નિફ્ટી ફયુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!

તા. ૯-૭-૨૦૨૫ ના    રોજ સવારે ૧૦ કલાકે....

આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૯, જુલાઈ સુધીમાં ટ્રેડ ડિલ નહીં કરનારા દેશો માટે આકરી ટેરિફ લાગુ કરવાની મુદ્દતને લંબાવીને ૧, ઓગસ્ટ જાહેર કર્યા સામે કેટલાક દેશો સાથેની ટ્રેડ ડિલ જાહેર થવાની અપેક્ષા અને બીજી તરફ ભારત સાથે ડિલ જાહેર થતાં પૂર્વે ટ્રમ્પે બ્રિક્સ દેશોની અમેરિકી વિરોધી નીતિને અનુસરનારા દેશો પર વધારાની ૧૦% ટેરિફ લાદવાની આપેલી ચીમકી વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી.

ભારત સાથે કેટલા દરે ૧૫%, ૨૦% કે ૨૬% ટેરિફ પર ડિલ થશે એની અનિશ્ચિતતા, અટકળો વચ્ચે નવી લોન્ગ પોઝિશનથી ફંડો દૂર રહ્યા હતા. જ્યારે બીજી તરફ અમેરિકી જાયન્ટ જેને સ્ટ્રીટ સામે સેબીના પ્રતિબંધાત્મક પગલાં અને રૂ.૪૮૪૦ કરોડ જપ્ત કરવાના આદેશને લઈ આ તપાસ નવા ફંડો પર આવવાની અટકળોએ ફોરેન ફંડો નવી પોઝિશનથી દૂર રહી પોઝિશન હળવી કરવાનું પસંદ કરતાં જોવાયા હતા.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૬%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૭% ઘટીને અને નેસ્ડેક ૦.૦૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૭૫ અને વધનારની સંખ્યા ૧૪૨૧ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૬૧૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૨૫૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૬૧૫૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૨૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૬૧૪૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૦૭,૮૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૭,૯૩૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૭,૭૭૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૦૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૭,૭૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર રિયલ્ટી, આઈટી, ફોકસ્ડ આઈટી, મેટલ, ટેક, બેન્કેકસ, કોમોડિટી, ઓઈલ એન્ડ ગેસ, ફાઇનાન્સિયલ સર્વિસ અને એનર્જી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન યુનીલીવર, બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી, એનટીપીસી લિ., પાવર ગ્રીડ કોર્પ. અને ભારતી એરટેલ જેવા શેરો ૧.૫% થી ૦.૨૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન લિ, ઈન્ફોસીસ લિ., ટેક મહિન્દ્રા અને એક્સીસ બેન્ક જેવા શેરો ૧.૦% થી ૦.૩૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ઓરબિંદો ફાર્મા (૧૧૫૭) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૧૯૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!

અદાણી ગ્રીન (૧૦૦૧) : પાવર જનરેશન સેક્ટરના આ સ્ટોક રૂ.૯૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

સ્ટેટ બેન્ક (૮૧૩) : રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૪ બીજા સપોર્ટથી પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૨૮ થી રૂ.૮૩૪ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૬૦૬) : હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૨ થી રૂ.૬૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો સારી ગતિથી વધી રહ્યા છે, જો કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે.

આરબીઆઈ દ્વારા સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો છે. સાથે દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા છતાં હજુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

close
Ank Bandh