Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તા પર થતો અકસ્માત કોઈને ચેતવણી આપતો નથી. એક ક્ષણમાં વાહન અટકે છે, શરીર ઘાયલ થાય છે અને જીવનની દિશા બદલાઈ જાય છે. ઈજા થાય કે મૃત્યુ થાય, પીડિત અને તેના પરિવાર માટે આ માત્ર શારીરિક કે માનસિક આઘાત નથી, પરંતુ લાંબી અસહાય સ્થિતિની શરૃઆત હોય છે. આવી પરિસ્થિતિમાં મોટા ભાગના લોકો દુઃખમાં એટલા ગરકાવ થઈ જાય છે કે તેમને એ પણ ખબર રહેતી નથી કે કાયદાએ તેમના માટે સ્પષ્ટ અને મજબૂત અધિકારો આપેલા છે.
મોટર વાહન અકસ્માતોમાં વળતર માટે કાયદાએ વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે. તેનો મુખ્ય હેતુ પીડિતને ઝડપથી ન્યાય અને આર્થિક રાહત આપવાનો છે. વળતર આપવાની જવાબદારી મુખ્યત્વે વાહનના વીમા પર રહે છે. વાહનનો વીમો માત્ર વાહનના નુકસાન માટે નથી, પરંતુ માનવીય જીવન અને સુરક્ષા માટેની કાયદેસર વ્યવસ્થા છે. આ વાત દરેક નાગરિકે સમજવી જરૃરી છે.
અકસ્માતમાં જો કોઈને ઈજા થાય તો સારવાર ખર્ચ, કામ ન કરી શકવાના કારણે આવકનો નુકસાન, ભવિષ્યની સારવારની જરૃરિયાત, કાયમી અપંગતા અને માનસિક પીડા માટે વળતર મળવાનું કાયદેસર હક્ક પીડિતને છે. જો અકસ્માતમાં વ્યક્તિનું મૃત્યુ થાય, તો તેના પરિવારજનોને જીવનસાથી, સંતાનો અને માતા પિતાને વળતર મળવાનો અધિકાર છે. આ વળતર કોઈ દયા નથી, પરંતુ કાયદેસર હક્ક છે.
વળતર નક્કી કરતી વખતે ન્યાયાલય માત્ર વ્યક્તિ કેટલી કમાઈ કરતી હતી એટલું જ નથી જોતા. વ્યક્તિની ઉંમર, પરિવાર પર તેની નિર્ભરતા, જીવનની ગુણવત્તા, ભવિષ્યની આવકની સંભાવનાઓ અને પરિવાર પર પડતો માનસિક આઘાત આ તમામ મુદ્દાઓનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે વળતર માત્ર આંકડાનો વિષય નથી, પરંતુ માનવીય નુકસાનની કાનૂની સ્વીકૃતિ છે.
ઘણાં લોકો એવું માને છે કે જો અકસ્માતમાં પોતાની ભૂલ ન હોય તો જ વળતર મળે. હકીકતમાં કાયદો આટલો સંકુચિત નથી. કેટલીક પરિસ્થિતિમાં દોષ સાબિત કર્યા વગર પણ વળતર મળતું હોય છે, જેથી પીડિતને તાત્કાલિક રાહત મળી શકે. આ વ્યવસ્થા ખાસ કરીને લાંબી અને કઠિન કાનૂની પ્રક્રિયા ટાળવા માટે બનાવવામાં આવી છે.
હવે એક અત્યંત મહત્ત્વપૂર્ણ પરંતુ અવગણાતો મુદ્દો રાજ્ય સત્તાવાળાની બેદરકારીથી થતા અકસ્માત. રસ્તા પર બાંધકામ ચાલતું હોય, ખોદકામ કરેલું હોય, ડાયવર્ઝન સૂચનાઓ ન મુકેલી હોય, રાત્રે લાઇટીંગ ન હોય અથવા રસ્તા પર અવરોધ ખુલ્લો મૂકેલો હોય આવી બેદરકારીના કારણે જો અકસ્માત થાય, તો તે સામાન્ય દુર્ઘટના નથી. આવા કેસોમાં રાજ્યની કાયદેસર જવાબદારી ઊભી થાય છે.
રાજ્યની ફરજ છે કે તે જાહેર રસ્તાઓ સુરક્ષિત રાખે. જો રાજ્યની બેદરકારીના કારણે કોઈ નાગરિકને ઈજા કે મૃત્યુ થાય, તો પીડિત રાજ્ય સામે વળતર માગી શકે છે. અદાલતોએ સ્પષ્ટ રીતે કહૃાું છે કે રાજ્યની બેદરકારીથી થયેલી હાનિ માટે રાજ્ય જવાબદાર બને છે અને પીડિતને વળતર આપવું તેની ફરજ છે. આવા કેસોમાં કોઈની ભૂલ નથી એવી દલીલ ચાલતી નથી.
કેટલાક કેસોમાં એવું બને છે કે અકસ્માત થાય છે, ફરિયાદ નોંધાય છે, પરંતુ તપાસ પછી કોઈ વ્યક્તિ દોષિત સાબિત થતી નથી. વાહન અજાણ્યું હોય, ભાગી ગયું હોય અથવા પુરાવાની અછત રહે. આવી પરિસ્થિતિમાં પણ કાયદો પીડિતને એકલો નથી છોડતો. આવી સ્થિતિ માટે સરકાર દ્વારા વળતર આપવાની વિશેષ વ્યવસ્થા છે.
સરકાર તરફથી મળતું વળતર કોઈ ઉપકાર નથી, પરંતુ સામાજિક ન્યાયની વ્યવસ્થા છે. પીડિત અથવા તેના પરિવારજનોને નિર્ધારિત પ્રક્રિયા મુજબ અરજી કરવાથી આ વળતર મળતું હોય છે. ખાસ કરીને ગરીબ, સામાન્ય અને અસહાય નાગરિકોને ન્યાય સુધી પહોંચવાનો માર્ગ આપવા માટે આ વ્યવસ્થા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
અકસ્માત પછી તરત યોગ્ય સારવાર લેવો જેટલો જરૃરી છે, એટલું જ જરૃરી છે કાયદેસર પગલાં લેવાં. ફરિયાદ નોંધાવવી, સારવારના તમામ દસ્તાવેજો સાચવવા, અકસ્માત સંબંધિત માહિતી એકત્ર કરવી આ બધું પીડિતના અધિકાર માટે આધારરૃપ છે. સમયસર યોગ્ય કાયદેસર માર્ગદર્શન મળે તો પીડિતને યોગ્ય અને પૂરતું વળતર મળી શકે છે.
આ લેખનો હેતુ ભય પેદા કરવાનો નથી, પરંતુ જાગૃતિ લાવવાનો છે. અકસ્માત પછી દુઃખ અનિવાર્ય છે, પરંતુ અજ્ઞાનતા અનિવાર્ય નથી. રસ્તા પર થયેલો અકસ્માત માત્ર દુર્ભાગ્ય નથી તે કાયદેસર જવાબદારી પણ ઊભી કરે છે. પીડિત મૌન રહે તો અન્યાય થાય છે, અને પીડિત બોલે તો ન્યાય શક્ય બને છે.
ધ્વનિ લાખાણી એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial