Advertisement
Author: નોબત સમાચાર

રાવલ નગરપાલિકાએ ગામની વચ્ચે આવેલી એક માત્ર જાહેર મૂતરડી પણ બંધ કરી દેતા લોકો પરેશાનઃ આક્રોશ

બાજુની જોખમી દીવાલનો હિસ્સો તોડી પાડવાના બદલે

                                                                                                                                                                                                      

રાવલ તા. ર૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની એક માત્ર રાવલ નગરપાલિકા છે અને તેમાં જાહેર શૌચાલયોનો અભાવ પહેલેથી જ રહ્યો છે. નગરના બસ સ્ટેન્ડ નજીક બે પુરુષો માટેની જાહેર મૂતરડીઓ છે, પરંતુ સેંકડો દુકાનો તથા હજારોની વસ્તી તથા રહેણાંકો ધરાવતા નગરની મુખ્ય બજાર સહિતના લોકો તથા આજુબાજુના ગામોમાંથી હટાણું કરવા રાવલ આવતા અન્ય લોકો વચ્ચે દરબારગઢમાં એક માત્ર જાહેર મૂતરડી છે.

આ મહત્ત્વપૂર્ણ અને એકલી-અટુલી મૂતરડી પણ લગભગ બે મહિનાથી મૂતરડીના પ્રવેશ દ્વારે જ ઝાડી-ઝાંખરા નાંખીને બંધ કરી દેવાતા સ્થાનિક રહીશો સહિતના સંખ્યાબંધ લોકો, વેપારીઓ, નોકરિયાત વર્ગ, શ્રમિક વર્ગ તથા ગામની મુલાકાતે આવતા લોકોને અત્યંત હાલાકી ભોગવવી પડી રહી છે, અને ખાસ કરીને બહારગામથી આવતા લોકો, નોકરિયાત વર્ગો અને પોતાનું ગામમાં ઘર ન હોય તેવા ગામના શ્રમિકો-ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

આ અંગે તપાસ કરતા જાણવા મળે છે કે, આ મૂતરડીની બાજુમાં આવેલી દીવાલમાં પીપળો ઉગી નીકળ્યો છે, અને હાલમાં આ પડતર દીવાલ જર્જરિત પણ થઈ ગઈ છે, તેથી તે જોખમી હોવાથી મૂતરડી બંધ કરી દેવામાં   આવી છે.

જર્જરિત દીવાલ પાડીને પછી પીપળો ઉગી નીકળતા જેટલો હિસ્સો જોખમી બની ગયો છે, તેટલો હિસ્સો પાડી દેવાના બદલે મૂતરડી જ બંધ કરી દઈને સેંકડો લોકોની સુવિધા જ બંધ કરી દેવી એ અયોગ્ય અને અણઘડ વહીવટનો નમૂનો છે, અને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, એમ કહી શકાય. આ કારણે જાહેર આરોગ્ય તથા સભ્યતા-સૌજન્યતા પર પણ ખતરો ઊભો થયો છે.

આ મૂરતડી બંધ થઈ જવાથી ઘણાં બહારના લોકો અથવા પોતાને કોઈ નજીકમાં રહેણાંક ન હોય તેવા લોકોને નાછૂટકે કોઈ ખૂણે ખાચરે જાહેરમાં લઘુશંકા કરવી પડે છે અને તે કારણે ગંદકી પણ ફેલાય છે, અને જાહેર આરોગ્ય પર પણ ખતરો ઊભો થાય છે. આમ છતાં સ્થાનિક શાસકો કે જવાબદાર તંત્રોનું રૃંવાડું યે ફરકતું નથી, તે પણ તાજ્જુબની વાત છે.

આ ઉપરાંત નગરપાલિકા હોવા છતાં નગરમાં બહેનો માટે યુરિનલ કે જાહેર શૌચાલયોની વ્યવસ્થા નથી, અને પુરુષોની જેમ નાછૂટકે પણ ગમે ત્યાં લઘુશંકા નરી કરી શકતી બહેનોને ગંભીર પ્રકારની માંદગી કે શારીરિક તકલીફ ઊભી થઈ શકે છે.

પુરુષો પણ ગમે ત્યાં નાછૂટકે લઘુશંકા કરે તેથી બજાર, શાકમાર્કેટ, શાળાઓ કે કોઈના કે પોતાના ઘરે જતી-આવતી બહેનો તથા લઘુશંકા કરનાર બન્નેને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જવું પડતું હોય છે, તેથી સૌજન્યતા તથા સભ્યતા પણ જોખમાય છે.

જે દીવમાલં ઝાડ ઉગ્યું છે અને જર્જરિત થઈ ગઈ છે, તે ઈમારત મૂળ રાજાશાહીના વખતમાં સબ-જેલ કે એવી કોઈ આરોપીઓને સંબંધિત ઈમારત હતી, અને દાયકાઓ પહેલા ત્યાં નવેસરથી ઈમારત બનાવીને આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન શરૂ થયું હતું, અને રાવલ માટે અલગ પીએસઆઈની જગ્યા પણ મંજુર કરાઈ હતી. તે દરમિયાન આ આઉટ પોસ્ટ પોલીસ ચોકીનું અન્યત્ર અદ્યતન મકાનમાં સ્થળાંતર થયું હતું, અને ત્યારથી આ ઈમારત બિનઉપયોગી અને જર્જરિત સ્થિતિમાં છે.

આ ઈમારત પોલીસ વિભાગ હસ્તક હોય કે માર્ગ-મકાન વિભાગ હસ્તક હોય, જે હોય તે, પરંતુ જે-તે વિભાગે આ ઈમારતનો જર્જરિત હિસ્સો પાડીને લોકો પરનું જોખમ હટાવવું જોઈએ. નગરપાલિકાને પણ આ પ્રકારની જર્જરિત ઈમાતર જેના હસ્તક હોય, તેના દ્વારા નોટીસ આપ્યા પછી પણ જોખમી હિસ્સો ન હટાવાય, તો સ્વયં નગરપાલિકા આ પ્રકારની જોખમી ઈમારત કે તેેનો જોખમી હિસ્સો પાડવાની સત્તા ધરાવે જ છે.

આમ છતાં આ પ્રકારની કોઈ કાર્યવાહી કર્યા વગર જ તેના બદલે જાહેર મૂતરડી જ બંધ કરી દેવી એ ક્યાંનો ન્યાય?

આ મુદ્દે ગામની કેટલીક સંસ્થાઓ તથા જાગૃતિ નાગરિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પછી પણ કાંઈ નહીં થાય, તો આંદોલન કરવા અને અદાલતના દ્વાર ખખડાવવાની તૈયારીમાં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે. આ મુદ્દે આ વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદ પણ હસ્તક્ષેપ કરીને રાવલના નગરજનો તથા મહિલાઓને લગતી આ સમસ્યાઓ દૂર કરાવે અને નગરમાં મહિલાઓ સહિત તમામ લોકો માટે યુરિનલ્સ તથા શૌચાલયો પૂરતા પ્રમાણમાં નિર્માણ કરે તેવી લોકોની માંગણી ઊઠી રહી છે. આ અંગે નિંભર તંત્રો તથા ચૂસ્ત શાસકો પ્રત્યે લોકોનો આક્રોશ વધી રહ્યો છે.

જો નવા યુરિનલ્સ અને શૌચાલયો બને, તો તે મૂતરડી સુવિધા સાથે અદ્યતન હોય અને 'પે-એન્ડ યુઝ' નહીં, પરંતુ નિઃશુલ્ક હોય, સારી ગુણવત્તાવાળા હોય અને તેની નિયમિત સફાઈ થાય, પાણીની પૂરતી વ્યવસ્થા રહે તે પણ અત્યંત જરૂરી છે. અત્યારે જે મૂરડી બસ સ્ટેનડ પાસે છે, તેની સફાઈ પણ નિયમિત થાય તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh