Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાના ઠપકાથી માઠું લાગી આવતા પુત્રનો ગળાફાંસોઃ ટ્રેન આડે ઝંપલાવી પ્રૌઢની આત્મહત્યા
જામનગર તા. ૬: કાલાવડની માછરડા સોસાયટીમાં પ્રેમલગ્ન કરીને રહેવા આવેલા દંપતિ વચ્ચે સગા-સંબંધીઓ સાથે સંબંધ તોડી નાખવાની બાબતે બોલાચાલી થયા પછી મહિલાએ જલદ પ્રવાહી પી લીધું હતું તેઓનું સારવારમાં મૃત્યુ નિપજતા ચકચાર જાગી છે. પિતાનું કહ્યું ન માનતા યુવકે પિતાના ઠપકાથી માઠું લગાડી જાળની ડાળીમાં દોરી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો છે. જયારે પરિવારથી અલગ રહેતા એક પ્રૌઢે એકલવાયી જિંદગીથી કંટાળી જઈ ટ્રેન આડે પડતું મૂકી જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે ત્રણેય બનાવની નોંધ કરી કાર્યવાહી કરવા ઉપરાંત તપાસ હાથ ધરી છે.
કાલાવડ શહેરની માછરડા સોસાયટીમાં વસવાટ કરતા મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા વડાળી ગામના ભરતભાઈ નરસીભાઈ પરમાર નામના યુવાનના પત્ની નીતાબેન (ઉ.વ. ૩૦)એ બુધવારે કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લેતા તેની જાણ થયા પછી ભરતભાઈએ તેણીને સારવાર માટે દવાખાને ખસેડયા હતા.
આ મહિલાનું સારવાર દરમ્યાન ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા કાલાવડના પીએસ આઈ એન.વી. આંબલીયા તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે ભરતભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ થોડા સમય પહેલા ભરતભાઈએ નીતાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પછી નીતાબેને પોતાના તમામ સગા-સંબંધી સાથે સબંધ તોડી નાખ્યા હતા. તે દરમ્યાન ભરતભાઈના મોટાભાઈનો પુત્ર બીમાર પડતા ભરતભાઈ તેને દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી પરત આવ્યા પછી નીતાબેને મે મારા તમામ સંબંધ તોડી નાખ્યા છે અને તમે પણ તમારા સગા-સંબંધી સાથેના સંબંધ તોડી નાખો તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ત્યાર પછી ભરતભાઈ બુધવારે પોતાની નોકરી પર જતા રહ્યા હતા અને જમવા ઘેર આવ્યા ન હતા તેથી માઠું લાગી આવતા નીતાબેન જલદ પ્રવાહી પી લીધું હતું. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના નાના લખીયા ગામમાં આવેલા લખુભા નામના ખેડૂતના ખેતરમાં મજુરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની જુવાનસિંગ હલસિંગ મેડા નામના પ્રૌઢનો ૧૯ વર્ષનો પુત્ર રાહુલ તેના પિતાની વાત માનતો ન હતો, તે દરમ્યાન બુધવારે રાત્રે જમવા માટે પિતાએ આવવાનું કહેતા રાહુલ આવ્યો ન હતો તેથી જુવાનસિંગે પુત્રને ઠપકો આપ્યો હતો.
પિતાના ઠપકાથી માઠું લાગી આવતા રાહુલે રાત્રિના સમયે તે ખેતરના શેઢે આવેલા લીમડાના ઝાડમાં દોરી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે સવારે તેની જાણ થતા પિતા જુવાનસિંગે પોલીસને વાકેફ કરી છે.
જામજોધપુર શહેરમાં વસવાટ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વતની રમેશભાઈ મંગાભાઈ વેગડા ઉર્ફે રમલા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ દસેક વર્ષથી પોતાના પત્ની તથા બાળકોથી અલગ રહેતા હતા. એકલવાયુ જિવન ગુજારતા આ પ્રૌઢે તેનાથી કંટાળી જઈને ગઈકાલે બપોરે રેલવે ટ્રેક પર પહોંચી જઈ કોઈ ટ્રેન હેઠળ ઝંપલાવી લીધું હતું. ટ્રેનના તોતીંગ એન્જિનની ટક્કર વાગતા ગંભીર રીત ઘવાયેલા રમેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા મંગાભાઈ પબાભાઈ વેગડાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial