ખભો થપથપાવીને ત્યાંથી સ્મશાનના ઝાંપા તરફ આગળ વધી ગયો.

જિગર ઝાંપા તરફ ફર્યો અને આ વખતે જમીન સાથે ચોંટેલા તેના પગ ઊખડી ગયા અને તે સહેલાઈથી ફરી શકયો. તેણે જોયું તો ભવાનીશંકર સ્મશાનના ઝાંપાની બહાર નીકળી ગયો.

જિગર લાશની જેમ પડેલા દીપંકર સ્વામી પાસે પહોંચ્યો.

દીપંકર સ્વામીએ આંખો ખોલી.

હમણાં દીપંકર સ્વામી તેની પર ગુસ્સે થઈ જશે એવો ગભરાટ જિગરના મનમાં જાગ્યો, ત્યાં જ દીપંકર સ્વામીએ તેનો હાથ પકડી લીધો. 'મને ઊભો કર.' એમણે પીડાભર્યા અવાજે કહ્યું.

જિગરે એમને ઊભા કર્યા.

'મારા ધારવા કરતાં ભવાનીશંકર વધુ શક્તિશાળી પુરવાર થયો.' દીપંકર સ્વામીએ કહ્યું: 'એ શીનાને વશમાં કરી ગયો અને મારા હાથપગ તોડી ગયો.'

'...હું દિલગીર છું, સ્વામીજી!  મારા કારણે...,' જિગર આગળ બોલવા જાય એ પહેલાં જ દીપંકર સ્વામી બોલ્યા : '....એમાં તારો કોઈ વાંક નથી. ચાલ, મને ઘરે મૂકી દે.'

'હા, સ્વામીજી !' કહેતાં જિગર એમને લઈને સ્મશાનની બહારની તરફ આગળ વધ્યો, અને ત્યારે જિગર તેના માથેથી અદૃશ્ય શક્તિ શીના હંમેશ માટે ચાલી ગઈ હતી એ વાતથી મનોમન રડી રહ્યો હતો.

૦ ૦ ૦

દીપંકર સ્વામીને એમના ઘરે મૂકીને જિગર ઘરે પહોંચ્યો ત્યારે સવારના સવા પાંચ વાગવા આવ્યા હતા.

માહી ચિંતાભેર તેની વાટ જોઈ રહી હતી. 'શું થયું?! માહીએ પૂછયું: 'શીના પાછી આવી કે...'

'ના!' જિગર દુઃખી અવાજે બોલ્યોઃ 'એ પંડિત ભવાનીશંકર પાસે ચાલી ગઈ.' અને જિગર આંખોમાં આવી ગયેલા આંસુઓને ખાળતાં બેડરૂમ તરફ આગળ વધી ગયો.

જિગરને પાછલા કેટલાંક મહિનાથી શીનાની ટેવ પડી ગઈ હતી. શીનાએ તેને માલદાર બનાવ્યો હતો અને એના    લીધે જ માહીના પિતા દેવરાજશેઠ માહીના લગ્ન તેની સાથે કરવા તૈયાર થયા હતા. ટૂંકમાં અદૃશ્ય શક્તિ શીનાની મદદથી જિગરે મબલખ રૂપિયા, કાર, ફલેટ, ફેકટરી અને પત્ની બધું જ મેળવ્યું હતું. એ અદૃશ્ય શક્તિ શીના તેને હંમેશ માટે છોડીને ચાલી ગઈ હતી, એનાથી તે દુઃખી અને હતાશ થાય એ સ્વાભાવિક હતું.

જિગર અત્યારે માહી સામે આંસુ ખાળી રહ્યો હતો, પણ મનોમન તો શીના માટે રડી જ રહ્યો હતો. તે પલંગ પર લેટયો.

માહી જિગર પાસે બેઠી અને જિગરના માથે વહાલથી હાથ ફેરવવા માંડી. એે જિગરના મનની સ્થિતિને સમજી શકતી હતી. એને જિગરને માથેથી શીના ચાલી ગઈ હતી એ બદલ બેવડી લાગણી થતી હતી. શીના ગઈ એના કારણે જિગર દુઃખી હતો એ વાતનો એને રંજ થઈ રહ્યો હતો, તો શીના જેવી એક બલા જિગરના માથેથી હંમેશ-હંમેશ માટે દૂર ચાલી ગઈ હતી એ વાતની એને રાહત પણ થઈ રહી હતી.

૦ ૦ ૦

સવારના સાડા દસ વાગ્યા હતા. જિગર સ્મશાનેથી આવ્યો હતો એ પછી ઊંઘતા સવારના છ વાગ્યા હતા, એટલે જિગર અને માહી અત્યારે પણ હજુ ઊંઘમાં જ હતાં. ત્યાં જ અત્યારે જિગરનો મોબાઈલ ફોન રણકયો. જિગર ઝબકીને જાગ્યો. માહીની આંખ પણ ખૂલી ગઈ.

જિગરે બાજુની ટિપૉય પર પડેલો મોબાઈલ ફોન ઊઠાવીને કાને ધર્યો અને મોબાઈલમાં વાત કરી એ સાથે જ તે 'શું ? ! ઓહ નો !' કહેતાં બેઠો થઈ   ગયો : 'હું હમણાં જ આવું છું !'

'જિગર !' માહીએ પણ બેઠી થઈ જતા ચિંતાભેર પૂછયું : 'શું થયું ? !'

'ફેકટરીમાં આગ લાગી છે !' જિગર ઊભો થયો અને ઝડપી પગલે મેઈન દરવાજા તરફ આગળ વધ્યો.

'જિગર ! તું ચિંતા ન કરીશ, હિંમત રાખજે, બધું સારું થશે !' જિગરને કહેતાં માહી જિગર પાછળ મેઈન દરવાજા સુધી પહોંચી.

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ અને લિફટ તરફ આગળ વધી ગયો. તે લિફટમાં  દાખલ થઈને દેખાતો બંધ થયો એટલે માહીએ દરવાજો બંધ કર્યો.

જિગર નીચે, પાર્કિંગમાં પડેલી કાર પાસે પહોંચ્યો ને તેણે કારને ફેકટરી તરફ દોડાવી ત્યારે તેને એે ખ્યાલ નહોતો કે, આ તો તેની બરબાદીની શરૂઆત હતી !

૦ ૦ ૦

માનવામાં ન આવે અને કોઈ વાર્તામાં જ બને એવું કંઈક જિગર સાથે બન્યું હતું.

જિગરના માથા પર અદૃશ્ય શક્તિ શીના સવાર થઈ, ત્યારે જિગર એક કૉમ્પ્યુટરની કંપનીમાં સાત હજાર રૂપિયાના પગારે નોકરી કરતો હતો. પણ શીના તેના માથા પર સવાર થતાં જ તેની હાલત ચમત્કારિક રીતના પલટાઈ હતી. તે થોડાંક મહિનાઓમાં જ માલદાર બની ગયો હતો. ફલેટ, કાર અને ફેકટરીનો માલિક બની ગયો હતો. એ પછી એ થોડાંક મહિના સુધી પૈસામાં ખેલતો રહ્યો હતો.

પણ દોઢ મહિના પહેલાં પંડિત ભવાનીશંકરે એકસો એક દિવસના મંત્રનો જાપ પૂરો કરીને શીનાને તેની પાસેથી છીનવી લીધી હતી, એ પછી બીજા દિવસની સવારે જ તેની ફેકટરીમાં આગ લાગ્યાની ઘટના બની હતી. ને એ દિવસથી જ જાણે તે બરબાદીની ખાઈમાં ગબડવા માંડયો હતો. જે ઝડપથી અને આશ્ચર્યજનક રીતે તેની પાસે માલ-મિલકત આવ્યા હતાં, એટલી જ ઝડપે અને આશ્ચર્યજનક રીતે એ બધું એના હાથમાંથી સરકી ગયું.

આ બધું કેવી રીતના બન્યું, એ તેની સમજમાં આવી ગયું હતંુ. આ બધું જ શીનાને લીધે બન્યું હતું. શીના તેની પાસેે હતી ત્યાં સુધી તેની પાસે માલ-મિલકત બધું જ હતું, અને એ ચાલી ગઈ એ સાથે જ તેની પાસેની માલ-મિલકત પણ ચાલી ગઈ હતી.

એ પાછો એક રૂમ-રસોડાના  મકાનમાં આવી ગયો હતો.

અને ગઈકાલે માહીના પિતા દેવરાજશેઠ આવી પહોંચ્યા હતા. તેઓ ગુસ્સામાં હતા.

તે માલદાર બન્યો હતો, એટલે કરોડપતિ દેવરાજશેઠે પોતાની દીકરી માહીના લગ્ન તેની સાથે કર્યા હતા. પણ તે પાછો એક રૂમ રસોડામાં રહેવા આવી ગયો હતો એટલે દેવરાજશેઠ તેને જેમ-તેમ બોલીને માહીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા હતા. તેણે માહીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, માહી તેની પાસે રોકાવા માંગતી હતી એવું તેને લાગ્યું પણ હતું, પણ દેવરાજશેઠની જોર-જબરજસ્તીની આગળ એ હારી ગઈ હોય એમ એ તેને છોડીને ચાલી ગઈ હતી.

ગઈકાલે દેવરાજશેઠ માહીને લઈને ચાલ્યા ગયા એ  પછી જિગર ઘરમાં જ બેસી રહ્યો. તેને એમ હતું કે, માહીનો મોબાઈલ ફોન આવશે. પણ મોબાઈલ આવ્યો નહિ. ગઈકાલે આખો દિવસે તે પોતાની ગરીબી અને માહીના એના પપ્પાને ત્યાં ચાલ્યા જવા બદલ રડતો રહ્યો, ગુંગળાતો રહ્યો.

પણ આજે બીજા દિવસે તે તૈયાર થઈને બહાર નીકળ્યો. તે બસ સ્ટેન્ડ તરફ આગળ વધ્યો. તેને રૂપિયાની કિંમત સમજાઈ હતી અને તે ફરી પાછો રૂપિયા કમાવવા માંગતો હતો. રૂપિયા આવે એટલે  દેવરાજશેઠ પાછા માહીને સામે ચાલીને તેની પાસે મૂકી જશે એની જિગરને ખાતરી હતી. જોકે, તેને ખબર હતી કે, ફરી ફલેટ, કાર અને ફેકટરી લેવા જેટલા રૂપિયા કમાવવા એ આસન કામ નહોતું.

અગાઉ તો અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર  સવાર થઈ હતી અને શીનાએે તેને રાતોરાત માલદાર બનાવ્યો હતો, અને એ કારણે જ તે પોતાની પ્રેમિકા માહીને પત્ની તરીકે મેળવી શકયો હતો.

પણ એ શીના પંડિત ભવાનીશંકર પાસે ચાલી ગઈ હતી અને પાછી ફરે એમ નહોતી.

'ઈશ્વર કરે અને શીના મારી પાસે પાછી ફરે તો...' અને જિગરના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ તેની નજર સામે બસ સ્ટેન્ડ પર ઊભેલી એક યુવતી પર પડી અને તે ચોંકી ઊઠયો. ચોંકી શું, પણ તે પગથી માથા સુધી ખળભળી ઊઠયો.

તે આંખો ફાડી-ફાડીને એ યુવતી તરફ જોઈ રહ્યો.

તેને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ.

તે જે જોઈ રહ્યો હતો એ શું હકીકત હતી?! તે જાગતો હતો ને?! તે સપનું તો જોતો નહોતો ને?

તેણે ગાલે ચુંટલી ખણી.

ના તે ઊંઘમાં નહોતો. તે સપનું જોતો નહોતો.  તે જાગતો હતો. તે જે જોઈ રહ્યો હતો એ એક સચ્ચાઈ હતી.

સામે એક યુવતી.., એટલે કે શીના ઊભી હતી!

શીના?!!

હા, શીના! અદૃશ્ય શક્તિ શીના!

અગાઉ જિગરના માથા પર સવાર થઈને તેને માલામાલ બનાવનાર અને પછી ભવાનીશંકરના વશમાં ચાલી ગયેલી અદૃશ્ય શક્તિ શીના અત્યારે તેની સામે બસ સ્ટેન્ડ પર ઊભી હતી!!

અગાઉ જિગરે કલ્પનાની આંખે શીનાને કંઈ કેટલીયવાર જોઈ હતી,

અને એટલે અત્યારે એ શીના જ તેની સામે ઊભી હતી એ વાતમાં જિગરના મનમાં બે મત નહોતા કે, જરાય શંકા નહોતી!

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૪)

'....તે દીપંકર સ્વામીએ આપેલી આ માટીની હાંડી સાથે નીકળ્યો તો છે, પણ શું તે પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ તોડીને, અદૃશ્ય શક્તિ શીનાને લઈને પાછો ફરશે ? કે પછી દીપંકર સ્વામીનો આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે?!

'જોકે, આ સવાલની સાથે એક મોટો અને અગત્યનો સવાલ એ પણ હતો કે, તે દીપંકર સ્વામીએ આપેલો આ કાળો જાદૂ લઈને ભવાનીશંકરની સામે તો જતો હતો, પણ શું આ કાળો જાદૂ સફળ થશે અને તે જીવતો-જાગતો પાછો ફરશે?! કે પછી, કે પછી આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને તે મોતના મોઢામાં ધકેલાઈ જશે?!' હાથમાં દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે શાંતિનગરના સ્મશાન તરફ આગળ વધી રહેલા જિગરના મગજમાં આ વિચાર દોડી ગયો હતો અને એ સાથે જ તેની ચાલ એકદમથી ધીમી થઈ ગઈ.

અત્યારે તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર સવાર હતી. પાછલા કેટલાય દિવસથી ફીક્કો પડી ગયેલો શીનાનો ચહેરો અત્યારે ચિંતાથી જાણે સાવ કાળો પડી ગયો હોય એવો લાગતો હતો. શીનાની આંખો પણ એકદમ બુઝાયેલી-બુઝાયેલી લાગતી હતી.

જિગરને થયું કે, તે શીના સાથે વાત કરે. તે શીનાને પૂછે કે, ''દીપંકર સ્વામીએ તેને આપેલી માટીની આ હાંડીમાં શું છે?! અને શું એ વસ્તુ પંડિત ભવાનીશંકરનો મુકાબલો કરવા જેટલી શક્તિશાળી છે, ખરી?!''

જોકે, આ પૂછવા માટે તેના હોઠ ખૂલે એ પહેલાં જ દીપંકર સ્વામીએ તેને આ હાંડી આપતી વખતે આપેલી ચેતવણી યાદ આવી ગઈ, ''....ભવાનીશંકર સામે પહોંચતાં સુધીમાં ન તો તારે પાછું વળીને જોવાનું છે કે, ન તો કોઈની સાથે વાત કરવાની   છે !''

અને એટલે જિગરે મોઢું બંધ રાખતાં શાંતિનગરના સ્મશાન તરફ ચાલવાનું ચાલુ રાખ્યું.

અત્યારે રાતના સવા બાર વાગ્યા હતા. જિગરે શાંતનગરના સ્મશાને પહોંચવા માટેનો રસ્તો એવો પસંદ કર્યો હતો કે, દિવસેય આ રસ્તા પર લોકોની અવરજવર ઓછી રહેતી હતી અને અત્યારે રાતના આ સમયે તો લોકોની અવરજવર બિલકુલ જ નહોતી. અને એટલે રસ્તા પર સન્નાટો છવાયેલો હતો. જિગર અત્યારે જે કામ માટે નીકળ્યો હતો, એના ટેન્શનના લીધે જાણે અત્યારે રસ્તા પરનો આ સન્નાટો વધુ ભયાનક ભાસતો હતો. જોકે, જિગરના દિલમાં ડર નહોતો-ગભરાટ નહોતો. તેણે શીનાને પોતાની પાસેથી નીકળીને, પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા માટે પોતાના મનમાં પૂરી હિંમત ભરી રાખી હતી.

જિગર આ રીતના જ દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે શાંતિનગરના સ્મશાનના ઝાંપા નજીક પહોંચ્યો, ત્યારે રાતનો પોણો એક વાગવા આવ્યો હતો. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર સવાર શીના ઊભી હતી અને એેના ચહેરા પરનો ભય અને ચિંતા બેવડાઈ ગઈ હતી.

જિગરે એક ઊંડો શ્વાસ છાતીમાં ભર્યો અને સ્મશાનના ઝાંપાની અંદર દાખલ થયો.

'હાઉંઉંઉંઉંઉંઉં...!' બરાબર એ જ પળે સ્મશાનની અંદરથી ગૂંજેલો કૂતરાના રડવાનો અવાજ શાંત વાતાવરણને ખળભળાવી ગયો-જિગરના શરીરમાંથી ધ્રુજારી પસાર કરી ગયો. જિગરના આગળ વધતા પગ રોકાઈ ગયા.

'નહીંહીંહીંહીંહીં...!' અને અચાનક જ જિગરની પીઠ પાછળથી કોઈ સ્ત્રીની પીડાભરી ચીસનો અવાજ સંભળાયો. જિગર પાછું વળીને જોવા ગયો, ત્યાં જ તેના કાને શીનાનો ઉતાવળો અવાજ અફળાયોઃ 'ના, જિગર! પાછું વળીને જોઈશ નહિ, નહિતર અહીં જ મરી જઈશ. તને ડરાવી-ગભરાવીને તારો જીવ લઈ લેવા માટેના આ ભવાનીશંકરના પરચા છે!'

અને જિગર છેલ્લી પળે પાછું વળીને જોતાં રોકાઈ ગયો.

તેનાથી એક નિશ્વાસ નંખાઈ ગયો. તે સમજતો હતો એટલું આ કામ સહેલું નહોતું. તેની એક નાનીસરખી ભૂલ તેને મોતના મોઢામાં ધકેલી શકે એમ હતી !

તેણે વળી હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો.

સામે, થોડાંક પગલાં દૂર આવેલા જૂના મંદિરની પાછળની ગીચ ઝાડીઓ વચ્ચે જ્યાં તેણે ભવાનીશંકરને શીનાને વશમાં કરવાના મંત્રનો જાપ કરતાં બેઠેલો જોયો હતો, એ તરફ તે આગળ વધ્યો. પણ તે ત્રણ-ચાર પગલાં ચાલ્યો, ત્યાં જ તેની પીઠ પાછળથી કોઈ દોડી આવતું હોય એવા પગલાંનો અવાજ સંભળાયો. તેના રૂવાંડા ઊભા થઈ ગયાં. આ વખતે તે ચેતી ગયેલો હતો, એટલે તેણે પાછળની બાજુએ ફરીને 'કોણ દોડી આવી રહ્યું છે!' એ જોવા માટે તૈયાર અને તત્પર બનેલા પોતાના ચહેરાને પરાણે રોકી લીધો!

'હા, બરાબર છે,' તેના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'આ રીતના જ આસપાસના ચિત્ર-વિચિત્ર અવાજો અને દૃશ્યો સામે આંખ આડા કાન કરીને આગળ વધવાનું ચાલુ રાખ.'

જિગરે રાહત અનુભવી. તે બરાબર જ કામ પાર પાડી રહ્યો હતો. તે હાથમાં દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે આગળ વધ્યો.

તે જૂના મંદિરની પાછળ આવેલી ઝાડીઓ નજીક પહોંચ્યો. તેણે ડાબા હાથે ઝાડીઓ ખસેડીને અંદરની બાજુએ નજર નાખી, તો તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો.

અગાઉ તેણે સામે, જૂના વડના ઝાડ નીચે પંડિત ભવાનીશંકરને સફેદ રેખાથી બનેલા ઘેરામાં-મંડળમાં મંત્રનો જાપ કરતાં બેઠેલો જોયો હતો, પણ અત્યારે વડના ઝાડ નીચે ભવાનીશંકર બેઠેલો દેખાતો નહોતો.

'શીના!' જિગર બોલી ઊઠયોઃ 'આ પંડિત ભવાનીશંકર કયાં ગયો?! શું એ તને વશમાં કરવાના મંત્રનો જાપ અધવચ્ચે જ છોડીને ભાગી ગયો?!'

'ના, જિગર! એ તને મૂરખ બનાવી રહ્યો છે!' તેના માથા પર સવાર શીના બોલીઃ 'એ તારી સામે જ, વડના ઝાડ નીચે જ, પોતાની એ જગ્યા પર જ બેઠો છે. તું આંખો ફાડીને-એકધ્યાનથી જો.'

અને જિગર ઝાડીઓ ખસેડીને, ઝાડીઓની અંદરની તરફ બે પગલાં આગળ વધીને ઊભો રહ્યો અને રીતસરની આંખો ફાડીને વડના ઝાડ તરફ જોઈ રહ્યો.

-પણ ભવાનીશંકર દેખાયો નહિ.

'મને તો...મને તો ભવાનીશંકર દેખાતો નથી.' જિગરે ધીરેથી કહ્યું, એટલે શીના બોલી : 'હા પણ, એ મને તો દેખાય છે, જિગર!'

અને શીનાની આ વાત સાંભળીને જિગરના મગજમાં ભવાનીશંકરને પોતાની નજર સામે લાવવા માટેનો એક તુકકો સૂઝયો. તેણે એ તુક્કાને તુરત જ અમલમાં મૂકી દીધોઃ 'ભવાનીશંકર!' તેણે ત્રાડ પાડી : 'તારા મારણના સામાન સાથે મને અહીં આવેલો જોઈને તું ગભરાઈ ગયો ને?! મારાથી ડરીને મારી આંખ સામેથી ઓઝલ થઈ ગયો ને?!' અને તેનું આ વાકય પૂરું થયું ન થયું ત્યાં જ તેને સામે..., વડના ઝાડ નીચેની અગાઉની જગ્યા પર, મંડળની અંદર મંત્રના જાપ કરતો બેઠેલો ભવાનીશંકર દેખાયો.

'શીના!' જિગરે તેના માથા પર સવાર શીનાને કહ્યું: 'હવે હું ભવાનીશંકરને જોઈ શકું છું.' અને તે એક પગલું આગળ વધીને ઊભો રહ્યો.

હવે તેનાથી ભવાનીશંકર પાંચ પગલાં દૂર બેઠો હતો. એ એ રીતે જ બંધ આંખે, ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો.

જિગરને દીપંકર સ્વામીએ તાકિદ કરી હતી કે, જ્યાં સુધી ભવાનીશંકર આંખો ખોલે નહિ અને એની નજર તેના હાથમાંની આ હાંડી પર પડે નહિ ત્યાં સુધી તેણે આ હાંડી હાથમાંથી છોડવાની નહોતી-ભવાનીશંકર તરફ ફેંકવાની નહોતી. અને એટલે તેણે પહેલાં ભવાનીશંકરની આંખો ખોલાવવાની હતી, એને હાંડી દેખાડવાની હતી !

'ભવાનીશંકર...!' જિગરે મોટેથી બૂમ પાડીઃ '...આંખો ખોલ અને મારી સામે જો. હું તારું મોત લઈને આવ્યો છું.'

પણ જિગરની આ વાતના જવાબમાં ભવાનીશંકર તરફથી જરાય હલચલ-હિલચાલ વર્તાઈ નહિ. કાં તો ભવાનીશંકર જાપમાં એટલો બધો લીન હતો કે એણે જિગરની આ વાત સાંભળી નહોતી, અને કાં તો એણે જિગરની વાત સાંભળી હતી પણ જિગર સાથે વાત કરવા માગતો નહોતો.

'ભવાનીશંકર ! એમ ન સમજ કે, હું ગપગોળા ફેંકી રહ્યો છું.' જિગર ફરી મોઢેથી બોલ્યોઃ 'હું આ વખતે તારા મોતનો સામાન સાથે લઈને આવ્યો છું.'

આ વખતેય ભવાનીશંકરે આંખો પરની બંધ પાંપણો ઊઠાવી નહિ.

'ઠીક છે, તો લે પછી..., હું ફેંકું છું તારી તરફ તારા મોતનો સામાન!' આ વખતે જિગર બોલ્યો અને તેણે હાથમાંની માટીની હાંડી અદ્ધર કરી, અને આ સાથે જ એકદમથી જ ભવાનીશંકરની આંખો પરની પાંપણો ખૂલી ગઈ અને એની લાલઘૂમ આંખોમાંની ગુસ્સાભરી નજર જિગરના હાથમાંની માટીની હાંડી પર પડી.

અને જિગરે પળનો પણ સમય બગાડયા વિના પોતાના હાથમાંની માટીની હાંડી જોશભેર ભવાનીશંકર તરફ ફેંકી દીધી.

હાંડી હવામાં ઊડતી ભવાનીશંકર તરફ ધસમસી. અને...

...અને ત્રીજી પળે જિગરને જે જોવા મળ્યું એનાથી તેને આશ્ચર્ય ને આઘાતનો આંચકો લાગ્યો.

તેણે વિચાર્યું હતું કે, તેણે ફેંકેલી માટીની હાંડી ભવાનીશંકરના શરીર સાથે અથડાતાં જ ભવાનીશંકરનો ખેલ ખલાસ થઈ જશે અને તેનું કામ બની જશે, પણ..પણ એવું બન્યું નહિ. તેણે ફેંકેલી હાંડી ભવાનીશંકરના શરીર સાથે અથડાવવાને બદલે ભવાની શંકરના માથાની ઉપર, બે વેંત જેટલી ઉપર હવામાં સ્થિર થઈ ગઈ હતી!

અને જિગર આ વાતના આશ્ચર્ય અને આઘાતમાંથી બહાર આવે એ પહેલાં જ સ્મશાનના આ શાંત વાતાવરણને ખળભળાવી નાંખતી સ્ત્રીઓની ચીસાચીસ અને ધૂમ-ધડાકાના અવાજો ગુંજી ઊઠયા. જાણે..જાણે એકસાથે અનેક અદૃશ્ય શયતાની શક્તિઓ એકબીજા સાથે અથડાઈ રહી હોય-ટકરાઈ રહી હોય.

જિગરે શરીરમાં જાગી ઊઠેલી ધ્રુજારીને ખાળવાનો પ્રયત્ન કરતાં કલ્પનાની આંખે જોયું તો શીના ભવાનીશંકર તરફ જોતી, થરથર કાંપી રહી હતી.

જિગરનું હૃદય જાણે બેસવા માંડયુંું. હાંડી ભવાનીશંકરના શરીર સાથે ટકરાઈ નહોતી અને એના માથાની ઉપર-હવામાં સ્થિર થઈ ગઈ હતી, એ જોતાં જિગરને એટલું તો સમજાઈ જ ગયું હતું કે, ચોકકસ કંઈક ગરબડ થઈ હતી!

'જિગર !' શીનાનો કાંપતો અવાજ જિગરના કાને અફળાયોઃ '....આખો ખેલ બગડી ગયો છે! દીપંકર સ્વામીનો કાળો જાદૂ ઊંધો પડી ગયો છે ! ! હવે કોઈપણ પળે એ હાંડી તારી તરફ પાછી ફરશે ! તું...તું જલદીથી ભાગી છૂટ અહીંથી !'

અને શીનાની આ વાત સાંભળીને જિગરના મનમાં રહેલી થોડી-ઘણી હિંમત પણ જવાબ આપી ગઈ. તે ભાગી છૂટવા માટે પાછો વળવા ગયો, પણ.., પણ આ શું?! જાણે તે પથ્થરનું પૂતળું બની ગયો હોય, તેના પગ..., તેના પગ જાણે જમીને પકડી લીધાં હોય એમ તે પોતાની જગ્યા પરથી જરાય હાલી-ચાલી શકયો નહિ.

તેના ચહેરા પર ગભરાટના વાદળાં ધસી આવ્યા. જાણે માથા પર પરસેવાનું પૂર ઘસી આવ્યું. તે કાંપવા લાગ્યો. તે અહીંથી ભાગી છૂટવા માગતો હતો, પણ તે પોતાની જગ્યા પરથી ટસથી મસ થઈ શકતો નહોતો. કોઈ ભયાનક અદૃશ્ય શક્તિએ તેને બરાબરનો જકડી રાખ્યો હતો.

તેણે કલ્પનાની આંખે શીના તરફ જોયું.

શીનાની હાલત પણ કફોડી લાગતી હતી. એ થરથર કાંપતાં ભવાનીશંકર તરફ જોઈ રહી હતી.

જિગરે ભવાનીશંકર તરફ જોયું.

તેણે ફેંકેલી હાંડી એ જ રીતના ભવાનીશંકરના માથાની ઉપર હવામાં સ્થિર હતી અને ભવાનીશંકરની લાલઘૂમ આંખો તેની તરફ જ તકાયેલી હતી.

હજુ પણ વાતાવરણમાં શયતાની શક્તિઓની ચીસો અને ધૂમધડાકા સંભળાઈ રહ્યા હતા.

અને અચાનક જ જાણે કોઈ સ્વીચ-બટન દબાવીને એ અવાજો બંધ કરી દેવામાં આવ્યા હોય એમ એકદમથી જ એ અવાજો સંભળાવવાના બંધ થઈ ગયા. એકદમથી જ કાતિલ સન્નાટો છવાઈ ગયો અને બીજી જ પળે જિગરની પીઠ પાછળથી કોઈકના પગલાંનો અવાજ સંભળાવાની સાથે જ કોઈ પુરુષનો દયામણો-કરગરતો અવાજ સંભળાયોઃ 'મને..., મને માફ કરી દે, ભવાનીશંકર!'

અને આ અવાજ સાંભળતાં જ જિગરને લાગ્યું કે, તે ચકકર ખાઈને, બેહોશ થઈને જમીન પર ઢળી પડશે. આ અવાજ..., આ અવાજ દીપંકર સ્વામીનો હતો!

હા!

તેને માટીની હાંડી લઈને અહીં ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટે મોકલનાર દીપંકર સ્વામીનો આ અવાજ હતો!!!

જિગર પાછું વળીને જોવા ગયો એ પહેલાં જ દીપંકર સ્વામી લથડાતા પગલે તેની પાસેથી પસાર થયા.

દીપંકર  સ્વામીના ચહેરા પર જાણે સામે મોત જોયાનો ભય છવાયેલો હતો. એમણે જિગર સામે જોયું પણ નહિ. અને જિગર પાસેથી પસાર થઈને, જિગરથી બે પગલાં આગળ અને ભવાનીશંકરની સામે જમીન પર આળોટવા લાગ્યા. સાથે જ કરગરવા લાગ્યાઃ 'ભવાનીશંકર! મારી પર દયા કર, મને માફ કરી દે. મને જીવતો છોડી દે. હું સોગંધ ખાઈને કહું છું કે, કયારેય તારા કોઈ કામમાં ટાંગ નહિ અડાવું, તારા રસ્તા વચ્ચે કદી નહિ આવું.'

જિગરના ચહેરા પર મોતનો ભય તરી આવ્યો.

તંત્ર-મંત્રના જાણકાર દીપંકર સ્વામીની ભવાનીશંકર સામે આવી ખરાબ હાલત હતી, અને દીપંકર સ્વામી ભવાનીશંકર પાસે પોતાની જિંદગીની ભીખ માંગી રહ્યા હતા, તો પછી..., તો પછી ભવાનીશંકર સામે તેનું તો શું ગજું?! હવે ભવાનીશંકરના હાથે તેનું મોત નક્કી જ હતું.

જિગરનું ગળું સૂકાવા માંડયું. કોરા હોઠ પર જીભ ફેરવતાં તેણે મનોમન ભગવાનને યાદ કર્યા અને ભવાનીશંકર પાસે દયાની ભીખ માંગતા, જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામી પરથી નજર હટાવીને સામે મંડળમાં બેઠેલા ભવાનીશંકર સામે જોયું.

ભવાનીશંકરના મંત્રનો જાપ હજુ પણ એ રીતનો જ ચાલુ હતો. એની લાલઘૂમ અંખોમાંની કાતિલ કીકીઓ જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામી પર ચોંટેલી હતી.

જિગરે ભવાનીશંકર તરફ ફેંકેલી માટીની હાંડી અત્યારે પણ ભવાનીશંકરના માથાની ઉપર હવામાં એ જ રીતના સ્થિર હતી.

અને અત્યારે હવે માટીની એ હાંડી પોતાની જગ્યા પરથી સહેજ હલી અને પછી એકદમથી જ ત્યાંથી આ તરફ-જિગર અને દીપંકર સ્વામી તરફ આવવા માંડી.

હાંડી ભવાનીશંકરના મંડળની બહાર નીકળી અને પછી એ જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામીના શરીર ઉપર-હવામાં સ્થિર થઈ. અને એ સાથે જ દીપંકર સ્વામીએ કાળજું કાંપી ઊઠે, હૃદયના ધબકારા ચૂકી જાય એવી જોરદાર પીડાભરી ચીસ પાડી અને પછી જમીન પર વધુ ઝડપથી આળોટવા લાગ્યા. દીપંકર સ્વામી પીડાભરી ચીસો પાડતા એવી રીતના આળોટી રહ્યા હતા જાણે કે, એમની આસપાસમાં સાપ અને વીંછીનો રાફડો ફાટયો હોય અને એ સાપ-વીંછી એમને ડંખ મારી રહ્યા હોય!

જિગરે એકદમ જ ઢીલા પડી ગયેલા પોતાના શરીરને પરાણે ટકાવી રાખતાં કલ્પનાની આંખે જોયું, તો તેના માથા પર સવાર શીના બે હાથ જોડીને-માથું નમાવીને ઊભી હતી! શીનાની આંખોમાંથી ચોધાર આંસુઓ નીકળી રહ્યા હતા. એની આંસુભરી આંખોમાંથી ભયની સાથે આજીજી  પણ છલકાતી હતી. એની નજર જમીન પર પીડા સાથે આળોટી રહેલા દીપંકર સ્વામીના માથા પર સ્થિર થયેલી હાંડી પર તકાયેલી હતી!

જિગરે પણ એ હાંડી તરફ જોયું.

અને બસ..,

..હા, બસ આ પળે જ, જાણે કોઈ મોટી-શક્તિશાળી તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે એ હાંડી જિગર તરફ ધસી આવી અને જિગર કંઈ સમજે એ પહેલાં જ એ હાંડી જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી.........!

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૩)

'દીપંકર સ્વામી શું પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ તોડવાનો અને એને મંડળની બહાર ખેંચી લાવવાનો કોઈ તોડ લઈને બહાર આવશે ખરા?' વિચારતાં જિગર જે રૂમમાં દીપંકર સ્વામી ગયા હતા, એ રૂમના બંધ દરવાજા તરફ જોઈ રહ્યો હતો.

દસ મિનિટ વિતી અને અત્યારે હવે એ રૂમનો દરવાજો ખૂલ્યો ને દીપંકર સ્વામી બહાર નીકળ્યા.

બરાબર આ પળે જ જિગરના માથે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને પછી તેના માથે જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર આવી ચૂકેલી શીનાના ચહેરા પર રાહત વર્તાતી હતી.

'જિગર!' જિગરના કાને દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો, એટલે જિગરે દીપંકર સ્વામી સામે જોયું.

દીપંકર સ્વામીએ તેને કહ્યું : 'હું તને શીનાને વશમાં કરવાના ભવાનીશંકરના મંત્રને તોડી શકીશ, એ માટે તારે આજથી પંદરમા દિવસે....'

'....પંદરમા દિવસે ? !' જિગર બોલી ઊઠયો : 'પંદરમા દિવસે તો ભવાનીશંકરના જાપનો છેલ્લો દિવસ એટલે કે એકસો એકમો દિવસ છે !'

'....મને એનો ખ્યાલ છે.'     

'....પણ તો પછી એનો જાપ વહેલો તોડાવોને, સ્વામીજી!' જિગર બોલ્યોઃ 'એને એ પહેલાં જ મંડળમાંથી બહાર...'

'એ શકય નથી.' દીપંકર સ્વામીએ કહ્યું : 'ભવાનીશંકરનો જાપ તોડવા માટે, એનો સામનો કરવા માટે મારે તને જે વસ્તુ આપવાની છે, એમાં પંદર દિવસ તો લાગે એમ છે જ. જોકે, તું ચિંતા ન કર. એનો જાપ પંદરમા દિવસની વહેલી સવારે ચાર વાગ્યે પૂરો થવાનો છે, પણ તું ચાર કલાક પહેલાં, બાર વાગ્યે અહીં આવી જજે.'

હવે જિગરને દીપંકર સ્વામી સાથે વધુ સવાલ-જવાબ કરવાનું યોગ્ય લાગ્યું નહિ. તે ઊભો થયો. 'હું પંદરમા દિવસે બાર વાગ્યે આવી જઈશ.'

'હા !' દીપંકર સ્વામીએ કહ્યું, એટલે જિગર મકાનની બહાર નીકળ્યો અને  કારમાં બેઠો. તેણે કાર ઘર તરફ આગળ વધારતાં, તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાને પૂછયું : 'શીના ! કદાચને જો દીપંકર સ્વામી ભવાનીશંકરનો જાપ પૂરો થવાના છેલ્લા ચાર કલાકમાં, ભવાનીશંકરનો જાપ તોડાવીને એને મંડળની બહાર લાવવામાં સફળ ન થાય તો...'

'...તો આખો ખેલ બગડી જાય. ભવાનીશંકર મંત્રનો જાપ પૂરો કરી નાખે ને મારે એના વશમાં ચાલ્યા જવું પડે, મારે એની દાસી બની જવું પડે, અને...'

'...અને શું, શીના ? !'

'હું એવું નથી ઈચ્છતી કે, તને કોઈ આંચ આવે. પણ કાળા જાદૂની ખાસિયત એ છે કે, જો એ ઊલટો પડે તો જાદૂ કરનાર કે પછી જાદૂ કરાવનારને ખલાસ કરી શકે છે !'

'એટલે તું એવું કહેવા માગે છે ને કે, જો દીપંકર સ્વામી નિષ્ફળ રહ્યા તો દીપંકર સ્વામી કે પછી મારું...,  અમારા બન્નેમાંથી કોઈ એકનું મોત પણ થઈ શકે છે !'

'હા.' શીનાએ જવાબ આપ્યો, ત્યારે જિગરની કાર તેના ફલેટના કમ્પાઉન્ડમાં પહોંચી ચૂકી હતી.

જિગર કારમાંથી બહાર નીકળીને, પોતાના ફલેટમાં પહોંચ્યો અને સોફા પર બેઠો એટલે શીના બોલી : 'જિગર ! મારું તો કહેવું છે કે, મારા માટે તારી જિંદગી દાવ પર ન લગાવ. ભવાનીશંકર પાસે ગયા પછી મારું જે થવાનું હશે એ થશે, પણ તું મને ભૂલી જા, અને માહી સાથે તારી જિંદગી નિરાંતે વિતાવ.'

'ના ! મેં તને પહેલાં જ કહી દીધું છે કે, હું તારા વિના રહી શકું એમ નથી. હું તારા માટે મારા જીવ-જાનથી ખેલી જઈશ.'

'ઠીક છે.' શીનાએ એક નિશ્વાસ નાંખતાં કહ્યું: 'જેવી તારી મરજી.'

જિગર એક ઊંડો શ્વાસ લેતાં પલંગ પર લેટયો.

૦ ૦ ૦

જિગરને પંડિત ભવાનીશંકર અને દીપંકર સ્વામી પાસે ગયાને સાત દિવસ થયા હતા. આ દરમિયાન એના પિતાને ત્યાં ગયેલી માહી પાછી આવી ચૂકી હતી.

જિગરે આ સાત દિવસ ખૂબ જ પરેશાનીમાં વિતાવ્યા હતા. 'જો પંદરમા દિવસે દીપંકર સ્વામીનો કાળો જાદૂ  ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવામાં સફળ નહિ થાય અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે તો ? !' એ ચિંતામાં જિગરના દિવસનું ચેન અને રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે કલ્પનાની આંખે તેના માથા પર સવાર શીનાને જોયા કરતો હતો       અને 'ભવાનીશંકરના મંત્રના જાપના છેલ્લા દિવસે શું થશે ? !' એવી વાતો શીના સાથે કરતો રહેતો હતો.

શીના તેને હિંમત બંધાવતી હતી, પણ શીનાના ચહેરા પરથી એવું લાગતું હતું કે, એ પોતે જ હિંમત હારી ગઈ હતી. વળી એ ફિક્કી-ફિક્કી પણ લાગતી હતી.

ભવાનીશંકરે શીનાને વશમાં કરવાના મંત્રનો જાપ શરૂ કર્યો એ પછી શીનાએ તેની પાસે કોઈ માણસને ખતમ કરાવ્યો નહોતો. શીનાએ કોઈનું લોહી પીધું નહોતું.

'જિગર!' અત્યારે જિગરના કાને તેની પત્ની માહીનો અવાજ પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવ્યો. માહી તેની બાજુમાં આવીને બેઠી હતી.  માહીએ કહ્યું : 'હું પપ્પાને ત્યાંથી આવી ત્યારથી જોઈ રહી છું કે, તું ગૂમસૂમ-ગૂમસૂમ રહે છે. તારા ચહેરા પર પણ ચિંતા દેખાય છે. શું કંઈ તકલીફ છે?!'

'ના.' જિગર બોલ્યો.

'જિગર! જે હકીકત હોય એ મને કહે!' માહી બોલીઃ 'તું મને ન કહે તો તને મારા સોગંધ!'

'તેં મને સોગંધ કયાં આપ્યા?!' માહીને કહેતાં જિગરે કલ્પનાની આંખે તેના માથે સવાર અદૃશ્ય શક્તિ શીનાને જોઈ.

શીનાએ તેને માહીને હકીકત જણાવી દેવાનું કહ્યું.

જિગરે એક નિશ્વાસ નાખ્યો, અને માહીને પંડિત ભવાનીશંકર અને દીપંકર સ્વામીવાળી વાત જણાવી.

માહીના ચહેરા પર ચિંતાના વાદળાં ઘેરાઈ આવ્યાં : 'જિગર ! મને નથી લાગતું કે, તું શીનાને એ પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવી શકીશ. આ મંત્ર-તંત્ર અને કાળા જાદૂનો ખેલ ખૂબ જ ખતરનાક હોય છે. કયાંક એવું ન બને કે, શીનાને પંડિત ભવાનીશંકરથી બચાવવા જતાં તને કંઈ થઈ જાય!'

'જો હું મારી ચિંતા કરીશ તો પછી શીનાને નહિ બચાવી શકું.'

'તારે તારા જીવની ચિંતા તો કરવી જ પડશે ને !' માહી બોલી : 'હવે તું એકલો નથી. તારી સાથે મારું જીવન પણ સંકળાયેલું છે. તને કંઈ થઈ જશે તો ? ! તારે મારો પણ તો વિચાર કરવો જ જોઈએ ને !'

'...તારો વિચાર પણ તો કરું જ છું ને, માહી...!' જિગર બોલ્યો : 'પણ શીનાના મારી પર ઘણા અહેસાન છે. એણે જો મને મદદ કરી ન હોત અને જો હું માલદાર બન્યો ન હોત તો હું તને કયારેય પામી ન શકત.'

'હા, પણ એનો મતલબ એવો થોડો છે કે, હવે તું શીનાને કારણે મને ભૂલી જાય.' માહી બોલી ઊઠીઃ 'તારે મારા સુખ.., મારા જીવનનો વિચાર કરવો જોઈએ. તું.., તું મને પ્રેમ કરે છે કે, એ બલાને..?!'

'માહી ! શું બકે છે તું ?' જિગર ચિલ્લાઈ ઊઠયો : 'શીના એક કલ્પના છે અને તું એક હકીકત ! શીના મને મદદ કરે છે એટલે હું એના માટે લાગણી ધરાવું છું. બાકી પ્રેમ તો હું તને જ કરું છું ને...!'

'તું મને પ્રેમ કરે છે એ હું ત્યારે માનું કે, જ્યારે તું મારા માથે હાથ મૂકીને, એ સોગંધ ખાય કે, શીનાને ભવાનીશંકરના વશમાં જતી બચાવવા માટે તું કોઈ તંત્ર-મંત્રના ચક્કરમાં નહિ પડે ! તું શીનાને ભૂલી જઈશ.'

'એ...એ એ શકય નથી, માહી!'

'ભલે તો પછી !' માહી બોલી : 'તું તારા રસ્તે અને હું મારા રસ્તે.' અને આટલું કહેતાં જ માહી ઊભી થઈ ગઈ ને બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગઈ.

'માહી!' જિગરે બૂમ પાડી, પણ માહી રોકાઈ નહિ. એ ડ્રોઈંગરૂમમાં જઈને સોફા પર લાંબી થઈ ગઈ.

'જિગર!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'તારે મારા કારણે માહી સાથે આમ ઝઘડવાની જરૂર નહોતી. એવું હોય તો તું મને મદદ કરવાનું માંડી વાળ. મને ભવાનીશંકર પાસે જવા...'

'ના. એ હરગિજ નહિ બને.' જિગર બોલી ઊઠયોઃ 'તું મારી છે અને મારી રહીશ. હવે હું તારા વિનાના જીવનની કલ્પના પણ કરી શકું એમ નથી.'

'ઠીક છે.' શીના બોલીઃ 'હું મારી રીતના માહીને સમજાવી દઉં છું.' શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જિગરના માથા પરનો ભાર હળવો થઈ ગયો.

જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પરથી ચાલી ગઈ હતી.

જિગર પોતાની જગ્યા પર જ બેસી રહ્યો.

થોડી વાર થઈ, ત્યાં જ માહી બેડરૂમની અંદર આવી અને જિગરની બાજુમાં બેઠી. 'જિગર!' માહીએ કહ્યું : 'મને માફ કરી દે. હું શીના વિશે જેમ-તેમ બોલી ગઈ.' ને માહીએ જિગરનો હાથ પોતાના હાથમાં લીધોઃ 'તું જે પણ કરી રહ્યો છે, એ બરાબર છે. હું પણ એવું ઈચ્છું છું કે, શીના તારા માથા પર જ સવાર રહે. તારે શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા માટે બધું કરી છૂટવું જોઈએ.'

અને માહીની આ વાત સાંભળતાં જ જિગર ખુશ થઈ ઊઠયો. તેણે માહીને બાહુપાશમાં લઈ લીધી.

૦ ૦ ૦

બીજા દિવસે રાતના એક વાગ્યે જિગરં શાંતિનગરના સ્મશાને પહોંચ્યો. તે પુરાણા મંદિરના પાછળના ભાગમાં આવેલી ઝાડીઓ પાસે પહોંચ્યો. તેણે ઝાડીઓ ખસેડીને જોયું. નવ દિવસ પહેલાં જિગર અહીં આવ્યો હતો અને જે રીતના પંડિત ભવાનીશંકર મંત્રનો જાપ કરતો બેઠો હતો એવી જ રીતના અત્યારે પણ મંત્રનો જાપ કરતાં બેઠો હતો. એની ચારે બાજુ સફેદ રેખા-મંડળ બનેલું હતું અને એ બંધ આંખે મંત્રનો જાપ કરી રહ્યો હતો.

અત્યારે અચાનક જ ભવાનીશંકરે આંખો ખોલી અને એની નજર જિગરની નજર સાથે અથડાય એ પહેલાં જ જિગરે ઝાડીઓ છોડી દીધી અને ત્યાંથી પાછો વળી ગયો.

તે કારમાં બેઠો અને કારને ઘર તરફ હંકારી. તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર સવાર હતી અને ચુપ હતી. એ વધુ ફિક્કી પડેલી લાગતી હતી.

શીના કંઈ બોલી નહિ. જિગર પણ ચૂપ રહ્યો. પંડિત ભવાનીશંકરના જાપના છેલ્લા દિવસની રાતે, દીપંકર સ્વામી તેને ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટેની વસ્તુ સાથે ભવાનીશંકર સામે ન મોકલે ત્યાં સુધી તેણે કે શીનાએ આ વિશે કંઈ જ કહેવા-કરવા જેવું નહોતું.

૦ ૦ ૦

બાકીના છ દિવસ જિગર માટે છ-છ યુગ જેવા વિત્યા. આ છ દિવસ દરમિયાન શીના તેના માથા પર આવતી અને જતી રહી હતી. શીના દુઃખી અને બેચેન હતી. એનું શરીર સાવ ફીક્કું પડી ગયું હતું.

શીનાને વશમાં કરવા માટેના પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપનો આજે છેલ્લો દિવસ હતો.

રાતના સવા અગિયાર વાગ્યા હતા. જિગરે બાર વાગ્યા સુધીમાં દીપંકર સ્વામી પાસે પહોંચી જવાનું હતું. જિગર તૈયાર થઈ ચૂકયો હતો. તેના માથા પર સવાર શીના બેચેની સાથે આંટા મારી રહી હતી.

તો જિગરની સામે ઊભેલી તેની પત્ની માહીના ચહેરા પર પણ ચિંતા હતી. 'જિગર! સાચવીને જજે. તારા જીવનું ધ્યાન...' અને માહી આગળ બોલી શકી નહિ.

જિગરે માહીને છાતી સરસી ચાંપી. 'તું ચિંતા ન કર. મને કંઈ નહિ થાય. હું ચાર-પાંચ કલાકમાં શીનાની સાથે જ પાછો ફરીશ.' અને જિગરે માહીને અળગી કરી : 'હું નીકળું છું.' કહેતાં તે મેઈન દરવાજાની બહાર નીકળી ગયો.

પાંચમી મિનિટે તે કારમાં દીપંકર સ્વામીના ઘર તરફ આગળ વધી રહ્યો હતો. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. પૂનમનો ચંદ્ર ચળકતો હતો. અત્યારે તેના માથા પર શીના સવાર હતી. શીનાના ચહેરા પર ભય છવાયેલો હતો. 'જિગર!' શીના બોલીઃ 'આજની રાત મારા માટે ખૂબ જ ભારે છે.'

'તું ચિંતા ન કર.' જિગર બોલ્યો : 'બધું આપણી મરજીનું જ થશે. આપણે દીપંકર સ્વામીની મદદથી પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપ તોડાવીને, એને મંડળની બહાર કાઢી જ લઈશું.'

'તારી વાત સાચી પડે તો સારું !' શીના બોલી.

જિગરે કાર ડાબી તરફ વળાવી ને પછી તેણે દીપંકર સ્વામીના ઘરની બહાર કાર પહોંચાડીને રાખી, ત્યાર સુધીમાં તેની અને શીના વચ્ચે કોઈ વાત થઈ નહિ.

જિગરે જોયું તો દીપંકર સ્વામીના મકાનનો દરવાજો ખુલ્લો જ હતો. તે સહેજ ખચકાટ સાથે અંદર દાખલ થયો. અંદર કોઈ નહોતું. ત્યાં જ બાજુના રૂમના ખુલ્લા દરવાજામાંથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : 'અંદર આવી જા, જિગર !'

જિગરે એ રૂમ પાસે પહોંચીને જોયું તો રૂમની વચ્ચે દીપંકર સ્વામી ઊભા હતા. તેમની પાસે જ ઊંચું ટેબલ પડયું હતું. એ ટેબલ પર માટીની હાંડી મુકાયેલી હતી.

જિગર એ રૂમમાં દાખલ થયો એ સાથે જ જિગરના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ. તેને લાગ્યું કે, જાણે તે અસંખ્ય ભૂત-પિશાચો વચ્ચે આવી ગયો છે. જોકે, રૂમમાં એવી કોઈ વસ્તુ દેખાતી નહોતી જેનાથી જિગરના શરીરમાંથી ભયની આ કંપારી પસાર થઈ હોય. પણ તેમ છતાંય એ રૂમમાં કંઈક એવું જરૂર હતું જેણે તેના શરીરને કંપાવ્યું હતું.

દીપંકર સ્વામીએ ટેબલ પર પડેલી માટીની હાંડી ઊઠાવી. એ હાંડી પર માટીનું ઢાંકણું મુકાયેલું હતું અને ઢાંકણાની ચારે બાજુ બાંધેલા લોટની કોર લગાવીને, ઢાંકણાને હાંડી સાથે સીલ કરી દેવામાં આવ્યું હતું.

'જિગર! તારે આ હાંડી લઈને સ્મશાને ભવાનીશંકર પાસે જવાનું છે. ભવાનીશંકર સામે પહોંચતાં સુધીમાં ન તો તારે પાછું વળીને જોવાનું છે કે, ન તો કોઈની સાથે વાત કરવાની છે. ભવાનીશંકર પાસે પહોંચીને તારે એને પડકારવાનો છે. એ આંખો ખોલે અને એની નજર તારા હાથમાંની આ હાંડી પર પડે એટલે તારે આ હાંડી એની તરફ ફેંકી દેવાની છે.' દીપંકર સ્વામીએ આગળ કહ્યું : 'પણ તારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, જ્યાં સુધી ભવાનીશંકરની નજર તારા હાથમાંની આ હાંડી પર ન પડે ત્યાં સુધી તારે એને તારા હાથમાંથી છોડવાની નથી-ભવાનીશંકર તરફ ફેંકવાની નથી.'

'ભલે!' જિગરે દીપંકર સ્વામીની વાતને મગજમાં નોંધી લેતાં કહ્યું.

'આ હાંડી મંડળની અંદર-ભવાનીશંકર પાસે પડતાં જ ભવાનીશંકર મંત્ર-તંત્ર ભૂલી જશે અને મંડળની બહાર નીકળી જશે. પછી શીના તારી પાસે જ રહેશે.'

'તમારો આભાર, સ્વામીજી!'

'આભાર તો ઠીક છે, જિગર, પણ મેં તારી પાસે એક વાયદો લીધો છે.' દીપંકર સ્વામી બોલ્યાઃ 'હું તને કહું ત્યારે તારે મારું એક કામ કરી આપવાનું છે.'

'જી, સ્વામીજી !' જિગરે કહીને પૂછયું: 'આ હાંડીમાં શું છે, સ્વામીજી?'

'આમાં એક એવી શક્તિ બંધ છે, જે ભવાનીશંકરને જલાવીને રાખ કરી શકે છે.' દીપંકર સ્વામીએ કહ્યું : 'હવે તું નીકળ, મોડું થશે તો ખેલ બગડી જશે.' અને સ્વામીએ પોતાના હાથમાંની હાંડી જિગર તરફ ધરી.

જિગરે હાંડી પોતાના હાથમાં લીધી અને ધીમી ચાલે મકાનની બહાર નીકળ્યો. તે શાંતિનગરના સ્મશાન તરફ આગળ વધ્યો. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર સવાર શીનાનો ચહેરો ભયથી પીળો પડી ગયો હતો.

જિગરને થયું કે, તે શીના સાથે વાત કરે, પણ પછી તેને દીપંકર સ્વામીની સૂચના યાદ આવી. તેે ભવાનીશંકર પર હાંડી ન ફેંકે ત્યાં સુધી તેણે કોઈની સાથે વાત કરવાની નહોતી, પાછું વળીને જોવાનું નહોતું.

તેણે એ જ રીતના, હાથમાં દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે સ્મશાન તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું, ત્યારે તેના મગજમાં સવાલ સળવળી ઊઠયો, 'તે દીપંકર સ્વામીએ આપેલી આ હાંડી સાથે નીકળ્યો તો છે, પણ શું તે પંડિત ભવાનીશંકરનો જાપ તોડીને, શીનાને લઈને પાછો ફરશે?!?  કે પછી દીપંકર સ્વામીનો આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે?!?

'જોકે, આ સવાલની સાથે એક મોટો અને અગત્યનો સવાલ એ પણ હતો કે, તે દીપંકર સ્વામીએ આપેલો આ કાળો જાદૂ લઈને ભવાનીશંકરની સામે તો જતો હતો, પણ શું આ કાળો જાદૂ સફળ થશે અને તે જીવતો-જાગતો પાછો ફરશે ? કે પછી, કે પછી આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને તે મોતના મોઢામાં ધકેલાઈ જશે?'

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૨)

'શીના, એકવાર હું મરવા તૈયાર છું, પણ તારી જુદાઈ હું સહન કરી શકું એમ નથી.' જિગર જુસ્સાભેર કહેવાની સાથે, વડના ઝાડ નીચે મંત્રનો જાપ કરી રહેલા પંડિત ભવાનીશંકર તરફ આગળ વધી ગયો હતો.

તે બે પગલાં આગળ વધ્યો, ત્યાં જ અત્યારે જિગરના માથે સવાર અદૃશ્ય શક્તિ શીના બોલી ઊઠીઃ 'જિગર! પાગલપણું ન કર. ઊભો રહે. તું મંડળની અંદર ન જઈશ, નહિતર ભસ્મ થઈ જઈશ!'

જિગર પંડિત ભવાનીશંકરની ચારે બાજુ ખેંચાયેલી સફેદ રેખા-મંડળથી બે પગલાં દૂર ઊભો રહી ગયો. તે ભવાનીશંકર તરફ જોઈ રહ્યો. ભવાનીશંકર હજુય બંધ આંખે, ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો.

જિગરે ભવાનીશંકરના આ જાપમાં ખલેલ પહોંચાડવાની હતી. જો ભવાનીશંકર પળવાર માટે પણ મંત્ર જપતો રોકાઈ જાય તો ભવાનીશંકરનો શીનાને વશમાં કરવાનો એકસો એક દિવસનો જાપ તૂટી જાય. અને તો શીના સલામત થઈ જાય, એ ભવાનીશંકરના વશમાં ન જાય અને તેની પાસે જ રહે.

ટૂંકમાં જિગરે મંત્રનો જાપ કરી રહેલા ભવાનીશંકરને રોકવાનો હતો.

'ભવાનીશંકર!' જિગરે જોરથી બૂમ પાડી : 'તારા આ મંતર-વંતર બંધ કર.''

જિગરને એમ હતું કે, તેની આ બૂમથી ચોંકીને ભવાનીશંકર આંખો ખોલી નાખશે. પણ એવું બન્યું નહિ. તેની બૂમ ભવાનીશંકરના કાનના પડદા સાથે અથડાઈને પાછી ફરી હોય એમ ભવાનીશંકરના મંત્રનો જાપ ચાલુ રહ્યો.

'તું બહેરો થઈ ગયો છે કે શું, ભવાનીશંકર?!' જિગર જાણી જોઈને એવા શબ્દો બોલ્યો કે ભવાનીશંકર ગુસ્સામાં ભાન ભૂલીને, મંત્રો જપવાનું છોડી દે અને તેની સાથે જીભાજોડીમાં ઊતરી જાય.

પણ ભવાનીશંકરના કાન ઊંચા થયા નહિ. એણે એ રીતના જ મંત્રનો જાપ ચાલુ રાખ્યો.

'ભવાનીશંકર, આંખો ખોલ અને મારી સામે જો.' જિગર

ચિલ્લાયોઃ 'હું તારું મોત બનીને અહીં આવ્યો છું. જો તારામાં હિંમત હોય તો એકવાર મંડળની બહાર નીકળ, પછી જો, હું તને કેવો સબક શીખવાડું છું!'

અને આ વખતે એકદમથી ભવાનીશંકરની બંધ પાંપણો ઊંચકાઈ ગઈ. ભવાનીશંકરે જિગર સામે ઘૂરીને જોયું, પણ એના મંત્રનો જાપ તો ચાલુ જ રહ્યો !

'ભવાનીશંકર !' જિગર બોલ્યો : 'તું મારી શીનાને ભૂલી જા. તારું આ નાટક બંધ કરીને ઘરભેગો થઈ જા, નહિતર તારે પસ્તાવાનો વારો આવશે.'

ભવાનીશંકરે એ જ રીતના મંત્રનો જાપ ચાલુ રાખ્યો ને જમણા હાથને અદ્ધર કરીને એ રીતના હલાવ્યો કે, જાણે એ જિગરને અહીંથી ચાલ્યા જવાનું કહેતો હોય.

જોકે, ભવાનીશંકરના હોઠ હવે વધુ ઝડપે ફફડવા માંડયા. એવું લાગતું હતું કે, જાણે ભવાનીશંકર જિગર વિરુદ્ધ પોતાની બધી જ શક્તિ કામે લગાવી રહ્યો હતો.

જિગરને ખ્યાલ આવી ગયો. 'ભવાનીશંકર પહોંચેલી માયા હતો. તેણે ભવાનીશંકરના મંત્રના જાપમાં ખલેલ પહોંચાડવા માટે કોઈક બીજો જ રસ્તો અપનાવવો પડે એમ હતો. પણ તો હવે કરવું શું?' અને ત્યાં જ જિગરના મગજમાં એક વિચાર આવ્યો. તેણે જમીન પરથી પથ્થર ઊઠાવ્યો. તેના મગજમાંની વાત શીના પામી ગઈ હોય એમ શીનાનો ધીમો અવાજ સંભળાયોઃ 'જિગર! આવું બચપનું કરવાનું રહેવા દે!'

પણ શીનાનું આ વાકય પૂરું થાય એ પહેલાં જ જિગરે ભવાનીશંકરના કપાળનું નિશાન લઈને એ પથ્થર જોરથી ફેંકી દીધો. પળવારમાં એ પથ્થર મંડળની અંદર દાખલ થયો, પણ જિગરની નવાઈ વચ્ચે એ પથ્થર ભવાનીશંકરના કપાળથી બે-ત્રણ વેંત દૂર જ રોકાઈ ગયો અને જાણે એ મીણનો બનેલો હોય એમ પીગળી ગયો!

જિગરને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. કોઈ અજબ-ગજબની વાર્તા કે ફિલ્મમાં બને એવું કંઈક બન્યું હતું! એક પથ્થર મીણની જેમ પીગળી ગયો હતો!!

જિગરે બીજો મોટો પથ્થર ઉઠાવીને ભવાનીશંકરના કપાળ તરફ ફેંકયો. આ બીજો પથ્થર પણ મંડળની અંદર દાખલ થઈને, ભવાનીશંકરથી બે-ત્રણ વેંત દૂર હવામાં રોકાઈને પળવારમાં મીણની જેમ પીગળી ગયો.

જિગરે ધૂંધવાટભેર ભવાનીશંકર તરફ જોયું તો ભવાનીશંકરના મંત્રનો જાપ એ રીતે જ ચાલુ હતો.

'જિગર!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના જાણે ભયથી કાંપી રહી હતી. 'મેં તને કહ્યું ને કે, તું ભવાનીશંકરનો સામનો નહિ કરી શકે!' શીનાએ કહ્યું: 'ચાલ, અહીંથી ઘરે પાછો ચાલ!'

'ના, શીના! હું આમ પાછો નહિ ફરું.' અને જિગર ભવાનીશંકર તરફ આગળ વધ્યો.

'નહિ, જિગર! મૂરખામી ન કર.' શીના બોલી ઊઠીઃ 'તું મંડળની અંદર દાખલ ન થઈશ.'

પણ જોશમાં ને જોશમાં જિગરના હોશ ગુમ થઈ ગયા હતા. તે ભવાનીશંકરની ચારે બાજુ દોરાયેલી સફેદ રેખા-મંડળની નજીક પહોંચ્યો. તેણે આગળ-પાછળનું વિચારવા રોકાયા વિના જ જમણો પગ અદ્ધર કર્યો અને એ સફેદ રેખા પાર કરીને એની અંદર મૂકયો, અને આ સાથે જ જિગરને એવું લાગ્યું કે, કોઈ વજનદાર વસ્તુ તેના બન્ને ખભા પર સવાર થઈ ગઈ હતી, અને તેના ખભા પર દબાણ આપી રહી હતી. અને સાથે જ જિગરના કાનમાં એવા અવાજો આવવા માંડયા કે, જાણે એકસાથે અસંખ્ય વરૂ ચીસો પાડી રહ્યા હોય. અને આની સાથે જ જાણે તેના શરીરમાં વીજળીનો કરન્ટ દોડી રહ્યો હોય એમ એના શરીરમાં ઝણઝણાટી આવવા માંડી.

જિગરે કલ્પનાની આંખે જોયું તો થોડીક પળો પહેલાં સુધી તેના માથા પર રહેલી શીના અત્યારે નહોતી. તેણે જે પળે મંડળની અંદર પગ મૂકયો હતો, બરાબર એની આગલી પળે શીના તેના માથા પરથી ઊતરી ગઈ હતી.

જિગરે હવે સફેદ રેખાની-મંડળની અંદર રહેલો પોતાનો પગ ઉઠાવ્યો અને મંડળની બહાર ખેંચી લીધો. અને આ સાથે જ તેના ખભા પરનું દબાણ ચાલ્યું ગયું. તેના કાનમાં ગૂંજી રહેલી અસંખ્ય વરૂની ચીસો બંધ થઈ ગઈ, અને કરન્ટ લાગ્યાની ઝણઝણાટી પણ ચાલી ગઈ.

જિગરે પાછા પગલે મંડળથી બે પગલાં પાછળ હટતાં ભવાનીશંકર તરફ જોયું તો ભવાનીશંકર એ જ રીતે ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો અને જાણે હોઠના ખૂણે જીતભર્યું મલકી રહ્યો હતો.

જિગરને હવે બરાબર સમજાઈ ગયું. તેના માટે મંડળની અંદર દાખલ થઈને ભવાનીશંકરનો જાપ તોડવાનું શકય નહોતું. અને ભવાનીશંકર આ જાપના એકસો એક દિવસ પૂરા કર્યા વિના-શીનાને વશમાં કર્યા વિના મંડળની બહાર નીકળે એમ લાગતું નહોતું.

ત્યાં જ જિગરના માથે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને માથે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર પાછી આવી ગઈ હતી.

'જિગર !' શીનાએ કહ્યું : 'મેં તને પહેલાં જ કહ્યું હતું કે, તું ભવાનીશંકરથી દૂર રહે, પણ તું માન્યો નહિ. જ્યાં સુધી ભવાનીશંકર મંડળની અંદર છે, ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ એનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. ભવાનીશંકર ખૂબ જ પુરાણો અને અનુભવી પંડિત છે. એની અંદર ખૂબ જ હિંમત અને સહનશક્તિ  છે. તું એને ગમે એટલો ગુસ્સો અપાવવાનો-એનું ધ્યાનભંગ કરવાનો-જાપ તોડવાનો પ્રયત્ન કરે, પણ એ પોતાનો જાપ ચાલુ જ રાખશે.'

'હા, પણ એમ તો ભવાનીશંકર એના જાપના એકસો એક દિવસ પૂરા કરી નાખશે. તારે એના વશમાં ન જવું પડે એ માટે આપણે કંઈક તો કરવું જ પડશે ને !'

'હું એની કયાં ના પાડું છું.' શીના બોલીઃ 'પણ હું તને ખોટી ઉતાવળ અને આંધળુકિયા કરવાની ના પાડું છું. હું ઈચ્છું છું કે તું ભવાનીશંકરથી મને બચાવવા માટે જે કંઈપણ કરે એ સમજી-વિચારીને કરે. ભવાનીશંકરનો જાપ પૂરો થવાને હજુ સોળ દિવસ બાકી છે. આ દરમિયાન આપણે ભવાનીશંકરથી પીછો છોડાવવાની કોઈ તરકીબ શોધી કાઢીએ.'

'ઠીક છે.' જિગરે કહ્યું અને ભવાનીશંકર તરફ જોયું તો ભવાનીશંકરે એનો જાપ ચાલુ જ રાખતાં-હાથના ઈશારાથી તેને ચાલ્યા જવાનું કહ્યું અને પોતાની આંખો પર પાંપણનો પડદો પાડી દીધો.

જિગર ધૂંધવાટ અનુભવતો સ્મશાનની બહાર નીકળી ગયો. તે કારમાં બેઠો અને કારને ઘર તરફ હંકારી.

થોડીક મિનિટો પછી તે ઘરમાં દાખલ થયો ત્યાર સુધી તેની અને શીના વચ્ચે કોઈ વાતચીત થઈ નહિ. તે નિરાશા સાથે પલંગ પર બેઠો એટલે તેના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'જિગર, હવે તું નિરાંતે સૂઈ જા. હું જાઉં છું. હું એક-બે દિવસમાં જ ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટેનો કોઈક રસ્તો શોધી કાઢીશ.' અને આ સાથે જ જિગરનાા માથા પરનો ભાર હળવો થઈ ગયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના ચાલી ગઈ હતી.

જિગર એક નિશ્વાસ સાથે પલંગ પર લેટયો. પંડિત ભવાનીશંકરની શક્તિ જોયા પછી જિગરને ખ્યાલ આવી ગયો હતો કે, ભવાનીશંકરથી શીનાને બચાવવી એ કંઈ ખાવાના ખેલ નહોતા !

૦ ૦ ૦

જિગરની આંખ ખૂલી, ત્યારે સવારના દસ વાગ્યા હતા. ગઈકાલ રાતે જિગર 'ભવાનીશંકરનો જાપ પૂરો થઈ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે,' એ ચિંતામાં જાગતો પડયો રહ્યો હતો. છેક વહેલી સવારના સાડા ચાર વાગ્યે તેની આંખ લાગી હતી તે અત્યારે ખુલી હતી.

જિગરે પલંગ પર બેઠા થતાં કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર શીના નહોતી. તે ઊભો થયો અને બાથરૂમમાં પ્રવેશ્યો. તે તૈયાર થઈને ચા-નાસ્તો લઈને ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠો. છાપું વાંચતા-વાંચતાં તેણે ચા-નાસ્તો કર્યો, ત્યાં જ તેના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને જાણે માથે પંખીની અણીદાર ચાંચ વાગી.

જિગરે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર   શીના આવી ચૂકી હતી. શીનાના ચહેરા પર ચમક હતી. 'જિગર!' શીનાએ કહ્યું : 'મને એવું લાગે છે કે, આપણે ભવાનીશંકરનો જાપ તોડવામાં સફળ થઈ શકીશું.'

'જલદી બોલ, કેવી રીતના?' જિગર બોલી ઊઠયોઃ 'ભવાનીશંકર મંત્રનો જાપ પૂરો કરીને તને મારાથી દૂર ખેંચી જશે એ ચિંતામાં હું અધમૂઓ થઈ ગયો છું.'

'દીપંકર સ્વામી નામે એક જૂનો પંડિત છે. એ કાળા જાદૂનો નિષ્ણાત છે. મને લાગે છે કે, એની પાસે ભવાનીશંકરના તોડનો મંત્ર હોવો જ જોઈએ.' શીનાએ કહ્યું: 'જિગર! તું દીપંકર સ્વામીને જઈને મળ. જો એ તારી મદદ કરવા માટે રાજી થઈ જાય તો મને ખાતરી છે કે, એ ભવાનીશંકરના મંત્રનો જાપ તોડીને એને મંડળની બહાર કાઢી શકશે.' અને શીના રોષભર્યા અવાજે બોલીઃ 'અને એકવાર ભવાનીશંકર મંડળની બહાર આવી જશે એ પછી હું ખૂબ જ સહેલાઈથી એને ઠેકાણે પાડી દઈશ.'

'શીના!' જિગર બોલ્યો : 'શું તને વિશ્વાસ છે કે, દીપંકર સ્વામી મને મદદ કરવા માટે તૈયાર થશે. એ પેલા મલંગની જેમ મને એના ઘરમાંથી હાંકી નહિ કાઢે.'

'તું એની પાસે ચાલ તો ખરો.' શીનાએ કહ્યું.

'ભલે!' કહેતાં જિગર ઊભો થયો.

તે કારમાં બેઠો અને શીનાએ કહ્યા પ્રમાણેના સરનામા તરફ કાર દોડાવી.

થોડીક વારમાં જ તે દીપંકર સ્વામીના મકાન સામે પહોંચ્યો. દીપંકર સ્વામીનું મકાન નાનું પણ સુંદર હતું.

જિગર મકાનના દરવાજા તરફ આગળ વધ્યો, ત્યાં જ તેના માથા પરનો ભાર હળવો થઈ ગયો. તેણે કલ્પનાની આંખે જોયું, તો શીના તેના માથા પરથી ચાલી ગઈ હતી.

'શીના સાથે રહેત તો સારું હતું!' વિચારતાં જિગરે ડોરબેલ વગાડી. બીજી મિનિટે દરવાજો ખૂલ્યો અને એક ઊંચો-તગડો, ઝભ્ભો અને ધોતી પહેરેલો માણસ દેખાયો. 'મારે દીપંકર સ્વામીને મળવું છે.' જિગરે કહ્યું.

'હું જ દીપંકર સ્વામી છું.' દીપંકર સ્વામીએ પોતાના પ્રભાવશાળી અવાજમાં પૂછયું: 'બોલ, શું હતું?!'

'મારું નામ જિગર છે. મારે તમારું એક ખૂબ જ અગત્યનું કામ છે.' જિગરે કહ્યું.

'અંદર આવ!'

જિગર મકાનમાં દાખલ થયો. ડ્રોઈંગરૂમમાં સોફા પડયા હતા.

'બેસ!' કહેતાં દીપંકર સ્વામી સોફા પર બેઠા.

જિગર એમની સામેના સોફા પર બેઠો.

'બોલ !' દીપંકર સ્વામીએ કહ્યું.

'સ્વામીજી!' જિગર બોલ્યોઃ 'પહેલાં તમે મને એ વચન આપો કે, તમે મને ચોક્કસ મદદ કરશો !'

'જો હું મદદ કરી શકું એમ હોઈશ તો ચોક્કસ મદદ કરીશ.' દીપંકર સ્વામીએ કહ્યું.

જિગરે તેના માથા પર અદૃશ્ય શક્તિ શીના સવાર છે અને તે શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી રોકવા માટે પંડિત ભવાનીશંકરનો જાપ તોડાવીને એને મંડળમાંથી બહાર કાઢવા માગે છે, એ વાત છૂપી રાખી. તેણે દીપંકર સ્વમીને ફકત પંડિત ભવાનીશંકરનો જાપ તોડાવવાની અને એમને મંડળની બહાર લાવી દેવા માટેની વાત કરી.

'પણ, જિગર !' દીપંકર સ્વામીએ પૂછયું : 'તું મને એ તો કહે કે, તું ભવાનીશંકરને શા માટે મંડળની બહાર લાવવા માગે  છે ? !'

'એ ખૂબ જ મોટી કહાણી છે, સ્વામીજી !' જિગરે કહ્યું : 'તમે બસ એટલું જાણી લો કે, ભવાનીશંકર મને નુકસાન પહોંચાડવા માગે છે. જો એના મંત્રનો જાપ પૂરો થઈ જશે તો હું બરબાદ થઈ જઈશ.'

'હં...,' કહેતાં દીપંકર સ્વામીએે છત તરફ નજર નાખી અને પછી આંખો મીંચી. તેઓ થોડીક મિનિટો સુધી એવી રીતના જ બેસી રહ્યા અને પછી આંખો ખોલીને, હોઠ પર રહસ્યભરી મુસ્કુરાહટ ફરકાવતાં બોલ્યા : 'જિગર! શું તું જાણે છે, પંડિત ભવાનીશંકર એ મંડળમાં બેઠો-બેઠો શાનો જાપ જપી રહ્યો છે ?'

'હા, સ્વામીજી!' જિગર બોલ્યોઃ 'એ મારી શાંતિનો ભંગ કરવા માગે છે.'

'જુઠ્ઠું ન બોલ ! ભવાનીશંકર શીના નામની એક ખૂબ જ શક્તિશાળી અદૃશ્ય શક્તિને વશમાં કરવા માટેના મંત્રનો જાપ કરી રહ્યો છે.' દીપંકર સ્વામી બોલ્યો : 'તું શા માટે એનો આ જાપ તોડવા માગે છે એની પાછળનું સાચું કારણ કહે ! કયાંક...કયાંક એ શક્તિ શીના તારી પાસે તો નથી ને?!'

જિગરને લાગ્યું કે, જુઠ્ઠું બોલવાનો હવે કોઈ મતલબ નથી. 'હા !' તે સાચું બોલ્યો : 'એ શક્તિ મારા માથા પર આવતી-જતી રહે છે !'

'ખરેખર!' દીપંકર સ્વામીના ચહેરા પર આશ્ચર્ય આવી ગયું: 'મને તારી વાત પર ભરોસો બેસતો નથી. શીના એક એવી રહસ્યભરી અને મહાન શક્તિ છે, જેને વશમાં કરવા માટે માણસે ખૂબ જ પાપડ વણવા પડે છે. પંડિત ભવાનીશંકર આ અદૃશ્ય શક્તિને પામવા માટે જ ધૂણી ધખાવીને બેઠો છે. એવામાં હું કેવી રીતના માની લઉં કે, એ તારા જેવા સાવ સામાન્ય માણસના માથા પર આવતી-જતી રહે છે?!'

જિગર કોઈ જવાબ આપવા જાય એ પહેલાં જ તેને પોતાના માથા પર પાંખોનો ફડફડાટ સંભળાયો, અને પછી તેના માથા પર જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર આવી ચૂકી  હતી.

'લો, આ શીના આવી ગઈ!' જિગર એવું કહેવા ગયો, ત્યાં જ તેના માથા પર જોઈ રહેલા દીપંકર સ્વામી એકદમથી જ બોલી ઊઠયાઃ 'તારી વાત સાચી છે, જિગર! ખરેખર શીના તારા માથા પર આવે છે. તું તો..., તું તો ખૂબ જ નસીબદાર છે.'

જિગર મનોમન ખુશ થતો દીપંકર સ્વામી જોઈ રહ્યો.

'જિગર ! હું પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપ તોડાવીને એને મંડળની બહાર લાવી દઈશ.' દીપંકર સ્વામી બોલ્યા : 'પણ તું વાયદો કર કે, બદલામાં તું મારું એક કામ કરી આપીશ.'

'....એ કામ શું છે, સ્વામી?!'

'એ તો સમય આવશે ત્યારે હું તને જણાવીશ.'

'ઠીક છે.' જિગરે દીપંકર સ્વામીની વાત મંજૂર રાખી.

દીપંકર સ્વામીની આંખોમાં ખુશી આવી ગઈ. 'તું અહીં જ બેસ. હું જોઉં છું કે, ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટે હું શું કરી શકું એમ છું.' કહેતાં દીપંકર સ્વામી બાજુના રૂમમાં ચાલ્યા ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

જિગરના માથા પરનો ભાર એકદમથી જ હળવો થઈ ગયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના ચાલી ગઈ હતી.

જિગર જે રૂમમાં દીપંકર સ્વામી ગયા હતા, એ રૂમના બંધ દરવાજા તરફ જોઈ રહ્યો- મનોમન વિચારી રહ્યો, 'દીપંકર સ્વામી શું પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવાનો અને એને મંડળમાંથી બહાર ખેંચી લાવવાનો કોઈ તોડ લઈને બહાર આવશે ખરા?!'

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

 (પ્રકરણ ઃ ૧૧)

જિગર તેના માથા પર સવાર બલા-અદૃશ્ય શક્તિ શીનાને પંંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા તૈયાર થયો, એટલે શીના બોલી ઊઠી કે, ''જિગર! એમાં તારા જીવનું જોખમ છે. તું મોતના મોઢામાં પણ ધકેલાઈ શકે. બોલ, હવે તું મને મદદ કરવા માટે તૈયાર છે?!?'

શીનાની આ વાત સાંભળીને જિગર સહેજ ડર્યો-ડગ્યો. પણ અત્યારે હવે તેણે હિંમતભેર કહી નાંખ્યુંઃ 'શીના, હું તને ભવાનીશંકરથી બચાવવા માટે મારા જીવનું જોખમ લેવા તૈયાર છું.' અને જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ટેન્શનભર્યા ચહેરા પર રાહત આવી ગઈ. 'મને હતું જ કે, તું મારે ખાતર તારો જીવ જોખમમાં મૂકતાં નહિ ખચકાય !' અને શીનાના હોઠ પર હળવી મુસ્કુરાહટ આવી ઃ 'જિગર ! એકવાર તું મને ભવાનીશંકરથી બચાવીશ તો પછી હું તારી દાસી બનીને રહીશ. હું તને જરાય પરેશાન નહિ કરું અને તારો પડયો બોલ ઝીલીશ.'

'સરસ!' જિગર ખુશ થઈ ઊઠયોઃ 'હવે તું મને એ કહે, મારે તને ભવાનીશંકરથી બચાવવા માટે શું કરવાનું છે?'

'મારે ભવાનીશંકરનું મંડળ કેવી રીતના તોડવું? એની જાળમાં મારી જાતને ફસાતી બચાવવા માટે શું કરવું ? એ મારે જોવા-વિચારવાનું છે. મને આનો કોઈ તોડ મળશે એટલે હું તને કહીશ.' શીના બોલી ઃ 'ચાલ, અત્યારે હું જાઉં છું.'

'ઠીક છે !' જિગરે કહ્યું અને તેણે આંખો ખોલી એ સાથે જ જિગરને તેના માથા પરનો ભાર ઓછો થઈ ગયેલો લાગ્યો. તે સમજી ગયો. શીના ચાલી ગઈ હતી.

જિગર પલંગ પર લેટયો, ત્યાં જ રસોડામાંથી પરવારીને તેની પત્ની માહી અંદર આવી. માહી તેની બાજુમાં બેઠી.

જિગરે શીના અને પંડિત ભવાનીશંકરના વિચારોને તગેડી મૂકયા અને માહી સાથે પ્રેમભરી વાતોએ વળગ્યો.

૦ ૦ ૦

રાતના અગિયાર વાગ્યા હતા. જિગર ટી. વી. સામે ફિલ્મ જોતો બેઠો હતો. અત્યારે તે ઘરમાં એકલો હતો. ચાર દિવસ પહેલાં માહી દિલ્હી, એના પિતા દેવરાજશેઠને ઘરે ગઈ હતી.

જિગરને એક બગાસું આવ્યું. તેણે ટી.વી. બંધ કર્યું અને સોફા પરથી ઊભો થઈને બેડરૃમ તરફ આગળ વધ્યો, ત્યાં જ અચાનક તેને એ વાતનો ખ્યાલ આવ્યો કે, પાછલા બે દિવસથી શીના તેના માથા પર આવી નહોતી. લગભગ પંદરેક દિવસ પહેલાં શીનાએ તેને પંડિત ભવાનીશંકરના એને વશમાં કરવાના જાપવાળી વાત કરી અને એમાં તે શીનાને મદદ કરવા તૈયાર થયો એ પછી શીના તેના માથા પર જતી-આવતી રહી હતી અને ત્યારે તેેણે બે-ત્રણવાર ભવાનીશંકરનો જાપ તોડાવવા-પીછો છોડાવવા માટેની વાત પણ યાદ કરી હતી. ત્યારે શીનાએ તેને કહ્યું હતું કે, ''હું સમય આવશે ત્યારે તને કહીશ કે, તારે શું કરવાનું છે!'' પણ હમણાં બે દિવસથી તો શીના તેના માથા પર પાછી ફરી જ નહોતી.

જિગર પલંગ પર બેઠો. તેના મનમાં ચિંતા જાગી. પંદર દિવસ પહેલાં શીના એવું કહેતી હતી કે, 'એને વશમાં કરવા માટેના પંડિત ભવાનીશંકરના જાપને સિત્તેર દિવસ થયા છે, અને હજુ એકત્રીસ દિવસ બાકી છે.

'શીના સાથે આ વાત થયાને પંદર દિવસ થયા અને હજુ સોળ દિવસ બાકી હતા. પણ પાછલા બે દિવસથી શીના દેખાઈ નહોતી-તેના માથા પર પાછી ફરી નહોતી. તો કયાંક...કયાંક એવું તો નહિ બન્યું હોય ને કે, શીનાએ પંડિત ભવાનીશંકરના જાપના દિવસ ગણવામાં ભૂલ કરી હોય. એ દિવસે ભવાનીશંકરે જાપ શરૃ કર્યાને સિત્તેર દિવસ ન થયા હોય, પણ વધારે દિવસ થયા હોય. પંદર દિવસ પહેલાં શીના એકત્રીસ દિવસ બાકી હોવાનું કહેતી હતી, પણ બે દિવસ પહેલાં જ ભવાનીશંકરના એ જાપના પૂરા એકસો એક દિવસ પૂરા થઈ ગયા હોય અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી ગઈ હોય...!' અને આ વિચાર સાથે જ જિગર બેચેન થઈ ઊઠયો. તે રૃમમાં આંટા મારવા માંડયો, ત્યાં જ તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને તેના માથા પર જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું.

જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર આવી ચૂકી હતી. 'શીના!' જિગર બોલી ઊઠયો ઃ 'બે દિવસથી તું કયાં હતી?! હું ટેન્શનમાં પડી ગયો હતો કે કયાંક તું ભવાનીશંકરના વશમાં તો ચાલી...!'

'...હું એ કામ માટે જ ગઈ હતી.' શીના બોલી ઃ 'હું ભવાનીશંકરનો સામનો કરી શકે એવા શક્તિશાળી માણસની શોધમાં ગઈ હતી. મને એવો એક માણસ જોવા મળ્યો છે.'

'કોણ છે, એ...?!' જિગરે અધીરા અવાજે પૂછયું.

'...એ એક મલંગ છે.' શીના બોલી ઃ 'એ ઝૂંપડપટ્ટીમાં રહે છે. મને એવું લાગે છે કે, એ મલંગ મને ભવાનીશંકરના વશમાં જતી બચાવી શકશે. તું એ મલંગને જઈને મળ અને એને મારી વાત કર. મને ભવાનીશંકરથી બચાવવા માટેની એને વિનંતિ કર.'

'હું તૈયાર છું.' જિગર બોલી ઊઠયો ઃ 'બોલ, મારે એને કયારે મળવા જવાનું છે ?'

'અત્યારે જ !' શીના બોલી ઃ 'અત્યારે એ પોતાની ઝૂંપડીમાં જ બેઠો છે.'

'ભલે!' કહેતાં જિગર મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો. કારમાં પહોંચીને તેણે શીનાના કહેવા પ્રમાણે કાર આગળ વધારી.

થોડીવારમાં જ જિગરે શીનાના કહેવા પ્રમાણેની ઝૂંપડપટ્ટીના છેવાડેની ઝૂંપડી પાસે કાર પહોંચાડીને ઊભી રાખી. જિગરે જોયું, તો રાતના બાર વાગ્યાના આ સમયે આસપાસમાં એકદમ સન્નાટો છવાયેલો હતો.

'આ સામેની છેલ્લી ઝૂંપડી જ મલંગની છે.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો.

જિગર એ ઝૂંપડી તરફ આગળ વધી ગયો. ઝૂંપડીની બહાર અંધારું હતું, પણ ઝૂંપડીની અંદર બલ્બ બળતો હતો. ઝૂંપડીનો દરવાજો ખુલ્લો જ હતો.

જિગરે ઝૂંપડીના ખુલ્લા દરવાજા પાસે પહોંચીને અંદર નજર નાખી. સામે એક પચાસ-પંચાવન વરસનો માણસ એક મેલા-ફાટેલા કામળા પર પલાંઠી મારીને બેઠો હતો. એ માણસના વાળ લાંબા અને વિખરાયેલા હતા. એ માણસ પગથી માથા સુધી મેલો-ઘેલો હતો અને એણે ફાટેલો-થીગડાંવાળો ઝભ્ભો પહેર્યો હતો. એની આંખો મોટી-મોટી અને લાલઘૂમ હતી. એ ચલમ પી રહ્યો હતો.

એની સામે ત્રણ માણસો બેઠા હતા. એમાંથી એક માણસ હાથ જોડીને મલંગને પોતાની પરેશાની જણાવી રહ્યો હતો.

જિગર સહેજ અચકાતો-ખચકાતો એ ત્રણેય માણસોની પાછળ બેસી ગયો.

લગભગ કલાક પછી, વારાફરતી એ ત્રણેય માણસો પોતપોતાની પરેશાની જણાવીને, એના અજબ-ગજબ તોડ મેળવીને ત્યાંથી રવાના થયા. એટલે હવે પહેલીવાર મલંગે જિગર સામે જોયું. મલંગે પોતાની આંખો જિગરના ચહેરા પર જમાવતાં તોછડા અવાજમાં કહ્યું ઃ 'ચલ, આ જા સામને, અબ તેરા નંબર હૈ !'

જિગર સહેજ ખસકીને મલંગની બરાબર સામે બેઠો. 'મલંગબાબા !' જિગરે હળવેકથી કહ્યું ઃ 'હું અહીં એક ખૂબ જ જરૃરી કામ માટે આવ્યો છું.'

મલંગ હસવા માંડયો.

જિગર મૂંઝવણ સાથે મલંગને જોઈ રહ્યો. તેણે હસવું આવે એવી કોઈ વાત કયાં કરી હતી?!

મલંગ અચાનક જ હસતાં અટકી ગયો અને સીધું જ જિગરની આંખોમાં જોતાં બોલ્યો ઃ 'મછલી ફાંસને કી બંસી મેં અગર કૈંચુએ ન હો તો બડા શિકાર નહીં મારા જા શકતા ! ચલ, કાલી કલકત્તેવાલી-મેરા મંત્ર ન જાય ખાલી ! અલખનિરંજન!'

જિગર મલંગ સામે મૂંઝવણભેર જોઈ રહ્યો.

'અંધેરી રાત કે મુસાફિર!' મલંગે કહ્યું ઃ 'આસમાનમેં તારે ટિમટિમા રહે હૈં!'

જિગરને સમજાયું નહિ કે, આ મલંગ આખરે શું કહેવા માંગે છે. તેણે ફરી હિંમત ભેગી કરી અને વિનંતિભર્યા સૂરે કહ્યુંઃ 'મલંગબાબા! શું તમે મારી મદદ નહિ કરો?!'

'સમંદર સૂખ જાએ તો મછલિયાં વૃક્ષ પર ચઢને કી બજાય તડપ-તડપ કર મર જાતી હૈં !' મલંગ બોલ્યો.

જિગર મલંગની આવી વિચિત્ર વાતોથી ધૂંધવાયો, પણ છતાંય શીના માટે તેણે મલંગ સાથે શાંતિથી વાત કરીઃ 'મલંગબાબા! શું તમે મને મદદ નહિ કરો?!'

મલંગ ખડખડાટ હસી પડયો. પછી અચાનક હસતો રોકાઈ ગયો અને એના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. એણે પોતાની લાલ-લાલ આંખો આખાય રૃમમાં ફેરવી. જાણે હવામાં જિગરને ન દેખાતી-અદૃશ્ય વસ્તુઓને એ ખૂબ જ સારી રીતના જોઈ શકતો હોય એમ એણે પોતાની આંખોને રૃમમાં ફેરવી, પછી એણે જિગરના ચહેરા પર નજર જમાવી અને બોલ્યોઃ 'કાલે-કાલે બાદલ ઘિર આયેં તો સૂરજ કી ધૂપ ભી મધમ પડ જાતી હૈ! કયા સમજે બચ્ચે ? અલખનિરંજન!'

હવે જિગરની ધીરજ ખૂટી ગઈ. એક તો મલંગની ચલમના ધુમાડાની વાસ અને ઉપરથી મલંગની આ બકવાસ જિગર સહન કરી શકયો નહિ. તે ઊભો થઈ ગયો અને મલંગ તરફ ધૃણાભરી નજરે જોતાં બોલ્યોઃ 'મેં તમારા વિશે જે કંઈ વિચાર્યું હતું, એ બધું જ મને બિલકુલ ખોટું લાગે છે. મને તો લાગે છે કે, તમે કોઈ લેભાગુ તાંત્રિક-વાંત્રિકથી વધારે કંઈ જ નથી.'

'લેભાગુ તાંત્રિક-વાંત્રિક! જૂતોં કા હાર! સાલે, ભાગ આંધી આ રહી હૈ!' અને મલંગે ગુસ્સાથી આંખો ફાડતાં 'ચલ, ભાગ...!'ની એવી જોરદાર ત્રાડ પાડી કે, જિગર ત્યાંથી બહાર નીકળી ગયો. એ  ઝડપભેર કારમાં બેઠો અને કાર આગળ વધારી દીધી.

જિગરેે થોડેક આગળ કાર પહોંચાડીને ઊભી રાખી. તેણે કલ્પનાની આંખે જોયું. શીના નિરાશ જણાતી હતી.

'શીના !' જિગરે કહ્યું ઃ 'આ તેં મને કેવા બકવાસ માણસ સામે બેસાડી દીધો.'

'જિગર !' શીના નિરાશાભર્યા અવાજે બોલી ઃ 'મલંગે જે કંઈ કહ્યું એમાં અર્થ છુપાયેલો છે, પણ હું એનો અર્થ સમજી શકું એમ નથી.'

'...એવું પણ હોય ને શીના કે, મલંગ આપણી મદદ કરવા ન માગતો હોય અને આપણને આ રીતના ભગાવી દેવા માટે એણે આપણી સામે આવી ધડ-માથા વિનાની વાતો કરી હોય.' જિગર બોલ્યો ઃ 'છોડ એને, બોલ, હવે આગળ આપણે શું કરીશું?!'

'હવે મારે પંડિત ભવાનીશંકરનો સામનો કરી શકે એવા બીજા કોઈ સાધુ-પંડિતને શોધવો પડશે.'

'એના કરતાં...,' જિગર બોલ્યો ઃ '...હું જ ભવાનીશંકરને મળી લઉં તો?!'

'ના.' શીના બોલી ઊઠી ઃ 'આ તારું કામ નથી.'

'માણસ જો પૂરા તન-મનથી પ્રયત્ન કરે તો બધું જ કરી શકે છે.' જિગર બોલ્યો ઃ 'તું મને એ કહે, અત્યારે ભવાનીશંકર છે કયાં ? હું એની સાથે વાત કરી લઈશ.'

'તું સમજે છે, એટલું આ સહેલું નથી, જિગર !'

'તું મને ભવાનીશંકર કયાં છે, એ કહે !' જિગર જિદ્ે ચઢયો. તે કોઈપણ રીતના શીનાની મદદ કરવા માગતો હતો. એને પોતાની પાસેથી નીકળીને ભવાનીશંકર પાસે પહોંચી જતી રોકવા માગતો હતો.

'ઠીક છે !' શીનાએ કહ્યું ઃ 'અત્યારે પંડિત ભવાનીશંકર શાંતિનગરના સ્મશાનઘાટમાં બેઠો-બેઠો મને વશમાં કરવાના મંત્રનો જાપ કરી રહ્યો છે.'

'હં !' જિગર બોલ્યો ઃ 'અત્યારે હું સીધો પંડિત ભવાનીશંકર પાસે જ પહોંચું છું.' અને જિગરે શાંતિનગરના સ્મશાન તરફ કાર આગળ વધારી.

જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ચહેરા પર ચિંતા હતી.

જિગરે ઊંડો શ્વાસ લીધો. તેને પોતાના જ વર્તનથી આશ્ચર્ય થતું હતું. એક સમયે તે દિવસે પણ સ્મશાનઘાટ પાસેથી નીકળવાનું ટાળતો હતો, ત્યારે આજે અડધી રાતના તે હિંમતભેર સ્મશાન તરફ આગળ વધી રહ્યો હતો. જોકે, આ હિંમત તેનામાં શીનાને કારણે આવી હતી. તે શીનાને ગુમાવવા માગતો નહોતો. શીના તેની પાસેથી છીનવાઈ જાય અને ભવાનીશંકરની દાસી બની જાય એવું તે હરગીજ-હરગીજ ઈચ્છતો નહોતો. તે શીનાને બચાવવા માટે બધું જ કરી છૂટવા માગતો હતો.

જોકે, તેને એ વાતનું ભાન હતું કે, શીના જેવી શક્તિશાળી બલા પણ પંડિત ભવાનીશંકરની શક્તિ સામે સાવ ઢીલી પડી ગઈ હતી, એ ડરી-ગભરાઈ ગઈ હતી તો તેના જેવા સામાન્ય માણસનું તો ભવાનીશંકર સામે શું ગજું ? ! ? તેને ખબર હતી કે, તેના માટે આ કામ ખૂબ જ જોખમી હતું, પણ તેની પર જાણે પાગલપણું સવાર હતું. શીના તેની પાસેથી હંમેશ માટે ચાલી જશે એ વાતની તે કલ્પના પણ કરી શકે એમ નહોતો.

'જિગર !' શીનાએ કહ્યું ઃ 'મારી વાત માન. કારને ઘર તરફ વાળી લે. તારું સ્મશાન પર જવાનું જોખમી છે. તું પંડિત ભવાનીશંકરના મંડળમાં દાખલ થઈ શકે એમ નથી. અને જ્યાં સુધી ભવાનીશંકર મંડળમાં છે ત્યાં સુધી એને કોઈ શક્તિ નુકસાન પહોંચાડી શકે એમ નથી.'

'...પણ મને પ્રયત્ન તો કરવા દે.' જિગરે કહ્યું અને કલ્પનાની આંખે જોયું તો શીના તેને પ્રેમભરી નજરે જોઈ રહી હતી. પછી શીના ઊભી થઈ અને તેના માથા પર આમથી તેમ થવા માંડી. જેમ-જેમ તેની કાર સ્મશાન નજીક પહોંચતી જતી હતી તેમ-તેમ શીનાની બેચેની વધતી જતી હતી.

જિગરે શાંતિનગરના સ્મશાન પાસે કાર પહોંચાડીને ઊભી રાખી, એટલે શીનાએ ફરી તેને પાછો વાળવાનો પ્રયત્ન કર્યો ઃ 'જિગર ! તું નાહકના મારે ખાતર તારો જીવ જોખમમાં મૂકી રહ્યો છે. એકવાર તું ભવાનીશંકર સામે જઈશ ને જો તું એનો જાપ તોડવામાં સફળ નહિ થઈ શકે અને જો ભવાનીશંકર જાપ પૂરો કરી નાખશે તો તું બરબાદ થઈ જઈશ. તારી ઉપર એવી મુસીબતો આવી શકે છે, જેની તું કલ્પના પણ ન કરી શકે.'

'મારું જે થવાનું હશે એ થશે, પણ હવે હું કોઈ હાલતે તારી જુદાઈ સહન કરી શકું એમ નથી.' અને આટલું કહેતાં જ જિગર કારનો દરવાજો ખોલીનેે બહાર નીકળ્યો અને સ્મશાન તરફ આગળ વધી ગયો.

'જિગર ! તું હજુ પણ...' પણ શીનાનું વાકય પૂરું થાય એ પહેલાં જ જિગર સ્મશાનમાં દાખલ થઈ ગયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ચહેરા પર ભય આવી ગયો હતો.

જિગરે સ્મશાનમાં નજર ફેરવી. 'શીના ! અહીં તો કોઈ દેખાતું નથી !'

'જિગર, હજુ સમય છે, તું પાછો....'

'હવે હું પાછો નહિ ફરું.' જિગર બોલ્યો ઃ 'તું મને એકવાર પંડિત ભવાનીશંકર પાસે પહોંચાડી દે, પછી હું એને મંડળની બહાર કાઢવા માટે કોઈને કોઈ રસ્તો કાઢી જ લઈશ.'

શીના થોડીક પળો ચુપ રહી, પછી બોલી ઃ 'સામે જે જૂનું મંદિર દેખાય છે, એની પાછળ ગીચ ઝાડીઓ છે, અને આ ઝાડીઓમાં જ છુપાઈને ભવાનીશંકર જાપ જપી રહ્યો છે.'

જિગર એ તરફ આગળ વધી ગયો. તે મંદિરના પાછળના ભાગમાં પહોંચ્યો. પાછળ ખૂબ જ ગીચ ઝાડીઓ ફેલાયેલી હતી.

જિગરે ઝાડીઓ હટાવીને જોયું. ઝાડીઓની વચમાં-એક જૂના વડના ઝાડ નીચે પંડિત ભવાનીશંકર પલાંઠી વાળીને બેઠો હતો. એ બંધ આંખે પોતાના જાપમાં મસ્ત હતો. એણે શરીર પર ફકત એક લંગોટ પહેરી રાખી હતી. એના માથાના વાળ વધારે પડતા વધેલા હતા. એનું શરીર તગડું હતું. એણે પોતાના આખાય શરીર પર ભભૂત-રાખ લગાવી હતી અને એ બેઠો હતો એની ચારે બાજુ એક સફેદ રેખા બનેલી હતી.

જિગર સમજી ગયો, ભવાનીશંકરની ચારેબાજુ ખેંચાયેલી આ સફેદ રેખા-આ સફેદ કૂંડાળું જ એનું મંડળ હતું !

જિગરે કલ્પનાની આંખે તેના માથા પર સવાર શીનાને જોઈ તો તે બેચેન થઈ ઊઠયો. શીનાના ચહેરો ભયથી સફેદ થઈ ગયો હતો. એ ગભરાટથી ફાટેલી આંખે ભવાનીશંકર તરફ જોઈ રહી હતી.

'શીના !' જિગરે ધીમા અવાજે પૂછયું  ઃ 'આ  પંડિત ભવાનીશંકર જ છે ને  ? !'

'હા !' શીનાએ ખૂબ જ ધીમા અવાજે જવાબ  આપ્યો અને પછી એ ગભરાટભર્યા અવાજે બોલી ઃ 'જિગર ! તું પાછો ફરી જા. ભવાનીશંકર  સામે તારું કોઈ ગજું નહિ. ઉપરથી તારો જીવ....'

'...શીના !' જિગરે  શીનાની વાત કાપતાં જુસ્સાભેર કહ્યું  ઃ 'એકવાર હું મરવા તૈયાર છું,  પણ તારી જુદાઈ હું સહન કરી શકું એમ નથી  !' અને જિગર જોશ અને જુસ્સાભેર પંડિત ભવાનીશંકર તરફ આગળ વધ્યો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧૦)

''..મને કહે, તું કોની સાથે વાત કરી રહ્યો હતો, જિગર ?! તું ન કહે તો તને મારા સોગંધ!'' જિગરને તેની દુલ્હન માહીએ કહ્યું, એટલે તે શું કહેવું એની ગડમથલમાં પડયો. 'તે જો માહીને કહે કે, તે એક બલા સાથે-એક અદૃશ્ય શક્તિ સાથે વાત કરી રહ્યો હતો અને શીના નામની એ બલા પાછલા ત્રણ-ચાર મહિનાથી તેના માથા પર સવાર છે, તો ચોકકસ માહી ડરી જાય અને આ સુહાગરાતે જ તેને અહીં પડતો મૂકીને ભાગી છૂટે. તેમના છેડાછેડીનો આ દિવસ તેમના છૂટાછેડાનો દિવસ બની જાય.'

'જિગર! તેં મારા સવાલનો જવાબ આપ્યો નહિ ?' માહીનો અવાજ કાને પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવ્યો, ત્યાં જ તેના માથેથી બલાનો-અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયોઃ 'જિગર! તું મારા વિશે માહીથી છુપાવવાનું રહેવા દે. હું તારી સાથે રહું છું, એમ માહી પણ હવે તારી સાથે જ રહેશે. આજે નહિ તો કાલે એને મારા વિશે કહ્યા વિના છૂટકો નહિ રહે, તો પછી આજે જ તું એને મારા વિશે જણાવી દે.'

જિગરને શીનાની વાત બરાબર લાગી.

'હું જાઉં છું. તું માહી સાથે વાત કરી લે.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જિગરના માથા પરનું વજન હળવું થઈ ગયું. જિગરે ઊંડો શ્વાસ લીધો : 'માહી !' તેણે માહીના ખભે હાથ મૂકયો : 'હું..,' અને તેણેે ગળું ખંખેર્યું : '...હું એક બલા સાથે વાત કરી રહ્યો હતો !'

'તું...તું બલા સાથે વાત કરી રહ્યો હતો?!' ભય ને આશ્ચર્યના ભેળસેળિયા ભાવ સાથે માહીની આંખો ફાટી.

'હા..,' જિગર બોલ્યોઃ '...અને એ બલા મારા માથા ઊપર સવાર રહે છે!'

'હેં...!' માહીની નજર જિગરના માથા તરફ ઊંચકાઈ ગઈ.

'એ બલા.., એ અદૃશ્ય શક્તિ તને નહિ દેખાય!' જિગર બોલ્યો : 'એ અદૃશ્ય શક્તિ ફકત મને જ દેખાય છે અને એનો અવાજ હું જ સાંભળી શકું છું.'

અને આ સાંભળતાં જ માહી પલંગ પર બેસી પડી. તેના..., તેના પતિના માથે કોઈ બલા સવાર હતી, અને...અને આ ભયાનક હકીકતની ખબર તેને અત્યારે સુહાગરાતે પડી રહી હતી?!?

'માહી !' જિગર માહીની બાજુમાં બેસી ગયો : 'તું ગભરા નહિ. શીના નામની આ બલા ભયાનક નથી અને બૂરી પણ નથી. એ મને હેરાન-પરેશાન નથી કરતી. મને કોઈ રીતના દુઃખી નથી કરતી અને મને કોઈ નુકસાન નથી પહોંચાડતી. આ બલા તો મને મદદ કરે છે. આ બલાને કારણે જ તો આપણાં લગ્ન થઈ શકયા છે. આ બલાએ મને મદદ કરી એટલે હું આટલો માલદાર થયો.' અને જિગરે અદૃશ્ય શક્તિ શીનાએ તેને જુગાર જેવા કામો કરાવીનેે ટૂંક સમયમાં આટલો માલદાર બનવામાં મદદ કરી છે, તેમ જ આના બદલામાં આ બલા તેની પાસે મહિને એક માણસને ખતમ કરાવે છે અને બલા માણસનું લોહી પીએ છે, એ વાત માહીને કહેવાનું ટાળીને  કહ્યું : 'હું માલદાર બન્યો એટલે તારા પિતા દેવરાજશેઠ મારી સાથે તારા લગ્ન કરવા માટે તૈયાર થયા.'

માહી જિગર સામે જોઈ રહી. જિગરની વાત સાવ ખોટી તો નહોતી જ. એેના પપ્પા જિગર સાથે લગ્ન કરવા માટે સામેથી રાજી થયા હતા એની પાછળનું કારણ જિગર પૈસાદાર બન્યો હતો એ પણ હતું.

'જિગર!' માહી જિગરના માથા પર જોઈ રહેતાં ફફડતાં અવાજે બોલીઃ 'તારા માથા પરની બલા તને કોઈ નુકસાન નહિ પહોંચાડે ને?!'

'ના.' જિગર બોલ્યો : 'એ પાછલા ત્રણેક મહિનાથી મારા માથા પર સવાર છે, પણ એણે અત્યાર સુધી મને  કોઈ નુકસાન પહોંચાડયું નથી. એણે મને ફાયદો જ કરાવ્યો છે. આગળ પણ એ મને ફાયદો કરાવતી રહેશે. હવે આપણે બન્ને ખૂબ જ ખુશી-મજામાં જિંદગી વિતાવી શકીશું.' અને જિગરે માહીને પોતાના બાહુપાશમાં લીધી.

પણ માહીના મનમાં હજુ પણ ભય ભમતો હતો, 'જિગરના માથા પર જે બલા સવાર હતી એ જિગરને મદદ કરતી હતી એ વાત સાચી, પણ બલાનો શું ભરોસો?! શી ખબર એ કયારે જિગરને ભરખી જાય?!'

૦ ૦ ૦

આજે જિગરના લગ્ન થયાને દસ દિવસ થયા હતા. જિગર ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠો-બેઠો છાપું વાંચી રહ્યો હતો, જ્યારે માહી રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી.

સુહાગરાતે ''તેના પતિ જિગરના માથે શીના નામની બલા સવાર છે !'' એ સાંભળીને ગભરાઈ ઊઠેલી માહીને શીના તરફથી કોઈ જાતની તકલીફ-પરેશાની દેખાઈ નહોતી એટલે આ દસ દિવસમાં માહીના મનનો શીના પ્રત્યેનો ભય બિલકુલ ઓછો થઈ ગયો હતો.

'લે ચાલ, નાસ્તો કરી લે.' કહેતાં માહીએ ચા-નાસ્તાની ટ્રે ટેબલ પર મૂકી એટલે જિગરે છાપું બાજુ પર મૂકયું.

માહી જિગરની સામેની ખુરશી પર બેઠી, ત્યાં જ બાજુમાં પડેલા માહીના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. માહીએ સ્ક્રીન પરનોે નંબર જોયો. 'પપ્પાનો ફોન છે !' કહેતાં માહીએ મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાને ધર્યો : 'હેલ્લો પપ્પા ! કેમ છો, પપ્પા...!'

જિગર બટર સેન્ડવીચ ખાતાં માહી તરફ જોઈ રહ્યો.

પોતાના પિતા દેવરાજશેઠ સાથે વાત કરી રહેલી માહીના ચહેરા પરની હળવાશ એકદમથી દૂર થઈ ગઈ અને ટેન્શનના વાદળાં ધસી આવ્યાં. 'હં ! હા ! એમ ? ઓહ...!' જેવા શબ્દો પછી માહીએ છેલ્લે 'તમે ચિંતા ન કરો, પપ્પા...! ભગવાન બધું જ સારું કરશે.' કહેતાં મોબાઈલ કટ કર્યો.

'શું થયું?!' જિગરે પૂછયું:

'પપ્પાના માથે એક બીજી મુસીબત આવી પડી છે.' માહી રડમસ અવાજે બોલીઃ 'બન્યું એમ છે કે, પપ્પાએ અહીં મુંબઈમાં એક મોટું ટેન્ડર ભર્યું હતું. એ ટેન્ડરને પાસ કરાવવા માટે પપ્પાએ સત્યજીત નામના વચેટિયા માણસને ખાસ્સા એવા રૂપિયા આપ્યા હતા. પણ સત્યજીતે પપ્પા સાથે ગદ્દારી કરી છે. સત્યજીત પપ્પાના દુશ્મન વૈભવશેઠ સાથે મળી ગયો છે, એટલે હવે જો પપ્પાનું ટેન્ડર પાસ ન થાય તો પપ્પાને લાખ્ખો રૂપિયાનું નુકસાન જાય એમ છે.'

'આ તો ખરેખર ખોટું થયું.' જિગર બોલ્યો, ત્યાં જ તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિનો અવાજ તેને સંભળાયો : 'જિગર ! માહીને કહે કે, એ ચિંતા ન કરે. એના પિતાનું ટેન્ડર પાસ થઈ જશે.'

'ઠીક છે !' શીનાને જવાબ આપીને જિગરે તેની તરફ ચિંતાભર્યા ચહેરે જોઈ રહેલી માહીને કહ્યું : 'માહી ! શીનાનું કહેવું છે કે, પિતાજીનું ટેન્ડર પાસ જઈ જશે. તું ચિંતા ન કર.'

'એટલે...એટલે તારા માથા પર સવાર થયેલી બલાનું કહેવું....'

'હા..,' જિગર માહીની વાત કાપતાં બોલ્યો : '...શીનાનું આવું કહેવું છે અને મેં જોયું છે, શીના જે કહે છે, એવું થાય જ છે.'

માહી જિગર સામે તાકી રહી. એ મનોમન વિચારી રહી. 'જિગરના માથા પર સવાર બલા તે વળી તેના પપ્પાનું લાખ્ખો રૂપિયાનું ટેન્ડર પાસ કરાવવામાં કેવી રીતે મદદ કરી શકશે?!'

૦ ૦ ૦

રાતના બે વાગ્યા હતા. અત્યારે જિગર તેના સસરા દેવરાજશેઠ સાથે ગદ્દારી કરનાર સત્યજીતના ઘરની બહાર ઊભો હતો. તે તેના માથે સવાર અદૃશ્ય શક્તિ શીનાના  કહેવા પ્રમાણે ઘરેથી નીકળીને અહીં સુધી પહોંચ્યો હતો.

'જિગર!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'દરવાજો ખટખટાવ અને સત્યજીત દરવાજો ખોલે કે તુરત એની પર ત્રાટકીને એનું ગળું ભીંસી દેજે.'

જિગરે શીનાની વાતનો અમલ કર્યો. તેણે દરવાજા પર ટકોરા માર્યા. દસમી પળે અંદરથી પગલાંનો અવાજ સંભળાયો. જિગરે છાતીમાં એક ઊંડો શ્વાસ ભર્યો, ત્યાં જ દરવાજો ખુલ્યો. અંદર ઊભેલા સત્યજીતની આંખોમાં જિગરને જોઈને સવાલ આવ્યો અને એ કંઈ પૂછે એ પહેલાં જ જિગર એની પર ત્રાટકયો. તેણે સત્યજીતની ગરદન દબોચીને ભીંસવા માંડી. સત્યજીત જિગરના હાથમાંથી ગરદન છોડાવવાનો પ્રયત્ન કરતાં પાછળ હટયો એમાં એના પગ અટવાયા અને એ જમીન પર પટકાયો. જિગર પણ એની સાથે જમીન પર પડયો અને પળવાર માટે જિગરના હાથની સત્યજીતની ગરદન પરની પકડ છૂટી ગઈ, પણ પછી તુરત જિગરે પાછી સત્યજીતની ગરદન પકડી અને જોશભેર ભીંસવા માંડી.

સત્યજીતે જિગરના હાથમાંથી પોતાની ગરદન છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ એનો એ પ્રયત્ન વધુ ચાલ્યો નહિ. થોડીક વારમાં જ એનો શ્વાસ રૃંધાઈ ગયો.

જિગરે સત્યજીતની ગરદન પરથી હાથ હટાવી લીધા. તે ઊભો થયો, ત્યાં જ તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : 'જિગર! સામે ટિપૉય પર પડેલો સત્યજીતનો મોબાઈલ લે, એમાં સેવ થયેલો વૈભવશેઠનો નંબર લગાવ અને તું સત્યજીત હોય એમ વાત કરીને વૈભવશેઠને તાત્કાલિક અહીં આવી પહોંવાનું કહે.'

જિગરે ટિપૉય પરથી મોબાઈલ ઊઠાવ્યો. એમાં રહેલો વૈભવશેઠનો મોબાઈલ નંબર લગાવ્યો. થોડીક પળોમાં સામેથી વૈભવશેઠનો અવાજ આવ્યો : 'હા, બોલ સત્યજીત ! અડધી રાતના કેમ ફોન કર્યો?!'

'તમારું એક ખાસ કામ પડયું છે!' જિગર ધીમા અવાજે બોલ્યોઃ 'તમે તાત્કાલિક મારા ઘરે આવી જાવ.' અને આ સાથે જ તેણે મોબાઈલ કટ કરી દીધો.

'તારું કામ પતી ગયું.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયોઃ 'હવે તું ઘરે પહોંચીને નિરાંતે સૂઈ જા. હું પછી આવું છું.' અને આ સાથે જ જિગરના માથા પરનો ભાર હળવો થઈ ગયો.

જિગર સમજી ગયો. શીના તેના માથા પરથી ઊતરી ગઈ હતી. જિગર ઝડપભેર સત્યજીતના મકાનની બહાર નીકળ્યો. થોડેક દૂર ઊભી રાખેલી પોતાની કારમાં બેઠો અને કાર ઘર તરફ દોડાવી મૂકી.

૦ ૦ ૦

બીજા દિવસે સવારના સાડા સાત વાગ્યે જિગર તૈયાર થઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યો અને ડાઈનિંગ ટેબલ પાસે પહોંચ્યો, ત્યારે માહી છાપું વાંચતી બેઠી હતી.

જિગરને જોતાં જ માહી બોલી ઊઠીઃ 'જિગર! પપ્પાનો ફોન હતો. જો, જેણે મારા પપ્પાના રૂપિયા પચાવી પાડયા અને મારા પપ્પાના દુશ્મન વૈભવશેઠ સાથે મળી ગયો, એ વચેટિયા માણસ સત્યજીતનું ખૂન થયાના સમાચાર આમાં છપાયા છે.'

'લાવ,' જિગર ખુરશી પર બેઠો : 'મને બતાવ!'

માહીએ છાપું જિગરને આપ્યું અને કંઈક વિચારતી રસોડા તરફ આગળ વધી ગઈ.

જિગરે છાપામાં નજર ફેરવી. તે ગઈકાલ રાતના જે વચેટિયા માણસ સત્યજીતને ખતમ કરી આવ્યો હતો એના ખૂનના સમાચાર ફોટા સાથે છપાયેલા હતા. સત્યજીતના ખૂની તરીકે, દેવરાજશેઠના દુશ્મન વૈભવશેઠને પકડી લેવામાં આવ્યા હતા.

વૈભવશેઠેે પોલીસ સામે એવી કબૂલાત કરી હતી કે, 'તેમની અને સત્યજીત વચ્ચે રૂપિયાને લઈને ઝઘડો થયો હતો અને એમાં એેમનો પિત્તો ગયો હતો અને એેમણે સત્યજીતનું ખૂન કરી નાખ્યું હતું.'

જિગરે રાહત અનુભવી. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર સવાર શીના મીઠું મલકી રહી હતી. 'શીના, કહેવું પડે તારું ! તેં એક તીરથી બે નિશાન માર્યા. તંે દેવરાજશેઠ સાથે ગદ્દારી કરનાર સત્યજીતને તો મોતને ઘાટ ઉતરાવ્યો જ, પણ સાથોસાથ દેવરાજશેઠના દુશ્મન વૈભવશેઠને સત્યજીતના ખૂની બનાવીને હંમેશ માટે એમને દેવરાજશેઠના રસ્તામાંથી હટાવી દીધા.'

'આ જ તો મારી કમાલ છે.' શીના ગર્વભેર બોલી, ત્યાં જ રસોડા પાસેથી માહીના પગલાંનો અવાજ સંભળાયો, એટલે જિગરે ચહેરો અદ્ધર કરીને જોયું. રસોડામાંથી ચા-નાસ્તાની ટ્રે સાથે આવેલી માહીએે ટ્રે   ટેબલ પર મૂકી.  'જિગર !' માહી સામેની ખુરશી પર બેસતાં  બોલી : 'શું તારા માથા પર સવાર થયેલી બલાએ તો એ સત્યજીતને મારી....'

'ના-ના !' જિગર બોલી ઊઠયો : 'એ કોઈને કોઈ તકલીફ-કોઈ જાતનું નુકસાન નથી પહોંચાડતી તો એ વળી કોઈને મારી કેવી રીતના શકે ? !' અને જિગરે ટ્રેમાંથી ચાનો કપ લીધો : 'તારા પપ્પા સાથે ગદ્દારી કરનાર સત્યજીતે  શી ખબર બીજા પણ આવા કેટલા ખોટા કામો કર્યા હશે જેનો એને બદલો મળી ગયોે. પણ છોડ, એની વાતને તું ભૂલી જા.' અને જિગરે માહીને કૉલેજના જમાનાની વાતોએ ચઢાવી દીધી.

૦ ૦ ૦

અદૃશ્ય શક્તિ શીનાની મદદથી જિગરે સત્યજીતને ખતમ કર્યાની વાતને આજે બે મહિના વીતી ચૂકયા હતા.

રાતના દસ વાગ્યા હતા. માહી રસોડામાંથી પાછી ફરે એની વાટ જોઈને જિગર બેડરૂમમાં બેઠો હતો, ત્યાં જ તેના માથેથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયોઃ '...ચાલ જિગર! હું જાઉં છું.'

'ઠીક છે.' જવાબ આપતાં જિગરે કલ્પનાની આંખે જોયું તો તેને શીનાનો ચહેરો ફિક્કો લાગ્યો અને એની આંખોમાં પણ જાણે ટેન્શન વર્તાયું: 'શીના!' તેણે કહ્યું: 'તું આજે ફીક્કી-ફીક્કી અને કમજોર કેમ લાગે છે?! તું કોઈ ટેન્શનમાં હોય એવું કેમ લાગે છે ?!'

'તારી વાત સાચી છે.' માહી  બોલી : 'હું એક મોટા ટેન્શનમાં છું.'

'...એ ટેન્શન શું છે, એ તું મને કહી શકીશ?!'

'હા, સાંભળ!' માહી બોલીઃ 'દુનિયાભરની શયતાની શક્તિઓ ભેગી મળીને પણ મારું કંઈ જ બગાડી શકે એમ નથી. પણ એક શક્તિ એવી છે, જેની સામે હું એકદમ જ વિવશ-લાચાર અને કમજોર બની જાઉં છું.'

'...એ વળી શું છે?' જિગરે અધીરા અવાજે પૂછયું.

'...એ એક મંત્ર છે, જેનો જાપ કરીને મને વશમાં કરી શકાય છે.'

'હં...!' જિગર શીનાની વાત સાંભળી રહ્યો.

'આપણે પેલા સત્યજીતને ખતમ કરવા ગયા ત્યારે ભવાનીશંકર નામના એક પંડિતે મને વશમાં કરવા માટે એ મંત્રનો જાપ શરૂ કરી દીધો. હું ચૂકી ગઈ. જો મને સમયસર ખબર પડી ગઈ હોત તો હું પંડિત ભવાનીશંકર જાપ કરવા બેસે એ પહેલાં જ એને ઠેકાણે પાડી દેત.'

'તો હવે ? !' જિગરના અવાજમાં ચિંતા આવી ગઈ.

'હવે પંડિત ભવાનીશંકર મંડળની અંદર છે અને મંડળની અંદર મારી શક્તિ પંડિત ભવાનીશંકરનું કંઈ જ બગાડી શકે એમ નથી.' શીનાએ કહ્યું : 'પણ હા, પંડિત ભવાનીશંકર જો કોઈ ભૂલ કરે, એનું ધ્યાન ચૂક થાય તો એનું મંડળ તૂટી શકે.'

'...તો આટલા દિવસમાં  ભવાનીશંકરે કોઈ ભૂલ નથી કરી ?' જિગરે પૂછયું.

'હા, ભવાનીશંકરે કોઈ ભૂલ નથી કરી.' શીનાએ એક નિસાસો નાખતાં કહ્યું : 'આ જાપ એકસો એક દિવસનો હોય છે. ભવાનીશંકરે આ જાપ શરૂ કર્યાને સિત્તેર દિવસ થયા.'

'એટલે એકત્રીસ દિવસ બાકી રહ્યા, એમને !' જિગરે કહીને    પૂછયું : 'જો ભવાનીશંકર એકસો એક દિવસ પૂરા કરવામાં સફળ થઈ જાય તો...? !'

'...તો હું ભવાનીશંકરની દાસી બની જઈશ.' શીનાએ દુઃખી અવાજે કહ્યું : 'ભવાનીશંકર જે કહેશે, એ મારે કરવું પડશે. હું...હું તારી પાસેથી પણ હંમેશ માટે ચાલી જઈશ !'

'શું ? !' જિગરના મોઢેથી શબ્દ સરી પડયો. શીના તેના માથા પર સવાર થઈ, ત્યારે શરૂઆતમાં તે દુઃખી થઈ ઊઠયો હતો. શીનાએ લોહી પીવા માટે તેની પાસે માણસોને ખતમ કરાવવાનું શરૂ કર્યું ત્યારે તેે બેચેન થઈ ઊઠયો હતો. ત્યારે તેને એમ થતું હતું કે, શીના તેને હંમેશ માટે છોડીને ચાલી જાય. પણ હવે વાત જુદી હતી. હવે શીના તેને છોડીને ચાલી જશે એ વાતથી જ તે પરેશાન થઈ ઊઠયો હતો. હવે તેને શીનાની આદત પડી ગઈ હતી. હવે તે શીના વિના જીવવાની કલ્પના પણ કરી શકે એમ નહોતો. જો શીના તેને છોડીને ચાલી જાય તો શીનાએ તેને અપાવેેલી આ માલ-મિલકત, એશો-આરામ બધું જ ચાલ્યું જાય.

ના...! તેણે આવું ન થવા દેવું જોઈએ. તેણે શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી રોકવા માટે બધું જ....બધું જ કરી છૂટવું જોઈએ.

'જિગર !' શીનાનો અવાજ કાને પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવ્યો : 'જો તું મને મદદ કરે તો હું પંડિત ભવાનીશંકરથી બચી શકું.'

'હું મદદ કરવા તૈયાર છું.' જિગર બોલ્યો.

'હા, પણ એમાં તારા જીવનું જોખમ છે !  તું મોતના મોઢામાં પણ ધકેલાઈ શકે.' અને શીનાનો સવાલ સંભળાયો : 'બોલ, જિગર  ! હવે તું મને મદદ કરવા માટે તૈયાર છે ? !'

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૯)

જિગરે  ''હું તને એક ખૂની તરીકે ઓળખું છું ! એ ખૂબસૂરત યુવતીના ખૂની તરીકે, જેની લાશ હજુ પણ મુંબઈ-પૂના હાઈવે પરની એ જગ્યા પર પડી છે, જેે જગ્યા પર તું એને થોડીક વાર પહેલાં જ છોડીને આવ્યો  છે !'' એ અજાણ્યા માણસે કહ્યું, એટલે જિગરને લાગ્યું કે, તે હમણાં  બેહોશ થઈને જમીન પર ઢળી પડશે. અને એટલે તેણે દરવાજાનો ટેકો લીધો.

'મને પહેલાં તો થયું કે, હું સીધો જ પોલીસ ચોકીએ પહોંચી જાઉં અને પોલીસ સામે તારું કારસ્તાન બયાન કરી દઉં. પણ પછી મને થયું કે, એ પહેલાં મારે તારી સાથે વાત કરવી જોઈએ.'

જિગર એ માણસને તાકી રહ્યો. 'અણધારી આવી ચઢેલી આ આફતનો હિંમતભેર સામનો કરવો પડશે.' વિચારતાં જિગરે એક ઊંડો શ્વાસ લીધો. 'અંદર આવીને વાત કર.' કહેતાં જિગર બાજુ પર હટયો.

અજાણ્યો માણસ પોતાના જાડા-ભદ્દા હોઠને મરકાવતો અંદર દાખલ થયો.

જિગરે દરવાજો બંધ કર્યો અને અંદરની તરફ ફર્યો.

અજાણ્યો માણસ સોફા પર બેઠો.

જિગર એ માણસને જોતો સોફા તરફ આગળ વધ્યો. એ માણસ કાળો-જાડો અને ઠીંગણો હતો. એના ગોળ ચહેરા પરના વાળ નાના અને ઘુઘરાળા હતા. એણે કાળું પેન્ટ અને પીળું ટી-શર્ટ પહેર્યું હતું. ટી-શર્ટ પર 'જીવો અને મરવા દો !' પ્રિન્ટ થયેલું હતું. એ માણસ દેખાવ અને વેશ-પહેરવેશ પરથી શયતાનનો સાથી લાગતો હતો.

જિગર એની સામે સોફા પર બેઠો, ત્યાં જ જિગરના માથા પરથી જાણે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને એ સાથે જ તેના માથા પર અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. બીજી જ પળે તેનું માથું ભારે થઈ ગયું. તે સમજી ગયો. અદૃશ્ય શક્તિ શીના આવી ગઈ હતી. 'જો, શીના ! તારે કારણે અત્યારે હું કેવી મોટી મુસીબતમાં મુકાઈ ગયો છું.' જિગરના મનમાં શબ્દો ગૂંજી ઊઠયા, પણ તે બોલ્યો નહિ. 'શીના સાથે પછી વાત,

પહેલાં આ આફતના પડીકા સાથે વાત કરી લઉં.'  વિચારતાં જિગરે અજાણ્યા માણસને પૂછયું :  'તો એ વખતે તું ત્યાં શું કરતો હતો ? !'

'હું અડધી રાતના હાઈવે પર જોગિંગ કરવા નીકળ્યો હતો.' એ માણસ હસ્યો અને પછી એકદમથી ગંભીર થઈ ગયો : 'હું ત્યાં શું કરતો હતો, એનાથી તને કોઈ ફરક પડતો નથી. તને ફરક એ વાતથી પડે છે કે, ત્યાં હું તને એક યુવતીનું ખૂન કરતાં જોઈ ગયો છું.'

જિગર એ માણસને તાકી રહ્યો. એ માણસ મનમાં શું મુરાદ લઈને આવ્યો હતો ? એ સાંભળી રહ્યો.

'દોસ્ત!' એ માણસ હોઠના ખૂણે મલકતાં બોલ્યો : 'હવે તારે એ નકકી કરવાનું છે કે, હું પોલીસ ચોકીએ જાઉં કે ન જાઉં !'

'એમાં નકકી શું કરવાનું ? ! હું તો..., હું તો તને પોલીસ ચોકીએ જવાની ના જ પાડીશ ને !'

'...તો નહિ જાઉં !' એ માણસ હસ્યો : 'પણ બદલામાં તારે મને ખુશ કરવો પડશે, મને રોકડા પાંચ લાખ રૂપિયા આપવા પડશે !'

'પાં...ચ લાખ રૂપિયા !' જિગર બોલી ઊઠયો : 'તારું મગજ ફરી ગયું છે કે, શું ? ! આટલા રૂપિયા મારી પાસે કયાંથી હોય?!'

'તને, તારી કારને તેમજ તારા આ ફલેટને જોતાં સમજાઈ જાય છે, કે તું લખપતિ છે. પણ તેમ છતાંય તારી પાસે કેટલા રૂપિયા છે ? ! એ વાતની તને જ વધારે ખબર હોવાની.' અને આટલું કહેતાં જ એ માણસ ઊભો થયો : 'ચાલ ત્યારે, જાઉં છું.'

'કયાં...? !'

'...પોલીસ ચોકીએ !' એ માણસ ગંભીરતા સાથે બોલ્યો : 'તું મને પાંચ લાખ રૂપિયા આપી શકે એમ નથી, એટલે મારે પોલીસ ચોકીએ ગયા વિના છૂટકો નથી. મને એમ કે, તું પાંચ લાખ રૂપિયા આપી દેતો હોય તો તારો અપરાધ છુપાવવાનું પાપ કરી નાખું. પણ હવે મને લાગે છે કે, પોલીસને તારા ગુનાની ખબર આપીને મારે થોડુંક પુણ્ય કમાઈ લેવું જોઈએ.'

'તું..., તું...!' જિગર ધુંધવાઈ ઊઠયો : 'શું તું તારી જાતને

 હોંશિયાર સમજે છે ? !'

'હા, અને તારી જાતને ડફોળ !' એ માણસ જરાય ગુસ્સે થયા વિના એટલા જ ઠંડા કલેજે બોલ્યો : 'તારી જગ્યાએ જો હું હોત ને, તો મારી જાતને ફાંસીના ફંદા પર લટકી જતી બચાવવા માટે મેં ચુપચાપ રૂપિયા ગણી આપ્યા હોત.'

'પણ.., પણ...,' જાણે જિગરે હથિયાર હેઠા   મૂકયા : '...અત્યારે મારી પાસે એટલા રૂપિયા પણ હોવા જોઈએ ને ?'

'....તો અત્યારે કેટલા રૂપિયા છે, તારી પાસે ? !'

'એક લાખ રૂપિયા !'

'નો પ્રોબ્લેમ !' એ માણસ બોલ્યો : 'અત્યારે મને એટલા રૂપિયા આપી દે. બાકીના ચાર લાખ રૂપિયા તારે કાલે કયાં પહોંચાડવાના છે ? ! એ હું તને મોબાઈલ પર કહી દઈશ.'

જિગરે એક નિશ્વાસ નાંખ્યો. તે બરાબરનો ફસાયો  હતો. તેણે આ બ્લેકમેઈલરની વાત માન્યા વિના છૂટકો નહોતો. તે બેડરૂમમાં ગયો, તેણે કબાટમાંથી હજાર-હજારની નોટોનું એક લાખ રૂપિયાનું બંડલ કાઢયું અને પાછો ડ્રોઈંગરૂમમાં એ માણસ પાસે આવ્યો.

જિગરે એ માણસના હાથમાં બંડલ આપ્યું.

'મને તારી પર વિશ્વાસ છે, એટલે હું રૂપિયા ગણતો નથી.' અને એ માણસ હસી પડયો.

જિગરને થયું કે, તે એ માણસનો ટોટો પીસી નાંખે. પણ તેણે પરાણે પોતાની જાતને કાબૂમાં રાખી.

'તારો મોબાઈલ નંબર બોલ.' એ માણસે કહ્યું.

જિગર મોબાઈલ નંબર બોલ્યો.

એ માણસે મગજમાં નંબર નોંધી લઈને કહ્યું : 'નિરાંતે ઊંઘી જજે. હું કાલે બપોરે બાર વાગ્યે ફોન કરીશ.'

'ના ! બાર વાગ્યે નહિ..,' જિગર બોલી ઊઠયો : '..બાર વાગ્યે મારા હાથમાં રૂપિયા નહિ આવે. એક તો વાગશે જ.'

'ઠીક છે, તો હું બરાબર એક વાગ્યે મોબાઈલ કરીશ.' અને આટલું કહેતાં જ એ માણસ મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો. એ માણસે દરવાજો ખોલ્યો અને ગુડનાઈટ કહીને બહાર નીકળી ગયો.

જિગર દરવાજા પાસે પહોંચ્યો અને તેણે બહાર નજર નાંખી. એ માણસે જીતભર્યું મુશકુરાતાં જિગર તરફ 'આવજો'માં હાથ હલાવ્યો અને લિફટમાં દાખલ થઈ ગયો.

જિગરે ધૂંધવાટ સાથે દરવાજો બંધ કર્યો. તે સોફા પર બેઠો અને તેણે કલ્પનાની આંખે જોયું તો અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર નિરાંતે બેઠી હતી.

'શીના !' તે ધૂંધવાટભેર બોલ્યો : 'તેં જોયું ને, તારા કારણે હું કેવી મુસીબતમાં મુકાઈ ગયો. મને એ યુવતીનું ખૂન કરતાં જોઈ ગયેલો એ માણસ મને બ્લેકમેઈલ કરી ગયો-મારી પાસેથી એક લાખ રૂપિયા પડાવી ગયો!'

'એમાં આટલો રોષે શું કામ ભરાય છે. તું એ લાખ રૂપિયા કમાવવા માટે કંઈ કાળી મજૂરી કરવા થોડો ગયો હતો?!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો, 'મેં જ તને એ રૂપિયા કમાવી આપ્યા હતા ને ? !'

'મને.., મને રૂપિયાની ચિંતા નથી, શીના !' જિગર ચિંતાભર્યા અવાજે બોલ્યો : 'મને એ વાતનો ડર છે કે, કયાંક એ માણસ પોલીસમાં ખબર આપીને મને ફાંસીના ફંદા પર ન લટકાવડાવી દે.'

'એમ કંઈ હું તને થોડો મરી જવા દઈશ.'  જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને આ સાથે જ તેના માથા પરથી પાંખોનો ફડફડાટ સંભળાયો અને તેનું ભારે થઈ ગયેલું માથું હળવું થઈ ગયું. 'શું શીના ચાલી ગઈ ?' વિચારતાં જિગરે કહ્યું: 'શીના !'

શીનાનો જવાબ સંભળાયો નહિ. 'તો શીના ચાલી ગઈ.' જિગરે એક બળબળતો નિસાસો નાંખ્યો. તે સોફા પર જ લેટયો અને આંખો મિંચી. પણ તેને ખબર હતી. તે નિરાંતે ઊંઘી શકે એમ નહોતો. તેણે કરેલા એ યુવતીના ખૂનની વાત તેમજ એ બ્લેકમેઈલરે લીધેલી તેની મુલાકાત તેને નિરાંતે ઊંઘમાં સરવા દેવાની નહોતી.

૦ ૦ ૦

વહેલી સવારે ચારેક વાગ્યે જિગરને ઊંઘ આવી હતી, એટલે જિગરની આંખ ખૂલી ત્યારે સવારના દસ વાગવા આવ્યા હતા. તેનું માથું દુઃખતું હતું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર અદૃશ્ય શક્તિ શીના  નહોતી. રાતના તેના માથા પરથી ઉતાવળે ચાલી ગયેલી શીના પાછી આવી નહોતી.

તે ઊભો થયો અને બાથરૂમમાં ઘૂસ્યો.

તેણે પેલા બ્લેકમેઈલરને આપવા માટે બેન્કમાંથી ચાર લાખ રૂપિયા કઢાવવાના હતા. દોઢ વાગ્યે બ્લેકમેઈલરનો મોબાઈલ આવે એ પહેલાં તેણે આ કામ પતાવવાનું હતું. તે તૈયાર થઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યો, ત્યાં જ તેને થયું કે તેણે છાપું જોવું જોઈએ. કદાચ એમાં પેલી યુવતીના ખૂનના સમાચાર છપાયા હોય.

તેણે મેઈન દરવાજો ખોલીને બહારથી છાપું લીધું અને પાછો આવીને સોફા પર બેસતાં છાપામાં ઝડપભેર નજર ફેરવી.

છાપામાં એવા કોઈ સમાચાર છપાયા નહોતા. આનો મતલબ એ કે, હજુ સુધી એ યુવતીની લાશ કોઈની નજરે ચઢી નહિ હોય.

અને તેણે છાપું બાજુ પર મૂકયું, ત્યાં જ તેને થયું કે તેણે ટી. વી.ના ન્યૂઝમાં જોવું જોઈએ.

અને તેણે ટી. વી. ચાલુ કર્યું. તેણે રિમોટનું બટન દબાવીને ન્યૂઝ ચેનલ પડદા પર લીધી. પડદા પર ટ્રેન અકસ્માતના સમાચાર ચાલતા હતા. તે ચેનલ ફેરવવા ગયો, ત્યાં જ તેની નજર પડદાની નીચેના ભાગમાં સરતી સમાચારની પટ્ટી પર પડી.

'મુંબઈ-પૂના હાઈવે પરથી મળી આવેલી બે લાશ !'

અને જિગર સોફાની કિનાર પર આવ્યો, ત્યાં જ ટીવીના પડદા પરથી ટ્રેનના અકસ્માતના સમાચાર દૂર થયા અને મુંબઈ પૂના હાઈવે  દેખાવા માંડયું.

જિગર એકીટશે ટીવીના પડદા તરફ જોઈ રહ્યો.

'આજે વહેલી સવારે અહીંથી એક યુવાન અને એક યુવતીની લાશ મળી આવી છે.' ચેનલના રિપોર્ટરે કહેવા માંડયું: 'વહેલી સવારના એક ટ્રકવાળાએ ટ્રક રોકી અને ટૉઇલેેટ માટે ઝાડીઓમાં ગયો તો તેને આ બે લાશ જોવા મળી હતી. ટ્રકવાળાએ પોલીસને ખબર કરી હતી અને અત્યારે પોલીસ અહીં આવી પહોંચી છે અને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.'

અને આ સાથે જ રિપોર્ટર ઝાડીઓ તરફ વળ્યો અને અંદરની તરફ આગળ વધ્યો. કેમેરા પણ તેની પાછળ-પાછળ ચાલવા માંડયો.

બીજી જ મિનિટે જિગરે ગઈકાલ રાતના તેણે જે જગ્યા પર પેલી યુવતીની લાશ મુકી હતી એ જગ્યા દેખાઈ. ત્યાં પોલીસ ટોળે વળેલી હતી.

કેમેરામેને સહેજ આઘાપાછા થઈને એ ટોળા વચ્ચે કેમેરાના લૅન્સને ડોકિયું કરાવ્યું, એ સાથે જ ટી. વી.ના પડદા પર પેલી યુવતીની લાશ પડેલી દેખાઈ. એ યુવતીની ગરદનમાં બે હોલ પડેલા હતા અને એના શરીરનું લોહી જાણે કોઈ ચૂસી ગયું હોય એમ એનું શરીર એકદમ જ ફીકકું પડી ગયું હતું.

જિગર સમજી ગયો, તે એ યુવતીને ખતમ કરીને આવ્યો એ પછી શીનાએ એ યુવતીનું બધું લોહી ચૂસી લીધું હતું.

'....પોલીસ મૂંઝવણમાં છે.' ટી. વી.ના પડદા પરથી યુવતીની લાશ દૂર થઈ અને રિપોર્ટર દેખાયો : 'બન્ને લાશની ગરદન પર હોલ થયેલા છે અને એમાંથી લોહી બહાર વહી ગયું હોય એવું લાગે છે, પણ આશ્ચર્યની વાત એ છે કે, બન્ને લાશની આસપાસ લોહીનું એક ટીપું પણ નથી.' અને આ સાથે જ ટીવીના પડદા પરથી રિપોર્ટર દૂર થયો ને યુવતીની બાજુમાં પડેલા માણસની લાશ દેખાઈ.

અને એ માણસનો ચહેરો જોતાં જ જિગર સોફા પરથી ઊભો થઈ ગયો.

-એ માણસ એ જ હતો જે તેની પાસે ગઈકાલ રાતના, તેણે કરેલા આ યુવતીના ખૂન બદલ તેને બ્લેકમેઈલ કરવા આવ્યો હતો !

એ માણસની ગરદન પર પણ બે હોલ પડેલા હતા. એ માણસનું લોહી પણ કોઈએ ચૂસી લીધું હોય એમ એનું શરીર એકદમ જ ફીકકું પડી ગયેલું હતું.

'તેની પાસે આજે બપોરના બાકીના ચાર લાખ રૂપિયા લેવા માટે મોબાઈલ કરવાનું કહીને ગયેલા આ માણસને શું શીનાએ મારી નાંખ્યો હશે ? ! એેની ગરદન પરના બે હોલ જોતાં તો એવું જ લાગે છે કે શીનાએ જ એ માણસનું લોહી પીધું છે !' જિગરના મગજમાંથી આ વિચાર પસાર થયો, ત્યાં જ તેને તેના માથા પરથી જાણે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો ને પછી તેના માથે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું અને બીજી જ પળે તેનું માથું ભારે થઈ ગયું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર અદૃશ્ય શક્તિ શીના સવાર થઈ ચુકી હતી અને એ મરક-મરક હસી રહી હતી.

'જોયું ને, જિગર!' શીના બોલીઃ 'તને બ્લેકમેઈલ કરવા આવેલો એ બદમાશ મોતના મોઢામાં  ચાલ્યો ગયો. હવે એ કદી તારી પાસે રૂપિયા માંગવા નહિ આવે.'

'...તોે..,' જિગરે પૂછયું : '...તેં એ માણસને મારી નાંખ્યો?!'

'મેં તારા જેવા એક માણસ પાસે એને ખતમ કરાવ્યો.'

'...એટલે..,' જિગરે પૂછયું : 'તું મારી પાસે કરાવે છે એમ બીજા માણસો પાસે પણ નિર્દોષ માણસોના ખૂન કરાવે છે ?'

'....એ માણસ નિર્દોષ નહોતો.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'તેં જે યુવતીને ખતમ કરીને, એ યુવતીનો સાથી જ હતો, એ બદમાશ ! એ બદમાશના કહેવાથી એ યુવતી હાઈવે પર કારમાં લિફટ લેતી હતી અને પછી તારા જેવા યુવાનોને પોતાની રૂપજાળમાં લપેટીને ઝાડીઓમાં લઈ જતી હતી. અને એ જ પળે એ બદમાશ આવીને એ યુવાનને ડરાવતો-ધમકાવતો હતો અને બ્લેકમેઈલ કરતો હતો.

'તેં એ બદમાશની નજર સામે જ એની સાથી યુવતીને ખતમ કરી, ત્યારે જો એ બદમાશ ધારત તો પોતાની સાથી યુવતીને તારા હાથમાંથી બચાવવા માટે ઝાડીઓ પાછળથી બહાર ધસી આવ્યો હોત અને તારી સાથે બાથડી પડયો હોત. પણ એણે એમ કર્યું નહિ. એણે તને યુવતીને ખતમ કરવા દીધો અને પછી તને બ્લેકમેઈલ કરવા માટે તારા ઘર સુધી આવ્યો. અને તું શું માનતો હતો ? આજે બપોરે તારી પાસેથી બાકીના ચાર લાખ રૂપિયા લીધા પછી એ તારો પીછો છોડી દેત ? !' શીના બોલી : 'ના, એ તારો પીછો છોડવાનો નહોતો. તું જીવે ત્યાં સુધી એ તને બ્લેકમેઈલ કરતો રહીને, તારી પાસેથી રૂપિયા ઓકાવતો રહીને બાકીની આખી જિંદગી મોજ-મસ્તીથી જીવવવા માંગતો હતો. પણ મેં તને પરેશાનીમાંથી બચાવવા માટે એની જિંદગી જ ટૂંકાવી નાંખી.' અને શીનાનો હસવાનો અવાજ સંભળાયો : 'જિગર ! હવે તું બધું ભૂલી જા, અને ચાર દિવસ પછીના તારા લગ્નજીવનના સપના, સૉરી પણ  દિવસ છે, એટલે દિવાસ્વપ્ન જોવામાં પડી જા.'

જિગર ફીકકું હસ્યો. શીનાએ એ બ્લેકમેઈલરથી તેનો પીછો છોડાવ્યો હતો, એની તેણે રાહત અનુભવી.

૦ ૦ ૦

રાતના બાર વાગ્યા હતા. જિગરના લગ્ન થઈ ચૂકયા હતા. માહીના પિતા દેવરાજશેઠની સાથે જ બાકીના મહેમાનો પણ ચાલ્યા ગયા હતા. અત્યારે આખા ફલેટમાં એક જિગર અને બીજું એની દુલ્હન માહી એમ બે જ જણાં હતા.

માહી અત્યારે પલંગ પર લાલ રંગની, સોનેરી ભરતવાળી સાડીમાં-ચહેરા આગળ ઘૂંઘટ તાણીને બેઠી હતી.

જિગર બેડરુમનો દરવાજો બંધ કરીને માહી તરફ આગળ વધ્યો, ત્યાં જ તેને અદૃશ્ય શક્તિ શીનાનું ધ્યાન આવ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર મસ્તીભર્યું મલકતી બેઠી હતી.

'શીના !' જિગરે કહ્યું : 'અત્યારે હવે તું જા અહીંથી!'

'ના!' શીના હસતાં બોલીઃ 'હું નહિ જાઉં !'

'કહું છું, તું જા !'

'હું નહિ જાઉં, નહિ જાઉં, નહિ જાઉં !'

'પ્લીઝ! જા ને...!' જિગર બોલ્યો, અને આ વખતે પલંગ પર બેઠેલી માહીએ એકદમથી જ પોતાના ચહેરા પરનો ઘૂંઘટ  ઊઠાવી લીધો અને રૂમમાં એક ઝડપી નજર ફેરવીને જિગર સામે જોતાં પૂછયું : 'જિગર તું.., તું કોની સાથે વાત કરી રહ્યો છે ? ! !'

'ક...ક...કોઈની સાથે નહિ!' જિગરે થોથવાતાં જવાબ આપ્યો.

'મેં સાંભળ્યું ને કે, તું  કોઈને અહીંથી ચાલ્યા જવાનું કહેતો હતો !' માહીએ ફરી રૂમમાં નજર ફેરવતાં કહ્યુંું : 'મને કહે, તું કોની સાથે વાત કરી રહ્યો હતો, જિગર?! જો તું ન કહે તો તને મારા સોગંધ!!!'

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૮)

જિગરે દરવાજો ખોલ્યો ને સામે ઊભેલી વ્યકિતને જોતાં તે ચોંકી ઊઠયો હતો. 'તે.., તે જે જોઈ રહ્યો હતો એ શું હકીકત હતી?! શું આ શક્ય હતું?!' 

અને આવા વિચાર સાથે જિગર એ વ્યક્તિને જોઈ રહ્યો.

-એ વ્યક્તિ એ બીજું કોઈ નહિ, પણ માહીના પિતા દેવરાજશેઠ હતા !

'જિગર !'  દેવરાજશેઠે કહ્યું : 'મને અંદર આવવાનું નહિ કહે ? !'

'હેં, હા ! આવો ને !' જિગરે કહ્યું અને બાજુ પર હટયો.

જિગર માહીને જીવજાનથી ચાહતો હતો, પણ તે ગરીબ હતો એ કારણે આ દેવરાજશેઠે તેને એક ખતરનાક  ગુંડા પાસે મારી નાંખવાની ધમકી અપાવીને તેને માહીથી દૂર કર્યો હતો. અને આજે એજ દેવરાજશેઠ સામેથી ચાલી આવીને તેના ઘરના દરવાજે ઊભા હતા, અને એટલે જ તે ચોંકી ઊઠયો હતો.

'....ફલેટ સરસ છે.' દેવરાજશેઠે ડ્રોઇંગરૂમમાં નજર ફેરવતાં-સોફા પર બેસતાં કહ્યું.

'હું તમારા માટે પાણી લઈ આવું.' કહેતાં જિગર રસોડા તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ દેવરાજશેઠે તેને રોકયો : 'ના, બેસ. હું ઉતાવળમાં છું. મારે તારી સાથે થોડીક વાત કરવી છે.'

જિગર દેવરાજશેઠની સામેના સોફા પર બેઠો. દેવરાજશેઠ કેમ આવ્યા હતા, એનો કોઈ અંદાજ હજુ સુધી તેને આવ્યો નહોતો.

'જિગર !' દેવરાજશેઠ સીધું જ બોલી    ગયા : 'હું તારી માફી માંગવા આવ્યો છું !'

'માફી...?'

'હા !' દેવરાજશેઠ બોલ્યા : 'મને હવે ખ્યાલ આવ્યો કે, મારે તારી સાથે એટલી ખરાબ રીતના વર્તવાની જરૂર નહોતી. તું ગરીબ હતો અને હું રૂપિયાના ઢગલામાં ઊછરેલી મારી દીકરીને તારી સાથે પરણાવવા માંગતો નહોતો, એ વાત સાચી, પણ...' દેવરાજશેઠના અવાજમાં પસ્તાવો હતો : '..મારે તને સમજાવીને-ફોલસલાવીને

માહીથી દૂર કરવાની જરૂર હતી. તને કોઈ ગુંડા પાસે ધાક-ધમકી અપાવીને માહીથી દૂર કરવાની જરૂર નહોતી.'

જિગર ચુપચાપ સાંભળી રહ્યો.

'જોકે, હવે મને સમજાયું છે કે, મારે તને માહીથી દૂર કરવાની જ જરૂર નહોતી.' કહેતાં દેવરાજશેઠ જિગર સામે જોઈ રહ્યા.

જિગર પણ ચુપચાપ તેમને જોઈ રહ્યો.

'તું કંઈ બોલતો કેમ નથી?!' દેવરાજશેઠે પૂછયું.

'શું બોલું?!' જિગરે કહ્યું.

દેવરાજશેઠ થોડીક વાર ચુપ રહ્યા, પછી બોલ્યા : 'હું કબૂલું છું કે, મેં માહીથી તને દૂર કરીને મોટી ભૂલ કરી છે, અને હવે હું એ ભૂલ સુધારવા માંગું છું.' અને દેવરાજશેઠે હળવેકથી કહ્યું : 'હું માહીને તારી સાથે પરણાવવા માંગું છું, શું તું એને સ્વીકારીશ ? !'

જિગરને પોતાના કાન પર વિશ્વાસ બેઠો નહિ. તેે શું સાંભળી રહ્યો હતો ? !

'હું તને બે હાથ જોડીને...' અને દેવરાજશેઠ હાથ જોડવા ગયા, ત્યાં જ જિગરે એમને રોકી લીધાઃ 'ના-ના, મને શરમમાં ન મૂકો. તમે મારા વડીલ છો. તમારે આમ મને હાથ જોડવાની કે, મારી માફી માંગવાની જરૂર નથી.'

'તો...' દેવરાજશેઠનો અવાજ ગળગળો થઈ ગયો : 'તું મારી માહીને પરણવા તૈયાર છે ને ?'

'હા !' જિગર બોલ્યો : 'હું માહીને પરણીને મારી જાતને ખૂબ જ નસીબદાર માનીશ.'

દેવરાજશેઠની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. 'હું વહેલી તકે તમારા લગ્ન કરી દેવા માંગું છું.' દેવરાજશેઠ બોલ્યા : 'તમને કયારે ફાવશે ? !'

જિગરે માર્ક કર્યું. તેણે માહીને પરણવાની હા પાડી એ સાથે જ દેવરાજશેઠે તેને જમાઈ તરીકેનું માન આપવા માંડયું હતું, તેને 'તું' પરથી 'તમે' કહીને બોલાવવા માંડયો હતો.

'શેઠ !' જિગર બોલ્યો : 'તમને ખબર જ છે, આ દુનિયામાં મારું કોઈ જ નથી. જે કોઈ છે એ તમે જ  છો ! તમે નકકી કરશો એ દિવસે હું માહી સાથે લગ્ન કરી લઈશ.'

'તો...!' દેવરાજશેઠ બોલી ઊઠયા : 'તમને વીસ દિવસ પછી ફાવશે ?'

'તમે જેમ કહો એમ !' જિગરે કહ્યું, અને

દેવરાજશેઠની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. જિગર ઊભો થયો અને દેવરાજશેઠના પગે લાગ્યો. દેવરાજશેઠે તેના માથે આશીર્વાદનો હાથ મૂકયો. 'તમે અને માહી હંમેશાં-હંમેશાં સુખી રહો !'

જિગર સીધો થયો. 'હવે હું તમારા માટે ચા-નાસ્તો લઈ આવું.' કહેતાં જિગર રસોડા તરફ સરકયો.

હવે દેવરાજશેઠે તેને રોકયો નહિ.

થોડીક વારમાં જિગરે દેવરાજશેઠને ચા-નાસ્તો પીરસ્યો. દેવરાજશેઠે અહીં-તહીંની વાતો કરતાં દિલથી નાસ્તો કર્યો અને પછી જવા માટે ઊભા થયા. 'હું નીકળું છું.' કહીને દેવરાજશેઠે પૂછયું : 'તમારી પાસે માહીનો મોબાઈલ નંબર છે?'

'ના!' જિગરે જુઠ્ઠાણું ચલાવ્યું.

'એનો નંબર તમારા મોબાઈલમાં સેવ કરી લો.' દેવરાજશેઠે કહ્યું અને માહીનો મોબાઈલ નંબર બોલ્યા, એટલે જિગરે એ નંબર મોબાઈલમાં સેવ કરી લીધો.

'હું તમારી ફરી એકવાર માફી...' દેવરાજશેઠ આગળ બોલવા ગયા, ત્યાં જ જિગરે એમને બોલતા રોકયા : 'ના, શેઠ ! તમારે માફી માગવાની જરૂર  નથી.'

દેવરાજશેઠે જિગરના ખભે હાથ મૂકયો. 'હવે તમે મને શેઠ કહીને ન બોલાવો.' દેવરાજશેઠે કહ્યું : 'તમે મને પપ્પાજી કહીને બોલાવશો તો મને વધુ ગમશે.'

'જી, પપ્પાજી !' જિગર બોલ્યો, એટલે દેવરાજશેઠની આંખોમાં આંસુ આવી ગયાં. એેમણે જિગરને છાતી  સરસો ચાંપ્યો અને પછી તેના માથે વહાલભર્યો હાથ ફેરવીને બહાર નીકળી ગયા.

દેવરાજશેઠ લિફટમાં રવાના થયા, એટલે જિગરે દરવાજો બંધ કર્યો.

જિગરને નાચી ઊઠવાનું મન થયું. તેની કલ્પના બહારનું કામ થઈ ગયું હતું. જે દેવરાજશેઠ માહી સાથે સંબંધ રાખવા બદલ તેને મારી નાંખવા તૈયાર થયા હતા, એ જ દેવરાજશેઠ આજે સામે ચાલીને તેની સાથે માહીને પરણાવવા આવ્યા હતા!

'જિગર !' જિગરના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો આનંદભર્યો અવાજ સંભળાયો : 'તને ઊછળી-કૂદીને નાચવાનું મન થાય છે ને ? !'

'હા !' જિગરે સોફા પર બેસતાં   કહ્યું : 'ખરેખર ચમત્કાર થઈ ગયો.'

'હા, પણ આ ચમત્કાર કર્યો કોણે ?' શીનાનો અવાજ સંભળાયો : 'મેં તને પૈસાદાર થવામાં મદદ કરી, એટલે જ આજે સામે ચાલીને દેવરાજશેઠ માહીનો હાથ તને સોંપવા આવ્યા ને !'

'હા, તારી વાત સાચી છે.' જિગરે કબૂલ્યું : 'હું તારો આભાર માનું એટલો ઓછો છે, શીના !'

અને શીનાનો હસવાનો અવાજ સંભળાયો : 'ચાલ, હવે તું તારી માહી સાથેના લગ્નના વિચારોમાં પડ, હું થોડીકવાર બહાર જઈ આવું છું.' અને આ સાથે જ જિગરનું માથું હળવું થઈ ગયું. તે સમજી ગયો, શીના તેના માથા પરથી ચાલી ગઈ હતી.

જિગરે સોફા પર લંબાવ્યું. તેણે આંખો મિંચી અને માહી સાથેના લગ્નજીવનના સોનેરી વિચારોમાં સર્યો.

૦ ૦ ૦

રાતના સવા બાર વાગ્યા હતા. જિગર મુંબઈ-પુના હાઈવે પર આવેલી 'પ્લેઝર કલબ'માં બેઠો હતો. તે દસ વાગ્યે અહીં આવ્યો હતો. તેણે અહીં જ રાતનું ખાણું ખાધું હતું અને અત્યારે સૉફટ ડ્રીન્ક પીતાં-પીતાં માહી સાથેના લગ્નજીવનની ખુશીભરી પળો વિશે વિચારી રહ્યો હતો.

તેના માહી સાથેના લગ્નને ફકત ચાર દિવસ બાકી રહ્યા હતા. જિગરે તેના લગ્નની ખાસ કોઈ તૈયારી કરવાની નહોતી. સૂટ-બૂટ વગેરે જેવી જરૂરી વસ્તુઓ તેણે લઈ લીધી હતી. તેનું કોઈ સગું-વહાલું હતું નહિ,  તેણે કોઈને લગ્નનું નિમંત્રણ પાઠવવાનું નહોતું એટલે તેણે વેડિંગ કાર્ડ છપાવ્યા નહોતા. તેણે પોતાની ફેકટરીના સ્ટાફને મોઢામોઢ પોતાના લગ્નનું આમંત્રણ આપી દીધું હતું. તે બિલકુલ ફ્રી જ હતો અને એટલે જ આજે તે હાલવે પરની આ કલબમાં આવ્યો હતો.

સૉફટ ડ્રીન્ક પૂરું કરીને તેણે ઘડિયાળમાં જોયું. રાતના સાડા બાર વાગ્યા હતા. તે ઘરે જવા માટે ઊભો થયો.

તે કલબની બહાર નીકળ્યો. તે કારમાં બેઠો. તેણે કારને હાઈવે પર લીધી અને ઘર તરફ હંકારી.

તે ગીત ગણગણવા લાગ્યો. તે ખુશ હતો, ખૂબ જ ખુશ હતો. અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર સવાર થઈ એ પછી તે શીનાની મદદથી ટૂંક સમયમાં જ લખપતિ બની ગયો હતો અને હવે ચાર દિવસ પછી જ તેના લગ્ન તેની પ્રાણપ્યારી પ્રેમિકા માહી સાથે થઈ જવાના હતા. શીનાના આવવાથી તેની જિંદગીએ કલ્પનામાં ન આવે-માનવામાં ન આવે એવો વળાંક લીધો હતો.

તેણે જમણી બાજુના વળાંક પર કાર વળાવી અને આગળ વધારી, ત્યાં જ તેને થોડેક આગળ એક યુવતી લિફટ માટે હાથ બતાવતી ઊભેલી દેખાઈ.

જિગર એ યુવતીને લિફટ આપવી કે  નહિ? એ કંઈ નકકી કરે, ત્યાં જ તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : 'જિગર ! તું કાર ઊભી રાખ. આ યુવતીને કારની અંદર લે અને એને મારી નાંખ. મારે એનું લોહી પીવું છે.'

'ના !' જિગર બોલી ઊઠયો : 'હું..., હું આવું નહિ કરું. ચાર..., ચાર દિવસ પછી તો માહી સાથે મારા લગ્ન છે, અને અત્યારે તું મને આને મારી નાંખવાનું કહી રહી છે ?'

'તારે આને ખતમ કરવી જ પડશે !' શીનાનો   અવાજ સંભળાયો અને આની સાથે જ કાર એકદમથી જ ધીમી પડી અને એક-બે આંચકા ખાઈને ઊભી રહી  ગઈ.

જિગરે જોયું તો કાર એ યુવતીથી થોડાંક પગલાં પહેલાં ઊભી રહી ગઈ હતી. શીનાએ જ આ રીતના તેની કાર ઊભી રાખી દીધી હતી એ વાતમાં કોઈ શંકા નહોતી.

એક નિશ્વાસ નાંખતાં જિગર તેની કાર તરફ ધીમા પગલે આવી રહેલી એ યુવતીને જોઈ રહ્યો.

'જિગર!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'મારે લોહી પીધા વગર ચાલે એમ નથી. મેં તને બે મહિનાથી કયાં કોઈ શિકાર કરવાનું કામ સોંપ્યું છે?!'

'...પણ....'

'જિગર!' શીનાનો રોષભર્યો અવાજ સંભળાયો : 'તારા માટે હવે પણ અને બણ કરવાનો કોઈ સવાલ જ નથી. તેં મુંબઈ આવતી ટ્રેનમાં પેલા યુવાનને ધકકો મારવાની ના પાડી એ પછી મેં શું કરેલું એ તને યાદ છે ને ! અને હવે તારે વારે ઘડીએ હા-ના કરવાની જરૂર નથી. ટંૂકમાં મારે જીવતા રહેવા માટે માણસના લોહીની જરૂર પડે છે અને તારે જીવતા રહેવા માટે, મારા માટે શિકારની વ્યવસ્થા કરતા રહેવાનું છે, બસ !' અને શીનાની આ વાત પૂરી થઈ, ત્યાં તો એ યુવતી જિગરની ડાબી બાજુની બારી પાસે આવીને ઊભી રહી. એ યુવતીએ વાંકી વળીને બારીમાંથી અંદર નજર નાંખતાં જિગરને કહ્યું : '...મારે મુંબઈ પહોંચવું છે, મને લિફટ આપશો, પ્લીઝ!'

જિગરથી વળી એક બળબળતો નિશ્વાસ નંખાઈ ગયો. તેણે જીવવું હોય તો શીનાની વાત માન્યા વિના છુટકો નહોતો, તેણે આ યુવતીને કારની અંદર લઈને, એને ખતમ કર્યા વિના ચાલે એમ નહોતું.

જિગરે મન-મગજના બારી બારણાં બંધ કર્યા. તેણે મનને મજબૂત કર્યું. તેણે હાથ લંબાવીને દરવાજાનું લૉક ખોલ્યું અને દરવાજાને ધકેલીને ખોલ્યો.

'થૅન્કયૂ...!' કહેતાં એ યુવતી જિગરની બાજુની સીટ પર બેઠી. યુવતીએ કારનો દરવાજો બંધ કર્યો. એણેે પોતાના લાંબા રેશમી વાળમાં હાથ ફેરવ્યો અને નશીલી આંખે જિગર તરફ જાયું, અને બસ એ જ પળે જિગર એ યુવતી પર ત્રાટકયો. જિગરે પોતાના મજબૂત હાથોમાં એ યુવતીની ગરદન દબોચી લીધી અને જોશભેર ગરદન ભીંસવા માંડી.

અચાનક થયેલા આ હુમલાથી ડઘાયેલી યુવતીએ પોતાની જાતને જિગરના મજબૂત હાથોમાંથી છોડાવવા માટેના ધમપછાડા શરૂ કર્યા, પણ જિગરના જોર સામે એ કંઈ જ કરી શકી નહિ. એનો શ્વાસ રૃંધાવા માંડયો અને થોડીક પળોમાં જ એનો શ્વાસ બંધ થઈ ગયો. એનો જીવ નીકળી ગયો.

જિગરે એ યુવતીની ગરદન છોડી દીધી. તેના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો. તે થરથર કાંપી રહ્યો હતો.

'જિગર!' જિગરના માથે સવાર અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયોઃ 'આની લાશને કારની બહાર કાઢીને ઝાડીઓમાં ફેંકી દે.'

જિગરે એક ઊંડો શ્વાસ લીધો. તે કારની બહાર નીકળ્યો. તેણે આગળ-પાછળની સડક પર નજર દોડાવી. કોઈ વાહન આ તરફ આવતું દેખાતું નહોતું.

જિગર ઝડપી પગલે યુવતીની લાશ તરફના કારના દરવાજા પાસે પહોંચ્યો. તેણે કારનો દરવાજો ખોલ્યો અને યુવતીની લાશને ખભા પર ઉઠાવીને બાજુની ઝાડીઓની અંદરની તરફ દાખલ થઈ ગયો.

તે થોડાંક પગલાં ચાલ્યો, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયોઃ 'જિગર! આને અહીં મૂકી દે.'

જિગરે લાશને ઝાડીઓથી ઘેરાયેલી, ધૂળ-પથ્થરવાળી એ જગ્યા પર મૂકી દીધી.

'બસ, હવે તું જા. હું આનું લોહી પી ને પછી આવું છું.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જિગરનું માથું હલકું થઈ ગયું.

શીના જિગરના માથા પરથી ઊતરી ચૂકી હતી.

જિગર ઝડપી પગલે ઝાડીઓમાંથી બહાર નીકળ્યો અને કારમાં બેઠો. કંપતા હાથે તેણે કારનું ઍન્જિન ચાલુ કર્યું ને એક આંચકા સાથે કારને ઘર તરફ દોડાવી મૂકી.

૦ ૦ ૦

જિગર ઘરે પહોંચ્યો, ત્યારે રાતના બે વાગવા આવ્યા હતા. જિગરનું મન બેચેની અનુભવી રહ્યું હતું. તેની નજર સામે તેણે ખતમ કરેલી યુવતીનો ચહેરો તરવરી રહ્યો હતો.

તે સોફા પર ફસડાયો. તેણે શીનાના કહેવાથી, દિલ્હીથી મુંબઈ આવતાં રસ્તામાં, ચાલુ ટ્રેનમાંથી પેલા યુવાનને ફેંકી દીધો હતો એ વખતે તેને જે દુઃખ થયું હતું, એનાથી આજે તેણે એ યુવતીને ખતમ કરી ત્યારે થોડું ઓછું દુઃખ થયું હતું, પણ દુઃખ તો જરૂર થયું હતું. તે હત્યારો નહોતો, પણ તેણે શીનાના કહેવા પ્રમાણેની  વ્યક્તિને ખતમ કર્યા વિના છુટકો નહોતો. તેણે જો જીવવું હોય તો શીનાના કહેવા પ્રમાણેની વ્યક્તિનો જીવ લીધા વિના છુટકો નહોતો.

ડીંગ-ડોંગ! ડીંગ-ડોંગ!!

અચાનક જ જિગરના કાનના પડદા સાથે ડૉરબેલનો અવાજ અફળાયો અને તે સોફા પરથી સફાળો ઊભો થઈ ગયો. 'અત્યારે અડધી રાતના તે વળી કોણ આવ્યું હશે?!'

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ! !

ફરી ડૉરબેલ વાગી ઊઠી.

જિગર મેઈન દરવાજા નજીક પહોંચ્યો. તેણે 'આઈ'માંથી બહાર નજર નાંખી.

બહાર કોઈ અજાણ્યો આદમી ઊભો હતો.

'કોણ છે?!' જિગરે પૂછયું.

'....એક મિનિટ દરવાજો ખોલો!'

'હા, પણ તમે કોણ છો?!' જિગરે ફરી સવાલ કર્યો.

'...કહું છું, પણ પહેલાં તમે દરવાજો ખોલો!' બહારથી એ અજાણ્યા આદમીનો અવાજ સંભળાયો.

જિગરે સ્ટોપર ખોલી અને સહેજ દરવાજો ખોલીને બહાર ઉભેલા માણસને પૂછયું : 'બોલો.., શું હતું ?'

'...કહું છું, પણ પહેલાં મને અંદર તો આવવા...'

'તમારે જે કંઈ કહેવું હોય એ બહાર ઊભા-ઊભા જ કહી નાંખો,' જિગર બોલ્યો : 'હું તમને ઓળખતો નથી.'

'હા, પણ હું તમને બરાબર ઓળખું છું ને!' એ અજાણ્યો માણસ બોલ્યો.

'તમે..., તમે મને ઓળખો છો?!' જિગરે નવાઈ સાથે પૂછયું.

'હા ! હું તમને ઓળખું છું..,' એ માણસ બોલ્યો : '...હું તમને એક ખૂની તરીકે ઓળખું છું ! એ ખૂબસૂરત યુવતીના ખૂની તરીકે, જેની લાશ હજુ પણ મુંબઈ-પૂના હાઈવે પરની એ જગ્યા પર પડી છે, જેે જગ્યા પર તમે એને થોડીક વાર પહેલાં જ છોડીને આવ્યા છો !'

અને આ સાંભળતાં જ જિગરને લાગ્યું કે, તે હમણાં જ બેહોશ થઈને જમીન પર ઢળી પડશે !

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

 (પ્રકરણ ઃ ૭)

જિગર જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયો હતો. તેની ચારે બાજુ હાથથી હાથ ન સૂઝે એવું ઘોર અંધારું જ અંધારું હતું. તે આ અંધારામાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો. તેને કંઈ દેખાતું નહોતું. તેે શેમાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો એ પણ તેને કંઈ સમજાતું નહોતું. તેનો જીવ જાણે ગુંગળાતો હતો.

આવું બીજી થોડીક વાર સુધી ચાલુ રહ્યું અને તેનું ડુબકીઓ ખાવાનું બંધ થયું. તેનો જીવ ગુંગળાવાનો ઓછો થયો. તે બરાબર શ્વાસ લેતો થયો. તેની આંખો સામેથી અંધારું તો દૂર થયું નહિ પણ તેના જીવને થોડુંક સારું લાગવા માંડયું. તે બેહોશીની દુનિયામાંથી હોશમાં આવ્યો. તેણે ધીરેથી આંખો પરથી પાંપણનો પડદો ઊઠાવ્યો અને જોયું તો તે પથરાળ જમીન પર પડયો હતો. ચંદ્રના ઝાંખા અજવાળામાં થોડેક દૂર ઝાડી-ઝાંખરા દેખાતા હતા.

'તે અત્યારે કયાં પડયો હતો?!!'

તેણે આસપાસમાં જોયું. નજીકમાં જ રેલવે ટ્રેક-પાટા દેખાયા, અને એ સાથે જ તેને યાદ આવી ગયું. તે ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યો હતો, ત્યારે તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાએ, તેને એક યુવાનને ચાલુ  ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાનું કહ્યું હતું, પણ તેણે શીનાની વાત માની નહોતી. તેણે ઘસીને ના પાડી દીધી હતી, ત્યાં જ બે અદૃશ્ય હાથોએ તેને પકડીને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. બીજી જ પળે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું અને એ પછી અત્યારે તેની આંખો સામેથી અંધારું દૂર થયું હતું અને તેની આંખો ખૂલી હતી.

તે ધીમેથી બેઠો થયો. તેની નવાઈ વચ્ચે તે ખૂબ જ સહેલાઈથી બેઠો થઈ શકયો. 'તે ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાયો હતો છતાંય તે મર્યો કેમ નહોતો ? ! તેને નાની સરખીય ઈજા પણ કેમ થઈ નહોતી ?' એવા સવાલો સાથે  તે ઊભો થયો, ત્યાં જ તેના માથા પરથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો ઃ 'જિગર, તેં મારી વાત માની નહિ એટલે    તને સબક શીખવાડવા માટે મેં  તને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો, પણ પાછો તને બચાવી લીધો. તું મને ગમે છે, એટલે હું તારી આવી હરકત ચલાવી લઉં છું, બાકી હું ધારું તો તને આંખના પલકારામાં મોતને ઘાટ ઉતારીને તારું લોહી પી શકું એમ છું.'

જિગર જેમનો તેમ ઊભો રહ્યો. તે મરતાં-મરતાં બચ્યો હતો, એ વાતનો ગભરાટ હજુ પણ તેના મનમાંથી બિલકુલ ઓછો થયો નહોતો.

'જિગર!' જિગરના માથેથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયોઃ 'મેં તને પહેલાં જ કહ્યંુ હતું કે, તું મારા વશમાં છે. તારે જીવવું હશે તો મારું કહ્યું માનવું જ પડશે !'

જિગર એમ જ ઊભો રહ્યો.

'તું મને ગમે છે, એટલે મેં તને મારી વાત માનવા માટેનો એક વધુ મોકો આપ્યો છે. પણ જો તું હજુ પણ મારી વાત માનવાનો ઈન્કાર કરીશ, તો પછી મારા હાથે તારું મોત નકકી છે. હું એક એવી શક્તિ છું, જેને હું ચાહું તો સહેલાઈથી અનેક મુશ્કેલી-મુસીબતમાંથી ઊગારી શકું, અને જેને હું નફરત કરું તો એને ગણતરીની પળોમાં જ મારી શકું.'

જિગરે ચૂપકીદી જાળવી રાખી.

'જિગર ! મૂરખામી ન કર. મારી વાત માની લે. તું મારી વાત માનીશ તો તને જિંદગી મળશે, લાખ્ખો રૃપિયા મળશે અને તારી પ્રાણપ્યારી માહી મળશે. અને મારી વાત નહિ માને તો તને આમાંનું કંઈ નહિ મળે, ફકત અને ફકત મોત મળશે ! ક્રૂર મોત ! !'

જિગરે વિચાર્યું. 'ના ! તેે મરવા માંગતો નહોતો.  તે જીવવા માંગતો હતો. તે માલદાર બનવા માંગતો હતો. માહીને પરણવા માંગતો હતો. માહી સાથે મોજ-મજાભરી જિંદગી વિતાવવા માંગતો હતો. અને...અને આ માટે તે શીનાની વાત માનશે. શીના કહેશે એ તે કરશે, મન મકકમ કરીને-કાળજું કઠણ રાખીને કરશે !'

'તો...!' શીના જાણે જિગરના મનના વિચારોને પામી ગઈ હોય એમ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો ઃ '..તૈયાર છે ને, હવે મારી વાત માનવા માટે !'

'હા !' જિગરે કહ્યું.

'સરસ, આ કરી તેં  એક સમજદાર માણસ જેવી વાત.' શીનાનો આનંદભર્યો અવાજ સંભળાયો ઃ 'હવે ઝડપ કર. મેં થોડેક આગળ તારી ટ્રેન ઊભી રખાવડાવી છે. તું જલદીથી ટ્રેનમાં ચઢી જા.'

અને જિગરે જોયું, તો જમણી બાજુ, થોડેક દૂર ટ્રેન ઊભેલી દેખાતી હતી.

તે હવે ચુપચાપ ઝડપી પગલે ટ્રેન તરફ આગળ વધી ગયો.

તે પોતાના ડબા પાસે પહોંચ્યો, ત્યારે દરવાજા પાસે જ પેલો યુવાન, જેને શીનાએ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવા માટે કહ્યું હતું, એ ઊભો હતો.

જિગર ડબામાં ચઢયો, એટલે એ યુવાને પૂછયું ઃ 'શું થયું ? ! ટ્રેન કેમ ઊભી રહી ગઈ ? !'

'મેં બે-ત્રણ જણાંને પૂછયું, પણ કંઈ ખબર પડી નથી.' કહેતાં જિગર ત્યાં, દરવાજા પાસે જ ઊભો રહ્યો.

અને આની થોડીક પળોમાં જ ટ્રેન ઊપડી અને થોડીક પળોમાં જ ગજબનાક ઝડપે દોડવા માંડી.

'બસ, જિગર ! આ યુવાન પાછો પોતાની સીટ પર જાય એ પહેલાં જ એને ધકકો મારી દે !' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો.

જિગરે યુવાન તરફ જોયું.

યુવાન તેની તરફ મુસકુરાતાં પોતાની સીટ તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ જિગરે મન-મગજને મકકમ કરીને એ યુવાનને પૂરા જોર સાથે ધકકો મારી દીધો ! યુવાન ચાલુ ટ્રેનની બહાર ફેંકાઈ ગયો ! !

જિગર થરથર ધ્રુજવા માંડયો. તેણે બહાર ચહેરો કાઢીને પાછળ જોયું. ટ્રેન સ્પીડમાં હતી અને વળી અંધારું હતું એટલે એ યુવાનના શું હાલ થયા હશે ? એ જિગરને દેખાયું-કર્યું નહિ. વળી મોતના મોઢામાં જતી વખતે એ યુવાને ચીસ પાડી હતી કે નહિ ? ! કે પછી એ યુવાને  ચીસ પાડી હતી અને એ ચીસ દોડતી ટ્રેનના અવાજમાં ભળી ગઈ હતી ? એનો પણ જિગરને કોઈ અંદાજ આવ્યો નહિ.

જોકે, જિગરેે જે કરી નાંખ્યું હતું એનાથી તેનું આખુંય શરીર કાંપતું હતું. તેના ચહેરા પરથી પરસેવો પણ નીતરવા લાગ્યો હતો, ત્યાં જ અત્યારે તેને લાગ્યું કે, તેના માથા પરનો ભાર હળવો થઈ ગયો છે.

તે સમજી ગયો. 'તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીના તેના માથા પરથી ઊતરીને ગઈ હતી.., હમણાં થોડીક પળો પહેલાં જ તેણે ધકકો મારીને બહાર ફેંકી દીધો હતો એ યુવાનનું લોહી પીવા માટે...!' તેનું મન બેચેન થઈ ઊઠયું. તેને લાગ્યું કે તે હમણાં જ ઢગલો થઈને પડી જશે. તે જેમ-તેમ પોતાની સીટ પર પહોંચ્યો અને સીટ પર બેસી પડયો.

તેણે જે કરી નાંખ્યું હતું એનાથી તે ડરી ગયો હતો-ગભરાઈ ઊઠયો હતો ! 'તેણે એક નિર્દોષ યુવાનની હત્યા કરી હતી ! ! તેણે...તેણે એક મોટો ગુનો કર્યો હતો ! ! !' તેનું મન પસ્તાવાથી ભરાઈ આવ્યું અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડયો. 'પણ...પણ તે જો એ યુવાનને ધકકો ન મારત તો પેલી અદૃશ્ય શક્તિ શીના તેને મારી નાંખત ! તેણે તો..., તેણે તો પોતાનો જીવ બચાવવા માટે એ યુવાનને ધકકો માર્યો હતો ! શું તેણે ખોટું કર્યું હતું ? ! તેની જગ્યાએ જો કોઈ બીજું હોત તો એ પણ તો તેની જેમ જ કરત ને ! પોતાનો જીવ બચાવવા માટે એ યુવાનને ધકકો મારી જ દેત ને !' અને જિગરના મનમાં આ વિચારો ચાલી રહ્યા હતા, ત્યાં જ એક આંચકા સાથે ટ્રેન ઊભી રહી ગઈ.

જિગરે પોતાની આંખના આંસુ લૂંછતાં ઝડપભેર બારી બહાર નજર નાંખી.

બહાર સ્ટેશન આવ્યું નહોતું. ટ્રેન કોઈ જંગલમાં ઊભી રહી ગઈ હતી.

જિગરના મનમાંનો ગભરાટ બેવડાયો. 'આ ટ્રેન કેમ ઊભી રહી ગઈ ? ! શું તેણે એ યુવાનને ધકકો મારીને બહાર ફેંકયો એટલે ટ્રેન ઊભી રહી ગઈ હશે ? ! એ યુવાન ચાલુ ટ્રેને ફેંકાયો એની તપાસ કરતી પોલીસ તો નહિ આવે ને ? !' અને તેના મન-મગજના આ વિચારો પૂરા થાય, ત્યાં જ ફરી એક આંચકા સાથે ટ્રેન ઊપડી.

જિગરના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને પછી તેના માથા પર કોઈ પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. જિગરના મોઢેથી એક નિશ્વાસ નીકળી ગયો, 'તો શીના એ નિર્દોષ યુવાનનું લોહી પીને પાછી આવી ગઈ લાગે છે.' વિચારતાં તેણે આંખો મીંચી અને કલ્પનાની આંખે જોયું.

તેના માથા પર શીના બેઠી હતી. શીનાના ચહેરા પર જીતભરી મુસકુરાહટ હતી. જાણે શીનાના ચહેરા પર એ યુવાનનું લોહી પીધાંની અનેરી તાજગી વર્તાતી હતી.

જિગરનું મન ફરી રડી પડયું. તેણે શીનાના ગુસ્સાથી બચવા માટે-જીવવા માટે એક નિર્દોષ યુવાનને ચાલુ ટ્રેનમાંથી ધકકો મારીને બહાર ફેંકી દીધો હતો.

તેની પાસે આવું કામ કરાવનાર શીના પાછલા એક મહિનાથી તેના માથા પર સવાર હતી અને હજુ સુધી તેને શીનાની અસલિયત સમજાઈ નહોતી. જોકે, તેને એટલું તો ચોકકસ ભાન થઈ ગયું હતું કે, તે અદૃશ્ય શક્તિ શીનાના વશમાં હતો. તેણે શીનાના હુકમો માન્યા વિના છુટકો નહોતો અને શીનાથી જીવતેજીવ છુટકારો મેળવવો એ તેના માટે મુશ્કેલ જ નહિ પણ અશકય હતું ! !

 ૦ ૦ ૦

અદૃશ્ય શક્તિ શીનાએ જિગર પાસે એક નિર્દોષ યુવાનને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાવ્યો હતો, એ ખતરનાક ઘટનાનો ડંખ.., એનો પસ્તાવો જિગરના મન-મગજમાં સાવ ઝાંખો પડી ગયો. અને આની પાછળ શીનાની કમાલ હતી.

જિગર યુવાનને ચાલુ ટ્રેનમાંથી ધકકો માર્યાના રંજ સાથે મુંબઈ સ્ટેશન પર ઊતર્યો એ પછી શીનાએ જિગરની બધી જ ચિંતાઓ પોતાના માથા પર લઈ લીધી હતી.

'મુંબઈ જેવા શહેરમાં કયાં જઈને રહેવું ?'ના પહેલા સવાલથી જ શીનાએ જિગરને સૂચનાઓ આપવા માંડી હતી.

શીનાએ તેને જે હોટલમાં રોકાવાનું કહ્યું હતું એ હોટલમાં જિગર પોતાના સર-સામાન સાથે પહોંચી ગયો હતો.

બીજા દિવસની સવારથી જ શીનાએ જેમ કહેવા માંડયું હતું એમ જિગરે કરવા માંડયું હતું.

શીનાએ તેને પૂના જઈને રેસ રમવાનું કહ્યું. જિગરે શીનાની વાતનો અમલ કર્યો. તે પૂના રેસકોર્સ પર પહોંચ્યો અને શીનાના કહ્યા પ્રમાણેના ઘોડા પર તેણે દાવ લગાવ્યો અને તે જીત્યો.

આ જીતની તેને નવાઈ લાગી નહિ. તે શીનાની શક્તિથી પરિચિત હતો. શીના તેના માથા પર સવાર થઈ એ વખતે પહેલીવાર તે એને 'વીનર કલબ'માં સાત હજાર રૃપિયા સાથે લઈ ગઈ હતી અને ચાર કલાકમાં જ  પૂરા પાંચ લાખ રૃપિયા જીતાડી દીધા હતા.

જોકે, અહીં મુંબઈ આવ્યો એ પછીના દિવસોમાં શીનાએ તેને જે રીતના આગળ વધાર્યો હતો એ જિગરને પણ જાણે એક સપના જેવું લાગવા માંડયું હતું. તેના મુંબઈ આવ્યાના પચીસ દિવસમાં તો શીનાએ તેને એક પછી એક રેસ જીતાડીને લખપતિ બનાવી દીધો હતો. એટલું જ નહિ પણ તેને એક ફલેટ અને એક કાર ખરીદાવી આપી હતી અને એક ફેકટરીનો માલિક પણ બનાવી દીધો હતો.

પચીસ દિવસમાં તો જિગર દિલ્હીને ભૂલી ગયો અને મુંબઈની શાનમાં લપેટાઈ ગયા હતો.

જોકે, આમાં તે માહીને ભૂલી શકયો નહોતો.

તેણે આ પચીસ દિવસમાં માહીને અસંખ્ય વાર યાદ કરી હતી. તેને કેટલીય વાર એવું થયું હતું કે, તે માહીને મોબાઈલ ફોન લગાવે અને માહી સાથે વાત કરે.

પણ પોલીસને માહીના ફિયાન્સ વિશાલની લાશ 'નેચર ગાર્ડન'માંથી મળી આવ્યા પછી માહીએ તેને દિલ્હી છોડીને ચાલ્યા જવાનું કહ્યું હતું, ત્યારે ખાસ તાકિદ કરી હતી કે, ''તે માહીને મોબાઈલ ફોન ન કરે. માહી જ વિશાલનો ખૂન કેસ ઠંડો પડશે અને ત્યાં બધું થાળે પડશે એટલે સામેથી ફોન કરશે.'' અને એટલે તે આજ દિવસ સુધી માહીને મોબાઈલ ફોન કરવાનું ટાળતો રહ્યો હતો.

પણ આજે અત્યારે રાતના નવ વાગ્યાના આ સમયે તે પોતાના ફલેટમાં સોફા પર બેઠો હતો, ત્યારે તેના મનમાં માહી જ ઘુમતી હતી અને આંખ સામે માહીનો જ ચહેરો તરવરતો હતો. 'અત્યારે ત્યાં દિલ્હીમાં માહી શું કરતી હશે?! માહીએ તેને કેમ ફોન નહિ કર્યો હોય?! શું હજુ પણ ત્યાં વિશાલનો ખૂનકેસ ઠંડો નહિ પડયો હોય?! માહીની તબિયત તો સારી હશે ને? કયાંક એની તબિયત તો બગડી-કરી નહિ હોય ને ? !' અને આ સવાલોએ તેની બેચેની વધારી દીધી.

તે ઊભો થયો અને આમથી તેમ આંટા મારવા માંડયો.

'માહી વિશે તેને માહી પાસેથી જ ખબર પડી શકે એમ હતી. એવું બીજું કોઈ નહોતું જે તેને માહી વિશેના સમાચાર આપી શકે !

'તે માહીને ફોન કરીને જુએ  તો?!

'ના, માહીએ તેને સામેથી મોબાઈલ કરવાની ના પડી હતી ને !' અને આમ 'હા-ના'ની થોડીક પળોની લડાઈ પછી તેણે છેવટે નકકી કર્યું, 'તેણે માહીને મોબાઈલ કરી જોવો જોઈએ.' અને તેણે મોબાઈલ ફોન હાથમાં લીધો. એમાં સેવ થયેલો માહીનો મોબાઈલ ફોન નંબર લગાવીને તેણે મોબાઈલ કાને ધર્યો.

સામેથી રિંગ વાગવા માંડી.

'હમણાં સામેથી માહીનો અવાજ સંભળાશે !'  એવી આશા સાથે જિગરે રિંગ વાગવા દીધી, પણ થોડીક વાર થઈ પણ સામેથી માહીએ મોબાઈલ લીધો નહિ એટલે જિગરે મોબાઈલ કટ કર્યો.

'અત્યારે હજુ રાતના સવા નવ જ વાગ્યા છે. માહી સૂઈ તો ન જ ગઈ હોય. પણ તો એ ફોન કેમ નથી ઉઠાવતી ? !'

માહી માટેની જિગરની ચિંતા વધી.

તેણે ફરી માહીનો મોબાઈલ નંબર લગાવ્યો    અને આ વખતે સામેથી બે રિંગ પછી તુરત જ માહીનો ઉતાવળિયો અવાજ સંભળાયો ઃ 'હા, બોલ જિગર.'

'તારો ફોન નહોતો, એટલે મને ચિંતા...!'

'મારી ચિંતા ન કર. મેં તને કહેલું કે, હું સામેથી તારો સંપર્ક કરીશ.' જિગર પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ સામેથી માહીનો ઉતાવળિયો અવાજ આવ્યો ઃ 'પણ તેં ફોન કર્યો જ છે, તો જલદી મને એ કહી દે કે, અત્યારે તું કયાં રહે છે?!'

જિગરે પોતાનું એડ્રેસ જણાવ્યું.

'તું મારી ચિંતા ન કરીશ, તારું પોતાનું ધ્યાન રાખજે.' અને આ સાથે જ સામેથી માહીએ વાત પૂરી કરી દીધી.

જિગરે મોબાઈલ ફોન ખિસ્સામાં મૂકયો.

'માહીએ જે રીતના ઉતાવળે વાત કરી હતી એ પરથી લાગે છે કે, હજુ ત્યાં વિશાલનો ખૂનકેસ ઠંડો પડયો  નથી.' જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા પરથી અદૃશ્ય શક્તિ  શીનાનો અવાજ સંભળાયો ઃ 'જિગર ! તું માહી અને વિશાલના ખૂનકેસની ચિંતા છોડીને જલસા કર. વિશાલનો ખૂનકેસ પણ ઠંડો પડી જશે અને માહી સાથે તારા લગ્ન પણ થઈ જશે. બસ, તારે થોડીક ધીરજ રાખવાની જરૃર છે.'

'હં !' જિગરે ફકત એક શબ્દનો હોંકારો આપ્યો અને પરાણે માહી તેમજ વિશાલના ખૂનકેસના વિચારોને દૂર કરતાં પલંગ પર લેટયો.

 ૦ ૦ ૦

જિગરને મુંબઈ આવ્યાને આજે બરાબર એક મહિનો પૂરો થયો હતો.

અત્યારે સવારના નવ વાગ્યા હતા. જિગર ફેકટરી પર જવા માટે તૈયાર થઈ ચૂકયો હતો અને બૂટની લેસ બાંધી રહ્યો હતો, ત્યાં જ ડૉરબેલ વાગી ઊઠી.

'...અત્યારે તે વળી કોણ આવ્યું હશે ? !' એવા સવાલ સાથે જિગરે દરવાજાની સ્ટોપર ખોલીને દરવાજો ખોલ્યો, અને...

...અને સામે ઊભેલી વ્યક્તિને જોતાં જ જિગર ચોંકી ઊઠયો-

-તે..., તે જે જોઈ રહ્યો હતો એ શું હકીકત હતી?!?

-શું..., શું આ શકય હતું ?!?!

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

(પ્રકરણ : ૬)

'તું ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ ! ! ડૉરબેલ વાગી ઊઠી અને જિગરના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીના બોલી ઊઠી કે, ''જિગર ! બહાર પોલીસ આવી છે ! વિશાલના ખૂનીને શોધવા માટે ! ! ઊભો થા અને દરવાજો ખોલ!!'

એટલે જિગર પોતાની જગ્યા પર સજ્જડ-બંબ થઈ ગયો. તેની નજર સામે સબ ઈન્સ્પેકટર બાજવાનો પ્રભાવશાળી ચહેરો તરવરી ઊઠયો. 'મેં પ્રેસ અને ટી. વી.વાળાઓ સામે કહેલું ને કે, હું ખૂનીને વહેલી તકે પકડી લઈશ! જો, મેં તને પકડી લીધો ને !'  કહેતાં સબ ઈન્સ્પેકટર બાજવા તેને ઢસડીને ઘરની બહાર ખેંચી જતો હોય એવું દિલ કંપાવનારું દૃશ્ય તેની નજર સામેથી પસાર થઈ ગયું, ત્યાં જ અત્યારે ફરી તેના કાને ડૉરબેલનો અવાજ સંભળાયો, ડીંગ-ડોંગ! ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ!

આ વખતે વધુ ઉતાવળે ડોરબેલ વાગી હતી.

'જલદી દરવાજો ખોલ, જિગર!' જિગરના માથેથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : '...નહિતર સબ ઈન્સ્પેકટર બાજવા દરવાજો તોડીને પણ અંદર આવશે!'

જિગરે છાતીમાં એક ઊંડો શ્વાસ ભર્યો. દરવાજો ખોલ્યા વિના છૂટકો નહોતો. તે પરાણે ઊભો થયો. 'તેણે આમ હિંમત હારી જવાની જરૂર નથી. તેણે હિંમત રાખવાની જરૂર છે. અદૃશ્ય શક્તિ શીના ભલે ગમે તે કહેતી હોય અને તેના મોબાઈલ ફોનમાં ભલે તે વિશાલનું ખૂન કરતો હોય એવું રેકોર્ડિંગ થયેલું હોય પણ તે નિર્દોષ છે, એ એક હકીકત છે ! તે સબ ઈન્સ્પેકટર બાજવાને સમજાવવાનો પ્રયત્ન કરશે !' વિચારતાં તેણે વળી એક ઊંડો શ્વાસ લીધો અને દરવાજાની સ્ટોપર ખોલીને દરવાજા ખોલ્યો.

સામે....

....સામે સબ ઈન્સપેકટર બાજવા ઊભો નહોતો.

-સામે માહી ઊભી હતી. માહીના ચહેરા  પર ગભરાટ લિંપાયેલો હતો.

'જિગર !' તેને હાથથી બાજુ પર હડસેલતાં માહી અંદર દાખલ થઈ ગઈ : 'જલદી દરવાજો બંધ કર.'

જિગર દરવાજો બંધ કરીને માહી તરફ ફર્યો.

'...ગજબ થઈ ગયો !' કંપતા અવાજે બોલતાં માહી સોફા પર બેસી પડી : 'તને...તને વિશાલ વિશે ખબર પડી ? !'

'હ...હ...હા !' જિગરે કહ્યું : 'મેં...મેં હમણાં થોડીક વાર પહેલાં જ છાપામાં વાંચ્યું.'

'મારે ત્યાં તો વહેલી સવારે પોલીસ આવી હતી, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી !' માહી થરથરતી હતી : '...છેલ્લે, ગઈકાલે સાંજે મનેે વિશાલે નેચર ગાર્ડન પર મળવા માટે બોલાવી, ત્યારે તેણે મને મોબાઈલ ફોન કર્યો હતો અને એટલે એના મોબાઈલ ફોન પરના મારા છેલ્લો નંબર જોઈને પોલીસ મારા સુધી પહોંચી હતી. પોલીસે મને પૂછપરછ કરી હતી, એટલે મેં કબૂલી લીધું હતું કે, ''હું છેલ્લે નેચર ગાર્ડનમાં વિશાલને મળી હતી અને પછી ત્યાંથી નીકળી ગઈ હતી.'' માહી એકીશ્વાસે બોલી રહી હતી : ''પોલીસે મને એવી પૂછપરછ કરી હતી કે, ત્યાં અમારી બીજા કોઈની સાથે વાતચીત કે મુલાકાત થઈ હતી?!'' એટલે મેં ના પાડી હતી. તું મારી પાસે આવ્યો હતો અને આપણી વચ્ચે વાતચીત થઈ હતી એ વાત મેં પોલીસથી છુપાવી લીધી. મને બીક લાગી કે, પહેલાં આપણી વચ્ચે પ્રેમસંબંધ હતો એ વાત જો પોલીસ જાણશે અને તેં જ વિશાલ પાસેથી મને પાછી પામવા માટે વિશાલને મારી નાંખ્યો છે, એવી શંકા કરશે તો....'

'...આ તેં સારું કર્યું !' એક તો સબ ઈન્સ્પેકટર બાજવા આવ્યો નહોતો, પણ માહી આવી હતી અને વળી માહીએ પોલીસ પૂછપરછમાં તેની સાથેની મુલાકાતની વાત છુપાવી લીધી હતી એ વાતની જિગરે રાહત અનુભવી.

'હા, પણ જિગર!' માહી એ રીતના જ ગભરાટભર્યા અવાજે બોલીઃ 'મને ડર છે કે, પોલીસ પોતાની તપાસ ચાલુ રાખશે અને એમાં કયાંક જો કોઈએ તને મારી સાથે જોયો હશે અને એ તારા વિશે પોલીસને કહી દેશે તો ? !'

'...તો...?!' અને જિગર પગથી માથા સુધી કાંપી ઊઠયો.

'...તો મારું કહેવું છે કે, તું દિલ્હી છોડીને મુંબઈ રહેવા માટે ચાલ્યો જા.'

'પણ..પણ !' જિગર બોલી ઊઠયો : 'આ કેવી રીતના બની શકે ? ! રાતોરાત એક શહેર છોડીને બીજા શહેરમાં આમ વસવા માટે દોડી જવું એ કંઈ રમત વાત....'

'તું...,' માહી તેની વાતને કાપી નાંખતાં બોલી : '....તું મને ચાહે છે ને, જિગર ? !'

'લે, આ પણ કંઈ પૂછવાની વાત છે, માહી ? !'

'બસ તો પછી..,'  માહી બોલી : 'હું કહું છું એમ કર. મારું મન કહે છે કે, તું આ શહેર છોડીને ચાલ્યો જાય એમાં જ તારી ભલાઈ છે.'

જિગર માહી તરફ જોઈ રહ્યો. આ વિશે વિચારી રહ્યો.

'જિગર !' માહી બોલી : 'વધુ વિચાર ન કર. એકવાર અહીં વિશાલનો ખૂનકેસ ઠંડો પડશે એટલે પછી હું તારી પાસે મુંબઈ આવીશ !'

'સાચે જ !'

'હા !' માહી બોલી : 'અને...અને હું તારી સાથે લગ્ન કરીશ !'

'તું..તું મારી સાથે લગ્ન કરીશ ? !' જિગર બોલી ઊઠયો : '...પણ તારા પપ્પા....!'

'....એ વખતે આપણે બધું જોઈ લઈશું.' માહી બોલી : '....પણ અત્યારે તું મને એ વાયદો કર કે, તું વહેલી તકે આ શહેર છોડીને મુંબઈ ચાલ્યો જઈશ.'

'ઠીક છે.' જિગરે માહીની વાત કબૂલ કરી.

'થૅન્કયૂ !' માહી સોફા પરથી ઊભી થઈ : 'ચાલ, હું જાઉ છું !' અને માહી દરવાજા તરફ આગળ વધી ગઈ.

'બસ, માહી ! તું જાય છે ? !' જિગર પ્રેમભીના અવાજે બોલ્યો.

માહી ઊભી રહી ગઈ. તે જિગર તરફ ફરી. તે ઘડીભર જિગર સામે જોઈ રહી અને પછી પાછી      દોડી આવીને જિગરને વળગી પડી, ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

જિગરની આંખો પણ ભરાઈ આવી.   'માહી !' જિગરનો અવાજ ગળગળો થઈ ગયો : 'આપણે બન્ને પહેલાં જ એક થઈ શકયાં હોત, જો હું પૈસાદાર હોત !'

'...મને પૈસા નહિ તું જોઈએ, જિગર !' માહી રડતાં-રડતાં જ બોલી અને જિગરથી અળગી થઈ.

'ચાલ હું નીકળું છું.' માહીએ પોતાના આંસુ લૂંછયા : 'વહેલી તકે તું અહીંથી નીકળી જજે. તું મને ફોન ન કરીશ. અહીં બધું થાળે પડશે એટલે હું જ તને સામેથી ફોન કરીશ.' અને આટલું કહેતાં જ માહી ઝડપી ચાલે મેઈન દરવાજાની બહાર નીકળી ગઈ.

જિગરે દરવાજો બંધ કર્યો અને પોતાના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીના સાથે વાત કરી : ' શીના ! તું તો કહેતી હતી ને કે, વિશાલના ખૂનીને શોધવા માટે સબ ઈન્સ્પેકટર બાજવા આવી પહોંચ્યો છે ?'

'હું તો તારી સાથે મજાક કરતી હતી, જિગર !' શીનાનો હસતો અવાજ સંભળાયો.

'આવી મજાક કરાતી હશે ? !' જિગર સોફા પર ફસડાયો : 'મારો તો જીવ જ નીકળી જાત.., પણ...' જિગરે પૂછયું : 'મને નેચર ગાર્ડનમાં ચકકર જેવું લાગ્યું હતું અને મારી આંખ સામે અંધારાં છવાયા હતાં એ પછી મને શું બન્યું હતું એની કંઈ જ ખબર નથી. પછી હું વિશાલનું ખૂન કેવી રીતના કરી શકું ? અને....અને હું વિશાલનું ખૂન કરું છું એવું મારા મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કેવી રીતના થયું ? !'

'...એ જ તો મારી કમાલ છે, જિગર !' જિગરના માથા પરથી શીનાનો હસતો અવાજ સંભળાયો : '...પણ ખેર, અત્યારે હવે આ કેમ થયું ? અને પેલું કેમ થયું ? એની વાતો અને ચર્ચા કરવાનો સમય નથી. સબ ઈન્સ્પેકટર બાજવા મેનેજર ધવન અને વિશાલના ખૂનીને શોધી કાઢવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. એવામાં તારું અહીં રહેવું એ જોખમી છે. તારે શહેર છોડીને ચાલ્યા જવું જોઈએ. મને માહીની વાત બરાબર લાગે છે, તારે મુંબઈ ચાલ્યા જવું જોઈએ.'

જિગર થોડીક પળો ચુપ રહ્યો-વિચારી રહ્યો અને પછી બોલ્યોઃ '...એટલે તું પણ મારી સાથે આવીશ?!'

'...સવાલ જ નથી ને !' તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'તું મને ગમે છે એટલે તો હું તારી પાસે આવી છું. હું તને છોડીને નહિ જાઉં ! અને...' શીનાનો અવાજ આગળ સંભળાયો : '...અને તું પણ તો મને છોડીને નહિ જઈ શકે !'

જિગરે એક નિસાસો નાંખ્યો. શીના તેને ફાયદો કરાવી રહી હતી, પણ શીનાને દર મહિને એક માણસનું લોહી પીવા જોઈતું હતું એ વાત..., એ વાત તેને બેચેન કરનારી હતી.

'જિગર ! તું આડું-આવળું વિચારવાનું બંધ કર, અને ઊભો થા.' જિગરના માથેથી શીનાનો અવાજ   સંભળાયો : '...જલદી જરૂરી સામાન પેક કર અને મુંબઈની ટ્રેન પકડ.'

'હા, પણ...,' જિગર ચિંતાભર્યા અવાજે બોલ્યો : '...મુંબઈમાં હું કયાં રહીશ ? ! ત્યાં હું શું કરીશ ? !'

'હું છું ને તારી સાથે !' તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'પછી તારે કોઈ વાતની ચિંતા કરવાની કયાં જરૂર છે ? !'

'હં !' કહેતાં જિગર ઊભો થયો અને મુંબઈ જવા માટે જરૂરી સામાન પેક કરવાના કામે લાગ્યો.

          ૦ ૦ ૦

રાતના દસ વાગ્યા હતા. જિગર ટ્રેનના ફર્સ્ટ કલાસના ડબામાં બેઠો હતો.

ડબામાં, પહેલા કમ્પાર્ટમેન્ટમાં એક પતિ-પત્ની પોતાના બે થી દસ વરસના ત્રણ બાળકો સાથે બેઠા હતા. ટી. સી. ટિકિટ ચેક કરીને ગયો એ પછી જિગર એ ફેમિલીની બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી ઊઠીને બીજી બાજુના દરવાજા નજીકના કમ્પાર્ટમેન્ટની સીટ પર બેસી ગયો હતો.

ટ્રેન મુંબઈ તરફ દોડી રહી હતી, અને જિગરના મગજમાં એટલી જ ઝડપે વિચારો દોડી રહ્યા હતા.

'અદૃશ્ય શક્તિ શીના તેની જિંદગીમાં આવી એ પછી તેની જિંદગી રાતોરાત પલટાઈ ગઈ હતી.  શીનાએ તેને એક મહિનામાં કયાંનો કયાં પહોંચાડી દીધો હતો. અને શીનાએ તેને કરેલા વાયદા પ્રમાણે માહી તેની સાથે લગ્ન કરે એવી સ્થિતિ સર્જાઈ હતી.

'જોકે, એમાં માહીના ફિયાન્સ વિશાલનું ખૂન થયું હતું અને એનું લોહી શીનાએ જ પીધું હતું, એ વાતમાં કોઈ શંકા નહોતી.

'શીના દર મહિને એક માણસનું લોહી પીતી હતી એ વાતે જિગરને બેચેન બનાવ્યો હતો. આનો મતલબ શીના ખતરનાક હતી, પણ એ પણ તો એક હકીકત હતી કે હજુ સુધી શીનાએ તેને કોઈ નુકસાન પહોંચાડયું નહોતું. શીનાએ તેને ફાયદો જ કરાવી આપ્યો હતો.

'શીના હકીકતમાં કોણ હતી?! એ એક અલા-બલા-પિશાચિની હતી? અસલમાં એ કેવી લાગતી હશે?! શું અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળે છે, એવી એ ભયાનક હશે? શું એનો ચહેરો કદરૂપો હશે?! એના દાંત લાંબા ને મોઢાની બહાર નીકળી આવેલા હશે?! એના હાથના નખ લાંબા અને અણીદાર હશે?!'

'જિગર!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયોે: 'શું વિચારમાં પડી ગયો છે?!'

'મને એવો વિચાર આવ્યો કે, તું કેવી લાગતી હશે?!' જિગરે કહ્યું.

શીનાનો હસવાનો અવાજ સંભળાયો : 'પછી તેં અનુમાન કર્યું કે, હું કેવી લાગતી હોઈશ?!'

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.

'સાચું કહે, તારા મગજમાં એવો વિચાર આવ્યો ને કે, હું ખૂબ જ ભયાનક લાગતી હોઈશ !'

જિગરે શીનાના આ સવાલનો જવાબ ખાઈ જતાં  સવાલ કર્યો : 'શીના ! હું તારો અવાજ સાંભળી શકું છું એમ શું હું તને જોઈ ન    શકું ?'

'જિગર!' શીનાનો હસવાનો અવાજ સંભળાયો, 'શું તારે ખરેખર મને જોવી છે ?!'

'હા!' જિગરનું હૃદય ધડકી ઊઠયું.

'...તો તારી આંખો બંધ કર, અને....' શીનાનો અવાજ આવ્યો : '....કલ્પનાની આંખે મને જો.'

જિગરે આંખો મીંચી અને એ સાથે જ તેની બંધ આંખો સામે તેના માથા પર સવાર થયેલી શીના તરવરી ઊઠી. તેણે ધારી હતી એના કરતાં શીના એકદમ જુદી જ દેખાતી હતી. શીના ભયાનક નહિ, પણ બલાની ખૂબસૂરત દેખાતી હતી. શીના લાંબી-પાતળી હતી. એનો ચહેરો ગોળ હતો અને આંખો મોટી-મોટી અને માંજરી હતી. એના કાળા અને રેશમી વાળ ખૂબ જ લાંબા હતા. એ પોતાના લાલ હોઠ વંકાવીને મુસ્કુરાઈ રહી હતી.

'બોલ, જિગર!' શીનાએ જિગરને પૂછયું : 'હું કેવી લાગું છું ?!'

'તું કોઈ પ્રેતાત્મા કે અલાબલા જેવી બિલકુલ લાગતી નથી.' જિગરે કહ્યું.

શીના ખિલખિલ હસી પડી, ત્યાં જ ટ્રેન ધીમી પડી.

જિગરે આંખો ખોલી અને બારી બહાર નજર નાંખી. કોઈ સ્ટેશન આવ્યું હતું. ટ્રેન ઊભી રહી. ચોથી પળે જ તેના ડબાનો દરવાજો ખોલીને એક ઊંચો-તગડો યુવાન અંદર આવ્યો અને તેની બાજુના કમ્પાર્ટમેન્ટમાં ચાલ્યો ગયો.

ટ્રેન પાછી ઊપડી અને પાછી પોતાની સ્પીડ પકડી, એ સાથે જ જિગરના કાને શીનાનો અવાજ સંભળાયો : 'જિગર !'

જિગરે આંખો મીંચી અને કલ્પનાની આંખે જોયું તો શીના તેને બાજુના કમ્પાર્ટમેન્ટ તરફ આંગળી ચીંધતાં કહી રહી હતી : 'હમણાં સ્ટેશન પરથી ચઢીને બાજુના કમ્પાર્ટમેન્ટમાં જે યુવાન ગયો ને, એને તેં જોયો ને ? !'

'હા !'  જિગરે કહ્યું.

'મને એ ગમી ગયો છે !' શીના હસી : 'એ હમણાં બાથરૂમ જવા માટે ઊભો થાય અને દરવાજા પાસે પહોંચે એટલે તું એને ધકકો મારીને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેજે. હું એનું લોહી પીને પાછી તારા માથા પર આવી જઈશ.'

'ના !' બોલી ઊઠવાની સાથે જ િંજગરે પોતાની આંખો ખોલી નાંખી : 'હું...હંુ  આ કામ નહિ કરું. હજુ...હજુ ગઈકાલે રાતના જ તો તેં વિશાલનું ખૂન કરીને એનું લોહી પીધું છે. અને...અને તું તો કહેતી હતી કે, તારે મહિનામાં એકવાર માણસના લોહીની જરૂર પડે છે, પછી....'

'હા, પણ મેં કહ્યું ને કે, મને આ યુવાન ગમી ગયો છે. મને લાગે છે કે, આનું લોહી ખૂબ જ મજેદાર હશે. વળી પાછું મને આવું મજેદાર લોહી પીવા મળે કે ન મળે ?!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : '....એવું હશે તો હું આવતા મહિને લોહી પીવા માટે તારી પાસે કોઈ માણસને ખતમ નહિ કરાવુંં, બસ !'

'ના !' જિગર મકકમ અવાજે બોલી ઊઠયો : 'હું આ કામ નહિ કરું!' અને જિગર ઊભો થયો. એક નિર્દોષ યુવાનને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવાની શીનાની વાતથી જિગર બેચેન થઈ ઊઠયો હતો. ઍરકન્ડીશન્ડ ડબો હોવા છતાંય બેચેનીને કારણે તેના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો. તે ડબાના દરવાજા પાસે પહોંચ્યો. તેણે દરવાજો ખોલ્યો, એ સાથે જ પવન અંદર આવવા માંડયો. ટ્રેન રમરમાટ દોડી રહી હતી. જિગરે એક ઊંડો શ્વાસ લીધો અને તાજી હવા ફેફસામાં ભરી, ત્યાં જ તેની પાસેથી પેલો યુવાન પસાર થયો અને બાથરૂમમાં દાખલ થઈ ગયો.

'જિગર !' જિગરના માથેથી શીનાનો ઊતાવળિયો અવાજ સંભળાયો : 'હું હવે તારા માથેથી ઊતરીને જાઉં છું. હમણાં એ યુવાન બાથરૂમમાંથી બહાર નીકળે એટલે તુરત જ એને બહાર ધકકો મારી દેજે.'

'મેં તને ના પાડી ને કે, હું એને બહાર નહિ ફેંકું !' જિગર બોલી ઊઠયો.

'આમ તું ના પાડીશ એ હરગિઝ નહિ ચાલે.' શીનાનો ધારદાર અવાજ સંભળાયો : 'તારે મેં કહ્યું એમ કરવું જ પડશે !'

'ના-ના-ના ! હું હરિગઝ નહિ કરું !' જિગર મકકમ અવાજે બોલી ઊઠયો : 'જા..., તારાથી.... તારાથી થાય એ કરી લે !'

'એમ.., તો લે, જો !' શીનાનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો અને એ સાથે જ જાણે જિગરને બે અદૃશ્ય હાથોએ પકડીને અધ્ધર ઉઠાવ્યો અને પવનવેગે દોડી રહેલી ટ્રેનની બહાર ફેંકી દીધો.......

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

 (પ્રકરણ : ૫)

'તું મને ના નહિ પાડી શકે! તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે તારૃં મન હોય કે ન હોય, પણ તારે મારૃં કહ્યું માને જ છૂટકો છે!! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે!!!'' જિગરના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો,

એટલે જિગર વિચારમાં પડયો. જોકે, આમાં તેણે વિચારવા જેવું શું    હતું ? ! તે સપનામાં પણ વિશાલનું ખૂન કરી શકે એમ નહોતો. 'શીના !' જિગર મનમાં હિંમત એકઠી કરીને બોલ્યો : 'તારાથી થાય એ કરી લે, પણ એક વાત તો નકકી જ છે. હું કોઈ હાલતે વિશાલનું ખૂન નહિ કરૃં !'

'ઠીક છે.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જાણે તેના માથા પરનો ભાર હળવો થઈ ગયો. 'શીના ચાલી ગઈ લાગે છે.' મનોમન વિચારતાં જિગર બોલ્યો : 'શીના !'

શીનાનો કોઈ જવાબ સંભળાયો નહિ.

જિગરે રાહત અનુભવી. 'તેણે વિશાલનું ખૂન કરવાની ના પાડી એટલે શીના ચાલી ગઈ લાગે છે. સારૃં જ થયું હતું ! તે કંઈ માહીને મેળવવા માટે વિશાલને થોડો મોતને ઘાટ ઉતારી શકે ? !' તેણે વિચાર્યું અને મહેંદીની વાડની પેલી તરફ જોયું. અત્યારે બાંકડા પર માહી એકલી જ બેઠી હતી. વિશાલ ફરી પાછો કંઈક લેવા માટે ગયો હોય એમ લાગતું હતું.

જિગર ગાર્ડનમાંથી બહાર નીકળી જવા માટે ગાર્ડનના મેઈન ઝાંપા તરફ વળ્યો અને આગળ વધવા ગયો, ત્યાં જ તેના કાને અવાજ પડયો : 'જિગર !'

અને ચાર મહિના પછી આજે પહેલીવાર સંભળાયેલા માહીના અવાજને જિગરના કાન તુરત જ પિછાણી ગયા. તેના હૃદયના તાર ઝણઝણ્યા ને તેણે પાછું વળીને મહેંદીની વાડની પેલી તરફ જોયું, તો બાંકડા પાસે માહી  ઊભી હતી ને તેની તરફ જોઈ રહી હતી.

તેના પગ જાણે આપમેળે જ માહી તરફ ચાલ્યા. તે માહી પાસે પહોંચ્યો ત્યાર સુધીમાં માહીની આંખો ભીની થઈ ચૂકી હતી.

'જિગર!' માહીએ એકસાથે જ જિગરને ઘણાં બધાં સવાલ પૂછી નાંખ્યાઃ 'તું કયાં ગાયબ થઈ ગયો હતો આટલા દિવસથી?! તેં મારો મોબાઈલ કેમ ઉઠાવ્યો નહિ?! તું... તું મને મળવા કેમ આવ્યો નહિ?!'

'માહી!' જિગર ગમગીન અવાજે બોલ્યોઃ 'હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી. તેં સગાઈ કરી લીધી છે, અને...'

'મારે મજબૂરીને લીધે વિશાલ સાથે લગ્ન કરવા પડી રહ્યા છે.' માહી બોલી : 'વિશાલે પહેલાં મારા પપ્પા સાથે ધંધામાં પાર્ટનરશીપ કરી અને પછી એ મારા પપ્પા સાથે દગો કરીને, મારા પપ્પાના ધંધાદારી હરીફ સાથે મળી ગયો. મારા પપ્પાને માથે લાખ્ખો રૂપિયાનું દેવું આવી પડયું.' માહી સહેજ રોકાઈને આગળ બોલીઃ 'વિશાલે મને કહ્યું કે, એ મારા પપ્પાનું દેવું ભરી શકે એમ છે, પણ બદલામાં મારે એની સાથે લગ્ન કરવા પડશે. મારૃં મન નહોતું, પણ મારે વિશાલની વાત માન્યા વિના છૂટકો નહોતો.

'અચાનક માથે આવી પડેલા દેવાથી પપ્પાની હાલત કફોડી હતી. મને લાગ્યું કે, જો પપ્પા જલદીથી દેવામાંથી બહાર નહિ આવે તો તેઓ આપઘાત કરવા જેવું પગલું પણ ભરી શકે. અને એટલે મેં મારા પપ્પાની જિંદગી બચાવવા માટે તારી સાથે પરણીને જિંદગી જીવવાની ઈચ્છાને મારી નાંખી. હું વિશાલ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. મેં વિશાલ  સાથે સગાઈ કરી લીધી.' માહીના ગળે ડૂમો બાઝી ગયો : 'કદાચ..,' માહીએ ગળું ખંખેરતાં કહ્યું : '...મારા નસીબમાં આ જ લખાયેલું હશે.' અને આંખમાં આવી ગયેલા આંસુને લૂંછતાં માહીએ ઊતાવળા અવાજે કહ્યું : 'હવે તું જા. હમણાં વિશાલ આવતો જ હશે. એ ખૂબ જ શંકાશીલ છે. એ જો તને મારી સાથે ઊભેલો જોશે તો મને પરેશાન કરી નાંખશે.'

'માહી....'

'પ્લીઝ...,' માહી બીજી તરફ મોઢું ફેરવી ગઈ : '...તું જા, જિગર !'

'ભલે, પણ મેં ઘર બદલ્યું છે. તારૃં મન થાય તો મળવા આવી જજે.' અને જિગર નવા ઘરનું સરનામું બોલી ગયો, ત્યાં જ તેને દૂરથી વિશાલ આ તરફ આવતો દેખાયો. જિગર એક નિશ્વાસ નાંખતા ઝડપી પગલે ત્યાંથી આગળ વધી ગયો, તે મહેંદીની વાડ પાસે પહોંચ્યો, ત્યાં જ તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો. તેના માથે જાણે પંખીની અણીદાર ચાંચ વાગી અને પછી એકદમથી  તેનું માથું ભારે થઈ ગયું.

'...તો શીના પાછી આવી ગઈ !' જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'જિગર ! તેં સાંભળીને માહીની વાત. વિશાલે માહીને પામવા માટે માહીના પપ્પાને ફસાવ્યા અને એની સાથે માહીએ લગ્ન કરવા પડે એ માટે માહીને મજબૂર કરી. હવે જો તું તારા જીવથી પણ વહાલી માહીને પાછી મેળવવા માટે વિશાલનું ખૂન કરે તો એમાં ખોટું શું છે?!'

'પ્લીઝ! હું તારા હાથ જોડું છું, તું મને પરેશાન ન કર.' જિગરે હાથ જોડયાઃ 'હું મરી જઈશ, પણ વિશાલને નહિ મારૃં.' અને જિગર પોતાનું આ વાકય પુરૃં કર્યું, ત્યાં જ એકદમથી જ તેને ચકકર જેવું લાગ્યું અને તેની આંખ સામે અંધારાં છવાયા.

૦ ૦ ૦

જિગર નેચર ગાર્ડનના જમણી બાજુના ખૂણા પાસેની મહેંદીની વાડ પાસે ઊભો હતો.

તે વાડની પેલી તરફ બાંકડા પર બેઠેલી માહી અને એના ફિયાન્સ વિશાલ તરફ જોઈ રહ્યો હતો.

વિશાલે લાવેલું ઑરેન્જ જયૂસ માહીએ પી લીધું એટલે વિશાલે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું અને પછી માહીને કંઈક કહ્યું.

માહી ઊભી થઈ. વિશાલે માહીનો હાથ પોતાના હાથમાં લીધો અને પંપાળ્યો.

જિગર જોઈ રહ્યો.

માહીએ હળવેકથી વિશાલના હાથમાંથી પોતાનો હાથ સેરવી લીધો અને પછી ત્યાંથી આગળ વધી ગઈ. માહી એ બાજુ થોડાંક મીટર દૂર આવેલા નાના ઝાંપામાંથી બહાર નીકળી ગઈ, ત્યાર સુધી વિશાલ ત્યાં જ ઊભો રહ્યો. પછી વિશાલ ગાર્ડનના પાછળના ભાગ તરફ આગળ વધ્યો.

જિગર લાંબા ડગ ભરતો વિશાલ પાછળ સરકયોે. સાંજના સવા સાત વાગ્યા હતા. સાંજ સરકી ચૂકી હતી અને રાતનું અંધારૃં ઊતરી આવ્યું હતું. ગાર્ડનની લાઈટો ચાલુ થઈ ચૂકી હતી. આસપાસમાં અત્યારે કોઈ જ નહોતું.

'વિશાલ!' જિગરે કહ્યું, એટલે તેનાથી થોડાંક પગલાં આગળ ચાલી રહેલો વિશાલ ઊભો રહી ગયો અને એણે જિગર તરફ જોયું.

જિગર વિશાલની નજીક પહોંચીને ઊભો રહ્યો.

'બોલો, શું હતું?' વિશાલે સવાલભરી નજરે જિગરના ચહેરા તરફ જોઈ રહેતાં પૂછયું.

'વિશાલ!' જિગર ધારદાર અવાજે બોલ્યોઃ 'તું જે માહીને પરણવા માંગે છે ને, એને હું પ્રેમ કરૃં છું. માહી મારી છે!!'

'શું બકે છે, તું..?!' વિશાલ રીતસરનો ગર્જી  ઊઠયો : '...કોણ છે, તું ?!'

'તારૃં મોત!' અને આટલું કહેતાં જ જિગરે પોતાના બન્ને હાથે વિશાલનું ગળું પકડી લીધું અને જોરથી ભીંસ્યું.

'તારી તો...' કહેતાં વિશાલે પોતાના મજબૂત હાથથી જિગરના હાથની પકડ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરે એવી રીતના વિશાલનું ગળું ભીંસી રાખ્યું હતું કે, વિશાલ જિગરના હાથ છોડાવી શકયો નહિ અને વિશાલનો શ્વાસ રૃંધાવા માંડયો. વિશાલની આંખોમાં લાલાશ ઊતરી આવી. એનો જીવ ગળે આવી ગયો અને ત્રીજી જ પળે એનો જીવ નીકળી ગયો.

જિગરે વિશાલનું ગળું છોડી દીધું. વિશાલ જમીન પર ઢળી પડયો.

'હં..!' જિગરે વિશાલને લાત મારી : '...મારી  માહી સાથે પરણવા આવ્યો હતો ! પણ મેં તને મોત સાથે જ પરણાવી દીધો! હા!' અને જિગર ત્યાંથી ઝડપી પગલે ગાર્ડનની બહારની તરફ આગળ વધી ગયો.

               ૦ ૦ ૦

જિગરની આંખ આગળથી અંધારાં દૂર થયાં અને તેણે જોયું તો તે પોતાના ઘરના સોફા પર બેઠો હતો.

તેણે માથું ઝટકયું. તેને ચકકર જેવું લાગ્યું હતું અને તેની આંખે અંધારા છવાયા હતા, ત્યારે તે નેચર ગાર્ડનમાં ઊભો હતો, પણ ત્યાંથી તે ઘરે કયારે અને કેવી રીતના આવી ગયો હતો એ જ તેને ખબર નહોતી!

તેણે સામે ટીંગાતી દીવાલ ઘડિયાળમાં જોયું. એમાં રાતના નવ વાગ્યા હતા.

તે નેચર ગાર્ડનમાં ઊભો હતો ત્યારેે તેના માથે સવાર થયેલી શીનાએ તેને માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરી નાંખવાનું કહ્યું હતું અને તે શીનાને ''તે મરી જશે પણ વિશાલને નહિ મારે,'' એવું કહીને ગાર્ડનની બહાર નીકળી જવા ગયો હતો, ત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા અને એ વખતે જ તેને ચકકર જેવું લાગ્યું હતું ને તેની આંખે અધારાં છવાઈ ગયા હતા. બસ, એ પછી શું થયું હતું ? ! એ પછીના સાતથી નવ વાગ્યાના આ બે કલાક કયાં અને કેવી રીતના વિત્યા હતા ? !  તે ગાર્ડનમાંથી કયારે અને કેવી રીતના ઘરે આવ્યો હતો અને મેઈન દરવાજો ખોલીને કયારે આમ સોફા પર આવીને બેઠો હતો એ વિશે તેને કંઈ કહેતાં કંઈ જ ખબર નહોતી-કંઈ જ ખ્યાલ નહોતો.

જોકે, અત્યારે તેના મને એક વાતની રાહત અનુભવી.

અદૃશ્ય શક્તિ શીનાએ તેને માલદાર બનાવ્યો હતો અને તે માહીને આસાનીથી પામી શકે એ માટે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરવા માટે શીનાએ તેને લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે લલચાયો નહોતો.

શીના તેને માહીની લાલચ આપીને તેની પાસે વિશાલનું ખૂન એટલા માટે કરાવવા માંગતી હતી કે, એ વિશાલનું લોહી પી શકે! પણ તે એટલો બધો સ્વાર્થી કે નિર્દય થોડો હતો કે શીનાની વાત માની લે ?! શીનાએ પોતાની શક્તિથી તેને આટલો માલદાર બનાવ્યો હતો એ વાતની ના નહિ, પણ એનો મતલબ એ થોડો હતોે કે, તે શીના લોહી પી શકે એ માટે દર મહિને એક માણસનું ખૂન કરેે અને એની શરૂઆત માહીના ફિયાન્સ વિશાલથી કરે?!

ટૂંકમાં અદૃશ્ય શક્તિ શીનાએ તેની પાસે સમજાવટથી અને જોર-જબરજસ્તીથી માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેણે શીનાની વાત માની નહોતી. અને એટલે શીના તેની પર નારાજ થાય એ હકીકત હતી ! અને નારાજ થયેલી શીના તેની સાથે આગળ કેવું વર્તન કરશે ? એ કંઈ કહેવાય એમ નહોતું.

જોકે, એની તેેને ચિંતા નહોતી ! તેણે શીનાની વાત માની નહોતી અને એ બદલ શીના તેની સાથે જે કંઈ પણ કરે, તે એ ભોગવવા માટે તૈયાર હતો !

           ૦ ૦ ૦

જિગરની આંખ ખૂલી ત્યારે સવારના સવા નવ વાગવા આવ્યા હતા.

તે બ્રશ કરી, નાહીને ફ્રેશ થયો. તે આટલો માલદાર થયો પણ તેણે નોકર-ચાકર રાખ્યા નહોતા. તે સવારના પોતાના હાથે ચા બનાવી લેતો અને ચા-બિસ્કીટ ખાઈ લેતો. બપોર અને રાતનું જમણ તેે મન અને મૂડ પ્રમાણેની હોટલમાં ખાઈ લેતો.

રોજ મુજબ આજે પણ તે દરવાજા બહાર પડેલું છાપું લઈને સોફા પર બેઠો. બિસ્કીટનો ટુકડો મોઢામાં મૂકીને, ચાની ચુસ્કી લેતાં તેણે છાપમાં નજર ફેરવવા માંડી.

પહેલા પાના પર, નીચેના ભાગમાં છપાયેલા સમાચારના હેડીંગ પર તેની નજર પડી.

'રહસ્યમય સ્થિતિમાં મળી આવેલી એક બીજી લાશ.'

અને આ મથાળાની નીચે જ લાશનો ફોટો છપાયેલો હતો અને લાશના ચહેરા પર નજર  પડતાં જ જિગરનો 'ચા'નો કપ પકડાયેલો હાથ ધ્રૂજ્યો. તેણે છાપા પરથી નજર હટાવ્યા વિના જ ટેબલ પર ચાનો કપ મૂકી દીધો.

એ લાશનો ફોટો વિશાલનો હતો! એ વિશાલની લાશ હતી! માહીના ફિયાન્સ વિશાલની લાશ!!

જિગરેે વિશાલની લાશના ફોટા પરથી નજર હટાવી અને એની લાશને લગતા સમાચાર પર ઝડપી નજર ફેરવી ગયો. લાંબા લચ એ સમાચારનો ટૂંકસાર આ પ્રમાણે હતો.

વિશાલનું ખૂન નેચર ગાર્ડનના પાછળના ભાગમાં થયું હતું. એની લાશ એ બાજુની મહેંદીની વાડ પાસેથી મળી આવી હતી. વિશાલના શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવ્યું હોય એમ એની લાશ એકદમ પીળી-ફીકકી પડી ગઈ હતી. એની ગરદન પર બે હોલ પડેલા હતા. એમાંથી લોહી વહી ગયું હોય એમ લાગતું હતું, પણ અગાઉ મળી આવેલી મેનેજર ધવનની લાશની જેમ જ વિશાલની લાશની નજીકમાંથી લોહીનું એક ટીપું પણ વહી ગયેલું જોવા મળ્યું નહોતું.

મેનેજર ધવન પછી મળી આવેલી વિશાલની આ લાશથી સબ ઈન્સ્પેકટર બાજવા ખૂની પર રોષે ભરાયો હતો અને એેણે પત્રકારો સમક્ષ, ''એ પોતે વહેલી તકે ખૂનીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેશે,'' એવી વાત કરી હતી.

જિગરે છાપું બાજુ પર મૂકયું. તેના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો. 'કાલ સાંજે નેચર ગાર્ડનમાં તેણે તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાને વિશાલનું ખૂન કરવા માટેની ના પાડી દીધી હતી એ પછી શું શીનાએ વિશાલને ખતમ કરી નાંખ્યો હતો ? !' જિગરના મગજનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ  જિગરના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને તેના માથા પર પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું અને પછી એકદમથી તેના માથા પર વજન-વજન લાગવા માંડયું. 'તો...' જિગરે વિચાર્યું, 'એ અદૃશ્ય શક્તિ શીના આવી ગઈ.'

'જિગર...' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : '...તું વિશાલના મોતથી આટલો દુઃખી કેમ થઈ ગયો છે ? ! વિશાલનું....'

'તો...,' જિગર ધૂંધવાટભેર બોલી ઊઠયો : '...છેવટે તેં જ વિશાલને મારી નાંખ્યો ને ? !'

'ના ! મેં વિશાલને નથી માર્યો, પણ...' જિગરના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : '...પણ તેં જ વિશાલનું ખૂન કર્યું છે !'

'....ખોટી બકવાસ ન કર.' જિગર સોફા પરથી ઊભો થઈ ગયો : 'મેં તો તને વિશાલનું ખૂન કરવા માટેની ઘસીને ના...'

'હા, પણ તેં જ વિશાલનું ખૂન કર્યું છે, એવી સાબિતી હું તને બતાવું તો ? !'

'મેં....મેં વિશાલનું ખૂન કર્યું છે, એવી સાબિતી...?!' જિગરનું મગજ ગુસ્સાથી ફાટવા માંડયું : '...તું...તું શું બકી રહી છે?!'

'તારા ખિસ્સામાંથી તારો મોબાઈલ ફોન કાઢ અને એમાંની છેલ્લી વીડિયો કલીપ જો!' જિગરના માથા પરથી શીનાનો અવાજ આવ્યો, એટલે જિગરેે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો ને કંપતા હાથે મોબાઈલ ફોનની સ્વીચ દબાવીને છેલ્લી વીડિયો કલીપ ચાલુ કરી.

મોબાઈલના સ્ક્રીન પર તે નેચર ગાર્ડનમાં વિશાલનો પીછો કરી રહ્યો છે એ દૃશ્ય દેખાવા માંડયું.

તે આંખો ફાડીને જોઈ રહ્યો.

મોબાઈલના સ્ક્રીન પર તેણે વિશાલના નામની બૂમ પાડીને વિશાલને રોકયો. તે વિશાલ પાસે પહોંચ્યો. તે માહીને પ્રેમ કરે છે, અને માહી તેની જ છે, એવી ડાયલૉગબાજી કરીને તેણે વિશાલનું ગળું ભીંસ્યું. વિશાલનો જીવ નીકળી ગયો અને વિશાલ ઢળી પડયો. 'હં..! મારી માહી સાથે પરણવા આવ્યો હતો ! પણ મેં તને મોત સાથે જ પરણાવી દીધો ! હા !' કહેતાં તેણેે વિશાલને લાત મારી અને ત્યાંથી ગાર્ડનની બહારની તરફ આગળ વધી ગયો.

અને આ સાથે જ વીડિયો કલીપ પૂરી થઈ.

જિગર પૂતળાની જેમ બેસી રહ્યો. તે રીતસરનો પરસેવાથી જાણે નાહી ગયો હતો !

'જિગર !' તેના માથા પરથી અદૃશ્ય શક્તિ શીનાનો હસવાનો અવાજ સંભળાયો : 'હવે તો તને મારી વાત પર વિશ્વાસ બેઠો ને કે, તેં જ વિશાલનું ખૂન કર્યું છે !'

જિગરે ફરી મોબાઈલનું બટન દબાવ્યું અને તે વિશાલનું ખૂન કરી રહ્યો છે, એ રેકોર્ડિંગ ફરીથી જોવા માંડયો.

'તે તો નેચર ગાર્ડનમાં માહીથી છૂટો પડયો પછી ઘરે જ આવ્યો હતો, પછી તે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કેવી રીતના કરી શકે ? ! આ...આ કેવી રીતના બન્યું હોઈ શકે?!!' જિગર મૂંઝવણમાં પડયો, ત્યાં જ ડૉરબેલ ગાજી ઊઠી, ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ!!!

'જિગર !' જિગરના માથેથી શીનાનો અવાજ આવ્યો : 'બહાર પોલીસ આવી છે ! વિશાલના ખૂનીને શોધવા માટે ! !  ઊભો થા અને દરવાજો ખોલ!!!'

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

 (પ્રકરણ : ૪)

'હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ. હું તારૃં આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને મારૃં કામ કરી આપવું પડશે !' જિગરના માથેથી અરૂશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો,

એટલે પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે જિગરે અરૂશ્ય યુવતીને પૂછયું : 'મારે., મારે તારૃં કયું કામ કરી આપવું પડશે?'

'સમય આવશે ત્યારે હું તને કહીશ.' જિગરના માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'પણ અત્યારે તારે મને વાયદો કરવો પડશે. હું તારૃં કામ કરી આપીશ અને બદલામાં તારે મારૃં કામ કરવું પડશે. બોલ, તૈયાર છે?!'

જિગર વિચારમાં પડયો. માહી જો મળતી હોય તો એના બદલામાં આ અરૂશ્ય યુવતીનું કામ કરવા માટે રાજી થવું?! પણ એ કામ શું હશે ? ! અરે ! આ સવાલ પહેલાં એક મોટો પ્રશ્ન તો એ હતો કે, માહીના અબજોપતિ પિતા દેવરાજશેઠ પોતાની એકની એક દીકરી માહીના લગ્ન તેના જેવા મુફલિસ સાથે કરી આપવા માટે કોઈ હાલતે તૈયાર થાય એમ નહોતા.

તેની માહી સાથે મુલાકાત કૉલેજમાં થઈ હતી અને તે માહીના પ્રેમમાં પડયો હતો. માહી પણ તેને પ્રેમ કરવા લાગી હતી.

તે કૉલેજ પૂરી થયા પછી પણ માહીને હળતો-મળતો રહેતો હતો અને માહી સાથે લગ્ન કરવાના સોનેરી સપના સેવતો હતો. પણ ચાર મહિના પહેલાં માહીના પિતા દેવરાજશેઠને તેના અને માહીના પ્રેમ પ્રકરણની ખબર પડી ગઈ હતી. અને ત્યારે એમણે કોઈ ફિલ્મી બાપની   જેમ જ એક ખતરનાક ગુંડાને એના ચાર હટ્ટા-કટ્ટા ફોલ્ડર સાથે તેની પાસે મોકલ્યો હતો.

ખતરનાક ગુંડાએ તેની ગરદન પર ચપ્પુની અણી મૂકતાં તેને ધારદાર ધમકી આપી હતી : ''છોકરા ! આજ પછી હવે દેવરાજશેઠની દીકરી માહીને મળવાની વાત તો દૂર રહી, પણ સપનામાંય જો તેં એનું નામ લીધું છે, તો તું કયારે મરી જઈશ એનીય તને ખબર નહિ પડે.'' અને એ ગુંડાએ પોતાની આ ધમકી કેટલી હદે સાચી સાબિત થઈ શકે એમ છે ? એનો  પરચો બતાવવા માટે તેની ગરદન પર ચપ્પુની અણીથી ઘસરકો કરી દીધો હતો. તેનો જીવ ગળે આવી ગયો હતો.

''છોકરા ! તું હજુ નવો-નવો જુવાન થયો છે, એટલે તારૃં લોહી ઊછાળા મારતું હશે. પણ મેં દુનિયા જોઈ છે અને એટલે જતાં-જતાં તને એક સલાહ આપતો જાઉં છું.'' એ ગુંડાએ કહ્યું  હતું : ''મજનુ-મહિવાલ કે રાંઝા જેવા 'લવ'પણામાં ન પડતો. માહી સાથે તારો કોઈ મેળ મળે એમ નથી. એને ભૂલીને તારા લેવલની કોઈ છોકરી સાથે પરણી જજે. માહી માટે મોતને ગળે લગાડવાને બદલે કોઈ ગરીબ છોકરીને ગળે વરમાળા પહેરાવીને સુખેથી જિંદગી જીવી નાંખજે.'  અને એ ગુંડો આવ્યો હતો એટલા જ રૂઆબ સાથે પોતાના ચાર ચમચા સાથે બહાર નીકળી ગયો હતો.

તે કેટલીય વાર સુધી બાઘાની જેમ બેસી રહ્યો હતો.

તેને માહી પસંદ હતી, પણ તે જિંદગીને પણ નફરત નહોતો જ કરતો. માહીને તે ભૂલી શકે એમ નહોતો, પણ જો તેણે જીવવું હોય તો માહીને ભૂલ્યા વિનાય છૂટકો નહોતો.

અને તેણે એ જ દિવસથી માહીને મળવાનું, માહી સાથે મોબાઈલ ફોન પર વાત કરવાનું બિલકુલ જ બંધ કરી દીધું હતું.

પણ વચ્ચે તેને ઝડપથી માલદાર બનીને પછી માહીને પરણવાનો વિચાર આવ્યો હતો અને એટલે તે જુગારની  કલબમાં પહોંચી ગયો હતો. પણ તે પોતાની પાસેની મૂડી પણ હારી ગયો હતો.

એવામાં અત્યારે હવે તેના માથા પર સવાર થયેલી કોઈ બલા-કોઈ અરૂશ્ય શક્તિ તેને કહી રહી હતી કે, એ માહીને તેની પત્ની, તેની જિવનસાથી બનાવી શકે એમ છે.

'...વિચારે છે, શું જિગર ? ! !' જિગરના કાને અરૂશ્ય યુવતીનો અવાજ પડયો, એટલે તે વિચારોમાંથી બહાર આવ્યો.

'માહી જો તને મળતી હોય તો એની સામે તારા માટે કોઈ કામ અઘરૃં નથી.'

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.

'જિગર ! તારી આ ચુપકીદીને હું તારી 'હા' માની લઉં છું.' અરૂશ્ય યુવતીનો હસવાનો અવાજ આવ્યો : 'અને અત્યારથી જ આપણે આ માટેની કામગીરી શરૂ કરી દઈએ છીએ. ચાલ તૈયાર થઈ જા.'

'કેમ ? કયાં જવાનું   છે ? !'

'તું તૈયાર તો થઈ જા.' અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો.

જિગરને થયું, અરૂશ્ય યુવતીની વાત માનવામાં કોઈ નુકશાન નથી લાગતું. એ કહે છે એમ જો ખરેખર તેને માહી મળી જાય તો તેને બીજું જોઈએ શું ? ! !

તે ઊભો થયો. તેણે શર્ટ બદલ્યું.

'તારા પગારના સાત હજાર રૂપિયા સાથે લઈ લે.' તેના માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો.

'તો એ અરૂશ્ય યુવતીને તેના પગારની પણ ખબર હતી !' વિચારતાં જિગરે કબાટમાંથી પગારનું સાત હજાર રૂપિયાનું કવર લીધું અને ખિસ્સામાં મૂકયું. તેણે શૂઝ પહેર્યા અને મેઈન દરવાજે લૉક લગાવીને બહાર નીકળ્યો.

'મોટરસાઈકલ 'વીનર કલબ'માં લઈ લે !' માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો, એટલે જિગર બોલી ઊઠયો : '...એ તો જુગારની કલબ...'

'મને ખબર છે !' અરૂશ્ય યુવતીનો અવાજ  સંભળાયોે : 'તારે ત્યાં તારી પાસેના આ રૂપિયાથી દાવ ખેલવાના છે.'

'ના !' જિગર બોલી ઊઠયો : 'અગાઉ હું જલદી માલદાર થઈને માહીને પરણવા માટે એ કલબમાં જુગાર રમવા જઈ ચૂકયો છું અને એમાં મારી બધી મૂડી હારી...'

'...આજે તું નહિ હારે !' અરૂશ્ય યુવતીનો વિશ્વાસભર્યો અવાજ સંભળાયો : 'હું તારી સાથે છું. મારી પર ભરોસો રાખ. તારી જીત જ થશે.'

'ઠીક છે.' કહેતાં જિગર મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલ 'વીનર કલબ' તરફ દોડાવી મૂકી.

તે કલબમાં દાખલ થયો, ત્યારે રાતના દસ વાગવા આવ્યા હતા.

ચાર કલાક પછી, રાતના બે વાગ્યે તે કલબની બહાર નીકળ્યો, ત્યારે તે હવામાં ઊડી રહ્યો હતો. તેને સપના જેવું લાગતું હતું. તે સાત હજાર રૂપિયા લઈને કલબમાં દાખલ થયો હતો અને અરૂશ્ય યુવતીના કહેવા પ્રમાણે તે દાવ લગાવતો ગયો હતો અને જીતતો ગયો હતો. તે પૂરા પાંચ લાખ રૂપિયા જીતીને બહાર નીકળ્યો હતો.

તે મોટરસાઈકલ પર સવાર થયો અને મોટર-સાઈકલને ઘર તરફ દોડાવી.

તેના માથે સવાર થયેલી અરૂશ્ય યુવતી જે કોઈ પણ હતી, પણ એણે માનવામાં ન આવે એવી રીતના તેને પાંચ લાખ રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો હતો. તેને મહેનત કરીને પગારના આટલા રૂપિયા મેળવવામાં સાત વરસ જેટલો સમય નીકળી જાય એમ હતો અને આ અરૂશ્ય યુવતીએ પોતાની અજબ શક્તિથી તેને ચાર જ કલાકમાં આટલા રૂપિયા મેળવી આપ્યા હતા !

જિગરે ઘરે પહોંચીને કબાટમાં પાંચ લાખ રૂપિયા મુકયા અને કબાટને તાળું માર્યું ત્યાં જ તેના માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ આવ્યો : 'જિગર ! તું ખુશ થયો ને !'

'હા ! સવાલ જ નથી ને !' જિગર આનંદભર્યા અવાજે બોલ્યો : 'હવે તું મને એ કહે, તું કોણ...'

'...એ વાત જવા દે. પણ હા..,' અરૂશ્ય યુવતીનો અવાજ આવ્યો : 'હું તને મારૃં નામ જરૂર જણાવી દઉં છું. મારૃં નામ શીના છે.'

'શીના !' જિગર બોલ્યો : 'તેં ખરેખર કમાલ કરી.'

'આ તો હજુ શરૂઆત છે.' અરૂશ્ય યુવતી-શીના  હસી : 'બસ, આજની જેમ જ હું જેમ કહેતી જાઉં એમ તું કરતો જા. એક મહિનામાં જો હું તને કયાંનો કયાં પહોંચાડી દઉં છું !'

'હા, પણ માહી સાથેના મારા લગ્ન....'

'પહેલાં તું થોડાંક રૂપિયા ભેગા કરી લે, પછી એનો વારો.' અરૂશ્ય યુવતી શીનાનો અવાજ સંભળાયો.

'ઠીક છે.' કહેતાં જિગર પલંગ પર લેટયો.

તે ગણતરીના કલાકોમાં એકસાથે આટલા બધાં રૂપિયા મેળવ્યાની ખુશી અને માહી સાથે લગ્ન થવાની આશામાં બરાબર ઊંઘી શકયો નહિ.

૦ ૦ ૦

જિગરના માથા પર અરૂશ્ય યુવતી શીના સવાર થઈ હતી એ વાતને આજે એક મહિનો વિતી ચૂકયો હતો.

એ અરૂશ્ય શક્તિ શીના આખરે કોણ હતી ? ! એનું રહસ્ય જિગર પામી શકયો નહોતો. જોકે, આ  એક મહિનામાં તે એટલું તો જરૂર જાણી ચૂકયો હતો કે એ અરૂશ્ય યુવતી શીનાની શક્તિ અપાર હતી. મહિનાના ટૂંકા ગાળામાં શીનાએ તેને કયાંનો કયાં પહોંચાડી દીધો હતો. માનવામાં આવે એવી વાત નહોતી પણ એ એક હકીકત હતી કે, શીનાએ તેને લખપતિ બનાવી દીધો હતો.

મહિના પહેલાં જિગર સાત હજાર રૂપિયાના પગારે કૉમ્પ્યુટર કંપનીમાં કામ કરતો હતો, પણ આજે તે લાખોનો માલિક બની ચૂકયો હતો. શીનાએ તેને આ બધી દોલત જુગારમાંથી અપાવી હતી. તે શીનાના કહેવા પ્રમાણે દાવ લગાવતો રહ્યો હતો અને જીતતો રહ્યો હતો અને કયાંનો કયાં પહોંચી ગયો હતો. આજે તે પોતાના એક રૂમ-રસોડાના મકાનમાંથી, બે બેડરૂમ, હૉલ-કીચનના લકઝુરિયસ બંગલામાં પહોંચી ગયો હતો. તેણે એક કાર પણ ખરીદી લીધી હતી.

હવે જિગરે હરવા-ફરવાની જૂની સસ્તી જગ્યાઓ અને ખાણીપીણીની સસ્તી હોટલો છોડી દીધી હતી અને રોજ સાંજે સૂટ-બૂટ પહેરીને કલબમાં જતો હતો. તે મોંઘી હોટલોમાં જ ખાણું ખાતો હતો.

કોઈના તો ઠીક, પણ ખુદ જિગરના પણ માનવામાં ન આવે એવું તેની સાથે બન્યું હતું. તેના માથે અરૂશ્ય શક્તિ ધરાવતી યુવતી શીના સવાર થઈ એ પછી તે જાણે સુખના સાગરમાં તરવા લાગ્યો હતો.

શીના તેની દરેક ઈચ્છા પૂરી કરતી હતી. તે જે માંગતો હતો એની એ વ્યવસ્થા કરાવી આપતી હતી. તે જે વિચારતો હતો એ શીના કરી આપતી હતી.

એ અરૂશ્ય શક્તિ શીના જ્યારે પણ તેના માથા પર સવાર થતી, ત્યારે તેના માથા પર વજન-વજન લાગતું. તેનું માથું ભારે રહેતું. અરૂશ્ય યુવતી જતી ત્યારે તુરત જ તેનું માથું એકદમ જ હલકું થઈ જતું. એ પાછી ફરતી ત્યારે તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાતો અને સાથે જ માથા પર પંખીની અણીદાર ચાંચ વાગ્યા જેવું લાગતું. અને પછી તેનું માથું ભારે થઈ જતું. તે સમજી જતો, એ અરૂશ્ય યુવતી શીના તેના માથા પર આવી ચૂકી છે.

આજ સવારે તેના માથા પરથી ચાલી ગયેલી શીના અત્યારે સાંજના સવા છ વાગવા આવ્યા હતા, પણ પાછી ફરી નહોતી.

તે ફિલ્મ જોવાના મૂડ સાથે બહાર નીકળ્યો અને મોટરસાઈકલ પર સવાર થયો, ત્યાં જ  તેના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને માથે પંખીની ચાંચ વાગી હોય અવું લાગ્યું અને પછી તુરત તેના માથે વજન-વજન લાગવા માંડયું. તે સમજી ગયો. એ અરૂશ્ય યુવતી શીના તેના માથા પર સવાર થઈ ચૂકી હતી.

'જિગર !' જિગરના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'મોટરસાઈકલ નેચર ગાર્ડન પર લઈ લે.'

'કેમ ? !' જિગરે પૂછયું.

'તું ચાલ તો ખરો !'

'ઠીક છે.' કહેતાં જિગરે મોટરસાઈકલને નેચર ગાર્ડન તરફ દોડાવી. જિગરને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે, અરૂશ્ય યુવતી શીના જે કંઈ કરતી હતી એ તેના ફાયદા માટે જ કરતી હતી એટલે તે વધુ પૂછપરછ કરતો નહોતો. શીનાનો હુકમ તે ચુપચાપ માથે ચઢાવતો હતો.

તેણે નેચર ગાર્ડનના પાર્કિંગમાં મોટરસાઈકલ પાર્ક કરી, ત્યારે સાંજના સાડા છ વાગવા આવ્યા હતા.

તે નેચર ગાર્ડનમાં દાખલ થયો. અઠવાડિયાના આજના ચાલુ દિવસે, સાંજના આ સમયે ગાર્ડનમાં પબ્લિક નહિ જેવી હતી.

'જિગર ! જમણી બાજુના કૉર્નરની મહેંદીની વાડ પાછળના ભાગ પાસે ચાલ.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો, એટલે જિગર એ તરફ આગળ વધ્યો.

તે એ ખૂણા પર આવેલી મહંેદીની વાડ પાસે પહોંચ્યો, ત્યાં જ તેની નજર વાડની પેલી તરફ પડી અને તેનું હૃદય આનંદના આવેગથી ઊછળી ઊઠયું.

ત્યાં બાંકડા પર માહી બેઠી હતી ! તે જેને દિલોજાનથી પ્રેમ કરતો હતો એ  માહી ! તે જેને પરણીને સુખી લગ્નજીવન જીવવાના સપના સેવતો હતો એ માહી !

તે માહીને આજે ચાર મહિના પછી જોઈ રહ્યો હતો ! પણ...પણ તેની માહી ગૂમસૂમ કેમ લાગતી હતી ? ! એના ચહેરા પર વિશાદના વાદળાં છવાયેલા હોય એમ કેમ લાગતું    હતું ? !

જિગર માહી તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'ના, જિગર ! હમણાં માહી પાસે ન જા. એનો મંગેતર વિશાલ આવી રહ્યો છે.'

'માહીનો ફિયાન્સ વિશાલ ? !' અને જિગર ચોંકી ઊઠયો. 'તો...તો તેની માહીએ તેને હંમેશ      માટે દિલમાંથી કાઢીને કોઈક બીજા સાથે સગાઈ કરી લીધી ? !' ત્યાં જ જિગરની નજર માહી પાસે આવેલા એક યુવાન પર પડી. એ યુવાને કપડાં તો સારા પહેર્યા હતા, પણ શરીરે કાળો અને પડછંદ હતો.

'આ...? !' જિગરે આ સવાલ અધૂરો જ છોડી દીધો અને તેના માથા પર સવાર થયેલી અરૂશ્ય યુવતી શીના તેના મનના સવાલને પામી ગઈ હોય એમ એનો જવાબ સભળાયો : 'હા, જિગર ! આ માહીનો ફિયાન્સ વિશાલ છે.'

જિગરથી એક નિશ્વાસ નંખાઈ ગયો. તે વિશાલ અને માહી તરફ જોઈ રહ્યો. વિશાલ માહીની લગોલગ બેઠો હતો અને માહી સાથે ગુસપુસભર્યા અંદાજમાં વાત કરતો એને પોતાના હાથે આઈસ્ક્રીમ કૉન ખવડાવી રહ્યો હતો.

જિગરનું દિલ બળી ઊઠયું.

'સાચું કહે, જિગર!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયોઃ 'માહી સાથે તારી જગ્યાએ વિશાલને બેઠેલો જોઈને તારૃં દિલ બળી રહ્યું છે ને?'

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.

'તું એક કામ કર.' શીનાનો અવાજ આવ્યોઃ 'થોડીક વાર પછી વિશાલ માહીથી છૂટો પડે એટલે તું એને મારી નાંખ!'

'હેં...!?!' જિગર ખળભળી  ઊઠયો  : '...શું કહ્યું તેં ? !'

'મેં તને વિશાલને મારી નાંખવાનું કહ્યું!' શીનાનો અવાજ સંભળાયોઃ 'વિશાલ મરી જશે એટલે તારો રસ્તો સાફ થઈ જશે અને મારૃં પણ કામ બની જશે!'

'તારૃં..., તારૃં શું કામ બની જશે?!'

'..મને એનું લોહી પીવા મળી જશે!'

'શું?!' જિગર પગથી માથા સુધી થરથરી ઊઠયો.

'તારે આમ ચોંકી ઊઠવાની જરૂર નથી.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'માણસનું લોહી એ મારો ખોરાક છે. મને મહિનામાં ઓછામાં ઓછી એકવાર માણસના લોહીની જરૂર પડે છે. મારી જિંદગી માટે આ ખૂબ જ જરૂરી છે.'

'એ....એ ગમે તે હોય !' જિગર ધ્રુજતો હતો-તેનો અવાજ કંપતો હતો : 'હું..., હું વિશાલને નહિ મારૃં.'

'મેં તને આ રીતના માલામાલ કરતાં પહેલાં તારી પાસે વાયદો લીધો જ છે કે, હું તને પૈસાદાર બનાવીશ, માહીને તારી દુલ્હન-તારી પત્ની બનાવીશ અને બદલામાં તારી પાસે મહિને એક કામ કરાવીશ. અને એ કામ આ જ છે. તારે દર મહિને મારા માટે એક માણસના લોહીની વ્યવસ્થા કરવાની છે. અને....' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો :   '...અને આ વિશાલનું ખૂન તો તારા ફાયદા માટે જ છે. તું એને મારી નાંખીશ એટલે તારો રસ્તો સાફ  થઈ જશે અને પછી તું સહેલાઈથી માહીને પરણી શકીશ.'

'હા, પણ....' જિગરે છાતીમાં એક ઊંડો શ્વાસ ભરતાં કહ્યું : '...જો હું આ કામ ન કરૃં તો ? !'

'તું મને ના નહિ પાડી શકે !' તેના માથા પરથી અરૂશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : 'તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે તારૃં મન હોય કે ન હોય, પણ તારે મારૃં કહ્યું   માને જ છૂટકો છે ! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે ! !'

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

 (પ્રકરણ : ૩)

મલ્ટીપ્લેક્ષ થિયેટરના ટોઇલેટ-બાથરૂમમાં જિગર તેના બન્ને હાથે તેની કંપનીના મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો.

ધવનનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જિગરે આ રીતના તેનું ગળું ભીંસવા માંડયું હતું એના આંચકામાંથી બહાર આવતાં ધવને જિગરના હાથમાંથી પોતાનું ગળું છોડાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તેણે જિગરના બન્ને હાથ કાંડા પાસેથી પકડીને એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરના હાથની પકડ એટલી બધી મજબૂત હતી કે, એ જિગરના હાથને જરાય હલાવી શકયો નહિ. અને ઉપરથી જિગરે પોતાના હાથની ભીંસ ઓર વધારી. ધવનનો શ્વાસ ઓર વધુ રૂંધાવાની સાથે જ હવે એને એમ લાગ્યું કે, એનો જીવ નીકળી રહ્યો છે.

અને....,

....અને આની થોડીક પળોમાં જ ધવનનો જીવ નીકળી ગયો. એના હાથ-પગ બિલકુલ જ ઢીલા થઈ ગયા.

જિગરે ધવનનું ગળું છોડી દીધું અને એ સાથે જ ધવન જાણે 'રૂ'નો બનેલો હોય એમ જમીન પર ઢગલો થઈ ગયો.

જિગર ટોઇલેટના મેઈન દરવાજા તરફ વળ્યો અને દરવાજો ખોલીને બહાર નીકળ્યો.

અને આની સાતમી પળે જ જિગરના કાનમાં સાઈરન ગૂંજી ઊઠી. તે કોઈ બીજી જ દુનિયામાંથી એકદમથી જ પાછો આ દુનિયામાં ખેંચાઈ આવ્યો હોય એમ ઝબકયો અને તેની નજર સામે, થિયેટરના મોટા પડદા પર પડી.

પડદા પર પોલીસની એક જીપ સાઈરન વગાડતી, પવનવેગે આગળ દોડી જઈ રહેલી વિલનની કારનો પીછો કરી રહી હતી !

જિગર મૂંઝવણમાં પડયો.

તે મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો છે, એનું ખૂન કરી રહ્યો છે, એવું દૃશ્ય તેની નજર સામે    કેવી રીતના તરવરી  ઊઠયું ? ! તે તો ફિલ્મ..., અરે  તે તો આ થયેટરની બહારના હૉલમાં બેઠો હતો અને તે બાથરૂમમા ગયેલો મેનેજર ધવન બાથરૂમમાંથી બહાર નીકળે એ પહેલાં જ આ થિયેટરમાં દાખલ થઈ જવા માટે સીટ પરથી ઊભો થયો હતો, પણ ત્યાં જ તેના કાને જાણે કોઈ પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો હતો અને બીજી જ પળે તેના માથે જાણે એ પંખીની ભાલા જેવી અણીદાર ચાંચ ભોંકાઈ હતી ! ! ! અને બસ, અને બસ પછી તે કયારે હૉલમાંથી આ થિયેટરના દરવાજામાં દાખલ થઈને અહીં આ સીટ પર આવીને બેસી ગયો હતો, એ જ તેને ખબર નહોતી.

તેણે ફરી સામેના પડદા પર જોયું. હજુ પોલીસ અને વિલન વચ્ચે જીપ અને કારમાં ભાગદોડ ચાલી રહી હતી.

તેણે ધવનને જોવા માટે થિયેટરમાં નજર ફેરવી, પણ અંધારું એટલું હતું કે તેને કોઈનોય ચહેરો બરાબર સૂઝતો-વર્તાતો નહોતો.

તેણે સામે પડદા પરની ફિલ્મમાં પોતાનું ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થઈ શકયો નહિ.

ફિલ્મનો ઈન્ટરવલ પડયો, તે ચહેરો નીચો રાખીને બેસી રહ્યો. તે ધવન સાથે તેની નજર મળે અને તેણે ઊભા થઈને એની પાસે જઈને એની સાથે વાત કરવી પડે એવું ઈચ્છતો નહોતો.

થોડીક વારમાં જ ઈન્ટરવલ પછીની ફિલ્મ શરૂ થઈ અને ફિલ્મ કલાઇમેક્સ પર પહોંચી, ત્યાં સુધી જિગરની નજર પડદા પર હતી અને મન બીજે જ ભટકતું હતું.

ફિલ્મ પૂરી થઈ, એટલે તે  આસપાસમાં જોવા રોકાયા વિના જ, બહાર નીકળી રહેલા પ્રેક્ષકો સાથે બહાર નીકળ્યો. પાર્કિંગમાં આવ્યો. મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલને પાર્કિંગની બહાર કાઢીને ઘર તરફ દોડાવી મૂકી.

તે ઘરે પહોંચ્યો તો રાતના સાડા દસ વાગવા આવ્યા હતા.

તે પલંગ પર લેટયો. તેણે આંખો મીંચી, ત્યાં જ તેની નજર સામે, તે મલ્ટીપ્લેક્ષ થિયેટરના બાથરૂમમાં મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો એ દૃશ્ય તાજું થઈ ગયું.

તેને થયું, શું તે મેનેજર ધવનને એટલી હદે નફરત કરતો થઈ ગયો હતો કે, તે ધવનને આ રીતના ખતમ કરી રહ્યો છે, એવા ખતરનાક દિવાસ્પ્વપ્ન જોવા માંડયો  હતો ? !

       ૦ ૦ ૦

બીજા દિવસે સવારના જિગરે પોતાની કંપનીની ઑફિસમાં પગ મૂકયો અને દીવાલ ઘડિયાળમાં જોયું તો બરાબર સાડા નવ વાગ્યા હતા.

તે આજે એકદમ ટાઈમસર હાજર થઈ ગયો હતો, એવી મનમાં નિરાંત અનુભવતાં પોતાની ખુરશી પર બેઠો, ત્યાં જ તેના બાજુના ટેબલ પર બેસતા સાથી કર્મચારી અરૂણનો ધીમો અવાજ સંભળાયો : 'જિગર...!'

જિગરે અરૂણ તરફ જોયું, એટલે અરૂણે કહ્યું : '...એક ચોંકાવનારા સમાચાર છે!'

'...ચોંકાવનારા સમાચાર..?' એવો વળતો સવાલ જિગર પૂછે એ પહેલાં જ અરૂણે આગળ કહ્યું : '...ધવન સાહેબનું ખૂન થઈ ગયું છે?!'

'શું ? !' જિગરના મોઢેથી આંચકા અને આઘાતભર્યો આ શબ્દો સરી પડયા : '...કેવી રીતના?!'

'...ખબર નથી, પણ હમણાં થોડીક વાર પહેલાં સબ ઈન્સ્પેકટર બાજવાનો ફોન હતો.' અરૂણે કહ્યું : 'એમણે આપણાં આખાય સ્ટાફને અહીં રોકી રાખવાનું કહ્યું છે. બસ, તેઓ હમણાં આવવા જ જોઈએ.'

અને અરૂણનું આ વાકય પૂરું થયું, ત્યાં જ જિગરની નજર મેઈન ડૉરમાંથી અંદર આવી રહેલા સબ ઈન્સ્પેકટર બાજવા પર પડી.

જિગરના હૃદયે કંપ અનુભવ્યો.

પડછંદ સબ ઈન્સ્પેકટર બાજવાની સાથે પોલીસ કૉન્સ્ટેબલ શિવન પણ અંદર આવ્યો.

'...મેં હમણાં ફોન પર વાત કરી એ અરૂણ કોણ છે?' સબ ઈન્સ્પેકટર બાજવાએ જિગર અને એની આસપાસના ટેબલ પર બેઠેલા સ્ટાફ પર નજર દોડાવતાં સીધું જ પૂછયું.

'...હું છું, સાહેબ !' કહેતાં અરૂણ ઊભો થયો.

'...બધાંને અહીં જ બોલાવી લો.' બાજવાએ હુકમ આપ્યો.

અરૂણે આખાય સ્ટાફને બોલાવી લીધો.

આખો સ્ટાફ ચુપચાપ સબ ઈન્સ્પેકટર બાજવા સામે જોતો ઊભો રહ્યો.

બાજવાએ બધાં પર એક નજર ફેરવતાં    કહ્યું : 'મલ્ટીપ્લેક્ષ થિયેટર 'ગોલ્ડન આઈ'માંથી મિસ્ટર ધવનની લાશ મળી આવી છે. કોઈએ એમનું ગળું ભીંસીને, એમની હત્યા કરી છે.'

સાંભળતાં જ જિગરને લાગ્યું કે, તે હમણાં જ ચકકર ખાઈને જમીન પર ઢળી પડશે.

તે મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં હતો ત્યારે, તેને જાગતી હાલતમાં તે ધવનનું ગળું ભીંસીને ખૂન કરી રહ્યો છે, એવું દૃશ્ય દેખાયું હતું અને..., અને લગભગ એવી જ રીતના ધવનનું ખૂન થઈ ગયું હતું ! ! !

'શું તમારામાંથી કોઈ કહી શકશે કે, ધવનને કોઈની સાથે એવી જાની દુશ્મની હતી કે, એ વ્યક્તિ ધવનનું ખૂન કરવાની હદ સુધી જઈ શકે ? !' બાજવાનો આ સવાલ સંભળાયો, એટલે મનના વિચારોને રોકી દેતાં, મનના વિચારોની અસર ચહેરા પર ડોકાઈ ન જાય એની તકેદારી રાખતાં જિગરે પોતાનો ચહેરો કોરો-સાવ ભાવ વિનાનો કરી નાંખ્યો.

'ના, સાહેબ !' કોઈ કંઈ બોલ્યું નહિ, એટલે જાણે અરૂણે જ બધાં વતી બાજવાના સવાલનો જવાબ   આપ્યો : 'અમે તો અહીં જૉબ કરીએ એટલે અમે સાહેબને ઓળખીએ અને સવારથી સાંજ સુધી એમની સાથે કામ પૂરતી જ વાત થાય. બાકી એમને બહાર કોની સાથે દોસ્તી છે ? અને કોની સાથે દુશ્મની હોઈ શકે ? એ વિશે અમને તો કંઈ ખબર નથી.'

'હં !' અને બાજવાએ વારાફરતી બધાંના ચહેરા પર પોતાની નજરને પળ-બે પળ માટે ઠેરવીને પછી આગળ વધારવા માંડી.

બાજવાની નજર ફરતી-ફરતી જિગરના ચહેરા પર પહોંચી.

જિગરે પ્રયત્નપૂર્વક પોતાનો કોરો ચહેરો જાળવી રાખ્યો.

જિગરના ચહેરા પરથી બાજવાની નજર ઊઠીને પાછી અરૂણના ચહેરા પર પહોંચી. એેણે અરૂણને ધવનને લગતા કેટલાંક સવાલો પૂછયા. અરૂણ જે અને જેટલું જાણતો હતો, એ પ્રમાણે તેણે જવાબો આપ્યા.

બાજવાને જાણે પોતાની પૂછપરછથી સંતોષ થયો હોય એમ એ પોતાના સાથી કૉન્સ્ટેબલ શિવનને લઈને મેઈન ડૉરની બહાર નીકળી ગયો.

આખો સ્ટાફ જેમનો તેમ ઊભો રહ્યો.

ગઈકાલ સાંજ સુધી મેનેજર ધવન તેમની સાથે જીવતા-જાગતા કામ કરતા હતા, અને આજે તેઓ હંમેશ-હંમેશ માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

અરૂણે પરદેશ ગયેલા કંપનીના માલિક સાથે ફોન પર વાત કરી. મેનેજર ધવનના દુઃખદ સમાચાર આપ્યા અને પછી અમુક સૂચનાઓ મેળવીને તેણે ફોન કટ્ કર્યો.

'બૉસ સાથે વાત થઈ. એમણે દિલગીરી વ્યકત કરી છે, અને આજે રજા રાખવાની સૂચના આપી છે.' અરૂણે નિશ્વાસ નાંખતાં આખાય સ્ટાફને કહ્યું : 'ધવન સાહેબનું શબ પોસ્ટમોર્ટમમાંથી આવશે એટલે અંતિમસંસ્કાર માટે હું તમને બધાંને ફોન કરીશ. આપણે બધાં સ્મશાને જ મળીશું.'

કોઈ 'હા !'ના એક શબ્દ સાથે તો કોઈ હકારમાં ફકત ગરદન હલાવીને છૂટું પડયું.

જિગર પણ ચુપચાપ બહાર નીકળ્યો.

ધવનના આ રીતના મોતથી જિગરને જ સહુથી વધારે આઘાત અને આંચકો લાગ્યો હતો. અને એનું કારણ પણ હતું.

ધવન મોતને ભેટયો, એની થોડીક વાર પહેલાં એને જોનાર તેે જ છેલ્લો માણસ હતો....

અને ધવનનું ખૂન લગભગ કેવી રીતના થયું ? ! એ દીવાસ્વપ્નની જેમ જોનાર પણ એકમાત્ર માણસ તે જ  હતો ! !

૦ ૦ ૦

સાંજના સાડા છ વાગ્યે જિગર સ્મશાને પહોંચ્યો, ત્યારે કંપનીનો લગભગ સ્ટાફ આવી ચૂકયો હતો અને ધવનના શબને અંતિમસંસ્કાર માટે ચિતા પર મૂકી દેવામાં આવ્યું હતું.

જિગર અરૂણની બાજુમાં જઈને ઊભો રહ્યો.

મેનેજર ધવને લગ્ન કર્યા નહોતા. એનું નજીકનું કોઈ સગું હતું નહિ. એના દૂરના ભત્રીજાએ એની ચિતાને અગ્નિદાહ આપ્યો.

થોડીક વાર પછી જિગર બધાં સાથે બહાર નીકળ્યો.

તેની મોટરસાઈકલ પાસે જ પોલીસની જીપ ઊભી હતી અને નજીકમાં બે પોલીસ કૉન્સ્ટેબલ ઊભા હતા. એમાંથી એક પોલીસ કૉન્સ્ટેબલ એ જ હતો, જે સવારના સબ ઈન્સ્પેકટર બાજવા સાથે ધવનના ખૂનને લગતી પૂછપરછ માટે તેની કંપનીમાં આવ્યો હતો.

'મેનેજર ધવનના પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી આ કેસ વધુ ગૂંચવાયો છે.' સવારવાળા પોલીસ કૉન્સ્ટેબલ શિવને પોતાના સાથી કૉન્સ્ટેબલને કહ્યું : 'ધવનનું ગળું ભીંસાવાથી એનું મોત થયું છે, પણ સમજમાં ન આવે એવી વાત એ છે કે, એના શરીરમાં જરાય લોહી નહોતું. એના ગળા પર કોઈએ જાણે પોતાના અણીદાર દાંત ખૂંપાવ્યા હોય એમ બે હોલ પડેલા છે. અને  એટલે પહેલી નજરે એવું લાગે છે કે, જાણે ગળાના એ બે હોલમાંથી એના શરીરમાંનું બધું લોહી બહાર નીકળી ગયું હશે. પણ વળી પાછો કેસ અહીં વધુ ગૂંચવાય છે. જો ધવનના ગળાના એ બે હોલમાંથી લોહી બહાર વહી ગયું હોય તો એ લોહી ગયું કયાં ? ! ધવનની લાશ પાસેથી લોહીનું એક ટીપું પણ જોવા મળ્યું નથી.'

જિગર માટે આ માહીતી ઓછી ચોંકાવનારી નહોતી.

તે પોતાની મોટરસાઈકલ પર બેઠો.

'ગમે તેમ પણ એક વાત તો નકકી છે.'  કૉન્સ્ટેબલ શિવન બોલ્યો : 'ખૂનીએ ભલે સાહેબને મૂંઝવવા માટે આ બધો ખેલ કર્યો હોય, પણ એ સાહેબના હાથમાંથી વધુ સમય સુધી બચી શકશે નહિ.'

જિગરે મોટરસાઈકલની કીક મારી અને ઘર તરફ મોટરસાઈકલ દોડાવી મૂકી.

 ૦ ૦ ૦

રાતના નવ વાગ્યા હતા. જિગરનો જમવાનો મૂડ નહોતો. તેણે ટી. વી. ચાલુ કર્યું, પણ ટી. વી.ના પ્રોગ્રામમાં પણ તેનું મન પરોવાયું નહિ. તેણે ટી. વી. બંધ કર્યું.

તેણે સોફાની પીઠ પર માથું ટેકવતાં આંખો મીંચી, ત્યાં જ તેના માથેથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને બીજી જ પળે તેના માથા પર જાણે એ પંખીએ પોતાની અણીદાર ચાંચ મારી હોય એમ લાગ્યું. અને..., અને ત્રીજી જ પળે જાણે કોઈ તેના માથા પર સવાર થઈ ગયું હોય એમ તેના માથા પર વજન-વજન લાગવા માંડયું.

જિગરે આંખો ખોલીને  સીધા બેસી જતાં માથા પર હાથ ફેરવ્યો.

-માથા પર કંઈ નહોતું.

'જિગર...!' તેના માથા પરથી પેલી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : '...હું આવી ગઈ ! !'

જિગરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું અને પછી બમણી ઝડપે ધડકવા માંડયું. તો...તો એ અદૃશ્ય યુવતી., એ બલા તેના માથા પર ફરી પાછી આવી ગઈ ! ! !

'જિગર !' તેના માથા પરથી એ અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'તું મેનેજર ધવનના મોતથી આટલો બધો દુઃખી-દુઃખી કેમ થઈ ગયો છે ? ! તારે તો ખુશ થવું જોઈએ, ઊછળી-ઊછળીને નાચવું-ગાવું જોઈએ કે એ તારી જિંદગીમાંથી હંમેશ-હંમેશ માટે ચાલ્યો ગયો. એ તને કેટલો બધો હેરાન....'

'...એ...એ મને હેરાન કરતો હતો એનો મતલબ એવો થોડો છે કે, હું એના આવા કમોતથી ખુશ થાઉં !' જિગર ધૂંધવાટભેર બોલી ઊઠયો.

'તું ભલે ખુશ નથી થતો, પણ સાચું બોલ...,' તેના માથા પરથી અદૃશ્ય યુવતીનો સવાલ સંભળાયો : '....તારા મનમાં ધવનના મોતથી રાહત થઈ રહી છે ને !'

જિગરનું માથું જાણે ફાટવા માંડયું : 'પ્લીઝ !' તે કરગરતા અવાજે બોલ્યો : 'તું મને નાહકના પરેશાન ન કર. ચાલી જા, અહીંથી !'

'હું તને પરેશાન કરવા નહિ, પણ તને મદદ કરવા આવી છું, જિગર !' તેના માથા પરથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'હું તારી દરેક ઈચ્છા, તારું દરેકે દરેક સપનું પૂરું કરી શકું છું.'

'..એટલે...!' જિગરે એ અદૃશ્ય યુવતીની અસલિયત પામવા માટે કહ્યું : 'એટલે શું તું કોઈ મોટી જાદુગરની છે ? !'

'હું અસલમાં કોણ છું, એ વાત જવા દે. એનાથી તને કોઈ ફાયદો નથી. અત્યારે આપણે તારા ફાયદાની વાત કરીએ.' જિગરના માથા પરથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'મેં કહ્યું એમ, હું તારી દરેક ઈચ્છા પૂરી કરી શકું એમ છું. તું કહે તો હું 'માહી'ને લાવીને તારા ઘરમાં બેસાડી શકું છું ? ! '

'શું ? !' જિગરે આશ્ચર્ય અનુભવ્યું. આને...., આ અદૃશ્ય યુવતીને માહી વિશે કેવી રીતના ખબર ? ! અને એ તે વળી કેવી રીતના માહીને લાવીને મારા ઘરમાં બેસાડી શકે ? !

'હું માહીને તારી દુલ્હન બનાવીને, એને વાજતે ગાજતે તારા ઘરમાં લાવી શકું છું.' અદૃશ્ય શક્તિ   બોલી : 'એને તારી પત્ની, તારી જીવનસાથી બનાવી શકું છું !'

'ના...!' જિગરે નકારમાં ગરદન હલાવતાં કહ્યું :  '...એ શકય જ નથી.'

'...એ જોવાની કે એ વિશે ચિંતા કરવાની તારે જરૂર નથી.' જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો  અવાજ સંભળાયો : 'હું માહીને તારી પત્ની બનાવી દઈશ.'

'ખ...ખરેખર ? ! ?' જિગરને વિશ્વાસ બેસતો નહોતો. અને વિશ્વાસ ન બેસે એવું કારણ પણ હતું !

'હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ.' જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો : 'હું તારું આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને મારું કામ કરી આપવું પડશે !'

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિશાચીની

 (પ્રકરણ : ૨)

''હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ બલા ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે અને પછી તારી માટી પલીત થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા!'' બાબા ઓમકારનાથે જિગરને આવી ચેતવણી આપી હતી, એને આજે પાંચમો દિવસ હતો અને જિગરને અત્યારે કોઈ યુવતીના હસવાનો અવાજ સંભળાતો હતો અને એ યુવતી તેને કહેતી હતી કે, '...એ તેના માથા ઉપર બેઠી છે!!'

'તો શું ખરેખર બાબા ઓમકારનાથની વાત સાચી સાબિત થઈ હતી અને શું એ ભયાનક બલા અત્યારે ખરેખર તેના માથા પર સવાર થઈ ચૂકી હતી?!?

'પણ....પણ એ યુવતી તેને દેખાતી કયાં હતી?!'

'તું મને જોઈ નહિ શકે, જિગર !' જિગરના માથા પરથી એ યુવતીનો અવાજ સંભળાયો, એટલે જિગરનો ભય બેવડાયો. શું એ અદૃશ્ય યુવતી તેના મનની વાત પણ જાણી શકતી હતી?!?

'...ક...કોણ છે, તું?!' જિગરે કંપતા અવાજે પૂછયું.

અદૃશ્ય યુવતીનો જવાબ સંભળાયો નહિ.

'તુંું...' જિગરે હિંમત એકઠી કરતાં અદૃશ્ય યુવતીને પૂછયું : '...તું મને એ કહે, શું તું કોઈ મોટી જાદુગરની છે ? !'

જવાબ મળ્યો નહિ.

'શું તું...,' જિગરે પૂછયું : '...તું કોઈ પ્રેતાત્મા છે ?'

અદૃશ્ય યુવતીનો જવાબ સંભળાયો નહિ.

'....શું તું ચુડેલ છે ? ! કોઈ..., કોઈ અલાબલા  છે ? !'

અને આ વખતે અદૃશ્ય યુવતીનો ગંભીર અવાજ સંભળાયો : 'જિગર ! હું કોઈપણ છું, તું એની પંચાતમાં પડ નહિ. બસ, તું એટલું યાદ રાખ કે, હું તારી હમદર્દ  છું.'

'હમદર્દ ? !' જિગર બોલ્યો.

'હા.' અદૃશ્ય યુવતીનો ૦અવાજ આવ્યો : 'હવે તારું દર્દ એ મારું દર્દ છે. તારી તકલીફ એ મારી તકલીફ છે.'

'મનેેે!' જિગર બોલી ઊઠયોઃ 'મને કોઈ તકલીફ નથી.'

'જૂઠું ન બોલ.' અદૃશ્ય યુવતીનો અવાજ આવ્યોઃ 'મને તારી તકલીફની...'

'મેં કહ્યું ને કે, મને કોઈ તકલીફ નથી.' જિગર એકદમથી મોટા અવાજે બોલી ઊઠયો : 'અસલમાંં અત્યારે તું જ મારા માટે એક મોટી તકલીફ છે. તું જ અત્યારે મને દર્દ પહોંચાડી રહી છે, મારું માથું ફાટી રહ્યું છે, મારું હૃદય જાણે બેસી રહ્યું છે. મને..મને લાગે છે કે, હમણાં હું ચકકર ખાઈને...'

'...ઠીક છે.' અદૃશ્ય યુવતીનો એક નિસાસો સંભળાયો અને પછી એનો અવાજ સંભળાયો : 'મારા આગમનથી તું આટલો બધો પરેશાન થઈ ઊઠયો છે, એટલે અત્યારે હું ચાલી જાઉં છું. પણ હા, હું તારી પાસે ફરી પાછી આવીશ, જરૂર આવીશ !' અને આ સાથે જ જિગરના માથા પરથી ફડ્..ફડ્..ફડ્નો કોઈ પંખીના ઊડી જવાનો અવાજ સંભળાયો, અને એ    સાથે જ જિગરનું ગઈકાલ રાતથી ભારે થઈ ગયેલું માથું એકદમથી જ હળવુંફૂલ થઈ ગયું.

'તો...તો શું એ અદૃશ્ય યુવતી ચાલી ગઈ હતી ?' મનોમન વિચારતાં જિગર એ યુવતી તરફથી કોઈ અવાજ સંભળાય છે ?! એ કળવા માટે કાન સરવા કરીને બેસી રહ્યો.

રૂમમાં ભયંકર શાંતિ છવાયેલી રહી.

પળ.., બે પળ.., પાંચ પળ...! કોઈ અવાજ સંભળાયો નહિ.

'તું....' જિગરે હળવેકથી પૂછયું : '...શું તું હજુ મારા  માથે જ બેઠી છે કે, ચાલી ગઈ ?'

તેને અદૃશ્ય યુવતી તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.

'આનો મતલબ એ કે, એ યુવતી ચાલી ગઈ.' જિગરે  વિચાર્યું અને નિરાંતનો શ્વાસ લેતાં પલંગ પર લેટયો, પણ ત્યાં જ તેને એ યુવતીના શબ્દો યાદ આવ્યા :  ''મારા આગમનથી તું આટલો બધો પરેશાન થઈ ઊઠયો છે, એટલે અત્યારે હું ચાલી   જાઉં છું. પણ હા, હું તારી પાસે ફરી પાછી આવીશ, જરૂર આવીશ !'

અને જિગર પાછો પલંગ પર બેઠો થઈ ગયો. '...તો એ યુવતી.., એ પ્રેત-ચુડેલ, અલા-બલા, કોઈ અદૃશ્ય શક્તિ, કે એ જે કોઈ પણ હતી, એ પાછી આવવાની હતી ! અને એ પાછી આવે એટલે શી ખબર તેનું શુંય થશે ? !' તે ઊભો થયો અને બેચેની સાથે રૂમમાં આમથી તેમ આંટા મારવા માંડયો. તેણેે બાબા ઓમકારનાથની ચેતવણી માની લેવાની જરૂર હતી. પણ તેને શી ખબર કે બાબા ઓમકારનાથ સાચું બોલી રહ્યા હતા! તેને તો એમ જ હતું ને કે, બાબા ઓમકારનાથ કોઈ લેભાગુ સાધુ-બાવા-તાંત્રિક છે. અને બાબા ઓમકારનાથ તેની પાસે આવ્યા હતા પણ એ રીતના જ ને!

અને જિગરની નજર સામે ચાર દિવસ પહેલાંની બાબા ઓમકારનાથ સાથેની તેની વાત અને મુલાકાત તરવરી ઊઠી.

એ દિવસે સાંજ સરકી જઈ રહી હતી અને રાત આવી રહી હતી, બરાબર એવી જ પળે તે મોટરસાઈકલ પર ઑફિસેથી ઘર તરફ પાછો ફરી રહ્યો હતો. અને ત્યારે અચાનક જ એક મોટા ધડાકા સાથે તેની મોટરસાઈકલના ટાયરનું પંકચર પડયું હતું. તેણે મોટરસાઈકલ પર કન્ટ્રોલ કરી લેતાં મોટરસાઈકલ ઊભી રાખી દીધી હતી.

આસપાસના વાહનચાલકો તેની તરફ નજર નાખતા આગળ વધી ગયા હતા.

જિગરે પંકચર બનાવનારની દુકાન શોધવા માટે ચારે બાજુ નજર ફેરવી હતી, ત્યાં જ તેની નજર, સામેથી ઝડપી ચાલે તેની તરફ આવી આવી રહેલા એક સાધુબાબા પર પડી હતી.

છ-સવા છ ફૂટ ઊંચા-પહોળા એ સાધુબાબાએ ભગવા રંગનો ઝભ્ભો અને ભગવા રંગની ધોતી પહેરી હતી. એમણેે ગળામાં તેમજ બન્ને હાથમાં રૂદ્રાક્ષના મોટા-મોટા દાણાની માળા પહેરેલી હતી. એમના પહોળા કપાળ પર કંકુથી 'ઓમ !' લખાયેલું હતું. એમના તેજભર્યા  ચહેરા પરની આંખો મોટી-મોટી હતી અને એમાંની મોટી-મોટી કાળી કીકીઓ તેની તરફ તકાયેલી હતી. એ કંઈક બબડતા તેની તરફ જ આવી રહ્યા હતા.

એ સાધુબાબા તેની નજીક આવીને ઊભા રહ્યા, ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે, એ સાધુબાબાની નજર તેના માથાના ઉપરના ભાગમાં તકાયેલી હતી.

''શું છે, બાબા !'' પૂછતાં તેણે માથા પર હાથ ફેરવ્યો હતો.

''બલા છે, બચ્ચા !'' સાધુબાબાએ તેના માથા પર તાકી રહેતાં કહ્યું હતું.

''બલા...? !'' તે બોલી ઊઠયો હતો : 'કેવી બલા,    બાબા ? !''

''...એ તને નહિ સમજાય, બચ્ચા, પણ...'' તેના માથા પરથી નજર હટાવ્યા વિના સાધુબાબાએ કહ્યું   હતું : ''...મારે બલાનેે ભગાડી મૂકવા માટે કેટલીક વિધિ કરવી પડશે અને એમાં પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે.''

''પાંચ હજાર રૂપિયા ? ! !''

'હા !' સાધુબાબાએ કહ્યું : 'તું મને પાંચ હજાર રૂપિયા આપી દે, અને પછી નિશ્ચિંત થઈ જા. પછી એ બલા કદી તારી આસપાસ નહિ ફરકે, કદી તને પરેશાન નહિ કરે.'

તે સાધુબાબા તરફ તાકી રહ્યો. તેને સાધુબાબાની વાત પર વિશ્વાસ બેઠો નહોતો. સાધુબાબા તેની પાસેથી પાંચ હજાર રૂપિયા પડાવી લેવા માટે જ તેને આમ બલાને નામે ગભરાવી રહ્યા હતા.

''બાબા !'' તેણે સાધુબાબાને એકદમથી ઘસીને ના પાડી દેવાને બદલે કહ્યું  હતું : ''મારી પાસે પાંચ હજાર રૂપિયા નથી.''

''જુઠું ન બોલ, બચ્ચા !' સાધુબાબા મકકમ અવાજે બોલ્યા હતા :  ''મને ખબર છે, તારા ખિસ્સામાં એટલા રૂપિયા તો પડયા જ છે.''

અને તે ચોંકી ઊઠયો હતો. તેના ખિસ્સામાં પહેલાંથી પાંચસો રૂપિયા હતા જ, અને આજે પગાર તારીખ હતી એટલે તેના ખિસ્સામાં પગારના બીજા સાત હજાર રૂપિયા સાંજે જ આવ્યા હતા. પણ આ વાતની આ સાધુબાબાને કયાંથી ખબર પડી ?!

હવે તેને આ સાધુબાબા ઠગ હોવાનો વિશ્વાસ બેસી ગયો. નકકી આ સાધુબાબાએ કોઈક રીતના જાણી લીધું હતું કે, તેની પાસે આટલા રૂપિયા છે. અને એ તેની પાસેથી આવી બધી અલાબલાની ડરાવનારી વાતો કરીને તેના આ રૂપિયા ઠગી લેવા માંગતા હતા.

''બાબા !'' જિગર બોલ્યો : ''ભલેને અત્યારે મારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, પણ મારે તમને નથી આપવા ! મારે તમારી પાસે કઈ વિધિ નથી.....''

''...આ બાબા ઓમકારનાથની વાત નહિ માને અને જો વિધિ માટે રૂપિયા નહિ આપે તો તું ખૂબ જ પસ્તાઈશ !'' બાબા ઓમકારનાથ બોલ્યા હતા : ''...એકવાર બલા તારા માથે સવાર થઈ જશે પછી તું હેરાન-પરેશાન થઈ જઈશ.''

'ના ! મારે આ ઢોંગીબાબાની વાતથી ડરી-ગભરાઈને એને રૂપિયા આપી દેવાની જરૂર નથી.' જિગરે મનોમન વિચાર્યું હતું, ત્યાં જ જિગરના કાને બાબા ઓમકારનાથનો અવાજ અફળાયો હતો : 'આ બાબા ઓમકારનાથ ઢોંગી નથી અને જૂઠ્ઠો પણ નથી.' બાબા ઓમકારનાથે તેના માથા પર એ જ રીતના તાકી રહેતાં કહ્યું હતું : ''હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા!''

અને જિગરે એ સાધુબાબા-બાબા ઓમકારનાથની વાતને સાંભળી ન સાંભળી કરી દીધી હતી અને મહેનતપૂર્વક પંકચરવાળી મોટરસાઈકલને ધકેલતો ત્યાંથી આગળ વધી ગયો હતો. પછી તેણે પાછું વળીને જોયું સુધ્ધાં નહોતું.

અને આજે...

જિગર ભૂતકાળમાંથી પાછો વર્તમાનમાં આવ્યો.

...આજે તેને એ સાધુબાબાની-બાબા ઓમકારનાથની વાત સાચી પડી હોય એવું લાગતું હતું !

તેને એક યુવતીનો અવાજ સંભળાયો હતો. એ યુવતી તેને દેખાતી નહોતી, પણ તે એ યુવતીનો અવાજ સાંભળી શકતો હતો. એ યુવતી પોતે કોણ હતી ? ! એ તેને કહેવા તૈયાર નહોતી, પણ એ યુવતી કોઈ ભયાનક અલાબલા-કોઈ ખતરનાક અદૃશ્ય શક્તિ હતી એ વાતમાં કોઈ બે મત નહોતા.

અને એ ભયાનક બલા-એ ખતરનાક અદૃશ્ય શક્તિ તેને કહીને ગઈ હતી કે, એ પાછી આવશે. જરૂર પાછી આવશે.

જિગરને ખૂબ જ અફસોસ થયો. એ વખતે તેણે બાબા ઓમકારનાથની વાત માની લેવાની જરૂર હતી અને એ વખતે એમને પાંચ હજાર રૂપિયા આપીને એ વિધિ કરાવી દેવાની જરૂર હતી. પણ તેને શી ખબર કે બાબા ઓમકારનાથ બિલકુલ સાચું બોલતા હતા ! કોઈનેય બાબા ઓમકારનાથની વાત સાચી લાગે એવી હતી જ કયાં ? !

પણ તેની સાથે સાચેસાચ એ વાત બની રહી હતી ! અને હવે એનાથી બચવા માટે કરવું શું ? ! બાબા ઓમકારનાથને તેણે પાંચ દિવસ પહેલાં જિંદગીમાં પહેલી વાર અને છેલ્લીવાર જોયા હતા. હવે એમને શોધવા કયાં ? !

જિગર આ સવાલોમાં અટવાતો રૂમમાં આમથી તેમ આંટા મારીને થાકયો. 'તે જો આ રીતના વિચારતો રહેશે તો પાગલ બની જશે. તેણે આ બધાં વિચારોને દૂર રાખવા માટે ઘરની બહાર નીકળવું જોઈએ.'

અને તે બહાર નીકળ્યો. તે મોટરસાઈકલ પર સવાર થયો અને કયાં જવું છે એ કંઈ નકકી કર્યા વિના જ તેણે મોટરસાઈકલને હંકારી મૂકી.

થોડીક વાર સુધી તે આમથી તેમ મોટરસાઈકલ પર રખડતો રહ્યો.

તે એક મલ્ટીપ્લેક્ષ થિયેટર પાસેથી પસાર થયો, ત્યાં જ તેને થયું કે, મન-મગજને બીજે વાળવા માટે તેણે ફિલ્મ જોવા માટે બેસી જવું જોઈએ.

તેણે કાંડા ઘડિયાળમાં જોયું. સવા સાત વાગ્યા હતા. તેણે એક બાજુ મોટરસાઈકલ ઊભી રાખી.

ટિકિટબારી નજીક પહોંચીને તેણે જોયું. એક હિન્દી ઍકશન ફિલ્મ સાડા સાત વાગ્યે શરૂ થતી હતી.

તેણે એ ફિલ્મની ટિકિટ લીધી. પાર્કિંગમાં મોટરસાઈકલ પાર્ક કરી. તેણે ટિકિટ કપાવી અને થિયેટરના આગળના હૉલમાં દાખલ થયો.

તેનો શૉ શરૂ થવાને હજુ દસેક મિનિટની વાર હતી. હૉલમાં કેટલાંક પ્રેક્ષકો અંદર-અંદર વાતચીત કરતા બેઠા હતા.

જિગરે એક તરફ આવેલી કૅન્ટીનમાંથી ઠંડું પીણું લીધું અને ગટગટાવી ગયો. ધીમો ઓડકાર ખાતો તે ખૂણાની એક ખાલી ખુરશી તરફ આગળ વધી ગયો. તે ખુરશી પર બેઠો.

અત્યારે હવે તેને સારું લાગી રહ્યું હતું. તેણે હૉલમાં નજર ફેરવી. તેની નજર દરવાજા પર અટકી. ટિકિટ કપાવી રહેલા માણસ પર નજર પડતાં જ જિગરના ચહેરા પર અણગમો આવી જવાની સાથે જ તેનાથી મનોમન બોલાઈ ગયું, 'અરે, યાર! આ અહીં પણ આવી ગયો?!' અને તેણે તુરત જ પોતાનો ચહેરો નીચો કરી લીધો.

-એ માણસ જિગર સાથે ઓરમાયું વર્તન રાખતો કંપનીનો મેનેજર ધવન હતો.

અત્યારે ધવનને બદલે અરૂણ કે તેની કંપનીનો બીજો કોઈ સાથી કર્મચારી હોત તો જિગરે સામે ચાલીને એને બોલાવ્યો હોત. પણ ધવનથી તેણે ચહેરો છુપાવ્યો. ઑફિસમાં તે ધવન સામે જવાનું ટાળતો હતો, ત્યાં અત્યારે સામે ચાલીને એને બોલાવીને મૂડની પથારી કયાં ફેરવવી ? !

અને તેણે આંખના ખૂણેથી જોયું તો મેનેજર ધવન 'ટૉઇલેટ-બાથરૂમ' તરફ ચાલ્યો જઈ રહ્યો હતો.

જિગરે રાહતનો શ્વાસ લીધો.

શૉ શરૂ થવાને તૈયારી હતી એટલે એકસાથે વીસ-પચીસ પ્રેક્ષકોનો રેલો ટિકિટ કપાવીને અંદર આવ્યો.

'ધવન આવે એ પહેલાં જ થિયેટરનો દરવાજો ખૂલે તો અંદર જઈને મારી સીટ પર બેસી જાઉં.' જિગરે વિચાર્યું, ત્યાં જ થિયેટરનો દરવાજો ખુલ્યો. હજુ હમણાં જ હૉલમાં દાખલ થયેલા અને ઊભેલા તેમ જ અગાઉથી સીટ પર બેઠેલા પ્રેક્ષકો ઊભા થયા અને થિયેટરના દરવાજા તરફ આગળ વધી ગયા.

'બસ, હવે જલદીથી અંદર સીટ પર જઈને બેસી જાઉં.' વિચારતાં જિગર ઊભો થવા ગયો, ત્યાં જ તેના કાને જાણે કોઈ પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને બીજી જ પળે તેના માથે જાણે એ પંખીની ભાલા જેવી અણીદાર ચાંચ ભોંકાઈ!

૦ ૦ ૦

જિગર ઊભો થયો. તેણે જોયું તો ઊભેલા અને બેઠેલા પ્રેક્ષકોમાંથી મોટાભાગના પ્રેક્ષકો થિયેટરમાં દાખલ થઈ ગયા હતા. હવે હૉલમાં ફકત કૅન્ટીનબૉય જ હતો અને એ પણ પૉપકોર્ન બનાવવાના કામમાં પરોવાયેલો હતો.

જિગર લાંબા પગલાં ભરતાં આગળ વધ્યો..., ટૉઈલેટ તરફ આગળ વધ્યો.

તે ટૉઈલેટના મેઈન દરવાજા પાસે પહોંચ્યો. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થયો, તેની પીઠ પાછળ દરવાજો પાછો બંધ થયો. એ જ પળે જમણી બાજુના પહેલા બાથરૂમનો દરવાજો ખુલ્યો અને મેનેજર ધવન બહાર નીકળ્યો. ધવનની નજર જિગર પર પડી અને એણે પૂછયું : 'ઓહ, જિગર ! તો તું પણ ફિલ્મ જોવા આવ્યો છે ?'

'ના !' જિગર હળવેકથી બોલ્યો : 'હું ફિલ્મ જોવા નથી આવ્યો !'

ધવન ખડખડાટ હસી પડયો. વૉશબેસિનમાં હાથ ધોતાં એે બોલ્યો  : 'તો ભલા માણસ, તું શું અહીં ફકત ટૉઈલેટ કરવા જ આવ્યો છે ? !'

'ના...,' જિગર મેનેજર ધવનની બિલકુલ નજીક પહોંચ્યો : 'હું તારું ખૂન કરવા આવ્યો છું !' અને જિગરે પલક ઝપકતાં જ પોતાના બન્ને હાથે ધવનનું ગળું પકડી લીધું.

ધવનની આંખોમાં આશ્ચર્ય અને આંચકાના ભાવ આવ્યા અને એ પોતાના ગળા પરથી જિગરના હાથ હટાવવા ગયો, પણ ત્યાં જ જિગરે ધવનનું ગળું એવી રીતના ભીંસ્યું કે ધવનનો શ્વાસ રૃંધાવા માંડયો........

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિસાચીની

 (પ્રકરણ ઃ ૧)

ફૂલ સ્પીડમાં દોડી રહેલી જિગરની મોટરસાઈકલનું એન્જિન એકદમથી જ બંધ થઈ ગયું અને એક આંચકા સાથે મોટરસાઈકલ ઊભી રહી ગઈ. જિગરે મનોમન કંપનીના મેનેજર ધવનને એક ગાળ બકી અને ઝડપભેર મોટરસાઈકલને કીક મારી. મોટરસાઈકલ ચાલુ થઈ નહિ. તેણે આસપાસમાં જોયું અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. જમણી બાજુ ચાર પગલાં દૂર જ સ્મશાન...,  સ્મશાનનો ઝાંપો હતો.

તેણે અફસોસ કર્યો. તેણે રાતના બાર વાગ્યાના આ સમયે, આસપાસમાં બિલકુલ વસ્તી વિનાના સ્મશાનવાળા આ રસ્તેથી નીકળવાની જરૃર નહોતી. પણ તેની કંપનીના મેનેજર ધવને આજે તેની પાસે એટલી કમરતોડ મહેનત કરાવી હતી અને તે એટલો બધો થાકયો હતો કે કયારેય નહિ અને આજે વહેલા ઘરભેગા થઈ જવા માટે તેણે સ્મશાનવાળા શોર્ટકટ પર મોટરસાઈકલ વાળી દીધી હતી.

હાઉંઉંઉંઉંઉંઉં...! સ્મશાનની અંદરથી ગૂંજેલા કૂતરાના રડવાના અવાજે તેના હૃદયનો એક ધબકારો ચૂકવી દીધો અને પછી હૃદય બમણી ઝડપે ધબકવા માંડયું. જિગરે આગળ-પાછળ નજર દોડાવી. રાતના, સ્ટ્રીટ લાઈટના  અજવાળામાં બન્ને બાજુ દૂર-દૂર સુધી પથરાયેલી સડક ભયાનક ભાસતી હતી.

જિગરે ફરી બે કીક મારી પણ મોટરસાઈકલે ચાલુ થવાનું નામ લીધું નહિ, એટલે તે મોટરસાઈકલ પરથી ઊતર્યો ને મોટરસાઈકલને હાથથી ધકેલીને ચાલતો આગળ વધ્યો. તે જમણી બાજુ આવેલા સ્મશાન તરફ જોવાનું ટાળી રહ્યો હતો. રાતના સ્મશાનમાં ભૂત-ભૂતાવળ જાગતી હતી, એવું તેણે કયાંક વાંચ્યું-સાંભળ્યું હતું.

 ફડ્-

ફડ્-

ફડ્-ફડ્..!

અચાનક

જ તેના માથેથી કંઈક પસાર થયું ગયું હોય એવું લાગતાં જ જિગરના મોઢેથી હળવી ચીસ નીકળી જવાની સાથે જ તેણે ચહેરો અદ્ધર કરીને માથાની ઉપરના ભાગમાં જોયું.

ઉપર કંઈ દેખાયું નહિ. ઉપર આકાશમાં ખીલેલો પૂનમનો ચંદ્રમા તેના આ ગભરાટ પર મરક-મરક હસતો હોય એવું લાગ્યું. જિગરે આકાશ પરથી નજર પાછી વાળી અને જમણી બાજુના સ્મશાન તરફ નજર નાખવાનું ટાળતાં મોટરસાઈકલને આગળની તરફ ધકેલી. 'કદાચ તેને માથા પરથી ચામાચીડિયા જેવું કોઈ પંખી-પ્રાણી પસાર થઈ ગયાનો ભ્રમ થયો હશે.' જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા ઉપરથી ફડ્..ફડ્..ફડ્નો અવાજ સંભળાવાની સાથે જ તેના માથા પર ભાલા જેવી કોઈ અણીદાર વસ્તુ ભોંકાઈ હોય એવું લાગ્યું અને તેના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ તેણે ફરી પોતાનું માથું ઊંચું કરીને ઉપર આકાશમાં નજર દોડાવી, પણ કંઈ દેખાયું નહિ.

આ વખતે તેને કોઈ ભ્રમ થયો નહોતો. તેના માથા ઉપરથી કોઈ મોટા પંખીનો પાંખો ફફડાવવાનો અવાજ તેને સંભળાયો હતો અને એ પંખીએ તેના માથા પર ચોકકસ પોતાની ચાંચ મારી હતી, પણ તો એ પંખી...કે એ જે કંઈ પણ હતું એ દેખાયું કેમ નહિ ? કે પછી પલક ઝપકતાં જ એ અદૃશ્ય થઈ ગયું હતું ?!

જિગરના ચહેરા પર ભયથી પરસેવો નીતરી આવ્યો. તેણે વધુ ઝડપે મોટરસાઈકલ આગળ ધકેલવા માંડી, ત્યાં જ તેને લાગ્યું કે, તેના માથે કોઈ આવીને બેસી ગયું છે. મોટરસાઈકલને શરીરને ટેકે જ ઊભી રાખી દેતાં તેણે માથા પર હાથ ફેરવ્યો. કંઈ નહોતું. પણ તો તેને માથે વજન શાનું વર્તાઈ રહ્યું હતું  ? !

તેણે જોયું તો સ્મશાન પાછળ છૂટી ગયું હતું અને તે ચાર રસ્તા પર પહોંચી ચૂકયો હતો.

તેણે ડાબી તરફ મોટરસાઈકલ વળાવીને આગળ ધકેલી. અહીંથી તેનું ઘર દોઢેક કિલોમીટર જેટલું દૂર હતું, પણ હવે તેના મનમાંનો ભય ઓછો થયો હતો. આ મેઈન રસ્તા પર હવે વાહનોની થોડી-ઘણી અવર-જવર ચાલુ હતી.

તેની પાસે પાછળથી એક મોટરસાઈકલ આવીને ઊભી રહી. એની પર બે લવરમૂછિયા છોકરા સવાર હતા.

'શું થયું, સાહેબ ? !' આગળ બેઠેલા છોકરાએ મોટરસાઈકલ પરથી ઉતરતાં જિગરને પૂછયું.

'ખબર નથી,' જિગરે  કહ્યું ઃ 'એકદમથી જ બંધ થઈ ગઈ !'

'લાવો, હું બાઈકનો મિકેનિક છું.' એ છોકરો બોલ્યો ઃ 'હું જોઈ આપું.' અને એેણે જિગરના હાથમાંથી મોટરસાઈકલ લીધી ને એક કીક મારી. અને જિગરની નવાઈ વચ્ચે મોટરસાઈકલ ચાલુ થઈ ગઈ.

'....ચાલુ તો છે !' મિકેનિક બોલ્યો.

'મેં તો ઘણી કીકો મારેલી પણ...'

'...પેટ્રોલમાં કચરો આવી જાય તો આવું બને છે.' અને મિકેનિકે જિગરને મોટરસાઈકલ પકડાવી અને પાછો પોતાની મોટરસાઈકલ પર સવાર થયો.

'..કંઈ પૈસા..? !' જિગરે સવાલ અધૂરો છોડયો.

'આમાં શું પૈસા લેવાના, સાહેબ ?' કહીને મિકેનિકે મોટરસાઈકલ દોડાવી મૂકી.

જિગર મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલને તેણે ઘર તરફ આગળ વધારી, ત્યારે તેના મગજમાં સવાલો દોડવા માંડયા. 'સ્મશાન પાસે મોટરસાઈકલ અચાનક બંધ થઈ ગઈ હતી, મેં ઘણી કીકો મારી પણ મોટરસાઈકલ ચાલુ થઈ નહિ અને હું સ્મશાનથી દૂર પહોંચ્યો ને પેલા મિકેનિકથી એક જ કીકમાં મોટરસાઈકલ ચાલુ થઈ ગઈ.

'શું આ જોગાનુજોગ હતો !

'શું એ મિકેનિકના કહેવા મુજબ જ પેટ્રોલમાં કચરો આવી ગયો હતો ને આવું બન્યું હતું ? 

'કે આની પાછળ કંઈક બીજું જ કારણ હતું ? !

'પણ એ બીજું કારણ તો વળી શું હોઈ શકે ? !' આવા સવાલોમાં અટવાતો જિગર ઘરે પહોંચ્યો, ત્યારે પણ તેના માથા પર વજન-વજન વર્તાતું હતું.

તેણે પોતાના ઘરનું તાળું ખોલ્યું. તે એક રૃમ અને રસોડાના મકાનમાં રહેતો હતો. આ મકાન તેના પિતાએ જ ખરીદેલું. મિલમાં કામ કરતા તેના પિતાનું ટી. બી.માં મોત થયું હતું એ પછી તેની 'મા'એ તેને ઉછેર્યો હતો. પણ તે અઢાર વરસનો થયો ત્યારે તેની મા મરણ પામી હતી. એ પછી, પાછલા સાત વરસથી તે આ મકાનમાં એકલો રહેતો હતો.

તેનું નજીકનું કે દૂરનું કોઈ સગું-વહાલું નહોતું. તે હજુ કુંવારો હતો ને એક કૉમ્પ્યુટરની કંપનીમાં જૉબ કરતો હતો. તેને મહિનાનો  સાત હજાર પગાર મળતો હતો, એનાથી તેનો ગુજારો ચાલી જતો હતો, પણ તે એનાથી ખુશ નહોતો. તે એક મોટો માણસ, ખૂબ જ માલદાર માણસ બનવા માગતો હતો. તે બંગલામાં રહેવા ઈચ્છતો હતો, મોંઘી-લકઝરી કારમાં ફરવા માગતો હતો. દુનિયાભરના દેશોમાં ઘુમવા માગતો હતો. દુનિયાના દરેકે-દરેક મોજ-શોખ કરવા માગતો હતો.

પણ તેની આ ઈચ્છા પૂરી થવાના કોઈ અણસાર દેખાતા નહોતા. ચાર વરસની નોકરીમાં  માંડ એક હજારનો પગાર વધારો થયો હતો અને એમાંય મેનેજર ધવનને તેની સાથે શી ખબર કયા જન્મની દુશ્મની હતી કે વાતે-વાતે તેની ભૂલો કાઢીને તેને ખખડાવતો રહેતો હતો. મેનેજર ધવન તેને હેરાન-પરેશાન કરવાની કોઈ તક ચૂકતો નહોતો. આજે પણ ધવને સાંજના નીકળવાના સમયે તેની  પર વધારાનું કામ થોપી દીધું હતું અને એટલે જ તેને ઑફિસેથી નીકળવામાં રાતના બાર વાગી ગયા હતા અને એના કારણે એ કેટલો બધો હેરાન થઈ ગયો   હતો ? જો એ મોટરસાઈકલનો મિકેનિક મળી ગયો ન હોત તો હજુ તે મોટરસાઈકલને ધકેલતો રસ્તા પર જ હોત.

એક નિસાસો નાંખતા તે રૃમના ખૂણામાં પડેલા પલંગ પર લેટયો. હજુ પણ તેનું માથું ભારે-ભારે લાગતું હતું. તેણે આંખો મીંચી અને થોડી વારમાં જ ઊંઘમાં સરી ગયો.

     ૦ ૦ ૦

સવારના તેની આંખ ખૂલી અને સામેની દીવાલ ઘડિયાળ પર તેની નજર ગઈ અને તે સફાળો બેઠો થઈ ગયો. 'ઓહ ! નવ વાગી ગયા ? ! એવો તો તે કેવો ઊંઘમાં હતો કે તેને એલાર્મ પણ સંભળાયું નહિ ?' અને તેણે બાજુમાં પડેલા પોતાના પિતાના જમાનાના એલાર્મ ઘડિયાળ તરફ જોયું તો એમાં બરાબર સાત વાગ્યા હતા અને સાત વાગ્યા પર જ ઘડિયાળ બંધ પડેલું હતું.

તે ઊભો થયો અને દોડીને બાથરૃમમાં ઘૂસ્યો. તેનો ઑફિસનો ટાઈમ સાડા નવનો હતો અને ઑફિસનો રસ્તો જ પચીસ મિનિટનો હતો. નાહ્યા વિના જ કપડાં બદલીને તે બહાર નીકળ્યો. તેણે મોટરસાઈકલ ઑફિસ તરફ હંકારી અને ત્યારે....

....અને ત્યારે ફરી તેને એવું લાગ્યું કે, કોઈ વસ્તુ તેના માથા પર સવાર થયેલી છે !

     ૦ ૦ ૦

જિગરે પાર્કિંગમાં પોતાની મોટરસાઈકલ પાર્ક કરી અને ઝડપી ચાલે કંપનીના મેઈન દરવાજામાં દાખલ થઈને પોતાના ટેબલ તરફ આગળ વધી ગયો. તે પોતાની ખુરશી પર બેઠો, ત્યાં જ બાજુના ટેબલ પર બેઠેલા તેના સાથી કર્મચારી અરૃણે કહ્યું ઃ 'ધવન સાહેબે તું આવે કે તુરત તને અંદર બોલાવ્યો છે.'

'હં !' કહેતાં જિગર મેનેજર ધવનની કૅબિન તરફ આગળ વધી ગયો.

'આવું, સર ?' પૂછતાં જિગર ધવનની કૅબિનમાં દાખલ થયો.

'હા.' મેનેજર ધવને મોટી-મોટી આંખે જિગર સામે જોતાં કહ્યું ઃ 'પધારોને, સાહેબ !'

જિગર ચુપચાપ ઊભો રહ્યો.

'...શું આ તમારો આવવાનો ટાઈમ છે ?!'

'સૉરી, હું થોડોક મોડો...'

'થોડોક મોડો...? !' મેનેજર ધવન ચિલ્લાયો ઃ 'તમે પૂરા બે કલાક મોડા છો !'

'બે કલાક મોડો...? !' બોલતાં જિગરે સામેની દીવાલ ઘડિયાળમાં જોયું અને તેને જબરજસ્ત આંચકો લાગ્યો.

ઘડિયાળમાં સાડા અગિયાર વાગ્યા હતા !

તેણે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. એમાં પણ બરાબર સાડા અગિયાર વાગ્યા હતા.

પણ આવું કેવી રીતે બની શકે?! તે ઊઠયો ત્યારે ઘડિયાળમાં નવ વાગ્યા હતા. તેણે ઘરેથી નીકળતાં પહેલાં એ ઘડિયાળમાં જોયું હતું તો એમાં નવ વાગ્યાને દસ મિનિટ થઈ હતી. ત્યાંથી નીકળીને તે મોટરસાઈકલ પર સીધો જ અહીં ઑફિસે આવ્યો હતો. રસ્તો પચીસ મિનિટનો હતો એ પ્રમાણે તે પાંચ મિનિટ મોડો પડે એમ હતો. બહુ બહુ તો દસ મિનિટ. પણ આ તો તે પૂરા બે કલાક મોડો હતો ! !

ઘરેથી અહીં પહોંચતાં સુધીની પસીસ મિનિટ ઉપરાંત વધારાના બે કલાક થવાનો સવાલ જ નહોતો ને ? પણ તો તે બે કલાક મોડો કેવી રીતના પડયો હતો ? !

'જાવ, હવે....,' મેનેજર ધવનનો અવાજ તેના કાને પડયો અને તે વિચારોમાંથી બહાર આવ્યો ઃ 'કાલે તમે મોડે સુધી રોકાયા છો તો આજે માફ કરી દઉં છું, પણ કાલથી ટાઈમસર આવી જજો.'

જિગર કંઈપણ બોલ્યા વિના કૅબિનની બહાર નીકળીને પોતાના ટેબલ તરફ આગળ વધી ગયો.

'તે બે કલાક મોડો કેમ પડયો   હતો ? !' ફરી તેના મગજમાં હથોડાની જેમ સવાલ ઝીંકાયો અને આ વખતે તેના મગજમાં જવાબ જાગી ગયો. 'નકકી તેના ઘરની દીવાલ ઘડિયાળ બે કલાક મોડી પડી ગઈ હતી. અને એ કારણે જ એ ઘડિયાળમાં એ વખતે અગિયાર વાગવાને બદલે નવ જ વાગ્યા હતા. તે નિસાસો નાંખતા ખુરશી પર બેઠો અને કામે વળગ્યો.

     ૦ ૦ ૦

જિગરના માથે વજન-વજન લાગતું હતું. જેમ-તેમ તેણે સાંજના છ વગાડયા અને ઑફિસમાંથી નીકળીને મોટરસાઈકલ પર સીધો  ઘરે પહોંચ્યો. તે પલંગ પર લેટયો, ત્યાં જ તેની નજર સામેની દીવાલ ઘડિયાળ પર પડી.

એમાં સાડા છ વાગ્યા હતા.

તે ઘડિયાળ પરથી નજર હટાવવા ગયો, ત્યાં જ તેને સવારની-ઑફિસે મોડા પહોંચ્યાની ઘટના યાદ આવી ગઈ અને તે એકદમથી બેઠો થઈ ગયો.

દીવાલ ઘડિયાળ પરથી નજર હટાવીને તેણે કાંડા ઘડિયાળમાં જોયું. એમાં પણ બરાબર સાડા છ વાગ્યા હતા.

'મતલબ કે, સામેની દીવાલ ઘડિયાળ બે કલાક મોડી નહિ, પણ સમયસર હતી !

'સવારના તે આ દીવાલ ઘડિયાળ પર નવ ને ઉપર દસ મિનિટ થતી જોઈને જ ઑફિસે જવા નીકળ્યો હતો અને ઑફિસે બે કલાક મોડો પડયો હતો !

'તે ઘરેથી સીધો જ ઑફિસે પહોંચ્યો હતો, રસ્તામાં કયાંય રોકાયો નહોતો પછી વચ્ચેનો બે કલાકનો સમય ગયો કયાં ? !

'તેણે દુનિયામાં ઘણી-બધી વસ્તુઓ ગૂમ થયાની વાતો વાંચી-સાંભળી હતી. પણ આ તો ઘરેથી ઑફિસે પહોંચવાની વચ્ચેનો તેનો બે કલાકનો સમય જ ગાયબ થઈ ગયો હતો!

'આવું તે કેવી રીતના બની    શકે ?' તેણે જોરથી માથું ઝટકયું અને એ સાથે જ તેના કાને કોઈ યુવતીનો ખિલ-ખિલ હસવાનો અવાજ પડયો ને તે સફાળો ઊભો થઈ ગયો. 'ક..ક...કોણ  છે ?' પૂછતાં તેણે રૃમમાં નજર ફેરવી.

-રૃમમાં કોઈ નહોતું !

તે રસોડામાં દોડી ગયો.

-રસોડામાંય કોઈ નહોતું !

તેણે બાથરૃમમાં જોયું. બાથરૃમ પણ ખાલી હતું.

'શું તેને કોઈ યુવતી હસી હોવાનો ભ્રમ થયો હતો ?' વિચારતાં તે સોફા પાસે પહોંચ્યો, ત્યાં જ તેના કાને યુવતીનો ધીરો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો ઃ 'હું તારા માથે બેઠી છું, જિગર !'

અને જિગરે ચોંકીને પોતાના માથે હાથ ફેરવ્યો.

-માથા પર કંઈ નહોતું.

ફરી એ યુવતીનો હસવાનો અવાજ સંભળાયો.

જિગર અરીસા સામેે દોડી ગયો અને અરીસામાં જોઈ રહ્યો.

-અરીસામાં દેખાતા તેના માથા પર કંઈ નહોતું.

'લે, હું તને આમ થોડી દેખાઈશ ? !' જિગરના કાને એ યુવતીનો અવાજ પડયો અને આ વખતે અચાનક જ જિગરની નજર સામે બાબા ઓમકારનાથનો ચહેરો તરવરી ઊઠયો, અને એ સાથે જ તે કાંપી ઊઠયો-ખળભળી ઊઠયો. એ વખતે બાબા ઓમકારનાથે તેને આપેલી ચેતવણી અત્યારે તેના કાનમાં ફરી અક્ષરશઃ ગૂંજી ઊઠી ઃ ''તું માને છે, એવો હું ઢોંગી નથી અને જુઠ્ઠો પણ નથી. હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે અને પછી તારી માટી પલીત થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા !''

અને જિગરના ચહેરા પર પરસેવો આવી ગયો. 'તો....તો શું એ વખતે તેનાથી રૃઠીને-તેના પર કોપીને ગયેલા બાબા ઓમકારનાથની ચેતવણી સાચી પડી  હતી...?!

'....શું બાબા ઓમકારનાથ કહીને ગયા હતા એ ભયાનક બલા અત્યારે ખરેખર જ તેના માથા પર સવાર થઈ ચૂકી હતી?!?!'

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh