Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં કાર્યક્રમો/અભિયાનોનો ધમધમાટ... ઉપરાઉપરી ઉજવણીના આદેશોનો મારો...

આ કાર્યક્રમોમાં સૌથી વધુ કામગીરીનું ભારણ શિક્ષકો ઉપર! શું કરવું અને શું ન કરવું જેવી ગડમથલ!:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ગુજરાતમાં અત્યારે સરકારના વિવિધ કાર્યક્રમો/અભિયાનોની સતત જાહેરાતો અને તેના ચૂસ્ત અમલ માટેના ફતવાઓનો એકધારો 'મારો' ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ છે અને આ સંજોગોમાં સૌથી કફોડી હાલત રાજ્યના શિક્ષકોની થઈ રહી છે.

સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે નબળા દસ રાજ્યોમાં આપણા ગુજરાતનું પણ 'નામ' છે. ધોરણ-૩ થી ધોરણ-૮ સુધીના બાળકોને વાચતા-લખતા કે ગણતા આવડતું નથી તેવા અહેવાલો પછી રાજ્યના અંદાજે ૪૦ લાખ બાળકોના વાચન-લેખન-ગણનમાં સુધારણા માટે રાજ્ય સરકારે તા. ૬-૧૧-ર૦રપ થી તા. ૧૪-૧૧-ર૦રપ સુધી સુધારણા કાર્યક્રમ કરવાનો આદેશ જારી કર્યો છે, જેમાં સૌથી વિશેષ કામનું ભારણ વર્ગ શિક્ષક ઉપર દર્શાવાયું છે. તેમની કામગીરીની સમીક્ષા નિરીક્ષકો કરવા આવશે, તેનો રિપોર્ટ ઉચ્ચ સ્તરે સુપરત થશે. અર્થાત્ ધો. ૩ થી ધો. ૮ ના બાળકોના શિક્ષણ સુધારણા માટે સમગ્ર રાજ્યમાં અતિ મહત્ત્વની કામગીરી કરવામાં આવી રહી છે.

તેમાં હવે 'વંદે માતરમ્' ગીતનું સમૂહ ગાન ગાવું, સ્વદેશીના શપથ લેવાનો કાર્યક્રમ તો કરવાનો, પણ સાથે સાથે શાળાઓમાં તા. ૭-૧૧-ર૦રપ થી તા. ૨૬-૧૧-ર૦રપ સુધી વંદે માતરમ્ના થીમ ઉપર વકતૃત્વ સ્પર્ધા, સેમિનાર સહિતના કાર્યક્રમો યોજવાના... અને તે કામગીરીની જવાબદારી પણ શાળાના શિક્ષકો ઉપર જ... અને તે પણ શિક્ષણ સુધારણાના કાર્યક્રમ સાથે વધારાનું ભારણ!

આ બન્ને કાર્યક્રમોની જાહેરાતો થઈ. ચૂસ્ત અમલ કરવાના આદેશો થયા, જે કાંઈ કામગીરી કે કાર્યક્રમ કર્યા તેના ફોટોગ્રાફ્સ, પ્રેસનોટની વિગતો ઉપલા અધિકારીને મોકલવાના પણ આદેશ રાબેતામુજબ થયા... પણ તે અગાઉ ચૂંટણી પંચ દ્વારા 'એસઆઈઆર'ના કામની જાહેરાત કરી જ દીધી હતી. આ કામગીરીમાં બીએલઓ તરીકેની ફરજ શિક્ષકોએ પણ બજાવવાની છે. મતદારોની ખરાઈ કરવાના ખૂબ જ મહત્ત્વના કામમાં ઘરે-ઘરે ફરીને ફરજ બજાવવાની અને નિયત સમયમાં રિપોર્ટ તૈયાર કરવાનો, કામગીરી પૂર્ણ કરવાના આદેશ થયા છે.આમ સમગ્ર રીતે અત્યારે ગુજરાતમાં સૌથી વધુ કામનું ભારણ શિક્ષકો ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કમ-સે-કમ કાર્યક્રમો/અભિયાનોના સમયપત્રક નક્કી કરવામાં પ્રમાણભાન જાળવવાની જરૂર છે. આ પ્રકારના એક સાથે અને ઉપરાઉપરી કામગીરીના મારાના કારણે કામ તો થશે, શિક્ષકો કામ તો કરશે, પણ તેમાં ઉતાવળના કારણે કે અન્ય બેદરકારીના કારણે મહત્ત્વની કામગીરીમાં ધાર્યા પરિણામ ન પણ મળે તેવી સ્થિતિ છે! બીજા શબ્દોમાં આ પ્રકારના કામોના ભારણ હેઠળ શિક્ષકો નિરૂત્સાહ થઈને કામ કરે તેવી પણ શક્યતા છે.

બીએલઓ તરીકેની કામગીરીને જ ટોચની પ્રાથમિક્તા આપી રાજ્ય સરકારે હાલ અન્ય કાર્યક્રમોનો અમલ થોડા સમય પછી કરવાની જરૂર છે. એટલું જ નહીં, કોઈપણ ખાસ દિવસની ઉજવણી જે તે દિવસ પૂરતી જ મર્યાદિત રાખવાની જરૂર છે, પણ... હમણાં હમણાં... કોઈ ખાસ દિવસની ઉજવણી અઠવાડિયા/પખવાડિયા સુધી કરવાના કાર્યક્રમો જાહેર થઈ રહ્યા છે.

એની હાઉ... રાજ્ય સરકારે શિક્ષકો પરના કામનું ભારણ વધારવા માટે તાકીદે યોગ્ય નિર્ણય કરવાની જરૂર છે. અત્યારે તો એવી હાલત છે કે 'બાવાના બે'ય બગડ્યા!'

લાસ્ટ બોલઃ બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી ભલે રાજ્યના કેટલાક ચોક્કસ જિલ્લા વિસ્તારોમાં જ થવાની છે, પણ તે કાર્યક્રમો પણ પંદર દિવસથી લઈ આખું વર્ષ ઉજવણીની જાહેરાત થઈ છે.

'હું નવરો બેસીશ નહીં... અને કોઈને નવરા બેસવા નહીં દઉં'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh