Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શુકનવંતી અને સુશોભનની ખરીદી માટે જમાવટ કરી રહેલો દિવાળીનો માહોલ

તહેવારોના ઉત્સાહ સાથે રસ્તાઓ પર વધી ચહલપહલઃ રેંકડી-પથારાવાળાના ચોમેર દબાણોથી વકરી ટ્રાફિક જામ-પાર્કિંગની સમસ્યા

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં છેલ્લા એક-બે દિવસથી દિવાળીના તહેવારોનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરજનો, મહિલાઓ નાની-મોટી ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને ખરીદી માટેના હબ સમાન દરબારગઢ, બર્ધનચોક, લીંડીબજાર, સેન્ટ્રલ બેંક રોડ, ચાંદીબજાર, રણજીત રોડ, અંબર રોડ, એસ.ટી. રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં સવારથી મોડી રાત્રિ સુધી ભારે ભીડ જોવા મળી રહી છે. ઘરવપરાશની ચીજવસ્તુઓ ઉપરાંત દિવાળીના તહેવારો માટે રંગ, તોરણ, સ્ટીકર્સ, અન્ય શણાગરની વસ્તુઓ, રેડીમેઈડ કપડા, ધૂપ-અગરબત્તી-સેન્ટ, મોબાઈલ ફોન, નાની-મોટી ઈલેક્ટ્રોનિક આઈટમો, ફરસાણ-મીઠાઈ, સોના-ચાંદીના આભૂષણો, ટુ-વ્હીલર વાહનો સહિતની બજારમાં ખરીદીની ગરમી ધીમે ધીમે જોવા મળી રહી છે. આ તહેવારો દરમિયાન દર વર્ષની જેમ જ નહીં પણ જામનગરમાં તો કાયમ રહે છે તેવી ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા વધુ જટિલ અને ગંભીર બની છે. શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગો પર રસ્તાની બન્ને બાજુ તેમજ જ્યાં ખરીદી માટે વધુ લોકો ઉમટે છે તેવા વિસ્તારોમાં રસ્તા વચ્ચોવચ્ચ, પાર્કિંગની જગ્યામાં રેંકડીઓ-પથારાવાળા બિન્દાસપણે દબાણો કરી ગોઠવાઈ ગયા છે. પરિણામે અત્યારથી જ શહેરમાં લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આગામી ધનતેરસ, દિવાળી, નૂતનવર્ષના દિવસોને ધ્યાનમાં લઈ મનપા તંત્રના એસ્ટેટ વિભાગે પોલીસની મદદથી તહેવારો દરમિયાન રસ્તા પર આવા દબાણો ન સર્જાય અને અત્યારથી જ જે દબાણો ખડકાય ગયા છે તેને કડક કાર્યવાહી કરી હટાવવાની કામગીરી કરવાની જરૂર છે. તેમાં ય ખાસ કરીને સાંજે ૪ થી રાત્રે ૧ર વાગ્યા સુધી મુખ્ય માર્ગો પર કડક બંદોબસ્ત ગોઠવવાની પણ તાતિ જરૂર છે. જો નગરજનોને તહેવારો શાંતિથી, નિર્વિઘ્ન અને આનંદભેર માણવા દેવા હોય તો... બાકી આ દિવસો તો એસ્ટેટ સહિત સંલગ્ન વિભાગો માટે હપ્તા ઉઘરાવવાના સોનેરી દિવસો છે, તેથી તંત્રો કેવા કડક થાય છે તે જોવાનું રહ્યું.

દિવાળી પર્વ પર સુશોભન અને શુકનવંતી વસ્તુઓની લોકો પરંપરાગત ખરીદી કરી રહ્યા છે. ઠેર-ઠેર સ્ટોલ લાગ્યા છે. શુભ લાભ સ્વસ્તિકના ચિહ્ન વિગેરે શુકનવંતી વસ્તુઓ તથા રંગોળી માટે કલર તથા તોરણ, લાઈટીંગ ઝુમ્મર, દિવડાઓ સહિતની વસ્તુઓનો ખજાનો બજારમાં જોવા મળી રહ્યો છે. દિવાળી નજીક આવતી જાય છે તેમ તેમ ખરીદીમાં તેજી આવતી જાય છે અને ગ્રાહકોને ખરીદીનો આનંદ તથા વેપારીઓને આર્થિક લાભનો સંતોષ પ્રાપ્ત થતા લોકજીવનમાં દિવાળીનો રંગ જામ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh