Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે દિવાસો છે અને આજથી ૧૦૦ દિવસ સુધી વિવિધ અનુષ્ઠાનો તથા તહેવારોની શ્રૃંખલા શરૂ થાય છે. આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થશે અને મહાદેવના મંદિરો હર હર મહાદેવ અને બમ્ બમ્ ભોલે જેવા નાદોથી ગુંજી ઉઠશે. આ વર્ષે જન્માષ્ટમી પર્વ અને સ્વાતંત્ર્ય પર્વનો સુભગ સમન્વય પણ થયો છે. શ્રાવણ મહિનાના સોમવારોના દિવસે યજ્ઞો તથા શિવજીની આરાધનાના વિશેષ કાર્યક્રમો યોજાતા હોય છે. હવે છેક દેવદિવાળી સુધીના ૧૦૦ દિવસો તહેવારોની જે શ્રૃંખલા આવે છે, તેમાં સનાતન સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો જોવા મળે છે., રક્ષાબંધન, શિતળા સાતમ, જન્માષ્ટમી, પારણા નોમ ને સાંકળતા ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પૌરાણિક મહાત્મયો પ્રચલીત છે. તે પછી ઘણાં બધા તહેવારો આવે છે, જેમાં મુખ્યત્વે ગણેશોત્સવ, શ્રાદ્ધ, નવરાત્રિ, શરદ પૂર્ણિમા અને દિવાળીના દિપોત્સવી, કાળીચૌદશ, નૂતનવર્ષ, ભાઈબીજ, અને લાભ પાંચમનો સમાવેશ થાય છે. તે પછી તુલસીવિવાહ, અને દેવદિવાળી આવે છે. આ વર્ષે આ ૧૦૦ દિવસ દરમ્યાન આપણા દેશમાં લોકતંત્રના ઉત્સવો સમી કેટલીક ચૂંટણીઓ અને વ્યાપારિક, ઔદ્યોગિક, ડેવલપમેન્ટ, વૈશ્વિક પ્રવાહો, આરોગ્ય, શિક્ષણ અને યુદ્ધો-સંઘર્ષો અને સમાધાનો સહિતના વિવિધ ક્ષેત્રોમાં પણ આગેકૂચ અને નવાજૂની થવાની છે, આ સમયગાળો સાયન્સ, સ્પેસ અને સત્તાપરિવર્તનનોની દૃષ્ટિએ પણ દેશ-દુનિયા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જામનગરમાં તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનો મુદ્દો ચર્ચાના ચાકડે ચડયો છે.પ્રદર્શન ગ્રાઉન્ડના ત્રીજા ભાગના વિસ્તારમાં હંગામી બસડેપો હોવાથી બાકીના મેદાનમાં મેળો યોજવાનું નક્કી થયું, તે પહેલા અન્ય કેટલાક સ્થળો વૈકલ્પિક દૃષ્ટિએ ચકાસાયા, પરંતુ ત્યાંની જમીન-માટી રાઈડ્સ વગેરે માટે અનુકૂળ નહીં હોય, કે તેની ચકાસણીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય, કે પછી કોઈપણ સંજોગોમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ આ મેળો યોજવાની રહસ્યમય રણનીતિ હોય, જે હોય તે ખરૃં, પરંતુ અંતે ટેન્ડર પણ બહાર પડી ગયા અને સંલગ્ન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ...!
એ પછી આ મુદ્દે જનમત વિરૂદ્ધમાં જવા લાગ્યો અને દ્વારકા અને નાગેશ્વર જેવા યાત્રાધામો તરફ જતા જન્માષ્ટમી પર્વના યાત્રિકો અને શ્રાવણ મહિનાના તહેવારોનો સંગમ થતા એસ.ટી.ડેપો પણ ટૂંકો પડવાનો છે, અને હંગામી બસડેપોમાંથી સ્પેશ્યિલ બસો પણ નીકળવાની હોવાથી મુસાફરોને લેવા-મુકવા આવતા વાહનો તથા સેંકડો બસોની અવર-જવર થવાની છે, તેથી આ સ્થળે શ્રાવણી મેળો યોજવાથી ભાગદોડ કે ટ્રાફિક જામ થઈ જશે, તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠવા લાગ્યા હતા અને જરૂર પડયે અદાલતના દ્વાર ખખડાવવાની તથ તૈયારી હતી તેમ કહેવાય છે.
એ પછી ગઈકાલે આ સ્થળે મેળો યોજવાથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ નિવારવા કેટલાક વૈકલ્પિક માર્ગોની વિચારણા થઈ હોવાનું બહાર આવ્યું, અને મેળા તથા એસ.ટી.બસોના આવાગમન દરમ્યાન પાર્કિંગની વિવિધ વ્યવસ્થાઓ પણ વિચારવામાં આવી, તેથી સવાલ ઉઠ્યો કે અત્યાર સુધી આ દિશામાં કોઈ વિચાર કેમ ન કર્યો ?
સાત રસ્તાથી પાછલા તળાવના માર્ગે વૈકલ્પિક ચારમાર્ગીય રસ્તે ટ્રાફિક વાળવાના વિકલ્પ તથા કોલેજ-આઈટીઆઈના મેદાનોમાં પાર્કિંગ સહિતના વિકલ્પો વિચારાઈ રહ્યા છે, ત્યારે આ કવાયતમાં એસ.ટી.તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર જ નહીં, પરંતુ વિવિધ લોક-સંગઠનો, યાત્રિક યુનિયનો અને આ વિષયે અવાર-નવાર ચિંતા વ્યકત કરતા રહેતા જાગૃત નાગરિકોનેે પણ સાંકળીને અંતિમ નિર્ણયો લેવાય તે જરૂરી છે. મહાનગરપાલિકાએ એ જ સ્થળે ૧૫ દિવસનો મેળો યોજવાનું અને સ્થળ કે સમયગાળામાં કોઈ જ બાંધછોડ નહીં કરવાનો જોખમી નિર્ણય લઈ લીધો છે, ત્યારે હવે તો મેળાના કારણે ઊભી થનારી સ્થિતિને નિવારવા ના વિકલ્પો જ નક્કી કરવાના છે, ત્યારે સૌને સાથે લઈને મેળાના આયોજકો (મનપા અને જિલ્લાતંત્ર) અંતિમ નિર્ણયો લેશે, તેવી આશા રાખીએ...
આ સમગ્ર આયોજન માટે જવાબદારી તો મહાનગરપાલિકાની જ છે, પરંતુ વ્યવસ્થાઓ તથા સુરક્ષા-સલામતીની દૃષ્ટિએ અન્ય તંત્રોની જવાબદારી પણ રહેવાની જ છે, તેથી જે નિર્ણયો લેવામાં આવે, તે મહત્તમ સંભાવનાઓ વિચારીને જ લેવાય, તે જનહિતમાં તો રહેશે જ, પરંતુ આયોજકોના હિતમાં પણ રહેશે, કારણ કે આટલા બધા ઉહાપોહ પછી પણ જે નિર્ણયો લેવાઈ રહ્યા છે, તે જોતા હવે સમગ્ર આયોજનો સુખ-શાંતિ અને સલામતિ સાથે સંપન્ન થઈ જાય, તેની તમામ જવાબદારીનો બોજો પણ હવે આયોજકો એટલે કે મનપા અને સરકારીતંત્રો પર જ રહેવાનો છે ને ?
જામનગર જ નહીં, આ વર્ષે જ્યાં જ્યાં શ્રાવણી મેળાઓ તથા વિશેષ કાર્યક્રમો યોજાવાના છે, ત્યાં ત્યાં આ જ પ્રકારની ચિંતાજનક સ્થિતિની સંભાવના છે. ચોમાસંુ, વરસાદ પછીની કાદવ-કીચડની શક્યતાઓ, ટ્રાફિક જામ, ભાગદોડ, જાહેર આરોગ્ય તથા અનિયમિત સફાઈ વગેરે સમસ્યાઓનો વિચાર પણ કરવો જ પડે તેમ છે.
આ વર્ષે શિતળાસાતમના દિવસે જ ૧૫મી ઓગષ્ટ હોવાથી તેની ઉજવણીઓનું આયોજન પણ કરવું પડે તેમ છે. પોલીસતંત્ર માટે પણ આ વર્ષે પડકારરૂપ પરિસ્થિતિ જણાય છે, તેથી આ અંગે રાજ્ય સરકારની કક્ષાએથી પણ વિશેષ લક્ષ્ય અપાય તે જરૂરી છે.
યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર અને હર્ષદ માતાજી સહિતના સ્થળોમાં પણ આ વર્ષે કલ્પના પણ નહીં કરી હોય તેવી ભીડ થવાની સંભાવનાઓ હોવાથી ત્યાં તો રાજ્યકક્ષાએ થી જ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ, પરીક્ષણ અને જરૂરી ફેરફારો પહેલેથી જ થઈ જાય તે જરૂરી છે, કારણ કે પડોશી દેશ દ્વારા પ્રેરિત આતંકવાદ ના ઓછાયો (પડછાયો) પણ અદૃશ્ય રીતે આપણાં દેશમાં હજુ પણ મનપી જ રહ્યો હશે.
આ બધી ચિંતાઓ સામાન્ય જનતાની છે, અને માત્ર તહેવારો-ઉજવણીઓ સહી-સલામત રીતે આનંદપૂર્વક સંપન્ન થઈ જાય, તેવું જ સૌ કોઈ ઈચ્છે છે, તેથી લોકોની ઈચ્છા એવી જણાય છે કે તંત્રો-આયોજકોની મુશ્કેલીઓ સમજી શકાય તેવી હોવા છતાં શક્ય તેટલા એવા રસ્તા કાઢે, જે જન-સામાન્યના હિતમાં હોય, આ આયોજનો દરમ્યાન મનપાને થતી આવક કે અન્ય "સ્થાપિત"હિતોને ગૌણ ગણવા જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial