Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાની મોકાણ યથાવત્: હવે શું થશે ?

ટ્રાફિક નિયમનના મુદ્દે તંત્ર ગુચવાયું: ટેન્ડર પ્રક્રિયા સંપન્નઃ અનેક સવાલોના કોઈ જવાબ જ નથી...!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું આયોજન હાથ ધર્યું છે. પ્લોટોની હરાજી-ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, જેમાં મનપાને માતબર રકમની આવક પણ થનાર છે.

પણ... દર વર્ષ કરતા આ વર્ષે મેળાના આયોજનમાં ટ્રાફિક નિયમનનો સૌથી ગંભીર અને પેચીદો પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી. બસ સ્ટેશન ૧૦૦૦ જેટલી બસોની ટ્રીપો સાથે ર૪ કલાક ધમધમે છે. અહીં બસોની સતત અવરજવર, ઉતારઓની અવરજવર, રિક્ષા, ખાનગી વાહનોની અવરજવર, પ્રદર્શન મેદાન આસપાસ મોટી સંખ્યામાં પાર્ક થયેલા વાહનો, નાના-મોટા ધંધાર્થીઓના ખડકલા જોવા મળે છે. અત્યારે મેળો નથી તો પણ સાત રસ્તા સર્કલ પાસે, જિલ્લા પંચાયતથી સાત રસ્તા સુધી, સાત રસ્તાથી જોલીબંગલા-જુની પ્લોટ પોલીસ ચોકી સુધીના માર્ગો પર સવારથી રાત્રિ સુધી ભરચક્ક ટ્રાફિક જોવા મળે છે.

મેળાના સ્થળે જઈને મ્યુનિ. કમિશનર, વહીવટી વિભાગમાંથી ઉચ્ચ અધિકારી તથા પોલીસ વડાએ ખાસ કરીને ટ્રાફિક નિયમન કેવી રીતે થઈ શકે તે માટે નિરીક્ષણ કરી એક-બે વૈકલ્પિક માર્ગોની વિચારણા કરી હોવાનું જાણવા મળે છે.

આ મુલાકાત સમયે હંગામી બસ સ્ટેશનના બસોના આવા-ગમન અંગે ચર્ચા કરવા એસ.ટી. વિભાગના ટ્રાફિક કંટ્રોલીંગ અધિકારી જ હાજર ન હતાં.

અગાઉ પણ ઉલ્લેખ થયો જ છે કે રાજકોટ, કાલાવડ, લાલપુર, ખંભાળિયા વગેરે તરફથી એસ.ટી. બસો ક્યા માર્ગેથી આ હંગામી એસ.ટી. બસ સ્ટેશન સુધી આવશે-જશે? કારણ કે કદાચ જે માર્ગો એસ.ટી. બસોની અવરજવર માટે જાહેર કરાય તે તમામ માર્ગો જ પ્રદર્શન મેદાનમાં લોકોને મેળામાં જવા માટેના હશે.

લોકમેળામાં પ્રવેશવા માટેના ગેઈટ ભલે બનાવાય, પણ એસ.ટી. બસ સ્ટેશનમાં બસોને આવવા-જવાના પ્રવેશ અને બહાર નીકળવાના ગેઈટ લોકોની ચિક્કાર ભીડના કારણે બંધ જ થઈ જાય તેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત રજાના દિવસોમાં માલસામાન સાથે જામનગર આવતા અને બહારગામ જનારા વૃદ્ધો-બાળકો સહિતના પરિવારોને એસ.ટી. બસ સ્ટેશન સુધી રિક્ષા કે ખાનગી વાહનોમાં કેવી રીતે અને ક્યો રૂટ નક્કી થશે?

આ ઉપરાંત એસ.ટી. બસ સ્ટેશનની જગ્યા જાહેર જગ્યા છે, તેની અંદર પ્રવેશતા કોઈને રોકવા હોય તો કેવી રીતે રોકવા? લોકમેળામાં ખાસ કરીને શનિ-રવિ-સોમવાર તથા જન્માષ્ટમીના તહેવારોના દિવસોમાં સાંજે ૪ વાગ્યાથી જ લાખેક લોકોની જનમેદની ઉમટી પડતી હોય તો લોકમેળામાં જનારા લોકો એસ.ટી.ના આવાગમનના ગેઈટમાંથી અંદર આવે તો શું થશે? એસ.ટી. વિભાગની સિક્યોરીટી કે પોલીસ કે હોમગાર્ડ લોકોના પ્રવાહને અટકાવી શકશે? આ ઉપરાંત લોકમેળામાં જગ્યા ન મળે તે સંજોગોમાં એસ.ટી. બસ સ્ટેશનમાં બાળકો-પરિવાર સાથે જમીન ૫ર બેસીને નાસ્તા-પાણી કરતા લોકોને કોણ રોકી શકશે? આ ઉપરાંત એસ.ટી. બસ સ્ટેશનના યુરિનલ-શૌચાલયનો પણ ઉતારૂઓ ઉપરાંત લોકમેળામાં આવેલા લોકો ઉપયોગ કરશે તો તેને કેવી રીતે અટકાવી શકાશે? તેમાં ય હળવો-ભારે વરસાદ પડે તો લોકો એસ.ટી. બસ સ્ટેન્ડના શેડમાં આશરો લેવા પડાપડી કરશે નહીં તેની કોઈ ખાતરી નથી!

મ્યુનિ. કમિશનર સાહેબે મીડિયા સમક્ષ અત્યંત ટૂંકી બાઈટમાં આડક્તરી રીતે સ્પષ્ટતા કરી જ દીધી કે લોકમેળાના આયોજનની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજુર કરી છે. ઓફિસમાં બેસીને ખાસ કરીને એસ.ટી. વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ સાથે બેઠક યોજી તમામ પાસાઓનો વિચાર કરીને જ આયોજન સુનિશ્ચિત કરવું જોઈએ.

લોકમેળામાં આનંદ માણવા આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેને પ્રથામિક્તા આપવાની વાત પણ મ્યુનિ. કમિશનરે કરી જ છે. પ્રદર્શન મેદાનની જગ્યા ભલે વિશાળ હોય પણ આ વખતે મ્યુનિ. કમિશનરના કહેવા મુજબ મેદાનની ૩૦ હજાર ચો.ફૂટ જેવી જગ્યામાં હંગામી બસ સ્ટેશન ચાલુ છે. બાકીની જગ્યામાં મેળા યોજાશે. દર વર્ષે વસતિ, મેળો માણનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે વધે જ છે, ત્યારે અડધા પ્રદર્શન મેદાનમાં મેળામાં ભીડને અને ટ્રાફિકને કાબૂમાં લેવા કેવા પગલાં લેવાય છે તેના સત્તાવાર ખુલાસાની રાહ જોવાઈ રહી છે.

જામનગરના લોકમેળાના ઈતિહાસની વાત કરીએ તો અગાઉ જન્માષ્ટમીના મોટા મેળા રંગમતિ-નાગમતિ નદીના પટ્ટમાં અને ત્યાંથી છેક સિદ્ધનાથ મંદિર સુધી યોજાતા... તે સમયે શ્રાવણી સોમવારના મેળા ટાઉનહોલના નિર્માણ અગાઉ ઈરવીન સર્કલમાં અને ભીડભંજન મંદિર પાસે યોજાતા.. ત્યારપછી તળાવની પાળે ખડપીઠના મેદાનમાં યોજાતા. હવે પ્રદર્શન મેદાનમાં યોજાઈ રહ્યા છે. સીધો અર્થ એ છે કે સમય પ્રમાણે જામનગરના લોકમેળાના સ્થળ બદલાતા જ રહ્યા છે.

જો થઈ છેઃ

ઉચ્ચ અધિકારીઓ તેમના સ્ટાફ-વાહનોના કાફલા સાથે મેળાના આયોજન અંગે નિરીક્ષણ કરવા ગયા ત્યારે પણ તે વિસ્તારના માર્ગો પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ થઈ ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh