Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસ કરને મેં રૂસવા કિયા વિરાસત કો, નઇ દિવારોં મેં ચુનવા દિયા વિરાસત કો
જામનગરના ભુજીયા કોઠાનું ગત સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-લોકાપર્ણ કર્યા પછી ગત ૧૯ માર્ચના તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ૨૫ કરોડ જેટલા ખર્ચ અને ૪ વર્ષથી વધુ ચાલેલા રેસ્ટોરેશન પછી તૈયાર થયેલ ભુજીયા કોઠાના રેસ્ટોરેશનમાં પુરાતત્ત્વ વિભાગના નિયમોનો ભંગ થયો હોવાનું ચિત્ર ઉપસતા તથા આ અંગે તજજ્ઞ દ્વારા પુરાતત્ત્વ વિભાગ સહિત સંબંધિત તંત્રને તથા વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવતા ખળભળાટ થયો છે અને સમગ્ર પ્રોજેક્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉભો થયો છે. જે પછી આ અંગે નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટી (એન.એમ.એ.) નવી દિલ્હી દ્વારા સક્ષમ અધિકારી વડે તપાસ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહૃાું છે.
તાજેતરમાં લોકો માટે ખુલ્લા મૂકાયેલ ઐતિહાસિક ઇમારત રક્ષિત સ્મારક ભુજીયા કોઠામાં કથિત રીતે પુરાતત્ત્વ વિભાગના નિયમોનો ભંગ થયો હોવાની વાત પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાચીન શિલ્પોની અવદશા સહિતના મુદ્દે જામનગરના વતની તથા વડોદરામાં સ્થાયી થયેલ ખ્યાતનામ પ્રોફેશ્નલ આર્ટીસ્ટ તથા શિલ્પકાર હિમાંશુ જોશી દ્વારા પુરાતત્ત્વ વિભાગ તથા વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.) સહિત ઉચ્ચસ્તરે રજૂઆતો કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હિમાંશુ જોશી નગરના સાહિત્યકાર-ઇતિહાસકાર હરકિસન જોશીના પુત્ર છે તથા તેમણે ભૂકંપ પછી પરવાનગી મેળવી ભુજીયા કોઠાની અંદર પ્રવેશી ઐતિહાસિક ઇમારત તથા સંલગ્ન પ્રાચીન શિલ્પો અને અન્ય અવશેષોની તસ્વીરો લીધી હતી. તેઓ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે એ અંગેની મુખ્ય બાબતો અહી પ્રસ્તુત છે.
શિલ્પોની અવદશા અને ઉપેક્ષા
ભુજીયા કોઠામાં સીડીઓ ચડ્યા પછી વર્તુળાકાર ગેલેરી આવે છે જેમાં ફરતે પ્રાચીન શિલ્પો આવેલા છે. આ શિલ્પોને જેમના તેમ છોડી દેવામાં આવ્યા છે તો શું આ શિલ્પો રક્ષિત સ્મારક નો ભાગ નથી? આ શિલ્પોને જર્જરીત જ છોડી દેવાથી પત્થરમાં ભેજ ઉતરવાની અને લાંબા ગાળે અમૂલ્ય વારસાને નુકસાન પહોંચવાની સંભાવના છે.
આ ઉપરાંત અમુક શિલ્પોને આંશિક રીતે દીવાલમાં ચણી લેવામાં આવ્યા છે! (ીહષ્ઠટ્ઠૅજેઙ્મટ્ઠંર્ૈહ). રક્ષિત સ્મારકમાં આ રીતે પ્રાચીન શિલ્પોને દીવાલમાં ચણી દેવા એ તો સ્પષ્ટરૂપે ઉડીને આંખે વળગે એવી ગંભીર ક્ષતિ કહી શકાય. આ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતોની વિરૂદ્ધ છે.
નકલી બ્રિક પેટર્ન દ્વારા અસલી સ્થાપત્યનું આવરણ
ભુજીયો કોઠો તેનાં વિશિષ્ટ પત્થર અને અને ખરબચડા ટેક્ચર માટે જાણીતો હતો જે ૪૦૦ વર્ષનો ઈતિહાસનાં પ્રતીક સમાન હતો. રેસ્ટોરેશનમાં ઇમારતનાં અસલી પથ્થરોને છુપાવી તેનાં પર આધુનિક 'બ્રિક સ્ટાઇલ પેટર્ન' (નકલી ઈંટો જેવી ભાત) લગાવી દેવામાં આવી છે. કાયદાકીય રીતે સંરક્ષિત સ્મારકની મૂળ બાહૃા સપાટીમાં ફેરફાર કરવો એ ગેરકાયદેસર છે. આ ફેરફાર સ્મારકને ઐતિહાસિક ઇમારત મટાડીને એક આધુનિક 'થીમ પાર્ક' જેવો દેખાવ આપે છે.
ઇતિહાસ સાથે છેડછાડઃ આધુનિક 'ચાઇનીઝ શૈલી' ના સિંહનું ચિત્રણ
ભુજીયા કોઠામાં અંદર એક જગ્યાએ પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું છે. તે જામનગરની કે ભારતની કલાશૈલી સાથે સંબંધ ધરાવતું નથી. આ એક આધુનિક ડિજીટલ ગ્રાફિક છે જે પૂર્વ એશિયન (ચાઈનીઝ) કલાથી પ્રભાવિત છે. પ્રાચીન ભારતીય 'વ્યાલ' કે 'ગજ-સિંહ' શૈલીને બદલે આવી આધુનિક અને વિદેશી શૈલીનાં ચિત્રો દોરવા એ ઇતિહાસનું ખોટું નિરૂપણ (ફેબ્રીકેશન ઓફ હીસ્ટ્રી) છે.
નવા બ્રિજનો પ્રસ્તાવઃ કાયદાકીય ઉલ્લંઘનનો ખતરો
સ્થાનિક સત્તાધીશો દ્વારા ભુજીયા કોઠા અને લાખોટા કોઠા વચ્ચે નવો બ્રીજ બનાવવાની યોજના છે તે કાયદાકીય રીતે અશક્ય જણાય છે. પુરાતત્ત્વીય નિયમો મુજબ રક્ષિત સ્મારકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ બાંધકામ કરી શકાતું નથી. આવા બાંધકામથી પ્રાચીન પાયાને નુકસાન થઇ શકે છે અને સ્મારકનો મૂળ દેખાવ કાયમી ધોરણે બગડી શકે છે.
પુરાતત્ત્વીય નિયમો મુજબ રેસ્ટોરેશન નો અર્થ 'જેવું હતુ તેવું જાળવવું' થાય છે,નહી કે તેને નવું બનાવવું. જામનગરના ભુજીયા કોઠામાં સૌંદર્યનાં નામે ઇતિહાસનાં મૂળ પુરાવાઓ અને શિલ્પોની અવગણના કરવામાં આવી છે. આ મામલે યોગ્ય ઉચ્ચ સ્તરીય તપાસ કરી અને કલા ઇતિહાસકારોની સલાહ લેવી અનિવાર્ય છે જેથી આપણા વારસાને કાયમી નુકસાન થતું અટકાવી શકાય.
આમ સમગ્ર ઘટનાક્રમ પછી આ મુદ્દે નવી દિલ્હીની નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરીટીના ડાયરેક્ટર કર્નલ સવ્યસાચી મારવાહા દ્વારા આ મામલામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહૃાો છે અને પુરાતત્ત્વ વિભાગનાં નિયમોનાં ભંગનાં આરોપોની સક્ષમ અધિકારી વડે તપાસ કરાવવા કવાયત હાથ ધરવામાં આવી હોવાનો પ્રત્યુત્તર ઈમેઈલ દ્વારા રજૂઆતકર્તાને પાઠવવામાં આવ્યો છે એવી જાણકારી 'નોબત' સાથેના સંવાદમાં રજૂઆતકર્તા દ્વારા આપવામાં આવી છે. ઘટનાઓમાં સક્ષમ અધિકારી તરીકે મહદ્અંશે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી કે સેવાનિવૃત્ત સનદી અધિકારીઓની નિમણૂક થતી હોય છે. આમ આ પ્રકરણમાં પુરાતત્ત્વ વિભાગથી લઇને વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆતો થતા દિલ્હીથી તપાસનો ધમધમાટ ચાલુ થાય એવી સંભાવનાઓ જોવાઇ રહી છે.
કોઈ નિયમભંગ થયો નથી-કોઈ તપાસની સૂચના નથીઃ સિટી એન્જીનિયર
જામનગરમાં ભુજીયા કોઠાના રેસ્ટોરેશનમાં પુરાતત્ત્વ વિભાગના નિયમોના કથિત ભંગ અંગે પુરાતત્ત્વ વિભાગ સહિત ઉચ્ચ સ્તરે રજૂઆતો થતા સમગ્ર પ્રકરણ અંગે મહાનગરપાલિકાનાં સિટી એન્જીનિયર ભાવેશભાઇ જાનીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે 'ભુજીયા કોઠાનાં રેસ્ટોરેશનમાં કોઈપણ પ્રકારનો નિયમભંગ થયો નથી અને નિયમાનુસાર તમામ કાર્ય થયું છે. ઉપરાંત મહાનગરપાલિકાને હજુ સુધી પુરાતત્ત્વ વિભાગ, રાજ્ય સરકાર કે અન્ય કોઈ ઓથોરીટી તરફથી આ બાબત કોઇ સૂચના મળી નથી' આમ આ પ્રકરણમાં તંત્ર દ્વારા નિયમભંગનાં આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.
ઐતિહાસિક ઇમારતના નિર્માણ કાર્યની સાલ સહિતની વિગતોમાં ભૂલ
ઉલ્લેખનીય છે કે હરકિસન જોશી આલેખિત અને અધિકૃત માનવામાં આવતા નગરનાં ઇતિહાસ પુસ્તક 'નગર, નવાનગર, જામનગર' માં ભુજીયા કોઠાનું નિર્માણ સંવત ૧૮૮૨ થી સંવત ૧૮૯૫ દરમ્યાન એટલેકે ઈ.સ.૧૮૨૬ થી ૧૮૩૯ દરમ્યાન થયુ હોવાનો ઉલ્લેખ છે. પરંતુ તંત્ર દ્વારા લોકાપર્ણ અવસરે જાહેર થયેલ પ્રેસનોટમાં ભુજીયા કોઠાનું નિર્માણ ઇ.સ.૧૮૩૯ થી ૧૮૫૨ દરમ્યાન થયુ હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતું. હાલ ભુજીયા કોઠામાં પ્રવેશતા ગ્રાઉન્ડ ફ્લોર પર જે જૂના મૂળ શિલાલેખની તસ્વીર સાથેની માહિતી મૂકવામાં આવી છે તેમાં નિર્માણ કાર્યની સાચી માહિતી ઈ. સ. ૧૮૩૯ માં ભુજીયો કોઠો નિર્માણ થયો હોવાનો ઉલ્લેખ છે જ્યારે ભુજીયા કોઠામાં ઉપરનાં ભાગે ગોઠવેલા રેસ્ટોરેશન પ્રોજેક્ટ અંગે માહિતી આપતા બેનરોમાં ઈ.સ.૧૮૫૨ માં નિર્માણ થયુ હોવાની ખોટી માહિતી છે.ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર તંત્ર એ મૂકેલ તક્તી જેવી માહિતી દર્શક પ્લેટમાં ભુજીયા કોઠાને બે માળની ઈમારત દર્શાવતી માહિતી પણ ભૂલ ભરેલી છે કેમકે હકીકતમાં ભુજીયો કોઠો એ પાંચ માળની ઇમારત છે. આમ તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારત નાં નિર્માણ કાર્યથી લઇને ઇમારત કેટલા માળની છે એ બાબતે પણ ખોટી માહિતી પ્રસારિત થઇ રહી છે. એ પણ બેદરકારી કહી શકાય..
અમુક પ્રાચીન શિલ્પો અને અવશેષો જોવા મળતા નથી એ ક્યાં છે
હિમાંશુ જોશી દ્વારા ભૂકંપ પછી ભુજીયા કોઠાની જે તસ્વીરો લેવામાં આવી હતી તેમાં અમુક પ્રાચીન શિલ્પો અને તેના અવશેષોની પણ તસ્વીરો છે જે કલાકૃતિઓ હાલ ભુજીયા કોઠામાં જોવા મળી રહી નથી તો આ એન્ટીક વસ્તુઓ હાલ ક્યાં છે? એ અંગે પણ તંત્રએ સત્તાવાર માહિતી જાહેર કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial