પ્રેતજાળ

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૩)

'જમીનમાંથી નીકળેલા ફાટેલી ચામડી અને લાંબા-અણીદાર નખવાળા નવ હાથોએ એક સફેદ સાડીવાળી સ્ત્રીને પગ પાસેથી પકડીને અદ્ધર કરી,' એવું સપનામાં દેખાયેલું દૃશ્ય કલગીને હકીકતમાં દેખાયું, એટલે કલગીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી.

કલગીની આ ચીસ સાંભળતાં જ જીપવાળાએ બ્રેકની ચીચીયારી સાથે જીપ રોકી દીધી, તો કલગીની સામેની સીટ પર બેઠા-બેઠા ઊંઘી રહેલો કુનાલ અને પ્રિતી બન્ને ઝબકીને જાગી ગયાં.

'શું થયું, કલગી...?!' પ્રિતીએ ચિંતા સાથે પૂછયું.

'ત્યાં..' કલગીએ કહ્યું : 'ત્યાં...'

'...શું છે, ત્યાં..?!' કુનાલે પૂછયું.

કલગીએ જીપ નીચે ઊતરતાં એ મેદાન તરફ જોયું.

-મેદાન સાફ હતું. મેદાનમાં થોડીક પળો પહેલાં તેને જે જમીનમાંથી નીકળેલા નવ હાથ એક સફેદ સાડીવાળી સ્ત્રીને પોતાના સકંજામાં જકડી રહેલા દેખાયા હતા, એમાંનું અત્યારે કંઈ જ નહોતું. છતાં કલગી એ તરફ જોતાં આગળ વધી.

કુનાલ અને પ્રિતી પણ જીપમાંથી ઊતરીને કલગી પાછળ ચાલ્યા, તો જીપનો ડ્રાઈવર પોતાની સીટ પર બેસી રહ્યો. તે પોતાના કામથી જ મતલબ રાખવામાં માનતો હતો.

કલગી એ મેદાનમાં પહોંચી.

મેદાનની જમીન સપાટ હતી, જમીનમાં કોઈ ખાડા નહોતા. પણ થોડીક પળો પહેલાં બરાબર આ જગ્યાએ જ તેને સપનાવાળી એ સફેદ સાડીવાળી સ્ત્રી અને જમીનમાંથી નીકળેલા નવ હાથ ચોક્કસ દેખાયા હતા. 'એ....!' કલગીએ જમીન તરફ આંગળી ચીંધતા કુનાલ અને પ્રિતીને કહ્યું, '....એ અહીં...!'

'...શું અહીં, કલગી?!' કુનાલે પૂછયું.

'તું કહેવા શું કહેવા માંગે છે, કલગી?!' પ્રિતીએ પૂછયું.

'અહીં તો હતી એ...!' કલગી બોલી.

પ્રિતીએ નિશ્વાસ નાંખ્યોઃ 'લાગે છે કે, તારા સપના અમેરિકાથી પીછો કરતાં-કરતાં અહીં પણ આવી પહોંચ્યા છે.'

'શટ્ અપ યાર!' કલગી બોલીઃ 'સપના પણ તો દિમાગની કન્ડીશન્ડથી જ પેદા થાય છે ને!'

પ્રિતી અને કુનાલ કલગી સામે જોઈ રહ્યાં.

'આ બધાં વિચારો, લાગણીઓ, ઈચ્છાઓ જે અધૂરી રહી જાય છે, એ સપના બની જાય છે!'

'વાઉ, કલગી!' કુનાલ બોલ્યોઃ 'ઈન્ડિયા આવતાં જ તું તો સ્પિરિચ્યુઅલ-આધ્યાત્મિક બની ગઈ છે.'

'મજાક નહિ, કુનાલ!' પ્રિતીએ કુનાલને કહીને, કલગીને કહ્યું: 'કલગી! સિરીયસ્લી કહું તો મને એવું લાગે છે કે, તું અહીં ડોકયૂમેન્ટ્રી બનાવવા માટે નહિ, પણ કોઈક વાતની-કોઈક વસ્તુની તલાશમાં આવી હોય!'

કલગીએ જવાબ આપ્યો નહિ.

જોકે, ખરેખર કલગીને તલાશ હતી એ સવાલોના જવાબોની જે બાળપણથી એના મન-મગજમાં ઘુમરાઈ રહ્યાં હતાં-

-'આખરે કેમ આવા સપનાં બાળપણથી એનો પીછો કરી રહ્યાં હતાં?!

-'આખરે એની મમ્મી અચાનક કેવી રીતના ગાયબ થઈ ગઈ હતી?!'

અને મનમાંના આ સવાલો સાથે જ કલગી અત્યારે કુનાલ અને પ્રિતી સાથે પાછી જીપ પાસે આવી. તે જીપમાં બેઠી. જીપ એમના મુકામ તરફ આગળ વધી.

૦   ૦   ૦

કલગી, પ્રિતી અને કુનાલ 'લડાખ' પર 'ડોકયુમેન્ટ્રી'નું શુટિંગ કરી રહ્યાં હતાં.

કલગી ઊંચી પહાડી પર આવેલી બૌધ મૉનસ્ટરિ-બૌધ મઠ પર પહોંચતી સીડીના પગથિયા પર ઊભી હતી. તેણે પગથિયા પર, સ્ટેન્ડ પર વીડિયો કેમેરા ગોઠવ્યો હતો. તેની બાજુમાં પ્રિતી હાથમાં ડૉકયુમેન્ટ્રીની સ્ક્રીપ્ટ લઈને ઊભી હતી.

કુનાલ કેમેરાની સામે ઊભો હતો. કુનાલની પીઠ પાછળ 'લડાખ'નું સૌન્દર્ય પથરાયેલું હતું.

કલગીએ કેમેરા ચાલુ કર્યો.

'લડાખ ડોકયૂમેન્ટ્રી, ધરતીનું સ્વર્ગ! ટેક-વન!' પ્રિતી બોલી એ સાથે જ કેમેરા સામે ઊભેલા કુનાલે પોતાના ડાયલોગ બોલવા માંડયાઃ 'કાશ્મીરને 'હેવન ઑન અર્થ!' તરીકે ઓળખવામાં આવે છે. અને કાશ્મીરનું જ એક ડિસ્ટ્રીકટ છે, લડાખ. લડાખમાં ઘણી-બધી ખૂબસૂરત મૉનસ્ટરિ અને મૉન્ક છે.' અને કુનાલ મૉનસ્ટરિ-મઠ તરફ આંગળી ચીંધી.

'ઓ. કે!' કલગીએ બોલતાં કૅમેરા બંધ કર્યો.

પ્રિતીએ તાળી વગાડી. 'શરૂઆત ખૂબ જ સારી થઈ!' બોલતાં પ્રિતી કુનાલની નજીક ગઈ ને તેની સાથે આગળના ડાયલૉગ વિશે વાત કરવા માંડી.

તો કલગી આગળનું દૃશ્ય 'કેવી રીતે શૂટ કરવું?!' એ જોવા માટે, કૅમેરામાં જોતી કૅમેરા ડાબી બાજુથી આગળ ફેરવવા માંડી. તેણે થોડેક ઊંચે-પહાડીની ટોચ પર આવેલી મૉનસ્ટરિ-મઠ તરફ કૅમેરા ફેરવ્યો, ત્યાં જ તેને એક માણસનો ચહેરો દેખાયો. એ માણસના ચહેરા અને એના હાવભાવે કલગીના શરીરમાંથી એક કંપારી પસાર કરી દીધી, તો એ માણસ અચાનક આ રીતના તેની નજીક આવીને ઊભો રહી ગયો હતો એ વાતે તેને ચોંકાવી દીધી.

તેણે આંખ આગળથી કૅમેરા હટાવ્યો અને સીધું જ એ માણસ તરફ જોયું.

તેનાથી બે પગથિયાં ઉપર ઊભેલો એ માણસ છ-સવા છ ફૂટ ઊંચો ને ભરાવદાર શરીરનો હતો. એનો ચહેરો ગોળમટોળ હતો. એના માથે ટાલ હતી. એની આંખો મોટી-મોટી હતી. એની જમણી આંખની ઉપરથી, કપાળથી શરૂ કરીને આંખ નીચેના અડધા ગાલ સુધી એક ઊંડા ઘાનું જૂનું નિશાન પડેલું હતું. કોઈ છરી-ચપ્પુ જેવા તેજ હથિયારથી પડયો હોય એવો એ ઘા એ માણસના ચહેરાને કરડો બનાવતો હતો. એ માણસની આંખોમાં જાણે અણગમો-ગુસ્સો હતો અને એની એ આંખો કલગીના ચહેરા પર તકાયેલી હતી.

એ માણસે લાંબો ઝભ્ભો પહેર્યો હતો.

કલગી અને તેની બાજુમાં ઊભેલા કુનાલ અને પ્રિતી સમજી ગયા. એ માણસ લામા-બૌધ સાધુ હતો!

લામાના ચહેરા પરના હાવભાવ જોઈને કુનાલ અને પ્રિતીને શું બોલવું એની સમજ પડી નહિ, તો કલગીએ ગળા નીચે થૂંક ઊતારતાં બોલવાની હિંમત કરીઃ '...મેં મારા એક રિસર્ચમાં વાંચ્યું હતું કે, અહીં એક ખૂબ જ પુરાણી મૉનસ્ટરિ છે, લગભગ સો વરસ પુરાણી!'

લામા એ જ રીતના એકીટશે કલગીને તાકી રહ્યો.

'તમે...,' કલગીએ અચકાતા અવાજે પૂછયું: '...તમે જાણો છો, એ મૉનસ્ટરિ વિશે ? !'

લામા પળવાર કલગી સામે તાકી રહ્યો, પછી એણે લોખંડથી લોખંડ ટકરાતું હોય એવા રણકીલા અવાજે કહ્યું: 'જા! ચાલી જા, અહીંથી!'

કલગી, કુનાલ અને પ્રિતી ત્રણેય લામા તરફ જોઈ રહ્યા. ત્રણેયને શું બોલવું-કરવું એ કંઈ સૂઝયું-સમજાયું નહિ.

તો લામા મૉનસ્ટરિની સીડીના પગથિયાં ચઢવા માંડયો.

કલગી લામાને સીડી ચઢી જતાં જોઈ રહી. તો કુનાલ જાણે કંઈ બન્યું જ ન હોય એમ ફરી આસપાસમાં જોવા લાગ્યો. તો પ્રિતીને બેચેની થવા લાગી.

પેલો સીડી ચઢી રહેલો લામા આગળના વળાંક પરથી વળી ગયો અને દેખાતો બંધ થઈ ગયો, એટલે કલગીએ એ વળાંક પછી, થોડાંક મીટર ઉપર આવેલી ચાર માળની મૉનસ્ટરિ તરફ જોયું. એ મૉનસ્ટરિ તેની નજરને અને તેને ખેંચી રહી હતી!

કલગીએ ખભે લટકતો કેમેરા લીધો ને આંખ આગળ ગોઠવીને મૉનસ્ટરિનો ફોટો લીધો!

-કલીક્!

-એ મૉનસ્ટરિ જાણે તેને પોતાની તરફ બોલાવી રહી હતી.

કલગીએ પોતાની આંખ આગળથી કેમેરા હટાવ્યો અને મૉનસ્ટરિ તરફ જોઈ રહી.

હવે જાણે એ મૉનસ્ટરિ તેને પોતાની તરફ ખેંચી રહી હોય એમ તેના પગ આપમેળે પગથિયાં ચઢવા માંડયા. તે મૉનસ્ટરિ તરફ જોઈ રહેતાં ચાર પગથિયાં ચઢી, ત્યાં જ તેના કાને પ્રિતીનો 'કલગી!' એવો અવાજ અફળાયો, અને તેની મૉનસ્ટરિ પર ચોંટેલી નજર ઊખડી અને તેણે પાછું વળીને પ્રિતી તરફ જોયું.

-પ્રિતી માથે હાથ મૂકીને, ચક્કર ખાઈને પડતી હોય એમ બેસી પડી.

'પ્રિતી!' કહેતાં કલગી પ્રિતીની નજીક પહોંચી, તો બાજુમાં ઊભેલો કુનાલ પણ પ્રિતી પાસે બેસી પડયો.

'પ્રિતી!' કલગીએ પ્રિતી પાસે બેસતાં ચિંતાભેર પૂછયું: 'શું થયું, પ્રિતી?!'

પણ પ્રિતી બોલી નહિ. એ બંધ આંખે-માથું પકડીને બેસી રહી.

કલગીએ બેગમાંથી પાણીની બોટલ કાઢી અને પ્રિતીને ત્રણ-ચાર ઘૂંટ પીવડાવ્યા.

પ્રિતીએ આંખો ખોલી.

'મને લાગે છે કે, આટલી હાઈટ પર ઑકસીજનનું લેવલ ઓછું થઈ ગયું હશે!' કુનાલ બોલ્યોઃ 'મારૃં માનવું છે કે, હવે આપણે અહીંથી નીકળવું જોઈએ.'

'હા!' કહેતાં કલગીએ પ્રિતીનો એક હાથ પકડયો, તો બીજો હાથ કુનાલે પકડયો અને પ્રિતીને ઊભી કરી.

બન્ને જણાં પ્રિતીને લઈને પગથિયાં ઊતરવા માંડયા.

      ૦   ૦   ૦

'આઈ એમ શ્યોર, કે મારી સાથે જે બન્યું છે, કે જે બન્યું હતું, એ આપણાં બધાં સાથે કયારેક ને કયારેક લાઈફમાં બન્યું હશે. જ્યારે આપણે કોઈ નવી વ્યક્તિને મળીએ છીએ, કે પછી કોઈ નવી જગ્યા જોઈએ છીએ, તો આપણને એમની તરફથી વાઇબ્સ મળે છે-ત્યાંથી વાઇબ્સ આવે છે, અને મારી સાથે પણ એવું જ કંઈક થયું, જ્યારે મેં એ મૉનસ્ટરિને પહેલી વાર મારી સામોસામ જોઈ!' અને કલગીએ સામે સ્ટેન્ડ પર મુકાયેલો વીડિયો કૅમેરા બંધ કર્યો, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રિંગ વાગી.

તેણે બાજુના ટેબલ પર પડેલો પોતાનો મોબાઈલ ફોન ઉઠાવ્યો, અને એના સ્ક્રીન પર જોયું.

તેના પપ્પા મનોહરનો કૉલ હતો.

તેણે રિંગ વાગવા દીધી. તેના પપ્પાનો કૉલ તેણે લીધો નહિ.

તે છેલ્લે ઘરેથી પપ્પાને મળ્યા વિના અહીં નીકળી આવી હતી. જોકે, તે પપ્પાને મળવા રોકાત તો પપ્પા હરગિજ તેને અહીં આવવા ન દેત.

કલગીના હાથમાં પકડાયેલા મોબાઈલ ફોનની રિંગ વાગવાની બંધ થઈ. કલગીએ મોબાઈલને 'સ્વિચ ઑફ' કરી દીધો ને બાલ્કનીમાં પહોંચી. બાલ્કનીમાંથી પેલી મૉનસ્ટરિનો ઉપરનો થોડોક ભાગ દેખાતો હતો.

કલગીની નજર સામે એ મૉનસ્ટરિમાંથી ઊતરી આવેલા  લામાનો ચહેરો તરવરી ઊઠવાની સાથે જ તેના કાનમાં લામાનો અવાજ પણ ગૂંજી ઊઠયોઃ 'જા ! ચાલી જા, અહીંથી!''

કલગીએ માથું ઝટકયું, એ સાથે જ તેની નજર સામેથી લામાનો ચહેરો દૂર થયો.

'એ લામાએ તેને મૉનસ્ટરિમાં જતાં રોકી કેમ?! લામાએ તેને પાછા ચાલ્યા જવાનું કેમ કહ્યું ?' કલગીએ મન સાથે વાત કરી, 'જરૂર એ મૉનસ્ટરિમાં કંઈક છે.' કલગીએ નક્કી કર્યું, 'કાલ સવારના હું એ મૉનસ્ટરિમાં જઈશ ને આ વિશે તપાસ કરીશ.'

૦   ૦   ૦

સવાર પડી. એ મૉનસ્ટરિના એક હૉલ જેવડા મોટા રૂમમાં અત્યારે કલગીની મમ્મી પૂનમ લાકડાની ખુરશી પર બેઠી હતી.

પંદર વરસ પહેલાંની પૂનમ અને અત્યારની પૂનમમાં ઘણો ફરક આવી ગયો હતો.

એ વખતની ગોરી અને ભરાવદાર પૂનમ અત્યારે સાવ ફીકકી અને પાતળી સોટા જેવી થઈ ગઈ હતી. પૂનમના લાંબા વાળ એના ચહેરાની આગળ આવી ગયા હતાં.

પૂનમ કંઈક બબડી રહી હતી.

પૂનમના બબડાટનો એ અવાજ એના પોતાનો નહોતો. એ અવાજ એના શરીરમાં કબજો જમાવીને બેઠેલા નવ પ્રેતોમાંથી એક પ્રેતનો હતો!

પૂનમ બબડાટ કરતી ખુરશી પર બેઠી હતી, એની બરાબર  સામે રૂમનો મજબૂત દરવાજો હતો. એ દરવાજાના ઉપરના ભાગમાં એક વેંત જેવડી ગોળ બારી હતી. એ બારીની બહારથી બે યુવાન લામા અંદર જોઈ રહ્યા હતા અને કોઈક મંત્રો ભણી રહ્યાં હતાં.

બરાબર આ જ પળે, અહીંથી થોડાંક પગથિયાં નીચે, આ મૉનસ્ટરિના ખુલ્લા મેદાનમાં દાખલ થવાના ઊંચા-મેઈન દરવાજા પાસે આવીને કલગી ઊભી રહી.

કલગી અંદર દાખલ થઈ, ત્યાં જ તેના કાને અવાજ સંભળાયોઃ 'બસ! અહીં જ ઊભી રહી જા ! તારે અંદર નથી જવાનું !'

કલગીએ જોયું, તો ગઈકાલે સાંજના તેને પગથિયાં પર મળેલો અને તેને પાછા ચાલ્યા જવાનું કહેનાર લામા અત્યારે તેની સામે ઊભો હતો! અત્યારે પણ લામાના ચહેરા પર અણગમા ને ગુસ્સાના જ ભાવ હતા!

'જુઓ, સર !' કલગીએ કહ્યું : 'મારી પાસે પરમિશન છે, અને આમ પણ આ સ્ટુડન્ટ પ્રોજેકટ છે. હું અહીં આવું એમાં તમને શું પ્રોબ્લેમ છે?!'

'મેં તને ગઈકાલે પણ કહ્યું હતું,' લામાએ પોતાના રણકીલા અવાજમાં કલગીને કહ્યું: 'તું ચાલી જા, અહીંથી...!'

'ઠીક છે!' કલગીએ કહ્યું: 'હું ચાલી જાઉં છું.' અને તે પાછી વળી. તે એ મેઈન દરવાજાની બહાર નીકળી ગઈ અને થોડાંક પગથિયાં ઊતરી ગઈ. પણ પછી તે ઊભી રહી ગઈ. તે થોડીક વાર ત્યાં જ ઊભી રહી પછી તે પાછી મૉનસ્ટરિમાં પહોંચવા માટે  પગથિયાં ચઢવા લાગી.

તેણે મૉનસ્ટરિના મેઈન દરવાજામાં દાખલ થઈને જોયું.

પેલો લામા ચાલ્યો ગયો હતો.

કલગીએ જોયું, તો ડાબી તરફ સળંગ મૉનસ્ટરિ હતી અને જમણી બાજુ થોડાંક પગથિયાં ઉપરની તરફ જતાં હતા.ં એ પગથિયાં પૂરા થતાં એક લાકડાનો દરવાજો હતો. એ દરવાજો બંધ હતો.

કલગી સડસડાટ એ પગથિયાં ચઢી અને લાકડાના દરવાજા પાસે પહોંચી. તેણે લાકડાનો દરવાજો ધકેલ્યો. દરવાજો ખુલી ગયો. તે અંદર દાખલ થઈ. એ નાનકડી ખુલ્લી જગ્યા હતી. જમણી બાજુ એક રૂમનો દરવાજો દેખાતો હતો. એ દરવાજામાં ગોળ-નાનકડી બારી હતી.

કલગી દરવાજા પાસે પહોંચી.

તેણે દરવાજાની ગોળ- નાનકડી બારીમાંથી અંદર નજર નાંખી.

-અંદર સામેની દીવાલ પાસે ખુરશી પર બેઠેલી પૂનમ દેખાઈ. પૂનમના ચહેરા આગળ વાળ હતા, એટલે એનો ચહેરો દેખાતો નહોતો, છતાં પણ જાણે પૂનમ તેને અંદર બોલાવતી હોય એવું કલગીને લાગ્યું.

કલગીએ દરવાજાની સ્ટોપર ખોલી, અને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ, અને...

...અને બરાબર એ જ પળે સામે, તેનાથી પંદરેક પગલાં દૂર-ખુરશી પર બેઠેલી પૂનમે મોઢું ખોલ્યું ને એના મોઢામાંથી અવાજ નીકળ્યો : 'અઉઉઉઉઉઊઊ...!'

અને કલગી પગથી માથા સુધી કંપી ઊઠી-થરથરી ઊઠી!

પૂનમના મોઢામાંથી નીકળેલો અવાજ કોઈ પુરૂષનો અવાજ હોય એવો હતો!

-હા! આ અવાજ પૂનમના શરીરમાં કબજો જમાવીને બેઠેલા નવ પ્રેતમાંથી એક પ્રેતનો હતો!

-અને આ ભયાનક હકીકતથી બેખબર કલગીને જાણે પૂનમ પોતાની તરફ ખેંચી રહી હોય એમ કલગી ધીમા પગલે પૂનમ તરફ આગળ વધી..............

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રેતજાળ

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૨)

આજે ર૦૧૪ની ૧રમી મે નો દિવસ હતો. સવારના નવ વાગ્યા હતા.

પૂનમ પર મલ્ટીપલ પઝેશન થયું, એટલે કે, એક જ વારમાં, નવ આત્માઓ-પ્રેતોએ પૂનમના શરીર પર એકસાથે કબજો જમાવી લીધો, અને એ પ્રેતોને ભગાડી મૂકવા માટે આવેલા ત્રણ પંડિતો શંભુનાથ, દીપશંકર અને ઓમકારનો એ નવ પ્રેતોએ ભોગ લઈ લીધો, એ ઘટનાને આજે પંદર વરસ વીતી ચૂકયા છે.

પૂનમના શરીરમાં રહેલા નવ પ્રેતોએ, આ ત્રણ પંડિતને મોતને ઘાટ ઉતારી દીધા, ત્યારે પૂનમનો પતિ મનોહર એમની ચાર વરસની દીકરી કલગીને લઈને અમેરિકાના બોસ્ટન શહેરમાં વસી ગયો હતો.

આજે કલગી ઓગણીસ વરસની થઈ ચૂકી હતી. કલગીના મન-મગજમાં તેની મમ્મી પૂનમની ઝાંખી-ઝાંખી યાદ જળવાયેલી હતી. કલગી કયારેક તેના પપ્પા મનોહરને તેની મમ્મી વિશે પૂછતી, ત્યારે મનોહર તેની વાતને ટાળી દેતો. આનાથી કલગી અને મનોહર, દીકરી અને બાપ વચ્ચે તાણ-ટેન્શન રહેતું હતું.

પૂનમ મીડિયા સ્ટડીઝ્ની સ્ટુડન્ટ્ હતી. આજે એનું રિઝલ્ટ આવવાનું હતું. તે વહેલી ઊઠીને રિઝલ્ટ્ જોશે એવું નકકી કરીને સુતી હતી, પણ અત્યાર સુધીમાં તેની આંખ ખુલી નહોતી. તે હજુ ઊંઘી રહી હતી અને એક સપનું જોઈ રહી હતી. સપનામાં તે ચાર વરસની હતી અને બાથટબમાં બેઠી હતી. તેની મમ્મી પૂનમ તેને નવડાવી રહી હતી અને પોતાના મીઠા અવાજમાં ગાઈ રહી હતી,

'મારી કલગી પ્યારી.., 

 જગમાં સહુથી ન્યારી!'

અને કલગીની મમ્મી પૂનમે કલગીના ભીના વાળ પર હાથ ફેરવ્યો, ત્યાં જ કલગીની બંધ આંખો સામેથી આ દૃશ્ય દૂર થયું અને તેની આંખ ખૂલી ગઈ. તેને ખ્યાલ આવ્યો. તેને ફરી એકવાર એ જ સપનું દેખાયું હતું. તે એક નિશ્વાસ નાખતાં બેઠી થઈ. તેણે દીવાલ ઘડીયાળમાં જોયું. સવારના સવા નવ વાગ્યા હતા.

'ઓહ...! આજે આટલું મોડું કેવી રીતના થઈ ગયું ? !' કલગીએ બબડતાં બેડના સાઈડ ટેબલ પર પડેલું લૅપટોપ લીધું. 'આ દિવસનો તો હું કેટલા દિવસથી વાટ જોઈ રહી હતી.' તેણે લૅપટોપ ચાલુ કર્યું, ને પોતાનું રિઝલ્ટ્ જોવા માટે, લૅપટોપના કી-બોર્ડના બટનો દબાવવા માંડયા : 'ઈશ્વર કરે ને મારા ગ્રેડ સારા આવ્યા હોય તો સારું!' વિચારતાં તે અધીરાઈ સાથે લૅપટોપના સ્ક્રીન પર જોઈ રહી.

કલગીના ગ્રેડ્સ પર તેેના કરિયરનો જ નહિ, પણ તેેની જિંદગીનો પણ આધાર હતો. તેણે નક્કી કરી રાખ્યું હતું કે, 'તે કૉલેજ સ્કોલર-શિપની સાથે લડાખની એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ બનાવવા જશે.'

લૅપટોપના સ્ક્રીન પર કલગીનું રિઝલ્ટ્ દેખાયું નહિ, ત્યાં જ અચાનક ને આપમેળે લૅપટોપના સ્ક્રીન પર ફોટા દેખાવા માંડયા.

-એ ફોટા લડાખના હતા!

કલગી એ ફોટા જોઈ રહી.

ખૂબસૂરત પહાડીઓ, ખીણ-ખાઈ, ઝરણાંં, સરોવરવાળા લડાખના એ ફોટા કલગીને જાણે પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં. એમાં પણ એક ઊંચી પહાડી પર આવેલી એક ઈમારતવાળો ફોટો તો જાણે કલગીને પોતાની તરફ બોલાવી રહ્યો હતો!

કલગી એ ફોટાને રસપૂર્વક જોઈ રહી, ત્યાં જ બેડરૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો.

કલગીએ દરવાજા તરફ જોયું.

તેના પપ્પા મનોહર અંદર આવ્યા.

મનોહર ઈન્ડિયાથી અહીં અમેરિકા આવીને વસી ગયો એ પંદર વરસમાં, એના માથાના થોડાંક વાળ સફેદ થવા સિવાય તેના શરીરમાં બીજો કોઈ મોટો ફેરફાર આવ્યો નહોતો.

મનોહર કલગી પાસે આવીને ઊભો રહ્યો. તેણે કલગીના ખોળામાં મુકાયેલા લૅપટોપના સ્ક્રીન તરફ જોયું અને એ જ પળે સ્ક્રીન પર દેખાઈ રહેલાં લડાખના ફોટા આપમેળે જ સ્ક્રીન પરથી દૂર થઈ ગયાં.

'કલગી !' મનોહરે પોતાની યુવાન દીકરી કલગીને પૂછયું : 'તારા ગ્રેડ કેવા આવ્યા, કલગી?'

'હું એ જ જોઈ રહી હતી!' કલગીએ કહ્યું, ત્યાં જ કલગીના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. કલગીએ બાજુમાં પડેલો મોબાઈલ ફોન ઊઠાવીને એના સ્ક્રીન પર જોયું, તો તેના કૉલેજ ફ્રેન્ડ કુનાલનો કૉલ હતો.

કલગીએ તેના પપ્પા પણ કુનાલ સાથેની તેની વાતચીત સાંભળી શકે એ માટે મોબાઈલ ફોનનું બટન દબાવી દીધું અને તે બોલી, 'હા બોલ, કુનાલ!'

'કલગી!' મોબાઈલ ફોનના સ્પિકરમાંથી કુનાલનો આનંદથી રણકતો અવાજ સંભળાયોઃ 'આપણે ત્રણેય એ-પ્લસ ગ્રેડથી પાસ થયા છીએ, અને હવે આપણે આપણાં ડ્રીમ પ્રોજેકટ પર કામ કરીશું. લડાખ પર આપણે એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ બનાવીશું. હું ત્યાં જવા અધીરો થયો છું.'

'હું પણ!' કલગીએ મોબાઈલ ફોનમાં કુનાલને કહ્યું, એટલે મનોહર એકદમથી બોલી ઊઠયોઃ 'ના! હરગીજ નહિ!'

કલગીએ કુનાલ સાથેની મોબાઈલ પરની વાત કટ્ કરી દીધી અને મનોહર સામે જોયું.

'તું...' મનોહરે કહ્યું: 'તું કોઈ હાલતે લડાખ નહિ જાય, સમજી ને! નહિતર તો હું...'

'...નહિતર તમે શું કરશો?' કલગીના અવાજમાં દુઃખ આવી ગયું: 'તમે એ જ કરશો ને, જે તમે મમ્મી સાથે કર્યું હતું ! એક ઝટકામાં તમે એની સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. તમે..,' કલગીની આંખમાં ભિનાશ આવીઃ '...તમે મમ્મીની એક નિશાની.., મમ્મીનો એક ફોટો સુદ્ધાં ઘરમાં રાખ્યો નથી. પણ... પણ તમે યાદ રાખજો, હું મમ્મી જેવી નથી. અને...અને હું હવે મોટી થઈ ગઈ છું ! હું મારી જિંદગીના નિર્ણયો જાતે જ લઈ શકું છું. હું જઈશ, હા! હું લડાખ જઈશ!' અને કલગી રૂમના દરવાજા તરફ આગળ વધી ગઈ.

'કલગી...,' મનોહર ભારે અવાજે બોલ્યોઃ '...મારી વાત તો સાંભળ, કલગી !'

પણ કલગી રોકાઈ નહિ. તે રૂમની બહાર નીકળી ગઈ.

મનોહરે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો, અને એમાં સેવ કરેલો મોબાઈલ નંબર લગાવ્યો. તેણે કાન પર મોબાઈલ મૂકયો અને તેના કાને મોબાઈલમાં-સામેથી એક પુરૂષનો પ્રભાવશાળી અવાજ  સંભળાયો, એટલે તેણેે કહ્યું: 'કલગી જિદ્ પર અડેલી છે!' અને તેણે મોબાઈલ ફોનમાં સામેવાળાની વાત સાંભળી અને કહ્યું: 'તમે બધું સંભાળી લેશો ને?! ઠીક છે! થૅન્કયૂ!' અને મનોહરે કોલ કટ્ કરીને મોબાઈલ ખિસ્સામાં મૂકયો. તે ટેબલ પર પડેલી ફોટોફ્રેમમાંના કલગીના ફોટાને જોઈ રહ્યો, પછી એક ઊંડો શ્વાસ લેતાં બબડયોઃ 'મારે આનો કોઈ બીજો ઈલાજ કરવો પડશે!'

૦   ૦   ૦

કલગી, તેમ જ તેના બે ફ્રેન્ડ્સ કુનાલ અને પ્રિતી, ત્રણેય જણાં લડાખ આવી પહોંચ્યા.

અહીંની ખીણ-ખાઈઓ-પહાડીઓ-ઝરણાં બધું જ ખૂબસૂરત હતું! પણ આ ખૂબસૂરતી વચ્ચે છુપાયેલું હતું, કલગીની જિંદગીનું સહુથી મોટું રહસ્ય!!!

કલગી ખુલ્લી જીપમાં પોતાના ફ્રેન્ડ્સ કુનાલ અને પ્રિતી સાથે હોટલ તરફ આગળ વધી રહી હતી. કુનાલ અને પ્રિતી લડાખની ખૂબસૂરતીને પોતાની આંખથી પી રહ્યાં હતાં, તો કલગી લડાખની આ ખૂબસૂરતીને કૅમેરામાં ઉતારી રહી હતી. તે આસપાસના મનોરમ દૃશ્યોના ફોટા લઈ રહી હતી.

કુનાલે જીપના ડ્રાઈવરને કહીને જીપ રોકાવી. રસ્તાની બન્ને બાજુ થોડેક સુધી ખુલ્લા મેદાન હતાં, અને એ પછી  નાની-મોટી પહાડીઓ દેખાઈ રહી હતી.

કલગી, કુનાલ અને પ્રિતી જીપમાંથી નીચે ઊતર્યા.

કલગી મનને ખુશ કરી દેનારા આસપાસના કુદરતી દૃશ્યોના ફોટા લેવા માંડી.

'કલગી !' પ્રિતીનો અવાજ કાને પડયો, એટલે કલગીએ કૅમેરાની આંખ પરથી પોતાની આંખ હટાવીને પ્રિતી સામે જોયું. 'આ બેકગ્રાઉન્ડ સાથે અમારા બન્નેનો એક ફોટો લે તો!' અને પ્રિતીએ બાજુમાં ઊભેલા કુનાલના ખભા પર હાથ મૂકયો.

કલગીએ કૅમેરામાં જોયું. કુનાલ અને પ્રિતી સ્માઈલ કરતાં દેખાયાં.

'ઑ. કે. રેડી!' કહેતાં કલગીએ કલીક્ કરી-ફોટો પાડયો, ત્યાં જ કલગીનું ધ્યાન કુનાલ અને પ્રિતીની પાછળ-બેકગ્રાઉન્ડમાં આવેલી પહાડી તરફ ખેંચાયું.

એ પહાડી પર એક ઊંચી-મોટી ઈમારત હતી! આ એ જ ઈમારત હતી જે તેને તે અમેરિકા હતી, ને તે રિઝલ્ટ જોઈ રહી હતી ત્યારે તેને તેના લૅપટોપ પર જોવા મળી હતી!

'થૅન્કયૂ!' કલગીએ એમનો ફોટો પાડયો હતો એ બદલ કહેતાં કુનાલ અને પ્રિતી બીજી તરફ આગળ વધી ગયાં.

કલગીએ આંખ સામેથી કૅમેરા હટાવ્યો અને દૂર આવેલી પહાડી પરની એ ઈમારતને જોઈ રહી. શી ખબર કેમ?! જાણે એ ઈમારત કલગીની નજરને પોતાની તરફ ખેંચી રહી હતી!

કલગીએ કૅમેરા ફરીથી આંખ આગળ ગોઠવ્યો અને પહાડી પરની એ ઈમારતના ફોટા લેવા માંડી.

-કલીક્...!

અને તે ધીમે-ધીમે આગળ વધવા માંડી.

-કલીક્!

તેનું બધું ધ્યાન એ ઈમારતના ફોટા પાડવામાં હતું. તે આગળ વધી રહી હતી અને તેનાથી ત્રણેક પગલાં આગળ આ મેદાનની કિનાર હતી! એ કિનાર ખરાબ રીતના તૂટેલી હતી ! કિનાર પછી નીચે ઊંડી ખાઈ હતી ! એ ખાઈ ઊંચી-નીચી થતી સામે દૂર સુધી જતી હતી, અને એ પછી પેલી સામેની ઈમારતવાળી પહાડી આવેલી હતી!

કલગી ફરી એ ઈમારતનો એક ફોટો પાડતાં એક પગલું આગળ વધી.

હવે એ ખાઈ તેનાથી બે પગલાં આગળ હતી, અને આ વાતથી કલગી બેખબર હતી. તો તેની ડાબી બાજુ-તેનાથી પાંચ-છ પગલાં દૂર ઊભેલા કુનાલ અને પ્રિતીનું ધ્યાન પણ આ તરફ નહોતું. એ બન્ને 'લડાખ'ની ડોક્યૂમેન્ટ્રીમાં કેવી રીતના આ જગ્યાને લેવી એ વિશે વાતચીત કરી રહ્યાં હતાં.

-કલીક્...!

કલગીએ એ ઈમારતનો બીજો એક ફોટો પાડયો, અને બીજું એક પગલું આગળ વધી.

હવે કલગીથી એ ખાઈ એક પગલું દૂર હતી!

કલગીએ એક બીજો ફોટો લીધો ને એક પગલું આગળ વધી.

હવે કલગી એ ખાઈની કિનાર પર પહોંચી ચૂકી હતી !

હવે કલગી જેવું એક પગલું આગળ વધે એ સાથે જ તે ખાઈમાં પડી શકે એમ હતી! અને જો તે ખાઈમાં પડે તો તેનું મોત નક્કી હતું!! અને...

...અને આ ભયાનક હકીકતથી બેખબર કલગીએ કૅમેરામાંથી થોડેક દૂરની એ ઈમારતને જોઈ રહેતાં એક પગલું આગળ વધાર્યું, અને એ જ પળે તેના કાને 'કલગી...' એવી પ્રિતીની બૂમ સંભળાવાની સાથે જ પાછળથી તેનું ટીશર્ટ ખેંચાયું-તે પાછળ ખેંચાઈ અને સાથે જ પ્રિતીનો આગળ અવાજ  સંભળાયોઃ 'શું થઈ ગયું છે, તને?! કયાં જઈ રહી હતી, તું?!'

કલગીએ જાણે તે કોઈ બીજી દુનિયામાંથી આ દુનિયામાં પાછી આવી હોય એમ પ્રિતી અને કુનાલ સામે જોયું.

'આ...આ...' કુનાલે કહ્યું: '...આગળ ખાઈ છે, તને દેખાઈ નહિ?!'

અને કલગીએ ચહેરો ફેરવીને જોયું. આગળ ખાઈ હતી. જો પ્રિતીએ તેને પકડી ન હોત તો તેે ખાઈમાં પડી ગઈ હોત. તેના શરીરમાંથી કંપારી છુટી ગઈ.

'કલગી!' પ્રિતીએ પૂછયું: 'તું ઠીક તો છે ને?!'

કલગીએ ફરી પેલી પહાડી પરની એ ઈમારત તરફ જોયું. હજુ પણ એ ઈમારત જાણે તેને પોતાની તરફ ખેંચી રહી હતી- જાણે તેને પોતાની પાસે બોલાવી રહી હતી!!

'ચાલ અહીંથી !' કહેતાં પ્રિતી કલગીનો હાથ પકડીને, તેેને ખેંચતી જીપ તરફ આગળ વધી.

કુનાલ પણ એમની સાથે ચાલ્યો. 'જો એની સાથે વાત કરતાં-કરતાં પ્રિતીનું ધ્યાન કલગી તરફ ગયું ન હોત અને પ્રિતીએ કલગીને પકડી લીધી ન હોત તો કલગી ખાઈમાં પડી જ જાત.' એવા વિચાર સાથે કુનાલ પણ કલગી અને પ્રિતી સાથે જીપની પાછલી સીટ પર બેઠો. 'જવા દો.' એણે જીપના ડ્રાઈવરને કહ્યું.

ડ્રાઈવરે જીપને હંકારી મૂકી.

૦   ૦   ૦

સાંજ પડી રહી હતી. બન્ને બાજુ મેદાન અને નાની-મોટી પહાડીઓ વચ્ચેની સડક પર ખુલ્લી જીપ દોડી રહી હતી. જીપની પાછલી સીટ પર બેેઠેલી કલગી અને પ્રિતી ઊંઘી ગઈ હતી, તો કુનાલ પણ ઝોંકે ચઢયો હતો.

અત્યારે ઘસઘસાટ ઊંઘી રહેલી કલગી સપનાની દુનિયામાં સરી. તેની બંધ આંખ સામે એક દૃશ્ય દેખાવા માંડયું...,

'પહાડીઓ વચ્ચે એક ખુલ્લું મેદાન હતું. એ મેદાનમાં એક સફેદ સાડી પહેરેલી સ્ત્રી ઊભી હતી. પવન સૂસવાટાભેર ફૂંકાઈ રહ્યો હોવાને કારણે એ સ્ત્રીના વાળ એના ચહેરા આગળ આવતા હતા, ને એટલે એ સ્ત્રીનો ચહેરો દેખાતો નહોતો. એ સ્ત્રીની સાડીનો લાંબો પાલવ હવામાં  ફરફરતો હતો. એ સ્ત્રીનું આખું શરીર અક્કડ થયેલું હતું અને એના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા! એ સ્ત્રી પોતાના ચોંટેલા પગને જમીનમાંથી ઊખાડી લેવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ સફળ થઈ શકતી નહોતી!

અચાનક જ એ સ્ત્રીની ચારે બાજુની જમીનમાં જાણે બૉમ્બ મુકાયેલાં હોય ને એ બૉમ્બ ફૂટયા હોય એમ જમીન ફાટી અને જમીનનાં ટુકડા હવામાં ઊછળ્યા.

એ સ્ત્રી ચીસો પાડવા માંડી, ત્યાં જ સ્ત્રીની આસપાસની એ ફાટેલી જમીનમાંથી ધીમે-ધીમે એક હાથ બહાર નીકળવા માંડયો ! એ હાથ ખભા સુધી બહાર નીકળી આવ્યો! અને...

...અને પછી સ્ત્રીની ચારે બાજુની જમીનમાંથી બીજો... ત્રીજો...ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો હાથ બહાર નીકળી આવ્યો!

સ્ત્રીની ચારેબાજુ-જમીનમાંથી નીકળી આવેલા આ નવ હાથ નાના-મોટા હતા! અલગ-અલગ ઉંમરની વ્યક્તિઓના હતા!! એ બધાં હાથની ચામડી ફાટેલી હતી અને આંગળીના નખ લાંબા અને અણીદાર હતાં!!!

એ બધાં હાથ...એ બધાં હાથ એ સ્ત્રીને પોતાના પંજામાં પકડી રહ્યાં હતાં અને સ્ત્રી એ બધાં હાથથી પોતાની જાતને બચાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી ને ચીસાચીસ કરી રહી હતી!

એ નવ હાથોએ એ સ્ત્રીને પગ પાસેથી પકડી લધી અને સ્ત્રીને જમીનથી અદ્ધર કરી! એ સ્ત્રીએ એક જોરદાર ચીસ પાડી, અને...'

...અને આ સાથે જ કલગીનું આ ભયાનક સપનું તૂટી ગયું. તેની બંધ આંખો સામેથી આ ભયાનક દૃશ્ય દૂર થવાની સાથે જ, તેની આંખો ખૂલી ગઈ. તે જાગી ગઈ. તેણે જોયું તો તેની સામેની સીટ પર કુનાલ અને પ્રિતી બેઠાં-બેઠાં ઊંઘી રહ્યાં હતાં. તેની નજર એમની પાછળ ગઈ અને તે પગથી માથા સુધી કંપી ઊઠી-ખળભળી ઊઠી.

-હમણાં...હમણાં  પળવાર પહેલાં તેને સપનામાં જે ભયાનક દૃશ્ય દેખાયું હતું, એ અત્યારે અસલમાં-હકીકતમાં તેની નજર સામે બની રહ્યું હતું...

...અત્યારે સામે, ચાળીસ-પચાસ મીટર દૂર, ખુલ્લા મેદાનમાં એક સફેદ સાડીવાળી સ્ત્રી ઊભી હતી! એ સ્ત્રીની ચારે બાજુ જમીનમાંથી નીકળેલા નવ નાના-મોટા, ચામડી ફાટેલાં, લાંબા-અણીદાર નખવાળા હાથ એ સ્ત્રીને પકડી રહ્યાં હતાં!

સપનાવાળું દૃશ્ય, આમ હકીકતમાં જોતાં જ કલગીના મોઢામાંથી ભયભરી ચીસ નીકળી ગઈ!

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્રેતજાળ

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧)

-અત્યારે ભારતના જમ્મૂ શહેરમાં માનવામાં ન આવે એવી એક ગજબનાક ને ભયાનક ઘટના બની રહી હતી !

-'અઉઉઉઉઉઉઊઊઊ...!'

-આજે ૧૯૯૯ની રરમી ઑકટોબરની રાત હતી! રાતના પોણા બાર વાગ્યા હતા!!

-'અઉઉઉઉઉઉઊઊઊ...!'

-આ અવાજમાં ભયાનકતા હતી!! આ અવાજ.., આ અવાજ એક પ્રેતનો હતો! હા.., એક ભયાનક પ્રેતનો અવાજ!!

-'અઉઉઉઉઉઉઊઊઊ...!'

-આ અવાજ એ પાગલખાનાના  એક રૂમમાંથી આવી રહ્યો હતો! એ રૂમનો લોખંડી જાળીવાળો દરવાજો બંધ હતો!

-બંધ દરવાજાની બહાર ત્રણ કાશ્મીરી પંડિત ઊભા હતા! ત્રણેય પંડિતોએ સફેદ ઝબ્બો અને ધોતિયું પહેર્યું હતું! ત્રણેના ખભા પર પીળા રંગનો ખેસ હતો! ત્રણેયના કપાળ પર તિલક થયેલું હતું અને ત્રણેયના ગળામાં 'ઑમ'નું પિત્તળનું પૅન્ડન્ટ્ લટકતું હતું!!

-ત્રણેયમાં વચ્ચે ઊભેલા પંચોતેરે વરસના પંડિત શંભુનાથના હાથમાં ત્રિશૂલ હતું!

આ પંડિત શંભુનાથની ડાબી બાજુ ઊભેલા ચાળીસ-બેત્તાળીસ વરસના પંડિત દીપશંકરના હાથમાં રૂદ્રાક્ષના મણકાની માળા હતી!

પંડિત શંભુનાથની જમણી બાજુ ઊભેલા છવ્વીસ-સત્તાવીસ વરસના પંડિત ઑમકારના એક હાથમાં પિત્તળની થાળી હતી, એ થાળીમાં લીંબુ હતાં. એના બીજા હાથમાં કળશ હતું. એ કળશમાં પાણી હતું!

-'અઉઉઉઉઉઉઊઊઊ...!'

બંધ દરવાજાની અંદરથી હજુ પણ પ્રેતનો આ ભયાનક અવાજ આવી રહ્યો હતો!

વચ્ચે ઊભેલા પંડિત શંભુનાથે જમણી બાજુ ઊભેલા પંડિત ઑમકાર સામે જોયું.

ઑમકાર એમની નજરના ભાવ સમજી ગયો અને એણે હાથ લાંબાવીને એ રૂમનો દરવાજો ખોલી નાંખ્યો.

અંદરથી આવી રહેલો પ્રેતનો ભયાનક અવાજ વધુ મોટો થયો.

પંડિત શોભનાથે મંત્રો ભણવાનું શરૂ કર્યું, એટલે એમની ડાબી બાજુમાં ઊભેલા દીપશંકરે પણ પોતાના હાથમાં રહેલી માળાના મણકા ફેરવવવાની સાથે જ મંત્રો ભણવાના શરૂ કર્યા.

શંભુનાથની જમણી બાજુ ઊભેલા ઑમકારે પણ મંત્રો ભણવાના શરૂ કર્યા!

અને આ સાથે જ અંદરથી પ્રેતની રોષભરી ચીસ સંભળાઈ.

પંડિત શંભુનાથ મંત્રો ભણવાનું ચાલુ રાખતાં એ રૂમમાં દાખલ થયા. એમની સાથે જ દીપશંકર અને ઑમકાર પણ એ જ રીતે મંત્રો ભણતા રૂમમાં દાખલ થયા.

ખાસ્સા એવા એ મોટા રૂમમાં બલ્બનું ઝાંખું અજવાળું ફેલાયેલું હતું. રૂમમાં વચ્ચોવચ એક મોટો લોખંડનો પલંગ મુકાયેલો હતો!

પલંગ પર એક પચીસ વરસની યુવતી પડી હતી! એ યુવતીએ શર્ટ જેટલી લંબાઈનો અડધી બાંયનો ઝભ્ભો અને લેંઘા જેવી સુરવાલ પહેરી હતી !

એ યુવતી, એને જોનારના શરીરમાંથી કંપારી પસાર થઈ જાય-અરેરાટી નીકળી જાય એવી રીતના પડી હતી ! યુવતીની ગરદન અને હાથ-પગ અક્કડ થઈ ગયેલા હતા! એના શરીરની બધી નશો જાણે ખૂબ જ ખરાબ રીતના ખેંચાઈ ગઈ હોય એમ એના હાથ-પગ એકદમ અક્કડ થયેલા હતા. એના લાંબા કાળા વાળ વિખરાયેલા હતા. એની મોટી-મોટી આંખો ફાટી ગઈ હોય એટલી હદે ખુલેલી હતી. એની મોટી કીકીઓ અત્યારે સામેની દીવાલ તરફ તકાયેલી હતી. એની કીકીઓ અંદર આવીને એના પગ પાસે-ચારેક પગલાં દૂર ઊભેલા ત્રણેય પંડિતોને જોઈ શકતી નહોતી, પણ તેમ છતાંય જાણે એ ત્રણેય પંડિતોને જોઈ શકતી હોય એવા ભાવ એની કીકીઓમાં સળવળી રહ્યાં હતાં. અને યુવતીને એ ત્રણેય પંડિતોના આગમનથી ગુસ્સો ચઢી રહ્યો હોય એવા ભાવ એના ચહેરા પર વર્તાઈ રહ્યા હતા.

-'અઉઉઉઊઊઊ...!' યુવતીના મોઢામાંથી અવાજ નીકળ્યો!

-એ અવાજ એ યુવતીનો નહોતો!

-એ અવાજ યુવતીના શરીરમાં રહેલા પ્રેતનો હતો!!

-એ અવાજ જાણે કોઈ ભારે-પહેલવાની શરીરવાળા માણસનો હોય એવો ભારેભરખમ હતો !

-'અઉઉઉઉઉઉઊઊઊ...!'

યુવતીના પલંગની ચારે બાજુ, થોડાં-થોડાં અંતરે જમીન પર લીંબુ મૂકી રહેલા પંડિત ઑમકાર પર યુવતીની નજર પડી અને એની કીકીઓ ઝડપભેર આમતેમ થવાની સાથે જ એણે ત્રાડ પાડી.

યુવતીના પલંગ ફરતે લીંબુ મૂકી રહેલા ઑમકારે લીંબુ મૂકવાની ઝડપ વધારવાની સાથે જ મંત્રો ભણવાની ઝડપ પણ વધારી. તે યુવતીના પલંગ ફરતે લીંબુ મૂકતો, જ્યાંથી તેણે લીંબુ મૂકવાનું શરૂ કર્યુું હતું ત્યાં પહોંચ્યો.

અત્યાર સુધીમાં પંડિત દીપશંકરે જમીન પર, ઑમકારે બનાવેેલા લીંબુના કુંડાળાની વચમાં એક સાથિયો બનાવી લીધો હતો.

દીપશંકર મંત્રો ભણતાં પાછા શંભુનાથની ડાબી બાજુ ઊભા રહી ગયા એટલે ઑમકારે બીજા બે લીંબુ મૂકી દીધાં અને લીંબુનું કુંડાળુ પૂરૃં કરી દીધું. તે પાછો શંભુનાથની જમણી બાજુ ઊભો રહી ગયો.

હવે સામે પલંગ પર એ યુવતી પડી હતી! નીચે જમીન પર સાથીયો બનેલો હતો અને પલંગની ચારેબાજુ લીંબુનું કુંડાળું બનેલું હતું. કુંડાળાથી દોઢ-બે ફૂટ દૂર-યુવતીના પગ તરફ એ ત્રણેય પંડિત ઊભા હતા !

હવે ત્રણેય પંડિતોએ મંત્ર ભણવાનો અવાજ વધુ મોટો કરવાની સાથે જ, મંત્ર ભણવાની ઝડપ પણ ઓર વધારી. અને ત્રણેય પંડિતોના આ અવાજ જાણે યુવતીના કાનમાં ધગધગતા સીસાની જેમ રેડાયા હોય એમ એણે એક પીડાભરી ચીસ પાડી અને એના હાથ-પગ વળવા માંડયા! એના બન્ને હાથ કાંડા અને કોણી પાસેથી તેમજ પગ ઘૂંટી પાસેથી વળવા માંડયા!

ત્રણેય પંડિતોએ એ જ રીતના મંત્રો ભણવાનું ચાલુ રાખ્યું.

યુવતીના હાથ અને પગ સામાન્ય રીતના જેટલી હદે વળી શકે એટલી હદે વળી ગયા ને છતાંય વધુ આગળ વળવા માંડયા એટલે જાણે એના હાથ-પગના હાડકાં તૂટી રહ્યાં હોય એવો અવાજ થયો. કટ્ટ્ટ્ટ્ટ...!

યુવતીના મોઢામાંથી હવે એ પ્રેતના અવાજને બદલે એના પોતાનો અવાજ આવતો હોય એવો પાતળો અવાજ નીક્ળ્યો ! એ અવાજમાં ભારોભાર પીડા હતી !

કટ્ટ્ટ્ટ્ટ...!

હવે યુવતીના હાથ-પગ બધાં સાંધાઓ પાસેથી ઓર વધુ વળ્યા અને એ યુવતીના મોઢામાંથી એક લાંબી પીડાભરી ચીસ નીકળી. બીજી જ પળેે એના હાથપગ એકદમથી જ સીધા થઈ ગયા ને એના આખા શરીરે એક જોરદાર આંચકી ખાધી અને..., અને એ આંચકી સાથે જ જાણે એનો જીવ નીકળી ગયો હોય એમ એનું શરીર સ્થિર થઈ ગયું.

ત્રણેય પંડિતોએ પલંગની ગોળ ફરતે મુકાયેલા લીંબુ તરફ જોયું.

એ બધાં લીંબુ સળગી ગયાં હોય એમ કાળાં પડી ગયા હતાં.

પંડિત દીપશંકર અને પંડિત ઑમકારના ચહેરા પર જાણે તેઓ કંઈ સમજી ન શકયા હોય એવા મૂંઝવણના ભાવ આવ્યાં, તો એ બન્નેની વચમાં ઊભેલા શંભુનાથના ચહેરા પર ટૅન્શનની રેખાઓ ઊપસી આવી. અને એ જ પળે જાણે એ યુવતીમાં પાછો જીવ આવ્યો હોય એમ એ પલંગ પરથી ઊંચકાઈ અને એકદમ સીધી થઈ જતાં, પલંગથી બે ફૂટ અધ્ધર હવામાં ઊભી રહી ગઈ, અને ત્રણેય પંડિતો સામે જોતાં હસવા લાગી !

'હા-હા-હા-હા!'

આ વખતે ફરી યુવતીના મોઢામાંથી એે પ્રેતનો જ અવાજ આવવા માંડયો હતો!

'હા-હા-હા-હા!'

હવે યુવતીના શરીરમાં રહેલું પ્રેત જાણે પંડિતોની હાંસી ઊડાવતું હોય એમ હસવા માંડયું.

ઑમકારે હાથમાંની થાળી નીચે મૂકી. એણે બાજુમાં પડેલું કળશ ઊઠાવ્યું ને એમાંનું પાણી હાથમાં લઈને એ યુવતી પર છાંટયું.

યુવતીના શરીરમાં રહેલા પ્રેતને જાણે આ પાણીની ઝાળ-આગ લાગી હોય એમ એણે પીડાભરી ચીસ પાડી અને હસવાનું બંધ કર્યું. જોકે, યુવતી હજુ પણ એ જ રીતના પલંગ પર, પલંગથી બે ફૂટ અધ્ધર હવામાં જ ઊભી હતી. યુવતીના ચહેરા પર હવે ગુસ્સો આવી ગયો હતો. એની આંખોમાં પણ ગુસ્સો તરવરતો હતો અને એની ગુસ્સાભરી આંખો શંભુનાથ તરફ તકાયેલી હતી!

શંભુનાથ પણ હાથમાં ત્રિશૂલ સાથે, એ યુવતીની આંખોમાં આંખો મિલાવીને જોઈ રહ્યા હતા.

'...તમારા ત્રણેયનો આખરી સમય હવે આવી ગયો !' યુવતીના શરીરમાં રહેલું પ્રેત જાણે દાંત કચકચાવતાં બોલ્યું અને આ સાથે જ યુવતીએ બન્ને હાથ પોતાના માથાની ઉપરની તરફ કરવા માંડયા.

યુવતી અને શંભુનાથની નજર હજુ પણ જાણે એકબીજામાં પરોવાયેલી હતી!

હવે શંભુનાથે મંત્રો ભણવાનું બંધ કરી દીધું.

શંભુનાથે મંત્રો ભણવાનું બંધ કર્યું એ વાત શંભુનાથની આજુબાજુ ઊભેલા દીપશંકર અને ઑમકારના ધ્યાનમાં આવી નહિ. એ બન્નેનું બધું જ ધ્યાન અત્યારે સામે, હવામાં ઊભેલી યુવતી તરફ હતું ! બન્ને મંત્રો ભણી રહ્યા હતા.

અત્યારે હવે દીવાલ પરની ઘડિયાળના બન્ને કાંટા બાર પર ભેગા થયા, રાતના બરાબર બાર વાગ્યા અને એ યુવતીએ પોતાના માથાની અધ્ધર કરેલા પોતાના બન્ને હાથની હથેળીઓ એકબીજા સાથે મિલાવી દીધી, અને....

...અને એ સાથે જ એ યુવતીની આંખોમાં પરોવાયેલી શંભુનાથની આંખોની કીકીઓ જાણે એકદમથી જ ગાયબ થઈ ગઈ હોય એમ દેખાવાની બંધ થઈ ગઈ! શંભુનાથની આખી આંખો એકદમ સફેદ થઈ ગઈ! માણસ ભય પામી ઊઠે એવી-કીકીઓ વિનાની બિલકુલ સફેદ આંખો!

હવે યુવતી ખડખડાટ હસવા લાગી, અને...

...અને જાણે શંભુનાથ એ યુવતીના શરીરમાં રહેલા પ્રેતના વશમાં ચાલ્યા ગયા હોય એમ એમણે પોતાના હાથમાંનું ત્રિશૂલ અધ્ધર કર્યું અને પોતાની ડાબી બાજુ ઊભેલા દીપશંકરના પેટમાં ખોંપ્યું. દીપશંકરના મોઢામાંથી ચીસ નીકળી, ત્યાં તો શંભુનાથે ત્રિશૂલને દીપશંકરના પેટમાં ફેરવીને પછી બહાર ખેંચી કાઢયું.

બાજુમાં ઊભેલો ઑમકાર કંઈ સમજે-કરે એ પહેલાં જ શંભુનાથ વીજળીની જેમ ઑમકાર તરફ ફર્યા, અને પોતાની કીકી વિનાની આંખોથી પણ ઑમકારને જોઈ શકતા હોય એમ એમણે ઑમકાર સામે જોતાં એની છાતીમાં ત્રિશૂલ ખોંપી દીધું.

ઑમકારની છાતીમાંથી લોહી છુટયું.

શંભુનાથે ત્રિશૂલ બહાર ખેંચી કાઢયું.

ઑમકારનો જીવ નીકળવાની સાથે જ એ બાજુમાં મૃત પડેલા દીપશંકરની જેમ જ જમીન પર પડયો.

શંભુનાથે કીકીઓ વિનાની સફેદ આંખે યુવતી સામે જોયું અને પછી પોતાના હાથે પોતાની ગરદનમાં ત્રિશૂલ ખોંપી દીધું. એમની ગરદનમાંથી જાણે લોહીનો ફુવારો છુટયો અને એ જમીન પર પડયા ! એમની કૉરી આંખોમાં પાછી કીકીઓ દેખાઈ! એ કીકીઓમાં પીડા ઝળકી અને બીજી જ પળે એમનો જીવ નીકળી ગયો. એમની પીડાભરી કીકીઓ સ્થિર થઈ ગઈ! એમની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ!

'હા-હા-હા-હા!!' યુવતી-યુવતીના શરીરમાં રહેલું પ્રેત જાણે પોતાની જીત પર અટ્ટહાસ્ય કરતું હોય એમ હસવા લાગ્યું, અને યુવતી ધીરે-ધીરે  હવામાંથી પાછી પલંગ પર આવવા માંડી. એના પગ પલંગ પર અડ્યા અને એ ધબ્ કરતાં પલંગ પર બેસી પડી.

'હા-હા-હા-હા-હા-હા-હા!' હજુ પણ એનું જીતભર્યું અટ્ટહાસ્ય ચાલુ હતું!

ધમ્!

જાણે પોતાની આ જીતથી યુવતીના શરીરમાં રહેલું પ્રેત તાનમાં આવી ગયું હોય એમ યુવતીએ પોતાના બન્ને હાથ પલંગ પર પછાડયા અને ડાબી તરફ જોયું.

-ડાબી તરફ એક નાનકડી જાળીવાળી બારી હતી.

-એ બારી બહાર એક બત્રીસ વરસનો પુરૂષ ઊભો હતો! એ પુરૂષના ચહેરા પર દુઃખ હતું-દર્દ હતું!

-એ પુરૂષ, એ યુવતીનો પતિ હતો!

-એનું નામ મનોહર હતું!

-યુવતીનું નામ પૂનમ હતું!

-પૂનમ પોતાના પતિ મનોહર તરફ જોઈ રહી અને હસી!

અત્યારે હવે યુવતીના હસવાનો અવાજ પુરૂષમાંથી બાળકી જેવો થઈ ગયો હતો! પૂનમ જાણે પાંચ-છ વરસની બાળકી હોય એમ હસી રહી હતી! ખડખડાટ હસી રહી હતી.

પૂનમ હવે ફરી પાછી પેલા પુરૂષના-પેલા પ્રેતના અવાજમાં હસવા લાગી ! પૂનમના શરીરમાં રહેલું એ પ્રેત હવે ફરી પાછું હસવા લાગ્યું.

'હાહાહાહાહાહાહાહા!'

પૂનમના પતિએ એક બળબળતો નિસાસો નાંખ્યો.

તેની પત્ની પૂનમ પર મલ્ટીપલ પઝેશન થયું હતું ! એટલે કે, એક જ વારમાં, કેટલાંક આત્માઓએ-કેટલાંક પ્રેતોએ પૂનમના શરીર  પર એકસાથે કબજો જમાવી લીધો હતો! પૂનમના શરીરમાં વાસ કરી લીધો હતો!!

પૂનમના શરીરમાંથી આ પ્રેતોને હાંકી કાઢવા માટે પંડિત શંભુનાથે પોતાના સાથીઓ પંડિત દીપશંકર અને પંડિત ઑમકાર સાથે આ પ્રયત્ન કર્યો હતો, અને એમાં તેઓ નિષ્ફળ નીવડયા હતા અને પ્રેતના હાથે પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ ઘટનાએ હવે મનોહરની હિંમત ભાંગી નાંખી. 'હવે પૂનમની જિંદગીનો કે, તેેની પોતાની જિંદગીનો નહિ, પણ તેેમની ચાર વરસની દીકરી કલગીની જિંદગીનો પણ સવાલ હતો!' અને મનોહરે નકકી કરી લીધું. 'તે પોતાની દીકરી કલગીને લઈને અહીંથી દૂર, અમેરિકામાં વસી જશે.' અને.., અને તે જાણે છેલ્લી-છેલ્લી વાર પોતાની પત્ની  પૂનમને જોતો હોય એમ તેણે પૂનમ સામે જોયું અને બારી પાસેથી હટી ગયો.

પૂનમ..., પૂનમના શરીરમાં રહેલાં પ્રેત હજુ પણ હસી રહ્યા હતાં!

-અત્યારે હવે ઘડીકમાં ચાળીસેક વરસના પુરૂષનું પ્રેત હસતું હતું!

'હા-હા-હા-હા-હા-હા-હા!

-ઘડીકમાં પચીસેક વરસના યુવાનનું પ્રેત હસતું હતું!

'અ..અહાહાહાહાહાહા!

-ઘડીકમાં એક વીસેક વરસની યુવતીનું પ્રેત હસતું હતું!

'ખી-ખી-ખી-ખી-ખી...!'

-ઘડીકમાં પાંચ-છ વરસની છોકરીનું પ્રેત હસતું હતું!

'ઈંયહી-હી-ઈંયહી-હીહીહી..!

-ઘડીકમાં દસેક વરસના છોકરાનું પ્રેત હસતું હતું!

'હુઉઉઉ...હાહાહા!'

-ઘડીકમાં પાંત્રીસ વરસની સ્ત્રીનું પ્રેત હસતું હતું!

'ખિલ-ખિલ-ખિલ-ખિલ!'

-ઘડીકમાં સિત્તેર વરસના ઘરડા પુરૂષનું પ્રેત હસતું હતું.

'હઆ-હઆ-હાહાહાહાહા!'

-ઘડીકમાં સાઈઠ વરસની ઘરડી સ્ત્રીનું પ્રેત હસતું હતું!

'ખૂં-ખૂં-ખૂં-ખૂં-ખૂં...!'

ઘડીકમાં સોળેક વરસના કિશોરનું પ્રેત હસતું હતું!

'હહહહહા..! હહહહહા..!

-તો ઘડીકમાં.., ઘડીકમાં આ બધાંયના પ્રેત જાણે એકસાથે હસી રહ્યા હોય એવું લાગતું હતું!!

(ક્રમશઃ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh