Advertisement
Author: નોબત સમાચાર

માનવજીવન સાથે વણાયેલા મરચાની અવનવી વાતો... ત્રણેય સિઝનમાં મરચાની ખેતી

તીખાં તમતમતા મરચાથી માંડીને કેપ્સિકમ જેવા મોળા મરચાની અનેક જાતોઃ જુદી જુદી ભાષામાં અલગ અલગ ઓળખ...

                                                                                                                                                                                                      

સંસ્કૃતમાં મરચા માટે 'મરીચિકા' શબ્દ છે. કન્નડમાં મરચાને 'મેણસિનકાયિ' કહે છે. મલયાલમમાં 'મુળકુ' અને 'વટ્ટલ' જેવા બે શબ્દો છે. તમિલમાં મરચા માટે મિળકાય જેવા શબ્દો વપરાય છે. તેલુગુમાં મિરપકાય શબ્દ છે. ઓડિયામાં મરચાને લડ્કા કહે છે. અસમિયામાં મરચા માટે જલકિયા શબ્દ છે, પણ ઉચ્ચારણમાંજાલોકિયા બોલાય છે. મરાઠી અને હિન્દીમાં મિર્ચ શબ્દ વપરાય છે. સિંધીમાં ગાઢામિચે શબ્દ પ્રયોજાય છે. કાશ્મીરીમાં મરચા માટે બે શબ્દો છે મર્ચુ અને વાંગુન ઉર્દુ અને પંજાબીમાં લાલ મિર્ચ શબદ છે. અંગ્રેજીમાં ચિલિ શબ્દ છે. બંગાળીમાં ઓડિયાની જેમ લડકા શબ્દ છે.

મરચા ખાવ, ઘસઘસાટ ઊંઘો

મરચા ખાવાનો એક ફાયદો એવો છે જેની હજુ સુધી કોઈને કલ્પના પણ નહી કરી હોય. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ કરેલા એક સંશોધન પ્રમાણે અનિદ્રાની બીમારીથી પીડાતા લોકોને મરચા ઉપયોગી થઈ શકે છે, કારણ કે મરચા ખાવાથી ઊંઘ સારી આવે છે અને હૃદય પણ તંદુરસ્ત રહે છે.

તાસ્માનિયા યુનિવર્સિટીએ ૧૮ મહિના સુધી ૧૦ વ્યક્તિ પર સર્વે કર્યો હતો અને તેમને મરચા ખવડાવી હૃદય પર પડતી અસર તપાસી હતી. ૧૦ પૈકીની કેટલીક વ્યક્તિઓને દરરોજ ૧પ ગ્રામ મરચા ખવડાવાયા હતાં, જ્યારે બીજાને મરચા અપાયા ન હતાં જે લોકો મરચા ખાતા હતાં તેમની ઊંઘ સુધરી હતી અને રાત્રે ઘસઘસાટ સૂઈ જતા હતાં. સારી ઊંઘને કારણે તેમના હૃદયને પણ ફાયદો થયો હોવાનું વિજ્ઞાનીઓએ જણાવ્યું છે.

લસણ ખાવાથી હૃદયને ફાયદો થતો હોવાના સંશોધનો અગાઉ થઈ ચૂક્યા છે, પરંતુ મરચાથી હૃદયને ફાયદો થતો હોય તેમજ સારી ઊંઘ આવતી હોવાનું તારણ પ્રથમ વખત નીકળ્યું છે.

મરચાની કેટલીક ખાટીમીઠી વાત

નાનકડા ગામમાં વસતા ગરીબ ખેતજૂર બપોરના ભોજનનું મેનુ શું? બાજરાનો રોટલો, છાસ, અને લસણ-મરચાની ચટણી ગરીબ ખેડૂતોનો આ ખોરાક વિટામિન અને જંતુમુક્ત ગુણોવાળો સંપૂર્ણ ખોરાક છે.

મરચાની એની તીખાશ ઉપર અનેક ગુણો છે. કેપ્સિકપ તરીકે ઓળખાતા મરચાને કારણે શરીરમાં એન્ડારફીન્સ નામના રસાયણનો સ્ત્રાવ થાય છે, જેથી શરીરમાં બનતા કુદરતી પીડાશામક તત્ત્વો વધે છે અને એ રીતે નેચરલ પેઈન કીલર તરીકે કામ કરે છે. આ જ રીતે કેપ્સિકમમાં રૂટીન નામનું તત્ત્વ પણ છે. પેનીસીલીનના ઈન્જેક્શનની આડઅસર વર્તાય તો આવા મરચાનું શાક ફાયદાકારક નિવડે છે.

બંગાળમાં લાલ મરચાને કોપરેલમાં ઉકાળીને વાળમાં ઘસવાનો રિવાજ છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેઝાપુરમાં ડીફેન્સ રિસર્ચ લેબોરેટરીના વૈેજ્ઞાનિકો મરચાના અમુક તત્ત્વોને ટીયરગેસમાં વાપરવા માટેનું સંશોધન કરી રહ્યા છે. ડાયેટીશિયનોના મત મુજબ બીલા ઘોલર મરચામાં ખાટા ફળો કરતા બમણું વિટામિન 'સી' છે.

દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બોરિયા મરચા આવે છે તે લાલ બોર જેવા હોય છે. સીંદરિયા, લીઠિયા, ઘોલર, રામોદિયા, કે ગોંડલિયા મરચા પણ આવે છે. કોલ્હાપુરી મરચા બારીક અને એક વેંત લાંબા હોય છે. ગોમાંતક (ગોવા) ના મરચા મોટા ગોળ અને જાડી છાલવાળા હોય છે.

ગુજરાતી ભાષામાં મરચાની તીખાશને ધ્યાનમાં રાખીને લોકબોલીમાં કહેવતો સ્વરૂપે પણ મરચાને સ્થાન મળ્યું છે. જેમ કે, મરચું લાગવું, મરચા લેવા, મીઠુંમરચું ભભરાવીને વાત કરવી વિગેરે...

મરચાની તીખાશનું વિજ્ઞાન

મરચાની ૩૦૦૦ કરતા પણ વધુ જાત છે. બધામાં વધતી ઓછી તીખાશ હોય છે. મરચા સૂકાય ત્યારે લાલ થઈ જાય છે. ત્યારે તેને ખાંડીને કે દળીને પાઉડર સ્વરૂપે રસોઈમાં વપરાય છે. મરચાના ઘણાં આયુર્વેદિક ગુણો પણ છે.

મરચા લીલા હોય કે સુકા તીખા તો લાગે જ. મરચામાં કેપ્સેસીન નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્યને રંગ કે ગંધ નથી પણ તીખો સ્વાદ છે. મરચાની તીખાશ આપવા સ્કીવીલ સ્કેલ શોધ્યો છે.

આસામના ભૂત ઝોલકિયા મરચા વિશ્વમાં સૌથી તીખા છે. તેની તીખાશ એક લાખ સ્કોવીલ યુનિટથી વધુ છે. આપણે રસોઈમાં સામાન્યરીતે ત્રણથી ચાર હજાર સ્કોવીલ યુનિટ તીખા મરચા વાપરી શકાય.

આસામના ભુત જોલકિયા અને ટ્રીનીડાડના ટ્રીનીડાડ સ્કોર્પિયન મરચા સૌથી વધુ તીખા છે. ત્યારપછી ચોકલેટ હબાલોકિયા, ડોર્સેટ નાગા, સેવનપોટ હબાનેરી, નાગાવાઈપર અને કેરોલીના રીપર ખૂબ જ તીખા મરચાની જાત છે. કેપ્સેસીન પાણીમાં ઓગળતું નથી, પરંતુ ચરબીમાં ઓગળે છે. મરચું તીખું લાગે તો દૂધનો ઘૂંટડો ભરવાથી જીભ ઉપરનું કેપ્સેસીન ઓગળીને દૂર થઈ જાય છે. ૧૦૦ થી ૧૦૦૦ સ્કોવીલ યુનિટના સૌથી ઓછા તીખા મરચાની જાતમાં બનાના પીપર, પાપરિકા થાઈમેન્ટોનો સમાવેશ થાય છે. ગોળ દડા જેવા કેપ્સિકપ મરચા બેલે પીપર કે સ્વીટ પીપર કહેવાય છે. તેમાં કેપ્સેસીન હોતું નથી તેથી તીખાશ પણ નથી.

કેપ્સિકમ મરચું છતાં મોળું

કેપ્સિકમ નામનું મરચું બીજા મસાલાના મરચાની જેમ અગત્યનું બની રહ્યું છે. કેપ્સિકમની અનેક વાનગીઓ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. ઈટાલિયન, મેક્સિકન, ચાઈનીઝ અને પંજાબી વાનગીઓ કેપ્સિકમ વગર અધુરી લાગે. કેપ્સિકમ સલાડમાં કાચા અને શાકમાં રાંધીને પણ ખવાય છે. પીઝા સોસનો મુખ્ય પાયો ટમેટા અને કેપ્સિકમ હોય છે. કેપ્સિકમની ખાસિયત એ છે કે તે મરચા હોવા છતાં તીખા નથી. કેપ્સિકમ દુનિયામાં ઘણાં લોકોમાં બેલ પેપર તરીકે પણ ઓળખાય છે. ભારતીય બજારોમાં પહેલા લીલા રંગના કેપ્સિકમ જોવા મળતા હતાં પણ હવે પીળા, લાલ રંગના પણ જોવા મળે છે. કેપ્સિકમ એ મરચાની જ એક જાત છે તેનું મૂળ અમેરિકા છે.

કેપ્સિકમ વિશે મજાની વાત એ છે કે, તે મરચું હોવા છતાં બિલકુલ તીખું નહીં પણ મોળું ફક્કલ છે.

કેપ્સિકમના નામકરણ કેવી રીતે થયું તે જાણવા જેવું છે. મોટા ખોખા કે ઘંટ જેવા આકારને લેટીન ભાષામાં કેપ્સા કહેવાય છે. આ કેપ્સા જેવા ફળને કેપ્સિકમ તરીકે ઓળખાયું. હજારેક વર્ષ પહેલા પશ્ચિમી દેશોમાં લોકોને ચટપટા સ્વાદની ખેવના હતી. ત્યાં આવા સ્વાદને પંપર જે તેજાના સ્વાદ જેવો હોય છે. આમ મરચું હોવા છતાં બેલપેપર તરીકે વધુ ઓળખાય છે. ભારતમાં શિપલા જેવા પહાડી પ્રદેશમાં કેપ્સિકમનો સારો ફાલ ઉતરે છે. તેથી તેને શિમલા મર્ચા પણ કહેવાય છે. ગુજરાતમાં કેપ્સિકમને મળતા ઘોલર મરચા થાય છે. જેમાં ચણાનો લોટ ભરીને આખા મરચા ગુજરાતીમાં વાનગી ખૂબ જ લોકપ્રિય છે.

ત્રણેય સિઝનમાં મરચાની ખેતી થાય

ચરોતર એટલે કે ખેડા જિલ્લો તમાકુ માટે પ્રખ્યાત છે, પણ સમય બદલાતા તમાકુના પાક સાથે ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ પણ વળ્યાં છે. બાગાયતી ખેતી દ્વારા મરચાની ખેતી દ્વારા ખેડૂતોએ વધુ આવક પણ ઊભી કરી છે.

એક પટેલના જણાવ્યા અનુસાર એક વીઘામાં ૪૦૦૦ જેટલી મરચી રોપી પાક ચાલુ સિઝનમાં ૧૦૦ થી ૧પ૦ ની વેંચાણ કિંમત મળે છે. ખૂબ જ માવજત માંગી લેતો મરચાના પાકને ૧પ દિવસે દવાનો છંટકાવ કરવામાં આવે છે. એક વીઘાદીઠ રૂ।. પ૦,૦૦૦ ની આવકનો અંદાજ હોય છે. આણંદ જિલ્લામાં આ રીતે ખેડૂતો મરચાના પાક તરફ વળેલા છે.

:: સંકલન :: જિતેન્દ્ર ભટ્ટ, ગાંધીનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh