Advertisement
Author: નોબત સમાચાર

સડક થી સંસદ સુધી ગેમ્બલિંગ...!!!

                                                                                                                                                                                                      

હાલાર સહિત રાજ્યમાં મેઘરાજાએ રાઉન્ડ લીધો અને વરસાદ લંબાતા પિયત કરવાનું શરૂ કર્યું હતું, તે ખેડૂતોને રાહત થઈ અને ફરીથી વરસાદ થતા જળાશયો ભરાયા અને કેટલાક સ્થળે પુરની સ્થિતિ પણ ઊભી થઈ. ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. કેટલાક સ્થળે મેઘરાજાની સાથે તોફાની પવન ફૂંકાતા વૃક્ષો અને થાંભલાઓ ધરાશાયી થયા તો કેટલાક સ્થળે વીજપુરવઠો ખોરવાયોઃ ઘણાં સ્થળે જલભરાવ થયો અને મુંબઈમાં તો મેઘમહેરના બદલે મેઘકહેર થતા જાન-માલનું વ્યાપક નુકસાન થયું.

અત્યારે સડકથી સંસદ સુધી ગેમ્બલિંગની ચર્ચા ચાલી રહી છે, અને સંસદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ અવનવા રાજકીય દાવ ખલાઈ રહ્યા છે.

સાતમ-આઠમના તહેવારો હોય, ત્યારે આપણા રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘરેલુ જુગારનું પ્રમાણ વધી જાય, અને ઘર-પરિવાર-મિત્રો છુટકીયો જુગાર રમે એ ઓપન સિક્રેટ છે. હવે બાવન પત્તાની જુગારની રમતો અને કાર્ડસ પણ બદલાયા છે અને ઘરેલુ તથા પરંપરાગત ઉપરાંત રોજીંદા જુગારના અઠંગ ખેલાડીઓ પર પણ ઈન્ટરનેટ યુગ તથા પ્રવર્તમાન ઓનલાઈન ગેમ્બલિંગની અસરો થવા લાગી હોય, તેમ કેટલાક લોકો હવે જુગારની નવતર અને હાઈટેક ગેમ્બલિંગ તરફ પણ વળવા લાગ્યા હોય, તેવો આભાસ ઊભો થયો હતો.

આપણા દેશમાં ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા રમાડાતા જુગારનું આકર્ષણ ઝડપભેર વધવા લાગ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં ગઈકાલે ઓનલાઈન ગેમિંગના પ્લેટફોર્મના નિયમન અને અંકુશ માટેના બિલને પણ મંજુરી આપી હોવાના અહેવાલોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.

જો કે, જુગારબંધીના કાયદાઓ અને ઓનલાઈન ગેમિંગને સ્પર્શતા કેટલાક નિયમ કાયદાઓ પહેલેથી અમલમાં છે, પરંતુ ઓનલાઈન ગેમિંગનું સ્વરૂપ ગેમ્બલિંગ અને સટ્ટાબાજી જેવું થવા લાગતા સરકારે કદાચ આ બિલ રજુ કર્યું હશે. એવું કહેવાય છે કે ઓનલાઈન સટ્ટાબેટીંગ સામે આ બિલમાં સખ્ત જોગવાઈઓ કરી છે.

આ મુદ્દો બે-અઢી મહિના પહેલા ચેન્નાઈ (મદ્રાસ) હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો અને જાહેર આરોગ્ય અને જનસુરક્ષા માટે અલાયદો કાનૂન બનાવવાની જરૂર જણાવાઈ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત પ્રોમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ-૨૦૨૫ના કારણે રૂ. ૨૦ હજાર કરોડથી ૨૫ હજાર કરોડના ટેક્સની આવક ગુમાવવી પડશે, તેવો અંદાજ પણ કાઢવામાં આવી રહ્યો છે. અટકળો મુજબ રિયલ મની ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાઈ શકે છે. એવું કહેવાય છે કે આ પ્લેટફોર્મ્સ દ્વારા સરકારને ટીડીએસ સાથે જીએસટીની પણ જંગી આવક મળી રહે છે, જે ગુમાવવી પડી શકે છે.

મીડિયાના માધ્યમથી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ચલાવતી કંપનીઓ પણ તર્કો આપવા લાગી છે. આ દલીલો મુજબ ભારત સરકાર ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને નિયમન વિધેયક-૨૦૨૫ રજૂ કરવા જઈ રહી છે, પરંતુ જો ઓનલાઈન ગેમિંગ સેકટર પર જ સંપૂર્ણ પ્રતિબંધ મુકશે તો સરકારને જંગી ટેક્સ તો ગુમાવવો જ પડશે, પરંતુ લાખો લોકોની રોજગારીસ ઝુંટવાઈ જશે અને સાયબર ક્રાઈમમાં પણ વધારો થશે. જો કે, કોઈપણ ઓનલાઈન ગેમિંગ કંપનીએ સત્તાવાર રીતે વિધિવત આ મુદ્દે કોઈ પ્રતિભાવ આ લખાય છે ત્યાં સુધીમાં આપ્યો હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી બંને તરફની દલીલો આપતા પ્રતિભાવો વ્યક્ત થઈ રહ્યા છે અને ટિપ્પણીઓ તથા કોમેન્ટો થઈ રહી છે. આ મુદ્દો આજે ટોક ઓફ ધ નેશન બન્યો છે.

ગઈકાલે કેબિનેટમાં પસાર કરાયેલું આ બિલ આજે જ સંસદમાં રજૂ થઈ જશે, તેવી સંભાવના જણાવાઈ રહી હતી. ગઈકાલે થઈ રહેલી અટકળો મુજબ આ બિલમાં ઓનલાઈન ગેમિંગ અને તેના સંદર્ભે થતી જાહેરાતો, પ્રચાર-પ્રસાર અને પેઈડ એડવર્ટાઈઝીંગ સહિતના પ્રતિબંધો લાગી શકે છે. આ બંને પ્રકારની પ્રવૃત્તિઓને ગંભીર ગૂન્હાની શ્રેણીમાં મુકવા ઉપરાંત ભારે દંડ અને જેલની સજાની જોગવાઈઓ આ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. સુત્રોને ટાંકીને એવા અહેવાલો પણ આવ્યા હતા કે આ બિલમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધો તથા જાહેરખબરો પર નિયંત્રણ નિયમન અને પ્રતિબંધોના કડક અમલ માટે જરૂરી મિકેનિઝમ તથા દેખરેખ સાથે ચોક્કસ તંત્રોની જવાબદારી માટે વિધિવત નિયમનતંત્ર બનાવવાની જોગવાઈ પણ કરાઈ છે.

આ ક્ષેત્રના જાણકારોમાં થતી ચર્ચા મુજબ ઓકટોબર-૨૦૨૩થી સરકારે ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિઓ પર ૨૮% જીએસટી લાદ્યો છે. આ ગેમિંગમાં જીતનાર લોકોએ પણ ૩૦% ટેક્સ વસુલવાનું વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષથી શરૂ થયું હતું.

આ પ્રસ્તાવ મુજબ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના તાબા હેઠળ એક રેગ્યુલેટરી ઓથોરિટી સ્થપાશે. ઈલેકટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ આ માટે મિકેનિઝમ ડિઝાઈન કરી શકે છે. આ બિલ મુજબ બિનઅધિકૃત રીતે ઓનલાઈન ગેમિંગ બેટિંગ સામે ભારે દંડ ઉપરાંત સાત વર્ષની સજાની જોગવાઈ થશે, જે નવી ભારતીય ન્યાય સંહિતા હેઠળ અમલી બનશે, જેનો અમલ રાજય સરકારોના તંત્રો પર આધારિત રહેશે.

આ બિલ અંગે કેટલાક પ્રત્યાઘાતો એવા પણ આવ્યા છે કે કેન્દ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ અંગેની જવાબદારીથી ભાગી રહી છે. નવા બિલની જોગવાઈઓની અમલની જવાબદારી રાજ્યો પર લાદવામાં આવી રહી છે, જે ખરેખર કેન્દ્ર સરકારની હોવી જોઈએ, વગેરે...

આપણાં દેશમાં કોઈપણ રમત ગમત સ્પર્ધામાં મળતી જીતની આવક પર ૩૦% આવકવેરો લાગુ પડે છે, જેમાં ઓનલાઈન ગેઈમના પ્લેટફોર્મ હેઠળ ઓફર કરવામાં આવતા બોનસ કે રેફરલ પ્રોત્સાહનોનો પણ સમાવેશ કરાયો છે. આ રીતે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધના કારણે સરકારને ઘણી જંગી આવક ગુમાવવી પડશે, તેવી ચર્ચાઓ વચ્ચે આ બિલ અંગે સંસદ સંકુલમાં જે પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ચર્ચા થઈ રહી છે, તે પણ આપણી સામે જ છે ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh