Advertisement
Author: નોબત સમાચાર

મોટા રાજકીય નેતા અને મોટા ગજ્જાના જમીન સોદાગરોને લાખો-કરોડો કમાવી આપવાનો કારસો

'જાડા' દ્વારા વધુ એક વખત ઝોન ફેરનો ખેલ!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા)ને જાણે ઝોનફેર કરવાનું કામ રૂપિયા કમાવાનું અને અન્યને રૂપિયાથી ધરવી દેવાનું સાધન બની ગયું હોય તેમ જમીનોના ઝોનફેર કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ તા. ૧૧ મી ઓગસ્ટે 'જાડા' બોર્ડની બેઠક મળી હતી, જેમાં જામનગર શહેર નજીક કનસુમરા ગામના જુના છ સર્વે નંબરોવાળી જમીન, દરેડ ગામના સર્વે નંબરો ધરાવતી જમીનોની ચાર દરખાસ્ત સહિત અન્ય સર્વે નંબરોવાળી જમીનોના ઝોનફેર માટે વિવિધ હિત ધરાવતા લોકો દ્વારા અરજી કરવામાં આવતા તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં 'જાડા'ના અધ્યક્ષ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, સિનિયર ટાઉન પ્લાનર, પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, મનપા સ્થાયી સમિતિના ચેરમેન, ડે. મ્યુનિ. કમિશનર, 'જાડા'ના કારોબારી અધિકારી હાજર રહ્યા હતાં. આ બેઠકમાં ઝોનફેર માટે આવેલી અરજીઓ અંગેની દરખાસ્તનો નિર્ણય કરી સરકારમાં મંજુરી માટે મોકલવાનો ઠરાવ સર્વાનુમત્તે કરી દેવામાં આવ્યો હતો.

આ ઝોનફેરમાં ખેતીની જમીનોને ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાના નિર્ણય સામે જામનગર ન.પ્રા.શિ. સમિતિના પૂર્વ સદસ્ય અને જાગૃત નાગરિક નીતિનભાઈ માડમે વિરોધ પ્રદર્શિત કરી આ ઠરાવ તાકીદે રદ્ કરવા અને સરકાર નામંજુર કરે તેવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીને કરી છે.

'જાડા' દ્વારા અગાઉ પણ વિવાદાસ્પદ રીતે જમીનોના ઝોનફેર કરવા, હરાજીની પ્રક્રિયામાં ગોટાળા કરવા જેવી ઘટનાઓ બની હતી અને હરાજીના કિસ્સામાં તો ખુદ રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલયે જમીનોના દસ્તાવેજો રદ્ કરવાના હુકમો આપ્યા છે અને આ પ્રકરણ અદાલતમાં હજી પેન્ડીંગ પણ છે. આવા પ્રકરણોના કારણે તત્કાલિન મ્યુનિ. કમિશનર (જાડાના ચેરમેન) ની ખાસ કિસ્સામાં સીંગલ ઓર્ડરથી રાજ્ય સરકારે તાબડતોબ બદલી કરી નાખવાની ફરજ પડી હતી.

આ વખતની બેઠકમાં પણ ખેતીની જમીનોને ઔદ્યોગિક ઝોનમાં ફેરવવા સત્તાધારી પક્ષના એક મોટા રાજકીય નેતા તેમજ મોટા ગજ્જાના બે-ત્રણ લેન્ડ ડેવલપર્સ માટે જ 'જાડા' કામ કરી રહ્યું હોવાની ચર્ચા જાગી છે.

જામનગર શહેરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રહેણાંકો માટેની જમીનો શહેરની આસપાસના વિસ્તારોમાંથી 'જાડા'ની આ પ્રકારની નીતિરીતિના કારણે ગાયબ થઈ રહી છે. શહેરની ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં ઔદ્યોગિક ઝોન થવાથી પ્રદૂષણ સહિત અનેક પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે. ઉદ્યોગો તો શહેરથી થોડા દૂર હોય તો પણ કોઈ ફેર પડતો નથી અને શહેરીજનોને ભવિષ્યમાં રહેણાંકો માટે જમીનો મળી રહે તેમજ પ્રદૂષણની સમસ્યા પણ ટાળી શકાય.

આ તમામ વિગતો સાથે નીતિનભાઈ માડમે 'જાડા'ના ઠરાવને નામંજુર કરવા માગણી કરી છે. જો સરકાર દ્વારા યોગ્ય અને તાકીદે નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો અદાલતનો આશરો લેવો પડશે તેવી ચિમકી પણ તેમણે આપી છે.

ર૦૩૧ પહેલા મનસ્વી રીતે ફેરફારો!

'જાડા' દ્વારા તમામ જરૂરી પ્રક્રિયાઓ, વાંધા-સૂચનો પછી ર૦ર૧ માં ર૦ર૧ થી ર૦૩૧ સુધીનો વિકાસ નક્શો મંજુર થયો હતો. તો પછી નિયમો વિરૂદ્ધ ર૦૩૧ પહેલા આ વિકાસ નક્શામાં શા માટે વારંવાર મનસ્વી રીતે ફેરફારો કરી દેવામાં આવે છે. ર૦૩૧ માં નવો વિકાસ નક્શો બને ત્યારે જે તે સમય પ્રમાણે, શહેરના વિકાસ માટે, રહેણાંકો માટે, ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી હોય તેવી રીતે સૌના વાંધા-સૂચનો સાથે નવો વિકાસ નક્શો બનાવવાનો જ છે.

પણ... વચ્ચે વચ્ચે ૧૦ વર્ષના સમયગાળા માટે બનાવેલા વિકાસ નક્શામાં વારંવારના ફેરફારો માત્રને માત્ર ભ્રષ્ટાચારની શંકા સાથે કેટલાક ચોક્કસ લોકોને કમાવી દેવા માટે જ થઈ રહ્યા હોય, તેવું લાગી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh