Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માને તારી સાથે એ ખોટો,
દેખાવડો-પુસ્તકોમાં જોવા મળતો પ્રેમ નથી જોઈતો
જ્યાં પ્રેમ ફક્ત મીઠાશથી ભરેલો હોય
અને પરફેક્ટ દેખાવવાની ઝંખનામાં ખરો ભાવ ન હોય
મને તો તારી સાથે એવો પ્રેમ જોઈએ
જે જીવન જેવો હોય,
ક્યારેક શાંત, ક્યારેક ઉગ્ર પણ હંમેશાં સચોટ...
મારે તારા દરેક રંગને હૃદયથી સ્વીકારવો છે
તારો નિર્દોષ પ્રેમ પણ, અને અડગ જિદ્દ પણ
તારી મીઠી મસ્તી પણ, અને તારો અહંકાર પણ
કારણ કે મને ફક્ત તારો સરસ સ્વભાવ નહીં,
મને તું સમગ્રતામાં જોઈએ
મને એવો સંબંધ નથી જોઈતો,
જ્યાં તું હંમેશાં મારી વાતમાં સહમત રહે,
મારે તો એવો પ્રેમ જોઈએ
જ્યાં આપણા વિચાર અલગ હોય, તર્ક અલગ હોય
છતાં એકબીજાની સાથે હોઈએ
કારણ સાચો પ્રેમ એ નથી, જેમાં મતભેદ ન હોય,
સાચો પ્રેમ એ છે, જે મતભેદ વચ્ચે પણ અડગ હોય
હું ઈચ્છું છું કે તું મારી જિદને ધીરજથી સહન કરે,
મારા ભાવને સમજે, મારા મૌનને સાંભળે...
હું વચન આપું છું કે,
તારી અકળામણને પ્રેમથી આવકારીશ,
તારા અહંકારને પણ હૃદયમાં સ્થાન આપીશ,
તારા ગુસ્સામાં પણ તને વધુ ચાહીશ...
મને તારા પર રોષ વ્યક્ત કરવાનો અધિકાર જોઈએ,
તારી બાહોમાં શાંતિ શોધવાનો અધિકાર પણ જોઈએ
હું ઈચ્છું કે, જ્યારે હું તૂટી જાઉં
ત્યારે તું મને નજીક ખેંચી ને કહે,
'હું છું સાથે... તું એકલી નથી...'
મારૂ હૃદય તને અર્પિત છે,
મારો શ્વાસ તારા નામે વહે છે,
મારી આત્મા તારા પ્રેમમાં રંગાઈ ગઈ છે...
મને કોઈ નથી જોઈતું સંબંધનું...
મને મંજુરી નથી જોઈતી દુનિયાની...
મને તો એટલું જ જોઈએ,
કે હું તારી આત્માનો એવો અંશ બનું
જે ક્યારેય અલગ ન થાય, ક્યારેય ન તુટે...
જેમ રાધા દુનિયાની નજરે કૃષ્ણની બની ન શકી,
પણ આત્માથી સંપૂર્ણ તેમની હતી
દુનિયાએ પ્રેમિકા પણ ન કહી, તેને પત્ની ન કહી,
પણ કૃષ્ણના હૃદયમાં, સૌથી પવિત્ર સ્થાન રાધાનું...
અને રાધાના શ્વાસમાં ફક્ત કૃષ્ણ...
એ પ્રેમ આત્માનો સંગમ...
મને તારી પાસેથી એવો જ પ્રેમ જોઈએ
જે મેળવવાની ઈચ્છાથી નહીં, સમર્પણથી જન્મે
જે હૃદયથી નહીં, વિશ્વાસથી જીવે
મને એવો પ્રેમ જોઈએ,
જે સમયથી ન થાકે, મુશ્કેલીથી ન ડરે
મારૂ અસ્તિત્વ તારા પ્રેમમાં લીન છે,
મારી દરેક ધડકન તારા નામે ધબકે છે
હું તારી બનીને જીવવા માગુ છું
ન કોઈ ઓળખ માટે, ન નામ માટે,
ફક્ત આત્માથી આત્મા સુધી જોડાવા માટે,
મારો પ્રેમ એવો છે... શુદ્ધ નિઃસ્વાર્થ...
અંતહીન અને જીવનથી પણ વિશાળ...
આજના સમયમાં પ્રેમ ઘણી વખત ચમકદાર શબ્દોમાં બંધાઈ ગયો છે, સોશિયલ મીડિયા પરના સ્મિત, પુસ્તકોમાં લખાયેલા મીઠા સંવાદ અને ફિલ્મોમાં દેખાડતી પરફેક્ટ કહાણીઓ. આ બધું પ્રેમને એક આદર્શ સ્વરૂપ આપે છે, પરંતુ સાચો પ્રેમ ક્યારેય પરફેક્ટ નથી હોતો, તે જીવન જેવો હોય છે, અધુરો, ઉત્તમ-ચઢાવથી ભરેલો... ક્યારેક શાંત તો ક્યારે ઉગ્ર... સાચો પ્રેમ એ નથી કે જ્યાં બે લોકો હંમેશાં એસરખું વિચારે, જ્યાં કોઈ મતભેદ ન હોય, કોઈ તર્ક ન હોય, કોઈ રોષ ન હોય... એ સંબંધ જીવંત રહી શકે નહીં, કારણ કે જ્યાં બે આત્માઓ મળે છે, ત્યાં વિચારોના રંગ તો અલગ અલગ હોય શકે, પણ પ્રેમ એ છે કે આ ભિન્નતામાં પણ એકબીજાને છોડવાની કલ્પના પણ ન થાય...
પ્રેમ એ સ્વીકાર છે... સંપૂર્ણ સ્વીકાર... માત્ર કોઈના સારા સ્વભાવનો નહીં, પણ તેની અડગ જિદ્દનો પણ... માત્ર તેની મીઠી મસ્તીનો નહીં, પણ તેના અહંકારનો પણ સ્વીકાર... માત્ર તેના પ્રેમનો નહીં, પણ તેના ગુસ્સાનો પણ સ્વીકાર... તેની ખુશી, તેના દુઃખ, તેની હતાશા, તેની નારાજગી બધાનો સ્વીકાર એ પ્રેમ... પ્રેમ એ મધમીઠી ગોળી નથી... એ ક્યારેક કડવી તો ક્યારેક ખારી ક્યારેક તીખી તો ક્યારેક તૂરી ગોળી પણ છે... પણ જે હોય તે... પ્રેમ થયો એટલે બધું સ્વીકાર્ય...
જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે તેના દરેક રંગને હૃદયથી સ્વીકારીએ છીએ, કારણ કે પ્રેમ પસંદગીથી નહીં, પણ સમર્પણથી જીવાય છે. સાચો સંબંધ એ નથી જ્યાં 'હું સાચી' કે 'તું ખોટી'નો પ્રશ્ન ઊભો થાય છે. સાચો સંબંધ એ છે જ્યાં 'આપણે' જીતે છે, ભલે તર્ક કોણ જીતે તે મહત્ત્વનું ન રહે.
જ્યારે જીવનની મુશ્કેલીઓ ઘેરતી હોય, જ્યારે મન તૂટી જતું હોય, ત્યારે પ્રેમીજનનો એક સ્પર્શ, એક વાક્ય... 'હું અહીં છું' જીવનમાં ફરીથી શ્વાસ ભરી દે છે. પ્રેમ એ જ છે જે તૂટેલા મનને સંભાળી શકે, જે મૌનને વાચી શકે, જે રોષમાં પણ સ્નેહ શોધી શકે. પ્રેમમાં અધિકાર હોય છે. રોષ વ્યક્ત કરવાનો પણ, અને ગુસ્સો કરવાનો પણ... મરજી હોય ત્યારે હા સ્વીકારે તો મરજી ન હોય ત્યારે ના કહેવાનો પણ અધિકાર હોય છે, અને પછી બીજી ક્ષણે તેની જ બાહોંમાં શાંતિ શોધવાનો પણ હક્ક છે... આ વિરોધાભાસ જ પ્રેમને જીવંત રાખે છે, જેના પર ગુસ્સો હોય તેની સાથે જઘડ્યા પછી તેના જ ખભે માથું મૂકીને કે તેના જ ગળે વળગીને રડવાનો હક્ક પ્રેમ જ આપે છે.
કેટલાક યુગલ સમાજના નામથી બંધાતા નથી. તેઓ કોઈ સંબંધના ટેગ વગર પણ પૂર્ણ હોય છે, જેમ રાધા અને કૃષ્ણનો પ્રેમ... જેને દુનિયાએ ક્યારેય પરંપરાગત સ્વીકૃતિ ન આપી, પરંતુ આત્માની સ્તરે તે સૌથી પવિત્ર બંધન બન્યો. તે પ્રેમ કાગળ પર લખાયેલો નહોતો, પરંતુ હૃદયમાં અંકિત હતો. તે પ્રેમ હક્કથી નહીં, પરંતુ વિશ્વાસથી જીવતો હતો. આવો પ્રેમ મેળવવાની ઈચ્છાથી નહીં, પણ સમર્પણથી જન્મે છે. તેમાં અપેક્ષા ઓછી અને સમર્પણ વધુ હોય છે. જેમાં 'તું મારો છે' કરતા 'હું તારી છું'નો ભાવ વધુ ગાઢ હોય છે. સાચો પ્રેમ સમયથી થાકતો નથી. મુશ્કેલીથી ડરતો નથી. કારણ કે તે આત્માથી જોડાયેલ હોય છે.
જ્યારે કોઈ પ્રેમ આટલો ઊંડો બને કે શ્વાસ પણ તેના નામે વહે... જ્યારે પ્રાર્થના પણ તેના સ્મરણથી શરૂ થાય ત્યારે તે સંબંધ દુનિયાની મંજુરી પર નિર્ભર રહેતો નથી. તે પોતાની અંદર પૂર્ણ બની જાય છે.
કેટલાક પ્રેમ લગ્નથી પૂર્ણ થતા નથી, કેટલાક પ્રેમ નામ વગર પણ અમર રહે છે, એ પ્રેમ... જે બે હૃદયને નહીં, બે આત્માને જોડે, એ પ્રેમ જે મતભેદ વચ્ચે પણ અડગ રહે. એ પ્રેમ જે રોષમાં વધુ ગાઢ બને... એ જ પ્રેમ સાચો... શુદ્ધ... નિઃસ્વાર્થ... અંતહીન... અને કદાચ જીવનથી પણ વિશાળ...
હેપી વેલેન્ટાઈન ડે...
દિપા સોની, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial