Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણને ઘણીવાર એમ થાય કે જે વ્યક્તિ સતત બીજાના ભલાનું વિચારતા હોય, કોઈ દુઃખી કે તકલીફમાં હોય એવા ની મદદમાં જ્યારે નિસ્વાર્થ ભાવે ઊભા રહેતા હોય , કેટલાનું કલ્યાણ કર્યા પછી પાછળ વાળીને જોયું ન હોય કે બદલાની અપેક્ષા ન રાખી હોય એને તકલીફ શુ કામ આવે? મારે અને ઈશ્વરને બહુ બને, એનું મોટામાં મોટું કારણ એ કે ઈશ્વર પાસે હું જ્યારે જાઉં ત્યારે કોઈ વાતની માગણી ન હોય બસ અંતરની લાગણી હોય... હું પહેલા તો મનોમન એમના ખબર પૂછું કેમ છે? અને કહું કે બસ ધ્યાન રાખો છો એમ રાખજો... મારાથી કંઈ ખોટું થાય તો રોકજો કે ટોકજો... હું પણ તમને ટોકીશ ... અને ક્યારેક તો કહું કે આ શું? રોજ રોજ અમારે જ આવવાનું ? તમને એમ થાય કે આને ઘરે આંટો મારીએ ? એમ ના કહેતા કે અહીં બેસીને ધ્યાન રાખું છું ને? આવવું પડે અમારે ઘેર અમને મળવા.. એક વાર શ્રાવણ મહિનામાં મેં શંકર ભગવાનને કહેલું કે ભોળા દેવ તમને ક્યારેય મળવા કે પૂછવા ન આવનાર લોકો શ્રાવણમાં આવીને પાણી, દૂધથી નવડાવી ગૂંગળાવી મારે અને હેરાનગતિ થાતી હોય તો મારે ઘેર આવતા રહેવું.. રાહત રહેશે... આખો મહિનો હેરાન કરશે પછી આવશે ય નહિ પૂછવા.. આ તો કહ્યું , મારી ફરજમાં આવે..એટલે.. મારે આમ ચાલતું હોય એમ જ...
આમ તો એમ કહેવાય કે ઈશ્વર બધું જોતો હોય છે તો પછી એવા માણસને તકલીફ ન પડે એ ન જોતા હોય ? સંતોષ ને ને ભયંકર તકલીફમાં જોઈ મારાથી ઈશ્વરને પુછાઈ ગયું કે આ શું? તમે શું જુઓ છો? લોકો કહે કે આ ધરતી પર જે કાંઈ થાય છે એ ઈશ્વર જ કરાવે છે.. સારૃં ખરાબ બધું ઈશ્વર જ કરાવે છે.. પાપ અને પુણ્યનો હિસાબ ઈશ્વર આ જ આ જ જન્મ માં કરે છે... કોઈ કંઈ ખરાબ કરે અથવા કોઈ કોઈનું ખરાબ કરે તો ઈશ્વર તરત બદલો આપે... આ જન્મમાં કરેલા કર્મોનું ફળ અહીં જ આ જન્મમાં જ મળે છે... આવતા ભવમાં મળે એ વાત ખોટી.. અહીં જ હિસાબ. તો હે ઈશ્વર આ તમારો કેવો હિસાબ? ક્યારેય કોઈનું ખરાબ ન કરનાર અને સૌનું ભલું કરનાર સંતોષ ને તકલીફ શું કામ ? ઈશ્વર મને કહે કે તું મારી સાથે ચર્ચા કરવાને બદલે સંતોષની જિંદગી રિવાઇન્ડ કર અને આજની આ પળ સુધી આવીને મને વાત કર... ઈશ્વરની વાત બરાબર હતી.. મેં કહ્યું સારૃં, એમ કહી ગયો રિવાઇન્ડ માં
સંતોષ એટલે કરૂણામૂર્તિ... ક્યા બે પ્રેમીઓ ના અંધ પ્રેમનું બીજ હશે.. .. વૃક્ષ નીચે કચરાના ઢગ માં વીંટળાયેલું રોતું નવજાત શિશુ.ઉદ્યોગપતિ શિશુપાલ અને એની પત્ની મમતા દેવી મંદિરેથી આવતા હતા ત્યારે એમણે અવાજ સાંભળ્યો અને વૃક્ષ તરફ ડગ માંડ્યા અને જોયું ,તરત લઇ અને નજીકના એક મહંતના અનાથ આશ્રમમાં પહોંચ્યા અને મહંતને આપી દીધું...એ મહંત શેઠ શિશુપાલને ઓળખતા હતા.. મહંતે કહ્યું કે શેઠ મારા માનવા મુજબ તમારે હજી કોઈ સંતાન / વારસદાર છે જ નહીં... તમે જ રાખી લો ઈશ્વરે આપેલી બક્ષિસ સમજીને ... શિશુપાલ અને એમના પત્ની મમતા દેવીને વાત યોગ્ય લાગી એક બીજા સામે જોઈ સંમતિ દર્શાવી અને મહંત સાથે મળી કાયદાકીય ક ાર્યવાહી/ નોંધણી કરાવી બાળક દત્તક લઇ લીધું... શિશુપાલ અને મમતા વિચારે કે આ બીજ કેવા યુગલનું હશે.. ક્યા વર્ણનું હશે? એ બે ના સંસ્કાર આના લોહીમાં હશે, ભવિષ્યમાં આ કેવું નીવડશે? એ પછી એ લોકો જ કહે કે આપણા જેવા કર્મ હશે એવું નીવડશે... આપણને સંતાન પ્રાપ્તિનો સંતોષ મળ્યો એટલે એનું નામ સંતોષ...
આ સંતોષ ખબર નહિ એવા ક્યા પ્રેમીઓનું સંતાન હશે કે જે સાવ શાંત, કોઈ જીદ નહીં, કરૂણાનો ભંડાર હતો.. શિશુપાલ અને મમતા કહેતા કે આ બાળકના માતા પિતા સાવ રાંક હશે, બાળકને મજબૂરીમાં તજ્યો હશે.. આ ખરેખર સંતોષી જીવ છે, ક્યારેય રડતો નથી, એકલો રમ્યા કરે... કે સુઈ જાય ,ઉઠે ત્યારે રોતો ના ઉઠે.. ઘોડિયા પાસે જઈ જોઈએ તો જાગતો હોય અને આપણને જોઈ મીઠું સ્મિત આપે.. આપણને તેડી લેવાનું મન થાય... એ ઘૂંટણિયે ચાલતો થયો... ત્યારે પણ ગમે ત્યાં ન ચાલી જાય.. પછી ચાલતા શીખ્યો.... સમજતા શીખ્યો.. રોતા કે જીદ કરતા ન શીખ્યો... જે આપો એનાથી સંતોષ... એક વસ્તુ જોવા જેવી હતી સંગીત વાગતું હોય ત્યારે પ્રેમથી સાંભળતો હોય... શિશુપાલ ને સંગીતનો શોખ એ રાત્રે સાંભળતા હોય એ સમયે આ મોજથી સાંભળતો હોય અને પાંચ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો રાત્રે જમીને બેઠા હોય ત્યારે સંતોષ બે હાથથી ઈશારો કરે પેલા મ્યુઝિક એરેન્જર સાજીંદા સામે જેમ બે હાથ હલાવે કે મ્યુઝિક કરો... મોજથી સાંભળે.. અને લગભગ પછી સુઈ જાય...
એ સમજણો થયો અને સ્કૂલે જતો થયો ત્યારે સંગીત એને વધુ પ્રિય થઈ ગયેલું... એટલે એને નાનપણથી સંગીત શીખવતા .. શિશુપાલ એક ઉદ્યોગપતિ હતા.. મોટો બંગલો... ચાર કાર.. ડ્રાઈવર, નોકર ચાકર , રસોઈયા માળી બધું જ... મમતા બહેને સંતોષને સાચવવા કોઈને નહોતા રાખ્યા , એ પોતે જ તેડીને ફરે.. બહાર જાય તોય એની પાસે જ હોય... લગભગ ધનિકો બાઈ/છોકરી રાખે.. શેઠાણી આગળ ચાલતા હોય અને બાળક આયા પાસે હોય, ઘેર પણ એવું જ....માં પાસે ભાગ્યે જ હોય.... મમતા કરોડોપતિ છતાં સંતોષ ને તો એ જ સાચવે. એ હતા ગૃહિણી એટલે ઘરમાં જ હોય , સંતોષ સ્કૂલે જતો થયો પછી પણ એના કોઈ નખરા નહીં કે માગણી નહીં, એ એનામાં જ મસ્ત હોય , નાનપણથી જ ભણવામાં તેજ.. . ડ્રાઇવર અને નોકરો કહે કે સંતોષ બાબા સાહેબ કાંઈક અલગ જ છે... એમાં મજાની વાત એવી હતી કે સંતોષને જ્યારે સ્કૂલે બેસાડ્યો પછી પહેલા દિવસે સ્કૂલે જતા પહેલા માં એ શીખવ્યું કે આજથી તું ભણવા જઈશ , માં સરસ્વતીના શરણે સ્કૂલે જતા પહેલા ઈશ્વરના આશીર્વાદ લઈને જવાય, આપણા ઘરના મંદિરમાં જઈ આશીર્વાદ લઇ લે... સંતોષે હળવું સ્મિત કર્યું અને સામે શિશુપાલ અને મમતા એટલે કે માં પપ્પા બે ઊભા હતા એ બેયના પહેલા ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે પહેલા ઈશ્વર તમે એવું ઈશ્વર જ કહે છે... એ બેયની આંખો ભીની થઇ ગઈ... એ પછી એ મંદિરમાં ગયો અને કારમાં બેસ્ટ પહેલા માળી કાકા, નોકર કાકા અને ડ્રાઇવર કાકાને પગે લાગ્યો એ બધા ભાવવિભોર થઇ ગયા.. માં બાપને તો ખુશીનો પાર નહોતો...
સંતોષ ભણવામાં મગ્ન થઈ ગયો... હંમેશા પ્રથમ જ હોય, એને ક્યારેય ટ્યુશન કે કોચિંગ ક્લાસની જરૂર ન પડી..એને કોઈ પૈસાદાર બાળકોને શોખ હોય એવા કોઈ શોખ નહીં, એવા કોઈ મિત્રો નહિ... એ કરૂણાના સાગર હતો.. કોઈનું દુઃખ નાનપણથી જોઈ શકતો ન હતો... એ રસ્તા પર કોઈને ભીખ આપવા ના મતનો નહિ પણ એને લાગે કે આ લાચાર છે દુઃખી છે એટલે તરત મદદ કરે.. અને શિશુપાલ એને રોકે પણ નહીં, સંતોષની એક મોટી વસ્તુ એ હતી કે કોઈની વાતમાં આવે નહીં કે કોઈ એને લાગણીવશ કરી છેતરી શકે નહીં, એને તો એનો આત્મા કહે એને મદદ કરે જ... એ શિયાળામાં બીજા લોકોની જેમ ઠંડીમાં ધ્રુજતા લોકોને ધાબળા ઓઢાડવા ન નીકળે... એ ના પાડે ચોખ્ખું કહે કે એ લોકો વેચી આવે... રાખે નહીં... હા એ કારમાં સાથે રાખે અને યોગ્ય લાગે એને આપે... અન્ન દાન પુષ્કળ કરે... એ ભણીગણીને પિતાજીની ઇન્ડસ્ટ્રીમાં જોડાયો ત્યારે સ્ટાફે ઉમળકાભેર સ્વાગત કર્યું... થોડા સમયમાં એ પોતે સ્ટાફની દરેક વ્યક્તિને ઓળખી ગયો... (બધા સાથે ઓળખાણ થઈ ગઈ એ બરાબર પણ હવે *ઓળખી ગયો*) એ બધાને સંતોષ શેઠ નો માયાળુ સ્વભાવ બહુ ગમ્યો... પાછો કામ બાબતે ચોક્કસ... એમાં કોઈ લાલીયાવાડી કરે એ ન ચલાવે પણ ગુસ્સો કોઈ દિવસ ન કરે... સતત માનવીય અભિગમ એના આ સ્વભાવને કારણે વેપારી આલમમાં પણ એ અત્યંત પ્રિય થઈ પડ્યો... કુનેહથી ધંધો કરે... ખોટું કરે નહીં , ખોટું સહન કરે નહીં.. સ્ટાફમાં કોઈએ કોઈ ચાલાકી / હોશિયારી / બેઇમાની કરી હોય તો સમજાવે અને સુધરી/સમજી જવાની તક-ચેતવણી આપે... દરેકના પરિવારની અને એની પરિસ્થિતિની ભાળ રાખે... અને જરૂર પડ્યે મદદ કરે.. શિશુપાલ એના આ કામ માટે ક્યારેય રોકે કે ટોકે નહીં... આમ કહી શકાય કે સંતોષ એટલે ઈશ્વર સ્વરૂપ... જરૂરિયાત વાળા બધાને ને મદદ કરી હોય, કોઈ વેપારી કે અન્ય ઉદ્યોગકાર તકલીફમાં હોય તો એને પણ મદદ કરી હોય... એનો કંપની હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર આવીને ઊભી રહી... એ દરમિયાન જ એક પછી એક પિતા શિશુપાલ અને માતા મમતા દેવી અવસાન પામ્યા
ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલતી હતી... આટલું બધું હોય પછી ભલે વ્યક્તિ દયાળુ, માયાળુ કે માનવીય અભિગમ વાળા હોય,અનેક હિતેચ્છુ હોય એ સાથે હિતશત્રુ -દુશ્મનો તો હોય જ... અને હતા જ... આટલો પરગજુ, દયાળુ, માયાળુ સ્વભાવ અને સૌનું કલ્યાણ ઇચ્છનાર અને દુખીયાનું દુઃખ કરનાર હોવા છતાં...એના ઈર્ષાળુ હિતશત્રુઓ અણદેખ્યા કાવાદાવા ને કારણે સંતોષ કરોડોના નુકસાનમાં આવી ગયો... સૌને આંચકો લાગ્યો કે આ શું થયું? એક જ વર્ષમાં કાં ટી ઇન્ડસ્ટ્રી બંધ થઇ જાય અથવા વેચી દેવી પડે... એવું થઈ ગયું... બજારમાં હવા ચાલી કે સંતોષ શેઠ ઉઠી જવા પર છે.... આ કરનાર એના ઈર્ષાળુ દુશ્મનો જ હતા.. કે જેમનો ધંધો સંતોષને કારણે ઓછો થઈ ગયો હતો.. .
મારે ઈશ્વર સાથે આ જ વાત હતી, મેં કહ્યું કે આખી જિંદગી રિવાઇન્ડ કરી, એ માણસે બધું સારૃં જ કર્યું છે.. તો આ તકલીફ કેમ? તમે શું ધ્યાન રાખ્યું... સૌનું કલ્યાણ કરનાર, ઇચ્છનારનું તમે બગડેલું સુધારી કેમ ન શકો... ઈશ્વર કહે ધીરો રહે હજી વાત પૂરી નથી થઈ... સંતોષ ઉઠી ગયો કે પાયમાલ નથી થઇ ગયો... મેં કહ્યું જોઈએ...
એક સવારે સંતોષને યુએસ થી એક શ્રેષ્ઠનો ફોન આવ્યો એમણે સંતોષને એટલું જ કહ્યું કે હું કાલે આપને મળવા આવું છું... સંતોષને થયું કે આ તો બહુ મોટો વ્યવસાયી છે... મારી ઇન્ડસ્ટ્રી ખરીદવા તો નહિ આવતો હોયને? મારૃં બધું સંકેલાઇ જશે... મહેનત પાણીમાં જશે.. સંતોષ સતત વિચારે કે આ પરિસ્થિતિનું કારણ શું? આટલું ધ્યાન રાખી કુશળતાથી કોઈનું ખરાબ કર્યા સિવાય હું કરૃં તોય?
એ વ્યક્તિ આવ્યા એમની ભરપૂર આગતા સ્વાગતા કરી... એ શ્રેષ્ઠીએ નામ આપ્યું * એસ. રાહુલ.. *સંતોષ કહે આપને કોણ ન ઓળખે... ઇન્ડસ્ટ્રીમાં સૌને ખબર કે -એસ . રાહુલ શેઠ, એમની કંપનીનું નામ પણ એ જ એસ. રાહુલ એસોસિએટ્સ* સૌને હતું કે આ શ્રેષ્ઠી ટેકઓવર કરી લેશે..સંતોષ શેઠને રાખશે પણ માલિક એ બની જશે , વાતચીત દરમિયાન સંતોષે કહ્યું કે જુઓ આપ આવ્યા મને ગમ્યું પણ હું બધા પ્રયત્નો કરૃં છું... મારૃં બધું ગોઠવાઈ જાય.. મારે આ ઇન્ડસ્ટ્રી કોઈને વેચવાની નથી... રાહુલ કહે એ થશે જ નહીં.. અને હું એ નહીં થવા દઉં... એ માટે જ હું આવ્યો છું... જુઓ તમને જેટલા કરોડનું નુકસાન થયું છે એ હું તમને આપું છું... મારી પાસે બધી વિગત છે... મારે કાંઈ નથી જોતું... આ ઇન્ડસ્ટ્રી તમારી જ છે અને રહેશે... તમારી આ પરિસ્થિતિ કરનાર કોણ એ મને ખબર છે એનો હિસાબ હું કરીને જઈશ... એ ચિંતા છોડો... સંતોષ કહે *પણ મને તમે આટલી બધી મદદ શું કામ કરો..* રાહુલે સ્મિત સાથે કહ્યું કે યાદ કરો એક ઝાડ નીચે એક બહેન ચા નાસ્તાની કીટલી ચાલવતા હતા અને એક માણસ સાથે બધાને ઓર્ડર મુજબ આપવાનું કામ કરતો હતો... તમે બધી વિગતો જાણી ,એ છોકરો એન્જિનિયર હતો... પણ સંજોગોએ આ હાલત કરી હતી, તમે એને મદદ કરી એના સપનાની નાની ફેક્ટરી નાખવાની.. એ માણસે શરૂ કર્યું.. એ જોતજોતામાં ક્યાંય પહોંચી ગયો... તમે તો મદદ કરી પાછળ વળી જોયું જ નહીં... એ માણસને પરદેશની કંપનીએ બોલાવ્યો અને ત્યાં ઇન્ડસ્ટ્રી સ્થાપી... આજે એ *એસ.રાહુલ ઇન્ડસ્ટ્રી*નો માલિક છે *એમ કહી ઊભો થયો અને સંતોષ ના ચરણ સ્પર્શ કર્યા... સંતોષ કહે વાહ... હું તો ભૂલી જ ગયેલો... રાહુલ કહે હું ના ભૂલું ને... ઈશ્વરે તમને મારી પાસે મોકલ્યા હતા ,એ જ ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો હશે... અને આ 'એસ. રાહુલ ઇન્ડસ્ટ્રી'માં એસ એટલે આપ *સંતોષ*--
મેં ઈશ્વરને વંદન કર્યા અને કહ્યું કે વાહ ઈશ્વર યોગ્ય ન્યાય ... ઈશ્વર કહે કે સૌનું ભલું કરનારને એ ખ્યાલ નથી રહેતો કે એના શત્રુ અને હિતેચ્છુ કોણ? એના માટે તો આપણે સારા તો સૌ સારા... પણ એ ખ્યાલ હું રાખું... સંતોષે જેમને મદદ કરી એ સૌને મદદ કરવાનું મન થાય પણ કરોડોની પહોંચ ન હોય.. પણ એમાં એક તો હોય... સંતોષને બધાની ઓળખ પણ થાય અને એને એના સારા કર્મોનું ફળ પણ મળે એ હું જોઉં... આ જન્મનું આ જન્મમાં જ મળે...
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial