Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    
આ વિષય મનોરંજન સાથે મનોમંથનનો છે.
આજકાલ વરસાદની સિઝન કરતા માવઠાની માઠી વધારે ચાલે છે.
ડેટા પ્લાન ખતમ થાય તે પહેલા ડેટિંગ પ્લાન ખતમ થઈ જાય છે.
તાજા તાજા લગ્ન હોય ત્યારે ૩૦૦ની કોફી મોંઘી નથી લાગતી. પરંતુ લગ્નના અમુક સમય પછી ૨૦ની ચા માટે રકઝક થાય છે.
લગ્નમાં થયેલ જમણવાર, વિડીયોગ્રાફી, દાંડીયારાસ કે સ્ટેન્ડ અપ કોમેડીનો જલસો, કે પાર્ટી પ્લોટના બીલ ચૂકવાય તે પહેલા છૂટા પડી ગયેલાના દાખલા જોવા મળે છે.
તાજેતરમાં જ અમારા એક મિત્ર ના દીકરાની સગાઈ કરી. હું અને ચુનિયો કોફી શોપમાં બેઠા હતા ત્યાં અતિ આનંદિત ૩૨ લક્ષણો અમારો મિત્ર અનિલ અઠંગ અમારા હાથમાંથી કોફી પડાવી ઘુંટડો મારતા બોલ્યો, ''નાનકાની સગાઈ કરી''
મેં પૂછ્યું ''ક્યા કરી? સગા વાહલા કેવા છે?''
અનિલે ઉત્સાહભેર કહૃાું, ''આપણી જેવા જ છે.''
ચુનિયાએ તેના હાથમાંથી કપ ખેંચતા તરત જ કહૃાું, ''તો પણ કરી?''
અમદાવાદનો વન બીએચકે ફ્લેટ ઉડાડી લગ્નમાં ધામધૂમ કરી.
અનિલ અને તેની ઘરવાળીને હાશકારો થાય તે પહેલા મોઢામાંથી હાય કારો નીકળી જાય તેવા સમાચાર મળ્યા.
હનીમૂનમાંથી બંને પરત આવ્યા પરંતુ ઘરે નાનકો એકલો આવ્યો.
આવતા વેંત ઘરનાઓને કહી દીધું કે ''તેને મારી સાથે નહીં ફાવે. લગ્નનો અને હનીમૂનનો અડધો ખર્ચો મંગાવી લેજો.''
અનિલનો મને ફોન આવ્યો. હું તાત્કાલિક પહોંચ્યો.
વિગત જાણી તો મને હસવું કે રોવું તે ખબર ન પડી.
હનીમૂનના પાંચ દિવસ દરમિયાન છોકરીની એક પણ રીલ બનાવી ન દીધી તેથી છોકરીએ છૂટાછેડાના કારણોમાં એવું જણાવ્યું હતું કે ''છોકરાને રીલ બનાવતા આવડતી નથી એટલે આગળની જિંદગી કેમ નીકળે?''
સગાઈ નક્કી થતાં પહેલાં ઇન્ટરવ્યૂમાં છોકરાએ છોકરીને ચાંદ તારા દેખાડ્યા હોય,
લોંગ ડ્રાઈવમાં જવું ગમે.
બહાર હોટલોમાં જમવું ગમે.
વિદેશ પ્રવાસનો શોખ છે.
બહુ મોટું મિત્ર વર્તુળ છે.
પહેરવા ઓઢવાનો શોખ છે.
સામે દીકરીએ પણ બીએમડબલ્યુ સામે મર્સીડીસ કાઢી હોય.
મારા હાથની રસોઈ આંગળા ચાટી જાઓ તેવી સ્વાદિષ્ટ હોય છે. વાસ્તવમાં મેગી થી વિશેષ કાંઈ બનાવતા આવડતું ન હોય.
છોકરાના એક એક શબ્દ પર રોજ બહાર જવાના, ત્રણ મહિને એક વિદેશ પ્રવાસના, અદ્યતન વસ્ત્રોથી વોર્ડરોબ ભરવાના, ક્યારેક જ ઘરે જમવાના, ફિલ્મો જોવાના,... એવા કેટલાય સપનાઓ જોઈ લીધા હોય.
આ રીલ લાઈફ છે.
રીયલ લાઈફમાં છોકરાને ધંધા માટે કે નોકરીમાં ઓછો સમય મળતો હોય.
વાર તહેવારે જ બહાર જમવા જવાનું બનતું હોય.
રાત્રે થાકીને નોકરી ધંધેથી આવ્યા પછી ટહેલવાનું મન હોય લોંગ ડ્રાઈવનો મૂડ ન હોય.
ડખો ત્યાંથી શરૂ થાય છે.
આજની પેઢીને આભાસી અને વાસ્તવિક જિંદગી વચ્ચેનો ફર્ક કેમ કરી સમજાવવો?
હમણાં એક છોકરીએ સગાઈની મિટિંગમાં એક જ મિનિટમાં હા પાડી દીધી.
હું તે વાતનો સાક્ષી હતો એટલે મેં દીકરીને પૂછ્યું કે ''એક મિનિટમાં તે શું જજમેન્ટ લીધું?''
તો મને કહે, ''તેના મોબાઈલમાં ઝોમેટો, સ્વેગી જેવી એપ મેં જોઈ. એટલે મને જજમેન્ટ આવ્યું કે છોકરો મારી જેમ બહાર જમવાનો શોખીન છે,કે પાર્સલ મંગાવી અને મોજ કરશું.''
મેં કહૃાું, ''તેને બાળપણથી ઓળખું છું. આ બંને એપમાં વાનગીઓ જોઈ અને તેની મમ્મી પાસે ઘરે બનાવવાની જીદ કરે છે.''
એક ઘર બન્યા પછી ભાંગતું મેં બચાવ્યું.
શરૂઆતમાં તો દિલની રકઝક હોય છે. અને લગ્નના અમૂક સમય પછી વધુ પડતા બિલની રકઝક હોય છે.
''તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં.''થી મસ્ત લગ્નજીવન શરૂ થાય અને અમૂક સમય પછી ''કાં તું નહીં, કાં હું નહીં''થી પૂરી થાય છે.
લગ્નગ્રંથિથી બંધાવવા માટે પ્રેમ અને પૈસો જોવાય છે. હકીકતમાં સમજણ અને સહનશક્તિ જરૂરી હોય છે. પ્રેમ અને પૈસો પછીના ક્રમે આવે છે.
શરૂઆતના લગ્નજીવનમાં સ્પેસમાં (આકાશમાં) ઉડવાના સપનાઓ હોય છે. પરંતુ પછી એકબીજાને સ્પેસ (ફ્રીડમ) આપવાનું મહત્ત્વ હોય છે.
સાસુનો જમાઈ પર લગ્ન પછી ફોન આવે અને એટલું ખાલી પૂછે કે *મજામાં?* ત્યારે ગળગળા થતાં જમાઈ મેં જોયા છે.
ઘણા કંટાળીને અણી પર આવી ચૂકેલા જમાઈ તો બોલી પણ નાખે કે ''મારૃં જાવા દો તમારે તો જલસા થઈ ગયા ને?''
ચાલો 'વરસાદની સિઝન સુધી માવઠાથી બચી અને રહો તેવી શુભકામનાઓ.'
વિચારવાયુઃ હું: ચુનિયા છુટાછેડાનું મુખ્ય કારણ શું?
ચુનિયોઃ લગ્ન મારી લીધો મેં હોં
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial