Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની જો શહીદ હુએ હૈ ઉનકી, જરા યાદ કરો કુરબાની
આપણે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, જે યુદ્ધ અંગે આપણે સંગત વિભાગના મન હોય તો માળવે જવાય વિભાગમાં છેલ્લા કેટલાક અંકોથી સંક્ષિપ્તમાં વિવરણ કરી રહ્યા હતાં. આજે કારગીલ વિજય દિવસે એ યુદ્ધમાં શહીદ થયેલા તમામ પર૭ જેટલા ભારતીય શૂરવીરોને હૃદયના ઊંડાણથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને તેઓના પરિવારજનોને પણ સલામ કરીએ, તેવી જ રીતે આ યુદ્ધમાં કાયમી કે આંશિક રીતે ઘવાયેલા અને માઁ-ભોમ કાજે માથે કફન બાંધીને લડેલા તમામ શૂરવીર જવાનોને પણ આદરપૂર્વક સ્મરીને સલામ કરીએ. આ યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ સહયોગીઓ તથા તે સમયે શાસન-પ્રશાસનમાં રહીને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનાર લીડર્સ અને બ્યુરોક્રેટ્સ, સરકાર અને તેની સાથે અડીખમ ઊભેલા તમામ રાજકીય પક્ષો તથા સરહદો પર દુશ્મનોની આતશબાજી, ગોળીબાર અને તોપમારા વચ્ચે પણ જવાનોને લોજિસ્ટિક તથા રોજીંદો સહયોગ આપનાર સરહદે વસવાટ કરતા ભારતીયોને પણ આદરપૂર્વક સ્મરીને બીરદાવીએ. એટલું જ નહીં, યુદ્ધ દરમિયાન જે નિર્દોષ ભારતીય નાગરિકોનો દુશ્મનોએ ભોગ લીધો હોય તે તમામ જીવાત્માઓ અને નુક્સાન વેઠીને પણ ભારતીય સેનાની પડખે અડીખમ ઊભા રહેનારા તમામ સરહદી સ્થાનિક વસાહતીઓ તથા સપોર્ટરોને, સ્થાનિક તંત્રો, અર્ધલશ્કરી દળો, પોલીસદળો અને સુરક્ષા તથા ગુપ્તચર એજન્સીઓની પ્રબળ દેશભાવનાને પણ બીરદાવવી જ પડે અને આજના દિવસે યાદ કરવા જોઈએ.
ગુજરાતના ૧ર શહીદવીરો
કારગીલનો જંગ એ માત્ર સરહદી યુદ્ધ નહોતુું, પરંતુ માંયકાંગલા પડોશી દેશની કાયરતાપૂર્ણ દગાખોરીનો સણસણતો જવાબ હતો. બાહ્ય આક્રમણને સરહદ પરથી મારીને હાટવનારા ભારતીય સપૂતો પૈકી દેશના સંખ્યાબંધ જવાનોએ શહીદી વ્હોરી હતી.
હાલારના ત્રણ શહીદવીરો
કારગીલના યુદ્ધમાં હાલારના જે જવાંમર્દો સરહદે લડ્યા હતાં, તેમાંથી હાલારના ત્રણ જવાનો પણ વીરગતિ પામ્યા હતાં. તે સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લાનો જ હિસ્સો હતો, તેથી તે સમયે સમગ્ર હાલારમાં આ ત્રણેય શહીદોને જ્યારે અંતિમ વિદાય અપાઈ, ત્યારે હાલના જામનગર અને દ્વારકા જિલ્લાના પ્રત્યેક ગામોમાં ગરિમામય શોક છવાયો હતો અને દુશ્મનોની સામે છાતીએ લડીને ભારતમાતા માટે શહીદી વહોરી લેનાર શહીદોની વીરગાથાઓ તો લાંબા સમય સુધી ગવાતી રહી હતી.
આ અંકમાં આપણે કારગીલ યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે જોડાઈને દુશ્મનોના દાંત ખાટા કરીને પોતાના જીવનું બલિદાન આપનાર હાલારના ત્રણેય શહીદ જવાંમર્દો સહિત ગુજરાતના બાર શહીદને ભાવભરી સ્મરણાંજલિ અર્પીને કારગીલ યુદ્ધનો વિજયનો ગૌરવભર્યો જયજયકાર કરીશું.
મહિપતસિંહ નટુભા જાડેજા (નગડિયા)
જામનગર (હાલાના દેવભૂમિ દ્વારકા) જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલથી નજીકના નાના સરખા નગડિયા ગામના વતની વીર શહીદ મહિપતસિંહ નટુભા જાડેજા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં અસારની સરહદેથી ઘૂસણખોરોને હાંકી કાઢવાના જીવસટોસટના યુદ્ધમાં તા. ૧૭ મી મે ૧૯૯૯ ના દિવસે વીરગતિ પામ્યા હતાં. તેમણે સરહદેથી તારીખ ૧૦-ર-૧૯૯૯ ના દિવસે લખેલો પત્ર તથા તા. ૧૭-૩-૧૯૯૯ ના દિવસે મોકલેલા રૂા. બે હજારનું મનીઓર્ડર તેમના પરિવાર માટે અંતિમ યાદ બની ગઈ હોવાનું કહેવાય છે. વીરગતિ પામ્યા ત્યારે તેઓ સીઆરપીએફ ડિવિઝન નં. ૪ર મા ફરજ બજાવતા હતાં.
અશોકસિંહ ગોવુભા જાડેજા (મેમાણા)
જામનગર જિલ્લાના અશોકસિંહ ગોવુભા જાડેજા તા. ૭ મી એપ્રિલ-૧૯૯૯ ના દિવસે સીમાના રક્ષણ દરમિયાન પ૧૩૧ બટાલિયન, એ.એસ.બી.માં ફરજો બજાવતી વખતે વીરગતિ પામ્યા હતાં. કારગીલ યુદ્ધમાં શહીદી વહોરનાર તેઓ પ્રથમ ગુજરાતી હતાં, અને તેઓની શહાદતના સમાચાર મળ્યા ત્યારે પણ આખા રાજ્યમાં ગરિમામય શોકની લહેર છવાઈ હતી. તેઓ સેનામાં પણ પોતાના સાથીદારોમાં ઘણાં જ પ્રિય હતાં.
રમેશભાઈ વિક્રમભાઈ જોગલ
જામનગર (હાલના દેવભૂમિ દ્વારકા) જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વીર શહીદ રમેશભાઈ વિક્રમભાઈ જોગલ તા. છઠ્ઠી જુલાઈ-૧૯૯૯ ના દિવસે કારગીલ યુદ્ધમાં કક્ષર સેક્ટરના થસ ગામની છેલ્લી ચેક પોસ્ટ પર દુશ્મન સામે લડતાં લડતાં દુશ્મનોએ ફેંકેલા બોમ્બ વિસ્ફોટમાં વીરગતિ પામ્યા હતાં. ભાણવડની ઘેલાણી સ્કૂલમાં ભણેલા રમેશભાઈ જોગલ ભણવામાં હોંશિયાર હોવા છતાં દેશભક્તિથી તરબતર રમેશભાઈ સેનામાં જોડાયા હતાં અને યુવવયે વીરગતિ પામ્યા ત્યારે આખું હાલાર હિબકે ચડ્યું હતું, અને ત્રણેય હાલારી શહીદોની વીરગાથાઓ તથા શૌર્યકથાઓ અત્યાર સુધી ગવાતી અને સંભળાતી રહી છે.
દિલીપસિંહ ડાહ્યાભાઈ ચૌહાણ (ટીકર)
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર (પરમાર) ગામના શહીદવીર દિલીપસિંહ ડાહ્યાભાઈ ચૌહાણ તા. ૧૬ જૂન-૧૯૯૯ ના દિવસે કારગીલ યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે આસામના ઢવાંગ રોડ પર સેનાની ફરજો દરમિયાન અકસ્માત થતા શહીદ થયા હતાં.
મુકેશકુમાર રમણિકલાલ રાઠોડ (અમદાવાદા)
અમદાવાદના મેઘાણીનગરના વતની સારા નિશાનબાજ હતાં, અને ૧ર મહાર રેજીમેન્ટની એમ ટેન્કના નાયક હતાં. તેઓ હિમાચલની દુર્ગમ પહાડીઓમાં કારગીલ મોરચે લડવા નીકળ્યા હતાં, અને ટૂકડીથી છૂટા પડી ગયા પછી તેમનો નશ્વરદેહ જ મળ્યો હતો. આમ, યુદ્ધની ફરજો દરમિયાન તેઓ વીરગતિ પામ્યા હતાં, અને તેઓની અંતિમ વિધિ પણ લશ્કરી સન્માન સાથે શ્રીનગરમાં જ થઈ હતી.
હરેન્દ્રગીરી જમનગીરી ગોસ્વામી (કોયલાણા)
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના વતની ૧ર-મહાર રેજિમેન્ટમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા શહીદવીર હરેન્દ્રગીરી જમનગીરી ગોસ્વામીની તા. ર૮ જૂન ૧૯૯૯ ના ઘૂસણખોરોને ખદેડતા ખદેડતા દ્રાસ ક્ષેત્રમાં વીરગતિ પામ્યા હતાં. તેમનો પાર્થિવદેહ જૂનાગઢ લવાયો ત્યારે શહેર શ્રદ્ધાંજલિ અર્પવા ઉમટી પડ્યું હતું. પરિવારે 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે કેશોદમાં ગરિમામય અંતિમ વિદાય આપી હતી.
દિનેશભાઈ મોહનભાઈ વાઘેલા (નિરમાલી)
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની વીર શહીદ દિનેશભાઈ મોહનભાઈ વાઘેલા પણ ર૮ જૂન ૧૯૯૯ ના વીરગતિને પામ્યા હતાં, અને કારગીલના દ્રાસ સેક્ટરમાં ઘૂસ્ણખોરો સાથે ઝઝુમતા ઝઝુમતા તેઓ વીરગતિ પામ્યા હતાં. તેઓ પણ પંજાબ-અમૃતસરની ૧ર-મહાર રેજિમેન્ટમાં સિપાઈ હતાં. તેઓને રાજકીય-સૈન્ય સન્માન સાથે તેમના વતનમાં અગ્નિદાહ અપાયું, ત્યારે સમગ્ર જિલ્લામાં ગરિમામય ગમગીની છવાઈ હતી.
શૈલેષ કાવાજી નિનામા (કંથારિયા-કેલાવા)
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કંથારિયા (કેલાવા) ના વતની વીર શહીદ શૈલેષ કાવાજી નિનામા આદિવાસી સપૂત હતાં, જેઓ ૩૦ જૂને ફર્સ્ટ બિહાર રેજિમેન્ટના જવાંમર્દ માઁ-ભોમની રક્ષા માટે ઝઝુમતાં ઝઝુમતાં વીરગતિ પામ્યા હતાં. શૈલેષના બે સાથીદારો પણ એ યુદ્ધમાં ઘાયલ થયા હતાં. રાષ્ટ્રીય તિરંગામાં વતનના ગામમાં શૈલેષની અંતિમયાત્રા નીકળી ત્યારે આ દિવસૅ સમાજ ગૌરવભરી ગમગીની અનુભવી રહ્યો હતો.
રૂમાલભાઈ રવજીભાઈ રજાત (ડોળી)
પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામના વતની તા. પાંચમી જુલાઈના દિવસે ૧ર-મહારેજિમેન્ટ તરફથી લડતાં લડતાં દુશ્મનોના તોપમારામાં શહીદી વહોરી લીધી હતી. સદ્ગતની રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી ત્યારે સમગ્ર ટ્રાયબલ બેલ્ટમાં ગરિમામય શોક છવાયો હતો. તેઓ ૧૭ વર્ષથી આ રેજિમેન્ટમાં સેવા આપી રહ્યા હતાં તેઓની અંતિમયાત્રા સમયે 'શહીદો અમર રહો અને 'વંદે માતરમ્'' જેવા રાષ્ટ્રીય નારાઓ ગૂંજી ઊઠ્યા હતાં.
કાંતિભાઈ સુકાજી કોટવાલ-(કાળી હુંટરી)
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના કિસનગઢના વતની વીર શહીદ કાંતિભાઈ સુકાજી કોટવાલ તો ૧ર-મહાર રેજિમેન્ટમાં નોકરી પૂરી કરીને વર્ષ ૧૯૯૮ માં સેવાનિવૃત્ત થઈ ગયા હતાં, પરંતુ સેનામાંથી નિવૃત્તિ પછી પણ માઁ-ભોમની હાકલ પડી એટલે કારગીલ મોરચે પહોંચી ગયા હતાં, અને પાંચમી જુલાઈ ૧૯૯૯ ના દિવસે વીરગતિ પામ્યા હતાં. તેઓને જ્યારે અંતિમ વિદાય અપાઈ, ત્યારે પણ સાર્વત્રિક ગરિમામય શોક છવાયો હતો.
ભલાભાઈ અખમભાઈ બારિયા (ખટકપુર)
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુરના વતની શહીદ વીર ભલાભાઈ અખમભાઈ બારિયાએ કારગીલ યુદ્ધમાં સરહદે લડતાં લડતાં તા. છઠ્ઠી જુલાઈ ૧૯૯૯ ના દિવસે શહીદી વહોરી લીધી હતી. તે સમયે તેના એક ભાઈ તથા કાકા પણ ફોજમાં હતાં. તેઓ ર૪ વર્ષની વયે ૧ર-મહાર રેજિમેન્ટમાં જોડાયેલા ભલાભાઈના લગ્ન શહીદીના બે વર્ષ પહેલા જ થયા હતાં. તેઓના અંતિમ સંસ્કાર સૈન્ય છાવણીમાં જ પૂરેપૂરા રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા હતાં અને પરિવારજનોને ૧૬ જુલાઈના વતન ખટકપુરમાં અસ્થિકુંભ સુપ્રત કરાયો હતો.
છગનભાઈ રાયસીંગભાઈ બારિયા (નાકટી)
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામના વતની કારગીલ યુદ્ધ દરમિયાન નાપાક ઈરાદા સાથે મહિલાઓના બુરખા પહેરીને ભારતમાં ઘૂસેલા ઘૂષણખોરો સાથે લડતાં લડતાં તા. ૭ મી ઓગસ્ટ ૧૯૯૯ ના દિવસે દુશ્મનની ગોળી લાગતા કુપવારા સેક્ટરના કીંગાવ વળાંક નજીક શહીદ થયા હતાં. માત્ર ૧૯ વર્ષની વયે સૈન્યના ૪-નેશનલ રાયફલ્સમાં જોડાયેલા છગનભાઈ ર૯ વર્ષની વયે આર.આર. રેજિમેન્ટ તરફથી કારગીલ મોરચે શહીદ થયા હતાં. તેઓના વતનમાં તેઓના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરાયા ત્યારે 'વંદે માતરમ્', 'છગનભાઈ અમર રહો' અને 'દૂધ માંગો તો ખીર દેંગે અને કાશ્મીર માંગો તો ચીર દેંગે' જેવા નારાઓથી ગગન ગૂંજી ઊઠ્યું હતું.
આજે વિજય દિને શહીદોને શ્રદ્ધાંજલિ
આજે કારગીલ વિજય દિન ઉજવાઈ રહ્યો છે, અને દેશભરમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ રહ્યા છે. આજે ગુજરાતના ૧ર શહીદ સપૂતોની વાત કરી. આવતા અંકે કારગીલ યુદ્ધની બહુ નહીં ચર્ચાયેલી વાતો તથા વર્ષ ૧૯૭૧ ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા ગુજરાતી જવાંમર્દોની વાત આગળ વધારીશું. (ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial