Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૭-૮-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
બીએસઇ સેન્સેક્સ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૩૫ સામે ૮૧૩૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૮૬ પોઈન્ટ બંધ થયું હતું..!!!
નિફ્ટી ફ્યુચર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૮૯ સામે ૨૪૯૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૩૧ પોઈન્ટ બંધ થયું હતું..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
આજરોજ ગણેશ ચતુર્થી નિમિતે ભારતીય શેરબજાર બંધ રહ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી વધારાની ૨૫% ડ્યુટી લાગુ થવાના પગલે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વિશ્વને ટેરિફના નામે અનિશ્ચિતતામાં ધકેલનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન મામલે રશીયાને યુદ્ધનો અંત લાવવા મનાવવામાં હાલ તુરત નિષ્ફળ રહ્યા હોવા સામે રશિયા, ચાઈના એક બનીને અમેરિકાને હંફાવવા રણનીતિ ઘડી રહ્યા હોઈ અમેરિકાની વધતી અકળામણ વચ્ચે ભારતીય શેરબજારમાં ગઈકાલે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ફરી હેમરિંગ કર્યું હતું.
ભારત પર આકરાં ટેરિફ લાદીને દબાણ લાવવાના પ્રયાસ સામે ભારતના રશીયા સાથેના સંબંધ વધુ મજબૂત બની રહ્યા હોઈ ટ્રમ્પ ગમે તે ઘડીએ ભારત સામે વધુ અંકુશાત્મક પગલાં લેશે એવી ભીતિએ અને બીજી તરફ નિષ્ણાંતો ભારતીય બજારોને બદલે ચાઈના અને દક્ષિણ કોરિયાના બજારો રોકાણ માટે વધુ આકર્ષક હોવાનો મત વ્યક્ત કરવા લાગતાં વિદેશી ફંડોની વેચવાલી વધવાની ધારણાએ પણ તેજીનો વેપાર હળવો થયો હતો.
ભારતીય શેરબજાર હાલ ઊંચા ટેરિફ અને એફઆઈઆઈ વેચવાલી જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. જો કે, સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિઓ મજબૂત હોવાથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ માર્કેટને ટેકો આપ્યો છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો આવવાના આપેલા સંકેત બાદ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે યુક્રેને દ્વારા રશિયાના ઓઈલ મથકો પર હુમલા કર્યા હોવાના અહેવાલે ક્રુડઓઈલનો પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર એફએમસીજી સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૯૧ અને વધનારની સંખ્યા ૧૨૨૦ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૨.૩૮%, મારુતિ સુઝુકી ૧.૮૫%, આઈટીસી લિ. ૦.૯૩%, ટાટા કન્સલ્ટન્સી લિ. ૦.૪૯% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે સન ફાર્મા ૩.૪૦%, ટાટા સ્ટીલ ૨.૮૮%, બજાજ ફાઈનાન્સ ૨.૬૭%, ટ્રેન્ટ લિ. ૨.૪૫%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૦૨%, બજાજ ફિનસર્વ ૨.૦૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૫%, એક્સિસ બેન્ક ૧.૮૬% અને લાર્સન લિ. ૧.૭૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૫.૫૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૯.૪૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા બુધવારથી લાગુ થનારી એકંદર ૫૦% ટેરિફની સ્થાનિક સ્તરે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વારા તેને પ્રતિસાદ આપશે એમ રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું હતું. ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ વસૂલવાનું શરૂ કરી દેવાયું છે અને ૨૭ ઓગસ્ટથી બીજા ૨૫% વસૂલવા અમેરિકાએ જાહેરાત કરી છે. અનિશ્ચિતતા વચ્ચે ફુગાવાને નિયંત્રણમાં લેતી વખતે રિઝર્વ બેન્કે વર્તમાન વર્ષના ફેબ્રુઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટ ૧% ઘટાડી ૫.૫૦% લાવી દીધો છે. વર્તમાન નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે ભારતનો જીડીપી અંદાજ ૬.૫૦% મૂકયો છે.
ટેરિફની ભારત પર એકંદર અસર નહીંવત હશે પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ્સ તથા એમએસએમઈ જેવા કેટલાક ક્ષેત્રો એવા છે જેના પર અસર પડવાની શકયતા રહેલી છે. ભારત સરકાર મુકત વેપાર કરારો તરફ પણ નજર દોડાવી રહી છે. કેટલાક કરારો તો લાગુ પણ થઈ ગયા છે. આવનારા વર્ષોમાં ત્રીજા મોટા અર્થતંત્ર બનવા માટે ભારત સજ્જ છે. સેવા ક્ષેત્રની મજબૂત નિકાસ તથા ઈનવર્ડ રેમિટેન્સિસના વિક્રમી સ્તરના ટેકા સાથે ભારતની ચાલુ ખાતાની ખાધ નીચી રહેવા પામી છે. દેશનું બહારી ક્ષેત્ર મજબૂત છે અને દેશનું ૬૯૫ અબજ ડોલરનું ફોરેકસ રિઝર્વ ૧૧ મહિનાના આયાત બિલને પહોંચી વળાય એટલું છે.