Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભા બજેટસત્રનો વિપક્ષના વિરોધ સાથે પ્રારંભઃ ગૃહમાં સુત્રોચ્ચાર

રાજ્ય૫ાલ આચાર્ય દેવવ્રતે ૨૧ મિનિટના અભિભાષણ દરમિયાન રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવીઃ ખેડૂતોની દેવા માફીના નારા લાગ્યા

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૬: આજથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થયું છે. પ્રારંભમાં રાજ્યપાલના ૨૧ મિનિટના ભાષણ દરમિયાન વિપક્ષોએ નારેબાજી કરી હતી. અને ખેડૂતોના દેવા માફ કરવા, ટ્રેડ ડીલ હટાવી કિસાનોને બચાવવાનો સુત્રોચ્ચાર પણ વિધાનસભામાં થયો હોવાના અહેવાલો છે.

ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. ૧૫મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા 'ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો'ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં. તો સત્રની શરૂઆત પહેલાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આશરે ૨૧ મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચનમાં રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ 'ખેડૂતોનું દેવું માફ કરો'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો. વિધાનસભાનું સત્ર હવે આગામી કાર્યસૂચિ મુજબ આગળ વધશે.

બીજી તરફ ગાંધીનગરમાં વિધાનસભા સત્રના પ્રારંભ પૂર્વે પ્રથમ જ દિવસે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સત્ર દરમિયાન પાર્ટીની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં સરકારના કાર્યકાળ અને આવનારી કામગીરી અંગે ધારાસભ્યોને ઓપચારિક સૂચનાઓ આપવામાં આવશે. તેમજ વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસોને કેવી રીતે તર્કસંગત જવાબ આપવો અને તેમની રણનીતિને નિષ્ફળ બનાવવી તેની પણ ચર્ચા થવાની છે. ખાસ કરીને ઉપાધ્યક્ષની વોટિંગ જેવી મહત્વની પ્રક્રિયામાં પક્ષના તમામ ધારાસભ્યો અનિવાર્ય રીતે હાજર રહે તે અંગે સૂચના આપવામાં આવશે, જેથી સત્ર દરમિયાન સંગઠિત અને સંયમિત રીતે પક્ષની ભૂમિકા મજબૂત રીતે રજૂ કરી શકાય.

અમારા અમદાવાદ- ગાંધીનગરના પ્રતિનિધિ જિતેન્દ્ર ભટ્ટનો અહેવાલ જણાવે છે કે ૧૮૨ની કોરમ પહેલીવાર પૂરી થશે. કોંગ્રેસ પક્ષ વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં આવશ્કયતા દેખાડે તેવું જણાય છે. બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર જેવા વિવિધ વિષયથી સરકારને ઘેરવા પ્રયત્ન કરશે.

ઉપાધ્યક્ષ તરીકે આપતો વિપક્ષનું પદ હોય છે. પણ ભૂતકાળમાં દાઝેલી ભાજપ સરકાર ઉપાધ્યક્ષ પદ વિપક્ષને આપવા તૈયાર નથી.

આવતીકાલે અમાસ અને અમીતભાઈ ગુજરાતમાં હોવાથી બજેટ ૧૮મી બુધવારે રજૂ થશે. તેવી ચર્ચા પણ વિધાનસભા સંકુલમાં થઈ રહી છે.

અંદાજપત્ર સત્રમાં ૨૬ બેઠકો યોજાશે. આ વખતે સમાન નાગરિક સંહિતા જેવા મહત્ત્વના બીલો રજૂ થશે.

વિધાનસભાના પ્રવેશ દ્વારને વિશેષ અને આકર્ષક રીતે શણગારાયું છે.

વિધાનસભામાં હોબાળા વચ્ચે પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની ચૂંટણી થઈ છે. ભાજપ તરફથી જીતુ વાઘાણીને પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મુકયો હતો. જેને ધ્વનિયતથી પાસ કરાયો હોવાનું જાણવા મળે છે. આમ, ચૂંટણી પ્રક્રિયા પછી બહુમતીથી ચૂંટાયેલા ઉપાધ્યક્ષને સન્માનપૂર્વક તેના નિયત સ્થાને દોરી જવાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh