Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કર્યાે: તીનબત્તી પાસેથી છ બોટલ અને એક મકાનમાંથી પાંચ બોટલ ઝડપાઈઃ
જામનગર તા. ૨૧: ફલ્લા ગામ પાસેથી ગઈકાલે સવારે એલસીબીએ જામનગરમાં ઘૂસાડાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે કર્યાે છે. જે મોટરમાં ૫૨૦ બોટલ દારૂ લાવવામાં આવતો હતો. તે મોટર સહિત રૂ.૭ લાખનો મુદ્દામાલ એલસીબીએ ઝબ્બે લીધો છે. ધ્રોલના ગઢડા ગામ પાસે ખેતરમાંથી ૨૨૮ બોટલ દારૂ અને ૬૪ બીયર મળી આવી છે. ઝડપાયેલા શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે.
જામનગર-રાજકોટ રોડ પર આવેલા ફલ્લા ગામ પાસે ગઈકાલે સવારે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબીના ઋષિરાજસિંહ, દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ, યુવરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળની એલસીબી ટીમ સોયલ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઈ હતી.
તે દરમિયાન જામનગર તરફ પુરપાટ ધસી જતી બલેનો મોટરને રોકવાનો ઈશારો કરાતા આ મોટર ફૂલસ્પીડમાં નાસવા માંડી હતી. તેનો ફિલ્મીઢબે પીછો શરૂ કરાયા પછી ફલ્લા નજીક ડેમ પાસે આ મોટર અન્ય મોટર સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. તરત જ પાછળ પહોંચેલી એલસીબી ટીમે મોટરમાંથી શંકરટેકરીમાં રહેતા જીતેન્દ્ર જગદીશ ચાવડા ઉર્ફે જયલા ટકાની અટકાયત કરી લીધી હતી.
આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૫૨૦ બોટલ ભરેલી ૪૩ પેટી તથા ચાર અલગથી બોટલ મળી આવી હતી. અંદાજે રૂ.૪૦૮૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો, રૂ.૩ લાખની મોટર, રૂ.૧૦ હજારનો મોબાઈલ મળી કુલ રૂ.૭,૧૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ જયલા ટકાની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરિત શંકરટેકરીવાળા દીપ અનિલ સોંદરવા, પિન્ટુ પરમાર ઉર્ફે બાઠીયાના નામ આપ્યા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં આવેલા મામાના મંદિર પાસે એક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સીટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઇ એન.એ. ચાવડાની સૂચનાથી શનિવારે રાત્રે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા નરેશ નાનજીભાઈ મંગે નામના શખ્સના મકાનમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની પાંચ બોટલ મળી આવી હતી. નરેશ મંગેએ દારૂની આ બોટલ ક્રિષ્ના મહેન્દ્રભાઈ ગોરી ઉર્ફે એક્કા નામના શખ્સ પાસેથી લીધી હોવાની કબૂલાત કરી છે.
જામનગરના દરબાર સર્કલ પાસેથી શનિવારે સાંજે પસાર થતા જયેશ ઈશ્વરભાઈ સોલંકી નામના ઠેબા ચોકડી નજીકના સરદાર પાર્ક પાસેની આંબેડકર સોસાયટીમાં રહેતા શખ્સની પોલીસે તલાસી લેતા આ શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂનું ચપટુ મળી આવ્યું હતું.
જામનગરના તીનબત્તી વિસ્તારમાંથી શનિવારે સાંજે પસાર થતાં દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં રહેતા ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા તથા ખુશાલ જીતેન્દ્રપુરી ગોસ્વામી નામના બે શખ્સને પેટ્રોલિંગમાં રહેલા એલસીબીના સ્ટાફે શકના આધારે રોકાવી તલાશી લેતા આ શખ્સોે પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લીશ શરાબની છ બોટલ મળી આવી હતી. એલસીબીએ છ બોટલ, બે મોબાઈલ તથા રૂ.૬૦,૦૦૦નું મોટર સાયકલ કરી બંને શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોએ ધુંવાવના નાકા પાસે રહેતા અક્ષય કોળી ઉર્ફે બબન પાસેથી દારૂ લીધાની કબુલાત આપી છે.
જામનગર નજીકના દરેડ પાસે આવેલા શિવમ પાર્કમાંથી શનિવારે સાંજે પોલીસે ઠેબા ચોકડી નજીકની સેન્ટોજા સોસાયટીમાં રહેતા દેશુર લખમણભાઇ મેંઢ નામના શખ્સને ઇંગ્લિશ દારૂના ચપલા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે પોતાના સાગરિત નગા કરમુરનું નામ આપ્યું છે.
ધ્રોલ તાલુકાના ગઢડા ગામની સીમમાં મહેન્દ્રસિંહ દેવુભા જાડેજા ઉર્ફે મેંદુભા નામના શખ્સના ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. તેવી બાતમી પરથી ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડ, સ્ટાફના આર.કે. મકવાણા, કે.ડી. કાબરીયા, એચ.જે. જાડેજા, એન.પી. ગમારા, કે.એમ. શિયાર, આર.સી. જાડેજાએ ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો. તે ઓરડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની રર૮ બોટલ તથા ૬૪ નંગ બીયર મળી આવ્યો હતો. રૂ.૩,૧૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે મહેન્દ્રસિંહ દેવુભાની ધરપકડ કરી છે. આ શખ્સે દારૂનો ઉપરોક્ત જથ્થો કચ્છના ભચાઉ ગામના રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ મોકલાવ્યાની કબૂલાત આપી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કના ઢાળીયા પાસેથી ગઈકાલે સાંજે નયન મનસુખભાઈ ચૌહાણ નામનો શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગર-રાજકોટ રોડ પર ધ્રોલ નજીક જી.એમ. સ્કૂલના બસ સ્ટેન્ડ પાસેથી ગઈરાત્રે ભીમા ઉર્ફે માધા રતાભાઈ ટોયટા નામના બાલંભા ગામના શખ્સને ધ્રોલ પોલીસે પકડી લઈ દારૂની બોટલ ઝબ્બે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial