Advertisement
Author: નોબત સમાચાર

ગોરધનપરમાં પાંચ વર્ષ પહેલાં યુવાનની થયેલી હત્યાના ગુન્હામાં આરોપીને આજીવન કેદ દંડ

મૃતકના પુત્રની જુબાની મહત્ત્વપૂર્ણ સાબિત થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર-ખંભાળિયા માર્ગ પર ગોરધનપર ગામમાં રહેતા બે વ્યક્તિ વચ્ચે ટ્રેક્ટરની લાઈટ ડીમ કરવાના મુદ્દે બોલાચાલી પછી પાંચ વર્ષ વર્ષ પહેલાં એક શખ્સે સામેવાળા યુવાનની માથામાં કોશ મારી હત્યા કરી નાખી હતી. આ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે મૃતકના પુત્રની મહત્ત્વની જુબાની તથા અન્ય દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદ અને રૂા.રપ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ મૃતકના પરિવારને વળતર પેટે ચૂકવી આપવામાં આવશે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ગોરધનપર ગામમાં રહેતા ભાવેશભાઈ અમૃતલાલ સોનગરા નામના યુવાન ગઈ તા.૧૩-ર-ર૧ની રાત્રે પોતાના મોટરસાયકલ પર ગોરધનપર ગામ તરફ જતા હતા ત્યારે સામેથી નિલેશ અમૃતલાલ કણઝારીયા નામનો શખ્સ ટ્રેક્ટર ચલાવીને આવતો હતો. આ વેળાએ લાઈટ ડીમ કરવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારપછી ભાવેશ સોનગરા પોતાના સાત વર્ષના પુત્ર અને ભત્રીજા સાથે ઢોરને લઈને વાડી તરફ જતા હતા ત્યારે ઢોર સાઈડમાં ચલાવવાના પ્રશ્ને નિલેશ અમૃતલાલ કણઝારીયાએ બોલાચાલી કરી હતી.

આ વેળાએ બંને વચ્ચે થયેલી ગાળાગાળી પછી નિલેશ કણઝારીયા નજીકમાં આવેલા લાલજી સોનગરાના ખેતરમાં ચાલ્યો ગયો હતો જ્યાં તેને સમજાવટ કરવા માટે ભાવેશ અમૃતલાલ સોનગરા જતા ઉશ્કેરાયેલા નિલેશ અમૃતલાલે નજીકમાં પડેલી કોશ ઉપાડી માથામાં ઝીંકી દીધી હતી. ગંભીર ઈજા પામેલા ભાવેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તા.ર૪-ર-ર૧ના દિને તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે બનાવને નજરે જોનાર મૃતકના સાત વર્ષના પુત્રની જુબાની મહત્વની સાબિત થઈ હતી. તે ઉપરાંત અન્ય સાહેદોની જુબાની પણ રજૂ કરવામાં આવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી નિલેશ અમૃતલાલ કણઝારીયાને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૦૨ના ગુન્હામાં આજીવન કારાવાસની સજા તથા રૂા.રપ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની કેદની સજા આપવામાં આવી છે. તે ઉપરાંત આઈપીસી ૫૦૪ તથા જીપી એક્ટની કલમ ૧૩પ (૧)ના ગુન્હામાં આરોપીનો છૂટકારો ફરમાવાયો છે. દંડની રકમમાંથી મૃતકના વારસોને વળતર ચુકવી આપવા તેમજ મુદ્દામાલમાં કબજે કરાયેલુ બાઈક તેના માલિકને સોંપી આપવા હુકમ થયો છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh